Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વીઆપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

નરસિંહ મહેતા – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વ્રક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મ્રતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

-નરસિંહ મહેતા

નરસિંહ મહેતા – આજ રે કાનુડે

આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
રૂઠયા રાધાજી મનાવ્યા ….

-નરસિંહ મહેતા

નરસિંહ મહેતા – આજની ઘડી રળિયામણી

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતા – ખમ્મા, મારા નંદજીના લાલ

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતા – ગોવિંદ ખેલે હોળી નરસિંહ મહેતા – ઘડપણ કેણે મોકલ્યું

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.

-નરસિંહ મહેતા

નરસિંહ મહેતા – જળકમળ છાડી જાને

જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…

કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ…

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ…

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો…

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ…

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ…

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો…

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો…

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે…

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…

-નરસિંહ મહેતા

saroj says:

February 22, 2008 at 10:41 am

dear sv
i came to know about this blog too late n deeply regret for the loss. i am enduring my best to make-good this lost time n scan this blog whenever time permit.

if possible please do elaborate more on lok sahitya.

i congratulate for starting such a nice n informative blog.keep it up.
saroj

નરસિંહ મહેતા – રૂડી ને રંગીલી રે

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

-નરસિંહ મહેતા

નરસિંહ મહેતા – વૈષ્ણવ જન

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે

સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે

વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે

-નરસિંહ મહેતા

નરસિંહરાવ દિવેટિયા – પ્રેમળ જ્યોતિ તારો દાખવી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ.

દૂર પડ્યો નિજ ધામથી હું ને
ઘેરે ઘન અંધકાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ,
મુજ જીવનપંથ ઉજાળ. …. પ્રેમળ જ્યોતિ.

ડગમગતો પગ રાખ તું સ્થિર ને
દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવાને લોભ લગીર ના,
એક ડગલું બસ થાય …. પ્રેમળ જ્યોતિ.

આજ લગી રહ્યો ગર્વમાં હું ને,
માગી મદદ ન લગાર,
આપ બળે માર્ગ જોઇને ચાલવા
હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર …. પ્રેમળ જ્યોતિ.

ભભકભર્યાં ચિન્હોથી લોભાયો ને,
ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષ ને લોપ સ્મરણથી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ …. પ્રેમળ જ્યોતિ.

તારા પ્રભાવે નિભાવ્યો પ્રભુ મને
આજ લગી પ્રેમભેર,
નિશ્વે મને તું સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર …. પ્રેમળ જ્યોતિ.

કર્દમભૂમિ કળણ ભરેલી
ને ગિરિવર કેરી કરાડ,
ધસધસતા જળ કેરા પ્રવાહો
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશો નિજ દ્રાર …. પ્રેમળ જ્યોતિ.

– નરસિંહરાવ દિવેટિયા

Nandlal says:

December 10, 2006 at 6:46 am

many thanks for sending this i was looking for it since long time

નરસિંહરાવ દિવેટિયા – મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો, દયામય !
મંગલ મંદિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો, દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો ;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ – અમીરસ ઢોળો, દયામય !

મંગલ મંદિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

1. Nandla says:

December 8, 2006 at 12:25 pm

Lovely – brought back my childhood memories. We used to sing regularly at home.

2. Nandlal says:

December 8, 2006 at 12:28 pm

I am looking for a prarthna probably by the same poet called

“Premal Jyoti taro dakhvi
muj jivan panth ujal”

If anyone has it wld u pls put it on the blog.

I am preparing a Prarthna pothi and I would like to include it in my prarthna pothi.

નરસિંહરાવ દિવેટિયા – સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ

(રોળા વૃત)

અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હૂતું,
અહીંયા પાટણ જૂનું અહીં આ લાંબું સૂતું;
અહીંયા રાણીવાવ તણાં આ હાડ પડેલાં;
મોટા આ અહીં બુરજ મળ્યા માટીના ભેળા.
એમ દઇ દઇ નામ કરવી રહી વાતો હાવાં,
પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ જ આવાં !
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં,
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં ?
જળ નિર્મળ લઇ વહે કુમારી સરિતા પેલી,
નાસે પાસે ધસે લાડતી લાજે ઘેલી;
ઇશ્વર કરુણા ખરે ! વહી આ નદી સ્વરૂપે,
સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિંગન તુંયે.
તુંયે પાટણ ! દયા ધરતીને એ સૂચવતી,
ભલે કાળની ગતિ મનુજ કૃતિને બૂઝવતી;
તૂજ પ્રેમસરિતા પૂર વહ્યું જાશે અણખૂટ્યું,
છો ધન વિભવ લૂંટાય ઝરણ મુજ જાય ન લૂંટ્યું,
તોડી પર્વતશુંગ મનુજ મદભરિયો મા’લે,
જાણે નિજક્રુતિ અમર ગળે કાળ જ તે કાળે;
ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું,
તે તો તેમનું તેમ રહે યુગ અનંત પોંચું.

– નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ દિવેટીયા – મધ્યરાત્રિએ કોયલ

શાંત આ રજની મહીં, મધુરો કહીં રવ આ ટુહૂ
ઝીણો પડ્યો શ્રવણે અહીં, શું હું સ્વપ્નમાં સુખ આ લહું

મંદ વાઈ સમીર આ દીશ જો વહે રવ એ ફરી
નહિં સ્વપ્ન એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી

મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા શું આ ગમ્યું
હા, મેહુલો વરસી રહ્યો તેથી જ તુજ મનડું ભમ્યું

દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહીં તું રેલતી
આ રમ્ય રાત્રિ મહીં અધિક આનંદ ગાને ખેલતી

નીતરી ધોળી વાદળી રહી વ્યોમમાં પથરાઈ આ
ને ચાંદની ઝીણી ફીકી વરસી રહી શી સહુ દિશા

ગાન મીઠું અમી સમું, તેણે ભર્યું તુજ કંઠમાં
આ શાંતિ અધિક વધારતું, તે જાય ઊભરી રંગમાં

નગર બધું આ શાંત સૂતું, ચાંદની પણ અહીં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી

અનિલ ધીરે ભરે પગલાં, પળે શાંતિ રખે સહુ
ત્યાં ઊછળતી આનંદ રેલે, કોકિલા બોલે ટુહૂ

સૃષ્ટિ સઘળી શાંત રાખી, મુજને જ જગાડતો
ટહુકો મીઠો તુજ પવન લહરી સંગ જે બહુ લાડતો

ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી
ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હૈડું દોડે તવ ભણી

દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં
આનંદસિંધુતરંગમાં નાચંતુ એ ઉછરંગમાં

હા વિરમી પણ ગયો, ટહુકો હ્રદય લલચાવે બહુ
ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ટુહૂ ટુહૂ

– નરસિંહરાવ દિવેટીયા

નલિની માડગાંવકર – વરસાદ એટલે વરસાદ (ભાગ – ૧ / ૨ )

(ભાગ – ૧ )

વરસાદ અને પ્રમ – મનની ઋતુના ભેરુઓ. એમાં જો કવિતા ભળે તો વરસાદનો પ્રમ અને પ્રેમનો વરસાદ બંને પ્રગટ થાય. જળ તો આપણી ભીતર સૂતેલા બાળકને જગાડે છે. આવી વરસાદી કવિતા પોતે જ મોસમ બનીને આવે છે. વરસાદની કવિતા રચતો કવિ પહોંચી જાય છે પોતાની કલ્પનાની અલકાપુરીમાં. શબ્દોમાં સહજ ઊતરી આવે છે કલ્પન પરંપરા અને પ્રગટ થાય છે માનવના રૂપમાં ઊતરી આવેલો વરસાદ…

રમેશ પારેખ – વરસાદ એટલે શું ?

મંગેશ પાડગાંવકર (અનુ. નલિની માડગાંવકર) – આવો પણ વરસાદ

રમેશ પારેખ અને મંગેશ પાડગાંવકર – બંનેની કવિતામાં વરસાદને જોતાં પ્રગટ થયેલા સહજ ઉદગારો છે. વરસાદ માટેનો જાગતો ઉમળકો છે. જળની ધારા એ આનંદની હેલી બની જાય છે. રમેશ પારેખના કાવ્યમાં આવી વરસાદી અનુભૂતિને કવિએ ધરતી અને આકાશમાં મુક્ત બની વિહરવા દીધી છે. પોતે કેમ બાળક નથી! કેમ ચકલી નથી! એનો અફસોસ પણ છે. વરસાદનો સ્પર્શ જે સંવેદનાઓને જગાડે છે એ ખૂબ જ નાજુક છે. જાણે કે વધુ સ્પર્શ કરતાં અળપાઇ તો નહીં જાય ને ! એવો અંદેશો જગાડે છે.

ધૂળમાં રમતું બાળક જગતનો સહુથી મોટો સમ્રાટ છે. એ ધૂળને પણ નવા આકારો આપી લીલામય બનાવે છે. નાનકડા હાથોમાં જેટલી વધુ સમાઇઅ શકે તેટલી ધૂળને ભરી લે છે અને પછી જેટલા ઊંચા હાથ પહોંચે ત એતલી ઊંચાઇએ પહોંચાડીને એને વેરી દે છે. પાણી પણ નેવા પરથી આમ વેરાય છે. વરસાદમાં ભીંજાયેલી ચકલી પાંખો ફફડાવી જળબિંદુને ખેરવી નાખે છે એનું ગતિમય ચિત્ર પણ હવામાં શશિકરબિંદુની રંગોળી આંકે છે બીજી તરફ નેવા પરથી દદડતા પ્રત્યેક પાણીના ટીપામાં આકાશની એક લઘુ છબી છે. એવું જ ધૂમ્રસેરનું ચિત્ર છે. ધુમાડો જાણે કે આ વાતાવરણની અખંડિતતાને વીંધે છે અને એ તિરાડોને ઠંદક ફરી પાછી ભરી દે છે. આ રિક્ત-સભરતાનું ચિત્ર પંક્તિએ પંક્તિએ છે.

– નલિની માડગાંવકર

નલિની માડગાંવકર – વરસાદ એટલે વરસાદ (ભાગ – ૨ / ૨ )

(ભાગ – ૨ ) (ભાગ – ૧ )

પીળાશને, જીર્ણતાને એક નજરથી, એક સ્પર્શથી ભાંગી નાખી ફરી એને જીવનસભર લીલવર્ણી બનાવે છે. આ કરિશ્મા પણ વરસાદનો છે. આપણી નજર અને આપણું અસ્તિત્વ જ ઘાસ વચ્ચે ફરતી પાણીની સેર બનીને ઘૂમી રહ્યું છે. દરેક પંક્તિ પછી આવતી એક એક શબ્દોની અભિવ્યક્તિ જાણે માણસની ઝંખનાનો ઉદગારો પણ એક પંક્તિમાં જોડાય તો સ્વતંત્ર કવિતા જ બની જાય છે. ‘ટપકે નેવું’, ‘એ પણ કેવું … !’, ‘ખળખળ વહેવું …’, ‘કોને કહેવું ?’, ‘ટપકે નેવું …’ કવિનું હ્રદય એની લાગણી આ લઘુ ઉદગારોમાં મૂંઝવણભર્યો છતાં ગમતો પ્રેમ કરી રહી છે. વરસાદના એક એક ટીપાંને/ એને માણસમાંથી ચકલી બની આ જળબિંદુ સાથે પ્રવાસ કરવો છે. જ્યારે મરાઠી કવિતામાં કવિ મંગેશ પાડગાંવકર વરસાદને ઊતારે છે પોતાની ગલીઓમાં, બારીમાં અને હ્રદયમાં એક માનવરૂપે. એ માણસની જેમ બબડે છે, ભવાઇનો વેશ ભજવતો હોય એમ મંદિર પાસે ઊભો રહે છે. ત્યાંથી ચંચળ બની છત્રીઓ સાથે અડપલાં કરે છે … ઝાડને મારકણો પ્રેમ કરે છે. વડવાઇઓ, દુંગર, નદી કોઇને ય છોડતો નથી.

કવિ જાણે માણસના વર્તનની એક એક લાક્ષણિકતાને વરસાદમાં ઊતારે છે. કવિ આપણને આ મોસમને માણવાની એક નવી દિશા દર્શાવે છે. આપણી બારીમાં આવીને મેઘ બધા ય સંદેશા આપે છતાં આપણે એક્નો ય જવાબ નથી આપી શકતા. આવરણો ત્યાગીને જળના સ્પર્શને બાળકની જેમ માણવા આમંત્રે છે. બંને કાવ્યોમાં કવિની તીવ્ર સંવેદનશીલતા અને કલ્પનાશક્તિ આપણી સામે વર્ષાઋતુના અપૂર્વ-ચિત્રો ધરે છે. આવા ધીંગા વરસાદ સાથે મસ્તી કરીને જ દોસ્તી બંધાય. ‘ચેત મછંદર ગોરખ આયા’ની ચેતવણી સહુ માટે છે.

– નલિની માડગાંવકર

પંચમ શુક્લ says:

May 26, 2007 at 5:43 am

‘ચેત મછંદર, ગોરખ આયા’નું અનુસંધાન અનુભવોઃ

http://www.readgujarati.com/sahitya/?p=641

નાટક – પ્રેમનો પબ્લિક ઈશ્યુ

ગુજરાતી નાટક “પ્રેમનો પબ્લિક ઇશ્યુ’ના બેઉ ભાગ મફત ઓન-લાઈન જોવાની લીંક :
ભાગ એક
ભાગ બે

કહેવાય છે કે “હસે એનુ ઘર વસે” પણ ધ્યાન રાખજો આ જોઈને બહુ નહીં હસતા, નહીંતો ઘર બહુ વસી જશે. અને જો ઘર પહેલેથી જ વસાવીને બેઠાં હોઉ તો પણ હસવા ઉપર થોડો કાબુ તો રાખજો જ.

કેવું લાગ્યું જરૂર જણાવજો.

નાથાલાલ દવે – ધરતીના સાદ

એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !

– નાથાલાલ દવે

નાનપણની વાતો

પંખીને

પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય …
આભલે બસ ઉડયા જ કરુ
બસ ઉડયા જ કરુ

પેલા ડુંગરાની ટોચે
મારી આંખ ત્યાં જઇ પહોંચે
ધડિયાળમાં દસ વાગે
ટન – ટન – ટન ટન ટન – ટન – ટન

બચુ ક્યા? બચુ ક્યા?
બા શોધવાને આવે
બાપા શોધવાને આવે

બા ઢીંગલી જેવા
બાપા ઢીંગલા જેવા
ટન – ટન – ટન ટન ટન – ટન – ટન

પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય …

નિકેતા વ્યાસ – વરસાદી વાદળી….

વાદળી એક મોકલી આપું સાત સમુદ્ર પારથી
માટીની સોડમ ધોળી આપું સાત સમુદ્ર પારથી

કાગળ કોરા રહયા હતા બધા તારા માટે એના
કરી હોડકા, ને હલેસી આપું સાત સમુદ્ર પારથી

હલકી વાંછટથી ઉભા થયેલા એ સ્પંદનો બધા
વમળે કરી સવાર ને મોકલું સાત સમુદ્ર પારથી

શણગાર કરવા ઉભી હશે અધીરી તું દર્પણ સામે
લે મેઘધનુંષી રંગો મોકલું સાત સમુદ્ર પાર થી

મૂકજે પગલાં હળવેકથી યાદભીની જમીન પર
લે હથેળી મારી મોકલાવું… સાત સમુદ્ર પારથી

– નિકેતા વ્યાસ ૬-૨૫-૨૦૧૨

નિરંજન ભગત – ઘડીક સંગ

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

નિરંજન ભગત – ચાલ, ફરીએ

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ!

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લે જવા?

જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!

એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચહાવા વિષે; તો આજની ના કાલ કરીએ!
ચાલ ફરીએ!

– નિરંજન ભગત

નિરંજન ભગત – જેણે પાપ કર્યુ ના એકે

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

“જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

– નિરંજન ભગત

નિરંજન ભગત – પથ

પ્રલંબ પથ દૂર દૂર ક્ષિતિજે સરી જાય છે,
સપાટ, મૃદુ, રેશમી, લસત પાય જ્યાં મોકળો;
વળાંક લઇ લે કદી, ચડ-ઉતાર, ત્યાં ઠોકરો;
પ્રવાસપ્રિય માહરું હ્રદય ક્યાં હરી જાય છે?
પ્રગાઢ વનમાં કદીક ચૂપચાપ ચાલ્યો જતો,
પ્રવેશ નહિ સૂર્યનાં કિરણને જહીં, સ્તબ્ધ જ્યાં
પડયો પવન, છાંય જ્યાં ન નિજની, નહીં શબ્દ જ્યાં,
કવચિત વિહગ હોય વા ન, બસ શ્વાસ મારો છતો;
વળી કદીક તો જતો નગરમાં, થતો ગાજતો
અસંખ્ય જન વાહને સતત ભીડ કોલાહલે,
દબાય દિવસે કશો ચરણ હેઠ, રાત્રે જલે
પ્રદીપ પગથી પરે, ભભક ભવ્યથી રાજતો;
વિરામ વનમાં નહીં નગરમાં નહીં, પંથપે
સહો ચરણ કંટકો કુસુમ, પ્હોંચવું અંતપે !

– નિરંજન ભગત

1. વિવેક says:

June 2, 2007 at 7:28 am

સુંદર કાવ્ય… વિસરાતા જતા કાવ્યોને સતત નવચેતન આપતા રહેવા બદલ અભિનંદન…

2. પંચમ શુક્લ says:

June 2, 2007 at 7:38 am

વિરામ વનમાં નહીં નગરમાં નહીં…

બસ આજ પથ છે આપણા સહુનો- ક્યાંક જવાનો ઉદ્યમ!
પણ અંત શું છે? એ વ્યાખ્યેય છે?

નિરંજન ભગત – ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
— રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

– નિરંજન ભગત

નિરંજન ભગત – રંગ

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઇ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ
લાગી જશે એનો રંગ !

– નિરંજન ભગત

નિરંજન ભગત – સદ્દભાગ્ય

સદ્દભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?
ક્ષણેક આનંદ, સદાય રોવું;
ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;
ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;
ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;
સદ્દભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?
સદભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું ?
સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,
જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત
ને શિલ્પમાં યૌવન કાલમુક્ત
ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;
સદ્દભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું ?

– નિરંજન ભગત

નિરંજન ભગત – હરી ગયો

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ !
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ !
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઇ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

– નિરંજન ભગત

નિર્મિશ ઠાકર – નાપાસ વિધાર્થીઓને ! નિર્મિશ ઠાકર – ફલેટને ત્રીજે માળથી

Image file missing

નીતા કોટેચા – જોયા

ઊકળતાં આંસુ મેં જોયાં..
અને ઠંડા નિસાસા મેં જોયા..
જરા જરા સી વાત પર માણસને મે તૂટતા જોયા..
હવે ક્યાં રહી છે એ સહનશક્તિની વાતો ..
હવે તો વાતે વાતે માણસને મેં વેચાતા અને ખરીદાતા પણ જોયા..
કરીશું ક્યારે પોતાના આત્માનો ઉદ્ધાર??
અહીંયા તો ક્ષણે ક્ષણે મે આત્માને કચડાતા જોયા….
હવે ભરોસો કરવો કોનો ..
અહીંયા તો ભગવાનને પણ હવે રીસાતા જોયા..

-નીતા કોટેચા

નીતિન વડગામા – આ બધાં સાથે જ છે

આવવામાં કે જવામાં આ બધાં સાથે જ છે,
હાથ-પગને બાંધવામાં આ બધાં સાથે જ છે.

રંગ પૂરે છે અહીં સૌ પોતપોતાના ભલે,
ઘાવને શણગારવામાં આ બધાં સાથે જ છે.

હા, ઉઘાડા પાડશે એ અન્યને એકેક થઈ,
જાતને સંતાડવામાં આ બધાં સાથે જ છે.

આગવી રીતે પ્રહારો એ કરે ને આખરે,
ક્ષેમકુશળ પૂછવામાં આ બધાં સાથે જ છે.

જીવતી એ ડાળ પર મારે કુહાડી ને છતાં,
પાન થઈને ફૂટવામાં આ બધાં સાથે જ છે.

રોજ સૂરજને ડુબાડી રાત થઈ ડૂબી જતાં,
ને સવારે ઉગવામાં આ બધાં સાથે જ છે.

પાંખ પંખીની અહીં હળવેકથી કાપ્યા પછી,
આભમાં જઈ ઉડવામાં આ બધાં સાથે જ છે.

– નીતિન વડગામા

નીતિન વડગામા – આભ આખું કોઈને દેખાય છે

આભ આખું કોઈને દેખાય છે.
કોઈ પોતાનુંજ ગાણું ગાય છે.

બંધમાં જળને કરી દો કેદ પણ,
વાયરાઓ એમ ક્યાં બંધાય છે?

પાળ બાંધીને ભલે બેઠું રહે,
આખરે ખાબોચિયું ગંધાય છે.

સાવા ડહોળી થઈ ગયેલી આંખથી,
એક અક્સર ક્યાં કદી વંચાય છે.

ડાળ ઠોલીચાંચ ઘસતો કાગડો,
ઝાડને મન એ તમાશો થાય છે.

જોઈ પડછાયો તમે નાચો ભલે,
એ ઘડીભરમાંંતો વિખરાયા છે.

– નીતિન વડગામા

નીતિન વડગામા – ઊઘડે છે

એક નાની બંધ બારી ઊઘડે છે,
આભની ઊંચી અટારી ઊઘડે છે.

આંખ જાણે પાંખ ફફડાવી રહી છે,
ને નજર પણ એકધારી ઊઘડે છે.

કેદ પરદામાં થયું છે એ જ જોવા,
જાત આખી કેમ તારી ઊઘડે છે?

રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે,
એમ સપનાંની સવારી ઊઘડે છે.

સૂર્યનાં કૂણાં કિરણનો હાથ ઝાલી,
મ્હેકતી એ ફૂલકયારી ઊઘડે છે.

કોઇ સોનામહોર જેવાં ધણ વચાળે,
મૂળમાંથી માલધારી ઊઘડે છે!

એ જ સોનેરી સમયને સાદ દેવા,
યાદની પાલવકિનારી ઊઘડે છે.

– નીતિન વડગામા

નીતિન વડગામા – ગાતું નથી

કોઇ પંખી ક્યાંય ગાતું નથી
તોય પાછું કેમ કંઇ થાતું નથી.

રંગમાં ડૂબી ગયાં છે સૌ છતાં
જીવતરનું વસ્ત્ર રંગાતું નથી.

સાવ સૂનો બાંકડો પૂછ્યા કરે –
કોઇથી કાં આજ બેસાતું નથી ?

આંખ છે બુઠ્ઠી કે છે ભાષા અકળ ?
એક પાનું કેમ વંચાતું નથી ?

રોજ બમણું થૈ ઊગે છે આંખમાં,
એકે ઝેરી ઝાડ છેદાતું નથી.

જન્મદિવસે વર્ષથી વિશેષ કૈં
આયખામાં કાં ઉમેરાતું નથી ?

– નીતિન વડગામા

નીતિન વડગામા – મુક્ત થઇ શક્તાં નથી

માન કે અપમાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.
સાંકડા ચોગાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી .

આપણા સૌમાં રહેલ કૌરવો ને પાંડવો,
યુધ્ધના મેદાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

આમ, હસવાનો બધો દાવોય પોકળ હોય છે,
ભીતરી તોફાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

કાટ લાગે છે બધી તલવારને વર્ષો થયાં,
ને છતાંયે મ્યાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

છાંયડો ઘેઘૂર ઊગ્યો સ્હેજ પણ જોતાં નથી –
ને ખરેલાં પાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

ડૂસકું કાને નથી પડતું અહીં ક્યારેય ને –
આ ધરમ ને ધ્યાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

– નીતિન વડગામા

નીતિન વડગામા – વિચારણામાં

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

– નીતિન વડગામા

(સૌજન્ય : વિવેક)

સુરેશ જાની says:

તેમના જીવન વિશે વાંચો –
http://sureshbjani.wordpress.com/2006/08/11/nitin_vadgama/

નીતિન વડગામા – વીંધાતી નથી

મીણબત્તી માત્ર બુઝાતી નથી.
રાત પણ સ્હેજેય રંગાતી નથી.

જે ક્ષણે ચૂકી ગયાં’તાં જીવવું,
એ જ ક્ષણ ક્યારેય ભુલાતી નથી.

આપણે દોરેલ નક્શાઓ મુજબ
જિંદગી હંમેશ જિવાતી નથી.

નાવ તો વ્હેતી થઇ વર્ષો થયાં,
ને નજરથી દૂર પણ થાતી નથી.

કોણ ઉશ્કેરે છે અંદરથી અહીં,
કેમ લીધી વાત મુકાતી નથી ?

જાતથી જુદું થવાતું હોય તો,
પંડની પીડાય પરખાતી નથી.

તીર તાકીને જ છોડ્યું છે છતાં,
માછલી કેમેય વીંધાતી નથી.

– નીતિન વડગામા

નીરવ વ્યાસ – ભલા માણસ

બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ;
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.

ખબર એવીય છે કે તાજને માથે છે કંઇક જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.

હજારો દાવેદારી છે તમારી થોડી મિલકતમાં;
અમારે નામ શબ્દોની રિયાસત છે, ભલા માણસ.

જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઇ ખુલાસા નહિ;
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.

કહી દો છો ઉઘાડેછોગ ‘નીરવ’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.

– નીરવ વ્યાસ

નીલમ દોશી – “કનૈયો, ૨૧ મી સદી માં”

પાત્રો:કનૈયો. (લગભગ ૧0 વરસ નો)
યશોદા
ગોપ બાળકો
ગોપીઓ.

પડદો ખૂલતા પહેલા અંદરથી સૂત્રધાર નો ઘેરો,ગંભીર અવાજ સંભળાય છે.
સૂત્રધાર: 21 મી સદી માં ક્રિશ્ણ ભગવાન અવતાર લઇ ને આવે..નાનકડો કનૈયો ગોકુળ ની ગલીઓ માં ઘૂમે, માખણ ખાવા ની જીદ કરે તો, આજે તેને કેવા અનુભવો થાય… ,આજે જમુના ના નીર તેને કેવા દેખાય ને તે શું અનુભવે?ચાલો,આપણે જાણીએ અને માણીએ પ્રસ્તુત નાટક………..
“કનૈયો,…૨૧મી સદી માં”

સ્થળ:યશોદાજી નું ઘર.યશોદા દહીં વલોવે છે.ગોપીઓ આજુબાજુ કનૈયા ને ઘેરી ને,ફરતા
ફરતા ગાય છે.કનૈયો રડવાનું નાટક કરે છે.
ગીત:યશોદા મહીં વલોવે રે,કનૈયો ખૂબ રોવે રે.કનૈયો ખૂબ રોવે રે.”

કનૈયો: (રડતા રડતા લાડથી)મા,હજુ માખણ નથી થયું?જા,તારી સાથે નહીં બોલુ.
યશોદા: અરે મારા લાલ,આ નેતરા ફેરવી ફેરવી હું તો થાકી…પણ આ પાણીવાળા દૂધ માંથી માખણ બને તો ને?
કનૈયો: રોષથી)હું કંઇ ન જાણુ મૈયા..મને તો માખણ જોઇએ એટલે જોઇએ.તું નહીં
આપે તો હું ગોપીઓને ઘેર થી લઇ આવીશ.
યશોદા: અરે બેટા,આપણે ત્યાં જ માખણ નથી થતુ ત્યાં ગોપીઓ ની તો આશા રાખવી જ નકામી.અને તું શું એમ માને છે કે આજની ગોપીઓ તને એમ મફતમાં માખણ આપી દેશે?

કનૈયો: મફત માં તો ત્યારે યે ક્યાં આપતી હતી?કેટલા નખરા કરાવતી હતી
બંસી વગાડવી પડતી હતી.અત્યારે યે બંસી સંભળાવી દઇશ.બીજુ શું?
યશોદા: હવે તારી બંસી ના બોલ તો કાવ્યો માં રહ્યા.બેટા,કવિઓને ગીતો ગાવા માં કામ લાગે.બાકી અત્યારે એમાં કોઇ માખણ ન આપે.
કનૈયો: હું એ કઇ ન સમજું.મને તો માખણ ખાવુ છે
યશોદા: આ દૂધ માથી તો માખણ નીકળી રહ્યું.એમ કર ચાલ,આ અમૂલ નું માખણ તને આપુ.(અમૂલ નું પેકેટ ખોલે છે)
કનૈયો: આ વળી શું?ના,આવું વાસી માખણ મને ન ભાવે.મારે તો ગાય ની દૂધ નું તાજું માખણ જોઇએ.
યશોદા: ગાય ના દૂધ નું માખણ ??એ બધા સપના હવે ભૂલી જા બેટા.નહીતર દુ:ખી થઇ જઇશ.લે,બેટા,માખણ લે.(અમૂલ નુ પેકેટ ખોલી માખણ ખવડાવવાનો પ્રયત્ન કરે છે.
કનૈયો: (ગાય છે,,મૈયા મોરી,મૈ નહીં માખણ ખાઉં…..અને ભાગે છે.યશોદા તેની પાછળ દોડે છે.)
ગોપ: (આવે છે)કાનુડા,એય અલ્યા કાનુડા….
કનૈયો: (ખુશ થઇ જાય છે)ઓહ..ગોપા,તું?આવ આવ.
ગોપ: કાના,ત્યાં ચોક માં બધી ગોપીયુ અને ગોપો બધા રાસડા લે છે.તારે જોવા આવવું છે?
કનૈયો: અરે વાહ!રાસલીલા રમે છે?ચાલ ભાઇ,ચાલ,સદીઓ વીતી ગઇ આ બધું જોયા ને…કર્યા ને…
ગોપ: હા હા.હવે નવી આંખે નવી નવી રાસલીલા જોવા મળશે.
કનૈયો: નવી રાસલીલા?એ વળી શું?
ગોપ: એ બધું યે સમજાઇ જાશે.હાલો જલ્દી જલ્દી

કનૈયો: ચાલો.(ગોપ ને કનૈયો બંને જાય છે..ચોક માં છોકરીઓ ને છોકરાઓ ડિસ્કો દાંડિયા રમે છે,કનૈયો તો જોઇ જ રહે છે)
કનૈયો: (આશ્ર્વર્ય થી)આ…આ બધું શું?રાસડા આમ રમાય?
ગોપ: કાના.આ તારા જમાના ના રાસ-ગરબા નથી.આ તો ડિસ્કો દાંડિયા છે ડિસ્કો દાંડિયા.
કનૈયો: એ વળી શું?
ગોપ્: બહું પ્રશ્નો નહીં પૂછવાના..જોયા કરવાનું…મૂંગા.મૂંગા..
કનૈયો: ને આ માથુ પાકી જાય એવા રાગડા કેમ તાણે છે?સરસ મજાના સૂરીલા સંગીત ના સ્વરો ક્યાં ગયા?
ગોપ્: હવે આ જ બધુ સંગીત કહેવાય..ને હવે આવું જ ચાલે છે.
કનૈયો: આ?આ સંગીત કહેવાય?(આશ્ર્વર્ય અને આઘાત થી)
ગોપ: હા,અત્યારે આની જ તો બોલબાલા છે.
કનૈયો: ને આ બધા તો ઠેકડા મારે છે ઠેકડા..આ રાસ આમ કેમ રમે છે?
ગોપ: કહ્યુ ને એકવાર .ચૂપચાપ જોયા કરવાનું.
કનૈયો: ને આ કપડા કેવા પહેર્યા છે?
ગોપ: 21 મી સદી ની આ ફેશન છે કનૈયા,આ ડીઝાઇનર કપડા કેવાય.એ બધુ તને નહીં સમજાય.તારે રાસ રમવું છે?બોલ તો પાસ લઇ આવું?
કનૈયો: પાસ?એ વળી શું?
ગોપ: એટલે એમ કે અહીં કઇ મફત માં રાસ ન રમાય…પૈસા આપવા પડે પૈસા..
કનૈયો: રાસ રમવાના પૈસા?
ગોપ: અરે..રમવાના શું?જોવાના યે આપવા પડે.આ કળિયુગ છે કળિયુગ..
કનૈયો: મારે આવા નખરા નથી જોવા..ચાલ ભાગીએ અહીંથી..આપણે તો જઇએ..જમુનાજી ને કાંઠડે..જયાં એક્વાર મેં કાળિનાગ ને નાથ્યો’ તો ચાલ,ત્યાં જઇ ને નિરાંતે બેસીએ…ને જમુના ના નીર માં ધૂબાકા મારીએ.

ગોપ: હાલ,ઇ અભરખો યે પૂરો કરી લે.(બંને જાય છે..દૂરથી આંગળી ચીંધી ઇશારા થી નદી બતાવે છે)
ગોપ: જો.. ત્યાં…દેખાય છે તારી જમુના નદી?(અંદર તરફ નિશાની કરે છે.
કનૈયો: મને તો નથી દેખાતી…ખળખળ કરતી,ને બે કાંઠે વહેતી જમુના નો ઘેરો ઘૂઘવાટ મને તો નથી સંભળાતો.ને આ…આ વાસ શેની આવે છે?

ગોપ: જમુનાજી ના પાણી માં રહેલી ગંદકી ની.
કનૈયો: અરે જમુના ના નીર તો કેવા નિર્મળ ..કેવા સ્વચ્છ..એના નીતર્યા પાણી માં તો ચહેરો પણ દેખાય.
ગોપ: અરે વળી તું ભૂલી ગયો?કાના,આ સતજુગ ની જમુના નથી..આ કળિયુગ ની છે.અત્યારે તો જમુના લો કે ગંગા…બધા ય ના પાણી આવા જ મેલા.
કનૈયો: નદી ના પાણી ને અને કળિયુગ ને વળી શું સંબંધ?
ગોપ: અરે કાના.હવે તો નદીઓ માં કારખાનાઓ નો કચરો યે ઠલવાય, અડધા બળેલા મ્રુતદેહો યે કોહવાય અને મળમૂત્ર કે ગંદકી નો તો પાર જ નહીં.
કનૈયો: ઓહ! મને તો ચક્કર આવે છે.મારાથી તો આટલે દૂરથી પણ આ વાસ સહન નથી થતી.મને અહીંથી લઇ જા..મારે જમુના ની નજીક નથી જવું.
ગોપ: કયાં લઇ જાઉં?
કનૈયો: એમ કર મને મારા કદંબ વન માં લઇ જા.ક્દંબ ની નીચે થોડીવાર શાંતિથી બેસી મારી બંસી વગાડીશ.એટલે મને થોડી નિરાંત મળશે.(ખિસ્સા માંથી બંસરી કાઢે છે)
ગોપ: કાના,કદંબવન..?અરે..કદંબવન નો તો કયારનો યે કપાઇ ને નાશ થઇ ગયો.હવે તો રહ્યા છે માત્ર અવશેષો..
કનૈયો: કદંબવન નો નાશ?કોણે કાપ્યું?(દુ:ખી થઇ જાય છે)
ગોપ: કોણે એટલે?માણસ સિવાય કોણ હોય?

કનૈયો: અરે પણ જંગલ કેમ કાપ્યુ?ઝાડો નો નાશ શા માટે?
ગોપ: લાકડા માટે…જરૂરિયાત માટે…(નિસાસો નાખી ને) હવે તો જંગલો છે સિમેંટ અને કોંક્રીટ ના….
કનૈયો: (રડવા જેવા અવાજે)મારા લીલાછ્મ જંગલો…ઝાડો..!
ગોપ: (થોડા મોટા અવાજે ઉશ્કેરાટ થી)માણસજાતે પોતાના થોડા સ્વાર્થ માટે કર્યો આડેધડ વિનાશ…નદીઓ નજરાઇ ગઇ,જંગલો નાશ પામ્યા.પાણી નો રજવાડી ઠાઠ ને ઝાડવાઓનો લીલોછમ વૈભવ.બધું યે ખોવાઇ ગયુ…કાના,ખોવાઇ ગયુ..(રડી પડે છે)

કનૈયો: ગોપા,આ બધું મને શા માટે બતાવ્યું?શા માટે?માણસજાત આટ્લી સ્વાર્થી બની ગઇ?અરે પોતાનું ભલુ શેમા છે એટલીયે ખબર નથી?
ગોપ: અરે આજની માણસજાત ને ખબર તો બધી યે છે.પણ પોતાના થોડા સ્વાર્થ આગળ લાંબુ વિચારવાનું તે ભૂલી ગયો છે.કુદરતીસંપત્તિ નો આડેધડ વિનાશ તેને ક્યાં લઇ જશે..એનો વિચાર કરવાની ફુરસદ ક્યાં છે કોઇ ને?
કનૈયો: આજે તો મને યે સમજાતુ નથી કે હું શું કરું?
ગોપ: (આંગળી ચીંધી બતાવે છે)અને આ જોયુ?આ છે માણસે કરેલી બેસુમાર ગંદકી…પ્લાસ્ટીક ની થેલીઓ ને જાતજાત ના ટીન ના ડબલાઓ…તને તો એની સમજ સુધ્ધાં ન પડે.
કનૈયો: આનો ઉપાય?કંઇક ઉપાય તો હશે ને?
ગોપ: (હસતા હસતા)ફરી એક્વાર જનમ લઇ જો…….
કનૈયો: ના,હવે અત્યારે..જનમ લેવાની હિંમત નથી.ગોપ,શું આનો કોઇ ઉપાય નથી?
ગોપ: જનજાગ્રુતિ અને સ્વંયશિસ્ત એ એક માત્ર ઉપાય.એકલા કાયદા કરવાથી કે એકલી સરકાર થી કંઇ ન થઇ શકે.આમજનતા જાગે ને કુદરતને સમજે તો જ બધુ થાય.

કનૈયો: પણ જાગ્રુતિ આવે કેમ?
ગોપ: સાચા ભણતરથી…સાચા શિક્ષણથી ને એ કામ પાયા થી થાય.બાળકો..નવી પેઢી ભણે ને સમજે તો જ આ તારી નદીઓ ના પાણીચોખ્ખા બને ,વ્રુક્ષોનો નાશ અટકે ને વાતાવરણ ચોખ્ખું થાય
કનૈયો: ગોપ,હું એમાં શું મદદ કરી શકું?
ગોપ: કાના,એ તો હવે તું જ વિચાર.”:પરિત્રાણાય સાધૂનામ…….” નું વચન તેં જ આપ્યુ છે ને?.(અંદરથી એ ષ્લોક આખો સંભળાય છે)
કનૈયો: (ઉભો થઇ બંસરી નો ઘા કરે છે)
ગોપ: (આઘાત અને આશ્ર્વર્ય થી)અરે કાના.આ શું?બંસી કેમ ફેંકી દીધી?
કનૈયો: મને લાગે છે યુગેયુગે ..સમય ની માંગ પ્રમાણે હું હવે બદ્લીશ યુગધર્મ…માનવધર્મ..જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી ને આરોગ્ય કે માનસિક શાંતિ હોઇ જ ન શકે.આજ્થી બંસી ની જગ્યા એ મારા હાથ માં રહેશે આ સાવરણી…સ્વચ્છતા નું પ્રતીક. (સાવરણી હાથ માં લઇ થોડુ વાળે છે,,સાફ કરે છે ને પછી હાથ માં બંસી ની મુદ્રા માં સાવરણી રાખી ,,પગ ક્રોસ કરી ક્રુષ્ણ ભગવાન ની જેમ ઉભી જાય છે.ગોપ નમન કરી રહે છે .અને પડદો પડે છે.)

-નીલમ દોશી

નીલમ દોશી – મંગલ ત્રિકોણ

શુભમ અને શચી જ્યારે સાથે જીવવા-મરવા ના ખ્વાબ જોતા હતાં ત્યારે જ સમય જાણે તેમની પર હસતો હતો.આવું તો કેટકેટલું સમયે જોઇ નાખ્યું હતું,,સાંભળી લીધુ હતું ને તે પછી ના દ્રશ્યો પણ તેણે ક્યાં ઓછા જોયા હતાં?ભલભલા પ્રેમ ના રંગ ફિક્કા પડતા સમયે જોયા હતા.પોતે બધાથી અલગ છે એવા દાવા ઉપર તો હવે તેને દયા આવતી હતી.

શુભમ અને શચી જાણે..’’ made for each other ‘’,બને ના મિત્રો પણ એવું માનતા હતાં ને સ્વીકારતા હતાં. કેવા સુંદર દિવસો હતા!!સમય કેવી ઝડપથી ભાગતો હતો કે ઉડતો હતો.પ્રેમી ઓના સમય ને આમે ય હમેશા પાંખ હોય જ છે ને?વધુ માં વધુ સમય સાથે કેમ રહી શકાય એ જ પ્લાનીંગ બંને કર્યા કરતા. અને ચોરીછૂપી થી મળવાનો જે આનંદ,,જે મસ્તી,,જે ખુમારી હોય છે એ કદાચ officially મળવા માં નહી મળતો હોય!!માતાપિતા ના વિરોધ નો સામનો કરી…નિયમો નો ભંગ કરી ને મળવા માં યૌવન ને જે ઉત્સાહ,જે આનંદ આવે છે ..એ તો અનુભવે જ સમજી શકાય.

જ્ઞાતિ ના તફાવત ને લીધે બંને ના કુટુંબ નો વિરોધ હતો.અને કદાચ એ વિરોધ ના પ્રતિકાર રૂપે ..બંને નો પ્રેમ વધુ ને વધુ મજબૂત બનતો રહ્યો.નવા નવા રંગો એમાં ઉમેરાતા રહ્યા.એ રંગ આગળ બીજા બધા રંગ ફિક્કા હતા.એક્બીજા વિના નહી જીવી શકાય એવો એક એહસાસ બધા પ્રેમીઓની જેમ તેમને પણ સ્વાભાવિક રીતે જ હતો.યૌવન સહજ આકર્ષણ ..એકબીજા માટે આકાશ ના તારા તોડી લાવવા યે બંને તૈયાર હતા.રંગીન સ્વપ્નો ને રંગીન દુનિયા હતી.અલૌકિક..સ્વર્ગીય સુખ ના ફિલ્મી ખ્વાબો હતાં.દરેક ની સામે લડી લેવાની વ્રુતિ હતી.

અને પગભર થતા જ બંને એ બધાના વિરોધ વચ્ચે કોર્ટ માં મેરેજ કરી લીધા.મિત્રો નો સાથ આવા વખતે તૈયાર જ હોય છે.

અને લગ્ન નું એકાદ વરસ તો ક્યાં દોડી ગયું એ ખબર પણ ન પડી.બંને પાસે સારી નોકરી હતી.સહિયારા સ્વપ્નો હતા.જીવન ની રંગીનીઓ હતી.ને સમય તો દોડતો હતો.ને હરિફાઇ ના આ યુગ માં..સતત સ્પર્ધા માં ટકી રહેવાસમય ની સાથે સાથે તેઓ પણ દોડતા હતા.બને પ્રતિભાશાળી હતા.સ્માર્ટ હતા.સફળતા સામેથી આવતી હતી.શુભમ ને પણ ખૂબ સારી તક મળી ગઇ.ને બે વરસ માં તો તે પૈસા અને પ્રસિદ્ધિ ના શિખરે હતો.શુભમે શચી ને એકાદ વાર કહી જોયું..નોકરી છોડી દેવા માટે..જેથી બાળક ના આગમનનું પ્લાનીંગ થઇ શકે.પણ શચી ને તેની કેરીયર છોડવી મંજૂર નહોતી.થોડી ચકમક બંને વચ્ચે થતી રહેતી….પણ પ્રણય નો રંગ હવે ધીમે ધીમે ફિક્કો પડવા લાગ્યો હતો કદાચ એ બંને ની પણ જાણ બહાર.દ્રષ્ટિ બદલતી ગઇ ને જે આંખો એક્બીજા ની ખૂબીઓ જોવા ટેવાયેલી હતી..એ હવે એક્બીજાની ખામીઓ જોવા ટેવાવા લાગી.અને દ્રષ્ટિ તેવી સ્રુષ્ટિ એ ન્યાયે જેને જે જોવું હોય તે મળી જ રહે છે.નાની નાની વાત માં બને ને હવે એકબીજા ના દોષ દેખાવા લાગ્યા.ટીકાઓ થવા લાગી…ને ટીકા ઓ તો પાળેલા કબૂતર જેવી હમેશા હોય છે.પાછી તે પોતાની પાસે જ આવી જાય.હવે એક્બીજા ને સહન કરવા પણ અઘરા લાગ્યા.સાવ નજીવી વાત પણ હવે મોટી દેખાતી હતી.રાઇ નો પર્વત બની ચૂકયો હતો.ને સર્વગુણસંપન્ન તો દુનિયામાં બે જ વ્યક્તિ હોઇ શકે ને?એક ન જન્મેલ ને બીજી મરી ગયેલ.શોધવા જ હોય તો દૂધ માંથી પણ પોરા મળી જ રહે ને?

છતાં આમ ને આમ સમાધાન કરી કરી ને 3 વરસ કાઢ્યા.પણ હવે કદાચ બંને થાકી ગયા હતાં બને એજ્યુકેટેડ હતાં,,નવા વિચારોવાળા હતા.ને સતત સાથે રહી ને સહન કરવા કરતાં છૂટા પડવું વધારે સારું એમ બંને માનતા હતા.અલબત્ત હજુ આ તો વિચાર જ હતો.અમલ માં કેમ મૂકવો,ક્યારે મૂકવો..કોણ કહેવાની પહેલ કરે વિગેરે પ્રશ્નો તો હજુ વણઉકેલ્યા જ હતા.પણ એક્વાત બંને ના મનમાં પથ્થર ની લકીર ની જેમ થઇ ગઇ હતી કે હવે સાથે તો નહી જ રહી શકાય.જેમ હમેશા બનતુ આવ્યુ છે તેમ સાથે જીવવા મરવાની વાતો તો કયાંય ભૂલાઇ ગઇ હતી.

ત્યાં શુભમ ને કંપની ના કામે કેરાલા જવાનું થયું.શચી પણ ત્યારે થોડી free હતી.તેથી બંને એ સાથે ફરી આવવાનું નક્કી કર્યું.ત્રણ- ચાર દિવસ છેલ્લી વાર સાથે જઇ આવીએ ને સારી રીતે છૂટા પડીએ.એવું કદાચ બને ના અજ્ઞાત મનમાં હોઇ શકે.

ઘણી વખત માણસ ધારે છે કંઇ ને કુદરત કરે છે કંઇ.વિધિ નું નિર્માણ કોના માટે..ક્યારે..શું..કેવી રીતે નિર્માયુ છે ..કે ભાવિ ના ગર્ભ માં શું છૂપાયેલું છે તે કોણ જાણી શકયું છે?

કેરાલા ના રમણીય દરિયાકિનારે ..ઉછળતા મોજા ની મસ્તી બંને માણી રહ્યા હતાં.ત્યાં ..ત્યાંજ ..ક્ષણવાર માં જાણે કોપાયમાન કુદરતે તેનું ત્રીજુ નેત્ર ખોલ્યું ને સેંકડો માણસો ની સાથે સાથે શુભમ અને શચી પણ ક્યાંય ફેંકાઇ ગયા.ઝઝૂમવાની મહેનત કરી બંને એ ,,પણ સુનામી ના પ્રચંડ મોજા આગળ કેટલુ ટકી શકે?આમેય કુદરત આગળ માનવી હમેશા વામણો જ રહ્યો છે ને?બંને એ એક્બીજા ના હાથ સખત રીતે પકડી રાખ્યા હતાં પાણી ના જોર આગળ તેઓ સમતુલન તો ન જાળવી શક્યા.પણ કુદરત ની કરામત ની જેમ બંનેના હાથ ના આંગળા મડાગાંઠ ની જેમ ભીડાયેલા જ રહ્યા….

અને જ્યારે શુભમ ને ભાન આવ્યું ત્યારે એક ઝાડ માં બંને અટવાઇ ને પડયા હતાં.ક્યાં..ક્યારે..કેવી રીતે..કેટલો સમય થયો ?પ્રશ્નો બધા નિરુત્તર હતા.બાજુ માં જ શચી પણ અર્ધબેભાનાવસ્થા માં કણસતી હતી.ધીમે ધીમે મનોબળ મક્કમ કરી શુભમ બેઠો થયો.શું થયુ હતું અ યાદ કરવાનો પ્રયત્ન કર્યો ..ને તે ધ્રૂજી ઉઠયો..ઓહ!!..આભ ને આંબતા ઉછળતા પાણી ની થપાટો……તે અને શચી જાણે હજુ યે ગબડતા હતા..ખેંચાતા હતાં!!!! તેણે શચી ને જોશથી હલબલાવી.શચી…શચી… શચી ના દર્દ ભર્યા ઉંહકારા ચાલુ હતાં.પણ તે ઉંહકારા શુભમ ને આજે વહાલા લાગતા હતાં તેની શચી જીવંત હતી ..તેનો એ એહસાસ આપતા હતાં.પણ હવે શું કરવું?તેઓ ક્યાં હતા?શુભમ ધીમેધીમે ઉભો થયો.ચારે બાજુ મોત ના તાંડવ ના…તોફાન ના ચિન્હો નજરે પડતા હતાં.પોતે કેટલા સમયથી અહીં હતા તે પણ ખબર નહોતી પડતી.હાથમાં થી ઘડિયાળ ક્યાંક નીકળી ગયું હતું.તેના મન માં એક માત્ર વિચાર ઘૂમતો હતો.શચી…ને કેમ ભાન માં લાવવી?’તેના અંત:સ્તલ માં અત્યારે એક જ પોકાર હતો”

શચી……શચી….શચી….!!!!”ચારે બાજુ પાણી જ પાણી દેખાતુ હતું .વચ્ચે નાનકડા ગામડા જેવી..કોઇ ટાપુ જેવી જગ્યાએ પોતે પહોંચી ગયા હોય તેવું લાગ્યું.આજુબાજુ થોડા ભાંગેલા-તૂટેલા ઝૂંપડા..કે ઝૂંપડા ના અવશેષો દેખાતા હતા.કોઇ વ્યકિત ના ચિન્હો નજરે નહોતા પડતા.હવે શું કરવું? તે મૂંઝાઇ રહ્યો.તેને શચી ની ચિંતા થવા લાગી.ઇશ્વર ને અનાયાસે પ્રાર્થના થઇ ગઇ.આપત્તિ માં હમેશાં એ જ યાદ આવે છે ને બધા ને?એમાં એ થોડો અપવાદ હોઇ શકે?તેણે જોરથી શચી ને હચમચાવી.અને..અને અચાનક શચીની આંખો ખૂલી.ઇશ્વરે જાણે તેની પ્રાર્થના નો જવાબ આપ્યો.શચી ને જાણે કંઇ સમજાતું ન હતું.તે શુભમ ને એક મિનિટ જોઇ રહી.જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહી.શુભમે ફરી થી તેને હલબલાવી .ને અચાનક શચી ની આંખોમાં જાણે ઓળખાણ ઉતરી આવી.તે શુભમ ને જોશથી વળગી પડી……

બંને એક્બીજા ની હૂંફ માં ક્યાંય સુધી પડી રહ્યા.વચ્ચે વચ્ચે શચી ના હીબકા ચાલુ હતાં.શુભમ મૌન બની ..વહાલભર્યા સ્પર્શથી તેને સાંત્વન આપવા મથતો હતો.શબ્દો અત્યારે વામણા બની ગયા હતાં.કુદરત ના કોપ આગળ બંને બધું ભૂલી ને એકાકાર થઇ ગયા હતાં.ફક્ત વહાલ નું..પ્રેમ નું સામ્રાજય ત્યાં છવાયેલું રહ્યું.સમય જાણે થંભી ગયો હતો.

અચાનક ક્યાંકથી નાના બાળકનો રડવાનો અવાજ જોરશોરથી તેમના કાન માં અથડાયો.બને ચોંકી ઉઠયાં અહીં આ અવાજ શેનો?બંને ની ભાવ સમાધિ તૂટી.આ ભ્રમ છે કે શું?ના,,,નાના બાળકનો રડવાનો અવાજ ક્રમશ:મોટો થતો જતો હતો.બંને સફાળા ઉભા થઇ અવાજ ની દિશામાં ગયા.
“સર્જન ને સંહાર ઉભા હારોહાર,
અનંત ને દરબાર…..”!!!!

ની જેમ, એક ભાંગેલ તૂટેલ ઝૂંપડા ની વચ્ચે નાનકડું બાળક હાથ હલાવતું રડી રહ્યું હતું.કુદરતે તેના પરમ પાવક સર્જન ને જાણે ટિટોડી ના ઇંડા ની જેમ બચાવી લીધુ હતું.તેમણે આસપાસ જોયું કોઇ જ દેખાયું નહીં.કદાચ આ તોફાન માં આ અભાગી બાળક ના માતાપિતા કયાંક તણાઇ ગયા હતા.જે હોય તે..અત્યારે એ બધું વિચારવાનો સમય કયાં હતો?શચી એ બાળકને ઉપાડ્યું ને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી.રડી રડી ને બાળક કદાચ થાકયું હતુ.શચી ના ખોળા ની હૂંફ મળતા જ ..તેની છાતી માં તે પોતાનું નાનકડું મોં નાખવા લાગ્યું.કદાચ હવે તેને અહીં દૂધ મળશે….પણ……! શચી સ્તબ્ધ થઇ ગઇ.બાળક ની ભૂખ ને તે સમજી…પણ તે લાચાર બની ગઇ.તેના દિલ માં વાત્સલ્ય નું..કરૂણા નું ઝરણું વહી રહ્યું હતું.પણ લાચાર શચી શું કરે?તેની કુંવારી છાતી માં દૂધ કયાંથી લાવે?

શચી અને શુભમ ને પણ ભૂખ તો લાગી હતી.ખાધે કેટલો સમય થઇ ગયો હતો,, કોને ખબર હતી?પણ આ બાળક ની વેદનામાં પોતાનું બધું ભૂલાઇ ગયું.અત્યારે તો બાળકની ભૂખ કેમ સમાવવી?એ જ એક માત્ર પ્રશ્ન હતો.કુદરતે માનવ મનમાં કેવી અદભૂત માયા મૂકી છે….!!!

બંને આજુબાજુ માં તપાસ કરવા કરવા લાગી ગયા…કંઇ મળી શકે તેમ હોય તો..રડી રડી ને ..થાકી ને બાળક બિચારું અત્યારે તો ભૂખ્યું..તરસુ જ સૂઇ ગયુ હતું..શચી ના ખોળા માં.પણ કેટલી વાર?જાગશે એટલે પાછું ભૂખથી રડશે…શું કરવું?

કોઇ ઝૂંપડા માં કાંઇ બચ્યું કયાંથી હોય?કોઇ માણસો યે નહોતા બચ્યા .ત્યાં ખાવા નું તો ક્યાંથી બચ્યું હોય?ચારે તરફ વિનાશ ની..તોફાન ની દાસ્તાન દેખાતી હતી.વિનાશ ના અવશેષો વેરવિખેર થઇ ને ચારે તરફ વેરાયેલા હતા.શુભમ શોધતો રહ્યો.જીજીવિષા જાગ્રુત હતી ને મરણિયો માણસ શું ન કરે?જીવવું ને જીવાડવું એ જ એક માત્ર ધ્યેય રહ્યું હતું.તે અને શચી પણ થાકયા હતાં..હાથે-પગે કેટલાયે ઉઝરડા પડયા હતાં. શરીર આખું તૂટતું હતું બંનેનું…ફકત વીલપાવર..મનોબળ ના જોરે જ ..બાળક ને ગમે તેમ કરી ને બચાવવાનું છે એ એક જ ખ્યાલે બંને ઝઝૂમતા હતાં.કુદરતે જાણે બંને ને અચાનક અખૂટ શકિત આપી દીધી હતી.

અચાનક શુભમ નું ધ્યાન ગયું..તેણે જોયું કે ઝાડ ની વચ્ચે ..કાદવ માં ઘણાં નાળિયેર રખડતા પડયા હતા.તેની આંખો ચમકી.દોડી ને તેણે એક નાળિયેર ઉપાડયું.ઓહ…યસ!!!!..પાણી થી ભરેલ અમ્રૂત સમાન નાળિયેર હતાં.કુદરતે જાણે તેના માટે જ ગોઠવણ કરી રાખી હતી.નાળિયેર પછાડી..કોપરું કાઢીતેણે શચી ને ખવડાવ્યું ને પછી પોતે પણ ખાધું.ને પાણીને અણમોલ ખજાનો સાચવતા હોય તેમ નાળિયેર ની કાચલી માં જ સાચવીને રાખી દીધું.બાળક જાગે ત્યારે ટીપેટીપે તેને પીવડાવી શકાય.બનેં એક્બીજા સામે જોઇ ને હસતા હતાં.નિર્ભેળ.. મુકત હાસ્ય….!

પછી તો આજુબાજુમાં થી ..દૂરદૂર થી..જેટલા મળ્યા એટલા નાળિયેર તેણે એક્ઠા કર્યા.જાણે દુનિયા માં એ એક જ કરવા જેવું કામ રહ્યું હતું.નાળિયેર મળતાં તે ખુશખુશાલ થઇ જાતો.શચી પણ તેની આ ખુશી જોઇ રહી.બધા નાળિયેર તેણે ભેગા કરી લીધા.અને એક તૂટેલા ઝૂંપડામાં થોડું સરખુ કરી,,થોડો આધાર મેળવી બંને બેઠા.

નાળિયેર ખાતા ખાતા બંને એક્બીજા સામે જોઇ હસી પડયા.આંખ માં આંસુ છલકાતા હતા..ને બંને હસતા હતા.થોડી વારે બાળક જાગ્યું ને ભૂખ શમાવવાની ચેષ્ટા નિષ્ફળ જતા રૂદન શરૂ કર્યું.શુભમે રૂમાલ નાળિયેર ના પાણી માં બોળ્યો,ને શચી ધીમેધીમે ટીપું ટીપું પાણી બાળક ના મોં માં રેડતી રહી.થોડી આનાકાની પછી બાળકે જાણે તે સ્વીકારી લીધું.જાણે તે પણ કુદરત ને..પરિસ્થિતિ ને અનુકૂળ થઇ ગયું.થોડું પાણી પેટ માં જતા બાળક ખિલખિલાટ કરતું હસી ઉઠયું.ને સાથે સાથે શુભમ ને શચી પણ.બંને જાણે બધું વિસરી ગયા હોય ને આના સિવાય જાણે તેમને દુનિયામાં કંઇ હતું જ નહીં.કોઇ સંતાપ નહી,,દુ:ખ નહીં..ચિંતા નહી..મન ની પળોજણો નહી.નિર્ભેળ સુખ,સંતોષ …અહીં કોઇ સગવડતા નહોતી.ખાવાપીવાનું નહોતું..કંઇ જ નહોતું .છતાં બધું..બધું જ હતું.

તે રાત ત્રણે એ એક્બીજા ની હૂંફ માં કાઢી.બીજે દિવસે સવારે ફરી નાળિયેર ને એ જ ક્રમ.નાળિયેર ને સહારે પેટ ની ભૂખ ને એક્બીજા ની હૂફ માં મન ની અલૌકિક શાંતિ..જેનો અનુભવ જિંદગી માં કદાચ પહેલીવાર થઇ રહ્યો હતો.કેટલી ઓછી જરૂરિયાત વડે પણ જિંદગી ચાલી શકે છે..એનો અહેસાસ જાણે બંને ને થતો હતો.મ્રુત્યુ નો અનુભવ કરી ને બંને જાણે નવજીવન પામ્યા હતા.જીવન નું ઘણું સત્ય અનાયાસે વગર બોલ્યે પામ્યા હતા. કોઇ ફરિયાદ,કોઇ ટીકા.કોઇ દોષારોપણ ,કોઇ દોડાદોડી કંઇ જ નહોતુ.દોડીદોડી ને હાંફી ગયેલ સમય જાણે થોડી વાર થાક ખાવા થંભી ગયો હતો.પરમ શાંતિ ને સંતોષ નો આ આહલાદક અનુભવ નવો જ હતો.બાળક પણ જાણે તેમને અનૂરૂપ થઇ ગયુ હતું.રે કુદરત!!..તારી લીલા યે અપરંપાર છે!!ચમત્કાર જો દુનિયા માં થતા હોય તો આ પણ એક ચમત્કાર જ હતો ને?

શચીતો જાણે સદીઓથી બાળક ની મા જ હતી…..તે બાળકને ઝૂલાવતી,,હસાવતી આવડે તેવા હાલરડા ગાતી.સુવડાવતી .ઉછાળતી.તેની સાથે હસતી.તેને સાફ કરતી.બાળક માં તે ઓતપ્રોત થઇ ગઇ હતી.

આખરે બે દિવસ બાદ ..કંઇક હલનચલન થતું દેખાયું.ઓહ!! આ તો સરકારી મદદ હતી.અને પછી તો એ મદદ વડે ..બને અંતે સહીસલામત પોતાને ઘેર પહોંચ્યા.ત્યારે તેઓ બે જ નહોતા,સાથે નાનકડું બાળક પણ હતું.સરકારી રેકોર્ડ મુજબ તેના માતા પિતા આ તોફાન માં ક્યાંક મ્રુત્યુ પામ્યા હતા,,ને બીજું કોઇ સગુ તેનો કબજો લેવા આવ્યું નહીં.તેથી શુભમે બધી જરૂરી કાનૂની વિધિ પતાવી..બાળક ને અપનાવી લીધુ હતું .આમે ય શચી તેને છોડવા કયાં તૈયાર હતી?જનેતા તે નહોતી પણ ‘મા’તો જરૂર હતી જ.તેના માં રહેલું સુપ્ત માત્રુત્વ જાગી ઉઠયું હતું.હવે તે રહી ગઇ હતી..’યશોદા” માત્ર યશોદા….ને રચાયો હતો મંગલ ત્રિકોણ..જેના ત્રણે ખૂણા સાચા અર્થ માં જીવંત હતા.

અને..અને પેલા છૂટાછેડા..ને એ બધુ શું??એ બધું શું હતું??એ તો બે માંથી કોઇ ને યાદ પણ કયાં હતું?

ક્યાંકથી સંભળાઇ રહ્યુ હતું,
‘’કયાંક મળવું.કયાંક હળવું.કયાંક ઝળહળવું હવે…
કયાંક લીલા ત્રુણ નું ખડક તોડી પાંગરવું હવે….’’

-નીલમ દોશી

નીલેશ પટેલ – સેતુ બાંધીએ

સંબંધના બે હાથ વડે સેતુ બાંધીએ,
વિશ્વાસના કિનારા તરફ નૌકા હાંકીએ.

થોડું તૂટેલ હોય તો લૂગડુંય સાંધીએ,
આકાશને તો થીગડાં જેવું શું મારીએ?

ખૂશ્બૂ, સુંવાળા કલરવો કંઇ કામના નથી,
ટહુકાનું પોટલું ભરી પતઝડને આપીએ,

કાંઠે ઊભો’તો તોય હવાને ગળી ગયો,
જળના તમામ પરપોટાને ફોડી નાખીએ.

અત્તર થવાનું એ જ શરત પર મને ગમે,
અવસર ફૂલોના મોતનો હો શોક પાળીએ.

કીર્તન-કથા, પૂજામાંય માણસને રસ નથી,
પંડિત વિચારે છે કે ગઝલ જેવું ગાઇએ.

ભીંતોની આપમેળે કરૂપતા ઘટી જશે,
એકાદ ભીંતે એમની તસવીર ટાંગીએ.

– નીલેશ પટેલ

નૂર પોરબંદરી – મારા ઘરમાં

હું મારા ઘરમાં રહીને ખુદ મને મળી ન શકું,
ખુદા કોઇને કદી એમ લા-પતા ન કરે !

– નૂર પોરબંદરીFor queries email at need.more.intel@gmail.com