
કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી
આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :
તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી. પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું.
વહેલી પ્રભાતે પંખીઓનાં કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યનાં કિરણોના પોશાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જ્યારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટનાદમાં છુપાઇને હું તમારું સ્વાગત કરું છું અને એમને ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતનાં પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.
સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી, અને સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ ?
– વજુ કોટક
વજુ કોટક – પ્રભાતનાં પુષ્પોઅમે માટીમાંથી આવ્યા હતા અને માટીમાં મળી ગયા છીએ. એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતાં?
ફરી એ જ માટીમાંથી પ્રભાતનાં પુષ્પો સ્વરૂપે હું તમારી સમક્ષ રજૂ થયો છું. કહી દઉં છું કે મારાં રૂપ, રંગ કે આકાર સાથે માયા ન બાંધતા, પણ જે સુવાસ લઇને હું આવ્યો છું એ જો અંતરમાં સંધરશો તો પછી તમને ચારેબાજુ આ સૃષ્ટિ પુષ્પોથી ભરેલી જ દેખાશે.
– વજુ કોટક
વજુ કોટક – પ્રભાતનાં પુષ્પોતારા તરફનો એક જ આંચકો અને મારો પતંગ કપાઇ ગયો. મને ખાતરી થઇ કે હું ઘણે ઊંચે પહોંચેલો પણ મારો માંજો કાચો હતો. આવા કાચા દોરના એકાદ ટુકડા સાથે, આજે તો મારું હ્ર્દય આકશમાં લથેડિયાં લઇ રહ્યું છે અને જે પક્ષીઓ મારું સ્વાગત કરવા આવ્યાં હતાં તે ચાલ્યા ગયાં છે.
અને આવી મારી દશા જોઇને તું આનંદના પોકાર પાડે છે કે, ‘કાપ્યો રે, કાપ્યો.’ આખરે જો આમ જ કરવું હતું તો પછી તેં મને તારી આગાસીમાં શા માટે ખેંચી ન લીધો? મારા દુંખનો પાર નથી, કારણ કે હું કયાં જઇને પડીશ તે હું જાણતો નથી. આકાશમાં હું ભટકી રહ્યો છું પણ પળે પળે મારી ગતી જમીન તરફ ઢળી રહી છે અને મને પકડવા માટે અનેક આત્માઓ કૂદી રહ્યા છે.
કેવી આ જિંદગી છે! કાપે છે કોઇ અને પકડવા દોડે છે બીજા …!!
– વજુ કોટક
વજુ કોટક – પ્રભાતનાં પુષ્પોમંદિરમાં દાખલ થતાં જ મેં એમને પૂછ્યું : ‘દેવ, કોઇ દિવસ નહિ અને આજે ઉદાસ કેમ? આપ તો પરમ આનંદનો અવતાર છે અને આ દુ:ખ શા માટે? શું કોઇએ આપનું અપમાન કર્યુ? શું આપની પૂજા બરાબર થતી નથી?’
આપે ગંભીર બનીને જવાબ આપ્યો, ‘વત્સ, અહીં જે કોઇ આવે છે તે મારી પૂજા જ કરવા આવે છે, સૌ કોઇ મારે માટે કંઇનું કંઇ લાવે છેપણ અ હું થાકી ગયો છું. ધૂપ, ચંદન, પુષ્પો, અગરબત્તી વગેરે વસ્તુઓથી અહીંનું વાતાવરણ પવિત્ર છે. ચારે બાજુ સુવાસ છે. પણ મને પગે પદવા આવનાર વ્યક્તિઓના હ્રદયમાં મેં કદી પણ સુવાસ જોઇ નથી અને તેથી જ હું મૂંજાઇ ગયો છું. અહીં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે પણ એ વખતે એમનું ધ્યાન ક્યા શેઠે ઓછી દક્ષિણા આપી એમાં ભટક્તું હોય છે.
– વજુ કોટક
વજેસિંગ પારગી – દીધું મને
સાવ લીલું ભલે પાન દીધું મને,
પાનખરનું સતત ભાન દીધું મને.
ઊડતું છાપરૂં તૂટતી ભીંત દઇ,
ઘર બચાવોનું અભિયાન દીધું મને.
લાખમાંથી ફળી એક પણ ના કદી
આશનું વ્યર્થ વરદાન દીધું મને.
કાળ વંટોળમાં ધ્રુજતા હાથથી,
પળ પકડવાનું ફરમાન દીધું મને.
આંધળી આંખમાં સૂર્યનું સ્વપ્ન દઇ,
દોદળું એક સંધાન દીધું મને.
હૈયે દીપક છે ને આંખમાં છે મલાર,
ના શકું ગાઇ એ ગાન દીધું મને.
– વજેસિંગ પારગી
વજેસિંહ પારગી – અનાથ બાળકને
પેટ ભૂખ્યું છે
હાથ ખાલી છે
એવું બધું ભૂલી જા.
તું જન્મ્યો નહોતો ત્યારે
તારે ક્યાં કોઈ જરૂરિયાત હતી ?!
જ્યાં જગા મળે ત્યાં
ટૂટિયું વાળીને સૂઈ જા
માના ગર્ભમાં સૂતો હોય એમ !
તારા જેવા અનાથ માટે
ઉપર આભ ને નીચે ધરતી
એટલો સહારો કંઈ ઓછો નથી.
તારી ખોબોક જરૂરિયાત માટે
પૃથ્વી પર કલ્પવૃક્ષ ઊગવાનું નથી.
તારું ખાલી પેટ ભરવા
કોઈ અન્નપૂર્ણા આવવાની નથી.
તારાં આંસુ લૂછવા
સ્વર્ગમાંથી દેવદૂત ઊતરવાનો નથી.
તારું મનોરંજન કરવા
પરી પાંખે બેસાડીને તને ઉડાડવાની નથી.
તારા આર્તનાદથી
કોઈનું કાળજું કોરાવાનું નથી.
તારા જીવતેજીવ
તારો ન્યાય તોળવા
કોઈ અવતાર આવવાનો નથી.
માણસાઈ મોહંજોદડોમાં દટાયેલી છે
ઈશ્વર દયાળુ છે
એવું માત્ર ધર્મગ્રંથોમાં છે
ને દેવદૂતો દંતકથા બની ગયા છે
કોઈના પર આશા રાખીને
વધુ દુઃખી ન થા.
બસ ટૂટિયું વાળીને સૂઈ જા.
માના ગર્ભમાં જીવતો હોય એમ !
– વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો – દાહોદ)
વજેસિંહ પારગી – બોધિસત્વ
બુદ્ધ થવાયે
નિત લડવું પડે
સ્વ સાથે યુદ્ધ.
– વજેસિંહ પારગી
વજેસિંહ પારગી – વલખાં
હું નથી ગૌતમી
કે નથી મને બુદ્ધે કહ્યું,
છતાં હું
મારી મરેલી આશાઓને
છાતીએ વળગાડીને,
ઘરે ઘરે ભટકું છું :
ચપટીક રાઇના દાણા માટે !
– વજેસિંહ પારગી
Dee - અછાંદસ કાવ્યોની એજ તો મજા છે.. ભારે ભરખમ અને અલંકારીક શબ્દોનો સહારો લીધા વિના સીધી સાદી સરળ રોજીંદી ભાષા વડે..માપ.. બંધારણ.. ગોઠવણ વિગેરેની જફામાં પડ્યા વિના બહુ જ ઓછા શબ્દોમાં પણ કેવી ચોટદાર રજૂઆત કરી શકાય !!
Jagruti - જ્યાં સુધી ભાવનાઓની અભિવ્યક્તિનો સવાલ છે, ત્યાં સુધી ભારે-ભરખમ અને અલંકારિક શબ્દોની કે માપ-માળખાની જરૂર ન હોય. અભિવ્યક્તિ છાંદસ હોય કે અછાંદસ, કોઇ ફેર નથી પડતો.
પણ –
કોઇને પણ ખોટી જોડણી કરવાનો અધિકાર નથી, છાંદસ અને અછાંદસ રચનાઓમાં. અને જેમને જોડણી પ્રત્યે વેરભાવ કે અરુચિ કે અણગમો હોય અથવા જેઓ જોડણીને તુચ્છ કે બિનજરૂરી માનતાં હોય અને જોડણીનું મહત્ત્વ ન સમજતાં હોય તેમણે વહેલી તકે ‘ઊંઝા’ ના શરણે જવું તેવો મારો નમ્ર અભિપ્રાય છે.
Dee - જોડણી પ્રત્યેનું તમારું જોડાણ, સંવેદન, વિવેક જોઈ જાણી અહોભાવ જાગે છે…
વત્સલ રસેન્દુ વોરા – સંબંધોનું જતન(ખાસ વત્સલ રસેન્દુ વોરાને આભારી છીએ આ લેખ અભિપ્રાયમાં મોકલવા બદલ)
કદાચ આ લેખ તમને લાગશે કે સંબંધ વિશે અમે સૌ જાણીએ છીએ પણ ખરેખર આપણે સૌ સંબંધોનાં જતન માટે પાંગળા અને ઇર્ષ્યાબખોર છીએ.
આપણે માનીએ છીએ કે સંબંધ બાંધવો એટલે કે, એક માત્ર ખાડો ખોદીને તેમાં કોઇ વૃક્ષ કે ફૂલ / ફળનું બીજ રોપવું એટલી જ ક્રિયા છે. આપણે બીજને રોપ્યાખ પછી પણ ઝાડ કે વૃક્ષ એમને એમ દરેક વાતાવરણની વચ્ચેો અડીખમ ઉભું રહેશે અને પોતાનો વિકાસ કે પોતાનો ઉછેરનો રસ્તોડ જાતે શોધી લેશે. આ બધી જ આપણી ભ્રામક માન્યચતાઓ અને ખૂબ જ મોટી ભૂલો પણ છે જે ભૂલોને આપણે કયારેય પણ સુધારી શકતાં નથી.
બે માણસો વચ્ચે ના સંબંધો એટલે બે ધબકારા વચ્ચેયનું ક્ષણિક અંતર છે જે ચૂકી જવાય તો આખું આયખું આપણે ગુમાવી દઇએ છીએ તેમ આપણે નાની અમથી ભૂલથી, ગેરસમજથી, અપેક્ષા રાખવાથી કે અન્યી કોઇ કારણથી આપણાં સંબંધોમાં ‘‘કલોટ‘‘ અનાયાસે જ ઉભાં કરી દઇએ છીએ. સંબંધો વિશેની આપણી સૌની માન્યંતા એટલે આપણને સૌન નજીકનો દૃષ્ટિ ભ્રમ થઇ જવો કે એમ કહો તો ચાલે કે આપણી નજીકની દૃષ્ટિી ટૂંકી અથવા તો ખામીયુકત થઇ ગઇ છે. કારણ કે, જે સંબંધ બાંધવામાં તમે જેટલી તત્પરતા દેખાડો છો તેનાથી પા-ભાગની માવજત ગણો કે જતન ગણો તે આપણે કરી શકતાં નથી.
સંબંધોની ઓળખાણ કયારેય રૂપિયા નથી, કયારેય મિલકત નથી, કયારેય કોઇ મોંઘીદાટ વસ્તુડ નથી કે જેનાથી તમે સંબંધોને મજબૂત બનાવી શકો. સંબંધ એટલે તો કોઇપણ જાતની અપેક્ષા, માગણી, આગ્રહ સિવાયનો ‘‘વન-વે‘‘ છે જેમાં તમારે સંબંધોના સંજોગોરૂપી રસ્તામ ઉપર સતત પસાર થતાં રહેવાનું છે કારણ કે, આજે તમે જે સંજોગોમાંથી પસાર થતાં હોવ ત્યાેરે તમને આ સંબંધોનો રસ્તોબ જ સાચો માર્ગ કે રાહ દેખાડે છે પછી ભલે તે ‘‘વન-વે‘‘ હોય. નિ-સ્વાર્થ સંબંધોના રસ્તાપ ઉપર કયારેય કોઇ લાલ, લીલી કે પીળી બત્તી નથી હોતી કે તે સંબંધોના રસ્તામની ઉપર કયારેય અપેક્ષા કે માગણીના ઝીબ્રા ક્રોસિંગ પણ નથી હોતાં. તેથી જ આવા સંબંધોના રસ્તા ઉપર માણસ પોતાના સંબંધો, કોઇપણ જાતના પૂર્વાગ્રહ વિના હેમખેમ આવન-જાવન કરી શકે છે.
સંબંધોમાં પણ દરેક માણસની એક મર્યાદા હોય છે. પછી તે શારીરિક હોય કે માનસિક હોય. શારીરિક અને માનસિક મર્યાદા હોવાથી કોઇપણ સંબંધોમાં લેશમાત્ર ઘટાડો નથી આવતો પરંતુ જો તમારી બૌદ્ધિક મર્યાદા તમારા સંબંધોની સામે આવશે તો તમારી વિચારસરણી જ તમારા સંબંધો માટે દુશ્મન બની જવાની છે. સંબંધો માટે જો વિચારવું જ હોય તો તેને હૃદયથી જ વિચારવું રહયું. જતું કરવાની ભાવના, વિશાળ મન, પરસ્પર સહકારની ભાવના અને એકબીજાની મર્યાદા જાણતા હોવા છતાં પોતાનું શ્રેષ્ઠેતમ આપવાની લાગણી જેવાં ‘‘કુદરતી ખાતરો‘‘ જો તમારી પાસે હશે તો તમે તમારા સંબંધોના વૃક્ષનું જતન સારામાં સારી રીતે કરી શકશો.
– વત્સલ રસેન્દુ વોરા સેકટર-૭/બી, ગાંધીનગર
Pragnaju -
ખૂબ સરસ
યાદ આવી પંક્તીઓ
ચાર પળનો ચટકો કયાંથી પાલવે?
શ્વાસના સંબધ રાખો, તો ખરા.
દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
-હરીન્દ્ર દવે (
વલ્લભ ભટ્ટ – મા પાવા તે ગઢથી ઊતર્યા(રાગ: ભીમ પલાસ, તાલ: ખેમટો)
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે,
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે,
મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા માળી તે આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા સુથીરી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે,
તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …
– વલ્લભ ભટ્ટ
વલ્લભ ભટ્ટ – રંગતાળી રંગતાળી
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.
મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી.
મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા મોતીઓના હારવાળી રે, રંગમાં રંગતાળી.
મા ધીના દીવડાવાળી રે, રંગમાં રંગતાળી.
મા માનસરોવરવાળી રે, રંગમાં રંગતાળી.
મા ચુંવાળના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબે આરાસુરવાળી રે, રંગમાં રંગતાળી.
મા કાળી તે પાવાવાળી રે, રંગમાં રંગતાળી.
મા કલક્ત્તે દિસે કાળી રે, રંગમાં રંગતાળી.
મા ભક્તોને મન વ્હાલી રે, રંગમાં રંગતાળી.
મા દૈત્યોને મારવાવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબા ને બહુચરા બેની રે, રંગમાં રંગતાળી.
ક્યાંય મળતી નથી જોડ તેની રે, રંગમાં રંગતાળી.
માને શોભે સોનાની વાળી રે, રંગમાં રંગતાળી.
માએ કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી.
માંહી અત્રીસ બત્રીસ જાળી રે, રંગમાં રંગતાળી.
તેમાં રત્નનો દીવડો કીધો રે, રંગમાં રંગતાળી.
માએ ઓઢણી કસુંબી ઓઢી રે, રંગમાં રંગતાળી.
મા ફરે કંકુડાં ઘોળી રે, રંગમાં રંગતાળી.
માંહી નાના તે વિધની ભાત રે, રંગમાં રંગતાળી.
ભટ્ટ વલ્લભને જોવાની ખાંત રે, રંગમાં રંગતાળી.
– વલ્લભ ભટ્ટ
વાડીલાલ ડગલી – હશે જો
હશે જો કર્ણો, તો જગ સકલ સંગીત બનશે;
અમી આંખોમાં જો, પથરપટમાં પુષ્પ ખીલશે;
મીઠી કિંતુ સાચી જીભ થકી ઘટે અંતર બધાં;
હશે હૈયું કૂણું, મલિન તનમાં મંદિર સદા.
– વાડીલાલ ડગલી
વારતા રે વારતા
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી
Deepikaa - Just reminded me of my motherhood – When I saw this poem I asked Dipt/Mehul whether they remembered it and we sang it altogether – wht fun to go back to good old days – I wld rather say in this fast life u joined us to sing together and be happy – thanx for the lovely effort – god bless u
વિચાર્યુ ના
વિચાર્યુ ના લધુ વયમાં
પછી વિધા ભણ્યાથી શું ?
ખરે વખતે ન કીધું તું
પછી કીધું ન કીધું શું.
લાંબી સફર ભલે છતાં થાક્યો નથી વિજય
અણજાણ ભોમથી કદી હાર્યો નથી વિજય
ખોલ્યાં છે બારણાં બધાં યે આવવા – જવા
સંબંધનો ય આગળો વાસ્યો નથી વિજય
અંધાર ઓગળ્યા પછી અજવાળું થૈ જશે
આકાશના ઉધાડને ખોળ્યો નથી વિજય
અણસાર આવતો નથી સાન્નિધ્યનો મને
મારી નિકટ છતાં તને ભાળ્યો નથી વિજય !
– વિજય સેવક
વિવેક - પોતાના નામનો રદીફ તરીકે પ્રયોગ ઘણા બધા શાયરોએ કર્યો છે પણ દરેક શેરમાં આ રદીફનો નિર્વાહ કરવો એટલું જ કઠિન બની રહે છે. આ ગઝલમાં બીજા-ત્રીજા શેરમાં રદીફનો સહેજે નિર્વાહ થઈ શક્યો નથી…
vijay sevak
- ભાઈ વિવેક,
મારી ગઝલયાત્રામાં રસ લેવા બદલ આભાર.
સંબંધનો આગળો ન વાસવો એ મુક્તિનું પ્રતિક છે. મુક્તિનું બીજું નામ વિજય છે.
ત્રીજા શેરના સાની મિસરામાં ખરો શબ્દ છે ‘ખાળ્યો’; ‘ખોળ્યો’ નહીં.
જેના આકાશનો ઉઘાડ થાય તેનો જ વિજય થાય.
હવે ‘થોડો’ નિર્વાહ થયો?
મેં તો માત્ર પ્રયત્ન કર્યો છે.
વિજય સેવક
ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.
જીવનભર એ કર્યું છે ને,
હવે અંતે ય બળવાનું ?
ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !
બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું જ ફળવાનું !
જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !
તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !
અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?
જનેતાએ જ શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !
– વિનોદ ગાંધી
વિનોદ ગાંધી – વાણી રે
પોથી ઉપર પિંડ મૂકો ને ઉપર છાંટો પાણી રે…
તુલસીની પાંદડીઓમાંથી ટપક્યાં કરશે વાણી રે…
બાર યુગોથી ઠરી ગયેલી
દિશા મંત્ર ગણગણશે રે…
હવા આમથી તેમ વીંઝાઇ
વસ્તર ઝીણું વણશે રે…
જીવને એવું સુખ થશે કે એને મંન ઉજાણી રે…
સમયસમયના દેશેપ્રદેશે
પથિક વેરશે વાચા રે…
કાચે માસે અવતરનારા
મરશે, ટકશે સાચા રે…
લેનારા તો લાખ પડ્યા, પરખંદા લેશે નાણી રે…
તુલસીની પાંદડીઓમાંથી ટપક્યાં કરશે વાણી રે…
– વિનોદ ગાંધી
pragnaju
- વિચાર કરતાં કરી દે તેવી વિનોદ વાણી
પોથી ઉપર પિંડ મૂકો ને ઉપર છાંટો પાણી રે…
તુલસીની પાંદડીઓમાંથી ટપક્યાં કરશે વાણી રે…
સુંદર્
Pancham Shukla - Very good. Perfectly of my choice and voice!
વિનોદ જોષી – મુંને એકવાર કાગળ તો લખ
ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
– વિનોદ જોષી
વિનોદ જોષી – વણઝારારે…. વણઝારા…… રે…. વણઝારા……
તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.
રે…. વણઝારા……
પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…
રે…. વણઝારા……
તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.
રે…. વણઝારા……
રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…
રે…. વણઝારા……
તારા ટેરવે તણાયા મારા તમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.
– વિનોદ જોષી
વિનોદ ભટ્ટ – તારી હાઇટનું કંઇક કર તો વિચારીએ..!(જન્મદિવસ મુબારક શ્રિ અમિતાબ બચ્ચનજી)
૮૦ અને ૮૫ વર્ષના, પોતાના પગ પર ઊભા નહીં રહી શકનાર, શ્રવણયંત્રની મદદ વગર પૂરું સાંભળી પણ નહીં શકનાર અને બોલતી વખતે જેમની જીભ ગરબા ગાતી હોય એવા આપણા પોલિટિશિયનો રાજકારણમાંથી ક્ષેત્રસંન્યાસ લેતા નથી.
એમને કોઈ કહેનાર નથી ને હજી જે પૂરાં ૬૫ વર્ષનો પણ થયો નથી એ અમિતાભ બરચન માટે
છાપાંવાળાઓ કાગારોળ કરી રહ્યા છે કે આ અમિતાભ તો જુઓ, આજે પાંસઠનો ઢાંઢો થવા
આવ્યો છતાં ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાનું નામ નથી લેતો, ઊલટાનું એનાથી પણ અડધી
ઉંમર ધરાવતી છોકરીઓ સામે હીરોગીરી કરે છે, નારયા કરે છે.
એ જૉ ફિલ્મોમાંથી ફારેગ થઈ જાય તો એનાથી ત્રીસ-ચાલીસ વર્ષ નાના છોકરાઓને અભિનય
શીખવાની તક મળે. શાહરુખ ખાન, આમિર ખાન તેમ જ પેલો બોડી બિલ્ડર સલમાન ખાન કે જે
અભિનયને બદલે પોતાની હરકતોને કારણે કેન્દ્રમાં રહ્યા કરે છે – આ બધાને તે વગર
કારણે પીળા પાડી રહ્યો છે. બહુ નુકસાન કરી રહ્યો છે, યુવાપેઢીને.
પણ એ તો અલગ અલગ બહાનાં હેઠળ પોતાની નિવૃત્તિને પાછી હડસેલી રહ્યો છે, પાછી ઠેલી રહ્યો છે. મારા ગીધુકાકાને વહેમ છે કે પોતાના એક માત્ર ચિરંજીવી અભિષેકની ચિંતાને લીધે તે ફિલ્મોમાંથી ખસતો નથી.
દીકરાને ફિલ્મલાઇનમાં તો ઘુસાડી દીધો, પણ ત્યાં એ લાંબુ ચાલશે કે કેમ? એની બાપ તરીકે તેને ફિકર હોય એમ બને. ઘણા વેપારીઓ, વકીલો યા ડૉકટરોના મંદબુદ્ધિ છોકરાઓ માંડ જમાવેલ ધંધાનો ઉલાળિયો તો નહીં કરી નાખે ને!
એવી ફડકને લીધે અસ્વસ્થ પિતાઓ વરચે વરચે સવાર-સાંજ પોતાની પેઢી પર આંટો મારી જતા હોય છે જેથી ધંધો ને ધાપો બંને જળવાઈ રહે. હું એક એવા ડૉકટરને ઓળખું છું જેનો બુંદિયાળ દીકરો દરેક પરીક્ષામાં દુબારા-ત્રિબારા કરીને માંડ ડૉકટર થયેલો.
આ દીકરો બીજે કયાંય તો ચાલે એવો નહોતો એટલે પોતાના દવાખાનામાં જ ટ્રેનિંગ માટે બેસાડતો. એકવાર ડૉકટર બાપને કોઈ કામસર ત્રણેક દિવસ માટે બહારગામ જવાનું થયું. આ જનરલ પ્રેકિટશનરનો કમ્પાઉન્ડર હોશિયાર.
તેને બાપે સૂચના આપી કે દીકરો કોઈ દર્દીને ભળતીસળતી દવા ના લખી આપે એ જૉજે. બાપા તો ગયા. એક દરદીને આ જુનિયર ડૉકટરે કમ્પાઉન્ડરને પૂછ્યા વગર જ બે પ્રકારની ગોળીઓ પડીકામાં બાંધી આપી.
દર્દીએ બહાર નીકળતા કમ્પાઉન્ડરને કહ્યું : `બાબાભાઈ ડૉકટરે બે જાતની ટેબ્લેટો આપી છે. એક રાત્રે સૂતા પહેલાં ને બીજી સવારે જાગું તો -’ એટલે -એટલે અમિતાભના મનમાં ઊંડે-ઊંડે એમ હોય કે પુત્ર મારી આંખ સામે જ ફિલ્મોમાં ચાલી જાય.
મારી બે આંખની શરમ ભરીને ફિલ્મોમાં કોઈ તેને નાના-મોટા રોલ આપે ને આપણા બેઠા બેઠા એ એનું પેટિયું કૂટી લે – બાકી આ ઉંમરે કોઈ ધંધો ના કૂટાય, એ.બી.સી.એલ.ની કળ હજી માંડ વળી છે.
એકટર-ડાયરેકટર રાજ કપૂર આ બાબતે થોડો વધારે ચતુર હતો. ઢબ્બુ જેવા દીકરાઓને કોઈ કામ આપી આપીનેય કેટલું આપે! એટલે પછી કોઇની દાઢીમાં હાથ ઘાલવાને બદલે એમને ઠેકાણે પાડવા જ તે ફિલ્મો બનાવતો. એ છોકરાઓ પણ જુઓને, પોતાની યુવાનીમાં જ કેવા નિવૃત્ત થઈ ગયા! આજકાલ તે પિતાશ્રીએ હોંશથી બાંધેલ આર.કે. સ્ટુડિયો જમી જવાની પેરવીમાં છે.
રિટાયર્ડ નહીં થવાનું કારણ આપતા અમિતાભ જણાવે છે કે આર્થિક ભીંસ અને અસલામતી એક વખત ભોગવી છે તે ફરી નથી ભોગવવી, નથી વેઠવી. આપણે જાણીએ છીએ કે ગરીબ માણસને ગરીબીની બીક નથી લાગતી. ગરીબને વધારે ગરીબ થવાનો ડર પણ નથી હોતો.
કિન્તુ ગરીબમાંથી એકવાર શ્રીમંત થઈ ગયા પછી જાહોજલાલી ભોગવવાની ટેવ પાડતાં પાડતાંમાં ફરી વખત એ જ જૂની ગરીબીનો કાળમુખો ચહેરો જૉવાનું માણસને સહેજ પણ પસંદ નથી – ગરીબીને તે ધિક્કારવા માંડે છે.
ચાર્લી ચેપ્લિન એનો જીવંત દાખલો છે. ગરીબી ફરી પાછી આવીને ગળે પડશે એવા ભયને કારણે ચાર્લી સ્વભાવે ઘણો ચિંગૂસ થઈ ગયો હતો. તેની પાસે લખલૂટ ધન હોવા છતાં કોઇને બે ડૉલર જેટલો ધર્માદો કરવાનો પ્રસંગ આવે ત્યારે તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જતું.
જૉકે કંજૂસ માણસ માટે કહેવાય છે કે તેના જેવું કોઈ ઉદાર નથી. તે કાયમ બીજાઓ માટે પોતાનું ધન છોડતો જાય છે. પણ લાગે છે કે અમિતાભ બરચન કંજૂસાઈની હદે અસલામતીનો ભોગ નહીં બન્યો હોય કેમ કે આજના ૨૫ જુલાઈના છાપામાં સમાચાર છે કે અમિતાભે બારાબંકીમાં આવેલી પોતાની જમીન ગામમાં વિધાલય બનાવવા દાનમાં આપી દીધી છે.
બાકી તો જે માણસે મરિન ડ્રાઇવના એક બાંકડા પર ભૂખે તરફડતા બે રાત વિતાવી હોય એ એક સમય કંજૂસ થઈ જાય તો એ કંજૂસાઈ પણ માફ છે. એ દિવસોમાં તેના ખિસ્સામાં ખિસ્સુ પણ નહોતું. વરલીની સિટી બેકરીમાં અડધી રાતે બિસ્કિટના ભાવ અડધા થઈ જતા હતા.
ચાર આનાના બિસ્કિટ બે આનામાં મળી જતા. પાસે બે આનાનો વેંત હોય ત્યારે કેટલાય દિવસો સુધી તે આખો દિવસ ભૂખ્યો રહી અડધી રાત થવાની, બિસ્કિટ અડધા ભાવે મળવાની રાહ જૉયા કરતો. દિવસ ન ઊગે એ માટેય કદાચ ઉપરવાળાને પ્રાર્થના કરતો હશે!
સવાર, બપોર, સાંજ કામ મેળવવા તે એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોનાં ચક્કર કાપતો. કામને બદલે તેને સલાહો મળતી. કોઈ લાંબા-મોટા પગ ધરાવતો માણસ પગરખાંની દુકાને જાય ત્યારે દુકાનદાર તેને કહેતો હોય છે કે માફ કરજૉ, તમારા માપના બૂટ (યા ચંપલ) મારી પાસે નથી. એ રીતે અમિતને પણ નિર્માતાઓ દ્વારા કહેવામાં આવતું કે ભાઈ, તારી હાઇટ જૉડે મેચ થાય એવી હિરોઇન લાવું કયાંથી? તારી જૉડે કોઈ હિરોઇન કામ નહીં કરે.
તું તો કવિ હરિવંશરાય બરચનનો દીકરો ને? બાપના કવિતાના ધંધામાં પડ, ત્યાં નભી જઇશ. આમાં તારું કામ નહીં. કોઈ વળી મજાકમાં એમ કહેતું કે તારી હાઇટનું કંઇક કર તો વિચારીએ. શેઠ તારાચંદ બડજાત્યા (રાજશ્રી પ્રોડકશન), પ્રમોદ ચક્રવર્તી, શકિત સામંત અને બી.આર. ચોપરા વગેરેએ તેને હતાશ-નિરાશ કરવા યથાશકિત પ્રયાસ કરેલો.
પણ ફિલ્મલાઇનમાં તો આવું બધું હોય એમ માનીને તેણે નિર્માતાઓની ઓફિસે, નિરાશ થયા વગર ભટકવાનું ચાલુ રાખ્યું. ફિલ્મોમાં માણસો નસીબથી ચાલે છે, ટેલેન્ટનો વારો તો ત્યાર પછી આવે છે – ટેલેન્ટને પણ વાટ જૉતા લાઇનમાં ઊભા રહેવું પડે છે.
રાજેન્દ્રકુમાર, જિતેન્દ્ર, ભારત ભૂષણ અને ધર્મેન્દ્ર આનાં જવલંત ઉદાહરણો છે. અરે અમિતાભ બરચનને પણ પોતાની પ્રતિભાનાં દર્શન કરાવવા માટે તેનું નસીબ ખૂલે ત્યાં સુધી રાહ જૉવી પડી હતી. શ્નજંજિર’ ફિલ્મમાં અમિતાભને આપવામાં આવેલ રોલ માટે પ્રથમ પસંદગી ધર્મેન્દ્ર પર ઢોળેલી. તેણે ના પાડી. ત્યાર બાદ દેવ આનંદને પૂછ્યું. તેણે નન્નો ભણ્યો.
રાજકુમારે તો વાત કરવાની જ ના પાડી દીધી. દીકરી માટે ડૉકટર, સી.એ. કે એન્જિનિયર મુરતિયો હાથ ના મૂકવા દે એટલે પછી મન વાળવા સિમ્પ્લી બી.કોમ. છોકરાથી મા-બાપ મન વાળે એમ પ્રકાશ મહેરાએ મન મનાવી અમિતાભને આ ભૂમિકા આપી. એ જ રીતે `શોલે’માં પણ અમિતને અપાયો એ રોલ શત્રુધ્ન સિંહાને સૌ પહેલાં ઓફર થયેલો. મિલ્ટ સ્ટાર્સની ભીડમાં પોતે ખોવાઈ જશે એ ભયે શત્રુએ ના પાડી.
ફિલ્મોમાં જ નહીં, રાજકારણની ભીડમાં પણ શત્રુ આજે તો શોઘ્યો જડતો નથી. રાજેશ ખન્નાની પણ અત્યારે એ જ હાલત છે. પણ શત્રુ અમિત માટે મિત્ર સાબિત થયો, એ ભદ્રા અમિત પામ્યો – કોઇનું મીંઢળ કોઇના હાથે!
અમિત નવોસવો હતો. એકટર તરીકે તે હજી ઊગી રહ્યો હતો, નવરો હતો એટલે ભાવતાલ કર્યા વગર જે કોઈ નિર્માતા મુઠ્ઠી વાળીને જે રકમ આપે તે પોતાના ખાલી ખિસ્સામાં સેરવી દેતો. આટલા રૂપિયાના કેટલા બિસ્કિટ આવે એનો હિસાબ તે મનમાં માંડતો હશે!
`બોમ્બે ટુ ગોવા’ ફિલ્મમાં નાયક તરીકે જિતેન્દ્રને લઈ શકાત, પણ એ દિવસોમાં એનો બજારભાવ ત્રણ લાખ રૂપિયા હતો ને તે એકિટંગ નહીં કરવાની આટલી રકમ માગતો. અભિનયના ક્ષેત્રે તે તદ્દન નિર્દોષ હતો તો પણ તેનો આટલો ઊંચો બજારભાવ હતો (જે રીતે આજે સચિન તેંડુલકર નહીં રમવાના પૈસા લે છે).
જયારે અમિતાભનું બજાર તો હજી ખૂલ્યું જ નહોતું, પછી ભાવનું શું પૂછવાનું! આ ફિલ્મ શ્નબોમ્બે ટુ ગોવા’માં કામ કરવાના તેને માંડ રૂપિયા સાડા સાત હજાર મળેલા. `આનંદ’ અને શ્નપરવાના’ માટે ત્રીસ-ત્રીસ હજાર મળ્યા હતા. તો `જંજિર’ ફિલ્મે તેને પચાસ હજાર અપાવેલા.
અમિતાભ બધાને કિફાયતી, પ્રમાણમાં ઘણો સસ્તો પડતો, આર્થિક રીતે પરવડતો અભિનેતા હતો, એટલે જ ધીમે ધીમે તે શ્નમોસ્ટ વોન્ટેડ’ થઈ ગયો. પોતાનું શોષણ તે મોકળા મને થવા દેતો. પોતાનું મન કદાચ એ રીતે મનાવતો હશે કે પિતાશ્રીને કવિતામાંથી મળે છે એ કરતાં તો વધારે મળતર છે ને!.. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોના વિવિધભારતી સ્ટેશનને અમિત પોતાનું ગળું ભાડે આપતો.
હાસ્ય નટ આગાના પુત્ર જલાલ આગાની એડ્વર્ટાઇઝિંગ કંપનીમાં તે નિર્લોન અને હોર્લિકસ વગેરેની નાની નાની એક કે બે મિનિટની જાહેરાતો તેના અવાજમાં રજૂ કરતો. એક પ્રોગ્રામના તેને ૫૦ રૂપિયા (અંકે રૂપિયા પચાસ પૂરા) મળતા. પણ –
પણ ઓછા દામ મળે એટલે કામમાં વેઠ ઉતારવાની એવું નહીં. તે દિલ રેડીને અભિનય કરતો. પ્રકાશ મહેરાએ `જંજિર’નો એક પ્રસંગ વર્ણવ્યો છે : શ્નઅમિત સાથે તે પહેલો જ દિવસ હતો. શૂટિંગ ચાલી રહ્યું હતું. પોલીસ સ્ટેશનનું દ્રશ્ય હતું. પ્રાણ પ્રવેશ કરે છે.
પોલીસ ઇન્સ્પેકટર અમિતના ટેબલ સામે રહેલી ખાલી ખુરશીમાં બેસવા માટે એ આગળ વધે છે. અમિત પ્રાણને બેસવાની તક આપ્યા વગર ખુરશીને લાત મારીને કહે છે : `યહ પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં…’ એ શોટ પૂરો થઈ ગયો. પછી પ્રાણ હાથ પકડીને મને દૂર લઈ ગયા, ને ગંભીરતાથી બોલ્યા : શ્નપ્રકાશ, હું વર્ષોથી ફિલ્મોમાં અભિનય કરું છું.
હું આજે તને કહી રહ્યો છું કે હિન્દી ફિલ્મોમાં એક મહાન અભિનેતા આવી ચૂકયો છે. એક અ¼શ્ય દીવાલ પર કોતરાયેલી લિપિ હું વાંચી શકું છું. અમિતાભ એક સારો અભિનેતા નહીં, એક ગ્રેટેસ્ટ સ્ટાર તરીકે ઝળહળી ઊઠશે.’
મારા ગીધુકાકા કહે છે કે અમિતાભને બે પૈસા કમાવાના દિવસો હજી હવે આવ્યા છે. એક નંબરની અને બે નંબરની એમ બંને લક્ષ્મીઓ તેનાં બારણે ટકોરા મારી રહી છે. રેડિયોવાળા જાહેરાતનાં માંડ પચાસ રૂપરડી આપતા હતા એને બદલે ટીવીવાળાઓ એ જાહેરાતના પચાસ લાખ રૂપિયા સામેથી આપે છે.
તે બેકાર હતો, કામ માટે ચોતરફ ફાંફાં મારતો હતો ત્યારે જ તો તે પાટર્ટાઇમ રિટાયર્ડ હતો. હવે તે શબ્દાર્થમાં પ્રવૃત્ત થયો છે ત્યારે તમે તેને એવું પૂછો છો કે અમિત, તું નિવૃત્ત કેમ નથી થતો?
– અને છેલ્લે વિનોદ ભટ્ટની એક વિનોદ કથા : ટહુકે ટહુકે વસંત : `બાગમાંના ઝાડની એક ડાળ પર એક નર કોકિલ ચૂપચાપ બેઠો હતો. એ નર કોકિલને ઠપકો આપતા મેં કહ્યું : શ્નઆમ ખામોશ બેસી રહેવાને બદલે તારે ટહુકવું જૉઇએ… તું નહીં ટહુકે તો વસંત નહીં આવે, કોકિલ… આમ કેમ કરે છે?’
ત્યારે મારી સામે જૉઈ ગ્લાનિભર્યા અવાજે તે બોલ્યો : `મિત્ર, મારા ટહુકાથી હવે કયારેય વસંત આવી શકશે નહીં…’ `શું વાત કરે છે? કોયલના ટહુકે વસંત ન આવે! અશકય… કેમ ન આવે?’ મેં પૂછ્યું. `કેમ કે આ ગઈ પહેલી તારીખથી હું રિટાયર્ડ થઈ ગયો છું…’ કહી તેણે આંખો બંધ કરી દીધી.
– વિનોદ ભટ્ટ
વિનોદ ભટ્ટ – દરેક સફળ પુરુષની પાછળ…એ વખતની કેટલીક સ્ત્રીઓ પણ એવું માનતી કે ઈશ્વરે તેને જવાહરલાલ માટે જ ઘડી છે, તે જવાહરનું પણ ઞવેરાત છે
એક અંગ્રેજી કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે ને એ
સ્ત્રીની પાછળ તેની પત્ની હોય છે. નસીબદાર સફળ પુરુષોની પાછળ એક નહીં, અનેક
સ્ત્રીઓ હોય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ કિલન્ટનની પાછળ એક ડઞન કરતાં
વધારે સ્ત્રીઓ હતી. આની જાણ થતાં અમેરિકન પ્રજાને કિલન્ટનની ઇષાર્ થવાને બદલે
તીવ્ર આઘાત લાગ્યો હતો. અમેરિકન પ્રજા આવી બધી નાજુક બાબતોમાં અત્યંત
સંવેદનશીલ છે. પ્રમુખના ચારિત્ર્યના મુદ્દે તે જરાય બાંધછોડ નથી કરતી. પ્રજા
પોતે ભલે ગમે તેમ વર્તે, કયારેક છાનગપતિયાં કરી લે પણ તેમનો પ્રમુખ તો સ્ત્રી
અને શ્રી (પૈસા)ની બાબતમાં મુઠ્ઠીઊંચેરો જ હોવો જૉઇએ. યથા પ્રજા તથા રાજા
જેવું તે હરગીઞ ચલાવી ન લે. પોતાના પ્રમુખ વિશેની અપ્રિય, ગંદી-ગોબરી વાતો
જાણીને પ્રજા બેચેન થઈ જાય છે.
જયારે આપણી પ્રજા આવી બધી વાતોમાં આઘ્યાિત્મક વલણ ધરાવે છે, પ્રજા પ્રમાણમાં
ઉદાર પણ છે. કટોકટી જાહેર કરનાર ઇન્દિરાજીને તેણ્ો બીજી વખત પણ વડાપ્રધાનની
ખુરશી આપી હતી, એમ વિચારીને કે મરશે, બીજૉ કોઈ રસ્તો નહીં સૂઝ્યો હોય ત્યારે
હતાશ થઇને ખુરશી બચાવવા બાપડીને ઇમર્જન્સી લાદવી પડી હશે ને! એનો આત્મા રાજી
થતો હોય તો ભલે, બીજી વાર એનો વાસનામોક્ષ કરી નાખીએ. કરી નાખ્યો… નરસિંહરાવ
પ્રમાણમાં મીંઢો માણસ. એ મૌનીબાબાએ મોઢેથી નહીં તો છેવટે ઇશારાથી પણ પ્રજાને
જણાવ્યું હોત કે વડાપ્રધાનની ખુરશી તેને માફક આવી ગઈ છે તો બાબાને પણ બીજી વાર
વડાપ્રધાન બનાવી દેત.
પ્રજા માટે કોઈ પણ માણસ ગુડ ફોર નથિંગ (નકામો) નથી હોતો. આજે તો આપણી પાસે નરસિંહરાવ કે બિગબુલ હર્ષદ મહેતા નથી પણ એ દિવસોમાં સૂટકેસ-કાંડ થયો એવામાં સરકારે એવી જાહેરાત કરેલી કે હવે તે ટૂંક સમયમાં રૂપિયા એક હજારની નોટો બહાર પાડશે. છાપામાં આ જાહેરાત વાંચીને એ ક્ષણ્ો મારા ગીધુકાકાએ કહેલું કે હવે મોટામાં મોટો ફાયદો હર્ષદ મહેતાને થશે, તેને મોટી સૂટકેસ નહીં ખરીદવી પડે, નાની સૂટકેસમાં પણ એક કરોડ રૂપિયા આરામથી સમાઈ શકશે. આટલી જ કોમેન્ટ. બસ, વાત પૂરી. આગળ કોઈ ચચાર્ જ નહીં.
ફલેશબેકમાં જઇને વાત કરીએ તો આપણા પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અમેરિકન પ્રેસિડેન્ટ હોત તો ત્યાંની પ્રજા ખળભળી ઊઠી હોત, ને તે વધુ લાં…બા સમય સુધી પ્રમુખ રહી શકયા ન હોત. જવાહરલાલમાં સ્ત્રીદાક્ષિણ્ય બહુ ઊંચા પ્રકારનું હતું. પં. નહેરુના અંગત અંગત કહી શકાય એવા એમ.ઓ. મથાઇએ તો લખ્યું છે કે નહેરુ પરિવાર ફકત એક જ સ્ત્રીથી બંધાયો નથી. એક સ્ત્રીના સિદ્ધાંતમાં તે માનતા નહોતા. જવાહરલાલ તો હતા પણ ફૂટડા. સામે ઊભેલ સુંદરીને તે ‘ફીલ’ કરાવતા કે તે સ્ત્રી છે. એ વખતની કેટલીક સ્ત્રીઓ પણ એવું માનતી કે ઈશ્વરે તેને જવાહરલાલ માટે જ ઘડી છે, તે જવાહરનું પણ ઞવેરાત છે.
સરોજિની નાયડુની મોટી પુત્રી પદ્મજા નાયડુના જવાહરલાલ સાથેના સંબંધો એ સમયમાં બહુ ચગ્યા હતા. પ્રિયદિર્શની ઇન્દિરા એ વખતે નાનાં, પણ એટલાં બધાં નાનાં નહોતાં કે પદ્મજાની હરકતો સમજી ન શકે. તેમના પિતા જૉડે પદ્મજા જાહેરમાં ફરે એ ઇન્દિરાને ગમતું નહીં, પણ લાચારીથી આ ¼શ્યો તે સાક્ષીભાવે જૉયાં કરતાં. ના પિતાજીને રોકાય, ના પદ્માઆન્ટીને ટોકાય. એવામાં સરોજિની નાયડુએ એવી વાત પણ વહેતી મૂકી હતી કે જવાહરલાલ વેડિંગ રિંગ સાથે પદ્મજાને મળવાના છે, તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવાના છે. જૉકે આ વાતમાં ખાસ વજૂદ નહોતું કેમ કે પદ્મજાને પરણીને તે અન્ય સ્ત્રીઓનું દિલ તોડવા નહોતા ઇરછતા.
આ કારણ્ો પંડિત નહેરુ લખનઉની ઊડતી મુલાકાતે ગયા ત્યારે લેડી માઉન્ટબેટન સાથેના નહેરુના સંબંધો વિશે જાણી પદ્મજાનું દિલ તૂટી ગયું. ઘડીભર તો આત્મહત્યા કરવાનો વિચાર પણ આવી ગયો, ત્યાં જ એમ.ઓ. મથાઇએ આપેલી માહિતી પદ્માને યાદ આવી ગઈ : ‘નહેરુ પરિવાર માત્ર એક જ સ્ત્રીથી બંધાયો નથી.’ આવા પુરુષની પાછળ પ્રાણ ન્યોછાવર કરવાથી લયલા, જુલિયેટ કે સોહનીનું સ્ટેટસ નહીં મળે એનું જ્ઞાન થતાં પછી આ રીતે મરવાનું પદ્માએ માંડી વાળ્યું ને મનોમન નક્કી પણ કરી નાખ્યું કે હવે તો જયારે પણ મરીશ ત્યારે કુદરતી મોતથી જ મરીશ… તેમણ્ો ઇન્દુને બોલાવીને કહી દીધું હતું કે નહેરુએ તેમને લખેલ પત્રો તે પરત કરવા માગે છે.
આ સાંભળી ઇન્દિરાજીએ તેમને જણાવ્યું હતું કે ભલે, તમે એક મોટા પરબીડિયામાં નાખીને એ કાગળો મને આપી દો, એમને હું તે હાથોહાથ પહોંચાડીશ, પ્રોમિસ. (એ જમાનામાં કુરિયર સિર્વસ હોત તો શકય છે કે પદ્માબહેને ઇન્દુને આ તકલીફ ન આપી હોત, ઉપરાંત આ પત્રો પહોંરયાની રસીદ પણ કુરિયર પાસેથી મળી હોત. ખેર!) પછી એ પત્રોનું શું થયું એની કોઈ વિગતો બહાર આવી નથી કારણ કે આ કિસ્સો ભારતનો છે. અહીં તો બીજાના શું, પોતાના પર આવેલ કાગળો પણ લોકો રસથી વાંચતા નથી. બાકી આ કિસ્સો જૉ ઇંગ્લેન્ડ કે અમેરિકામાં બન્યો હોત તો આ પત્રો લાખો પાઉન્ડ કે ડોલર્સમાં વેચાયા હોત. ચિર્ચલની બનાવટી ડાયરીના જૉ કરોડો ડોલર્સ ઊપજતા હોય તો નહેરુના અસલી પત્રોના મોંમાગ્યા દામ કેમ ન ઊપજે?
આ ઘટનાના એક વર્ષ બાદ પદ્મજાએ પં. નહેરુના બેડરૂમમાં લેડી માઉન્ટબેટનના બે ફોટા ટીંગાડેલા જૉયા. તેમનું મગજ ગુસ્સાથી ફાટફાટ થઈ ગયું. તેમને વિચાર પણ આવ્યો હશે કે એ લેડીને જ પેલી અનારકલીની પેઠે દીવાલમાં જીવતી જ ચણી લઉં, પણ એ શકય નહોતું. એટલે પછી તેમણ્ો પોતાની એક વિશિષ્ટ પ્રકારની મોટી તસવીર નહેરુના બેડરૂમમાં ફાયર પ્લેસની ઉપર એવી રીતે ટીંગાડી કે નહેરુને પદ્મજા જ દેખાય, લેડી માઉન્ટબેટન ઢંકાઈ જાય. અને પદ્મજાએ દિલ્હી છોડયું કે તરત જ નહેરુજીએ તેમની તસવીર પણ ખસેડાવી દીધી. જૉકે પં. નહેરુ સાવ નગુણા નહોતા. પાછળથી તેમને પિશ્ચમ બંગાળના ગવર્નર તરીકેનો હોદ્દો નહેરુએ જ આપ્યો હતો – સાથે પોતાને ‘ગવર્ન’ નહીં કરવાની કે એવી જ કોઈક શરત હશે, કદાચ.
પં. નહેરુને બુદ્ધિશાળી પુરુષો કરતાં સુંદર સ્ત્રીઓની કંપની વધારે ગમતી. જહોન કેનેડી તેમના સારા મિત્ર હોવા છતાં નહેરુજી અમેરિકા જતા ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ કેનેડી સાથે વધારે સમય ગાળવાને બદલે શ્રીમતી જેકવેલિન કેનેડી જૉડે વધારે સમય વિતાવતા. આની માનસિક નોંધ લેતા કેનેડીના સેક્રેટરીએ તેમને પૂછ્યું કે ‘આમ કેમ? આ નહેરુ કેમ તમારી પત્નીની જ આગળ-પાછળ ફયાર્ કરે છે?’ ‘ધિસ ઇસ ધ ટ્રબલ વિથ એવરી ઇન્ડિયન…’ (દરેક ઇન્ડિયનની આ જ તો મુસીબત છે…). કેનેડીએ ખભા ઉછાળીને આવું કહ્યું હતું. પોતાના પુસ્તક ‘હન્ડ્રેડ ડેઞ વિથ પ્રેસિડેન્ટ’માં સેક્રેટરીએ આ કિસ્સો લખ્યો છે.
ડોરોથી નોર્મન નામની ન્યૂ યોર્કની એંસી વર્ષની અતિ ધનવાન મહિલાએ ૧૯૮૪માં ‘હાઉસ એન્ડ ગાર્ડન’ મેગેઞિનને આપેલા ઇન્ટરવ્યૂમાં બેધડકપણ્ો જણાવ્યું હતું કે ‘હું નહેરુના પ્રેમમાં હતી, જૉકે અમારો પ્રેમ લફરાં પ્રકારનો નહોતો.’ નહેરુ માટે તેણ્ો કહ્યું હતું કે વિશ્વમાં તેઓ ઘણા જ દેખાવડા પુરુષ હતા, તેમનો કોઈ પણ ફોટો તેમની અસલ પ્રતિભા, તેમનો મિજાજ ઉપસાવી શકતો નથી. આ સ્ત્રીએ નહેરુ પર બે પુસ્તકો લખ્યાં છે. નહેરુચાચાના અવસાન પછીનાં વીસ વર્ષે ડોરોથી નોર્મને આ જાહેરાત કરેલી. કોઈ પણ વ્યકિતના આત્માને બોલાવનાર નિષ્ણાતની મદદથી આપણ્ો નહેરુચાચાને પૂછી શકીએ કે ડોરોથી નોર્મનનું નામ તમે સાંભળ્યું છે? તે પણ તમારી પ્રેમિકા હતી એવું કહે છે. એ તો રાણીનો હજીરો કહે, પણ ‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા’ હોવાનું અમે માનતા નથી એટલે તમને મોઢામોઢ પૂછીએ છીએ, જે હોય તે કહી દો. આમેય અમે તમારું શું બગાડી લેવાના હતા?
સરદાર વલ્લભભાઈ પટેલ કરતાં પં. નહેરુ વધારે ભાગ્યશાળી હતા. સરદાર વિશેનાં પુસ્તકો તો છેલ્લાં થોડાં વર્ષોથી લખાય છે પણ નહેરુ વિશે તેમજ તેમની સ્ત્રીમિત્રો વિશે ઘણા લેખકોએ પુસ્તકો લખ્યાં છે. (સરદાર વિશે આવું કે તેવું લખવા જેવું હોત તો લખનારા ઞાલ્યા રહેત!). ફ્રેન્ક મોરાઇસ, ડોરોથી નોર્મન, એસ. ગોપાલ, બી.આર. નંદા, એમ.જે. અકબર, તારીક અલી, એમ.ઓ. મથાઈ, મધુ લીમયે, સ્ટેન્લી વોલ્પર્ટ વગેરે લેખકોએ નહેરુચાચાને ગમતાં સ્ત્રી પાત્રો – મૃદુલા સારાભાઈ, બેગમ કુિલ્સયા, એડવિના માઉન્ટબેટન, સાઘ્વી શ્રદ્ધાદેવી, પદ્મજા નાયડુ વિશે લાંબી લેખણ્ો મોજથી લખ્યું છે.
બે મુસ્લિમ નેતાઓએ પણ એમની આત્મકથામાં નહેરુના સ્ત્રીસંબંધો વિશે લખીને તેમને ‘ઓબ્લાઇઞ’ કરવાની તક જતી કરી નથી. શેખ અબ્દુલ્લાએ ‘આતિશે ચિનાર’ પુસ્તકમાં સ્ત્રીઓ તરફના નહેરુના લગાવ વિશે (કદાચ મીઠી અદેખાઇથી) લખ્યું છે : ‘સ્ત્રીઓ તરફ નહેરુ કૂણું મન ધરાવતા હતા. ઘણી વખત સ્ત્રીમિત્રના આગમનને કારણ્ો તેઓ અગત્યની મીટિંગમાંથી બહાર નીકળી જતા હતા. તેમની આ આદતને કારણ્ો કેટલાક સાથીઓ રોષે પણ ભરાતા.’ જૉકે આ વાકય પણ તેમાં ઉમેર્યું છે : ‘તેમની સ્ત્રીમિત્રો બુદ્ધિહીન નહોતી.’ હવે તમે જ કહો કે રોમેન્ટિક માણસને તો સુંદર ઉપરાંત બુદ્ધિશાળી હોય તેની સાથેની મીટિંગ જ વધારે પિ્રય લાગે ને! એમાં એનો કંઈ વાંક ખરો?
એમ તો મૌલાના અબ્દુલ કલામ આઞાદે પણ પોતાની આત્મકથામાં નહેરુની મહિલામિત્રો વિશે બે પાનાં કચકચાવીને લખ્યાં હતાં, પણ હુમાયુન કબીરે તેમને સમજાવ્યા કે આપણ્ો નહેરુ વિશે ગમે તે માનતા હોઇએ, પણ તે આપણને મિત્ર ગણ્ો છે એટલે પછી કબીરના કહેવાથી તેમ જ નહેરુ તેમને મિત્ર માને છે એ યાદ આવવાથી મૌલાના આઞાદે બે પાનાં રદ કયાô હતાં.
આ તો ઠીક છે કે મૌલાના આઞાદે આત્મકથામાંથી પેલા બે પેજીસ કાઢી નાખ્યાં. ન કાઢયાં હોત તો ય એ કારણ્ો નહેરુચાચાની આબરુને કયાં ઊની આંચ પણ આવવાની હતી! એ દિવસોમાં પ્રજા ઊલટાની એ વાતે ખુશ હતી કે આપણને ગુલામ ગણતા ખ્રિટિશરોના પ્રતિનિધિ એવા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનની પત્ની એડવિના અમારા નહેરુચાચાના પ્રેમમાં કેવી પાગલ થઈ ગઈ. એક ઇન્ડિયન ગુલામના પ્રેમમાં! બહુ કહેવાય ને! માઉન્ટબેટનની પુત્રી પામેલાએ પણ તાજેતરમાં આની કબૂલાત કરી છે. પણ મારા ગીધુકાકા નિસાસો નાખીને કહે છે કે વિનિયા, આ પંડિત જવાહરલાલ નહેરુને જેટલો અનુરાગ સ્ત્રીઓ તરફ હતો એથી પચીસ ટકા જેટલો પ્રેમ પણ જૉ કાશ્મીર પરત્વે હોત તો કાશ્મીર અંગે આપણ્ો આજે આટલા રાંકડા ના થઈ ગયા હોત…!
– વિનોદ ભટ્ટ
વિનોદ ભટ્ટ – શું હું યુનિવર્સિટીનો દત્તક પુત્ર છું?ધણીનો કોઈ ધણી નથી હોતો એ રીતે પરીક્ષા લેનારનોય કોઈ પરીક્ષા લેનાર આ જગત મઘ્યે નથી
ગાંધીજીના અક્ષરો સારા નહોતા એમ એટલા બધા ખરાબ પણ નહોતા કેમ કે મહાદેવભાઈ
દેસાઈ, કાકાસાહેબ કાલેલકર કે કનૈયાલાલ મુનશી જેવાઓ તેમના અક્ષરો ઉકેલી શકતા
જયારે અક્ષરોની બાબતમાં સહેજ પણ નમ્ર થયા વગર કહું છું કે હું ગાંધીબાપુ કરતાં
એક ડગલું આગળ છું.
મારાં લખાણો એટલાં બધાં ગરબડિયા ને અવારય હોય છે કે ઘણીવાર તો મને ખુદને એ
ઉકેલવામાં આપદા પડે છે. જૉકે શાળા અને કોલેજકાળમાં મારા આવા નઠારા અક્ષરે
લખાયેલાં લખાણોને કારણે જ વહેલો-મોડોય આગળ ધપતો રહ્યો છું.
એ દિવસોમાં મેં એવો એક નિયમ રાખ્યો હતો કે પ્રશ્નપત્રમાં સવાલ ગમે તે પુછાયો હોય, જવાબ તો મને આવડતો હોય એ જ લખતો, વિગતે લખતો. કહેવતમાં કહ્યું છે ને કે લખ્યું વંચાય – જૉકે મારું લખેલું વાંચવાની ને ઉકેલવાની તો પરીક્ષકની ય તાકાત નહોતી.
વાંરયા વગર પેપર તપાસનાર ‘આ ખોટું છે’ એમ બબડી મારા જવાબ પર ચોકડું પણ ન મૂકી શકે એટલે ‘મરશે, આટલું બધું લખ્યું જ છે તો એ સાચું જ લખ્યું હશે ને!’ એવું વિચારી મને કાયમ બેનિફિટ ઓફ ડાઉટ – શકનો લાભ આપતા.
ક્રિકેટમાં અમ્પાયરોનો બેનિફિટ ઓફ ડાઉટ બેટ્સમેનને મળતો હોય છે એ રીતે અહીં પેપર લખનારને મળી જતો. જૉકે મને માંડ પાસિંગ માકર્સ મળી જતા. મારા મિત્રો મને ફેરતપાસ માટે પેપર ખોલાવવા કહેતા, પણ હું કંઈ એટલો બધો મૂર્ખ નહોતો કે ‘રિ-ચેકિંગ’ માટે યુનિવર્સિટીને લખું કારણ કે પેપરમાં મેં શું લખ્યું છે એની તો મારા સિવાય બીજા કોને ખબર હોય?
નીચલી કોર્ટના ચુકાદા સામે કેટલાક આરોપીઓ આવા જ કારણસર અપીલ નથી કરતા, પગ પર કુહાડો નથી મારતા પણ- પણ પોતે પેપરમાં શું લખ્યું છે એની ખબર પાકી હોય એવા આત્મવિશ્વાસથી ભરેલા પરીક્ષાર્થીની વાત ન્યારી છે. તાજેતરમાં એમ.એ. પાર્ટ-૧ (હિન્દી)ના વિધાર્થીનો કિસ્સો માત્ર ‘દિવ્ય ભાસ્કર’માં પ્રગટ થયો છે. એની વાત લખતા પહેલાં એમ.એ.માં (ગુજરાતી સાથે) અભ્યાસ કરતા એક વિધાર્થીની વાત કરું.
તેને મેં પૂછ્યું કે સુરેશ જૉષી અને સુરેશ દલાલ વિશે તું શું જાણે છે? તેણે જવાબ આપ્યો કે આ બે સુરેશમાંનો એક સુરેશ ગુજરી ગયો છે ને એક જીવે છે. કયો સુરેશ જીવે છે એની મને ખબર નથી. એમ તો આપણા કવિ પ્રો. ઉમાશંકર જૉશી એમ.એ.ના વિધાર્થીઓ પર મીઠો ગુસ્સો કરતા કેટલીકવાર કહેતા કે ‘અલ્યાઓ, કયારેક તો મને એવું ‘ફીલ’ કરાવો કે તમે એમ.એ.માં ભણો છો!’
હા, તો જામજૉધપુર ખાતે રહેતા ને ઉપલેટાની કોલેજમાંથી એમ.એ. ભાગ-૧ની પરીક્ષા આપનાર એક વિધાર્થીએ યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને વિચિત્ર પત્ર લખી પુછાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મને પરીક્ષામાં પાસ કરવાની હિંમત જ કેવી રીતે કરી શકી એ મને સમજાતું નથી કેમ કે આ વખતે પરીક્ષામાં નાપાસ થવા માટે મેં ઝનૂનપૂર્વક પ્રયાસ કર્યોહતો.
સોમાંથી ફકત ચાલીસ માકર્સના જ જવાબો લખ્યા હતા ને એ પણ તદ્દન ખોટા ને વધારે તો વાહિયાત હતા. એ પેપરમાં નાપાસ થવાના પાકા નિર્ણય સાથે હું બેઠેલો. એક પ્રશ્નના ઉત્તરમાં મેં ‘સાસ ભી કભી બહુ થી’ તેમ જ એવી જ બીજી સિરિયલોની વાર્તા લખી હતી. (એકતા કપૂરને પણ ખબર નહીં હોય કે તેની સિરિયલો કેટલી બધી એજયુકેટિવ છે).
પ્રશ્ન ૧થી ૩માં કશું જ નથી લખ્યું. એક પ્રશ્ન કાવ્યાનુવાદની સમસ્યાના જવાબમાં મેં મારા મિત્રોની સમસ્યાઓ તેમનાં નામ-સરનામાં સાથે લખી નાખેલી અને મને એ પેપરમાં ૪૦માંથી ૩૬ માકર્સ આપવામાં આવ્યા છે. શા માટે? શું હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દત્તક લીધેલ પુત્ર છું?
સો માકર્સનું લખનાર મારા કેટલાક મિત્રો નાપાસ થયા છે ને જેને કોઈ જન્મારામાં ય પાસ ના કરાય એને તમે પાસ કરી દીધો! (એ પરીક્ષા-નિયામક તરીકે મારા ગીધુકાકા હોત તો એ છોકરાના બી.એ.નાં પેપર્સ પણ ખોલાવત, એ ચકાસવા કે એમાં કઈ કઈ સિરિયલોની વાર્તાઓ પેલાએ લખી છે).
એમ.એ.ની પરીક્ષા આપનાર એ ભોળુકા બાળકને ખબર નથી કે ધણીનો કોઈ ધણી નથી હોતો એ રીતે પરીક્ષા લેનારનોય કોઈ પરીક્ષા લેનાર આ જગત મઘ્યે નથી. મહાભારતવાળા આ પેલા દ્રોણ, એમણે શું કરેલું? એ વખતથી પાસ-નાપાસનું ડિંડક ચાલ્યું આવે છે.
ગુરુ દ્રોણે કૌરવો-પાંડવોની પરીક્ષા લીધી હતી. આપણે ત્યાં અત્યારે સો માકર્સના પ્રશ્નપત્રમાં દસથી બાર નાના-મોટા પ્રશ્નો પૂછવાનો રિવાજ છે. આ ગુરુએ તો એક જ સવાલ સો માકર્સનો પૂછી નાખ્યો, તે ય પાછો મૌખિક અને ફરજિયાત – નો ઓપ્શન.
‘સામેના ઝાડ પર તને શું દેખાય છે?’ એમાં અર્જુન વળી નસીબનો બળિયો તે એ અડસટ્ટે બોલી ગયો – ‘પંખીની આંખ’ ને તે પાસ થઈ ગયો. આ તો પેલા શિક્ષક જેવું થયું. આસપાસ ડાફોળિયાં મારતા એક વિધાર્થીને શિક્ષકે પૂછ્યું : ‘અલ્યા, બે સર્વનામ બોલ જૉ?’ પેલા છોકરાએ ગભરાઇને શિક્ષકને સામે પૂછ્યું : ‘કોણ, હું?’
‘શાબાશ…’ શિક્ષકે કહ્યું : ‘તું સાચો છે, કોણ અને હું એ બંને સર્વનામ છે…’ ગુરુ દ્રોણને અર્જુનના કિસ્સામાં પણ બરાબર આવું જ થયું હોવું જૉઇએ. તે પાસ થઈ ગયો ને બીજા ૧૦૪ છોકરા નાપાસ થયા. તેમ છતાં આવું કોર્સ બહારનું મનસ્વી પેપર કાઢવા બદલ દ્રોણને બરતરફ કરવામાં નહોતા આવ્યા. અરે, એક ‘મેમો’ સરખો પણ નહોતો આપ્યો.
જૉ આપ્યો હોત તો મહાભારતકારે ચોક્કસ એનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં ના કર્યોહોત? અને તમે એય જૉયું હશે કે દ્રોણ કેવા માથાફરેલ હતા? પેલા પછાત વર્ગના એકલવ્યને પોતાની સંસ્થામાં પ્રવેશ નહોતો આપ્યો.
(અહીં પછાત એટલે આર્થિક રીતે પછાત એમ સમજવું જેથી કોઇનું દિલ ન દુભાય). શકય છે કે ગુરુએ એની જાત માટે પણ ન કહેવા જેવાં વેણ કહ્યાં હશે.
તેમ છતાં પેલા ભલા છોકરાએ એટ્રોસિટી કે એવી કોઈ કલમ હેઠળ ગુરુ સામે કેસ ના કર્યો, છાનોમાનો જંગલભેગો થઈ ગયો. મારા હાસ્યલેખક મિત્ર રતિલાલ બોરીસાગર કહે છે તેમ એકલવ્ય પૃથ્વી પરનો પહેલો એકસ્ટર્નલ સ્ટુડન્ટ હતો. તેણે ગુરુ દ્રોણનું માટીનું પૂતળું બનાવી, આંખ સામે રાખી પૂજયભાવથી (અને કયારેક તો થોડા ગુસ્સાથી) ગુરુના સ્ટેરયુ સામે બાણ પર બાણ છોડી ધનુર્વિધામાં માસ્ટરી-મહારત મેળવી લીધી.
પછી આ શુભ સમાચાર આપવા તે ગુરુ પાસે આવ્યો એટલે વગર ભણાવ્યે ગુરુએ ગુરુદક્ષિણામાં તેનો અંગૂઠો કાપી લીધો. એ દિવસોમાં પણ શલ્યચિકિત્સા પ્રાપ્ય હતી. પણ એકલવ્યએ પ્લાસ્ટિક સર્જરી દ્વારા નવો અંગૂઠો મેળવેલો કે કેમ એ અંગે પણ વેદવ્યાસે મહાભારતમાં કશો ફોડ પાડયો નથી.
અલબત્ત માણસ ધારે તો અગાઉના જન્મના પાપનું પ્રાયિશ્ચત પછીના જન્મમાં પણ કરી શકે છે. ગુરુ દ્રોણે એકલવ્યને અન્યાય કરેલો તેને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ન્યાય મળે એ માટે આપણે તત્પર છીએ. આ લોકોને ન્યાય અપાવવા આપણી કેન્દ્ર સરકાર તો સાપેક્ષ ભાવે સુપ્રીમ કોર્ટ સામે પણ અત્યારે લડી રહી છે.
સાપેક્ષ ભાવે એટલા માટે કે જેને આપણે મા-બાપ ગણીએ છીએ એ સરકાર પોતાના બાળુડાઓને કશું એમ જ આપી દેવામાં નથી માનતી. તમે અમને મત આપો, અમે તમને અનામત આપીશું. વાત થોડી જૂની છે પણ મઘ્યપ્રદેશની સરકારે એકલવ્ય ગોત્રના એક વિધાર્થીને એન્જિનિયરિંગ કોલેજમાં નવસોમાંથી ફકત એક જ માર્ક લાવવા છતાં પ્રવેશ આપી દીધો હતો.
આ કોલેજમાં અમુક બેઠકો અનામત છે. આ કોલેજમાં એડમિશન મેળવવાની લાયકાતની કસોટી કરવા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી.
આ પરીક્ષામાં એક વિધાર્થી ૯૦૦ માકર્સમાંથી માત્ર એક જ માર્ક લાવ્યો હતો. આ પરથી એક વાત તો ચોક્કસ છે કે આ પ્રામાણિક વિધાર્થીએ તેની બાજુમાં બેઠેલા કોઈ વિધાર્થીના પેપરમાંથી ચોરી નહીં કરી હોય.
મને તો એવું પણ લાગે છે કે તેનું પેપર તપાસનાર પરીક્ષક કંજૂસ હોવો જૉઇએ. આપણે જાણીએ છીએ કે દરેક પેપરમાં સ્વરછતાના સોમાંથી પાંચ માકર્સ એક રિવાજ લેખે અલગ રાખવામાં આવે છે. પેપર તપાસનારે ધાર્યું હોત તો સોમાંથી નહીં, નવસોમાંથી પાંચ નહીં તો છેવટે ત્રણ માકર્સ તો મૂકી શકયો હોત.
જૉકે એ પણ શકય છે કે પરીક્ષકને કદાચ એ વાતની જાણ હશે કે તે એક તો શું, શૂન્ય માર્ક આપશે તોય આ તેજસ્વી વિધાર્થીનું તેજ હણાવાનું નથી, તેને એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી જ જવાનો છે અને ઝીરો અર્થાત્ શૂન્યની કિંમત શૂન્ય નથી હોતી, તેથી વધારે હોય છે એ તો વિજ્ઞાને પણ શોધી કાઢયું છે, સિદ્ધ કર્યું છે. અલબત્ત, આ બાળકને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે કેટલાક શિક્ષણશાસ્ત્રીઓએ કકળાટ કરી મૂકેલો કે આ છોકરો ભવિષ્યમાં એન્જિનિયર બની પુલ બાંધશે તો એ પુલ જૉતજૉતામાં તૂટી નહીં પડે? તૂટી પડે તો તૂટી પડે, સો વ્હોટ?
આ ગયા મહિને અમેરિકામાં અને પછી ચીનમાં એક પુલ આખેઆખો તૂટી પડયો એ શું કોઈ એક માર્કવાળા ઇજનેરે બાંધેલો! તો પછી!
મઘ્યપ્રદેશના એન્જિનિયરિંગના વિધાર્થીની નજીકનો જ એક કિસ્સો ગુજરાતમાં પણ વર્ષોઅગાઉ બની ચૂકેલ છે. તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો સુપુત્ર તુષાર ચૌધરી એ ગાળામાં મેડિકલમાં અભ્યાસ (!) કરતો હતો.
તે માત્ર પોસ્ટમોર્ટમ કે એવા જ કોઈ એક વિષયમાં પાસ થયો હતો, બાકી બધામાં નાપાસ. તો પણ તેને ઉપરના ધોરણમાં બેસાડવામાં આવ્યો હતો. એ વખતે કેટલાક વાલીઓએ કાગારોળ કરી મૂકી હતી – નાદાન લોકો – આ લોકોને એટલું ય ભાન નથી કે શિક્ષણના નિયમો રાજકારણમાં ચાલતા નથી! એ દિવસોમાં આ લખનારે પણ એક કલ્પનાચિત્ર દોર્યું હતું કે આ તુષાર ચૌધરી આ રીતે આગળ ધપતા સર્જન થઈ ગયા છે ને એક હોસ્પિટલ પણ ખોલી છે ને તે દર્દીની વાટ જૉતા હોસ્પિટલના ઓટલે ઊભા છે.
ત્યાં જ કેટલાક માણસો એક દર્દીને લઇને આવે છે. તેમની સામે જૉતા ડૉકટર ચૌધરી પૂછે છે : ‘શું કરવાનું છે? પોસ્ટમોર્ટમ કે ઓપરેશન?’ ‘આવું કેમ પૂછો છો સાહેબ?’ દર્દીનો સગો નારાજગીથી પૂછે છે.
‘આ તો હું એટલા માટે પૂછું છું કેમ કે પોસ્ટમોર્ટમના પેપરમાં મારા વધારે માર્ક આવેલા.’ ને આ ડૉકટર તુષાર કયારેક તેમના પિતાને ઇન્જેકશન આપવા જશે તો અમરસિંહ ચીસ પાડીને કહેશે, ‘ના, મને નહીં, તું માધવસિંહ (સોલંકી)ને ઇન્જેકશન આપી આવ.’
આપણે એ પણ જાણીએ છીએ કે જેની આયુષ્યરેખા લાંબી હોય તેને તો ડૉકટર પણ મારી શકતો નથી.
– વિનોદ ભટ્ટ
Pragnaju -
વિનોદ ભટ્ટ – શું હું યુનિવર્સિટીનો દત્તક પુત્ર છું?
. ધણીનો કોઈ ધણી નથી હોતો એ રીતે પરીક્ષા લેનારનોય કોઈ પરીક્ષા લેનાર આ જગત
મઘ્યે નથી ગાંધીજીના અક્ષરો સારા …
શરુઆતથી જ જકડી રાખે!
ખૂબ સરસ
યાદ આવી
સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભનાં અતિથિવિશેષ સ્ટીવ જોબ્સે પોતાના
દીક્ષાંત પ્રવચનથી યુનિવર્સિટીના સ્ટેડિયમમાં ઉપસ્થિત ત્રેવીસ હજારની મેદનીને
મંત્રમુગ્ધ કરી દીધી હતી.
માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ નહીં જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?
– વિપિન પરીખ
વિપિન પરીખ – એ લોકોએ
એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.
– વિપિન પરીખ
Jagurit
- આ તે કઈ જાત નિ સરખાંમણિ છે ? એકદમ જ ખરાબ કવિતા છે.
Mr. Parkish, it will be a good idea to try something except Poems.
વિવેક - શ્રી જાગુરિત અથવા જાગૃતિ,
આમાં સરખામણી ન કરવા જેવું શું છે? આ ત્રણેય મહાનુભાવો આપણી જેમ જ હાડ-માંસના બનેલા હતાં અને આપણે એમના જીવતે-જીવત એમની યોગ્ય કદર કરી ન શક્યાં… કવિનો ‘હું’ એ કવિ પોતે નથી, પણ ‘આપણે’ છીએ… આનાથી વધુ સારો વ્યંગ આપણી જાત પર બીજો કયો હોઈ શકે?
આ કવિતા આ રવિવારે જ દિવ્ય-ભાસ્કરમાં સુરેશ દલાલે વિપીન પરીખની કલમની તાકાત સ્વીકારીને પ્રગટ કરી છે જે આ કવિતાની લાયકાતનું યોગ્ય સર્ટીફિકેટ છે… સાચી વાત સહન ન કરી શકવું એમાં આપણી જ યહૂદીગીરી કે ગોડસેગીરી પ્રગટ થાય છે…
આપનો વિરોધ જ આ કવિતાની યથાર્થતા સાબિત કરે છે.
ઊર્મિસાગર
- વિવેકભાઇની વાત બિલકુલ સત્ય છે…
(પહેલાં શું લખવું એ સુઝ્યું નહિં એટલે માત્ર આપ્યું હતું… પણ વિવેકભાઇએ કહ્યુ
તેમ એ પણ પોતાને જ હસવા જેવું થયું!!)
કમ સે કમ, કવિ નિખાલસતાથી પોતે સત્ય ન બોલવાની મર્યાદાને સ્વીકારે છે, જે સ્વીકારવાની હિંમત પણ બધામાં નથી હોતી… મારી દ્રષ્ટિએ કવિએ પોતાની નહિ પણ ‘આપણા’ બધાની (સત્ય ન બોલી શકવાનાં કારણો વિશેની) પલાયનવૃત્તિને એકદમ સરળ શબ્દોમાં અદભૂત રીતે વર્ણવી છે.
Kartik Mistry - વિપિન પરીખની કવિતા સત્ય પ્રગટ કરે છે. જે લોગોને આ કવિતા ખરાબ લાગે તે મુર્ખ છે અથવા દંભી છે.
વિશાલ મોણપરા – બુઢાપો
જુવાની ભલે વીતી હોય દીલ તો હજી જુવાન છે
છીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે
ચાલને પ્રીયે જઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખ
હજી આંખ મંહી વિચરતા વિહંગની ઊડાન છે
હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીને
ભમરા પાસેથી ઉધાર લીધેલું એક ગાન છે
પ્રેમથી સીંચ્યુ તે મારા ઘર આંગણને કેટલું
તુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન છે
મોત પણ મુકી દેશે થાકીને હથીયાર હેઠાં
તારી સાડીના પાલવમાં છુપાવેલ મારો જાન છે
બુઢાપો એટલે સંસારનું પાકી ગયેલુ ફળ મીઠું
જુવાની જિંદગીની શાન છે તો બુઢાપો એક વરદાન છે
Vijay Shah
- Vishal Monpara has his own site http://www.vishalon.net and he is an
inventor of gujarati type pad which is very easy to use which is available
on his another site http://www.gurjardesh.com.
He definately writes very good.
you can see his poems on http://www.zazi.com
DEEPAK TRIVEDI
- દુઃખની ક્ષણો–દીપક ત્રિવેદી
અકબંધ હોય જો છબી શણગાર હોય છે
તૂટી પડે જો કાચ તો ભેંકાર હોય છે
એવી રીતે તમે દુઃખ માં રડો નહીં
હોય છે બધું પળવાર હોય છે
કાંઠે ઊભા-ઊભા નાચો નહીં તમે
જીવ ની કસોટી મઝધાર હોય છે
જે ક્ષણો અમીરી છાતીએ લગાડી
સરકી ગયા પછી દળદાર હોય છે
“દીપ”ની શિખામણ ઝાંપા સુધી હશે
પાળી શકે છે જે સમજદાર હોય છે
—દીપક ત્રિવેદી
બોલે છે લોક બહુ બધું બીજાના ઘર વિશે,
મોઢું ન ખોલે પણ કદી પોતાના ઘર વિશે.
જેના નસીબામાં નથી દીવાલ – છાપરું,
એને ભલા, ન પૂછીએ સપનાના ઘર વિશે.
એ પણ બને કે દૂરથી લાગે લઘરવઘર,
નીકળે એ જાણતા ઘણું મોકાનાં ઘર વિશે.
કૈં ના સૂઝે તો કાઢવી વાતો નગર વિશે,
શેખી શું ખોટી મારવી ભાડાના ઘર વિશે.
દર-દર ભટકવું આમ ના આપણને પરવડે,
રાધાને પૂછવું પડે ક્હાનાના ઘર વિશે.
કેવળ ભીનાશ હોય જ્યાં છલકાતા સ્નેહની,
અંતરને એવા ઓરતા રહેવાના ઘર વિશે.
– વિષ્ણુ પટેલ
વીર કરોડિયો ઝાડાવાળોnandini parekh - maja padi
Vimal K. Gondariya -
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!
ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!
ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!
સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!
‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?
કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?
હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!
– ચીમન પટેલ ‘ચમન’ (‘Chaman’ Chiman Patel – Besata kari didha. Kavita, Ramuj
in Gujarati. Literature and art site)
આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ..
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિન્દગી!
હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છવાસની અટકળ બની ગઈ જિન્દગી!
સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિન્દગી!
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિન્દગી!
ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિન્દગી!
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિન્દગી!
-વેણીભાઇ પુરોહિત
વેણીભાઇ પુરોહિત – દશા
દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.
દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ !
કહી દો એમને કે, હે દશાના પૂજનારાઓ !
દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી .
-વેણીભાઇ પુરોહિત
વેણીભાઇ પુરોહિત – સળગે છે તે ભડકો છે
સળગે છે તે ભડકો છે, ને પ્રગટે છે તે દીપ;
મલકે છે તે મોતી છે, ને ચળકે છે તે છીપ.
-વેણીભાઇ પુરોહિત
વેણીભાઇ પુરોહિત – હરિકીર્તનની હેલી
હરિકીર્તનની હેલી રે મનવા!
હરિકીર્તનની હેલી
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી
ધામધૂમ નર્તન-અર્ચનની સતત ધૂન મચેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
-વેણીભાઇ પુરોહિત
વેણીલાલ પુરોહિત – કોક તો જાગે!
આપણામાંથી કોક તો જાગે—-
કોક તો જાગે!
કોક તો જાગે આપાણામાંથી
હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે –
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે !
હાય જમાને
ઝેરને પીધાં,વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં—
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે_
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે !
બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
ગામની ચંત્યા ગોંદરે મેલી,
એ…ય..નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી_
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !
સોડ તાણી સહુ આપણે સૂતાં,
આપ ઓશીકે આપણા જૂતાં,
ઘોર અંધારા આભથી ચૂતાં–
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે–
આપણામાંથી કોક તો જાગે!
આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વહેતાં લોહી છલોછલ,
તોય ઊભા જે માનવી મોસલ_
આપરખાં ,વગડાઉ ને એવાં
ધ્યાનબહેરાં લમણામાં
મર લાઠીયું વાગે!
આપણામાંથી કોક તો જાગે !
એક દી એવી સાંજ પડી’તી,
લોક કલેજે ઝાંઝ ચડી’તી ,
શબ જેવી વચમાં જ પડી’તી –
એ જ ગુલામી
એ જ ગોઝારી
મૂરછા છાંડી મ્હોરવા માગે:
આપણામાંથી કોક તો જાગે!
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે –
આપણામાંથી તું જ જા આગે!
– વેણીલાલ પુરોહિત
વેલેંનટાઇન ડે શબાબ કાયમી – રકઝક વગર
એક પુસ્તક ખોલવું છે રકઝક વગર;
એક પાનું વાંચવું છે રકઝક વગર.
આંખ આડે હાથ રાખો ઝાડની તો –
એક પાન તોડવું છે રકઝક વગર.
છું ભલે હું લાકડાની એક પૂતળી,
મનભરીને નાચવું છે રકઝક વગર.
ફૂટવાનો હોય છે આનંદ અઢળક,
બેસુમાર ફૂટવું છે રકઝક વગર.
ક્યાં સુધી પડકારની હું રાહ જોઉં?
મોકળાશે ઝઘડવું છે રકઝક વગર.
ફૂલ થઇ રેતાળ આ રણની વચોવચ,
ખુશમિજાજે ખીલવું છે રકઝક વગર.
– શબાબ કાયમી
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.
દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે!
જીદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં,
આખરી સમજી લીધી!
શું કરું ફરીયાદ તારી, ફરીયાદ માં યાદ છે. ફરી ફરી ને યાદ તારી,
એજ મારી ફરીયાદ છે!
“હું ગઝલો લખતો નથી – ગઝલો મારાથી લખાય છે. કદી પ્રરણા થાય તો એક જ બેઠકે ગઝલ રચાઇ જાય છે. કદી માત્ર છૂટા શેર જ રચાઇ છે. જ્યારે જ્યારે કોઇ એવો પ્રસંગ બને કે જોવા મળે જેનાથી મારું હૈયું હચમચી ઊઠે કે દ્રવી ઊઠે અથવા આનંદવિભોર થઇ જાય ત્યારે મારી અનુભૂતિ કોઇ ને કોઇ શેર સ્વરૂપે પ્રગટે છે. આવા શેરો હું તુરત નોંધી લઉં છું. અમુક ગાળા પછી એ શેરો પર ફરી નજર નાખું છું. આ ‘નજરે સાની’ વેળા પ્રાસાનુપ્રાસ પ્રમાણે નિકટ હોય એવા શેરોનું વર્ગીકરણ કરી એક ગઝલમાં પરોવી લઉં છું. આવી ગઝલોને પૂરી થતાં ઘણી વાર વર્ષો લાગે છે.”
– શૂન્ય પાલનપુરી
વિવેક ટેલર - સારું જાણવા મળ્યું…. મને હતું કે હું એકલો જ છું….!
Pragnaju -
માનવામાં ન આવે તેવી વાત!
અમે માનતા કે કાંઈ મત્લા,રદીફ,કાફીઆ ગોઠવીએ,જોડણી કોષમાં જોડણી જોઈએ..િવચારની
અસરકારક રજુઆત માટે,નામચીનની જેમ થોડી લ ને બદલે ગા ની છૂટ લઈએ અને અંતમા સૌને
િવચાર કરતા કરે તેવા શેરમાં શુન્ય કે એક જે તખ્ખલુસ રાખ્યું હોય તે ઉમેરી-ગઝલ
તૈયાર કરીએ
પણ મોટા ગજાનાં શૂન્ય પાલનપુરી કહે છે તો ખુદાને બંદગી માટે હાથ ઉઠે–
મને પણ એવું થાય તો?
આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું સંયમ રાખું છું
જે વાત છે મારા અંતરની, એ વાત હું મોઘમ રાખું છું
એક તું કે નથી જેને પરવા, એક હું કે સદા ગમ રાખું છું
ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું
ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિ:શ્વાસ, નિરાશા, લાચારી
એક જીવને માટે જીવનમાં મૃત્યુના ઘણા યમ રાખું છું
ઠારીને ઠરું એ દીપ નથી, બાળીને બળું એ જ્યોત નથી
એક પુષ્પ હું જીવનઉપવનમાં, હું રંગને ફોરમ રાખું છું
વાવ્યું છે ગઝલનું ઉપવન જે મેં ‘શૂન્ય’ હૃદયની ભૂમિમાં
સીંચીને ઊર્મિ-રક્ત વડે એ બાગ લીલોછમ રાખું છું
– શૂન્ય પાલનપુરી
શેખાદમ આબુવાલા – એ તો ઝીલે તે જાણે
ખબર ક્યાંથી પડે બીજાને, એ તો ઝીલે તે જાણે;
કલેજાને ખબર છે કે નજરનાં તીર વસમાં છે !
– શેખાદમ આબુવાલા
શેખાદમ આબુવાલા – બા
ચાંદની છે રેશમી
રૂપમાં કંઇ ના કમી
સાન્ત્વન દે છે સદા
વિરહીઓને મા સમી.
– શેખાદમ આબુવાલા
શોભિત દેસાઇ – અહમ ઓગાળવા આવ્યાં
કિરણ આવ્યાં તો અંધારાં કરમ ઓગાળવા આવ્યાં,
આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં !
કહી દીઘું ખરેખર સ્પર્શને: આજે ઝૂકીશું નહિ,
છુઇમુઇનાં પર્ણો જો, શરમ ઓગાળવા આવ્યાં.
હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઇ આવ્યા ભરમ ઓગાળવા આવ્યાં.
અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ,
ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યાં.
અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
તમારી પાસે આવ્યા તો અહમ ઓગાળવા આવ્યાં.
– શોભિત દેસાઇ
સુરેશ જાની - દૈર – ઓ – હરમ એટલે?
વિવેક - દૈર – ઓ – હરમ= મંદિર અને મસ્જિદ
શોભિત દેસાઇ – જુઓ ને
બે હબસણો પવન ઓઢી ન્હાઇ
સ્તન ચોળે, પેડુ ઘસે
સાબુ કાળો થાય.
નિતંબ પર ખંજન પડયા
ને’ તેમાં ચપટીક જળ
જળને તગતગ તાક્તાં આખા નભમાં તગ
તે વાત એમ કે પગને જવું’તુ કાશીએ
પણ તેને ચાલવા ન દીધા કપાસીએ
સદરહુ શેરની હત્યાનો મામલો છે, રમેશ
આમ પ્રાસને લટકાવ્યો, આમ ફાંસીએ
જે ગુલમહોરની વાર્તા પુરી ને કરી
આ એનો અંત કહી દીધો મને ઉદાસીએ
નેહા, કાલે ઉઘમાં પલાળી ગયા હતા સપનાઓ
જુઓ ને સુકવ્યા છે આજની અગાસીએ
– શોભિત દેસાઇ
શ્યામ ઠાકોર – વાત કર વરસાદને
શુષ્ક છું, પલટી જવું છે વાત કર વરસાદને.
ક્યાંક પણ ઊગી જવું છે વાત કર વરસાદને.
આંગણે ભીની હવાઓ વાય એવી કો ક્ષણે;
જાતને વળગી જવું છે વાત કર વરસાદને.
કોઇ ઘરના છાપરે નેવાં બની ઊભા રહ્યા;
આવ તો દદડી જવું છે વાત કર વરસાદને.
પથ્થરો પણ કરગરે છે આભ સામે જોઇને;
વ્હેણમાં ડૂબી જવું છે વાત કર વરસાદને.
ભરબપોરે કોઇ યોગી જેમ ઊભા ઝાડને;
મસ્ત થૈ નાચી જવું છે વાત કર વરસાદને.
સાવ કોરો જોઇ પટ નિશ્વાસ નાખ્યે શું વળે ?
હે નદી ! છલકી જવું છે વાત કર વરસાદને.
– શ્યામ ઠાકોર
શ્યામ સાધુ – ગાન થવાનું
હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું!
ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું!
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું!
પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું!
અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું!
– શ્યામ સાધુ
શ્યામ સાધુ – બની ગયો !
તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !
ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?
ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !
મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
– શ્યામ સાધુ
સુરેશ
જાની
- મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
‘આપ મુવા તો જગ મુવા’ ની સરસ અભિવ્યક્તિ
શ્યામ સાધુ – બની જા
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!
એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!
મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!
ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!
આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!
હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!
– શ્યામ સાધુ
શ્યામ સાધુ – સંબંધ છે
માત્ર મળીએ એટલો સંબંધ છે,
દ્વાર ખુલ્લા છે અને ઘર બંધ છે.
કોઈના દર્પણમાં દેખાયા નહીં,
કોણ જાણે ક્યા ઋણાનુબંધ છે !
માંડ એકાદી મળી પળ દેખતી,
આમ તો મારો સમય પણ અંધ છે.
કૈં ન હોવામાં કશું હોવું રહ્યું,
કેટલા વિસ્મય હજી અકબંધ છે !
યાદનો મેં એટલે આદર કર્યો,
પાંખને આકાશથી સંબંધ છે.
– શ્યામ સાધુ
UrmiSaagar
- પ્રથમ વાર આ રચના વાંચી…
બધી જ પંક્તિઓ ખૂબ જ સુંદર છે.
‘માંદ’ ની જગ્યાએ ‘માંડ’ હશે.
આભાર એસ વી!
વિવેક - સરસ ગઝલ… દ્વાર બંધ અને ઘર ખુલ્લું… આજના મનુષ્યજીવનની કેવી કારમી વેધકતા અને કેવી સરળ બયાની…!
શ્રી હનુમાન જયંતી (અને ચૈત્રી પૂનમ)
દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા |
પુરતો મારુતિર્યસ્ય તં વંદે રઘુનંદનમ ॥
મનોજવં મારુતતુલ્યવેગં
જિતેન્દ્રિયં બુધ્ધિમતાં વરિષ્ઠમ |
વાતા ત્મજં વાનરયૂથમુખ્યં
શ્રીરામદૂતં શરણં પ્રપઘે ॥
ૐ શ્રી હનુમાન ચાલીસા
શ્લોક
મનોજવમ્ મારુતતુલ્યવેગમ્ જીતેન્દ્વિયમ્ બુદ્ધિતાંવરિષ્ઠમ્ ।
વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્ શ્રી રામદૂતમ્ શરણમ્ પ્રપદ્યે ॥
દોહા
શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી;
બરનો રઘુબીર બિમલ જસ,જો દાયક ફલ ચારી ।
બુદ્ધિહિન તનુ જાનકે, સુમિરો પવનકુમાર;
બલબુદ્ધિવિદ્યા દેહુ મોહિ હરહુ કલેશબિકાર ॥
ચોપાઇ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપિશ તિંહુ લોક ઉજાગર।
રામદૂત અતુલિત બલ ધામા, અંજનીપુત્ર પવનસુત નામા।
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી।
કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા..૪..
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનૈઊ સાજૈ।
સંકર સુવન કેસરી નંદન, તેજપ્રતાપ મહાજગવંદન।
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર।
પ્રભુચરિત્ર સુનિબે કો રસિયા, રામલખન સીતા મન બસિયા..૮..
સૂક્ષ્મ રુપ ધરી સિંહ દિખાવા, બિકટરુપ ધરી લંક જરાવા।
ભીમ રુપ ધરી અસુર સંહારે, રામચં કે કાજ સવારે।
લાય સજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે।
રઘુપતિ કીન્હીં બહુત બડાઇ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઇ..૧૨..
સહસ બદન તુમ્હરો જસ ગાવૈ, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ।
સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહીસા।
જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે,
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા..૧૬..
તુમ્હરો મંત્ર બિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના।
જુગ સહસ્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ।
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિં, જલધિ લાંધિ ગયે અચરજ નાહીં।
દુગૅમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે..૨૦..
રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે।
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રચ્છક કાહૂ કો ડરના।
આપન તેજ સમ્હારો આપૈ, તીનો લોક હાંક તેં કાપૈ।
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ..૨૪..
નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા।
સંકટ સે હનુમાન છુડાવે, મન કમૅ વચન ધ્યાન જાજો લાવૈ।
સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા।
ઔર મનોરથ જો કોઇ લાવૈ, સોઇ અમિત જીવન ફલ પાવૈ..૨૮..
ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા।
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે।
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા।
રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા..૩૨..
તુમ્હરે ભજન રામ કો પાવૈ, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ।
અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જન્મ હરિભક્ત કહાઇ।
ઔર દેવતા ચિત્ત ન ધરઇ, હનુમંત સેઇ સવૅ સુખ કરઇ।
સંકટ કટે મિટૈ સબ પિડા, જો સુમરૈ હનુમંત બલબિરા..૩૬..
જૈ જૈ જૈ હનુમાન ગોંસાઇ, ક્રૃપા કરહુ ગુરુદેવ કી નાઇ।
જો સત બાર પાઠ કરે કોઇ, છૂટહી બંદિ મહાસુખ હોઇ।
જો યહ પઢે હનુમાન ચાલીસા, હોઇ સિદ્ધિ સાખી ગૌરીસા।
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હ્યદય મહઁ ડેરા..૪૦..
દોહા
પવનતનય સંકટ હરન, મંગલમૂરતિ રુપ ।
રામ લખન સીતા સહિત, હ્યદય વસો સુર ભૂપ ॥
અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.
ભાતભાતના ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નીચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા.
ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા,
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટઅમીટે એ જગ જોવા, વીણ વાયક વીણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડા
– સંજુ વાળા
Pancham Shukla
- અચાનક વિરાટ-વામન અને બલિના પાતાળચંપનનું સ્મરણ થાય છે…
જૂદા જ પ્રકારનું ગિરનારી ગીત… સંજુવાળાની રચનામાં એક અનોખી સર્જકતા તરી આવે
છે.
હા-હજૂરી કરે અરજ આપે !
તું ફકીરોને કાં ફરજ આપે ?
ગણગણી લે, એ જે સહજ આપે
રોજ ક્યાંથી જુદી તરજ આપે !!
આટલો ઉત્તાપ?
એનું કંઇ કારણ તો આપ!
રિસાયાં બાર બાર સામટાં ચોમાસાં
વેણ એવું વંકાઇઅ થય ચાલ્યાં ત્રાંસાં
ઊમટતા આહ! ઓહ! જાપ!
એનું કંઇ કારણ તો આપ!
વલવલતી આંખે અમાપ!
એનું કંઇ કારણ તો આપ!
જીવતરના ટેકામાં મણમણ નિસાસા
તળિયેથી તૂટવાના ધારદાર જાસા
સિંદરીમાં જુએ તું સાપ!
એનું કંઇ કારણ તો આપ!
ધબકારા બૂંગિયાની થાપ!
એનું કંઇ કારણ તો આપ!
– સંજુ વાળા
સંજુ વાળા – જળઘાત
પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?
પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા બરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?
જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઇ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઇ વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?
– સંજુ વાળા
પંચમ શુક્લ - આ ગીતની ટેક મજાની છેઃ તાણ ઘૂમરી તરકડિયાં…..
એસ વી જો તમે વાચકોને ટેક્સ્ટ સીલેક્ટ કરવા દો તો ફરી થી પંક્તિ ટાઈપ ના કરવી
પડે.
એથી વાચકોનો સમય પણ બચે ને તમને ત્મારા બ્લોગના વાચક વર્ગનો પ્રતિસાદ પણ વધારે
સાંપડે- એવું મને લાગે છે.
સળગેછે
સમગ્ર સૃષ્ટિ અજવાળવાનાં સારત્વ સાથે
ચોરફ.
હુંફ આપે એટલાં
દૂર
અને દઝાડે એટલાં નજીક
સોનું સોનું થઈ ઉઠેલી માટી
મુઠ્ઠી ભરતાં જ નક્કર વાસ્તવ
ગજબ છે જ્વાળાઓનું અટ્ટહાસ્ય
લીલી છાલનો તતડાટ,
શરીર પર ઉપસી આવતી
ઝીણી ઝીણી ફોલ્લીઓમાં ભરાયેલાં પાણી
ઠારશે કદાચ.
વાંસ થઈ ફૂટી નીકળતો
આછો ભૂરો ધુમાડો
ઘડીના છઠ્ઠાભાગમાં તો-
બધી ધારણાઓ પર
કાળવીગંધની કુલડીઓ ઢોળી દઈ
પડતા મૂકી દે અધવચ્ચે
બપોરવેળાના સ્વપ્ન જેમ.
બિલકુલ માયાવી લાગે છે આ તાપણાં
દૂરનાહુંફઆપીશકતાનથી
નજીકનાંને
ફોલ્લીઓનું પાણી ઠારી શકતું નથી.
ત્યારે સાંભળેલી વાતો સ્વરૂપ બદલે છે.
એમ તો,
એવું પણ સાંભળ્યું છે :
હકીકત દ્વિમુખી હોય છે
ડરનો ચહેરો સાવ નજીકથી જોયા પછી
સ્થિર
એટલાં વધુ સલામત.
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગિરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
એક ધાગો આપો કબીરજી
એને ઓઢી કંચન થાશે મન આ મારું કથીરજી
મલમલ મખમલ રેશમ રેશમ નરમ મુલાયમ વસ્તર નીચે
બદબૂના કંઈ ચરુ છુપાવ્યા નહીં દેખાતા અસ્તર નીચે
એક સુગંધ આપો કબીરજી
એને શ્વસતાં ફૂલો થશે થાક્યાંપાક્યાં શરીરજી
ગુણ્યા ભાગ્યા સ્મિત ડૂસકાં ભણ્યા પલાખાં ઊઠા વચ્ચે
જનમ્યા જીવ્યા પેટે સરક્યા કિતાબના બે પૂઠાં વચ્ચે
એક અક્ષર આપો કબીરજી
ફાટેલા કાગળ પર તાણી આડીઅવળી લકીરજી
-સંદીપ ભાટિયા
વિવેક
- બદબૂના કંઈ ચરુ છુપાવ્યા નહીં દેખાતા અસ્તર નીચે
એક સુગંધ આપો કબીરજી
-સુંદર પરિકલ્પના… મજેદાર ગીત… સંદીપ ભાટિયાના તરોતાજા ગીતો અનેરી ખૂશ્બુ લઈને આવે છે…
Jayshree - કબીરજીનું ગીત ગુજરાતીમાં કદાચ પહેલી જ વાર વાંચ્યુ .
Thank You, Dost…
સંદીપ ભાટિયા – ઘીના દીવાનું અજવાળુ
કાચનદીને પેલે કાંઠે શબ્દ ઉભો અજવાળા લઈને
થરથરતા હિમયુગોને છેડે સપનાઓ હુંફાળા લઈને
કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
આ કાંઠે ચૂપચાપ ઉભો છું
શ્વાસોની જપમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
જલપરીઓની રાણી ઉભી હાથોમાં વરમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને
કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળા લઈને
-સંદીપ ભાટિયા
pragnaju
- ખૂબ સુંદર ભાવવાહી ગઝલ્
આ શેર –
કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને
કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળા લઈને
વાહ્…કોઈ આપણી શાશ્વત પ્રતીક્ષામાં છે પણ એ પ્રતીક્ષા કોરી નથી, વાંઝણી નથી.
ત્યાં આપણું કોરાપણું પણ કોઈ ખપનું નથી. એ પ્રતીક્ષાનો કાચ તોડવો-પીગળાવવો હોય
તો આંખોમાં સંવેદનાની ભીનાશ અને છાતીમાં ગરમાળાની ઉષ્ણ શીતળતા હોવી અનિવાર્ય
છે
વિવેક ટેલર - ઘીના દીવાનું અજવાળું – આવું શીર્ષક કેમ?
આ કવિતા લયસ્તરો પર મૂકી ત્યારે વાચકમિત્રોમાં એની ખૂબ ચર્ચા ચાલી હતી… સંદીપ ભાટિયાને પણ એ ચર્ચામાં ખૂબ રસ પડ્યો હતો…
સંદીપ ભાટિયા – બગીચાનો અનુવાદ
સખી, અત્તરની શીશીમાં મોહ્યા
દૂરની સુગંધો પર માંડીને મીટ અમે આંગણના મોગરાને ખોયા
વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંઘ્યા પણ ઓળખ્યા ના પોતાના શ્વાસને
એટલું ન સમજયા કે થાતું શું હોય છે ઝાકળ બંધાય ત્યારે ઘાસને
મલકયાનો હોઠવગો ભૂલી મલક અમે નકશાના ગામ કાજે રોયા
સખી, અત્તરની શીશીમાં મોહ્યા
આપણે પણછ થકી છૂટેલાં તીર નથી જેને ના હોય પાછું વળવું
કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું
ઝાઝા ના દૂર હવે રાખો સખી કે અમે ધબકારા છાતીવછોયા
સખી, અત્તરની શીશીમાં મોહ્યા.
-સંદીપ ભાટિયા
વિવેક ટેલર - સુંદર રમતિયાળ અને ગંભીર કટાક્ષયુક્ત ગીત… ગમ્યું!
સંદીપ ભાટિયા – માણસ જેવો માણસ
માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.
સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી.
-સંદીપ ભાટિયા
pragnaju
- સંદીપ ભાટિયા કવિતાના ક્ષેત્રે કંઈક જાણીતું છતાં અજાણીતું નામ છે,
કારણ કે એના નામની આસપાસ કોઈ કોલાહલ નથી.
એક પ્રકારની નીરવતા છે
તેમની લાચારીની, હતાશાની આ કૃતિ મઝાની છે:
માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.
himanshu patel
- સંદીપ ભટીયાનું આ ગીત૧૯૭૮માં કવિ જગ્દીશ જોષીનું
અવસાન થયું ત્યાર પછી ” કવિતા”માં સુરેશ દલાલે
છાપ્યું હતું.મારા કાવ્ય લેખનનો પહેલો દાયકો યાદ
કરાવે છે.આ ગીતમાં સુ.દલાલ અને અનિલ જોષી
એક સાથે સંભળાય છે.
“માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી……..
ગીતના નવા વળાંકોમાં આ કવિ નોંધપાત્ર છે.
વિવેક ટેલર -સુંદર મજાનું ગીત… સંદીપ ભાટિયાનો ટ્રેડમાર્ક ગણી શકાય એવું…
સંદીપ ભાટિયા – સપનું છે આંખનું ઘરેણુ
હે જી સપનું છે આંખનું ઘરેણું
કોરીધાકોર આંખ લઇને બજાર મહીં નસરૂં ને સખીઓ દે મ્હેણું
સપનું તો બોરની રતાશ મારી માવડી સપનું તો મધમીઠા કાંટા
સપનું આષાઢી આકાશ ને સપનું તો પ્હેલવારૂકા ઝીણા છાંટા
જેમ હોઠને શણગારે વેણુ
હે જી સપનું છે આંખનું ઘરેણું
ચૂંદણીને જેમ કદી અળગું ના થાય એને ચામડીની જેમ સદા પ્હેરવું
પંખી બેસેને જેમ ડાળી લહેરાય એમ સપનું આવે ને મારે લ્હેરવું
સપનાને સાતસાત જન્મોનું લેણું
હે જી સપનું છે આંખનું ઘરેણું
– સંદીપ ભાટિયા
pragnaju - મરુન સાડી સાથે આ લિપસ્ટિક જામશે?કે ભલે તમને મસ્કરા અને મોઈશ્ચરાઈઝર વચ્ચે એકઝેટલી શું ફર્ક છે તેની વાત નથી આ તો જેમ હોઠને શણગારે વેણુ અને ચૂંદણીને જેમ કદી અળગું ના થાય એને ચામડીની જેમ સદા પ્હેરવું-તે સપનું છે આંખનું ઘરેણુંની સુંદર વાત છે!
વિવેક ટેલર - સરસ તળપદી ભાષામાં મજેદાર ગીત… લય જેટલો પ્રવાહી છે, વાત એટલી જ ગાઢી છે!
સંધ્યા ભટ્ટ – મોસમો બદલાય છે
એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.
કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !
કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !
જયારે કોઇ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પક્ષ સાથે જ ત્યાં વીંધાય છે.
વન અને વનવાસીને જૉયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.
– સંધ્યા ભટ્ટ
વિવેક ટેલર - ખૂબ સુંદર ગઝલ… લગભગ બધા જ શેર મજાના થયા છે… પહેલા બે શેરનું કલ્પનજગત સાવ જ નવું અને અદકેરું હોવા ઉપરાંત ખાસ્સું અર્થસભર છે અને કવયિત્રીની સજ્જતાનું સુપેરે પ્રતિબિંબ પણ પાડે છે…
સંબંધ વિષે થોડી રચનાઓ
કેટલી સંબંધની ગાંઠો જીવનના દોર પર
બાંધતાં બાંધી પછી છોડ્યા કરે, છોડ્યા કરે.
– ‘કિસ્મત’કુરેશી
સદાશિવ વ્યાસ – “-“
તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર –
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.
– સદાશિવ વ્યાસ
સપના મરચંટ – ભ્રમપૂજા ધીરે પગ લે પોતાનાં બંગલામાં દાખલ થઈ. પર્સને પથારીમાં ફેંકી,પોતાની જાતને પણ પથારીમાં ફેંકી દીધી. આંખ બંધ કરી ક્યાંય સુધી ઊંડો શ્વાસ લેતી રહી.બન્ને આંખોમાંથી આંસુંની ધાર વહી રહી હતી.
કેવી રીતે એનો ભ્રમ તૂટી ગયો. વર્ષો સુધી દિલમાં જે તસવીર લયને ફરતી હતી તે છીન્નભીન્ન થઈ ગઈ. કેટલાં સમયથી દિલ ના ઉંડાણમા છુપાવી રાખી,સેહલાવી,યાદોનાં આંસુંથી ભીંજવી,પ્રેમથી સિંચી એ તસવીર છીન્નભીન્ન થઈ ગઈ. એની યાદ વગર ન કોઈ સવાર પડી અને એની યાદ વગર ન કોઈ સાંજ પડી. પૂજા એ ભ્રમ સાથે જીવી રહી હતી કે જેટલો હું એને પ્રેમ કરૂ છું,એટલો જ એ મને કરતો હશે. મારી યાદોમાં તડપતો હશે.મારી યાદોમાં આંસું વહાવતો હશે.એક જ પળમાં બધું બરબાદ થઈ ગયું
સપના વિજાપુરા – તારા જ સ્મરણો લાવશે
મંદ મઘમઘતો પવન, તારા જ સ્મરણો લાવશે,
આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
ચાંદની આ રાત ભીંજાતા, તડપતા એ ચકોર,
નીર સાગરના ગહન, તારા જ સ્મરણો લાવશે.
સાંજનાં આછાં ગુલાબી રંગ, વરસે આગ પણ
રાતનું શ્યામલ ગગન, તારા જ સ્મરણો લાવશે.
ગુંજતો પંખી તણો કલરવ ચમનમાં ઓ પ્રિતમ,
સૂર સરગમના કવન, તારા જ સ્મરણો લાવશે.
રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
નામ તારું ઓ સજન, તારા જ સ્મરણો લાવશે.
આંખ જો મારી મળે, ક્ષણભર હવે તો પ્રિયતમ,
આજ સપનાંના નયન, તારા જ સ્મરણો લાવશે.