Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વીઆપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

પ્રીતમ – હરિનો મારગ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.

– પ્રીતમ

પ્રીતમ – હરિનો મારગ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને

– પ્રીતમ

વિવેક ટેલર says:

સુંદર મજાનું કાવ્ય… પહેલી બે પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ગઈ છે…

પ્રીતમ લખલાણી – એકાંત

વહેલી સવારે
ફૂલને
ડાળે એકલું
ઝુલતુ જોઇ
મારાથી
અમસ્તુ જ પુછાઇ ગયું
કેમ એકલતા
મનને કોરી ખાય છે ને ?
“ના, દોસ્ત
આ સોનેરી
એકાંતની પળે
હું ખુદ અને ખુદાથી
મનના
તાર જોડું છું!”

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – કેળવણી

સારું થયું !
કે
હું
જાનવરનો
ડૉક્ટર થયો!
નહીંતર
કોઇ કાળે
આ વાત
સમજી ન શક્યો હોત !
કે
એક માણસે
માણસ થવા!
કૂતરાં બિલાડાં પાસેથી
પણ
કેટલું બધું
શીખવાનું હોય છે !!!

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – ચાંદની

જોઇ અકાશે
ચાંદની, સાગરમાં
વાસના જાગી!

* * * * * * * * *

નદીએ ના’તી
ચાંદની, કૂદે કાંઠે
દેડકો, ખુશ!

* * * * * * * * *

ટપકે છીબે
ચાંદની, પંખી પીવે
છેક સવારે!

* * * * * * * * *

ચાંદની બેઠી
વૃક્ષ તળે, ચહેરો
જોવા ચંદાનો.

* * * * * * * * *

આવી ચાંદની
ઉંબરે, લ્યો ટહુકે
મોર તોરણે!

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – પંખી

પહેલી જાન્યુઆરીની
વહેલી સવારે
“Happy New Year ” ના
ટહુકાને
છૂટો મૂકી
પંખી
આભમાં ઊડી ગયું !
‘ને પછી
વૃક્ષ આખું વર્ષ
આભ નીરખતું
ડાળેથી
ફૂલપાન
વરસાવતું રહ્યું.

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – પગલું

રોજ સવારે ગાંધીચોકમાં ઝાડું વાળતાં
અઢળક પગલાંનો ઢગલો જોઈને-
બીડી ફૂંકતો રામજી વિચારે:
આ બધાંમાં સત્યનું પગલું કયું હશે?

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – પનિહારી

એક પનિહારીએ
નદીને
માણસ વિશે
એવું તે શું કહ્યું
કે
નદી
કદી દરિયા સુધી ન ગઇ ?

* * * * * * * * *

પનઘટે
પનિહારી વિચારે
કે
જો
હું
રોજરોજ આમ
બેડાં
ભરતી રહીશ
તો
નદી બિચારી!
કયે દિવસે
દરિયે પહોંચશે!

* * * * * * * * *

રોજ બિચારો
દરિયો પૂછે નદીને
અરે!
પનિહારી કેવી હોય ?

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – પ્રેમાળ દેશને

હે અમેરિકા
તેં મને
ત્રણ ટંકનો રોટલો આપ્યો,
એટલે નહીં
પરંતુ ભૂખ્યો છું
એમ કહેવાનો
સાર્વભૌમ અધિકાર બક્ષ્યો,
એ કારણે
હું તને
મારી જાત કરતાં પણ
વિશેષ ચાહું છું !

– પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી – સ્વતંત્રતા દેવીને કવિનો પ્રશ્ન

હે દેવી,
ઊછળતા દરિયા વચ્ચે
ન્યૂયોર્કના બારામાં
તું સ્વતંત્રતાની પ્રતિમા રૂપે
સ્થાપિત થઈ ગઈ ,
તેના બદલે
હાથમાં મશાલ લઈ
સતત દોડતી રહી હોત તો
જે ધરા પર
તારા કુમકુમ પગલાં પડત ત્યાં
આજ
અમેરિકા સમી
સ્વ્તંત્રતાની આબોહવા હોત.

– પ્રીતમ લખલાણી

પ્રીતિ સેનગુપ્તા – એક પંખીનાં પીંછાં સાત

કોઇનું મન હોઇ શકે છે પંખીની જાત. ગાતું રહે છે એ દીવસ ને રાત. આકાશ પ્રત્યે છે એને પક્ષપાત અને ફેલાતી પાંખે છે મોટી સોગાત. એકલાં ઊડતાં રહેવામાં એને નથી હોતો ડર કે નથી એને લાગતો કશોયે અચકાટ.

– પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તા – કોઇ મને અટકાવી દે તો ?

તરવાના થાકનો
મછલીને
વિચાર જ ક્યાંથી હોય ?
પંખીને તે વળી
ઊડવાનો કંટાળો ?
મને તો એ જ ડર છે
કે પૂછયા વગર,
વિચાર્યા વગર,
શ્વાસ લેવાનો ભાર લાગતો હશે
એમ માનીને
કોઇ
મને અટકાવી દે તો ?

– પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તા – શૂન્યથી શરૂ શૂન્ય

શૂન્યથી શરૂ શૂન્ય
જતાં જતાં પાછું વળીને એક વાર જોયું હતું,
દાખવી’તી કૈંક કુમાશ, હાથને પકડ્યો હતો
ક્યારેક, આપ્યાં’તાં વચન અવશ્ય મળવાનાં ફરીઆ
જ રાખું યાદ હું
બસ, આ, અને ને તારા સ્મિતને.
બસ, મૂકું વિશ્વાસ તારા શબ્દમાં ને સ્મિતમાં.
આદેશ મનને એમ તો કર્યા કર્યો’તો કેટલોકે
છે જ કૃપણ કાળ તો, ને ભાગ્ય અન્યાયી જ છે;
જે મળે આનંદ તેનો, ને ધીરજથી જીવવું,
પણ હાય, જાણે છે હૃદય બ્હાનાં તણું ખાલીપણું,
આપી દીધી વિદાય જેને આંખના જળથી નીરવ,
પાછા હવે બોલાવવા ઉપાય શું બાકી રહ્યો?

– પ્રીતિ સેનગુપ્તા

પ્રેમ

હિન્દી પ્રેમી : ડારલીંગ મેરે કાન મેં કુછ હલકા સા,
કુછ નરમ સા,
કુછ નમકીન સા,
કુછ મીઠા સા કહો!
ગુજરાતી પ્રેમીકા : ઢોકળાં

પ્રેમ

બોલ્યા કરે એ મૈત્રી,
ચુપ રહે એ પ્રેમ.

મિલન કરાવે એ મૈત્રી,
જુદાઇ સતાવે એ પ્રેમ.

હસાવે એ મૈત્રી,
રડાવે એ પ્રેમ.

તો પણ લોકો મૈત્રી મુકીને કેમ કરે છે પ્રેમ ??

પ્રેમાશંકર હ. ભટ્ટ – રે !

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે !
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટયા આયખાને શેણેથી તુણાય રે !

– પ્રેમાશંકર હ. ભટ્ટ

પ્રૉફેસર ( ડૉક્ટર) દૌલતભાઇ દેસાઇ – ‘સ્નેહ’ એટલે

દરિયે બેઠાં અમે માત્ર
શરીરે ઉદતી શીકર ઝીલતાં રહ્યાં
ને ક્ષિતિજમાં સમંદરમાં
ડૂબતો સૂર્ય જોતાં રહ્યાં
હાથ માં હાથ મૂકી પાણીમાં
છબછબિયાં કરતાં રહ્યાં
ને પછી એમ જ કારમાં
બેસી ઘરે આવ્યાં !
બધાં પૂછે : “બહુ વાતો કરીને કાંઇ !”
હું કેવી રીતે કહું કે
અમે વિના બોલ્યે
લાખો વાતો કરી હતી (!?)
અમે ક્ષિતિજમાં વિસ્તર્યાં હતાં
ને મૌનમાં ફોર્યાં હતાં ! (?)

– પ્રૉફેસર (ડૉક્ટર) દૌલતભાઇ દેસાઇ

ફૂલચંદભાઇ શાહ – લડવૈયા, શૂરા જાગજો રે

ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે .
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે. – ડંકો વાગ્યો o

માથું મેલો, સાચવવા, સામી ટેકને રે,
સામી ટેકને રે (૨) – માથું મેલો o

તોડી પાડો સરકારી જુલમી કાયદા રે,
જુલમી કાયદા રે (૨) – તોડી પાડો o

ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે,
કાયા હોમજો રે (૨) – ભારત o

ડંકો વાગ્યો ભરતની બહેનો જાગજો રે,
બહેનો જાગજો રે, વિદેશી ત્યાગજો રે. – ડંકો વાગ્યો o

– ફૂલચંદભાઇ શાહ

વિવેક says:

આ સુંદર ગીત ફક્ત સાંભળ્યું જ હતું… આજે પ્રથમવાર આખું વાંચ્યું… આભાર !

બકુલ ત્રિપાઠી – એક હતો રેઇનકોટ

એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !

– બકુલ ત્રિપાઠી

બકુલ ત્રિપાઠી – મોચીનું ન હોવું

યાદ છે ? આપણે
એક દિ’ સાથે
ગબ્બર ડુંગર ચઢવા ગ્યાંતા ?

ચઢતાં ચઢતાં મારગ વચ્ચે
તારી તૂટી ચંપલપટ્ટી

મેં કહ્યું ‘કે તો ઊંચકી લઉં ! ‘
‘ચંપલ ? ‘
‘તને !’
‘હટ ! લો ચંપલ! ઊંચકો એને !
હાશ હવે બસ
અડવા પગે ઉપર જાશું’

મેંય પછી તને યાદ છે ?
મારાં ચંપલ કાઢયાં
પથરો લીધો
પટ્ટી તોડી !

તૂટલાં ચંપલ બેઉનાં પછી
હાથમાં લઇને
ઝૂલતાં ઝૂલતાં
અડવા પગે, બળતા પગે
થનગન થનગન
થનગન ચઢયાં આપણે બેઉ
ગબ્બર શિખર !
યાદ આવે છે?

કેવાં રે બડભાગી આપણે
મારગ કોઇ મોચી ન મળ્યો !

– બકુલ ત્રિપાઠી

બાપુભાઇ ગઢવી – તમને

તમને સમય નથી અને મારો સમય નથી ,
કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઇ ભય નથી , તમને …

વિસરી જવુ એ વાત મારા હાથ બાર છે અને
યાદ રાખવુ એ તમારો વિષય નથી … તમને …

હુ ઇંતજાર મા ને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કૈ આખર પ્રલય નથી…. તમને …

– બાપુભાઇ ગઢવી

બાબુલ – બિલ્લો

થોડો ધોળો થોડો કાળો હતો
એ બિલ્લો બહુ રૂપાળો હતો
લઇને દોડે એ ઊનનો દડો
નટખટ એવો નખરાળો હતો

પોચી ગાદી પગે નખ નાના
ને ડિલે રેશમ શો સુંવાળો હતો
ફરતો એ કરીને માથું ઊંચું
જાણે મરદ મોટો મૂછાળો હતો
એટલે થયો તો વ્હાલો સહુનો
‘બાબુલ’ જેવો અટકચાળો હતો

– બાબુલ

બાલમુકુંદ દવે – પરોઢ

વીણીને વ્યોમમાંથી હલચલ કરતા
તારલા મત્સ્ય જેવા,
માછીકન્યા સમી ઓ ! તરલ ડગ ભરી
યામિની જાય ચાલી.

ધીરે ધીરે ઉપાડે તિમિરજવનિકા
કોક અદષ્ટ હસ્તો,
ને લીલા પાર્શ્વભૂની અવનવ પ્રગટે તેજ અંધાર ગૂંથી.

પ્રાચીને પોણ્ય ક્યારે કિરણટશરના
કેવડા રમ્ય ફૂટે,
સૂતું ઉત્થાન પામે સચરાચર સૌ,
નીંદનાં ઘેન પામે.
માળામાં પંખી જાગે, મધુર રણકતી ઘંટડી દૂર વાગે,
ટૌકો ઊંડો ગજાવે ગગનપટ ભરી ફૂટડી ક્રૌંચ જોડી.

લાજાળુ નારીવૃન્દો શિર પર ગગરી લઇ આવે ઉમંગે,
ભાગોળે વેણુ વાતા ધણ લઇ
નીસરે છેલડા ગોપબાલો.

મીઠેરી મર્મરોની મનહર મુરલી માતરિશ્વા બજાવે,
પર્ણે પર્ણે ફરૂકે સભર વિલસતાં સૂર્યના ભર્ગરશ્મિ.
પોઢેલો જેમ પેલો શતદલકમલે મૂર્છના ભૃંગ ત્યાગે,
જાગે શો પ્રાણ મારો, અભિનવ ઝીલતો
તેજના રાશિ ભવ્ય !

– બાલમુકુન્દ દવે

સુરેશ says:

Read his life sketch
http://sureshbjani.wordpress.com/2006/09/07/balmukund_dave/

બાલમુકુંદ દવે – બંદો અને રાણી

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.

કંથમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.
.. સોઇ જી સોઇ જી.

– બાલમુકુન્દ દવે

બાલમુકુંદ દવે – હોય ઇશારા હેતના

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

જૂઈ ઝળુંબે માંડવે ને બાગે બાગે ફાલ
તું ક્યાં છો વેરી વાલમા ? મને મૂકી અંતરિયાળ !
આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત
ગામતરો તને શેં ગમે ? તું પાછો વળ ગુજરાત
કોયલ કૂંજે કૂંજમાં ને રેલે પંચમ્ સૂર
વાગે વન વન વાંસળી, મારું પલપલ વીંધે ઉર
સમજી જાજે સાનમાં મન બાંધી લે જે તોલ

હોય ઇશારા હેતના એનાં ના કંઈ વગડે ઢોલ ?

– બાલમુકુન્દ દવે

બાલમુકુંદ દવે – આકાશી અસવાર – વર્ષાનું આગમન

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુંખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

– બાલમુકુન્દ દવે

બાલમુકુંદ દવે – કેવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ

રુદિયાની રાણી, કેવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ

રુદિયાના રાજા, કેવાં રે મળેલાં મનના મેળ

જળમાં ઝીલાય જેવાં આભના ઊંડાણ
જળમાં ઝીલાય જેવાં આભના ઊંડાણ
જેવાં ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર
રુદિયાની રાણી, એવા રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે
જેવાં બીજ રે ફણગાયે ખાતરખેડ
રુદિયાના રાજા, એવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ

– બાલમુકુન્દ દવે

બાલમુકુંદ દવે – ગાવું

છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !

– બાલમુકુન્દ દવે

વિવેક ટેલર says:

ઓય… ઓય…. ઓય….

મારી ઓલ-ટાઈમ ફેવરીટ કડી આ તો…

શું મિજાજ છે?! ને શી અદા છે?! આફરીન…

બાલમુકુંદ દવે – જૂનું ઘર ખાલી કરતાં

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

-બાલમુકુંદ દવે

Pancham Shukla says:

This is a ‘Sonet’ 14 lines with a sharp end !
The unique thing is the use of last ‘પ્રાસ’
કણિકા and મણિકા.

The other sonet in the same vain is

વળાવી બા આવી નિજ સકલ સંતાન સઘળાં….

બાલમુકુંદ દવે – તીર્થોત્તમ

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયા;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુન્દ દવે

બાલશંકર કંથારિયા – ગુજારે જે શિરે તારે

આ કાવ્યની એક એક પંક્તિ મને પ્રિય છે અને જીવવા માટેની ચાવી છે.

ગુજારે જે શિરે તારે , જગતનો નાથ તે સ્હેજે ;
ગણ્યું જે પ્યારું પ્યારાએ , અતિ પ્યારું ગણી લેજે .

દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું , વહોરી ના પીડા લેજે .

જગતના કાચના યંત્રે , ખરી વસ્તુ નહીં ભાસ ;
સારા કે નઠારાની , જરાએ સંગતે રહેજે .

રહેજે શાંતિ સંતોષે , સદાયે નિર્મળે ચિત્તે ;
દિલે જે દુ : કે આનંદ , કોઇને નહીં કહેજે .

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે , મુખે ના ઝેર તું લેજે .

અરે પ્રારબ્ધ તો ઘેલું , રહે છે દૂર માગે તો ;
માગે દોડતું આવે , વિશ્વાસે કદી રહેજે .

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ , મસ્તીમાં મઝા લેજે .

– બાલશંકર કંથારિયા

બાળકો હસવાની મનાઇ છે! બુલાખીરામ – વિનાશકાળે વિપરીત બુધ્ધિ

સીતા સમાણી સતી કોણ શાણી,
પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી;
કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ. ૧

કેવા હતા કૌરવ કાળજ્ઞાની!
કુસંપમાં પાછી કરી ન પાની;
કપૈ મુઆ દ્વેષ સહિત ક્રોધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ. ૨

નિપુણતા ન્યાય વિષે ધરાવી,
નળે સુકીર્તિ જગમાં જમાવી;
ગુમાવી ગાદી ધ્રુતને વળૂંધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ. ૩

યદુપુરી યાદવ યાદ આણો,
સુરા વિષે જીવ ભલો ભરાણો;
મૂઆ મૂલી સર્વ શરીર શુધ્દિ,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ. ૪

રૂડો હતો રાવણ શાસ્ત્રોવેત્તા,
નવે ગ્રહો નિકટમાં રહેતા;
હરી સીતા કષ્ટ લહ્યું કુબુધ્ધિ
વિનાશકાળે વિપરીત બુધ્ધિ. ૫

– બુલાખીરામ

વિવેક says:

“વિનાશકાળે વિપરીત બુધ્ધિ” – આ કહેવત બુલાખીરામની આ કવિતાની જ દેણ છે કે પછી આ કહેવત કવિતામાં સાંકળી લેવામાં આવી છે? સંશોધન કરવા જેવું ખરૂં. કોઈ પ્રકાશ પાડી શકશે?

Abdul Khatri says:

Excellent, this is one of the gems lost in the current noise of literature. Let me answer Vivek’s query. It was the poem from which this proverb originated and not the other way round. Late Shri Bulakhiram has been a well known renaissance poet (if I may say so).

I thank SV with all my heart in bringing this full poem to the world. Many like Vivek have no idea, that some all time famous “kahvatoes” have originated from poems.

I also am impressed by SV for putting this in the category or લોક સાહિત્ય (lok sahitya). Bravo!

વિવેક says:

મારી શંકાને પુષ્ટિ આપવા બદલ શ્રી અબ્દુલભાઈ ખત્રીનો હૃદયપૂર્વકનો આભાર! બુલાખીરામ જેવા સમયની ગર્તામાં લગભગ લુપ્ત થઈ ગયેલા કવિઓને સમયપટ પર પુનર્જીવિત કરવા માટે એસ.વી.નો પણ ઘણો જ આભાર.

બે નવા બ્લૉગ !

જયશ્રી બહેન ના બે નવા બ્લૉગ .

ટહૂકો
મારી સંગીતની દુનિયાની એક ઝલક

અને

મોરપિચ્છ
થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય…

ભગવતીકુમાર શર્મા – અમે આંધી વચ્ચે

અમે આંધી વચ્ચે તણખલાંનાં માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાનાં માણસ,
ફટાણાંનાં માણસ, મરશિયાનાં માણસ,
અમે વારસાગત સમસ્યાનાં માણસ.

કદીથી સદીની અનિંદ્રાનાં માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ,
અમે તમને મળવાને ઝૂરતાં જ રહીયે,
સડવન્ત ઝીબ્રાનાં ટોળાનાં માણસ

શિખર ખીણ ધુમ્મસ સૂરજ કૈં કશું નૈ?
ટુ બી ઓર નૉટ ટુ બી ને હા ના ના માણસ
મળી આજીવન કેદ ધ્રુવનાં પ્રદેશ
હતાં આપણે મૂળ તડકાનાં માણસ

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – આમ

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – ઉતારો !

અભરાઇ-ચઢ્યા ધૂંધળા દર્પણને ઉતારો !
બિમ્બોમાં મઢેલા મારા વળગણને ઉતારો !

અવસર ગયો વીતી, હવે સૂનકાર છવાયો;
બાંધ્યું જે હતું દ્ધારે તે તોરણને ઉતારો !

મારામાંથી ફૂટી રહ્યા પડછાયા ફટોફટ;
કચડે છે મને મારા એ ભારણને ઉતારો !

થનગનતો કનકવો તો કપાઇ ગયો વહેલો;
ઝૂરે છે અગાશીમાં એ બચપણને ઉતારો !

સૌરભની પ્રતિસ્પર્ધામાં એ વૃક્ષે ચઢી છે;
ચૂંટી જે રહી ફૂલ એ માલણને ઉતારો !

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – કિસ્સો

મારા નિષ્ફળ બચાવનો કિસ્સો,
પીઠ પાછળના ઘાવનો કિસ્સો.

મારા ઘેરા લગાવનો કિસ્સો;
તારા આછા ઝુકાવનો કિસ્સો.

આમ તો બીજું શું છે આ હોવું ?
શ્વાસની આવજાવનો કિસ્સો.

જઈ ડૂબ્યો કાવ્યની સરિતામાં
મારી કાગળની નાવનો કિસ્સો.

કાંઠે બેસી તરસ નિરૂપે છે
એક સુક્કા તળાવનો કિસ્સો.

– ભગવતીકુમાર શર્મા

(સૌજન્ય : વિવેક)

ભગવતીકુમાર શર્મા – ગમે ત્યારે હું ચાલ્યો જઈશ

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – ગવાઈ જઈશ

તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.

હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.

આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.

નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.

હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.

કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.

પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.

– ભગવતીકુમાર શર્મા

(સૌજન્ય : વિવેક)

ભગવતીકુમાર શર્મા – ચઢી છે

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – નહીં કરું

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ,
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – પવન

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા – બે મંજીરાં

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

ભગુભાઇ ભીમડા – બની શકાય તો

બની શકાય તો કોઇકનો સહારો બનીએ.
કોઇકના જીવનનો તારણહારો બનીએ …

જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …

ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …

મંઝિલ કે ધ્યેય દરેક જીવનમાં હોય છે
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …

દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …

શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …

સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …

જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ …

– ભગુભાઇ ભીમડા (ભરૂચ)

ભજન

(ખાસ દિપ્તીબહેનના આભારી છીએ આ ભજન મોકલવા બદલ)

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

ભરત ત્રિવેદી – ચાણોદ

નર્મદાને કાંઠે

નર્મદા નદીમાં કમર સામાણાં જળમાં
ત્રાંબાના લોટાથી તારું તને જ અર્પણ કહીને
જળની ધારા કરતો
જનોઈ ધારી દ્વિજ પોતાના પાછલા
અને આગળ આવનારા ભવની ચિંતામાં
એટલે પડે કે
તેના પગ તળેની રેતી ધીમેધીમે
સરી રહી હોતી લાગે, ને
સવારનો સૂરજ પણ પાછા પગે
સરી જતાં કશા સંકેત કરતો હોય તેમ લાગે

તેની પહોળી થઈ ગયેલી આંખો, ને
સર્કસના જોકરના હોય છે તેવા
ચહેરાની સીમા વટાવી ગયેલા હોઠ
તમને જરા પણ હસાવી ના શકે


નર્મદાના પાણીમાં પગ રાખીને તમે
બે જગતના વિચારોમાં અટવાઈ જાવ
તો વૈતરણી તરી જવા માટે
તમારે નજીકની ગો શાળામાંથી
વંડી ઠેકીને ભાગી આવેલી કો ગો માતાની
પુચ્છનો સહારો લેવો જ પડે


તરણી તરવા કરવા કરતાં
નર્મદાના છીછરા જળમાં
છબછબિયાં કરવામાં, કે
કાયમ મોડી ઊપડતી
સાંજની બસ પકડીને ઘેર પાછા ફરવામાં
કશું ય ખોટું નથી

નર્મદાને તીરે જ એ બધું સમજાય
એવું તે કેમ હશે બળ્યું ?

ભરત ત્રિવેદી ૯/૭/૨૦૧૨

ભરત ત્રિવેદી – રામાયણ

ઇચ્છાને હાથ પગ હોય
અને તે પણ એવા તે લાંબા કે
તે ધારે ત્યારે સોનેરી કિલ્લાને માથે બેસી જાય , કે
મહેલોની ઊચી ઊંચી દીવાલો લાંઘી જાય
ને આખી બપોર મહેલની બારીઓ ગણતી જાય
એમાં કોઈને જરા ય અચરજ ના થાય !

પણ એ ક્યારેય બાપુના આશ્રમની પાસે પણ
ના ફરકે કોઈ દિવસ
એક તો એવું કે તેને તકલી ફેરવતાં ના ફાવે
અને રેંટિયાની પેટી ખોલતાં
જે વંદાઓની વણઝાર નીકળી આવે
તેનો એવો ડર લાગે કે

ઊભી પૂછડીએ એવી તો દોડે કે
જમાલપુર પોલીસ ચોકી સુધી પહોંચીને
ફરિયાદ નોંધાવે
પોતાની સાવ ટૂંકી વર્દીથી શરમાતા
ના મુછીયા કોઈ હવાલદાર પાસે,

ઇચ્છા જે પણ ઇમારત પર નજર કરે
તેની દીવાલો પરની રેતી અડધી રાત્રે
ખરવી શરું થઈ જાય
પણ એ બિચારી કીડીઓ ક્યાં જાય ?

માડી રાત સુધી પ્રસાદમાં મળતા પેંડાને
કોતરી કોતરીને લઈ આવી હોય
તેને ફરી આખા પેંડામાં ફેરવવા
કેટલી જહેમત ઉઠાવવી પડે તેનો અંદાજ
મેળવતી હોય
ત્યાં જ ખરતી રેતી તેમને એવી દબાવી લે
કીડીની તો કમર વળી જાય, પણ
જરા કાળ વળે કે તરત જ
ઊંડા દરિયામાંથી વિશાળકાય વ્હેલ માથું કાઢે તેમ
તે પાછી પ્રગટ થાય !

ઇચ્છાને નાક કાન ના હોય અને જો હોય
તો પણ તમને લાગે છે ખરું કે
કોઈ તેના નાક કાન કાપી લઈ શકે ?

હવે લક્ષમણનો રોલ લેવા
કોઈ બેકાર અદાકાર પણ તૈયાર થતો નથી !

ભરત ત્રિવેદી ૫/૭/૨૦૧૨

ભરત વિંઝુડા – આપે છે

ચાલ પીડાઓ સહીએ જે સનમ આપે છે
કોઈ પણ સુખને એ દુ:ખમાથી જનમ આપે છે !

કોઇ અવકાશ નથી કે એ મને પૂછે કંઇ
જન્મ થઇ જાય તે પહેલાં જ ધરમ આપે છે !

એ કોઈ કાવ્ય રચે છે ને બરાબર લાગે
તે પછી હાથમાં મારા એ કલમ આપે છે !

તે કહી જાય બધી વાત હ્ર્દયની તે જો
હું કહું એમને તો એને શરમ આવે છે

હું અહીં હોઉં છું આખર ને ઊભો છું આખર
તે છતાં ક્રમમાં મને કેમ પ્રથમ આપે છે ?

ભરત વિંઝુડા

ભરત વિંઝુડા – એક ચકલી

એક ચકલી અહીંથી ઊડી જાય નહીં,
એટલે કંઈ પીંજરે પૂરાય નહીં !

એટલાં ચૂંબન કરે, ચૂંબન કરે,
એ ક્ષણે કંઈ એ બહુ શરમાય નહીં !

આખરે એથી વધું શું જોઈએ,
હોય એવી હોય છે, બદલાય નહીં !

એણે ઉત્તર આપી દીધાં હોય છે,
મૌનમાં, એથી કશું પૂછાય નહીં !

છે સમંદર, ડૂબીએ, ડૂબાડવા,
એ કિનારા તોડીને છલકાય નહીં !

છેક ભીતરમાં લખેલું નામ છે,
કોઈ બીજાથી કદી વંચાય નહીં !

ભરત વિંઝુડા

ભરત વિંઝુડા – એમ પણ નથી

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી !

તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી !

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી !

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભૂલાઈ શકું એમ પણ નથી !

છોડી દઈને જાત નિરાકાર થઇ ગયો
શોધો ને હું છૂપાઈ શકું એમ પણ નથી !

ભરત વિંઝુડા

ભરત વિંઝુડા – કમરામાં હશે

જેટલા મચ્છર આ કમરામાં હશે
એટલા ઇશ્વર આ કમરામાં હશે !

તોડવી ચારે ય દીવાલો પડે
કેટલા પથ્થર આ કમરામાં હશે !

મેં તમોને બહાર પણ જોયાં હતાં
કોણ તો અંદર આ કમરામાં હશે !

પ્રશ્ન પારાવાર છે થોભો જરા
એક બે ઉત્તર આ કમરામાં હશે !

હોય છે જેઓ અમર તે અહીં નથી
જે હશે નશ્વર આ કમરામાં હશે !

એક કમરામાં જ આખું વિશ્વ છે
ક્યાંક મારું ઘર આ કમરામાં હશે !

(જન્મ : 22 જુલાઈ 1956)

ભરત વિંઝુડા

ભરત વિંઝુડા – કોના મરણ પર રડે છે ભાઇ

આ શૂન્યતાથી દૂર તું ક્યાં જઇ ચડે છે ભાઇ
તું કોણ છે ને કોના મરણ પર રડે છે ભાઇ !

ફેલાયેલો પ્રદેશ હતો એક મીણનો
સુમસામ શેરીઓનાં ચરણ ત્યાં પડે છે ભાઇ !

તૂટી ગયેલ કાચ અરીસાનો વીણતાં
ચૂરેચૂરા થયેલ ચહેરો જડે છે ભાઇ !

બદલાઈ જાય અર્થ બધાં છત-દિવાલના

એકાદ બારી-બારણું જો ઊઘડે છે ભાઇ !

બારી ખૂલી તો ખૂલી ગયું વિશ્વ બહારનું
અંદર તમારો ઓરડો ય ઊઘડે છે ભાઇ !

ભરત વિંઝુડા

ભરત વિંઝુડા – ચાલે છે !

આપ ચાલો એ લયમાં ચાલે છે
આ કલમ એક વિષયમાં ચાલે છે !

સ્વપ્નમાં રાતના એ ઊડે છે
જે દિવસના સમયમાં ચાલે છે !

કંઇક બોલે તમાર ધડકનમાં
એ જ મારા હ્ર્દયમાં ચાલે છે !

કઇ જગાએ સુરંગ મૂકી હો ?
લોક સઘળાં ય ભયમાં ચાલે છે !

જીવવાનું ન જીવવાનું પણ
આ બધું તો પ્રણયમાં ચાલે છે !

ભરત વિંઝુડા (કવિતા- જુન-જુલાઇ-12)

ભરત વિંઝુડા – બનતું હોય છે

કોઇ નથી ઉપાય છતાં બનતું હોય છે
મારા ઉપરનું આભ તૂટી પડતું હોય છે

મારા ઉપરનું આભ તૂટી પડતું હોય છે
તે જોઇ આસપાસ કોઇ રડતું હોય છે

તે જોઇ આસપાસ કોઇ રડતું હોય છે
રડતું હોય છે ને કોઇ હસતું હોય છે

રડતું હોય છે ને કોઇ હસતું હોય છે
એક દ્વાર બઉ બાજુ અહીં ખૂલતું હોય છે

એક દ્વાર બેઉ બાજુ અહીં ખૂલતું હોય છે
ભીતર બહાર બેઉને એ અડતું હોય છે

ભીતર બહાર બેઉને એ અડતું હોય છે
જે બેઉમાંથી એકને અણગમતું હોય છે

જે બેઉમાંથી એકને અણગમતું હોય છે
કોઇ નથી ઉપાય છતાં બનતું હોય છે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા – લઈ નીકળ્યાં

પોતપોતાનો સૂરજ લઈ નીકળ્યાં
માપસરની સૌ સમજ લઈ નીકળ્યાં

વસ્ત્ર ખંખેરો તો ખંખેરાય તે
ઊડતી થોડીક રજ લઈ નીકળ્યાં

આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં

એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં

શબ્દને મૂકી દઈને કોશમાં
પંખીઓ જેવી તરજ લઈ નીકળ્યા

– ભરત વિંઝુડા

ભાનુપ્રસાદ પંડ્યા – દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !

(કાવ્યપ્રકાર : ગીત)

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોયે પગરવની દુનિયા અમારી !

કલબલતો થાય જ્યાં પહેલો તે પહોર
બંધ પોપચાંમાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી

ફૂલોના રંગ રિસાય ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ !
સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી.

– ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ પંડ્યા – શ્રાવણ વદમાં

(કાવ્યપ્રકાર : ગીત)

રહી રહીને નેવલું ઝરે થઈ મીરાંનું ગીત !
આંખથી ખસી ગૈ આંસુની પાતળી એક પછીત !

ધૂળમાં ઊગી ફરકે લીલો દેવકીનો ઉલ્લાસ !
છૂટતી કારાગારથી જાણે એમ ઊડી સુવાસ !

ઓસરી પાસે થાંભલી પાસે સાંજ ઢળે આકુલ !
સીમથી સમીપ આવતું ત્યાં તો ઠેકતું રે ગોકુલ !

હાંઉ ! લ્યો, આવી દૂરથી ઓરા ડેલીએ ઊભા પંથ !
ઘરમાં હવે માય ના એવી ઉભરાણી છે ખંત !

અંધારને લઈ ગોદમાં મીઠું મરકી રહી રાત !
કાલ તો એવો ઊછરીને એ થઈ જાશે પરભાત !

– ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ પંડ્યા – સભ્યતા

હવે નગરમાં સવારે સવારે
ફૂલ કરતાં તો વધુ
બારીબારણાં ઊઘડે છે.
બાગમાં રોપેલા પેલા જંગલી છોડ પણ
હારબંધ ઊભા રહી જાય છે
માળીની કાતરને સલામી દઈને.
મોં-સુઝણાંના મલકાટને અને
સંધ્યાની નમણી લજ્જાને
દીવાલ પર ટાંગેલા આડાઅવળા
લીટાઓમાં અને રંગના ધાબાઓમાં
છુપાયેલો પિકાસો હસી કાઢે છે.
‘પ્રભુના પયગંબરો’ની ધૂળને
ગળી ગયા છે આમતેમ આથડતા
આસ્ફાલ્ટના અજગરો.
આ થોડાક પંખીઓ પણ
વનવાસે આવ્યા હશે આ નગરમાં?

– ભાનુપ્રસાદ પંડ્યા

ભાવેશ શાહ – કશ્મીર

ધર્મ નિરપેક્ષતા પર જ્યારે સવાલ થયો,
સાતસો ઉઝરડા લઇ કાયમ બહાલ થયો.

મામલો ઘરનો તું ઘરમેળે પતાવ ભલા,
ગામ વચ્ચે જો લાવ્યો, નાહક હલાલ થયો.

ઘર બળે તારુ એમાં લોકો શું કામ રડે ?
ભૂખરી રાખ રંગી, રાતો ગુલાલ થયો.

પાઘડી, હેટ, ટોપી વીંધાઇ જાય પછી,
એ જ ગાભો કફન માટે ઇસ્તમાલ થયો.

રક્ત ની કોમ પારખવી શક્ય હોય કદી?
એ વહાવી, હિમાલય આખો ચટક લાલ થયો.

ભાવેશ શાહ (૩૦-૦૬-૨૦૧૨)

ભાવેશ શાહ – જાંજવું

રણ ને હરણ ની દયા જ્યારે આવી,
જાંજવું ભૂંસવા આંધી ત્યારે આવી.
(૦૩-૦૯-૨૦૧૨)

વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,
ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.
(૦૩-૦૯-૨૦૧૨)

ભાવેશ શાહ

ભાવેશ શાહ – પ્રારબ્ધ ખેડુનું

અશકથી ભીંજવેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું,
લહુ સિંચી ઉગેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

ઘડીકે છાંયડાનું સુખ નથી; તડકે લખાયું છે,
પસીને નીતરેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

નથી દાણોય કોઠીમાં; ફકત આશા જિવાડે છે,
જનમથી છેતરેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

ઘણી આશાભરી આંખે; ગગનને તાકતો રહેતો,
કે વાદળમાં લખેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

થતો જીવન-મરણનો ફેંસલો; વર્ષાનાં વરતારે,
સદા ગિરવે મુકેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

કરીને પ્રેમ ધરતીને; વગર વાંકે સજા પામે,
પહેરણથીયે મેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

ભાવેશ શાહ (૦૭-૦૬-૨૦૧૪)

ભૂમિ એસ. ભટ્ટ – બે ઘડી

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો જો હોય કોઈની દર્પણ સમી,
અંતરના બધાં ભેદ કળાય છે.

અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો,
કંઈક સરિતાના વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે.

પામી જો એ સરિતા પંથ સાગર ભણી,
જોજો તો ખરા કેવી મલકાય છે.

– ભૂમિ એસ. ભટ્ટ

મ. પ્ર. બ્રહ્મનાલકર (અનુ. હરીન્દ્ર દવે) – દીવા જાય છે ત્યારે

આમ જ એક વાર વિશ્રામબાગના દીવા જાય છે,
ઘરની સૌભાગ્યવતી આરંભે છે મીણબત્તીની શોધ,
સામેની હોસ્ટેલ વિધાર્થીઓના શોરથી જાગી ઊઠે છે
હું મારી આરામખુરશી આંગણામાં લાવી બેસું છું
અને પાઇપ સળગાવી તાકી રહું છું
અંધકારમાં.
અન એ સમજાય છે સમાધિ માટે અંધકાર કેમ જરૂરી છે,
એ રહસ્ય.
અંધકારમાં માણસની ત્વચાનો
-પીળો કે સફેદ કે કાળો – વર્ણ દેખાતો નથી,
ઇસુ, બુદ્ધ, કૃષ્ણ, પયગંબર બધા સરખા દેખાય છે:
આખાયે જગત પર એકી સાથે
સર્વત્ર અંધકાર ફેલાતો નથી
આ જ દુનિયાની દુ:ખાંતિકા છે.
એટકામાં દીવા આવી જાય છે
અને આરંભાય છે નિત્ય વ્યવહાર.
અને ઉજાસમાં
માણસ ગુમાવી બેસે છે એકમેકની ઓળખ.

– મ. પ્ર. બ્રહ્મનાલકર (અનુ. હરીન્દ્ર દવે)

મંગળ રાઠોડ – કવિ

સવારે
સૂર્ય આવીને
મારી બારીએ
મળી જાય છે મને.
સાંજના કહી જાય છે
શુભરાત્રિ!
રાત્રે
ચંદ્ર આવીને
કરી જાય છે ડોકિયું
મારી બારીએ.
પૂછી જાય છે
ખબરઅંતર
કોઈ
ફૂલ આપી જાય છે
આપી જાય છે સુગંધ.
ટહુકી જાય છે પંખી.
કોઈ સ્મિત આપી જાય છે.
કોઈ ગીત આપી જાય છે.

આપી જાય છે કવિતા!

કદીય
એકલો હોતો નથી કવિ!

– મંગળ રાઠોડ

મંગેશ પાડગાંવકર (અનુ. નલિની માડગાંવકર) – આવો પણ વરસાદ

ગડગડતો, બડબડતો, બેફામ,
વરસાદ આવે છે ધડાધડ ગબડતો,
સાવ સામો, આડોતેડો, અસ્તવ્યસ્ત,
એને અસહ્ય લાગે,
જો કોઇ એના સિવાય બીજે ધ્યાન દે તે.

વરસાદ મહા નટખટ, ઢોંગી ઊભા રહે
ભાવભીનો બની મંદિર પાસેના ફૂટપાથ પર
શ્રધ્દ્રાપૂર્વક ગણગણતો કરે નામજપ
અને પછી અચાનક ખિખિયાતા કરતો
પીછો પકડે એકાદ નાજુક રંગીન છત્રીનો !

ઝાડને ભેટી ઝંઝેડતો,
વડવાયો પર હીંચતો,
ડુંગરનો તકિયો લેતો,
નદીને ઠોંસો મરતો !

નિશાળ પાસેની ગલ્લીમાં
નવોસવો સાઇકલ શીખતો લાગે !

કંટાળેલા મુછાળા હવાલદાર
જેવો વરસાદ ક્યારેક ક્યારેક
ઘોઘરા અવાજે બરાડે !

મુંબઇના ભૈયા જેવો વરસાદ ક્યારેક
દૂર ઉત્તર પ્રદેશ્માં રહેતી વહુને યાદ કરી ઉદાસ થાય
અને પછી એકધારાઅવાજથી
એકલો એકલો
તુલસીકૃત રામાયણ આરડવા માંડે !

વરસાદ મારી બારીમાં આવે છે,
શું કહું ? સાવ નાગડો !
કમ સે કમ લંગોટી ?
એનું પણ નામનિશાન નહીં !

ઠંડી ભરાઇ હોય એમ મારી બારી ધડાધડ અથડાય !
બારીમાંથી વાછટ મારતો મને કહે છે :
“ઉઠ યાર, ફેંક કપડાં અને નીકળ બહાર !
આજ સુધી તો તારાં કપડાં જ જીવ્યાં
એકાદવાર ભૂલથી યે તું જીવ્યો છે ખરો ?
બહાર નીકળ, કપડાં ફેંકી બહાર પડ,
ગોરખ આયા, ચલો મછિંદર ગોરખ આયા !”

– મંગેશ પાડગાંવકર (અનુ. નલિની માડગાંવકર)

મકરંદ મૂસળે – વરસાદે વરસાદે કોરાં

https://www.facebook.com/makarand.musale.7

વાછટ ના અડકે કે સ્પર્શે ના ફોરાં, આપણે તો વરસાદે વરસાદે કોરાં.
ઝાપટાની જેમ જાણે છેતરવા નીકળે, ને આપણને એમ કે ભીંજાશું,
દરિયાની જેમ જાણે હિલ્લોળા લેતી એ આંખોમાં ડૂબકાઓ ખાશું.
કોરીધાકોર જેવી વાદળીનાં દરવાજે, મારીએ લ્યા આપણે ટકોરા.
આપણે તો વરસાદે વરસાદે કોરા.

માર માર આવ્યો ને ધોધમાર વરસ્યો, ત્યાં આપણે તો પાછા મૂંઝાણા,
માથા ઉપરની આ છતમાંથી ડોકાણાં, ક્યાંથી તિરાડ ? ક્યાંથી કાણાં ?
સાવ જ ઉલેચી ઉલેચી ને થાક્યા, આ જિન્દગીના ખાલી કટોરા.
આપણે તો વરસાદે વરસાદે કોરા.

– મકરંદ મૂસળેFor queries email at need.more.intel@gmail.com