Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વીઆપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

મા

મા તે મા બીજા બધા વગડાના વા.

ઘોડે સ્વારી કરતો બાપ મરજો,
પણ દળણા દળતી મા ન મરજો.

માધવ રામાનુજ – આકાશ

કોઈ ખરેલા ફૂલની પાસે બેઠું બેઠું
ધ્રુસકે આખી રાત રોયું આકાશ,
કોઈ કૂવાને પાવઠે છેલ્લીવાર પારેવે
ખરતા પીંછા જેમ ખોયું આકાશ.

કોઈ ઉઘાડી બારીએ ટગર નજરુંના
ટમટમતા દીવે નજરાયું આકાશ,
કોઈ અજાણી વાટ ભૂલેલાં આકળવિકળ
પગલાં ભેળું અટવાયું આકાશ.

કોઈ સાંતીડે ઘૂઘરાનો રણકાર બનીને
ડચકારે વેરાઈ ગયું આકાશ;
કોઈ આષાઢી ડાયરે ઘૂંટ્યાં ઘેન છલોછલ
ઘટકાવી ઘેરાઈ ગયું આકાશ.

કોઈ સીમાડે ડણકી, તાતી તેગના
તીણા ઝાટકે એવું ખરડાયું આકાશ;
કોઈ ખાંભીના પથરેથી
સિંદૂરના સૂકાભંઠ રેગાડે તરડાયું આકાશ.

કોઈ ભરી મહેફિલ મૂકીને ઊઠ્નારાને
તેજલિસોટે વીંધાયું આકાશ;
કોઈ બુઝાતી ચેહની પાસે ઊભું ઊભું
ડૂસકું ખાળી રૂંધાયું આકાશ.

(તમે : ૩૫)

માધવ રામાનુજ

માધવ રામાનુજ – પાસેપાસે તોય

પાસેપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ …

રાત-દીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુને યે દઈ દીધો છે ભવનો કારાવાસ …
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાં ય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે !
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે ?
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ, તો ય છેટાંનો ભાસ.

( તમે : ૪૩ )

માધવ રામાનુજ (૧૯૭૦)

માધવ રામાનુજ – બપ્પોર

સાંતીડે બપ્પોર ચડે
ને ભૂખ્યો સૂરજ
બળદ તણી ખાંધેથી ઊતરી
બાવળના કંજૂસ છાંયડે
ટીમણ કરવા જાય.

સીમને સામે કાંઠે
મૃગજળના હિલ્લોળતા વ્હેળામાં
ડૂબ્યા ગામ તણો ડહોળાઈ જતો આભાસ.

સમડીની તીણી ચીસે
તરડાઈ ગયેલું આભ
કૂવાના ઊંડા જળમાં પેસી, હજીયે કંપે.
વાગોળે વંટોળ ધૂળિયું ઘાસ!

જીભ લટકતી રાખી બેઠાં
શ્વાન સરીખાં નળિયાં
તડકાના ટુકડાને ટાંપી રહે.

ઘૂમતો શેરી વચ્ચે તરસ્યો થઈ ઉકળાટ
ટપકતા પરસેવાનું
પાણી પીવા તલસે.

માધવ રામાનુજ (૧૯૬૮)

માધવ રામાનુજ – રોઈ રોઈ આંસુની ઊમટે નદી

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું.

છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.
આઠમની ધોધમાર મધરાતે એક વાર
પાનીએ અડીને પૂર ગળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.

લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.
પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધારણ ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

માધવ રામાનુજ

માધવ રામાનુજ – ૩૦ જાન્યુઆરી

સવારે સૂર્ય તો ઊગ્યો હતો !
મેં આંખ ચોળી ભીંત પર જોયું :
તમારા ચિત્ર નીચે
કાલનો દિવસ હતો !

દાયકાઓ વીતતાં શી વાર ?
પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે !
જેમાં,
તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે ! –
તમને નહીં ,
એ – એક ક્ષણને
કેટલું વીત્યું હશે ;
જેમાં, તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે !
એ સાંજ પણ
ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય –
જેણે એક સાથે
સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે !…
બીજી સવારે સૂર્યમાં
એ સાંજનું એકાદ આંસુ
સ્તબ્ધ થઈ ઊગ્યું હશે …
ને એ પછી ?
ને એ પછી ?
ને એ પછી ?
દાયકાઓ વીતતાં શી વાર?

માધવ રામાનુજ (૧૯૭૦ ગાંધી નિર્વાણદિન)

માધુરી ટોપીવાળા – આઝાદી?

આતંકવાદી વિદેશી તાકતોથી
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી
નથી મળી આઝાદી નાગરિકોને

ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી
અધિકારીઓનાં ખિસ્સા ભરવાથી
નથી મળી આઝાદી જનતાને

અબળાને દમનનો ભોગ બનવાથી
ભૃણહત્યા કરવાની લાચારીથી
નથી મળી આઝાદી નારીને

ભૂલકાંઓને શ્રમદાન કરવાથી
શ્રમદાન આપી અશિક્ષિત રહેવાથી
નથી મળી આઝાદી ભાવિને

યુવાનોને બેરોજગારીથી ઝઝૂમવાથી
ડિગ્રી લઈ દર-દર ભટકવાથી
નથી મળી આઝાદી યુવાનોને

– માધુરી ટોપીવાળા

મારા મરણ પર

મારા મરણ પર તમે આસું ન બહાવશો,
મારા મરણ પર દોસ્તો ગમ ન કરશો…
… મારી યાદ આવે તો સીધા ઉપર જ આવજો.

મીરાં બાઇ – આયો બસંત, કંત ઘર નાહીં મીરાં બાઇ – જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો …

તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો …

બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો …

– મીરાં બાઇ

મીરાં બાઇ – નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય (2)

રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી … જોતી … નાગર

એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર… ભાર … નાગર

નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય… ખાય… નાગર

આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર… ચોર… નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે’તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી … કહેતી … નાગર

તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે’ ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી … થોડી … નાગર

– મીરાં બાઇ

મીરાં બાઇ – રામ-રતન ધન પાયો

પાયોજી મેને રામ-રતન ધન પાયો

વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો … પાયોજી મેને

જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો … પાયોજી મેને

ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો … પાયોજી મેને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો … પાયોજી મેને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને

– મીરાં બાઇ

મુકેશ જોષી – ચોમાસું

લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઇ યાદ…

ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઇ દરીઆની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉંન્પાદ …

– મુકેશ જોષી

મુકેશ જોષી – તને ચાહવામાં કશું ખોઇ બેઠાં

તને ચાહવામાં કશું ખોઇ બેઠાં
હતા બે’ક આંસુ અને રોઇ બેઠાં

કર્યુ વ્હાલથી મેંશનું તેં જે ટપકું
અમે ડાઘ ધારી અને ધોઇ બેઠાં

બધા શે’ર તારી સ્તુતિ થઇ ગયા છે
અમે આ ગઝલમાં તને જોઇ બઠાં

હશે એમને કેટલો તારો આદર
બધા વ્રુક્ષ ઊભા! નથી કોઇ બેઠાં

સમય પણ તેં આપી દીધો’તો મિલનનો
અમે પણ ખરા, એ સમય ખોઇ બેઠાં

– મુકેશ જોષી

મુકેશ જોષી – તને વહાલો વરસાદ કે હું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ… તને

– મુકેશ જોષી

મુકેશ જોષી – તારા અક્ષરના સમ

જો મારી આંખોનો આટ્લો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
– તારા અક્ષરના સમ

તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી
કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
– તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં ન હીં લખિયા, એટલા મેં લીધા જનમ
– તારા અક્ષરના સમ

– મુકેશ જોષી

મુકેશ જોષી – પથ્થર

હોત તું પથ્થર તો સારું થાત કે,
હું તને પૂજી શકત પૂછ્યા વગર.

– મુકેશ જોષી

મુકેશ જોષી – પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
બેઉ જણ માટે પૂજારી જોઇએ

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાં ય બારી જોઇએ

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
દિકરા જેવો મદારી જોઇએ

એ અગાસીમાં સૂતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

– મુકેશ જોષી

મુકેશ જોષી – બા

બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો’ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે

– મુકેશ જોષી

પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયા
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા …

મુકેશ જોષી – વરસાદી ગઝલ

કહેતાતાને વાતે વાતે
ચલો પલળવા મારી સાથે

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

ખાલી આ વરસાદ નથી હો
ઈશ્વર હાથ મૂકે છે માથે

બીજાને મે કહેણ મોકલ્યાં
તમને કહેવા આવ્યો જાતે

પવન સૂકવશે કેશ તમારા
નહી તો એ પણ મારા માથે

મુકેશ જોષી

મુકેશ જોષી – વિઝા

પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એણે પૂછ્યું નામ,
વિધવા થયેલા ફોઇ ફરીથી યાદ આવ્યાં મેં કર્યાં પ્રણામ.

માંડ હજુ ઉત્તર વાળું એ પહેલાં એણે પૂછ્યું ગામ
શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એણે આમ.

જન્મતિથિ, તારીખ, વાર કે ચોઘડિયાનું કંઇ ના સૂઝયું,
સારું છે કે શું કરવા જન્મ્યો છું એણે ના પૂછ્યું.

મેં શ્રદ્ધાથી જોયું, એણે શંકા જેવો ભાલો કાઢયો,
ટાઇપ કરેલો ભૂતકાળ મેં ત્યાં ને ત્યાં એને દેખાડયો

લોહી વચાળે સઘળી ઇચ્છા ટાઢ સમી થરથરતી દેખી,
કાતર જેવી નજરું એણે ઉપરથી સણસણતી ફેંકી

ક્યાંથી આવ્યા? ક્યાં જવાના? અને કેટલા દહાડા રહેશો?
ઉપનિષદ પણ એ જ પૂછે છે એનો ઉત્તર તમેય દેશો?

તીખા તીખા પ્રશ્નોથી શું માણસને ઓળખવા માંગો!
જેને પૂછો એ માણસ તો પોતાનીથી ખાસ્સો આઘો

વિઝનથી વિઝાની વચ્ચે શ્વેત – શ્યામ રંગી કાયદા,
પંખીને પુછાય કદી કે ઊડવાના છે ક્યા ફાયદા.

ભરદોરે જે સ્વપ્ન ચગાવ્યું એક ઝાટકે એણે કાપ્યું,
ઝળઝળિયાંએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું.

પાછાં વળતાં ફરી કોઇએ બૂમો પાડી મારા નામે,
હવે નથી અટવાવું મારે ચાલ્યો હું સાચા સરનામે.

– મુકેશ જોષી

મુકેશ જોષી – સુખની પાઈપલાઈન કાણી

મારા ફ્લેટમાં આવે છે ભેજ
કેમે ના સમજાતું અંદર દિવાલમાં
કે મારી આંખમાં આ લીકેજ… મારા ફ્લેટમાં.

એક પછી એક એના ઊખડે છે પોપડા
હિંમત હારી બેઠી ભીંત
ધ્રાસકા સમેત બધી જોયા કરે છે
પહેલાં કઈ પડવાની ઈંટ
સૂરજ નથી ને મારે ઓચિંતું જોઈએ છે
ક્યાંયથીય એક મૂઠી તેજ… મારા ફ્લેટમાં.

ફ્લેટમાં દરિયો ઘુસાડ્યો આ કોણે
કોણે માંગ્યું’તું આમ પાણી
સાંજ પડે દિવસો પણ ડૂસકાં થઈ જાય
સુખની આ પાઈપલાઈન કાણી
આવા ને આવા તું બાંધે છે ફ્લેટ
એમાં તારી ખરડાય છે ઇમેજ… મારા ફ્લેટમાં.

– મુકેશ જોશી

મુકેશ જોષી – હવે જમાનો ડૉટ કોમનો

કોઇ કોઇને ના પૂછે : તું હિંદુ કે મુસ્લિમ કોમનો
હવે બધાંને ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

એના ઇંટરનેટ ઉપર તો આપણ બધા ડોટ
પ્રગટ થવાનું લુપ્ત થવાનું એને હાથ રિમોટ
અલ્લાહ અકબર બોલો ત્યાં તો નાદ સુણાતો હરિ ઓમ્નો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

મંદિર મસ્જિદ નાની નાની વેબ પેજની સાઇટ
સહુ મેળવતાં લાયકાતથી આછી ઘેરી લાઇટ
સાથે રહેતાં શીખ્યા તેથી વટ્ટ પડે છે રવિ-સોમનો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

– મુકેશ જોષી

મુખ્તાર સૈયદ – માણવાને

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

– મુખ્તાર સૈયદ

મૂળ રંગ

લાલ પીળો ને વાદળી
એ મૂળ રંગ કહેવાય
બાકીના બીજા બધાં
મેળવણીથી થાય.

મેહુલિયો

તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકના જાયે છે જાન
મંડ્યો ને મંડ્યો તું મુશળધાર
કેમ કરી જાવું મારે નિશાળ?

ચંપલ મારી છબ છબ થાય
ધોયેલા કપડાં બગડી જાય
અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રી કાગડો થાય – તારે…

દોડે મોટરની હારો હાર
ખસવું પડે છે વારંવાર
કેળાની છાલ આવે ત્યારે લપસી જવાય
ત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય – તારે …

મોનીકા શાહ – તમે

નજરોથી અમારી વિંધાઇ ગયા તમે,
યાદમાં અમારી ડરી ગયા તમે,
વરસોથી મળવા આતુર થઇ ગયા તમે,
જોઇ ને અમને લાગણીમાં ભીંજાઇ ગયા તમે,
એ ભ્રમ હતો અમારો કે,
સપનોમાં અમારા ખોવાઇ ગયા તમે.

– મોનીકા શાહ

મોહમ્મદઅલી ભૈડુ “વફા” – અટકળ

આમ કરો ના ખોટી અટક્ળ
કોણ કહે છે જીવન ઝાકળ.

એ તો છે સંદેશ ખુદાનો
એથી આવ્યા લાખ પયંબર.

જા લખી લે કર્મોની ગઝલો
જીવન એ તો કોરું કાગળ.

રુહ રુહથી સોહે ધરતી
બુંદ બુંદથી મહેકે સાગર.

હિલ્લારા ખાતો છે દરિયો
ચલ ભરી લે પ્રેમની ગાગર.

કળિયો ચહેકે પુષ્પો મહેકે
તું ઝંખે આવળ બાવળ.

”સુરત” તો રગ રગમાં રમતુ
ચોકથી ભાગળ આંખનુ કાજળ

ચાલ “વફા” તાપી તટ જઇએ
પાછા ભરીયે રંગનો પાલવ.

– મોહમ્મદ અલી ભૈડુ “વફા”

મોહમ્મદઅલી ભૈડુ “વફા” – કાગળ લખું

શબ્દનો વેપાર આ ફેલાયતો કાગળ લખું.
મૌનની દિવાલ આ ચિરાયતો કાગળ લખું.

લાગણીના મોગરા મ્હેકાયતો કાગળ લખું.
પાન સબંધોના કંઇ લીલાયતો કાગળ લખું.

વરસો થયાં પાષણ એ તૂટ્યો નાથી જરા.
એ ખડગ થોડો જરા મીણાયતો કાગળ લખું.

સંકીર્ણ થઈ ગઈ છે બધી શબ્દની ઇમારતો,
અર્થની ભંગિમા અંગડાયતો કાગળ લખું.

બન્ને તરફની બેકરારી એકાંતમા અશ્રુ વહે,

રેલા તમારી આંખમા રેલાયતો કાગળ લખું.

વ્યસ્ત હુંરર્હ્યો સદા પ્રતિબિંબની સજાવટમા,
મનનો આ આયનો તરડાયતો કાગાળ લખું.

ટેરવાં વિવશ બન્યાં એક બયાં લખવા “વફા”,
મોહક ઈશારો એમનો જો થાયતો કાગળ લખું.

– મોહમ્મદ અલી ભૈડુ “વફા”

મ્હેક – અવાજ

આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો’ય વહી જાય છે અવાજ.
બોલ્યા તમે એ વાત ને વર્ષો થઇ ગયા,
દિલમાં હજીય એમ એ પડઘાય છે અવાજ … છે બંધ…
હોઠો નું સ્મિત આંખ ના મદમસ્ત ઇશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ… છે બંધ…
છે એમનાથી તો’ય પરીચિત ઘણો છતાંય
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ… છે બંધ…
દિલની દિવાલો ગુંજતી થઇ જાય છે ‘મ્હેક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ… છે બંધ…
આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો’ય વહી જાય છે અવાજ.

– મ્હેક

(સૌજન્ય : અમીઝરણું)

યૉસેફ મૅક્વાન – પડછાયો

વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !
મનમાં કેવી ક્ષણ ઊગી ગઇ
ચકલી આખું આભ ચૂગી ગઇ !

જોઉં છું હું તો જોઇ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

– યૉસેફ મૅક્વાન

યોગેશ જોશી – તણખલું

ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું.

આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઇને!

– યોગેશ જોશી

સુરેશ જાની નરસિંહરાવ દિવેટીયાની કવિતા યાદ આવી ગઇ-

‘ કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બિંબ ઢંકાયું,
તે ચિત્ર દીસે અગમ્ય.
પરંતુ તે છાંયની પેલી પારે,
જ્યોતિ રહ્યો ઝળહળી, ન કદીય ખૂટે. ‘

યોગેશ જોશી – તણખલું

ણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું.

આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાં ય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈને!

– યોગેશ જોશી

યોગેશ જોષી – ટકોરા

બંધ બારણે
ટકોરા મારું છું,
રાહ જોઉં છું…
… વળી
ટકોરા મારું છું જરા જોરથી,
રાહ જોઉં છું …
સ્વિચ પર નજર જતાં
ડોરબેલ વગાડું છું,
વળી
રાહ જોઉં છું …
પણ
ખૂલતું નથી દ્વાર.
‘ખૂલ જા સીમ સીમ’ –
બોલવાનું મન થાય છે
ત્યાં
કાને અવાજ પડે છે
ટક્ ટક્ ટક્ …
કાન સરવા કરું છું –
મારી ભીતરથીયે
કયારનું કોક
મારી રહ્યું છે ટકોરા
ટક્… ટક્… ટક્…
ટક્… ટક્… ટક્…

– યોગેશ જોશી

યોગેશ વૈદ્ય – સુખ

આમ તો
આ સાવ નાનકડું ફ્લેગ સ્ટેશન
મારા ગામથી
પૂર્વ તરફ જતાં રસ્તામાં આવે
જંગલ પૂરું થાય
અને તરત જ આવતું
આ નાનકડું ફ્લેગ સ્ટેશન .

પ્લેટફોર્મથી
થોડે દૂર
જાળીવાળી દીવાલને અડીને
એક બાંકડો
લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો.

મેં
અનેક વખત
તેને જોયો છે
ચાલતી ટ્રેનમાંથી

ઘણી વખત
સપનાંમાં પણ આવે
એકાકી ફ્લેગ સ્ટેશન પરનો
લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો
એ બાંકડો.
સ્ટેશન થીજી ગયેલું
પાટાઓ ઓગળીને ગાયબ
બધાજ સંદર્ભો, અક્ષાંશ-રેખાંશ,
નિશાન-નકશાથી વિખૂટો પડી ગયેલો –
અફાટ મહાસાગરમાં
સાવ એકલા ટાપુ જેવો
માત્ર આ બાંકડો
લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો

મારે
ઊતરી પડવું છે અહીં
ટ્રેન ઊભી રહેતી નથી .
બારીના સળિયા હચમચાવું
પ્લેટફોર્મ પરના માણસને બૂમ પાડું
પગ પછાડું.

આ પ્લેટફોર્મ પર ઊતરી,
મારે
પેલા બાંકડા પર
એક વખત બેસવું છે
ઊંડા ઊંડા શ્વાસ ભરી
નિરાંત લેવી છે
મલયાનિલની હળવી લ્હેરખી વાય
અને
ઉપરથી એક લવંડરીયું ફૂલ
ટ.. પ્ દઈને મારા પર પડે

બસ એટલું જ……
એટલું જ સુખ !

– યોગેશ વૈદ્ય

રઘુવીર ચૌધરી – આ એક નદી

દર્પણમાં
મારા ચહેરાની પાછળ
હજી ય વહેતી
આ એક નદી
નામે સાબરમતી.

અમથી અમથી ખચકાતી
મારી નીંદર પરથી પસાર થતી
સવારે ધુમ્મસમાં મળીને
લગભગ પૂલ નીચે એ
અટવાઈ જતી
અને ચારેકોર જાગતા
અવાજમાં ખોવાઈ જતી
એની જાણીતી ગતિ.

એક સામટી એ અદ્રશ્ય થતી
આ શહેર જેટલા જૂના આકાશમાં
ને વળી પાછી ઊતરતી
સ્મરણમાં સચવાઈ રહેલ
પર્વતની તળેટીમાં.

એમ તો એ તળેટીથી તે છેક
અમારા મકાનને ટેકો દેતી
દીવાલ સુધી
જેમાં પૂર ધસી આવ્યા છે
પણ અમે બારણાં ખોલીને
બ્હાર આવીએ તે પહેલાં એ
ઓસરી જાય છે.

આ વર્તમાન બ્હારની
કોઈક ક્ષણે
ખૂલી રહી ગયેલી બારીમાં થઈને
એનું પ્રતિબિંબ
દર્પણની પેલી ગમ વહી જાય છે,
છેક જોગના ધોધ સુધી
હા,જોગના ધોધ સુધી.

પહેલા તો અમે
જોગના ધોધના બે પ્રતિબિંબ
જોયેલા જે આંખોમાં
તે હજી ય યાદ છે.
હા,હજી ય યાદ છે પણ
સાંભળીએ છીએ કે
જોગનો ધોધ સુકાઈ રહ્યો છે ,
આ નદીની જેમ.

અમે માનવા તૈયાર છીએ
કે હજી ય પૂર આવશે
પણ સવારે દીવાલની પાછળથી
કે રાત્રે અધખૂલી આંખે
અમે જોઈએ છીએ કે
સુકાઈ રહી છે આ એક નદી
નામે સાબરમતી.

રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી – સાગરતીરે અસલ તિમિરે

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

રઘુવીર ચૌધરી

રજનીકુમાર પંડયા – સમજયા પહેલાંનું, અને સમજયા પછીનું સ્મિત, બંને અલગ અલગ

સુલતાના બેગમસાહેબાને મેં કહ્યું કે, તમારા હાથમાં પેપરવેટ છે એ નીચે મૂકો અને પછી વાત કરો તો સારું.

‘કેમ? ’

‘કારણ કે, મને એની બીક લાગે છે. કયાંક હું તમને આ ઇન્ટરવ્યૂ દરમિયાન કંઇક આડું-તેડું, પૂછી બેસીશ. જૉકે એવી ભૂલ નહીં જ કરું પણ થઇ ગઇ તો તમે મારું માથું રંગી નાખો’. પછી એમનાં અમ્મી તરફ જૉઇને હું બોલ્યો, ‘મારી વાત સાચી છે નઝમા બેગમ?’ એનાં અમ્મી નઝમાબેગમ વયોવૃદ્ધ હતાં. સમજદાર હોવા જૉઇએ પણ સમજદાર નીકળ્યાં નહીં. મારી વાતને એમણે મશ્કરી માની લીધી. મેંદી રંગેલા લાલ દાંત બતાવીને એ ખડખડાટ હસ્યાં. પોતાની જુવાન દીકરી બેગમ સુલતાના તરફ મીઠી નજરે જૉઇને પછી બોલ્યાં! ‘એડિટરસાહેબ મારી બેટી હજુ તો સાવ બરચી છે.’

બેય કંઇ બરચી-બરચી લાગતી હતી ખાસ્સી ગજું કરી ગઇ હતી. મા કરતાં પણ બે વેંત ચી હશે. ફિલ્મમાં કામ કરવા માટે જરૂરી એવાં તમામ અંગ-ઉપાંગોનો પૂરો સેટ, પૂરી સભાનતા સાથે લઇને ફરતી હતી. વારંવાર મલકી લેતી હતી. એમાં પણ પાછી સભાનતા હતી. સોનેરી તારની આળી જાળીવાળા પર્સની બગલપટ્ટી સાથે લાંબા નખવાળી આંગળી રમ્યા કરતી હતી. ઉંમર ‘સોલા સાલ’ કહી હતી પણ હુમલો પરચીસ સાલ જેવો અનુભવો. જૉ માંડીને નજર કરો તો.

એની મા સાથે આ દોઢકલાકની વાતોમાં નઝમા બેગમને મેં ત્રીસેક વર્ષ પહેલાં ફિલ્મોના પડદે જૉયાં હતાં. એ જમાનાની લગભગ ફિલ્મોમાં એ આવતાં. એ વખતે એ ફાટફાટ હતાં અમે તો છોકરું હતાં છતાં મગજ ડામાડોળ થઇ જતું. એ ઉંમર જ હલી જવાની ઉંમર હતી. પછી આપણે કોલેજ મૂકીને નસીબના ચાર-છ ઠેલા ખાઇને એડિટર બન્યા ને એમાંય ફિલ્મી છાપાના એડિટર બન્યા. નઝમા બેગમે ફિલ્મો છોડી, કે ફિલ્મોએ એમને છોડયાં પગેરું પકડવાનું મન થાય એવી કોઇ મહત્ત્વની વ્યકિત એ નહીં, એટલે ફિલ્મોમાં એમની ખોટ સાલી નહોતી. કોઇનેય.

‘તમે કયાં હતાં આટલોે વખત?’ ફિલ્મોનું વાતાવરણ બહું ગંદુ હતું. એ બોલ્યાં એટલે મેં એ લાઇન છોડી દીધી ને આ છોકરીને મોટી કરવા પાછળ જ બધું ઘ્યાન આપ્યું.’ ફિલ્મોમાં સારા માણસો પણ હતા. તમે એમની સાથે કામ કરી શકયા હોત જેમ કે મહેબૂબખાન, બીજું નામ દઉં એ પહેલાં એ બોલ્યાં મહેબૂબખાન ઉફફ.’

‘કેમ, કેમ?’ મેં પૂછ્યું, કેમ ઉફફ કર્યું?’

‘એની વાત ન કરો’ નઝમા ડોશી બોલ્યાં.’ એને તો એક વાર મેં તમાચો ઝીંકી દીધેલો…’ મને આશ્ચર્ય! ‘શી વાત કરો છો? હોય નહીં. એના જેવો સજજન બીજૉ કોઇ…’

એ સજજન, એમ ને? ‘એ બોલ્યાં.’ ‘લયલા’ પિકચરના શૂટિંગ વખતે એમણે મારી પાસે બૂરી માગણી કરેલી. મને મેકઅપ રૂમમાંથી પોતાની ઓફિસમાં બોલાવી. આવી વાત કરી કે તરત જ ધડ દઇને તમાચો ઝીંકી દીધેલો. એ વખતે બાદશાહના દરબારમાં મારે નૃત્યનો સીન આપવાનો હતો એટલે આંગળીએ ચાર તો વીંટી પહેરી હતી. એ ચારે ચાર વીંટીનાં નિશાન એને ગાલે ઠી ગયેલા.’

‘લયલા’ પિકચર મને યાદ આવ્યું. દરબારમાં નૃત્યનો સીન પણ યાદ આવ્યો. નઝમા બેગમ મુખ્યો તો નહીં, પણ બીજા નંબરમાં નાચનારીના પાત્રમાં હતાં. સેન્સરની નજરમાંથી આ ¼શ્ય કેમ નીકળી ગયું હશે, એની નવાઇ મને આજ લાગી… આણે મહેબૂબને તમાચો મારેલો હશે? ‘તમે મહેબૂબને તમાચો મારેલો?’

‘અરે મહેબૂબની કયાં વાત કરો છો?’ એ આવેશપૂર્વક બોલ્યાં, ‘મેં તો સરદાર ચંદુલાલ શાહ જેવાનેય પાઠ ભણાવેલો…’

‘એમ?’ મેં પૂછ્યું. ‘એ કઇ રીતે?’

એ કઇ રીતના જવાબમાં નઝમા બેગમે આખી એક વિચિત્ર કથા હર્ષથી છલકાતા ચહેરે કહી. જેનો સાર એટલે હતો કે સરદાર ચંદુલાલ શાહ જેવા આબરૂદાર અને જૈફ ફિલ્મ-નિર્માતા પણ આમાંથી બાકાત નહીં. નઝમા બેગમને એક વાર એમણે બૂરી નજરથી જૉયેલાં, બૂરી માગણી કરી એટલે એનો અંજામ પણ બૂરો આવ્યો, ગરમા-ગરમ ચાની કિટલી એણે સરદાર ચદુંલાલ શાહના મોં પર ફેંકી. દિવસો સુધી દવાખાને રહેવું પડયું ને પછી ખો ભૂલી ગયા.

બાઇ ગજબની હિંમતવાળી ગણાય આવો મારા મનમાં વિચાર આવ્યો ત્યાં એણે ત્રીજૉ ધડાકો કર્યો. ‘મેં તો એકટર મોતીલાલને પણ સીધો કરેલો.’

‘સ્વર્ગસ્થ આત્મા. જબરદસ્ત અભિનેતા. એનું વળી શું હતું?’

વાત એવી નીકળી કે કોઇ શૂટિંગ હતું. નઝમા બેગમે મોતીલાલને ખંજર અડકાડવાનું એવો સીન હતો પણ મોતીલાલે છેડતીની કક્ષાની બદતમીઝી કરી. ચાલુ શૂટિંગે આમ કર્યું એટલે બોલાય તો કંઇ નહીં, પણ ¼શ્યમાં મોતીલાલ હથેળી ધરે છે અને નઝમા બેગમ ખંજર અડકાડે છે એવું ભજવવાનું હતું. નઝમા બેગમને એવી ખીજ ચડી કે સાચેસાચ ખંજર મોતીલાલની હથેળીમાં ભોંકી દીધું, પછી શું થાય? મોતીલાલનો કરુણ આર્તનાદ. લોહી દદડયું. મોતીલાલ કોને કહે? ચોરની માનું કોઠીમાં મોં! કોઇને કહે તો પોતે જ ઉઘાડો પડે ને! એટલે ‘ભૂલ સે હો ગયા હોગા’ કહીને સૌને પટાવી લીધા.’

તરત જ બેગમ સુલતાના વરચે ટપકી. ‘અમ્મા, તુને એડિટરસાહેબ કો યહ નહીં બતાયા કી બાદ મેં મોતીલાલ ઘર પર આયા ઔર…’

‘અરે હાં’ ફરી નઝમા બેગમની આંખો ચમકવા માંડી. ‘એ તો કહેતા ભૂલી જ ગઇ. હોસ્પિટલમાંથી સીધો મોતીલાલ મારે ત્યાં આવ્યો અને પછી બહેનજી…બહેનજી…કહીને મારા પગમાં આળોટી પડયો. પછી મને કહે કે હવે બહેનજી ધરાર તમે મારા કાંડે રાખડી બાંધો…ને બાંધો…’

‘બહેનજી…’ મારાથી પણ અચાનક એ જ સંબોધન થઇ ગયું. વગર છેડતીએ કોણ જાણે કેમ હું પણ અપરાધભાવમાં પેસી ગયો. બોલ્યો, ‘બહેનજી, તમે તો ટંકણખાર નીકળ્યાં હો બાકી’ ગંદાઓની યાદીમાં મૂકવા માટે તરત જ એ નામ દીકરીને યાદ આવી ગયું. ‘અમ્મા વો સાયગલવાલી બાત?’

તરત જ આવેશભર ટિપ્પણું ખૂલ્યું. મહાન ગાયક કે. એલ. સાયગલ પણ ગંદાઓની યાદીમાં હતાં. દારૂ પીને એક વાર સેટ પર આવેલા. નઝમા બેગમ નૃત્યના પોષાકમાં હતા. સાયગલ કહે કે મારી સામે એકલી નાચ…ને…નાચ… નાચે છે કે નહીં?… પછી?’

‘પછી હું વીફરી. વાઘણ જેવી થઇ ગઇ. એ મહાન ગાયક હોય તો એના ઘરના. મેં એને ગળેથી પકડયો… કરગરી પડયો…કહે…બહેનજી, આ ગળું તો મારો રોટલો છે. એને છોડ… હવે કોઇ દિવસ નહીં કરું… માંડ છોડયો.’

નઝમા બેગમ શું ખરેખર એવાં રૂપસુંદરી લાગતાં હશે? ડોશી સામે બરાબર નજર માંડીને જૉયું. ગોરાં તો હતાં નહીં. નેણ-નકશો ઠીક. આ ચીબું નાક જુવાનીમાં લાગી લાગીને કેવું સારું લાગતું હશે? મેં ‘લયલા’ ફિલ્મનું ¼શ્ય મનમાં ફરી ચડાવ્યું. છબી ઉપસાવી તો એમાં નાક કે ચહેરાનો નકશો કેન્દ્રમાં ન આવ્યો. અંગોનો થરકાટ આવ્યો. તંગ કપડાં નજરે તર્યા.

‘અમ્મી વો હોલિવૂડવાલી બાત?’ બેગમ સુલતાના બોલ્યાં.

‘અરે છોડ યે બાત…’ નઝમા ડોશીએ એની તરફ જૉઇને કહ્યું, ‘ઉસમે ઐસી કૌનસી બડી બાત હૈ?’ પછી મારી તરફ નજર ફેરવીને બોલ્યાં, ‘એમાં તો એવું છે એડિટરસાહેબ કે એ વખતે હોલિવૂડના માણસો મને મોટી મોટી ઓફર લઇને સમજાવવા આવેલા, પણ મને થયું કે ત્યાં પણ આવા ગંદા માણસો જ હશે. પારકા પરદેશમાં કયાંક મારા હાથે એકાદ ખૂન બૂન થઇ જાશે તો…’ ‘આપનો મગજ તો નઝમા બેગમ. ભારે જલદ…સારું થયું તમે બહુ જલદી રિટાયર્ડ થઇ ગયા. નહીં તો અત્યારના ડાઇરેકટરો અને હિરો તો સાયગલ અને મોતીલાલ કરતાં પણ વધારે ખતરનાક છે. તમારી છોકરી માટે કોઇ સારા ડાઇરેકટર કે પ્રોડયુસરને ભલામણ કરવામાં મને કોઇ વાંધો નથી પણ મને વિચાર આવે છે કે એને આજની ફિલ્મ લાઇનથી દૂર રાખો તો સારું કારણ કે તમારી આ ‘સોલા સાલ કી બરચી’ આ વરુ જેવા માણસો સામે ઝીંક નહીં ઝીલી શકે, તો નકામું તમારે દોડી આવવું પડશે ને એકાદનું ખૂન થઇ જશે.’

‘અરે…અરે…’હાથમાં આવેલું કશુંક છેલ્લી ઘડીએ હાથમાંથી સરી જતું હોય એવા ભાવ સાથે એ ગભરાઇને ખુરશી પરથી અર્ધા ભાં થઇ ગયાં. મારો હાથ પકડી લીધો. મને ભયની કંપારી છૂટે એ પહેલાં એ બોલ્યાં ‘હવે…હવે…એવું નથી…હવે હું એકદમ પ્રેકિટકલ બની ગઇ છું ને…’ એ બેગમ સુલતાના તરફ સ્થિર નજરે તાકીને બોલ્યાં, ‘અને મારી દીકરી તો તમને શું કહું… એકદમ એકદમ પ્રેકિટકલ બની ગઇ છે, શું સમજયા?’

હું બધું જ સમજયો…ને વધુ ગભરાયો. છોકરી સામે જૉયું. એણે સ્મિત કર્યું. સમજદાર સ્મિત.

– રજનીકુમાર પંડયા

રતિલાલ ‘ અનિલ’ – પ્રેમમાં ઔદાર્ય

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુ તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

રમણીક અગ્રાવત – ઘર

આ દુનિયા મને પસંદ નથી
…શું કરું, મારું ઘર આ ભૂમિમાં ઊગેલું છે
એક દિવસમાં તો નથી થયું ઘર
કોઈને ક્યાં એમ એકાએક ઘર મળે છે
મારાં ઘરને ઘર બનતું મેં અનુભવ્યું છે
એક એક ધબકારે તો ચણાયું છે
મારાં ઘરને ઘેરી લેતાં રસ્તાય કેવા જટાજૂટ છે
ઝેરીલા–
તોય મને ગમે છે એ
વળી વળીને આવ્યો છું પાછો ઘર ભણી
ઘુમાવી થકાવીને એ પાછાં મૂકી જાય મને મારે દરવાજે
હુંય કંઈ ઓછો નથી
ગાળો બખાળા ચીડ કાઢતો રહું છું રસ્તા ઉપર
સતત શંકાની નજરે એને ધિકાર્યા છે
ચાહ્યા છે ભરપેટ
ઘરમાં રહ્યે રહ્યે કેટલીય વાર નાસી છૂટ્યો છું ક્યાંય
બે–ત્રણ હજાર વરસ ઉપરેય આમ કરેલું
પાછો ‘ભિક્ષાં દેહિ‘ કહી ઊભો રહ્યો હતો યશોધરાને આંગણે
ચૌદ ચૌદ વરસ એ જ ઘર
પાછળ પાછળ ભમ્યું છે ભટક્યું છે રઝળ્યું છે
પંચવટીમાં દંડકારણ્યમાં કિષ્કિંધામાં રાક્ષસનગરીમાં
ન જાણે ક્યાં ક્યાં
અરે આ જ હાથે બાળ્યું છે એને ખાંડવવનમાં મેં
જરાસંધની ગદા ધ્વસ્ત થયેલાં ઘરને
ફરી ખડું થતું જોયું છે મેં દ્વારિકામાં
એટલે છેટે નથી જવું
થોડાક સો વરસો પહેલાં
ઘોડા હાથી ઊટો લાદી લાદી પોઠો ભરી ભરી
અરબરણમાં લઈ જઈ રહેંસી નાખ્યું છે મેં મારાં ઘરને
ઠાંસોઠાંસ વહાણોમાં ઠાંસોઠાંસ આગબોટોમાં ખડકી
ફેંદી મૂક્યું છે એને ઇંગ્લેન્ડ યુરોપ સુધી
એટલે દૂરેય નથી જવું
કોઈક છઠ્ઠી ડિસેમ્બરે હજાર હજાર હાથથી
મેં હણી નાખ્યું છે
એને
શસ્ત્રોથીછળથીપીડાથીઆંસુથીઉદ્વેગથીતર્કથી ભ્રમથી
ભૂંસતો રહ્યો છું એને ફરી ફરી
તોય એને અનુભવું છું
આ ઘડીએ, અંદર, છાતીની ડાબી બાજુએ
સાક્ષાત, મને દઝાડતું.

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – નવી વસાહત

રેલ–લાઈન પાસેની ખુલ્લી જગ્યામાં
રાતોરાત ઊગી નીકળ્યાં નાગાપૂગાં ઝૂપડાં નવાં
પાટિયાં પતરાં કંતાનનો લીલાઘન વિસ્તાર
હજી ક્યાં ક્યાંક ખીલી હથોડીનો ટકટકાર
ઝીણી નકશીમાં ગોઠવાઈ ગયાં નવાં ધુમાડિયાં
સુધરાઈની પાઈપો નવું નવું દૂઝી
નીકોએ કર્યો વહેતો નવો ખળખળાટ
ભૂમિએ શરૂં કર્યું ઝમવાનું
નીકોની ધારે ધારે આળખ્યા રસ્તા
ખુદ અલ્લામિયાંએ
ત્રણ પૈડાંની રેંકડીને ચોથો પાયો ઈંટોનો બેઠો
ઊગી બીડીબાકસની દુકાન
કરાંજિયા ફેરિયાઓએ ખોળી કાઢયો નવો મુકામ
પરસેવાની જૂની વાસમાં ઘૂંટાયો
નવો ધુમાડો નવો કોલાહલ.

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – પાછાં આવ્યાં પતંગિયાં

સાત સૂરોના રંગમાં
વાગ્યો સ્કૂલનો ઘંટ
થયાં મોકળાં દ્વાર
ઊમટ્યાં પતંગિયાં…

પાંખ હિલોળતે ઊછાળતાં દફ્તરો
જગાડતાં રસ્તા સૂના
ઊમટ્યાં પતંગિયાં…

સ્વર સોનાના રૂપાના વ્યંજનો
ભાષા ગુલાલ ગુલાલ
ઊમટ્યાં પતંગિયાં…

બારીએ બારણે ડોકાયા ઉમળકા
ઘરેઘર પહોંચ્યો કિલકિલાટ
ઊમટ્યાં પતંગિયાં…

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – ફળિયામાં પિતરાઈ

આ તે સાલું ઝાડ છે કે ઘડિયાળ?
સવારે સહેજ મોડું થાય ત્યાં
કાળો દેકારો આદરે
પાંદડાં વીંઝી પેટાવે ફળિયું
ડાળેડાળથી બરકતા સૂરનું કકલાણ
પડછાયાને બારીમાંથી અંદર મોકલી
કહેવરાવે કે : ભાગો
લાંબા પગ કરી છાપામાં જ રહેશો તો
વડચકાં સહેવા વારો આવશે ઓફિસમાં
સ્કૂટરને કીક મારતો હોઉં ત્યાં
ખરતાં પાન ભેળું ઊતરે ફળીમાં : ટિટુક… ટુ..
બપોરે સાવ થડમાં સમેટાઈ
ઊંચા જીવે રાહ જોતું હોય મારા આવવાની
જમતો હોઉં ત્યારે
બારીમાંથી ઠંડું ઠંડું જોયાં કરે વહાલથી
પાંદડાં વચ્ચે સાચવીને રાખી મૂકેલું
ફળ બતાવે અનાયાસ
સાંજની શેરીની ધમાલને
ડાળીઓ લંબાવી લંબાવી સૂંઘ્યાં કરે ઝાડ
પોશ પોશ પીવે આથમતા અજવાસને
છેલ્લાં ટીપાં સુધી
ટગલી ડાળ પરથી સરકી જાય સૂર્ય
વ્યવહારોના, વાતચીતોના, મજાઓના
અવાજો માંડે ઠરવા
ત્યારે ફળિયામાં ઊભેલું ઝાડ
નવીન સ્વરમાં સંભળાય
એને સાંભળતાં સાંભળતાં
ગરકી જવાય ઊંઘમાં
ક્યારેક અધમધરાતે જાગી જઈ
બારીમાં ઊભા હોઈએ કે
તરત હોંકારો દે ઝાડ
–ઊંઘમાં પડખું બદલતાંય
પીઠ થપથપાવતી મા જેમ!

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – માણસો

મજા લઇને
મૂંઝારા લઇને
આવ્યા માણસો
હતપત હથેળીમાં
ચપટીક્ સુખની ધજા લઇને આવ્યા માણસો….

બોલ્યાં વિનાં પચે નહીં સુખ
રોયાં વિના જચે નહીં દુ:ખ
પોતપોતાના સનેપાતની સજા લઇને
આવ્યા આવ્યા માણસો…

આમ જુઓ તો ચારે પા ભીડભીડભીડ
અંદરથી ભીડે વળી એકલા પડી જવાની પીડ
પોતપોતાના દુણાટોની કજા લઇને
આવ્યા આવ્યા માણસો…

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – મૃદંગ

સ્વરોને ઢબૂરી ઠરેલી માટી
આંગળીને થપકારે
ઝબકી જાગે

કમળ જેમ ખીલી ઊઠે હથેળી
આળસ મરડી ઊઠે
આંગળીઓમાં ગરકેલું નર્તન

પોતાના અવકાશમાં જંપેલો થરકાટ
આંગળીઓના દોરમાં પરોવાઇ
સરકતો આવે
ગરજતા ઘોષમાં

ક્ષિતિજ પૂંઠેથી ઝબકતો ભણકાર
શ્રતિસ્તરોનાં ઊંડાણોમાં
આકુળવ્યાકુળ તાલબીજ

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – સાંજ

ભૂરા આકાશમાં લાલચોળ ઉડાન ખીલી
વેરાયા ચોપાસ સફેદ ટહુકા
બારનાં પછી બારણાં આભનાં ઉઘાડતાં
ઊડ્યાં પંખી
સેલારે સેલારે અંતરો સંકેલતાં
ઊડ્યાં પંખી
થાકનાં ખેતરો થાય હર્યાભર્યા
શીળા પડછાયા વેરતાં
ઊડ્યાં પંખી
મ્લાન નદી પટમાં ઊછળે શીકરો
જળને ઝીણું ઝીણું છંછેડતાં
નરવો થરકાટ ખંખેરતાં
ઊડ્યાં પંખી
વરસે સંજીવની સૃષ્ટિ પર
આછા હિલ્લોળમાં સકલ ઝબકોળતાં
ઊડ્યાં ઊડ્યાં પંખી…

– રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત – હીંચકો

સાંજે હીંચકો ખાલી ન રહે
આખી સાંજ હીંચકો ઝૂલ્યા કરે
બાપાને આવતાં જુએ કે
બાજુમાંથી ખસી પત્ની ઘરમાં વળે
ધીમેકથી બાપા ગોઠવાય બાજુમાં
વાતો અને હીંચકો ધીરે ધીરે ચગે.
બાપા ઘણીવાર ટોકેઃ
આમ હીંચકા ખાતો વાંચતો ન હો તો,
આંખો વહેલી બગડશે.
ચશ્મા તો આવ્યા જ.
એક સાંજે બાપા ચશ્મા, દાંતનું ચોગઠું ને
લાકડી મૂકી બહુ આઘેરાક નીકળી ગયા…

હીંચકાને એક ઠેલે વીતે મહિનો
બીજે ઠેલે વળે વરસ, વરસો.
હીંચકામાં ઉમેરાયો દીકરાના પગનો ઠેલો
આપણે પગ વાળી નિરાંતમાં ઝૂલીએ…

હમણાંથી દીકરાને હીંચતો મેલી હુંય
સાંજે સાંજે ચાલવાને રવાડે ચડ્યો છું…

– રમણીક અગ્રાવત

રમણીક સોમેશ્વર – શકો

આ સમય એને તમે ઇતિહાસમાં ઠારી શકો
કે અનાગતમાં વહાવી ખૂબ વિસ્તાતી શકો

ઊંચકો એને ખભે કે પગ તણે ચાંપો તમે
ધારણામાં કોઇ પણ રીતે તમે ધારી શકો

હોય એ તરડાયલી દીવાલ જેવો તે છતાં
પોસ્ટરો ચોડીને એને ખૂબ શણગારી શકો

આંતરી એને શકો જો માર્ગ વચ્ચે કોઇ દી
શક્ય છે ક્યારેક તો એનેય પડકારી શકો

આ સમય, એના વિશે એથી વધુ તો શું કહું
ડૂબકી મારી શકો તો શ્વાસને તારી શકો

– રમણીક સોમેશ્વર

રમેશ જોષી – બા

જિંદગી પણ કેવી કમાલ છે
પહેલાં
આંસુ આવતાં ત્યારે
બા યાદ આવતી
ને આજે
બા યાદ આવે
ને આંસુ આવી જાય છે.

– રમેશ જોષી

રમેશ પારેખ – તડકાછાંયા ભીંજવી ગયું

ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .

ઊંબરે વાછટ આવતાં રેલો થઈને ચાલી રજ, ને નેવાં ક્યાંય સુધી કલબલતાં રહ્યાં,
નળિયામાંથી જળની સાથે આભચૂયું તે, ઓરડે મારે કેટલા સૂરજ તરતા રહ્યાં,
તડકાથી તરબોળ ભીનીછમ વાસની પવનપાતળી જાજમ ફળિયે મારે પાથરી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .

વરસી મારી આંખમાં એની સોનહિમાળુ ઝાંય, ને સામે બળતાં ખાલી ખેતરાં ઠર્યાં,
લીંબડો સૂકો ખખડે તોયે, ઘરને મોભે આટલાં બધાં કેમ લીલાંછમ પાંદડાં ખર્યાં,
આંખ મળીને ઊઘડી ત્યાં તો, વાદળાંમાં ઘનઘોર ગ્હેકીને વન આખુંયે વરસી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .

– રમેશ પારેખ

રમેશ પારેખ – તમને ફૂલ દીધાનું યાદ

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.

કાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
(27-9-68)

( કાવ્યનું રૂપાંતર ગીતમાં )

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ
ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ
ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
(10-5-79)

– રમેશ પારેખ

રમેશ પારેખ – ધર્મ સંભાળીએ

આપણે આપણો ધર્મ સંભાળીએ
સૂર્યને ન્યાળીએ ઘાવ પંપાળીએ
ઢાળીએ રાતનું ઢીમ ઘરમાં અને
જીવને ઝાટકી વાસીદું વાળીએ
શ્વાસ કરતબ કરે, જાય પાછો ફરે
જોઈએ ખેલ તાળી દઈ તાળીએ
વિશ્વમાં પેસીએ, ટેસથી બેસીએ
ટેસથી આંખને ટાંગીએ ગાળીએ
મૂછને તાવ દઈ આપણી નાવ લઈ
રાહ દરિયાવની દેખીએ જાળીએ

– રમેશ પારેખ

રમેશ પારેખ – બહુ થયું

લાગણીનું પાન લીલું રાખવા
આસું ક્યાં ઉઘરાવવા ચારે તરફ

ઘણીવાર વરસાદ એવો પડે કે
ચિતા પર ચડો ને સળગવા ન દે

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઇએ
જીવવા માટે બહાનું જોઇએ

રમેશ, એક જણ સાચુ રડે તો બહુ થયું
મૌન ક્યાં આખી સભાનું જોઇએ

– રમેશ પારેખ

રમેશ પારેખ – મારા પુસ્તકોની છાજલી

છાજલી પર પુસ્તકો અ થી જ્ઞ સુધીનાં …..
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં,
‘છાજલી પર પુસ્તકો’ – એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે:’આ તો ફરિશ્તાઓની વસ્તી છે!’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે …
અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે – એમ બબડતું કોઇ પુસ્તક.
મારાં બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ
– એવું જાહેર કરે કોઇ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ:
‘અલ્યા, અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત – ખૂણે બેસી આસું પાડતી નવવિધવાનાં,
ગીત – યુદ્ધમાં કપાઇ ગયેલા સૈનિકોનાં.
ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં
ગીત – હોસ્પિટલમાં ક્ણસતા રુગ્ણોના, ગીત-માનવ્યનાં,
ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં
ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં’
‘અહીં ફિલસૂફોએ, ઉકેલી નાખ્યો છે
કાળનો કોયડો…’ એમ ધીમેકથી કહે કોઇ જર્જરિત ચોપડી –
‘આ બધાં ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
– એમ કહી ટપ્પ કરતું નીચે પડે કોઇ પુસ્તક.
મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ – જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે કોઇનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઇને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
તો બકરી ય કરે નહીં બેં, એવું રામરાજ્ય છે!
અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ. અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ …
ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘તું કોણ?’
તો હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન !’
મીરાં, કબીર, તુલસી , નાનક
પૂછે તારું કયું થાનક, જ્ય આં તું ટેકવે તારું મસ્તક
ને ભીડ પડયે કોને દરવાજે ધૈ તું દસ્તક ?
તો હું ચીધું મારા પુસ્તકની છાજલી …
ખ્રિસ્ત, બુધ્દ્ર કે મહાવીર મને ક હીંધે દિશા
પુસ્તકમાં જાય – આવે મારા વ ઇચાર લિસ્સા !
મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફોદરડી ભમે…
ધર્મનો ધ
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…
તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર …
તમારાં કંઠીકંઠા મારા અભ્યાસ ખંડને ન અભડાવે
બીભત્સ્તા મારા ખંડના બારણાં ન અભડાવે
તો બસ.
આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે –
મારા પુસ્તકોની છાજલી.
મારિ અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
તમે આવો તો તમારું ય!

– રમેશ પારેખ

રમેશ પારેખ – મેળો

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવુ લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારુ એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

રમેશ પારેખ – વરસાદ એટલે શું ?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું –
ટપકે નેવું.

પલળેલી ચકલી થથરાવી પાંખ પવનમાં પૂરે ઝીણી ફફરની રંગોળી.
નેવાં પરથી દડી જતું પાણીનું ટીપું પોતાનું આકાશ નાખતું ઢોળી.
એ પણ કેવું … !

દૂર કોઇના એક ઢાળિયા ઘરની ટોચે. નળિયામાંથી નીકળતો ધુમાડો.
કૂતરું અડધું ભસે એટલામાં ટાઢોદું ફરી વળે ને બૂરી દે તિરાડો.
કેવળ એવું … !

પીળી પડતી જતી છબી પર નજર જાય ને ફુરચા સરી પડે છે ભોંયે.
લીલા ઘાસની વચ્ચેથી પાણીની ઝાંખી સેર બનીને ફરવા નીકળ્યા હોંયે.
ખળખળ વહેવું … !

ઘરમાં સૂતો રહું ને મારા પગ રઝળે શેરીમાં, રઝળે ભીંતે કોરી આંખો.
હું માણસ ના થયો હોત ને હું ચકલી હોત ને મારી હોત પલળતી પાંખો.
કોને કહેવું ?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું –
ટપકે નેવું.

– રમેશ પારેખ

રમેશ પારેખ – હાથને ચીરો તો ગંગા નીકળે

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૧ )

(ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે .

વાતચીતમાં, વાચવામાં, વિચાર વ્યક્ત કરવામાં, વિવેચનમાં અને સર્જનમાં શબ્દોની જરૂર પડે છે. મૌનમાં શબ્દોની જરૂર નથી પડતી. વિચાર અશબ્દ થઇ જાય, મન તેના મનોતંત્રને ઢબૂરી દે અને વાચા નિ:શબ્દ બને અને અંતરમાં કશુંક અવ્યક્ત બને તો મૌનનો અર્થ સરે. મૌન જેવું અર્થપૂર્ણ કશુંય નથી. સંસ્ક્રુતમાં કહેવાયું છે કે “મૌનમ સવાર્થ સાધ્નમ”. જેની સીમા ન હોય એવા નાદબ્રહ્મનો સૂર મળે તો શબ્દોની સંગત છોડવાનું હરીન્દ્ર દવે એ એટલે જ કહ્યું હશે.

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ
મને આપો એક અનહદનો સૂર
એક વાર ઓરેથી સંભળાવો,
દૂર દૂર વાગે છે ક્યારના નૂપુર

મૌન વાચાળ હોય છે, મૌન માર્મિક અને મારકણું હોય છે. મૌન સાધીને ચૂપ બેસી રહેનારાઓ અને મૌનની સાધના કરનારાઓ વચ્ચે ફરક છે. બે પ્રિયજનો વચ્ચે કયારેક મૌનની દીવાલ હોય છે તો ક્યારેક મૂંગી સંમતિ હોય છે. મૌનનો ભાર લાગે કે મૌન મીંઢું બને ત્યારે હરીન્દ્ર દવેના આબે શેર યાદ જરૂર આવે:

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર
પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે

– રમેશ પુરોહિત

ડૉ. વિવેક મનહર ટેલર - શબ્દ અને મૌનની થોડી વધુ સંગત આપ અહીં પણ માણી શક્શો:

http://tahuko.com/?p=615

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા

આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો

– અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે

ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા

– રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના

તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

– આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો

હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી

– હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,

કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો!

સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.

– ડૉ. વિવેક મનહર ટેલર

कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता

जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है

– नझीर

અને થોડા શેર ધવલભાઇ તરફથી :

મૌન અને શબ્દની વાત નીકળે તો આ સરતાજ શેર કેમ ભૂલાય –

આપણા સામટા શબ્દ ઓછા પડે,

એમના મૌનને એટલા રંગ છે.

– રાજેન્દ્ર શુક્લ

અને રઈશનો શેર –

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’

મારી ભાષાએ રંગ રાખ્યો છે.

ને આ કેમ છોડી દેવાય ?

મારી પાસે આવ, તું; વાતો કરીશું,

સૌ દીપક બુઝાવીને રાતો કરીશું;

આપણી વચ્ચે તડપતુ મૌન તોડી,

સ્નેહભીના શબ્દને ગાતો કરીશું.

-દિલીપ મોદી

ને રાજેન્દ્ર શુકલનો બીજો અંદાજ-

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;

મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

અને થોડા વખત પર જયે યાદ કરાવેલો શેર –

મૌન પડઘાયા કરે,

શબ્દ સંતાયા કરે.

-અહમદ ગુલ

ને છેવટે ઘણા વખતથી મનમાં ફરતી પંક્તિઓ –

પ્હેલા મૌનથી ઘેરે છે

ને પછી શબ્દથી વ્હેરે છે

આ માણસ કેમ રોજ

જુદા ચ્હેરાઓ પ્હેરે છે ?

-?કવિ

અને હા… આપણા ઊર્મિ પણ કંઇક લઇને આવ્યા છે :

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,

શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

-રાજેન્દ્ર શુકલ

અમે મૌન રાખી પ્રણયની સભામાં, કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,

હવેથી અમે પણ ન બદનામ થાશું, હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.

-બેફામ

મારી પંક્તિઓ…

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,

વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે

હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૨ )

(ભાગ – ૨ ) (ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે .

એક ન સમજાય એવી ઘૂટન, લોહીમાં ટોળે વળતી તડપન, રોમરોમમાંથી નીતરતી અવાચક શબ્દની ચિનગારીઓ, હૈયાંના તારેતારને ધ્રુજાવી દેતી એકલતા અને મનગમતી સાંજે આવી પડતી અણગમતી વિરહરજની એને તેના અભિશાપને આશીર્વાદમાં ફેરવી નાખે એવા શાંત મૌનની ક્ષણો જો નીપજે તો મૌન સાર્થક બને છે. શબ્દને મૌનમાં થીજાવી દેવાની વાત છે. પ્રફુલ્લ પંડયાનો ચોટદાર શેર:

થીજી ગયો’તો શબ્દ પછીથી જે મૌનમાં
ધારીને શબ્દદેહ ફરી ઓગળ્યો નહીં

શબ્દોથી વછૂટેલું મૌન આંખોથી વ્યક્ત થઇ શકે છે એટલે આદિલ શિખર અને તળેટીની સીમાઓ દોરે છે:

તમે શબ્દોથી જેને દૂર રાખ્યું
હવે આંખોથી છલકાઇ રહ્યું છે
તમે જેને શિખરનું મૌન સમજ્યા
તળેટીમાં તે પડઘાઇ રહ્યું છે.

– રમેશ પુરોહિત

વિવેક - શબ્દ અને મૌનની આ રમઝટ લાંબી ચાલે તો વધુ મજા પડશે… ઉમાશંકર જોશીનું એક વિધાન યાદ આવે છે: ” છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.”

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૩ )

(ભાગ – ૩ ) (ભાગ – ૨ , ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે .

મૌન ક્યારેક અર્થપૂર્ણ હોય છે તો ક્યારેક અનર્થ પણ સરજે છે. ક્યારે ભ્રમ ઊભા કરે છે અને ભ્રમિત પણ કરી શકે છે. પ્રેમની વાતમાં મૌનનું મહત્ત્વ શૂન્યભાઇ વગર આવી સરસ રીતે કોણ બીજું સમજાવી શકે ? શૂન્યનો શેર છે :

પ્રેમ ઇર્ષાથી પર કયાંય હોતો નથી
શબ્દથી વાત કેરું વતેસર થશે
હોઠ સીવીને ચુપચાપ જોતા રહો
મૌન પેદા કરે છે ભરમ કેટલા

માણસ મૂંગો બેઠો હોય ત્યારે પણ મન તો હજારો વિચારોમાં આળોટતું રહે છે એટલે રાજેન્દ્ર શુક્લે કહ્યું છે કદાચ ઓગળે તો એ મૌનથી જ ઓગળે. શબ્દનું તો કોઇ ગજું નથી કે મનને વશમાં રાખી શકે :

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થેતું,
શબ્દનું એની કનૈ કૈં ક્યાં ઊપજતું હોય છે !

– રમેશ પુરોહિત

વિવેક - ધીમું પણ સરસ રીતે આગળ વધતું સંકલન… મૌનનો રંગ ધીમે ધીમે ખીલી રહ્યો છે:

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર;
શ્વાસ નશ્વર થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૪ )

(ભાગ – ૪ ) (ભાગ – ૩ ,ભાગ – ૨ , ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે .

આપણે બોલતી વખતે બે વાર વિચાર કરીએ છીએ પણ મૌનમાં કોઇ સાવચેતી રાખવી નથી પડતી. ક્યારેક આપણે બોલીએ પણ આખી વાતની ખબર ન હોય અને ફકત એક બે પ્રસંગો કે ઘટનાઓ જાણતા હોઇએ તો મૂંઝવણમાં મુકાવું પડે, પરંતુ મૌનમાં આવી મુશ્કેલી નથી એટલે મરીઝ કહે છે કે :

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર
થોડાક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ

મૌનની શક્તિ ગજબની હોય છે. હોઠ સ્હેજ મલકાઇ જાય તો મૈનની મહેફિલમાં કોઇના પ્રમનો રાજ્યાભિષેક થાય છે : જયંત શેઠનો શેર આ વાત કરે છે

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇઅ જાયે છે
તો સજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે

– રમેશ પુરોહિત

વિવેક - આમ તો મૌન વિશે વાંચીને મૌન જ રહેવાનું હોય… પણ શબ્દોને ક્યાં જઈને રોકવા? એ તો નીકળી જ પડે છે…. આભાર, એસ.વી. !

UrmiSaagar - મારે તો બસ મૌન રહેવું છે,
એટલું જ કે’વા મોં ખોલ્યું છે!

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૫ )

(ભાગ – ૫ ) (ભાગ – ૪ ,ભાગ – ૩ ,ભાગ – ૨ , ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે .

ત્રણ ત્રણ પેઢી ગઝલ લખનારાઓ જોઇને રાંદેર્માં નિરાંતે બેસીને આજે પણ ગઝલની ઉપાસના કરી રહેલા શતાયુ ગઝલસમ્રાટ અસીમ રંદેરી કહે છે કે મૌનમાં જે મજા છે તે બોલવામાં નથી હોતી:

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી
મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી

મૌનને વ્રત તરીકે, મૌનને હથિયાર તરીકે તો મૌનને લોખંડી તાકાત તરીકે નવાજવામાં આવ્યું છે. ઘણાં લોકો અબોલાને મૌન માને તો એ મૌન નથી પણ કાં તો એ જિદ છે કે ઝઘડો છે કે મજબૂરી છે. શૂન્ય કહે છે કે શબ્દોનો ખજાનો મૌનને સોંપી દીધો છે અને ખજાનો આપી દીધા પછી મરો વૈભવ વધી ગયો છે.

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દોનો
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે

– રમેશ પુરોહિત

Veena - એસ વી, મૌનના કેટલા ભાગો છે? વાંચવાની આવે છે મજા.

એસ વી - મૌનના ભાગો માટે મૌન રાખ્યેતો ? J બસ હવે એક ભા ગ બાકી છે.

વિવેક - તમે આ હસીને (:-)) વાત કરી ને? … અમને બાકીનું સમજાઈ ગયું…

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે
તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે.

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૬ )

(ભાગ – ૬ ) (ભાગ – ૫ ,ભાગ – ૪ ,ભાગ – ૩ ,ભાગ – ૨ , ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે .

સાચા લેખકના શબ્દોને અર્થ અનુસરે છે. એમની વાણી અર્થાનુસારિણી હોય છે. ભાષા જ યારે એક સંક્રાંત કાળમાંથી વહે છે ત્યારે કવિને શબ્દ અને અર્થના સંબંધ વિશે સાવચેત રહેવું પડે છે. ક્યારેક આવી મથામણ પણ વ્યક્ત થાય છે. આંદિલ કહે છે:

વાતોના અંતે ક્યાં કશું પામી શકાય છે,
શબ્દોના જાણે અર્થ નીકળતા નથી હવે
હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે

શબ્દો તીરનું, તકલારનું, તમંચાનું અને તોપનું કામ કરે છે પણ મૌનની ધાર આ બધાથી વધારે તેજ હોય છે. મૌન અણુએ અણુમાં પ્રસરીને અણેબોમ્બ બની શકે છે.

– રમેશ પુરોહિત

પંચમ શુક્લ - કોઈ કહે વાણીના આ ખળકતાં પૂર,
હું તો કહું હળુહળુ ઓગળતું મૌન.

– રાજેન્દ્ર શુક્લ

વિવેક - મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે ‘શૂન્ય’નો વૈભવ હવે !

‘શૂન્ય’ પાલનપુરી

રમેશ શાહ – હરુંફરું છું

બર્ફથીજેલા પહાડો પરના રસ્તા વચ્ચે હરુંફરું છું
ચારે બાજુ ધુમ્મસના આ દરિયા વચ્ચે હરુંફરું છું

ઠંડીમાં થથરે છે કાયા, તડકાને તેડાવું ક્યાંથી ?
ઇચ્છાઓનાં આછાંઆછાં ફોરા6 વચ્ચે હરુંફરું છું

ચાંદ-સૂરજના જેવું અહીં ઢંકાઇ જવુંયે સારું છે
વાદળ જેવા ધુમ્મસના આ ઢગલા વચ્ચે હરુંફરું છું

એક પળે છે સાવ ધૂંધળું, પળમાં પાછું ઊઘડે આભ,
પળપળનાં અંધારા ને અજવાળાં વચ્ચે હરુંફરું છું

આજ ફરીને ઊંડી ખીણનું મૌન મને સ્પર્શે છે.
આજ ફરી હું મૌન-ગૂંજતા પડઘા વચ્ચે હરુંફરું છું.

– રમેશ શાહ

રમેશકુમાર જાંબુચા – કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.

જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

– રમેશકુમાર જાંબુચા

રવિ ઉપાધ્યાય – મંઝિલ

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

– શ્રી રવિ ઉપાધ્યાય

રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ) – બીજું હું કાંઇ ન માંગું

આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું…

તુંબડું મારું પડ્યું નકામું, કોઇ જુએ નહીં એના સામું (2)
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

એકતારો મારો ગૂંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું (2)
ગીતની રેલાશે એક અખંડિત ધાર, તેમાં થઇ મસ્ત હું રાચું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)

રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – પ્રથમ કિરણ

પ્રથમ કિરણનો ચરણધ્વનિ
ગૂંજતો જ્યહીં
નીડવૈરાગી હ્રદય મારું ઊડી ત્યહીં
અતલનભની કઇ દિશાથી
કોણ કરતું ઉદાસ એને
છૂપી છૂપી એ ઉદાસીનું
ઠામઠેકાણું નહીં
નિદ્રાશયન આવે છોડીને જાગે એની ભાષા કિરણ કહે જાશું જ્યાં છે
સાગર પાર નિવાસા
દેશવિદેશની સફળ દિશા જ્યાં
થઇ જાતી મુક્તધારા
ખૂણે દીવો ભેળવે શિખા જ્યોતિ સાગરે …

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર)

રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – ભરબપોરની…

ભરબપોરની સૂની બારીએથી
થાકી-હાંફે કઇ વેદનામાયા સ્વપ્નાભાસી, આભાસે મન માંહી
કિશોરવયની ગૂસપૂસ લજ્જાભરી શોધી રહેતી નેહની
મધુર વાણી
આજ શાને એ તપી વહેતી પવને મર્મર સૂરે ઘૂમતી વને વને.
જે નિરાશા ગહન અશ્રુજળમાં ડૂબી જાણે વિસ્મૃતિના
તળિયે ડૂબી જાણે
આજ શાને એ વનને આવાસે ધબકી રહેતી મધુર નિશ્વાસે
દિવસભર ચંપાની છાંયે છાંયે ગુંજી રહેતી પળપળ
ઝલકે ઝલકે.

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર)

રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – શરદ

શરદ તારી શુભ્ર અરુણ અંજલિ
દિશદિશાએ મુદ્રિત મધુઅંગુલિ … શરદ

શરદ તારા ઝાકળધોયા કુંતલે
વનભૂમિને મારગ લોટયાં અંચલે
આજ પ્રભાતે હૈયું રહ્યું થનગની … શરદ

માનેલ જડયાં સુંદર તવ કંકણે
ઝબક ઝબક થાતાં શ્યામલ આંગણે
કુંજ છાઇ ગીતરવના ગુંજને … શરદ

ઓઢણી ઊડે નૃત્યતાલે સંગીતે
શિવલી વનનું હૈયું ડોલે સંચરી … શરદ

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર)

રવીન્દ્રનાથ ઠાકુર (ગીતાંજલિ) અનુવાદક નગીનદાસ પારેખ – પ્રેમ

પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હોંસે,
મોડું ઘણું થયું છે, હું છું દોષી અનેક દોષે.

વિધિ – વિધાન – બંધન લઇ કરમાં
આવે ધરવા, છટકું પળમાં,
તેની જે કંઇ સજા હશે તે ખમવી મન સંતોષે,
પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હોંસે.
લોકો મારી નિંદા કરતા, નિંદા કાયમ ખોટી કહું ?
એ સૌ નિંદા શિરે ચઢાવી, હું સૌની નીચે રહું.

દિન વીત્યો, વીતી ગઇ વેળા,
વિખરાયા હાટો ને મેળા,
આવ્યા’તા બોલાવા તેઓ ફરિયા પાછા રોષે.
પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હોંસે.

– રવીન્દ્રનાથ ઠાકુર (ગીતાંજલિ) અનુવાદક નગીનદાસ પારેખ

રશીદ મીર – સમ ખાવું

તારી ભરપૂરતાના સમ ખાવું,
આવ, ખાલીપણાને છલકાવું.

સાંજ ઢળતાં જો આપ આવો તો,
રાતરાણીની જેમ મહેકાવું.

આ અબોલાંય બોલકાં છે બહુ,
કોને કોને જઇને સમજાવું ?

દર્પણોની ગલીમાં ઊભો છું,
લાવ ચહેરો જરાક સરખાવું !

દેહ પર સેંકડો ઉઝરડા છે,
વાંસવનમાં પડ્યું છે અટવાવું.

આપને ઝાંઝવા મળ્યાં રણમાં,
હું તો ઘરમાં રહીને ભરમાવું.

‘મીર’ આવાગમન તો રહેવાનું,
હું ગયો છું તો પાછોયે આવું.

– રશીદ મીર

રશીદ મીર – સીધું કિરણ

સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો,
પડછાયો જોતજોતામાં તડકો બની ગયો.
પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’
ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.

– રશીદ મીરFor queries email at need.more.intel@gmail.com