Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

મકરન્દ દવે – વિધાતાએ દીકરી ઘડીને

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

– મકરન્દ દવે

મકરન્દ દવે – અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે અંગે તે ઓતપ્રોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
લેજો રે લોક એનાં વારણાંરે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

ઓસરિયે, આંગણિયે,ચોકમાં રે લોલ
વેણીના ફૂલની વધાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલા
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી લાવી આ ઘેર ઘેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ
લીલા સપનાની જાણે લહેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

ઉગમણે પહોર રતન આંખનું રે લોલ
આથમણી સાંજે અજવાસ રે
રમતી રાખોને એની રાગિણી રે લોલ
આભથી ઉંચેરો એનો રાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ

– મકરન્દ દવે

મકરન્દ દવે – કોઈ શબદ આવે આ રમતો

કોઇ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે-
કોઇ શબદ આવે આ રમતો

એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધ :
શબદ ઊગે હું શમતો રે –
કોઈ શબદ આવે આ રમતો.

ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાત
ભાંગ્યા ભેદભરમ તો રે,
કોઈ શબદ આવે આ રમતો.

પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ,
માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ !
શો સરસ સરસ રસ ઝમતો રે,
કોઈ શબદ આવે આ રમતો.

– મકરન્દ દવે

મકરન્દ દવે – ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આં તો વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યા લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરન્દ દવે

મકરન્દ દવે – ધૂળિયે મારગ

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
હેતુ ગણતું હેત,
દોધિયાં માટે દોડતાં એમાં
જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

– મકરંદ દવે

મકરન્દ દવે – નથી કોઈ

નથી કોઈ ધંધો નથી કોઈ ધાપો,
નથી કોઈ થાણું કર્યું કે ઉથાપો,
હવા શી હવે તો ચલી જિન્દગાની,
બધું બાળી બેઠા પછી શો બળાપો ?

– મકરંદ દવે

મકરન્દ દવે – નથી જ દૂર

ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.

તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !

– મકરન્દ દવે

મકરન્દ દવે – મારું એકાંત ફરી આપો

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !

બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .

ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !

બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,

બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !

– મકરન્દ દવે

મકરન્દ દવે – લા-પરવા !

કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઇ અફસોસ નહીં, કાંઇ નહીં ફિકર,
કોઇ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઇ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાકે કોઇ ભૂંડી મોંઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી !
બેય કોરે આપી જવી મુબારકબાદી :
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઇદ, અને આવો તમે રોજા !

– મકરંદ દવે

મકરન્દ દવે – સૌંદર્યનું ગાણું મુખે મારે હજો

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરન્દ દવે

મકરન્દ દવે – હવે કેટલો વખત

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.

પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત

– મકરન્દ દવે

મકરન્દ દવે – હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !

અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો.

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું !

હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરે�નો આ પડછાયો ઘેરો ?

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

હશે ઈન્દ્રપુરની
નવોઢા એ નારી ?
હશે લાડલી
દેવ કેરી દુલારી !

પિતા ! પૂછતી આજ આંખો નિમાણી:
તમારાં રતન રોળવાં શું ઉછેરો ?

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

અજાણ્યાં ઝરૂખે
સલૂણી, સુહાની,
ભયાઁ જોબને આ
ઢળી જિંદગાની:

અરે મુક્ત આકાશી પંખીને પીંખે !
શિકારીનો પાષાણી પંજો નમેરો !

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
– મકરંદ દવે

મકરન્દ દવે – હારને હાર માની નથી

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી

– મકરન્દ દવે

મકરન્દ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ મણિલાલ દેસાઈ – અંધારાની દિવાલ

અંધારાની દિવાલ પાછળ, લીલાં કુંજર ઝાડ હશે,
હવા હશે ત્યાં ધીમી ધીમી, અંદર સિંહની ત્રાડ હશે.

પ્રાણીની કીકીમાં પેઠો સૂરજનો આકાર હશે,
તારાનો ટમકાર બિચારો આભ મહીં લાચાર હશે.

બધી દિશાનાં દરવાજાને હશે લટકતું તાળું,
કૂંચીના કાણામાં ત્યારે હશે ઝબકતું અજવાળું.

બધું હશે પણ અંધારાનો ખાટો એમાં સ્વાદ હશે,
ઉગવાનું છે વ્હેલું એવું સૂરજને પણ યાદ હશે.

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈ – ઈશ્વર

તમે જેની પૂજા કરો છો એ ભગવાન
કાલે રાતે
મંદિરની ભીંતમાં પડેલી તડમાંથી
ભાગી છૂટયો.

પાછલી વાડના કાંટામાં
ભેરવાઇ રહેલું પીતાંબર
હજુયે ફરફરે છે.

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈ – પલ

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિઃસંગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાંયે કદી શકી નવ ઢળી,
વૃંદાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ !

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈ – રસ્તો

વળાંકે વળાંકે વળી જાય રસ્તો,
અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો.

કિનારાના વૃક્ષિથી વૃક્ષાય રસ્તો,
અને પથ્થરોથી તો રસ્તાય રસ્તો.

જતાં આવતાં લોકને પ્રશ્ન પૂછી,
પડી એકલો રોજ પસ્તાય રસ્તો.

અમે તો હતા સાવ અણજાણ જગથી,
ઘરે આવીને સૌ કહી જાય રસ્તો.

પડ્યાં રાનમાં કૈંક વરાઈ પગલાં,
થતું મનમાં : કો દી જડી જાય રસ્તો.

દિવસભર ગબડતો, ગબડતો, ગબડતો,
પડ્યે રાત ઊભો રહી જાય રસ્તો.

પગરખાંમાં એ રાત ઊંઘ્યા કરે છે,
સવારે ઊઠીને સરી જાય રસ્તો.

– મણિલાલ દેસાઈ

મનસુખલાલ ઝવેરી – જીવન

માનવીનાં રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ!

– મનસુખલાલ ઝવેરી

મનહર તળપદા – રાજસ્થાન

એકલદોકલ કેડીએ કો, તડકાઓના ધણની સાથે
ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન,
ખંડિયેરનું ભૂત બનીને કોતરમાંનાં
ખાંડાંમાં ખણખણતું રાજસ્થાન.

– મનહર તળપદા

મનહર દિલદાર – મળતાં

સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં !
મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં !

– મનહર દિલદાર

મનહર મોદી – તડકો

તડકો

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
મારી સમીપ એમ મને આવવા મળે

ખબળે છે દ્વાર એમનાં આવાગમન સમાં
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

ઊગે છે કોઇ આંખમાં એવાંય સ્વપ્ન બે
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

– મનહર મોદી

મનહર મોદી – થવાનું હોય છે

એક કે બે પળ થવાનું હોય છે,
ક્યાં પછી ઝળહળ થવાનું હોય છે ?

આંખમાં અકબંધ અજવાળું વસે,
સ્વપ્નને કાજળ થવાનું હોય છે.

શ્વાસ ને ઉચ્છવાસ રણમાં ઓગળે
રેતને મૃગજળ થવાનું હોય છે.

ખૂબ અઘરું હોય છે અંદર જવું
એકલા બળબળ થવાનું હોય છે.

આજ અથવા કાલ એકેએકને
સાવ સૂનું સ્થળ થવાનું હોય છે.

– મનહર મોદી

મનહર મોદી – બાંધું છું

ઈચ્છાનું તોરણ બાંધું છું,
કાચી કોરી ક્ષણ બાંધું છું.

કામ ચીંધ્યું છે અંધારાએ,
સવારનું ડહાપણ બાંધું છું.

સીધો રસ્તો સાવ ગમે ના
ખાડાઓ બે ત્રણ બાંધું છું.

ઘર ઝઘડો સળિયા વંટોળો
વિચારમાં કંઈ પણ બાંધું છું.

આંખોમાં આંસુ ના ખૂટે
દરિયાની સમજણ બાંધું છું.

– મનહર મોદી

મનહર મોદી – મારા પરિચયની કથા

એ જ છે મારા પરિચયની કથા
ગાલગા ગાગાલગા ગાગાલગા
જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા
મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા
એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા
એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

– મનહર મોદી

મનહરલાલ ચોકસી મુનવ્વર – વૂક્ષની ડાળેથી ટહુકો ગયો મનીષ પરમાર – ભાર જેવું લાગતું

તું મળે ના તો બધે અંધાર જેવું લાગતું
શ્વાસ લેતાં આ હવામાં ભાર જેવું લાગતું

એટલે વાતાવરણ ધુમ્મસભર્યુ ચારે તરફ –
આંખ અંદર ધૂંધળા આકાર જેવું લાગતું

જાય છે પગલાં ભૂંસાતા ગામમાં સોંપો પડ્યો
સીમને પાદર સૂના વિસ્તાર જેવું લાગતું

ફૂલ પાસે હું જઇ અટકી પડયો છું એકદમ,
ક્યાંક તારી મ્હેકના આધાર જેવું લાગતું

આંખના ખૂણે નદીઓ વાળવી પાછી મનીષ
વિસ્તરીને આંસુ અનરાધાર જેવું લાગતું.

– મનીષ પરમાર

મનીષ પરમાર – વિશેની વાત કર

ઓગળેલા કણ વિશેની વાત કર,
વિસ્તરેલા રણ વિશેની વાત કર.

બાંધવો છે ગાંઠમાં લીલો પવન,
કૈંક તો કારણ વિશેની વાત કર.

જોઉં છું નખશિખ તારું બિંબ હું,
આંસુના તોરણ વિશેની વાત કર.

શબ્દમાં ચ્હેરો જ કચ્ચરઘાણ છે,
તૂટતા દર્પણ વિશેની વાત કર.

નીકળ્યો છું શોધવા તમને મનીષ,
એ જ લાંબી ક્ષણ વિશેની વાત કર.

– મનીષ પરમાર

મનોજ ખંડેરિયા – અમથો અમથો ખુશ થાઉં છું

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – અમને દોડાવ્યા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા,ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – કોઈ સમયના વચગાળામા

કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં

બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે
પાણી છલક્યાં ગરનાળામાં

ઉત્તર રૂપે આવ્યો છું હું
તેજ-તિમિરના સરવાળામાં

ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું ?
આવો બા’રા અજવાળામાં

અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો બેઠાં ગરમાળામાં

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – ચોમાસું

ખાઈ વાદળની ઠેસ ચોમાસું,
લ્યો કરે શ્રીગણેશ ચોમાસું.

આપણે નિત ભીનાભીના લથપથ,
આપણો પ્હેરવેશ ચોમાસું.

બાથમાં લઈ લે જઈને ખેતર તું,
બેઠું છે તારે દેશ ચોમાસું.

જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ,
હું કરું કોને પેશ ચોમાસું.

ખોલીને મેઘ-દૂત વાંચ્યા કર,
હાથવગું છે હંમેશ ચોમાસું.

લ્યો ગયાં વીજ-વાયુ-છાલક સહુ,
રહી ગયું આંખે શેષ ચોમાસું.

મન મૂકીને ગઝલમાં વરસ્યો છું,
ક્યાં દીધું ઓછું લેશ ચોમાસું.

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – પંખી

ડાળના
પાન પાનનો
ઋજુ મધુર ફરકાટ
પછી તો
હળવે હળવે સરી જતો
પંખીની પાંખ તણાં પીછામાં
એની આછેરી સળવળ
દિગંતે
છાઇ જતી રે
ટહૂકા
ટહૂકા
થઇ …

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – પીછું

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું.

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – બેસું તો વરસોનાં વરસ લાગે.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – મારો અભાવ

(ખાસ મોહ્મ્મદ અલી ભૈડુ”વફા”ના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

– મનોજ ખંડેરિયા (અચાનક-49)

મનોજ ખંડેરિયા – મુઠઠીમાં

સતત ભટકું – પૂછું ને શોધું છું ઘર જેનું વરસોથી
લખેલું એનું ઠેકાણું છે મારી બંધ મુઠઠીમાં –
હું ઘેરૈયો છું, રસ્તો રોકી આડો રંગ લઇ ઊભો,
ગુલાલે ગૂંજતું ગાણું છે મારી બંધ મુઠઠીમાં.

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – રસમ અહીંની જુદી

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસના ખોખા

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપના છે સુક્કા મલોખા

તું તરસ્યાને આપે છે ચીતરેલા સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા – હું વસું વનરાઈમાં

હું વસું વનરાઈમાં
પર્ણની તન્હાઈમાં

ફાડ-વન ને ઘર ડૂબ્યાં
આંસુની ગહરાઈમાં

આયનો ફૂટ્યા પછી
શું જુએ પરછાઈમાં

હું સમયની ફૂંક છું
શબ્દની શરણાઈમાં

આ ઉદાસી સાંજની
મૂકી દે વડવાઈમાં

– મનોજ ખંડેરિયા

મનોહર ત્રિવેદી – તું તારી રીતે જા

કોઇ જાતું હળવે હળવે કોઇ ઘાએ ઘા
તું તારી રીતે જા
તને ગમે તો આ પાર જાજે, અથવા પેલે પાર
તું તારી રીતે જા

બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા

હોય અજાણ્યાં કે જાણીતાં : છતાંય મલકે હોઠ
રોજ ધુળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યાંમળ્યાં તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કાં થા ?

કોઇ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઊડવાની રીત ?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત ?
તું મન ફાવે તે ગા
તું તારી રીતે જા

– મનોહર ત્રિવેદી

મરીઝ – આ દુનિયાના લોકો

આ દુનિયાના લોકો આ દુનિયાની રીત
કદી સારા માણસને ફાવે નહીં
જીવો તો કરે દાટવાની જ વાત
મરો તો દફન કરવા આવે નહીં

દુનિયા ન કોઇ વાત બરાબર કહેશે
જીતો જો જમાનાને સિકંદર કહે છે
ખૂબીને રજૂ કરશે એ ઉલ્ટી રીતે,
પાણીમાં કરો માર્ગ તો પથ્થર કહેશે

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે
પરાયા શહેરમાં વસતી વસાવી નાખી છે
મરીઝ પાણી ન જોયું મેં જ્યારે હરીફોમાં
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે

– મરીઝ

મરીઝ – ખ્વાબ આપીને

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

– મરીઝ

મરીઝ – તેનો આ અંજામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– મરીઝ

મરીઝ – પ્રવાસ છે

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશાઓ ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે!

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઇએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઇને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.

– મરીઝ

મરીઝ – શાયર

શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ ,
બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે .

– મરીઝ

મસ્તાન – અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ

અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ…

અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે,
શિખરે શોભા ઘણી રે લોલ … અંબા માના …

આવી આવી નવરાત્રીની રાત કે,
બાળકો રાસ રમે રે લોલ … અંબા માના …

અંબે મા ગરબે રમવા આવો કે,
બાળ તારાં વીનવે રે લોલ … અંબા માના …

અંબે માને શોભે છે શણગાર કે,
પગલે કંકુ ઝરે રે લોલ … અંબા માના …

રાંદલમા રાસે રમવા આવો કે,
મુખડે ફૂલડાં ઝરે રે લોલ … અંબા માના …

બહુચર ગરબે રમવા આવો કે,
આંખથી અમી ઝરે રે લોલ … અંબા માના …

મા તારું દીવ્ય અનુપમ તેજ તે
જોઈ મારી આંખ ઠરે રે લોલ … અંબા માના …

ગરબો તારો બાળ ગવરાવે કે,
‘મસ્તાન’ તારા પાયે પડે રે લોલ … અંબા માના …

-મસ્તાન

મહેન્દ્ર જોશી – વધુ શું જોઇએ

કાગળ કલમ ને મેજ છે એથી વધુ શું જોઇએ
આંખોમાં થોડો ભેજ છે એથી વધુ શું જોઇએ

એ આગિયાનું હો કે હો ચકમક ઘસ્યાની વેળનું
મુઠ્ઠીમાં ખપનું તેજ છે એથી વધુ શું જોઇએ

આંખોમાં ઠાલા હેતની ભરતી ઊછળતી હોય છે
તારી આંખોમાં સ્હેજ છે એથી વધુ શું જોઇએ

મનમાં જ ઘંટારવ થતો,મનમાં પ્રગટતા દીવડા
મનમાં જ તું સાચે જ છે એથી વધુ શું જોઇએ

પામું જો એવી ઊંઘ તો પડખાં સતત ઘસવાં પડે
શબ્દો જ ભીની સેજ છે એથી વધુ શું જોઇએ

એ જન્મથી અળગી થઇ વર્ષો પછી પાછી મળી
ઓ રે ! ઉદાસી તું એ જ છે એથી વધુ શું જોઇએ

કાલે પ્રભાતી રાગમાં લહેરાઇને ઊડી જઇશ
આ કાવ્ય દસ્તાવેજ છે એથી વધુ શું જોઇએ

– મહેન્દ્ર જોશી

મહેશ દવે – મારા અવસાન પછી

મારા અવસાન પછી
એ લોકો
મારી જમીન, બંગલો
જર અને ઝવેરાત
વહેંચી લેશે,
કદાચ એ માટે લડશે પણ ખરા,
પણ મારા પુસ્તકોનું શુ થશે?
એને તેઓ ઊધઇને હવાલે કરશે
કે પસ્તીમાં વેચી દેશે
કે પછી કોઇ લાઇબ્રેરીને આપી દેશે.
પણ એટલું તો ચોક્ક્સ કે
તેઓ એને જાળવશે નહીં
અને વાંચશે તો નહીં જ.

– મહેશ દવે



For queries email at need.more.intel@gmail.com