Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મ્રત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાક્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

રાજ ભાસ્કર – પ્રધાન થઇ ગયાં

રાવણનાં હતાં લક્ષણો ને રામ થઇ ગયાં,
દાનવ બધા આ યુગ મહિં ભગવાન થઇ ગયાં.

મારી ગલીનાં નામચી શાણા હતાં કાલે,
આજે સવારે એ બધા પ્રધાન થઇ ગયાં.

સુનામી અને ભૂકંપમાં તો કંઇજ ના થયું,
ખુરશી જરાં હલી અને બેભાન થઇ ગયાં.

કહો હવે કોના પર હું ભરોસો મૂકું દોસ્‍ત,
રક્ષકો જ ખુદ અહીં ભક્ષકો થઇ ગયાં.

મારી કવિતા આજ ક્યાંય છપાતી નથી ને,
‘મોદી’ રચિત કાવ્યોનાં સન્માન થઇ ગયાં.

– રાજ ભાસ્કર

રાજેન્દ્ર પટેલ – બાપુજીનું પહેરણ

આ ધૂળેટીએ
રંગાઈ જવાના ડરે,
બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું.

અને એમના શબ્દો યાદ આવ્યાઃ
દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય
પણ ચોખ્ખું રાખજે.

દિવસભર રંગાઈ ગયા પછીયે
પહેરણ ખરે જ ચોખ્ખું,
હળવું, કપાસના ફૂલ જેવું લાગતું હતું.

સાંજ પડે સમજાયું
કે આ પહેરણ તો
ના પહેરીનેય પહેરાય એવું,
અને એકવાર પહેર્યા પછી
ક્યારેય ન ઉતરે એવું હતું.

સવારે રોજની જેમ
ઇસ્ત્રીબંધ નવું ખમીસ પહેર્યું
તોય લાગતું રહ્યું કે
પેલું પહેરણ તો જાણે
હાડમાં હાજરાહજૂર છે!

– રાજેન્દ્ર પટેલ

રાજેન્દ્ર શાહ – આવી રળિયાત

આસોની રાત આલિ ! આવી રળિયાત રે,
ચાંદરણે સોહ્ય રૂડાં ધરતીનાં ગાત રે.

સીમસીમની તે દૂર મેલીને કામળી,
કુંજકુંજ રનકંતી ભોમ,
રોમરોમ માહીં નહીં માથે આનંદ
એમે ઝાઝેરું ઝૂકતું વ્યોમ :
વરસે છે આજ ભલીવાસ પારિજાત રે …

આહીંને તે આંગણે વીતેલી વેળ
અને આવી છે આવતી કાલ,
બેઉનીય સંગ રમે તાલમહીં ‘આજ’
એની ઠમકે શી ચંચલ ચાલ !
મેઘ્ના તે રંગ કેરી આહીં શી વિસાત રે …

એવી હવા છે, કોઇ એવી છે લ્હેર,
મનમૂંગાને બોલવું અપાર,
વેણમહીં બોલ ના પુરાય રે અધિર,
એનો ઠુકો રેલાય વારવાર :
અરધે અટવાય મારા હૈયાની વાત રે …

– રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ – આનંદો રે આજ આનંદ આનંદ

આનંદો રે આજ આનંદ આનંદ
ઝીણી રે જ્યોતથી ઘોર તિમિરના
તૂટિયા વજજરબંધ
પાતાળ ફોડીને પામી રહ્યું પેલું
ઝરણ મોકળો માર્ગ,
આધંળાં લોચન તે ય લહી રહ્યાં
રંગીન ફાગ – સોહાગ;
આજ રૂંધાયલી વાણી અરે ખૂબ
ગાઇ રહી છે અભંગ,
સાંભળેલી નવ માની કો’દી
એવી લહાય રે વાત,
આવડા શા એક ઘરમાં ઊછળે
સાતેય સાગર સાથ;
આજ તો લીધી છે પાંખ, પંગુ પણ
પામતો ઉન્નત શૃંગ.

– રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ – આયુષ્યના અવશેષે

૧. ઘર ભણી
ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન;
સ્વપન મધુરી નિદ્રાનું તે દ્રગો મહીં અંજન
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
સ્મૃતિદુઃખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.

૨. પ્રવેશ
ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,
ત્યહીં ધૂમસથી છાએલા તે વિષણ્ણ ઉજેશની
ટશર ગગને લાગી; જાગી દિશા અનુકંપને.

ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.

ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી,
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.

૩. સ્વજનોની સ્મૃતિ
જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની
જીવનબળને દેતી ક્‍હેતા કથા રસની ભરી,
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!
પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ.
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.

ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.

૪. પરિવર્તન
શિશુ હ્રદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દ્રષ્ટિમાં
ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.

તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
પથ વિહરવા કાજે! – જેની અપૂર્ણ કથાતણા
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;
નિજ રચિત, આનંદે જોતાં દ્રગો, ભવિતવ્યને.

હજીય ઝરુખો એનો એ, હું, અને વળી પંચ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
બીન મૂક થયું તો યે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.

સરલ મનમાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હ્રદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.

૫. જીવનવિલય
અવ હ્રદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃતિ યે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના
અસીમિત જગે વ્યાપી ર્‍હે છે અનંત પ્રતિધ્વનિ.
નહિવત બની ર્‍હેતું માટી મહીં, પણ બીજની
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!

જીવનનું જરા આઘે ર્‍હૈને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોના ય તે વળી અંતને;
રૂપની રમણા માંહી કોઈ ચિરમ્તન તત્વને
નીરખું, નિજ આનંદે ર્‍હેતું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.

– રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ – કેવડિયાનો કાંટો

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ – તને જોઇ જોઇ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

તને જોઇ જોઇ તો ય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.

વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.

પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી !

– રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ – બપોર

વરસી રહી બપોર અગન અગન,
કયાંય દિગન્તે જઇને સૂતો પવન.
ખરેલ તરુપર્ણે વને
છાંય ન કહીં,
ઊતર્યા ભૂરાં વસન, ભૂમિ
રણશી રહી;
ખાલી જ ખાલી સઘળું, ખાલી ગગન.
વિહંગનું મૂંગું
કૂજન કરતું ગળું,
થાય રે મારાં અંગ સકલ
બળું બળું:
નવ જાણું કેમ જીરવાશે આ દહન
સાંજ તો જાણે હજીય તે કંઇ
કેટલી સુદૂર …
ઓસરતું ઝંખાય રે, મારા
પ્રાણનુંય નૂર;
છાનોય આવી અડકે હવે પવન,
શોચતી રહી ઉરને ઊંડે ગહન.

– રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ – વૈશાખ લાલ રાજેન્દ્ર શુકલ – અવાજ જુદો

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ (

ગઝલ સંહિતાઃ ૪૫૦ ગઝલો,પાંચ ભાગમાં,પ્રદાનઃ ૩૦૦ રૂ
સહૃદય પ્રકાશન
૭૧૪, આનંદ મંગલ
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આબાંવાડી, અમદાવાદ – ૩૮૦૦૦૬
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪, ૨૬૪૦૪૩૬૫
મોબાઇલઃ ૦૯૮૯૮૪૨૧૨૩૪, ૦૯૩૨૭૦૨૨૭૫૫

કવિનો સંપર્કઃ
રાજેન્દ્ર શુક્લ
૨૨/૫૨૯, સત્યાગ્રહ છાવણી
જોધપુર ટેકરા,સેટેલાઇટ રોડ
અમદાવાદ- ૩૮૦૦૫૪
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪
ઇમેલઃ jajvalya@yahoo.com

રાજેન્દ્ર શુકલ – તમને ખબર નથી રાજેન્દ્ર શુકલ – ફૂલ

જોઇ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
“ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં?”

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુકલ – સામાય ધસી જઇયે

(ખાસ દીપક ત્રિવેદીના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત શ્વસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુક્લ – ઈચ્છાની આપમેળ

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.

કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.

કરતાઅકરતાબંને છે, ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.

અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.

– રાજેન્દ્ર શુકલ

Pancham Shukla - This ghazal is about what we call as origin of life. જીવ અને શિવનું ઐક્ય અથવા તો ઈશ્ર્વરીય લીલા. નાદ બ્રહ્મની ઉત્પત્તી.વેદાંતનો સાર. દ્વૈત-અદ્વૈતની અસમંજસ!

રાજેન્દ્ર શુક્લ – ગઝલ

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.

ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.

અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુક્લ – ગઝલ-સંહિતા

શ્રી રાજેન્દ્ર શુક્લની 450 જટલી ગઝલો “ગઝલ-સંહિતા” નામે 5 ભાગમાં પ્રકટ થઇ છે. આ પ્રકાશન અને આનુસાંગિક જવાબદારી કવિનાં તીવ્ર ચાહકો અને નજીકનાં મિત્રોને આભારી છે. સમગ્ર સંગ્રહ નીચેનાં સરનામેથી મળી શકશે. (મૂલ્ય: 300 Rs)

સહ્રદય પ્રકાશન
714, આનંદ મંગલ -3
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આંબાવાડી, અમદાવાદ-380006

Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755

રાજેન્દ્ર શુક્લ – તું કોણ છે?

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

– રાજેન્દ્ર શુકલ

Pancham Shukla - આ ગઝલમાં તું કોણ છે? એને વિવિધ પરિપ્રેક્ષ્યમાં માણી શકાય છેઃ

પ્રિયતમા
પ્રકૃતી અથવા…
જગત જનની આરાસુરી, અષ્ટભૂજાળીની લીલાનું અવગાહન, ઈચ્છાનું અનુસરણ….

રાજેન્દ્ર શુક્લ – પગલાં કુંકુમઝરતાં

(બારેય ગુજરાતી મહિનાઓને સમાવી લેતી સરસ ગઝલ)

દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !

કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન !

માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન !

પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !

માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિશે કરકરતા, સાજન !

છાકભર્યા ફાગણના દહાડા –
હોશ અમારા હરતા, સાજન !

ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !

એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !

જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !

આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !

શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !

ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !

આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુક્લ – બદલું છુ

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,
દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

– રાજેન્દ્ર શુકલ(

રાજેન્દ્ર શુક્લ – ભરથરી-૧

(ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)

એક ઘડી નવ ઠરીએ, ભરથરી,
એવું રે સંચરીએ, ભરથરી.

આપ થકાં ઊગરીએ, ભરથરી,
આપ મહીં આછરીએ, ભરથરી.

પોત પુરાણું ધરીએ, ભરથરી,
પોતીકું પરહરીએ, ભરથરી.

બીજું તો શું કરીએ, ભરથરી,
ઝરમર ઝરમર ઝરીએ, ભરથરી.

ખરખર ખરખર ખરીએ, ભરથરી,
પૂરે પૂરું ભરીએ, ભરથરી.

વણતૂંબડિયે તરીએ, ભરથરી,
ફેર ન પાછાં ફરીએ, ભરથરી.

અલખ સરીખું સરીએ, ભરથરી,
અહાલેક ઓચરીએ, ભરથરી.

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુક્લ – ભરથરી-૨

(ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)

અંદરથી ઉમળકો આવે રે ભરથરી,
ઈ ભીતર ને ભીતર ભાવે રે ભરથરી.

કોઈ બીજું તો ક્યાંથી લાવે રે ભરથરી,
ઈ પોતે પોતાને સુણાવે રે ભરથરી.

મન મૂંગુ થઈ મમળાવે રે ભરથરી,
ઈ ને વાણીમાં કેમ સમાવે રે ભરથરી.

અબ પલકું શીદ પલકાવે રે ભરથરી,
ઠરી ઠરી ઠેઠ ઠેરાવે રે ભરથરી.

થઈ થઈને હાંવા શું થાવે રે ભરથરી,
ઓળખ ઈની ઈને ઓળખાવે રે ભરથરી.

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુક્લ – ભરથરી-૩

(ઉદ્દેશ, એપ્રિલ ૨૦૦૮ ના અંકમાંથી સાભાર.)

સાવ સહેલો છે લેવો લ્હાવો રે ભરથરી,
ભવનાથના મેળે તમે આવો રે ભરથરી.

વાત અઘરી શીદ બનાવો રે ભરથરી,
ઈને ઈની સાથે સરિખાવો રે ભરથરી.

કાં તો સૂરજ કાં તો સળાવો રે ભરથરી,
ઈમાં દલીલ નથી, નથી દાવો રે ભરથરી.

કોઈ ક્યે છે આવો, વળી આવો રે ભરથરી,
બધી સમજણને સમજાવો રે ભરથરી.

ઈ થયો નથી કે નથી થાવો રે ભરથરી,
ગુણ ગોતી ગોતી ગવરાવો રે ભરથરી.

ભવનાથના મેળે તમે આવો રે ભરથરી,
સાવ સાચું અમરફળ પાવો રે ભરથરી.

– રાજેન્દ્ર શુકલ

રાજેન્દ્ર શુક્લ – મેં દીઠા છે !

મૂલ, તોલ ને માપ વિહોણા,
આપ વિહરિયેં આપ વિહોણા.

ભૂલ, ચૂક કે થાપ વિહોણા,
તિલક, માલા, છાપ વિહોણા.

પુણ્ય વિહોણા, પાપ વિહોણા,
જાગ્યા કરિયેં જાપ વિહોણા.

આખે આખા શ્વાસ સમર્પિત,
કાપાકૂપી, કાપ વિહોણા.

તરવેણીને તીર તબકિયેં,
ત્રણે પ્રકારે તાપ વિહોણા.

વંશી વણ પણ મે દીઠા છે,
દીઠા છે શરચાપ વિહોણા.

આ તો અમથો વેશ ધર્યો છે,
મૂળે તો મા-બાપ વિહોણા.

– રાજેન્દ્ર શુકલ

Pancham Shukla - તિલક, માલા, છાપ વિહોણા.

It would be interesting to see Amir Khusro’s ‘Chaap Tilak’ inline with this Gazal…

http://oldpoetry.com/opoem/63897-Amir-Khusro-Chaap-Tilak-

રાજેન્દ્ર શુક્લ – સામા ગામનું સાવ છેવાડું ખોરડું

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
. હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુકલ

રાધેશ્યામ શર્મા – જામ ત્યાં ઢળી ગયું

ચિત્ત હતું, ચળી ગયું,
મન હતું, મળી ગયું.

ચાંદનીની આગમાં
આયખું બળી ગયું.

ખોળશો મા, રાખ છું,
દિલ બળીઝળી ગયું.

સ્વપ્ન એમનું હતું,
એ મને ફળી ગયું.

રૂપ પ્યારનું લઇ,
કોણ એ છળી ગયું?

આંખ મળી આંખથી,
જામ ત્યાં ઢળી ગયું.

પારકું ગણેલ એ
હેત દઇ હળી ગયું.

– રાધેશ્યામ શર્મા

રાવજી પટેલ – આપણને જોઈ

આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.

આપણને જોઈ
પેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે.

આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.

આપણને જોઈ
પેલા ઝૂ માં આણી સારસની એક જોડ.

આપણને જોઈ
પેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે.

આપણને જોઈ
પેલા ઘરડાંને ચપોચપ દાંત ફૂટે.

– રાવજી પટેલ

રાવજી પટેલ – પંખી

કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વ્રુક્ષ ઊગ્યું’તું મનમાં
વિચારો થઇ આજ અટવાય પંખી.

કરી પાંખ પહોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યા ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઇને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત અ આખી શું વેરાય પંખી.

હજી જીવું છું એનું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

– રાવજી પટેલ

રાવજી પટેલ – મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

– રાવજી પટેલ

રિષભ મહેતા – તારા હાથમાં

મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં,
ભાગ્યને મારા હવે તું રાખ તારા હાથમાં.

ફૂલ કેવળ રાતરાણીનું નથી દીધું તને,
મેં મૂકી છે જાગતી એક રાત તારા હાથમાં.

હાથ તારો મેં અમસ્તો તો નથી ચૂમી લીધો,
મેં મૂકી છે ઝૂરતી એક વાત તારા હાથમાં.

જ્યારથી સ્પર્શ્યો છે એને ત્યારથી મહેક્યા કરું,
ફૂલ તો ખીલતાં નથી ને તારા હાથમાં ?

એ કેમ લંબાતો નથી હજી મારા તરફ ?
કેટલાં જન્મો તણો છે થાક તારા હાથમાં.

તું સજા આપે હવે કે તું આપે હવે ક્ષમા,
મેં મૂક્યાં છે મારા સઘળા વાંક તારા હાથમાં.

અર્થ એનો તારે મન કંઈ પણ ભલે ન હોય,
પણ એક ઝાંખું નામ છે, વાંચ, તારા હાથમાં.

લાવ એને આંખ પર મારી સતત રાખી મૂકું,
સળવળે છે ક્યારની એક પ્યાસ તારા હાથમાં.

એટલાં મજબૂત તારા હાથ હું કરતો રહીશ,
જેટલાં ઘાવ જમાનો કરશે તારા હાથમાં.

હાથ તારો પામવા બેચેન હાથો કેટલાં ?
જાણે કે જગની બધી નિરાંત તારા હાથમાં.

હાથ મારો તું નહી પકડી શકે જાહેરમાં,
કેટલાં દુનિયાએ મૂક્યાં કાપ તારા હાથમાં.

હું હવે જડમૂળથી ઉખડી ગયો છું
તું લાગણી જો હોય, પાછો સ્થાપ તારા હાથમાં.

એક મારા નામની એમાં કમી છે, અન્યથા
કેટલાં મંત્રો તણા છે જાપ તારા હાથમાં.

હાથમાં મારા ફૂટી ને હાથથી નીકળી ગઈ
એ જ રેખાઓનો થાતો વ્યાપ તારા હાથમાં.

હું પ્રથમ આપીશ મારો હાથ તારા હાથને,
ને પછી માંગીશ મારો ભાગ તારા હાથમાં.

હાથ મારા માથે જો તે ફેરવ્યો, લાગ્યું મને
જન્મભરનીયે બધી છે હાશ તારા હાથમાં.

આ હથેળીમાં હ્રદયને ચીરતું એકાંત છે,
તું જો એ પકડે, પડે તિરાડ તારા હાથમાં.

શ્વાસ મારો ત્યારથી બસ થઈ ગયો છે મોગરો,
જોઇ જે ક્ષણ મોગરાની શાખ તારા હાથમાં.

હું તને ચાહું છું એનો એમ તો શું અર્થ છે ?
તે છતાં પણ અર્થ એના લાખ તારા હાથમાં.

તું અગર સમજે ગઝલ મારી આ બાજુબંધ છે
પ્રેમથી ચાલ એને તું બાંધ તારા હાથમાં.

– રિષભ મહેતા

રૂપચંદ ગરાસિયા – રમતો-ભમતો, હસતો-ગાતો દરિયો

તારો દરિયો, મારો દરિયો, મીઠાં કરતાં ખારો દરિયો,
વહાણો હારે, દોડે દરિયો, દેશ-વિદેશને જોડે દરિયો,
માછીને મન જાળ છે દરિયો, માછલીઓનો પ્રાણ છે દરિયો,
પૂનમ-અમાસે જાગે દરિયો, આભને અડતો જાણે દરિયો,
હસતો-કૂદતો-ગાતો દરિયો, રાત-દિવસ લહેરાતો દરિયો,
વાઘણ જેવો ગર્જતો દરિયો, નવતોફાનો સર્જતો દરિયો,
રમતો દરિયો, ભમતો દરિયો, માનવમનને ગમતો દરિયો.

– રૂપચંદ ગરાસિયા

રૂપલ પટેલ – તો દે

આજે જૂના અસબાબને ઢંઢોળવા તો દે,
ખોવાયલું એક મોરપીંચ્છ ખોળવા તો દે.

મારી બધી યે વેદના બનશે સુગંધી જો,
કસ્તુરી જેવું લોહીમાં તોં ઘોળવા તો દે.

કોની બનાવું મૂર્તિ એ નક્કી નથી છતાં,
માટીને આસુંની ભીનપથી ચોળવા તો દે!

તારી જ મરજીથી દીધો અવતાર અમને પણ,
થોડું જીવન મરજી મુજબનું રોળવા તો દે!

પાણી વધારે આપ્યા કરીશ તો સડી જશે,
તું બીજમાં કૂંપળ પહેલા કોળવા તો દે!

– રૂપલ પટેલ

વિવેક ટેલર - પાણી વધારે આપ્યા કરીશ તો સડી જશે,
તું બીજમાં કૂંપળ પહેલા કોળવા તો દે!
-સુંદર શેર…

તારી જ મરજીથી દીધો અવતાર અમને પણ,
થોડું જીવન મરજી મુજબનું રોળવા તો દે!

– આ શેર વાંચી મરીઝનો આ શેર યાદ આવ્યો:

પૂરતો નથી નસીબનો આનંદ, ઓ ખુદા,

મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.

રેખા શુક્લ – ગયું છે…

આજે શ્વાસમાં કંઇક ભરાઈ ગયું છે..
ચંદ્ર પુકાર થી બસ છેડાઈ ગયું છે…
સામા મળ્યા સાદ ને જોડાઈ ગયું છે..
આવું જોડાણ ક્યાંથી સંધાઈ ગયું છે…
મળ્યા વગરેય સાદ થી લજાઈ ગયું છે…

રેખા શુક્લ

રેખા શુક્લ – ફરિ…યાદ ની ફરિયાદ…!!

પરિમલ બાગની મ્હેંક રહી શ્વાસમાં અમારી,
ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી;
છુપાતી લપાતી રહી યાદ દિલમાં અમારી,
કાયાના કટકા કરો ભળી લોહીમાં યાદ તમારી;
યાદ કરીને વિચારી લે તો ફરિયાદ નથી અમારી,
સુની આ જીન્દગી અકારી બને ન તમારી;
પવિત્ર બંધને બંધાયેલી છુટશે આત્મા અમારી,
ભુલીને પણ આવીયે યાદ ફરિયાદ રહી તમારી;
ખરેલી પાંદડીઓમાં પણ છબી જુવો અમારી,
ફરિયાદ સામે આજ ફરિ…યાદ રહી તમારી;

રેખા શુક્લ

રેખા સરવૈયા – શક્યતા

બંધ બારણાં આગળથી
પાછા ફરતાં પહેલાં –
આપણે એને હડસેલો મારીને
ખોલવાની કોશિશ તો કરવી જોઇએ
શક્ય છે કે –
બારણાની પેલી બાજુએ સાંકળ ન પણ હોય !

– રેખા સરવૈયા

પંચમ શુક્લ - બંધ બારણે એક ટકોરો તો મારવો તો!
કદાચ કોઈ સાંભળે….ને….બારણું ઉઘડે.

રેખા સરવૈયા – સ્મૃતિશેષ મા …

(૧)
મુદત સુધી જેમની પાસે
ફુરસદ નહોતી –
માની વાત સાંભળવાની
એ લોકો આજે કલાકો સુધી
બેઠા રહ્યા માતાની ચિતા પાસે !

(૨)
રાંધણિયામાં ચૂલો ફૂંકવામાં
ઊગેલા અને આથમેલાં
કંઇ કેટલાય સૂરજ
ઢળતી ઉમરે સ્થિર થઇ ગયા
માતાની આંખના મોતિયામાં !

– રેખા સરવૈયા

લતા હિરાણી – હું એટલે

સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન, મારી દિશા
હું જ નક્કી કરું
લીટી દોરી આપે કોઇ મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું ઊતરવાનું કે એટલું જ ચડવાનું
મને મંજૂર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
માનવી પણ જુઓ ને!
એક એક અક્ષર નોખો
એક એક માનવી નોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને કયાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે મારામાં વહેતું ઝરણું
મારામાં ઊગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો …

– લતા હિરાણી

Lata Hirani - આશ્ચર્ય અને આનંદના સાગરમાં ડૂબી છું.

આમ જ જરા ગૂગલ સર્ચમાં મારું નામ લખી જોતી હતી. બ્લોગ અને એના ઉપર મુકેલી કૉમેંટ્સને કારણે આવે એટલી તો ખબર હતી પણ આ ‘એસવી પ્રભાતના પુષ્પો’માં મારું આ કાવ્ય મુકાયેલું જોઇને…..કારણ કે મેં આજે જ જોયું !!! જો કે વચ્ચે હું લાં….બો સમય નેટ જગતથી દૂર હતી એ ખરું….

આ કાવ્ય અહીં પબ્લીશ થયું, 2007માં અને અત્યારે પૂરી થવા આવે છે 2009 !!! પણખૂઉઉઉઉબ આનંદ થયો..

બીજી વાત. આમ તો એ પહેલી બની. ગૂગલ સર્ચના પહેલા પાના પર જ મારી બુક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ એમેઝોન બુક્સની સાઇટ પર ડિસ્પ્લે થતી હતી !!!!!!!!!!!!!!!!! અને એ જબરદસ્ત સુખદ આંચકો !!

ખુબ ખુબ આભાર એસવી.. અને તમામ વાચકોનો, જેમણે વાંચ્યુ અથવા આ કાવ્ય વાંચીને કૉમેંટ મુકી

લતા હિરાણી

લાભશંકર ઠાકર – અવાજને ખોદી શકાતો નથી

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતુ6 નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.તો
સફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડયું છે એ ખરું.
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ અવાજને ખોદી શકાતો નથી નૈ ઊંચકી શકાતું નથી મૌન.

– લાભશંકર ઠાકર

લાભશંકર ઠાકર – આઇ ડોન્ટ નો, સર

નાટકમાં પડદો પડે કે ચડે
તે મારા અને તારા હાથની વાત છે.
દીવો પેટાવ
કે જીવતા પતંગિયાને બાળ
તે તારા હાથની વાત છે.
પણ એ તો બાળે.
દીવાની વાટને બાળે
અને લાકડાની હાટને બાળે.
કિચુડ કિચુડ ઊંઘતી ખાટને બાળે.
બાળવું એની ભાષા.
મંચ પરના તારા ભાવોદ્રેકની ભાષા
એ સાંભળે છે?

– લાભશંકર ઠાકર

લાભશંકર ઠાકર – લઘરો કવિ

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી
ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચા રણરેતીના
પાણીપોચા રામ.
પાણીપોચો લચ લચકીને
ચક્રવાકને ચૂમે.
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારા કાનમહીં એક
મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા.
પડતા પર્વતનો લય
તારા ભાવજગત પર ઝૂમે!
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
શહીદ બનતાં બચી ગયો તું
ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં
પરબ માંડતો મોઢે.
અરે ભલા શીદ પરસેવાનું
કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવી સાદી વાત
હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી.ડી.ટી. છાંટી ઘરમાં
અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લયલંપટના તંતુ તોડી
ઘરઆંગણીએ શાકભાજીને વાવો.
કવિવર! વનસ્પતિ હરખાય
અશું કૈં પ્રેરક સંગીત ગાઓ.
અને જુઓ આ
રીંગણા-મરચાં ગલકાં-તુરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે!
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?

– લાભશંકર ઠાકર

લાલજી કાનપરિયા – એક રાતના

એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું
હળવે રહીને બંધ આંખમાં પાની લીલું ફરકાવ્યું !

સદીઓની સદીઓથી મને હું ખેતર ખેડતો લાગું
પરસેવાના બદલામાં હું ધાન મુઠ્ઠી માગું.

કૂણાં કૂણાં કણસલાંએ મોં મીઠું મલકાવ્યું !
એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.

વાદળ વરસી અનરાધારે લાગણિયું પખાળે
ચાસ ચાસમાં લ્હેરાતો મોલ અવસર લીલા પાળે !

નભરાજાએ સાત રંગનું છોગલડું લહેરાવ્યું !
એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.

ખેતર વરચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો
સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !

પંખીઓએ કલકલ નાદે ઝરણું એક વહાવ્યું !
એક રાતના ખેતર મારા સપનામાં આવ્યું.

– લાલજી કાનપરિયા

લાલજી કાનપરિયા – દરિયો ડોલે

દરિયો અધરાતે ડોલે, દરિયો મધરાતે ડોલે
દરિયો ઉગમણે ડોલે, દરિયો આથમણે ડોલે.

નભમાં ચાંદો ઝોલાં ખાય, નવલખ તારા ઝોલાં ખાય
અડધાં લોચનિયાં બિડાય, અડધાં શમણાંઓ ઢોળાય !

ચડતી જલપરી ઝોલે, ચડતી વિભાવરી ઝોલે
દરિયો અધરાતે ડોલે, દરિયો મધરાતે ડોલે

જળમાં માછલિયું રોતી, તીરે ખારવણ રોતી
અમૂલખ ખોવાયું મોતી, લાવે કોણ હવે ગોતી?

દરિયો ભેદ સકલ ખોલે, દરિયો વેદ સકલ ખોલે
દરિયો અધરાતે ડોલે, દરિયો મધરાતે ડોલે

– લાલજી કાનપરિયા

લોક સાહિત્ય – અમે રમકડાં અમે રમકડાં

(ખાસ દિપ્તી બહેન ના આભારી છીએ આ બાળ ગીત મોકલવા બદલ)

અમે રમકડાં અમે રમકડાં
પઙઘ્જી ને વાનરભાઈ
ગામ ની ગાયો ઙાહ્ય નો ઘોઙો
બંદક વાળો બનુ સિપાહી
સિંહ સસલો ને મોરલો મરઘી
બબ્લો ને વળી બબ્લી બાઈ

– લોક સાહિત્ય

લોક સાહિત્ય – કહેવતો

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કહેવતો મોકલવા બદલ)

  • થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
  • થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
  • થાકશે, ત્યારે પાકશે.
  • વાર્યાં ના વરે, હાર્યાં વરે.
  • થોડું બોલે તે થાંભલો કોરે.
  • થોડું સો મીઠું.
  • થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
  • થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
  • થોડે નફે બમણો વકરો.
  • થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
  • થોડે બોલે થોડું ખાય.
  • થોડે થોડે ઠીક જ થાય.
  • પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
  • અંતે ધર્મો જય, પાપો ક્ષય.
  • ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
  • અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

લોક સાહિત્ય

crazy chameleons - થોડા માં ઘણુ…….
થોડે બોલે થોડું ખાય. …..બોલે તેના બોર વેચાય.
થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ. ….જેવા સાથે તેવા….
ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો. ….દિવસ હોય કે રાત સ્વભાવ કદી બદલાતો નથી.

લોક સાહિત્ય – કહેવતો

(ખાસ કામયોગી ના આભારી છીએ આ કહેવતો મોકલવા બદલ)

-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ
-ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે
-ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ
-તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ
-હઁગીને આહડવા બેસવુઁ
-હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)
-ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ
-ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ
-પેટ કરાવે વેઁઠ
-દીધે પે દયા ભલી
-ઘરના છોકરાઁ ઘઁટી ચાટે
-ઘર બાળીને તીરથ ન કરાય
-ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા

લોક સાહિત્ય

j.t. - ઘરના છોકરાં ઘંટી ચાટે….. અને ઉપાધ્યાયને આટો …એમ આખી કહેવત બને છે.

પણ સુંદર સંકલન.

કામયોગી - j.t., કહેવતનુ ઘટતું અંગ જોડવા બદલ તમારો આભાર.

એક બીજી કહેવત પણ છે જે મને આખી નથી આવડતી, કોઈને આવડતી હોય તો પુરી કરવા વિનંતી.

પૂંછડેથી પકડો તો બાંઠો અને ____થી પકડો તો ____. (જેનો અર્થ ‘કોઈ રીતે હાથમાં ન આવે એવો’ થાય.)

Prerak V. Shah - મારા તરફથી પન થોડી કહેવતોઃ

– ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
– આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
– વારા ફરથી વારો અને મારા પછી તારો.
– વઘારેલી ખીચડી દાઢે વાળગી.
– ન બોલવામાં નવ ગુણ.
– બોલે એના બોર વેચાય.
– કાગડો દહીંથરુ લઇ ગયો.
– વિદ્યા વિનય થી શોભે છે.
– સાહસ વિના સિદ્ધિ નથી.
– કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
– વાંદરા ને સીડી ના અપાય.
– કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
– ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
– નામ છે એનો નાશ છે.
– કુવામાં હોય તો હવાડા માં આવે.
– બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
– મોર ના ઇંડા ચીતરવા ના પડે.
– જેવો દેશ તેવો વેશ.
– જેવો સંગ તેવો રંગ.
– જેની લાઠી એની ભેંસ.
– જેવું વાવો તેવુ લણો.
– ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
– સો વાત ની એક વાત.
– દુર થી ડુંગરા રળિયામણા.
– મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.

– સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

manvant patel - હેલ્લો કામયોગીજી ! લ્યો તમારી કહેવતપૂર્તિ:
પૂંછડે થી પકડો તો બાંડો ને શિંગડેથી પકડો તો ખાંડો !(બળદ).

કામયોગી - પ્રેરકભાઈ, તમારી કહેવતો પણ મજાની છે. માનવંતભાઈ, તમે તો ‘શિંગડેથી પકડો તો ખાંડો’ ઉમેરીને ઘણાં દિવસોથી મારાં મગજમાં ચાલતી વિચારોની ઘૂમરીઓ શાંત કરી દીધી. વધારે કહેવતો યાદ આવે તો ઉમેરતા રહેજો.

Manoj Shah - Prerakbhai Shah: I think વઘારેલી નહી પણ વખાણેલી ખીચડી દાંતે વળગી.

નિમેશ પાંચણી - 1. અક્કરમીનો પડીઓ કાંણો
2. અક્કલ ઉધાર ન મળે
3. અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
4. અચ્છોવાના કરવાં
5. અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
6. અજાણ્યો અને આંધળો બેઉ સરખા
7. અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
8. અતિ ચીકણો બહુ ખરડાય
9. અતિ લોભ તે પાપનું મૂળ
10. અણીનો ચૂક્યો સો વરસ જીવે
11. અધૂરો ઘડો છલકાય ઘણો
12. અન્ન અને દાંતને વેર
13. અન્ન તેવો ઓડકાર
14. અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
15. અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
16. અવળા હાથની અડબોથ
17. અવળે અસ્ત્રે મુંડી નાખવો
18. અંગૂઠો બતાવવો
19. અંજળ પાણી ખૂટવા
20. અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
21. અંધારામાં તીર ચલાવવું
22. અંધેરી નગરી ગંડુ રાજા
23. આકાશ પાતાળ એક કરવા
24. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
25. આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
26. આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
27. આજ રોકડા, કાલ ઉધાર
28. આજની ઘડી અને કાલનો દી
29. આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
30. આદુ ખાઈને પાછળ પડી જવું
31. આપ ભલા તો જગ ભલા
32. આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
33. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
34. આપ સમાન બળ નહિ
35. આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
36. આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
37. આફતનું પડીકું
38. આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો

લોક સાહિત્ય – કહેવતો

(ખાસ પ્રેરકભાઈને આભારી છીએ આ કહેવતો મોકલવા બદલ)

– ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
– આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
– વારા ફરથી વારો અને મારા પછી તારો.
– વઘારેલી ખીચડી દાઢે વાળગી.
– ન બોલવામાં નવ ગુણ.
– બોલે એના બોર વેચાય.
– કાગડો દહીંથરુ લઇ ગયો.
– વિદ્યા વિનય થી શોભે છે.
– સાહસ વિના સિદ્ધિ નથી.
– કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
– વાંદરા ને સીડી ના અપાય.
– કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
– ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
– નામ છે એનો નાશ છે.
– કુવામાં હોય તો હવાડા માં આવે.
– બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
– મોર ના ઇંડા ચીતરવા ના પડે.
– જેવો દેશ તેવો વેશ.
– જેવો સંગ તેવો રંગ.
– જેની લાઠી એની ભેંસ.
– જેવું વાવો તેવુ લણો.
– ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
– સો વાત ની એક વાત.
– દુર થી ડુંગરા રળિયામણા.
– મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
– સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

લોક સાહિત્ય

પંચમ શુક્લ - સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ

j.t. - પ્રેરકભાઇ,
કહેવતો અને સુવાક્યોમાં તફાવત છે. આપના સંકલનમાં “વિદ્યા વિનય થી શોભે છે.” અને “સાહસ વિના સિદ્ધિ નથી.” એ બે સુવાક્યો છે.
ધ્યાનમાં આવ્યું તો જણાવવાની ઇચ્છા થઇ.
શુભેચ્છાઓ સ:

Rajeshwari Dilipkumar Shukla - ઝાઝા હાથ રળિયામળણાઆ
મન હોય તો માળવે જવાય
નામ મોટાને દર્શન ખોટઆ
આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય

છોકરે છાશ પીવી
આંગળીથી નખ વેગળા
ભસ્યા કૂતરા કરડે નહીં
ગાજ્યામેહ વરસે નહીં
અક્કરમીનો પડીયો કાણો
સક્કરમીની જીભને અક્કરમીન ટાંટિયા
આગ લાગે ત્યારે કુવો ખોદવો
ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું

ઝાઝા હાથ રળિયામણા
ઝાઝા મોં અદીઠ
જાગ્યા ત્યારથી સવાર
મા તેવી દીકરી ને માટી તેવી ઠીકરી
અક્કલ બડી કે ભેંસ

લોક સાહિત્ય – કહેવતો

(ખાસ અમિત પિસાવાડિયાને આભારી છીએ આ કહેવત મોકલવા બદલ)

– દળ ફરે વાદળ ફરે ,
ફરે નદી ના પુર પણ શુરા બોલ્યા નવ ફરે ,
ભલે પશ્ચિમ ઉગે સૂર.
– ઉતાવળે આંબા ના પાક

લોક સાહિત્ય

લોક સાહિત્ય – ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર !

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર !
હાલોને જોવા જંઇયે રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર !
પિતણિયાં પલાણ રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર !
દશે આંગળીએ વેઢ રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

માથે મેવાડી મોળિયાં રે રાજાના કુંવર !
ખભે ખંતીલો ખેસ રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

પગે રોઠોડી મોજડી રે, રાજાના કુંવર !
ચાકે મટકતી ચાલ્યા રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

લોક સાહિત્ય – ઢોલીડા ઢોલ તું વગાડ

ઢોલીડા ઢોલ તું વગાડ, ગરબો હેલે ચઢયો રે
સૂતેલા માનવી જગાડ, ગરબો હેલે ચઢયો રે ….

દેજો રંગતાળી ને વાગે છે તાળી.
ગરબે છંટાયા ગુલાલ … ગરબો હેલે ચઢયો રે ….

ગરબો ગાજે છે પેલા ગબ્બરના ગોખમાં
ડુંગરમાં બોલે છે મોર … ગરબો હેલે ચઢયો રે ….
ગરબો જોવાને તમે એકવાર આવજો
સરખી સાકેલીઓની સાથ … ગરબો હેલે ચઢયો રે ….

ચારે બેનો રમે ચાચર ચોકમાં
રત્ન તળાવડીની પાળ … ગરબો હેલે ચઢયો રે ….
ઢોલીડા ઢોલ તું વગાડ, ગરબો હેલે ચઢયો રે

લોક સાહિત્ય – દેવના દીધેલ

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઇને રો’ !

તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઇને રો’ !

લોક સાહિત્ય – દેવના દીધેલ

સ્પંદન - Hi.

આ વાંચીને આજે બહુ મજા આવી ગઇ. જ્યારે હું નાનો હતો ત્યારે આ ગીત મારા દાદી ગાતા હતાં. લગભગ એક વર્ષ પહેલાં એમનો સ્વર્ગવાસ થઇ ગયો.
આ ગીત માં વચ્ચે બીજી બે કડી છે.
(હનુમાન અને મહાદેવ માં ગોટાળો હોઇ શકે.)

મહાદેવ જાઉં ઉતાવળી ને જઇને ચડાવું ફૂલ
મહાદેવજી પ્રસન્ન થયાં ત્યારે દીધાં તમે અણમૂલ – તમે મારું નગદ…

હનુમાન જાઉં ઉતાવળીને જઇને ચડાવું હાર
હનુમાનજી પ્રસન્ન થયાં ત્યારે દીધાં હૈયાના હાર – તમે મારું નગદ…

આશા છે કે આ તમને ઉપયોગી થઇ રહેશે.

Dharmesh Shah - તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

લોક સાહિત્ય – દેવના દીધેલ

લોક સાહિત્ય – દેવના દીધેલ

સાંભળો (click to listen)

લોક સાહિત્ય – પાણી ગ્યાં’તાં રે

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …
આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

લોક સાહિત્ય – ફૂલડાં વીણું વીણું ને ખરી જાય

ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
માળ હું ગુંથું ગુંથું ને સરી જાય

ચંપો, ચમેલીને કેતકીની માળ (૨)
અંતરના પુષ્પોના ભાવો નિરાળા (૨)
વીણતાં વીણતાં કાયામાં કંટક ભોકાય
માળ હું ગુંથું ગુંથું ને સરી જાય

પકંજની પાંખડીએ ગાજે જ્યાં ભમરા (૨)
નીશદીન ગુંજતા નવરા ને નવરા (૨)
ગુંજતા ગુંજતા ડંખે ને વેદના થાય
માળ હું ગુંથું ગુંથું ને સરી જાય

મનડાની માળ ગુંથી મોંઘેરા મુલની (૨)
અણમોલી કિંમત છે એક એક ફૂલની (૨)
વિંધતા વિંધતા હૈયાની પાંખડી વિંધાય
માળ હું ગુંથું ગુંથું ને સરી જાય
ફૂલડાં વીણું વીણું ને ખરી જાય

લોક સાહિત્ય – ભઈલો મારો ડાહ્યો

હાલા રે વાલા મારા ભઈલાને
હાં…હાં…હાં…હાં

ભઈલો મારો ડાહ્યો
પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી
ભઈલો પડ્યો હસી
હાલા રે વાલા મારા ભઈલાને
હાં…હાં…હાં…હાં

ભાઈ મારો છે સાગનો સોટો
આવતી વહુનો ચોટલો મોટો
ભાઈ મારો છે વણઝારો
એને શેર સોનું લઈ શણગારો
હાલા રે વાલા મારા ભઈલાને
હાં…હાં…હાં…હાં

હાલા રે વાલા મારી બેનડીને
હાં…હાં…હાં…હાં

બેની મારી છે ડાહી
પાટલે બેસીને નાહી
પાટલો ગયો ખસી
બેની પડી હસી
હાલા રે વાલા મારી બેનડીને
હાં…હાં…હાં…હાં

બેની મારી છે લાડકી
લાવો સાકર ઘીની વાડકી
ખાશે સાકર ઘી મારી બેની
ચાટશે વાડકી મિયાંઉમીની
હાલા રે વાલા મારી બેનડીને
હાં…હાં…હાં…હાં

લોક સાહિત્ય – ભમરો

ભમરાને ફરવાની લાલચ, રખડે દિન આખો એ;
સાંજ પડે પણ ઘેર ન હોય, ભટકભટક કરતો એ.

વનમાં એક તળાવ મજાનું, સુંદર કમળ ખીલ્યાં’તાં,
એક ફૂલે જઇ ભમરો બેઠો, મધ લાગ્યો ચૂસવા ત્યાં.

સાંજ પડી અંધારું જામ્યું, ભમરો ગુલ જમવામાં,
ધીમે ધીમે ફૂલ બિડાયું, લોભી કેદ પડ્યો ત્યાં.

પાંખ સમારી પગ ખંખેરી, કરી છેવટ તૈયારી,
ઊડતાં શિર ભટક્યું નવ સૂઝી બહાર જવાની બારી.

અકળાયો, ગભરાયો, લાગ્યો પોક મૂકીને રડવા,
કોણ બહાર સૂણે ઉજ્જડમાં, કે દોડે છોડાવવા.

છેવટ ધીર ધરીને બેઠો, “રાત પૂરી થઇ જાશે,
રવિ ઊગશે, ખીલશે, ફૂલ પાછું, મુજથી ઝટ નીકળાશે.”

એમ વિચાર કરે ભમરો ત્યાં, હાથીનું ઝુંડ આવ્યું,
કમળવેલ જડમૂળથી તોડી, આવ્યું તેવું ચાલ્યું.

– લોક સાહિત્ય

લોક સાહિત્ય – મારી વેણીમાં ચાર ચાર ફૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

લોક સાહિત્ય – મારી શેરીએથી કાનકુંવર

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ

લોક સાહિત્ય – મોરલી તે ચાલી રંગ રૂસણે રે

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
સસરા મનાવવા જાય, રંગ મોરલી
સસરાની વારી હું તો નહીં રે વળું રે,
હાં, હંઅ, હોવે!

હું તો મારે મહિયર જઇશ રંગ મોરલી … મોરલી …
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
જેઠ મનાવવા જાય, રંગ મોરલી
જેઠની વારી હું તો નહીં રે વળું રે,
હાં, હંઅ, હોવે!

હું તો મારે મહિયર જઇશ રંગ મોરલી … મોરલી …
કોણ મનાવવા જાય? રંગ મોરલી!
પરણ્યો મનાવવા જાય, રંગ મોરલી
પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,
હાં, હંઅ, હોવે!

હું તો મારે સાસર જઇશ રંગ મોરલી.

લોક સાહિત્ય – રામ !

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

pragnaju - ભજન જેવું લોકસાહીત્ય-કાવ્ય
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !
બાળપણથી ગાઈએ છીએ-આજે ફ્ર્રી ગાવાની મઝા

Jagruti - આ અતિ લોકપ્રિય લોકગીતમાં રામ-સીતા દૈવી અવતારને બદલે એક સામાન્ય પતિ-પત્નીના રૂપમાં કેટલાં સુંદર રીતે નિરૂપાયાં છે !
સાહજિક મીઠી તકરારમાં છુપાયેલા સ્નેહનું ઊંડાણ ખરેખર હૃદયસ્પર્શી છે.

વિવેક ટેલર - ફરી ફરીને વાંચવું ગમે એવું લોકગીત

લોક સાહિત્ય – રૂખડ બાવા

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.

જેમ ઝળૂંબે કંઇ ધરતી માથે આભ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ કૂવાને માથે કોસ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ મોરલી માથે નાગજો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
… રૂખડ બાવા …

જેમ ઝળૂંબે કંઇ બેટાને માથે બાપ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
… રૂખડ બાવા …

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,
એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.

લોક સાહિત્ય – વસમા લાગ્યા છે મને મુંબઇના વાયરા

વસમા લાગ્યા છે મને મુંબઇના વાયરા
ભોળી હું તો ગામડાની નાર રે
સોણલા સાંભરે સોહમણા

વાસીદા વાળતી ને ઠામણા ઉજાળતી
ગામને કૂવેથી બેડાં પાણી ભરી લાવતી
દળણું દળતી પાલી ચાર રે – સોણલા

સીધો સેંથોને વળી ઝૂલફાં રખાવતી
ઘૂંઘટના મેલીને માથું ઉઘાડું મેલતી
કડલાં કાંળીનો બહુ ભાર રે – સોણલા

લાખેણી લજ્જા એ તો સ્ત્રીનો અવતાર છે
શહેરી જીવનમાં નહી સાર રે
સોણલા સાંભરે સોહમણા
વસમા લાગ્યા છે …

લોક સાહિત્ય – વાત બહાર જાય નહીં

વાત બહાર જાય નહીં (૨)
આતો તમે રહ્યા ઘરના બીજા, કોઇઅને કહેવાય નહીં
નામ હોય સુનયના, આંખ એની બાડી,
ડાહ્યાભાઇઅનો દીકરો, વાત કરે ગાંડી.

કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિં… આતો તમે રહ્યા ઘરના
જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,
વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.

જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિ… આતો તમે રહ્યા ઘરના
નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,
ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો
સમજુઓં સમજાય છતાં બોલ્યું બોલાય નહિ … આતો તમે રહ્યા ઘરના

– ફિલ્મ: રમતા રામ

લોક સાહિત્ય – વાદલડી વરસી રે

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં. ટેક
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારા હાથ કેરો ચૂડલો રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારી ડોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં.

Vishal Monpara - આ ગરબો મને અતિશય પ્રિય છે. જ્યારે જ્યારે પણ હું આ સાંભળુ છુ ત્યારે શરીર કાબુની બહાર જતુ રહે છે.

આપનો ખુબ ખુબ આભાર.

લોક સાહિત્ય – સાથીયા પુરાવો દ્વારે

(via ટહુકો an excellent site)

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વિવેક - મને લાગે છે, એસ.વી., આ નવરાત્રિમાં તમે ગરબાની ચોપડી જ છાપી નાંખવાના… સાચું કહું, ઘણા દિવસે આજે થોડી નવરાશ મળતાં જ તમારો બ્લોગ સૌપ્રથમ ખોલ્યો… આટલા બધા લોકો બ્લોગ્સ ચલાવે છે પણ રોજ નવા ને નવા ગરબાનું સાહિત્ય આપવાનો આવો નવરંગી નવતર વિચાર તો માત્ર તમને જ આવ્યો… હવે તો રમવા જવાનું મન થાય છે… આપ આવશો?

લોક સાહિત્ય – હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે,
છાણાં વીણવા ગઇ’તી, રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મને ટચલીએ ટચકાવ્યો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા સસરાજીને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા જેઠજીને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા પરણ્યાને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

વિંછૂડાના ઝેર ઉતરાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
હમ્બો હમ્બો વિંછૂડો

લોક સાહિત્ય – હાથી

હાથીભાઇ તો
જાડા
લાગે મોટા
પાડા
આગળ ઝૂલે
લાંબી સૂંઢ…
પાછળ લટકે
ટૂંકી પૂંછ …

– લોક સાહિત્ય

Neela Kadakia - એક બિલાડી જાડી
તેને પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તો તરવા ગઈ
ત્ળાવમાં તો મગર
બિલ્લીને આવે ચક્કર
સાડી છેડો છૂટી ગયો
મગરનાં મોંમા આવી ગયો
મગર બિલાડી ખાઈ ગયો

– લોક સાહિત્ય

વિવેક - બાળપણથી આ જોડકણું સાંભળતા આવ્યાં છીએ. ભાગ્યે જ કોઈ કમનસીબ ગુજરાતી બાળક હશે જેને આ જોડકણું આવડતું નહીં હોય. પણ જે હું નાનપણથી સાંભળતો આવ્યો છું એ અહીંથી આગળ વધે છે:

પાછળ લટકે
ટૂંકી પૂંછ …
સૂંઢમાં લાવે પાણી,

એ પાણી તો ગંદુ,
એટલામાં આવ્યો ચંદુ…

ચંદુના માથે ચોટલી,

બા બનાવે રોટલી…

એક રોટલી ખાવા દે,

ઝટપટ સ્કૂલ જાવા દે !

j.t. - Great…Seems you want to invite kids also to your blog, eh!!
Keep it up..it IS required..
Best wishes

લોક સાહિત્ય – હું તો કાગળિયાં લખી લખી થાકી

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારાં કાળજડાં ઠરી ઠરી જાય રે,
છોગાળા તારા મનમાં નથી.
… હું તો …

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવલિયા બળી બળી જાય રે,
છબીલા તારા મનમાં નથી.
… હું તો …

આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
વહાલીડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

Jayshree - ઘણાં વર્ષો સુઘી આ ગીત દિવાળીબેન ભીલના કંઠે સાંભળ્યું છે. નાનપણમાં તો ગીતનો ભાવ જરા નો’તો સમઝાતો… પણ તો યે સાંભળવાની મજા આવતી.

લોક સાહિત્ય – હો, મારવાડા !

તમે એક વાર મારવાડ જાજો રે, હો, મારવાડા !
તમે મારવાડની મેંદી લાવજો રે, હો, મારવાડા !
તમે ઓલું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

તમે એક વાર ઘોઘા જાજો રે, હો, મારવાડા !
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે, હો, મારવાડા !
તમે ઓલું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

તમે એક વાર ચિત્તળ જાજો રે, હો, મારવાડા !
તમે ચિત્તળની ચૂંદડી લાવજો રે, હો, મારવાડા !
તમે ઓલું લાવજો, પેલું લાવજો,
પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

વિવેક - મને લાગે છે, એસ.વી… તમે નવરાત્રિની તડામાર તૈયારી આદરી દીધી છે… એક પછી એક આપણા સૌના લાડલા લોકગીત-ગરબાની સરસ રમઝટ બોલાવી દીધી છે… પણ એક આડવાત પૂછું? ફક્ત શબ્દોના હિલ્લોળે જ ચડો છો કે પછી હીંચ પણ અદભૂત લઈ જાણો છો?

SV - અમે તો બસ શબ્દોનું અફીણ જ માણીયે.

Let me reply with the famous Las Vegas campaign “What happens here, stays here” J

Jayshree - ઘણા વખતે આ ગીત સાંભળ્યું… એટલે કે વાંચ્યું… પણ શબ્દોની સાથે સંગીત પણ કશેથી આવતું હોય એવું લાગ્યું… મજા આવી ગઇ…. લાગે છે આ નવરાત્રી એટલી સૂની નહીં જાય જેટલી હું ધારતી હતી…. Thanks a lot..!!

Suresh Jani - “ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘુંઘટ નહીં ખોલું રે !”

આ ભવાઇ ગીત પણ આવું જ લયબધ્ધ છે. ગીત પછી આવતું થોડુંક લલકારાતું ગદ્ય પણ એક જૂદોજ માહોલ પેદા કરે છે. તેમાં લય સાથે સરસ રમૂજ પણ છે.
જે જમાનામાં માત્ર ભક્તિ સિવાય કોઇ સર્જન થતું ન હતું, તે વખતે આવા ગીતો જ લોકો માટે નિર્ભેળ મનોરંજન હતા. તેમાંથી ઉજાગર થતી સામાન્ય માણસની જિંદગીની મીઠાશ આ ઇન્ટરનેટ યુગમાં પણ એટલી જ તરો તાજા છે.

manvant - Vaheli Prabhaate Pushpo sunghvaani maja pade Chhe !
THANKS…………………………………………………………..S.V.!

લોક સાહિત્ય –દીવાળી

દીવાળીના દિવસોમાં,
ઘર ઘર દીવા થાય.
ફટાકડા ફટ ફટ ફૂટે,
બાળક મન હરખાય .

વંચિત કુકમાવાલા – સમેટો

બને શક્ય તો, ભીતરે રણ સમેટો ,
સમેટો, અજંપાભરી ક્ષણ સમેટો.

પ્રણયની મજા, રોગમાં ફેરવાશે,
તમે મૌન પાછળનાં કારણ સમેટો.

પ્રતીક્ષાની જાજમ થશે ધૂળધાણી,
જુઓ એ સમેટે, તમે પણ સમેટો.

ધુમાડો સબંધોનો ઊંબર ટપે છે,
કરો મૌન ચૂલો, એ આંધણ સમેટો.

ભલે લોહીથી પણ વધુ હોય નિકટ,
હ્રદય ના કબૂલે એ સગપણ સમેટો.

અહીંથી ઘણે દૂરનો સ્પર્શ કરતાં,
ઘડી બે ઘડી આપ સમજણ સમેટો.

– વંચિત કુકમાવાલા



For queries email at need.more.intel@gmail.com