Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

ન્હાનાલાલ કવિ – અસત્યો માંહેથી

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

– ન્હાનાલાલ કવિ

પંચમ શુક્લ – એ હોય છે

છંદઃ ગાલગાગા ગાલગા, ગાલગાગા ગાલગા

સ્વપ્નનાં મંડપ તળે રાતભર એ હોય છે,
ઘૂંટ એ, ને ઘેન એ, બસ અસર એ હોય છે.

ફૂલને ક્યાં છે ખબર ઓસના શણગારની?
કુડ્-કપટથી સૂર્યનાં બેફિકર એ હોય છે.

શું સ્વયં અંધાર આ કરકરે નિસ્ત્બ્ધતા?
પ્રશ્ન કંસારીને, હા! ઉમ્રભર એ હોય છે.

કોઇ પરપોટો ક્દી નહીં જ આછું જીરવે,
આભરણ જળનું અહો! તરબતર એ હોય છે.

હોય મૂશળધાર કે સાવ ઝીણું ઝરમરે,
પોત વાદળનું છતાં માતબર એ હોય છે.

રંગ થઈ, ક્ષણ ગંધ થઇ- ગુમ કરે, ગુમ થાય છે,
ખેલતો આવું જ કૈં જાદુગર એ હોય છે.

સાચનાં મોતી ચરે હંસલા જેની નિકટ,
સરવરોમાં શ્રેષ્ઠતમ માનસર એ હોય છે.

ઈચ્છતો બંધન નથી, ક્યાંય બંધાતો નથી,
જ્યાં કરો મુકરર કશું, નામુકર એ હોય છે.

સ્મિત ધરી સઘળું કહે, અર્થની છાયા રહે,
હો ગઝલ કે મૌન હો, માપસર એ હોય છે.

– પંચમ શુકલ

jagruti says:

PS, your pen is certainly MIGHTY!!

ફૂલને ક્યાં છે ખબર ઓસના શણગારની?
કુડ્-કપટથી સૂર્યનાં બેફિકર એ હોય છે.
સ્વાભાવિક રીતે આપણે સૂર્યકિરણોને પુષ્પોના ખીલવા માટે અનિવાર્ય જાણીએ છીએ. પણ આપે પ્રસ્તુત કરેલ સત્ય અકલ્પનીય છે. શબ્દાતીત !

મન-હૃદય તરબતર થઇ જાય તેવી રચના.

પંચમ શુક્લ – કોણે કીધું કે ગીત…?

કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?
કોણે કીધું કે ગીત ઊર્મિથી લથબથતાં જોઈએ?

ખાલી લોટામાં મૂકી કાંકરી હલાવો ને ઊઠે રણકાર એય ગીત;
પાનીમાં ચૂભેલો કાંટો કાઢીને પછી ટશિયો ચૂમો તેય ગીત,
કોણે કીધું કે આ વેદના ને ખાલીપા ખરબચડાં રાખવા જોઈએ?

કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?
કોણે કીધું કે ગીત ઊર્મિથી લથબથતાં જોઈએ?

દોરે તેની ગાય જેવા શબ્દોને દોહી દોહી ચૂસે છે ગીતકારો ગીતને;
મારા જેવા ગોપાલક, થાય તો ઉડાડે, આંચળ પર ચોંટી બગાઈને,
કોણે કીધું કે આ વિયાયેલી વાણીનાં ખીરાની બળી બનવી જોઈએ?

કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?
કોણે કીધું કે ગીત ઊર્મિથી લથબથતાં જોઈએ?

૨-૧૨-૨૨૦૯
– પંચમ શુકલ

પંચમ શુક્લ – ખગ-વિવર્ણ-ખેવના

(ખાસ પંચમ શુક્લને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

હું જ રહું છું મારી અંદર ને
મારો માળો હું જ બનું છું.
ખીલે ખોડ્યું પંખી છું હું-
લીલાં તરણાંનાં નભમાં;
સૂકું સૂકું ઘાસ ચણીને-
પીળું પીળું ઊડું છું.

ઝીણી ઝીણી આંખોથી હું રોજ પરોવું
ભૂરાં ભૂરાં ગહન ગગનમાં
ઘેરું ઘેરું નીલ નિમજ્જન!

કોઈ કહે કે- કીધા વિના પણ
મારું ઉડ્ડ્યન હું જ બનું છું.
મારું ઉડવું, સરવું, ઠરવું
ને ચાતરવું ચિત્ત હવામા;

લગીર બને તો-
પરોઢનાં ધુમ્મ્સની પીંછી જેવું
ઢાંકી દેવું ને ઢંકાવું
બસ વિંધાવું ઝાકળ જેવું
સૂર્ય કિરણનાં વિવર્ણ બાણે
ને રેલાવું ઈન્દ્રધનુની કોરે કોરે
રોજ સવારે
રંગ રંગના ગીત ગુંજતા ટાણે.

– પંચમ શુકલ

1. પંચમ શુક્લ says:

July 8, 2007 at 11:32 am

૦૭/૦૭/૦૭ ના અનેરા અવસરે એક નવું આકાશ ઉઘાડી આપવા બદલ આ કાવ્ય હું મારા પિતરાઇ ભાઇ વિહંગ જાનીને પ્રેમ પૂર્વક અર્પણ કરું છું.

2. વિવેક says:

July 9, 2007 at 1:24 am

કયા આકાશની વાત કરી, પંચમભાઈ? કંઈ ફોડ તો પાડો, મિત્ર!

પંચમ શુક્લ – ચક્કર નરાતાર…

ધડ તો લડે કોઈ માથા વગર,
ક્યાં ટેકવું તીર ભાથા વગર?

તાંબૂલમાં છો ને મબલક ભર્યું,
ગોઠે ન એનેય કાથા વગર!

એ લાગતું ખૂબ નાનું તને,
નૈ ઊપડે તેય હાથા વગર!

વિસ્તારીને જો કહે તો સુણું,
ગમતું નથી કૈં જ ગાથા વગર!

ક્યાં ચાલતું કોઈને પણ કદી?
નાણા વિનાના એ નાથા વગર!

એનો નશો જીરવી તો જુઓ,
ચક્કર નરાતાર આથા વગર!

૨૧-૧૧-૧૯૯૪

– પંચમ શુકલ

પંચમ શુક્લ – યુનિકોડ ઉદ્યોગ

(ખાસ પંચમ શુક્લને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

(વર્ણસંકર અછાંદસ ગીત )

અગણિત જણ આરાધે અનહદ યુનિકોડ ઉદ્યોગ.

બિલાડીના ટોપ સમાં,
અહીં તહીં લ્યો ઉગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ. * અગણિત જણ આરાધે…

છપ્પનિયાનાં હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફા ભરડી ભરડી,
બે હાથે આરોગે શબ્દો- કવિ, લેખક, સહુ લોગ. * અગણિત જણ આરાધે…

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સંન્નિધ સહજ યોગ.
બુધ્ધી લચીલી, તૂર્તજ ખીલી
ઝબકારે ઝીલી રજ્જૂહીન સંયોગ. * અગણિત જણ આરાધે…

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુસાશન રચતું નિરાકાર આયોગ. * અગણિત જણ આરાધે…

હસ્વઈ-દીર્ઘઈ, ઉંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો
લલિત લવંગ ઘટા ઘાટીલી- રૂપ ધરે, બહુરૂપ વરે,
ને અડકો ત્યાં રોમાંચ સરે આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ. * અગણિત જણ આરાધે…

યુનિકોડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફોન્ટલેસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ. * અગણિત જણ આરાધે…

– પંચમ શુકલ

1. વિવેક says:

April 23, 2007 at 2:13 am

સુંદર રચના… પણ ફોન્ટલેસ કેમ? યુનિકોડ પણ એક જાતના ફોન્ટ જ છે ને?

2. સુરેશ જાની says:

April 23, 2007 at 6:37 am

ઉંઝા જોડણીની ટીકા કરી તે ગમ્યું.
પણ આટલી બધી બીભત્સ રીત પંચમની કલમને શોભા નથી આપતી.
કોઇ પ્રયોગ કરે તેની પાછળના આશયને સમજવા પ્રયત્ન કરીએ અને તેના ગુણદોશની પ્રામાણીક ચર્ચા કરીએ તેમાં સાચી શોભા છે.

3. Jugalkishor says:

April 23, 2007 at 11:48 am

કોઈએ ભુલ કરી હોય તો જાહેર કરો; આમ ટીકા કરીને ભાષાને બગાડવાનો શો અર્થ ?! બીભત્સતા સાવ અલગ વસ્તુ છે એટલે એ અંગે તો કહેવું નથી પણ જે કોઈએ બ્લોગનો ખરાબ ઉપયોગ કર્યો હોય તો એને પ્રગટ કરો. આજના વીજ્ઞાનના જમાનામાં ભાષા-વીજ્ઞાનને સમજ્યા વીના એને વીકૃતરીતે રજુ કરવાનો શો અર્થ ? એનાથી તો ભાષાનું અપમાન જ થાય છે.ઉંઝા જોડણી એ બહુ મોટો અને ઉંડો વીષય છે.એને ભાષા-વીજ્ઞાનના જાણકાર સીવાય ક્યાંય ચર્ચવાનું બરાબર નથી. એટલે એ બાબતે મૌનમ્ !
કવીતામાં સારું ન લખી શકાય તો કંઈ નહીં, ગાળો તો ન લખાય !!

4. j.t says:

April 23, 2007 at 12:42 pm

એકદમ સંપૂર્ણ ભાવાભિવ્યક્તિ….

યુનિકોડને કારણે ગુજરાતી લખનાર વધ્યા છે, એમાં બેમત નથી. પરંતુ સાથે-સાથે એ ન ભૂલાવું જોઇએ કે બિનવ્યાવસાયિક ડીટીપી કરનાર અને ગુજરાતી લેખક/રચનાકાર વચ્ચે ભેદ/તફાવત છે. દૈનિકો અને સાપ્તાહિક પૂર્તિઓ તથા ચોપાનિયા વાંચીને પોતાને વાચક ગણનાર વ્યક્તિ આ કવિતાનો મર્મ ના સમજી શકે તો નવાઇ પામવાની વાત નથી.

‘યુનિકોડ ઉદ્યોગ’ થી વધુ સારું કોઇ જ શીર્ષક ન હોઇ શકે !! શબ્દાતીત … ખરે જ !!

‘આભારવિધિ’ ની પળોજણમાંથી આજે તો મુક્તિ માટે નમ્ર વિનંતી … SV, I know you will take it sportingly…

Jagruti

વિવેક says:

April 24, 2007 at 1:36 am

સંભોગ, રતિક્રીડા કે મર્દન જેવા શબ્દપ્રયોગ માત્રથી કોઈ રચના બિભત્સ બની જતી નથી. બિભત્સતા શબ્દોમાં કે આકૃતિઓમાં ઓછી અને વાંચનાર-જોનારના મનમાં વધુ હોય છે. માણસ કવિતા કરતો થયો ત્યારથી એની વાતમાં સંભોગ સાહજિકપણે જ આવતો રહ્યો છે. વાલ્મિકી જેવા આદિકવિથી માંડીને નર્મદ, લા.ઠા., કલાપી, ર.પા. મુકુલ ચોક્સી, નયન દેસાઈ- કોઈ જ કવિ બાકાત નથી રહી શક્યા… શરીરના ભોજનને જેટલી સાહજિક્તાથી લઈ શકીએ છીએ એટલી જ સાહજિક્તાથી આપણે મનના ભોજનને કેમ લઈ નથી શક્તા? આપણા મનના વાડા તૂટતા કે છૂટતા નથી એટલે જ આપણે ત્યાં બળાત્કાર કે કાચી ઉંમરના યૌનસંબંધો ઓછા થતા નથી….

પંચમની કવિતા વિશે એટલું જરૂર કહીશ કે એ ખાસ્સી દુર્બોધ છે. કવિતા જેટલી સરળ હોય એટલી વધુ ભોગ્ય લાગે

હેમંત પુણેકર says:

April 29, 2007 at 10:09 am

મને ખાદ્ય-અખાદ્ય બ્લૉગ્સ સામે કોઈ ખાસ વિરોધ નથી. હું દરેક બ્લૉગને એક ડાયરીની જેમ જોઉં છું. Internetને કારણે આ ડાયરી ઘણા બધા લોકો જોઈ શકે છે. દરેક વ્યક્તિને અંગત ડાયરી લખવાનો અધિકાર તો છે જ. ભલે એ ડાયરીમાં “ગમે તે” લખાતું હોય. જેમને ગમે તે જુએ , ન ગમે તો જોવાની કોઈ ફરજ તો પાડતું નથી.

બાકી ગુણવત્તાનો પ્રશ્ન સાચો છે. પણ એ વાત પણ નકારી ન શકાય કે સારા બ્લૉગ્સ પણ છે, ભલે એમની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય.

પંચમ શુક્લ – શ્વાસની છે ચડ-ઉતર

શ્વાસની છે ચડ-ઉતર ને ફેફસાંમાં કૈં નથી,
શુષ્ક કાંચળી સિવાય સાણસામાં કૈં નથી.

આંગળી વૃથા ફરે સફેદ-કાળી પટ્ટી પર,
છે સપાટ સ્વર બધા, ‘પ-ધ-નિ-સા’માં કૈં નથી.

હાંસિયેથી ડોકું કાઢતા ઓ! પ્રાસ ખમ જરા,
એક આ ગઝલ સિવાય કારસામાં કૈં નથી.

હું સ્વયં થઈ ગયો છું તારા પગનો અંગૂઠો,
નખ ઉતરડી દઉં- કહે તો, વારસામાં કૈં નથી.

વિસ્મયો, કરામતો ને કામના શમી ગયા…

– પંચમ શુકલ

પંચમ શુક્લ – સંવનન એક ઉખાણું

Image file missing

પંચમ શુક્લ – બાવાના બેય…

બાવાના બેય બગડી ગયા એના પ્રેમમાં,
હરરાત એને જાય લઈ દુઃખના દેશમાં.

છોડીને જેને જેના માટે ખેલવા ગયો,
ખેલાડી ને એ ખેલ બધું ગુમ અંધેરમાં.

છે શાંત આસપાસ સકળ, ના કોઈ ચલન,
બસ નાદ અનાહતનો ઊઠે ખાલી પેટમાં.

કંકણ ખણકતા સૂણી કમંડળ મહીં ક્વચિત્,
ચીપિયો પછાડી બોલે- અલખ! આછા ઘેનમાં.

એને ભભૂતિનો જ હવે આશરો રહ્યો,
કંઈ કેટલીયે હૂંફ ઠરી હોય ચેહમાં.

૬-૧૨-૨૦૦૯

– પંચમ શુકલ

1. વિવેક ટેલર says:

July 23, 2010 at 6:57 am

સુંદર ગઝલ.. છંદ ક્યાંક પજવતો હોય એમ લાગે છે પણ લય જળવાઈ રર્હે છે…

2. Pancham Shukla says:

July 24, 2010 at 5:41 am

આભાર વિવેકભાઈ. આ કાવ્યરચનાની ક્ષણે ‘ગાગા લગા લગાલ લગાગા લગા લગા’ છંદોલય હૃદયસ્થ હશે એવું આ ગઝલઘસુને લાગે છે.

પન્ન નાયક – હું માગું

કેટલાય સમયથી
ઈશ્વર મારા પર રીઝયો નથી.
એ રીઝે
અને મને કશું માગવા કહે
તો
હું માગું-
જડ થઈ ગયેલી
ઉજ્જડ થઈ ગયેલી
મારી કોરીધાકોર આંખોને અજવાળતાં
ઝળઝળિયાં..

– પન્ના નાયક

પન્ના નાયક – કાચની બારી

પારદર્શક કાચની
આજુ બાજુ
કશીક ગુફતેગો કરતાં
ફૂલદાનીનાં ફૂલોની
પ્રમત્ત સૌરભે
ખેંચાઈ
બારી પાસે આવ્યું પતંગિયું

કાચ પર ચડયું
પડયું
પાછું ચડયું
પાછું પડયું
પ્રાણના વેગે ધસતાં માથુ પટકાયું
ઘડીકભર થાકથી શાંત
પણ પછી
એ જ પ્રયત્ન ફરી ફરી
તો યે ફૂલોનું અંતર નથી ઘટતું.

જોયા કરુ છું હું બારી ખોલ્યા વગર
વિચારું છું
એ સ્હેજે ઊંચે ચડે તો?
ઉપરનું વેન્ટિલેશન તો ખુલ્લું જ છે ને…

– પન્ના નાયક

પન્ના નાયક – કાવ્ય

હું કંઈ નથી
હું કોઈ નથી
હું કંઈ જ નહોતી.

પ્રગાઢ અસર વિનાની
બાહ્ય અને આંતરિક શૂન્યતામાં
કયાં લગી રાચવુ?
તળિયા વિનાના ડબ્બામાં
શું સંગ્રહી શકાય?

છતાં ય
મેં તો નીચે કોઈ ઝીલનારું છે એમ સમજી
મારી સઘળી ક્ષણોના સૂરને ભેગા કર્યા
એક દિવસ જૉઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય.

– પન્ના નાયક

પન્ના નાયક – તને ખબર છે?

તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી
એટલે આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારુ નામ લખી આવી
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ…

ને પછી થોડી વાર રહીને વરસાદ પડયો…
હું તારુ નામ વહી જતું જૉઈ રહી.
વાસંતી વરસાદની સાથે
અચાનક ઊગી નીકળેલા ડેફોડિલની જેમ
મેં તારુ નામ વાતવાતમાં રોપી દીધું
પણ કોઈએ કશું સાંભળ્યું નહીં કેમ જાણે
તારા નામના રણકારનો પડઘો ફકત હું જ ઝીલ શકતી હોઉં!

અને બપોર પછી નીકળી આવેલામેઘધનુને જૉઈ
દિલમાં એક ધડકન ઊઢી ને શમી ગઈ…
ફકત મારા સ્તનો જ એના સાક્ષી હતાં.

સંઘ્યાકાળે નમતો સૂરજ મારા ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ સજીવન થઈ.

પણ તું માનીશ?
અહીં તો બધાંને મારા ન બોલાયેલા શબ્દોમાં જ વિશ્વાસ છે.

તું શું માને છે…?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…?

– પન્ના નાયક

પન્ના નાયક – નિમંત્રણ અને પ્રવેશ

આખી રાતના ઉત્સવમાં જવાનું
મને નિમંત્રણ છે
આકાશના બધા તારકોને આંખમાં લાવી
મારી સામે તાકી તેણે કહ્યું હતું‍ –
તાર-તારે આવવું જ પડશે!
એણે હથેળી દાબી હતી
અને મેં હા પાડી હતી.

દર્પણમાં સ્થિર થઈ ગયેલી મારી ડોક
નૃત્યની મુદ્રામાં હલી ગઈ,
નૂપુરની એકે એક ઘૂઘરીએ રણકી રણકી પાડી હતી.

પર્વતની તળેટીની તળે સંતાડી રાખેલા ચરણોએ
ઝરણાંનો કિલ્લોલ કર્યો એટલે મેં કહ્યું :
હું નાચીશ, હું નાચીશ, હું નાચીશ –
રાત્રીના અંતિમ પ્રહર લગી –
કે જતાં જતાં તારકો પણ ટોળે વળી,
હાથ લંબાવી મને ધેરી લે
મને ભીડી લે…

છેક સંઘ્યાએ પૂરો થયો મારો સિંગાર
યામિની ગાઢ થઈ જાય એ પહેલા હું પહોંચી જાઉં એ દ્બાર
દૂર દૂરથી ડોલતી હાંડીમાં ઝૂલતા દીવા જૉઉં છું
સાજંદાના વાજિંત્રોની સ્વર-સરવાણી સાંભળું છું

પણ
એના ઘરના બારણામાં જ
પિંજરમાં ઝૂલતો પોપટ
કોઈ આવ્યું, કોઈ આવ્યું
બોલે છે ને હું પાછી ફરી જાઉં છું
કોણ આવ્યું હતું તે કોઈ જાણે એ પહેલા!

– પન્ના નાયક

પવનકુમાર જૈન – સામગ્રી

સામગ્રી : બોરસલીના ફૂલની
તોલો એક સુગંધમાં મીણબત્તીનો
પ્રકાશ બે રત્તી, ઇસુ ખ્રિસ્તના
લોહીની ઇમેજ ત્રણ માસા,
વાટેલા સમુદ્રનો અવાજ
જોઇએ એટલા પ્રમાણમાં,
બે ચમચી પ્રેમનો રસ.
બધું ઘણી છેકાછેક પછી
જ્યારે છંદબદ્ધ
થાય ત્યારે ધીમા અને
માંદલા અવાજે હૉલમાં
વાંચવું.
આજે જ કરી જુઓ.
અસર ઘણી અણધારી
થશે.

– પવનકુમાર જૈન

પાયલ શાહ – ડિયરેસ્ટ જિંદગી

ડિયરેસ્ટ જિંદગી,
તે જે પણ મને આપ્યું તેને માટે થેંકયું
નિયરેસ્ટ જિંદગી,
તેજે પણ મને ન આપ્યું તેને માટે થેંકયું,
ગુલમ્હોરિયા તડકામાં,
અને મેઘધનુષી છાયામાં,
મારી સાથે રહેવા માટે થેંકયું,
કાળા ડિબાંગ સ્મરણોમાં ને તૂરા તૂરા સપનામાં,
ફળેલા સુખોમાં ને તરસ્યાં દુ:ખોમાં,
મારા પગલા સાથે પગલાં મેળવવા માટે
થેંકયું, થેંકયું વેરી મચ.

એક બીજી વાત કહેવી છે મારે તને
તારાથી સારું અને તારા જેવું સારું
કોઇ હોઇ જન શકે એટલે
જ્યારે આપણે વિખૂટાં પડીશું ત્યારે,
ન કોઇ અશ્રુ હશે ન કોઇ વેદના
પણ એક સેતુ હશે, હશે એક વાયદો
પાછો મળવાનો
લવ યુ જિંદગી …

– પાયલ શાહ

પિંકી – કોરાધાકોર સપના

એકલતાની ભીડે ટોળું શોધે,
તારી યાદોના બસ પડઘા જ મળે.

ઝીલી આખો દરિયો આંખો વરસે,
કોરાધાકોર વળી સપના તરસે.

છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
વરસે જો ઝાકળના બિંદુ જ અડે.

ચાહું બસ કે મંઝિલ હમસફર બને,
સફર કદી તો થોડી આસાન બને.

ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,
ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.

– પિંકી

પિંકી – મૃગજળ

સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

– પિંકી

પિનાકિન ઠાકોર – ચૂપ

ડાળીએથી એક ફૂલ ચૂંટયું તમે,
ને આખા વગડામાં પાનખર પેઠી;
હોઠ મહીં એક વેણ રૂંધ્યું તમે,
ને આખી મ્હેફિલ તે ચૂપ થઇ બેઠી.

– પિનાકિન ઠાકોર

પિનાકિન ઠાકોર – તડકો

આ ઠરી ગયો શું તડકો !
નરમ નરમ પણ નથી ગરમ એ,
જરા જુઓને ! આંગળીએથી અડકો! – આ ૦

અંદર રંગીન ફૂલો વાળું ,
પીળે કાચ મઢેલ સુંવાળું,
પેપર વેઇટ રચેલ રુપાળું.
કોના ટેબલ ઉપર દાબ્યા
કાગળીઆ શા ખડકો ?

હરિયાળી આ નીલ રકાબી,
ઉપર મેલી કેક ગુલાબી,
આસમાન ઝૂકે શું રુવાબી.
મિજબાનીને મેજ આવીને
ચાખી જુઓને કડકો ! – આ ૦

– પિનાકિન ઠાકોર

પિનાકિન ઠાકોર – મને ઝાંઝરિયું

મને ઝાંઝરિયું ઘડાવો રે , ઝાંઝરિયું .

રૂપાનો રઢિયાળો ઘાટ ,
સોના કેરી સુંદર ભાત ,
રંગરંગી રતન જદાવો રે. મને ૦

કેડે નાનકડી શી ગાગર ,
મેલું જે ઘડુલો માથા પર,
ઇંઢોણીને મોતીએ મઢાવો રે. મને ૦

લટકમટક હું ચાલું,
ને અલકમલકમાં મ્હાલું,
મને પરીઓની પાંખ પર ચઢાવો રે. મને ૦

– પિનાકિન ઠાકોર

પિનાકિન ઠાકોર – સખી રી

સખી રી, સાવન આયો રે (૨)
સાવન મેં સાંવરિયો સુહાવન
અતિ મન ભાયો રે … સખી રી
રિમઝિમ રિમઝિમ મેહા બરસે
નેહ બઢાયો રે … સખી રી
ચહુ દિશામેં દામિની દમકત
જી ગભરાયો રે … સખી રી
સાવન કી ઋત અતિસુહાની
શ્યામ દિખાયો રે … સખી રી
શ્યામ બિના ઘન શ્યામ ન ભાયે
કહાં છુપાયો રે … સખી રી
દરસ પરસ કો દાન દેકર
દાહ મિટાયો રે … સખી રી

– પિનાકિન ઠાકોર

પિનાકિન ઠાકોર – હે ભુવન ભુવનના સ્વામી

હે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
પુનિત હે પાવન નામી ! હે ભુવન ૦

આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
રે અંધ આંખ સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
અને પગલે પલપલ થાક લથડતાં ડગમગ થરથર.
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર,
શરણ રે’ ચરણે પામી ! હે ભુવન ૦

અંતરમાં સ્મરણો અગણિત શ્હં સૂતાં પલપલ,
એ જાગી દેતાં દાહ, દુ:ખદાવાનલ પ્રજ્વલ,
એને અંક ધરી દો શાંતિ – સુખ હે શીતલ વત્સલ !
એને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
અમલ, હે અંતર્યામી ! હે ભુવન ૦

– પિનાકિન ઠાકોર

પિનાકિન ત્રિવેદી – હોડી હોડી

ચાલોને રમીએ હોડી હોડી
ચાલોને, ચાલોને. – ચાલોને

વરસ્યોવરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી. – ચાલોને

બાપુનાં છાપાં નક્કામાં થોથાં
કાપીકૂપીને કરીએ હોડી. – ચાલોને

સાદી ને સઢવાળી, નાની ને મોટી
મૂકી પવનમાં છોડી છોડી. – ચાલોને

ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી. – ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી, દોસ્ત ! મારી હોડી. – ચાલોને

-પિનાકિન ત્રિવેદી

પૂર્વી ઓઝા – આ વિચારો ક્યાં કદી પકડાય છે

આ વિચારો ક્યાં કદી પકડાય છે
માત્ર એ કાગળ ઉપર અટવાય છે.

છત ભલે કાણી તને લાગ્યા કરે,
આભ જેવું એમાંથી દેખાય છે.

જે જગ્યાએ બાંધું માળો રોજ હું,
એ જે ડાળી હર પળે વેડાય છે.

બંધ આંખે હું તને જોઇ શકું,
આયનામાં કેમ તું ખોવાય છે?

પાંદડાને એ ખબર ક્યાંથી પડે?
આ વિરહનું વૃક્ષ ઘરડું થાય છે.

– પૂર્વી ઓઝા

પ્રકુતિ ઠાકર – પ્રક્રુતિ પરોવાય છે

પ્રણય તો ખીલે છે આગમાં પણ,
મહેકની કમી મહેસુસ થાય છે બાગમાં પણ,

નવી શ્રુષ્ટિ તો રચાય છે રાખમાં પણ,
જીવનનો મર્મ મળી જાય છે ખાખમાં પણ,

ડાઘા તો રહી જાય છે સફેદીના ઝાઘમાં પણ,
કવિતાઓ રચાઈ જાય છે ક્યારેક બેરાગમાં પણ,

શોધવા જતા ગુણો મળશે કાળા કાગમાં પણ,
જો જો સંભાળજો કોઇ દગો ન કરી જાય મિત્રતાનાં સ્વાંગમાં પણ,

ઉધઈ તો થઈ જાય છે સાચા સાગમાં પણ,
પણ પ્રક્રુતિ પરોવાય છે રણના ધાગમાં પણ….

– પ્રકુતિ ઠાકર

પ્રજારામ રાવળ – વરસાદ

આ ઝરમર ઝર વરસાદ,
વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !

– પ્રજારામ રાવળ

પ્રણવ પંડ્યા – હરિવર

હરિવર આંખ ઉઘાડો થોડી
માંડ ઊભો છું ભાંગેલા આ બેઉ હાથને જોડી

બેક દિવસ હરિયાળા જોઇ ભૂલી ગયો હું ભાન
એમ તમે ઉથલ આવ્યા ગિવસો જેમ ખરેલાં પાન

બધા ગુનાને ગણકારીને તમે તારજો હોડી

હરિવર મારા શ્બ્દોનો પરસાદ ચલાવી લેજો
હરિવર મારા મેલા ઘેલા મનની માથે રેજો

એક તમે: હું દુ:ખમાં જેની પાસે આવું દોડી.

– પ્રણવ પંડ્યા

પ્રધુમ્ન તન્ના – ફૂલોને

ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં
નાહકનો ભરી દાયરો હો જી,
રંગ-સુગંધનાં મૂલ કરે એવો
ક્યાં છે સોદાગર વાયરો હો જી?

– પ્રધુમ્ન તન્ના

પ્રફુલ્લ દવે – સાચું ખોટું રમીએ છીએ

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.

ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.

ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.

કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.

કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.

રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.

– પ્રફુલ્લ દવે

પ્રફુલ્લા વોરા – શું હવે ?

રોજ પેલા બાંકડા પર બેસવાનું શું હવે ?
ને સમયની આવ-જાને તાકવાનું શું હવે ?

લંબચોરસ ભીંત, છત કે સાવ ખાલી ઓરડે,
એકથી બીજા ખૂણે અટકી જવાનું શું હવે ?

કાલ બુઢ્ઢો ફેરિયો છાપું ધરીને કહી ગયો,
કે હવે આ જિંદગીને વાંચવાનું શું હવે ?

મેં આ મારી આંખને અમથી નથી ઠારી દીધી,
ધારણાને ગોળ ફરતી તાગવાનું શું હવે ?

કેટલી ચોપાટ માંડી આજ સુધી, ને કહો
સામટું હાર્યા પછી આ જીતવાનું શું હવે ?

-પ્રફુલ્લા વોરા

પ્રભુ પહાડપુરી – વૃક્ષકાવ્ય

હા,
એને પણ
પોતાનો સાથ છોડી
ઊડી જતા પક્ષીને નિહાળી
દુ:ખ થયું હશે !
કિંતુ
પક્ષીના માળાને
વેરવિખેર કરી નાખવાનો વિચાર
વૃક્ષને ક્યારેય આવ્યો નથી.
કદાચ
તેથી જ
સૂર્યાસ્ત પહેલાં કિલ્લોલ કરતાં
વૃક્ષ ભણી પાછાં ફરે છે
પંખીઓ.

– પ્રભુ પહાડપુરી

પ્રવીણ ગઢવી – ગાંધી

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આમ તો માણસને, માણસ તરીકે જોવો સહેલો છે:
જેમ બાળક બાળકને જુએ છે
પણ
માણસ માણસ નથી રહ્યો.
એ બની ગયો છે, હિંદુ યા મુસલમાન,
સવર્ણ કે શૂદ્ર, માલિક કે મજૂર, તામિલ કે તેલુગુ,
ભારતીય કે પાકિસ્તાની, પંજાબી કે કાશ્મીરી.

આમ તો માણસને માણસ તરીકે જોવો સહેલો છે,
પણ માણસ માનવો અઘરો છે.
બુદ્ધ-કબીરે જે કહ્યું તે માનવું સહેલું છે
પણ અમલમાં લાવવું અઘરું છે,

ગાંધીને જીવાડવો અઘરો છે ,
પણ મારવો તો સાવ સહેલો .

-પ્રવીણ ગઢવી

પ્રવીણ ભુતા – વહેંચણી

દિકરા જુદા થયા
બધું વહેંચી લીધું.
બાકી રહી
મા…!

– પ્રવીણ ભુતા

પ્રવીણ ભુતા – સંબંધ

તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા…
ફરી આજે
તને વૃદ્ધાશ્રમે દોરી જતા…

– પ્રવીણ ભુતા

પ્રવીણચંદ્ર શાહ – તમે જશો ત્યારે !

તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
સૂરજ-ચાંદ, રાત-પ્રભાત, એમ જ ચાલ્યા કરશે.

તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
સગા, વહાલા, મિત્રો, બસ દિન દસ યાદ કરશે.

તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
પત્ની-પુત્ર-પુત્રી, મા-બાપ, માસ બે માસ યાદ કરશે.

તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
જેમ તમે ભૂલ્યાતા સૌને, તેમ તમને ભૂલી જશે.

તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
બધું એમ જ રહેશે, ન કૈં આસ્માની-સુલ્તાની થશે.

તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?
પ્રવીણ બધું હેમખેમ, ત્યાંનું ત્યાં એમ જ રહેશે.

– પ્રવીણચંદ્ર શાહ

પ્રશાંત સોમાણી – જાળવજે

દઉં છુ પ્રણયભર્યું હૃદય જાળવજે,
વિકટે સ્મરું તને જો, સમય જાળવજે.

અજીબ સુખદુઃખનો નાતો ,પ્રીતનો સખી,
હથેળીમાં દીધું દિલ, પ્રણય જાળવજે.

મલકે હળવે હળવે ,મારી પ્રીતમાં તું,
પૂછશે જગ સવાલ, વિષય જાળવજે.

ઘડીભર માટે નથી કર્યો મેં હસ્તમેળાપ,
ડર ફંગોળી દે, મુજ અભય જાળવજે.

વરસી રહ્યો અનરાધાર મેઘ બની સદા,
તોફાની નદી બની તું, વિજય જાળવજે.

– પ્રશાંત સોમાણી

પ્રશાંત સોમાણી – પરખાય જાઉં છું

પરિચિતો થી કેટલો પરખાય જાઉં છું,
નથી હકીકતમાં છતાં વરતાય જાઉં છું.

ભાગવું હતું આજ જગત થી ઘણું દુર,
અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું.

આગળ પાછળ કોઈ નથી તારું કે મારું,
બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું?

મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી,
સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું.

મને ભ્રમિત કરવાનો કર્યો ઘણો પ્રયાસ,
“પ્રશાંત” હું તારા કાજે ભરમાય જાઉં છું.

– પ્રશાંત સોમાણી

પ્રશાંત સોમાણી – હું

મીણ માફક આજ તો ગળતો હતો,
હું જ મને કેમ કાયમ છળતો હતો?

સમસ્ત સૃષ્ટિ માંથી ભાગી ક્યાં જાવ?
મારો પડછાયો જ સામે મળતો હતો.

ફૂલો ની સૈયા પર શયન કરનાર હું,
દિલે ભભૂકતી આગમાં બળતો હતો.

તું ચુપ બેઢી હતી, હજારો ની ભીડમાં,
એ મૌન તારું બધા વચ્ચે કળતો હતો.

કફન ઓઢાડી ચાલ્યા, પણ જોવો,
સફેદ રંગ મારા પર ભળતો હતો.

– પ્રશાંત સોમાણી

પ્રહલાદ પારેખ – મેહુલિયો

આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય

ઓલી વાદળીની ઓથે છુપાય રે મેહુલિયો,
આવે આવે ને જાય (૨)

શ્રાવણીયો બેસતાં ને આસો ઉતરતા (૨)
લીલા ખેતરીયા લ્હેરીયા
આવે આવે ને જાય (૨)

સરિતા સરોવર ને કૂવાને કાંઠડે (૨)
નીરે નીતરતા સોહાય
આવે આવે ને જાય (૨)

– પ્રહલાદ પારેખ

પ્રહલાદ પારેખ – તું બોલે તો બોલું

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે -આંખે માંડી વાત !
આંખોને યે વારું ત્યારે -જોવું ના તુજ દિશ,
એમ કર્યું તો -સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ.
તેને વારું ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન.
અંતર મારે ભય જાગે: શું બંધો જાશે તૂટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

– પ્રહલાદ પારેખ

પ્રહલાદ પારેખ – ધરતીનાં તપ પ્રહ્લાદ પારેખ – વિદાય

કદી નહીં કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’;
પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં;
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.

છતાંય સ્મરણે ચડી વિપળ એક ક્ષણ જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.

– પ્રહ્લાદ પારેખ

પ્રિતમદાસ – હરીનો મારગ છે શૂરાનો

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

– પ્રિતમદાસ

પ્રિન્સ અમેરીકા – તારી યાદ આવે છે – 1

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

– પ્રિન્સ અમેરીકા

પ્રિયંકા કલ્પિત – હું

હું
ઊભી છું અરીસા સામે ને
અરીસો
મારાં મૂલ્યોની જેમ જ
ટુકડે ટુકડે થઇ
વેરાઇ પડ્યો છે
લોહીલુહાણ.
મારી નજરમાં
એક પછે એક
સંધાવા મથતા ટુકડાઓને હું
ધારી ધારીને જોઇ રહી છું
ત્યારે
અરીસામાંથી
ખંધાઇપૂર્વક
કોણ નિહાળી રહ્યું છે
મારી તરડાયેલ ઉપસ્થિતિને ?!

– પ્રિયંકા કલ્પિત

પ્રિયકાંત મણિયાર – આછી જાગી સવાર,

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર – આછી

– પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી

પ્રિયકાંત મણિયાર – ખીલા

મેદની વીખરાય ;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું – શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું !)
જઇ જુએ શું એક શ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા !

– પ્રિયકાંત મણિયાર

પ્રિયકાંત મણિયાર – છેલછબીલે છાંટી

Image file missing



For queries email at need.more.intel@gmail.com