Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

તારક મહેતા – પશ્ચિમવાળાઓ જેટલું ન કરે એટલું ઓછું

આખું વર્ષ જે સ્ત્રી વર અને ઘરનો બોજૉ વેંઢારતી હોય તેને એક દિવસ બરડે ચઢાવી સહેલ કરાવવાની ભાવના ઉત્તમ છે

ઉનાળાને ગુજરાતમાંથી ગયા પછી જાણ્ો યાદ આવ્યું હોય કે સાલુ, આ વખતે જૉઇએ એવો દેકારો મરયો નહીં એટલે હિંદી ફિલમની સિકવલની પેઠે ચોમાસાના ઇન્ટરવલમાં એણ્ો પાછી એન્ટ્રી મારી અને માંડ રાહત ભોગવી રહેલા લોકોને ઉકાળવા માંડયા. મેં બગીચામાં જવાનું શરૂ કર્યું હતું અને વડીલ વિષ્ણુભાઈની પેઠે મારા નેપકીનથી પરસેવો લૂછ્યા કરતો હતો ત્યાં ઓચિંતો ઞોકામાંથી જાગ્યો હોય તેમ બિહારીએ પૂછ્યું : ‘તારક તેં છાપામાં વાંરયું?’

‘શું?’‘ફિનલેન્ડના હેલસિન્કિમાં પત્નીને બરડા ઉપર બટાટાની ગુણની જેમ ઊંચકી દોડવાની પતિઓની હરીફાઈ થઈ.’

‘એક દિવસ ટીવી ઉપર સિર્ફંગ કરતાં મેં એક જડસાને એક બૈરીને એના બે પગથી ઊંચકી બરડા ઉપર ઊંધી લટકાવી દોડતો જૉયેલો. મને ખબર ન પડી. થયું કે બાઇને કંઈ આફતમાંથી બચાવીને પઠ્ઠો દોડતો હશે.’

‘એ તો પચાસ કપલોની સો મીટર દોડ, પણ એમાં બૈરાનું વજન ઓછામાં ઓછું ઓગણપચાસ કિલો હોવું જૉઇએ. રસ્તામાં કાંકરા, કાદવ, ઘાસ બધું આવે. બૈરું પડવું ન જૉઇએ. જે પરણ્ોલા ન હોય અને ભાગ લેવા માગતા હોય તે ઊછીનું બૈરું પણ લાવી શકે, બોલ.’‘શું બોલે! પિશ્ચમવાળાઓ જેટલું ન કરે એટલું ઓછું.’ મેં કહ્યું.

‘એ લોકો સાલા એન્જૉય કરે છે. આવી હરીફાઇઓ અહીં થવી જૉઇએ.’ બિહારીએ ઉત્સાહ દેખાડયો.‘તારું ભવન ફરી ગયું છે, બિહારી?’ ધ્ોરથી લાવેલાં શેતરંજી-તકિયા પર આરામથી સૂતેલા વિષ્ણુભાઈ તપ્યા, ‘અલ્યા, ત્યાં બાર મહિનામાં છ મહિના બરફ પડતો હોય એટલે ગરમાવો લાવવા આવું બધું કરવું પડે. એ લડધાઓના આપણાથી વાદ ન થાય. જૉજે આવા પ્રયોગ કરતો, બૈરીને ઊંચકવાના સાહસમાં કેડના મણકા વેરાઈ જશે તો કોઈ ડા÷કટરને લીલાલહેર થઈ જશે.’અમે હસ્યા.

‘તમે પણ શું વિષ્ણુભાઈ, યાર, મારી ફિલમ ઉતારો છો. એ લોકો કાચું માંસ ખાય, તપેલું ભરીને દૂધ પીએ ને બાટલી ભરીને દારૂ પીએ. માતેલા સાંઢની પેઠે ધીંગામસ્તી કરે. આપણ્ો તો દાળભાત ખાઇને રાસ રમીએ ને ટીવી પર ક્રિકેટ મેચ જૉતાં જૉતાં તાળીઓ પાડીએ.’

‘ના હોં, એ જમાનો ગયો. આજની જુવાન પેઢી પેલા રિતિક અને સલમાનને જૉઇને જીમમાં જઇને બોડી બનાવવા માંડી છે. ભવિષ્યમાં જુવાન પેઢી નામ કાઢશે.’

અમારી વાત શાંતિથી સાંભળી રહેલા નગીનભાઈ માળીએ ભવિષ્યની પેઢીમાં પોતાની શ્રદ્ધા વ્યકત કરી.

‘નગીન, તું ખાંડ ખાય છે. આ જીમ-બીમ બધું ફેશન થઈ ગઈ છે. શેિઠયાઓના છોકરા-છોકરીઓને એની મેમ્બરશિપ પરવડે. આપણા દેશના કેટલા ખેલાડી ઓલિમ્પિકસમાં જાય છે ને કેવું ઉકાળે છે?’‘ઓલિમ્પિકસમાં બૈરાંઓને ઊંચકીને દોડવાની હરીફાઈ ગોઠવાય તો આપણા દેશમાંથી ઘણા ખેલાડી પહોંચી જાય.’ વિષ્ણુભાઈ બોલ્યા.

‘ના વિષ્ણુભાઈ, ખેલાડીઓ કરતાં પોલિટિશિયનોની સંખ્યા વધી જાય.’ મેં કહ્યું, ‘કારણ કે આપણા દેશના મોટા ભાગના રમતગમતનાં મંડળોના મોવડીઓ બધા પોલિટિશિયનો છે અને બધા એ જ ફરિયાદ કરે છે કે ખેલાડીઓની સાથે જતાં ડેલિગેશનોમાં પોલિટિશિયનોનાં સગાંવહાલાં જ હોય છે, જેમને રમતગમત સાથે કંઈ લેવાદેવા હોતી નથી. આપણા ખેલાડીઓમાં તેમને કંઈ રસ હોતો નથી પછી કયાંથી ચંદ્રક મળે?’

‘જે મહિલા ખેલાડીને ઊંચકનાર પોલિટિશિયનને એ અહીં ઇન્ડિયામાં લઈ આવવાની પરવાનગી મળે તો આપણી અડધી પાલાર્મેન્ટ ત્યાં પહોંચી જાય.’ નગીન બોલતાં બોલતાં ઊભો થઈ ગયો અને એનો સદરો કાઢી ખંખેરવા લાગ્યો.

‘શું થયું? તારા ઉપર ખિજાયેલો કોઈ પોલિટિશિયન કરડયો?’ મેં પૂછ્યું.‘જેવો વરસાદ જાય છે તેની સાથે મંકોડાનો ત્રાસ વધી જાય છે.’ સદરાથી બાંકડો ઞાટકતા નગીન બોલ્યો.

‘આપણ્ો બૈરાંને ઊંચકીને દોડવાની વાત ચાલતી હતી તેમાંથી તમે છેક ઓલિમ્પિકસમાં પહોંચી ગયા.’ બિહારી મૂળ મુદ્દા ઉપર આવ્યો.‘આખો વિષય નાજુક છે, બિહારી.’ મેં કહ્યું.‘કઈ રીતે?’

‘પહેલા તો સ્ત્રીઓને પૂછવું પડે. આખું વર્ષ જે સ્ત્રી વર અને ઘરનો બોજૉ વેંઢારતી હોય તેને એક દિવસ બરડે ચઢાવી સહેલ કરાવવાની ભાવના ઉત્તમ છે. સ્પધાર્ સિવાય પણ એને એ આનંદ આપવામાં કશું ખોટું નથી. આપણી તો એ ઉંમર ગઈ પણ જુવાન પેઢીમાં એવી સ્પધાર્ આવકારદાયક છે. ચિંતા એક જ છે.’‘કઈ?’

‘એમને ધારો કે એમાં મજા પડી જાય અને તેમાંથી ટેવ પડી જાય તો કેવાં ¼શ્યો સર્જાય? નવાં નવાં પરણ્ોલા યુગલોમાં તો એ રીતે ફરવાની ફેશન શરૂ થઈ જાય. આપણ્ો ત્યાં પિશ્ચમનું અનુકરણ કરવાનો ચીલો છે. અહીં તો બધા સવાયા અમેરિકન થવા માગે છે.’

‘નરેન્દ્ર મોદી પરણ્યા નથી એટલે પત્નીને બદલે પાંચ કરોડ ગુજરાતીઓને ખભે ચઢાવી દોડાદોડ કરે છે.’ નગીને સદરો પહેરતા કોમેન્ટ કરી.

‘પાંચ કરોડનો આંકડો જૂનો થયો, નગીન.’‘હા, પણ વિષ્ણુભાઈ, આ વખતે ઘણા વિરોધીઓ એમના ખભેથી ભૂસકા મારે છે.’‘જયારે રાજીવ ગાંધી અચાનક ગુજરી ગયા ત્યારે થોડા દિવસ પ્રતિભા પાટિલે સોનિયા ગાંધીના રસોડાની દેખરેખ રાખી હતી એ સેવાઓની કદર રૂપે સોનિયાએ પ્રતિભાબહેનને યુપીએના બરડે લટકાવી દીધા.’

‘વિષ્ણુભાઈ, તમે અહીં પોલિટિકસની ચચાર્ પર પ્રતિબંધ મૂકયો છે.’ મેં વડીલને વાયાર્.‘સા÷રી. બોલાઈ ગયું, ભઇલા. મૂળ મુદ્દા ઉપર આવો.’

અમારે મૂળ મુદ્દા પર આવવું જ ન પડયું.અમારા બગીચાની મુખ્ય પગથી ઉપર એક આધેડ યુગલ નીકળ્યું. મિસ્ટર ઊંચા અને પાતળા હતા અને એમણ્ો લપટાવેલા મિસિસ ઊંચે જવાની આકાંક્ષા રાખ્યા વગર વિસ્તયાર્ હતા. કદાચ ડા÷કટરની સલાહથી બેન વજન ઉતારવા ચાલવા નીકળ્યાં હશે.

‘બિહારી, ફિનલેન્ડની હરીફાઈની વાત આ જૉડીને કર.’મારા સાથીઓ હસ્યા. એ જ વખતે એ યુગલની સામેથી કોલેજિયનોની એક મંડળી આવી અને પેલી જુગલ જૉડીને ‘ફૂ…ફૂ…હાહા… હીહી…’ જેવા દબાયેલા અવાજે હસી.

ચૂપચાપ પસાર થઈ જવાને બદલે પાતળા પતિએ ભારે અવાજે પડકાયાર્. ‘સાલાઓ, તમારે મા-બેન છે કે નહીં?’

‘છે છે, કાકા, પણ તમારાં જેવાં મોડલો નથી.’ એક અવળચંડાએ જવાબ આપ્યો. મંડળીમાં હસાહસ થઈ.

‘પોલીસમાં ફરિયાદ કરીશ.’ પાતળા પતિએ ધમકી આપી.‘હા. હા. બોલાવો પોલીસને. એમને પણ મજા આવશે.’ બીજૉ બોલ્યો.ઉશ્કેરાયેલો પતિ મંડળી ઉપર ત્રાટકવા જતો હતો પણ કોઈ આર્ય પત્નીને છાજે તે રીતે પેલાં ચરબીના ડુંગર જેવાં સન્નારીએ પતિનો ઞભ્ભો ખેંચી સમયસર અટકાવતાં કહ્યું : ‘ભઈસાબ, ભવાડા કરવા રહેવા દો. બધા જુએ છે.’મેદની જામે તે પહેલાં યુગલ આગળ ચાલ્યું. મુકત હાસ્ય કરતી મંડળી રવાના થઈ.

– તારક મહેતા

તારક મહેતા – બાથરૂમ સિંગર

જયારથી ટીવીવાળાઓ સંગીતની હરીફાઈઓમાં લલ્લુપંજુઓને ગવડાવવા માંડયા છે ત્યારથી છોકરા-છોકરીઓ જયાંત્યાં રાગડા તાણવા માંડયાં.

અમે કેટલાક શાંતિથી અમારા બાંકડાઓ પર મૂંગા મૂંગા બેઠા હતા. ચર્ચા માટે કોઈ વિષય બરયો ન હતો. ચર્ચા ફરજિયાત નથી. આ દેશમાં નવરા સિનિયર સિટિઝનો ટાઇમ પાસ કરવા ચર્ચાના ચાકડા ફેરવ્યા કરે છે અને એને દેશસેવા સમજી રાજી થાય છે. વાતમાં કંઈ માલ હોતો નથી.ત્યાં અમારા બાંકડાવાળી હરોળના બીજા છેડે કલબલાટ સંભળાયો. કેટલાક યુવાનો સામસામે બાંકડાઓ પર બેસી હાહા હીહી હુહુ કરી રહ્યા હતા. અમારા બગીચામાં યુવાનો ભાગ્યે જ ફરકે છે. તેમને રસ પડે તેવું બગીચામાં બહુ ઓછું હોય છે.

ત્યાં એક યુવાને ચાલુ કર્યું, ‘આશિક બનાયા… આશિક બનાયા… આશિક બનાયા… આપને…’ જેટલું જૉઇએ એટલું એ નાકમાંથી ગાતો ન હતો પણ અમારી સુસ્તી ઉડાડી શકે એવા અવાજે ગાતો હતો. એ ગીત પત્યું ત્યાં એણે બીજું શરૂ કર્યું. લોકોને તો આવું બધું ગમતું જ હોય છે. તમાશાને તેડું ન હોય. ભીડ જામતી ગઈ તેમ અમદાવાદી રેશમિયો ખીલતો ગયો. ગીતે ગીતે તાળીઓ પડતી ગઈ અને એ બાજુના બાંકડાઓ પર હાઉસફુલ થઈ ગયું.‘આ બગીચામાં વળી આ તાનસેન કોણ ફૂટી નીકળ્યો, બિહારી?’ ગાયનની દિશા તરફ તકિયો રાખી શેતરંજી પર શરીર લંબાવી બેઠેલા વડીલ વિષ્ણુભાઇએ બાજુના બાંકડા પર બેઠેલા બિહારીલાલને પૂછ્યું, ‘વિષ્ણુભઈ, જયારથી ટીવીવાળાઓ સંગીતની હરીફાઈઓમાં લલ્લુપંજુઓને ગવડાવવા માંડયા છે ત્યારથી છોકરા-છોકરીઓ જયાંત્યાં રાગડા તાણવા માંડયાં. આ અલેલટપ્પુ થાકશે ત્યારે બંધ થઈ જશે.’

‘બિહારી, જઇને એને બંધ કરાવ.’

‘કેમ? આપણને કયાં નડે છે?’

‘જીભને બદલે જરા તારું ભેજું ચલાવ. આજે આ જલસો અહીં જામી જશે તો કાલથી રોજ અહીં આવું ચાલશે. લોકો ભેગા થઇને તાબોટા પાડશે. લુખ્ખાઓની અવરજવર વધી જશે. કેટલાક તો આ બાંકડાઓ પર પડયા રહેશે. દરવાજા બહાર ખાઉધરા ગલી ચાલુ થઈ જશે. જરા વિચાર કરો, બગીચાના ખરા ટ્રસ્ટીઓ તો આપણે જ છીએ. આવા લેભાગુઓથી આપણે જ બગીચાને બચાવવાનો છે. આમાં ચોકીદારનું પણ કંઈ ચાલે નહીં. તને એકલાને ન ફાવતું હોય તો તારકને જૉડે લઈ જા. તમને એ લોકો ગાંઠે નહીં તો પછી મને બોલાવજૉ.’ વિષ્ણુભાઇએ અમને આદેશ આપ્યો.

‘ચાલ, તારક.’ બિહારીએ કહ્યું.

અમે એ તરફ ચાલ્યા. મેદની વધતી ગઈ હતી અને લોકો પેલાની ગાયકી માણી રહ્યા હતા એટલે એમના રંગમાં ભંગ પાડવાનું કામ કપરું હતું અને વડીલ વિષ્ણુભાઈની દલીલમાં દમ હતો. આવા જલસા વખતસર ન દબાવી દઇએ તો રોજ સાંજે અહીં તમાશા થાય. બગીચાનું કોઈ રણીધણી નથી. આવી પબ્લિક શરૂ થઈ જાય તો અમારે ઉચાળા ભરવા પડે. ‘આપણે જરા સંભાળવું પડશે.’ નરવશ અવાજે બિહારી ગણગણ્યો.‘બીવા જેવું નથી, ઘણા ઓળખીતાઓ ત્યાં ઉભા છે.’ હું બોલ્યો.

અમે ત્યાં પહોંરયા અને ઓડિયન્સમાં ભા રહ્યા. એક બાંકડા ઉપર ઠાંસોઠાંસ કેટલાક છોકરાઓ બેઠા હતા. તેમની વરચે રેશમિયા બ્રાન્ડની ટોપી પહેરીને એક સુકલકડી છોકરો લલકારી રહ્યો હતો, ‘મૈં હૂં ડોન…’ એણે ફાલતુ ગોળ ગળાનું ટીશર્ટ અને ધૂળિયા રંગનું મેલું પેન્ટ પહેર્યું હતું. એના દેખાવના પ્રમાણમાં એનો કંઠ સારો હતો. ‘મૈં હૂં… મૈં હૂં…’ જમાવીને એણે પૂÊરું કર્યું. તાળીઓ પડી.

‘નવું શરૂ કરે તે પહેલાં બૂચ માર.’ મેં બિહારીના કાનમાં કહ્યું.

ઓડિયન્સમાંથી ફરમાઇશો શરૂ થઈ ત્યાં બિહારી આગળ વઘ્યો. ‘ભાઈઓ, આ શેનો પ્રોગ્રામ છે?’ મેદનીને સંબોધીને એણે પૂછ્યું.

‘બાથરૂમ સિંગર-’ સિંગરની બાજુમાં બેઠેલો એક જણ ઉત્સાહથી બોલ્યો.

‘હેં?’

‘કાકા, તમને ખબર નથી? ટીવી ઉપર બાથરૂમ સિંગરોની હરીફાઈ થવાની છે?’

‘ઓ!’

‘અમે આ ગીગાની એન્ટ્રી મોકલી છે. એને ઓડિશન ટેસ્ટ માટે મુંબઈ બોલાવ્યો છે.’

‘પણ આ બાથરૂમ નથી, બગીચો છે તેનું શું?’

‘કાકા, બાથરૂમ હોય કે બગીચો મ્યૂઝિકમાં કંઈ ફેર ન પડે.’ એક પ્રેક્ષકે બિહારીને સંગીતનું જ્ઞાન આપ્યું.

‘જૉ ભઇલા, જયાં જે ગવાતું હોય તે ગવાય, કાલે ઠીને તમે બેડરૂમના ગાયકો, પબ્લિક મૂતરડીઓના ગાયકો, પોલીસચોકીના, જેલના એવા એવા ગાયકોને પકડી લાવો એ ન ચાલે.’

‘પણ અમને ગીગાનો અવાજ ગમે છે.’ ગીગાનો સાથીદાર સામો થયો.

‘તો લઈ જાવ તમારે ધેર. એને બાથરૂમમાં પૂરીને ગવડાવો. અમને બોલાવશો તો અમે પણ તમારી બાથરૂમની બહાર બેસીશું. પણ અહીં આ બધું નહીં.’ બિહારીએ મક્કમતાથી સંભળાવી દીધું.

‘એ મિસ્ટર, બગીચો તમારા બાપનો નથી.’ પાછળથી કોઈ બોલ્યો.

હવે બિહારીની તપેલી તપી. એણે અવાજની દિશામાં નજર કરી. ‘કોના બાપનો છે એ નક્કી કરવા ચાલ પોલીસમાં જઇએ, એ લોકો ભલભલાને ગાતા કરી દે છે.’‘દાદાગીરી કરો છો?’ ટોળાની પાછળથી એણે વાક્યુદ્ધ ચાલુ રાખ્યું.‘બધા કહે તેમ કરીએ.’

ટોળામાં ગણગણાટ શરૂ થયો. અમારા પરિચિતો ગીગાના ઉશ્કેરાયેલા ચાહકોને ટાઢા પાડવા લાગ્યા.

અચાનક કોઇની ત્રાડ સંભળાઈ : ‘ગીગલા, હરામખોર, નોકરી કરવી છે કે ભટકી ખાવું છે?’

મોટા પેટ અને પરસેવે રેબઝેબ ખમીસ-પાટલુનવાળો એક શખ્સ ડોળા કાઢતો અને અવાજ ફાડતો ઓડિયન્સની આગળ ધસી આવ્યો. તેને જૉઇને ગીગો જવાબ આપ્યા વગર ભાગ્યો.

‘સાલો, મારી કીટલી ઉપર નોકરી કરે છે પણ થોડા દાડાથી આ બધા ચાંદવાઓએ એને ચઢાઈ મેલ્યો છે તે કીટલી ઉપર રાગડા તાણ્યા કરે છે ને પેલા ટીવીવાળા જેવી વાંદરાટોપી પહેરીને એના જેવા નાકમાંથી અવાજૉ કાઢે છે. ઘરાકીને ટાઇમે ભાગી જાય છે. એનાં મા-બાપે મારે ભરોસે અહીં મોકલ્યો તો વગર જૉઇતો વંઠી ગયો.’ કીટલીમાલિક ઓડિયન્સ સામે ખુલાસો કરી બાંકડે બેઠેલા ચાહકો તરફ ફર્યો, ‘ખબરદાર, જૉ તમે ગીગલાને ફટવ્યો છે તો. ચૂપચાપ ચા પીને ચાલતી પકડવાની. લખી રાખો.’

બગીચામાં સોપો પાડી કીટલીમાલિક ચાલતા ચાલતા ચૂપચાપ અમારી પાછળ આવીને ભા. વિષ્ણુભાઇએ ઉદ્ગગાર કાઢયા : ‘ટાઢે પાણીએ બાથરૂમ સિંગર ગયો.’‘કોને ખબર છે, કદાચ ટીવીસ્પર્ધામાં જીતી પણ જાય.’ મેં કહ્યું.

‘તો સારું. અહીં તો શાંતિ.’

– તારક મહેતા

તારક મહેતા – ભ્રષ્ટાચાર કથા

બોમ્બબ્લાસ્ટના મુખ્ય આરોપીની માફક વરસાદ હજી લાપતા છે. ઉનાળાએ એની ગેરહાજરીમાં પોતાના કરતબ ચાલુ રાખ્યા છે. બગીચાનાં ઘટાદાર વૃક્ષોમાં ઉકળાટને કારણે અસંતુષ્ટ રાજકારણીઓની માફક કૂદાકૂદ કરી નિર્દોષ પક્ષીઓને પજવે છે.

આ બધી લીલાઓથી ટેવાઈ ગયેલા મારા જેવા સિનિયર સિટિઝનો બગાસાં ખાતાં ખાતાં પરસેવો લૂછે છે અને માણેકચોકમાં શાક લેવા નીકળી પડયા હોય તેમ બાંકડા ઉપર ડાફરિયાં મારતા અને વખતોવખત અમારાં વસ્ત્રોમાં ઘૂસી ઉપદ્રવ કરતા મંકોડાઓને ઝાટકીને અમે ટાઇમપાસ કરીએ છીએ. આ મોસમી કંટાળો દૂર કરવા, અમે વાતો પણ કરીએ છીએ.

મારી સામેના બાંકડે બિહારીની બાજુમાં કલ્પેશ કચુકા બેઠો છે. બિહારી ઝભ્ભા લેંઘામાં છે. કલ્પેશ શર્ટ-પેન્ટમાં છે. મારી બાજુના બાંકડે અડવાણી બ્રાન્ડની ટાલવાળો ગોપાલ ખત્રી છે. બિહારીની બાજુના બાંકડે વડીલ વિષ્ણુભાઈ એમના શેતરંજી તકિયા ઉપર હંમેશ મુજબ ઢળ્યા છે.

`છેવટે પ્રતિભાતાઈ રાષ્ટ્રપતિભવનમાં ગોઠવાઈ ગયાં.’ કલ્પેશે બગીચાની શાંતિમાં તડ પાડી. શ્નતેમાં તેં નવું શું કહ્યું? જેમની સરકાર હોય તેમનો જ રબરસ્ટેમ્પ બને. રબરસ્ટેમ્પની લાયકાત જૉવાની ન હોય. એમને વોટ આપનારા પણ એવા જ હોય છે. પોલિટિકસમાં એવું જ ચાલે છે.’ ગોપાલે ટેનિસના ખેલાડીની પેઠે કલ્પેશને દડો પાછો મોકલી આપ્યો. `કલામસાહેબ રાષ્ટ્રપતિ નિમાયા ત્યારે કશી હોહા નહોતી થઈ અને આ પાટીલમેડમ વખતે તો આક્ષેપોની ઝડી વરસી.’ કલ્પેશ કચુકાએ દડો પાછો મોકલી આપ્યો.

`આક્ષેપોને કોણ ગણકારે છે? મનમોહનસિંહે શિબુ સોરેન જેવા હત્યારાને મિનિસ્ટર બનાવ્યો જ હતો ને? લાલુ યાદવ મિનિસ્ટર છે જ ને? બિહારનો ચીફ મિનિસ્ટર હતો ત્યારે ગાય-ભેંસોનો ઘાસચારો ડૂચી ગયો’તો.

હવે રેલવે મિનિસ્ટર તરીકે એન્જિનના કોલસા ચાવી જશે તો ય મનમોહનસિંહ તો એનો એ જવાબ આપશે કે – જયાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ છે. એટલે તો માયાવતીએ પોતાની પાસે બાવન કરોડ છે એમ બેધડક કહી દીધું.

કહે છે, દલિતોને મારી ગરીબીની દયા આવી એટલે મારે માટે ઉઘરાણું કર્યું. દલિતોની ગરીબી જતા જશે પણ માયાવતીનો ઉદ્ધાર થઈ ગયો. ઇન્દિરાજીએ મહાન સત્ય ઉરચારેલું, ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે. હવે આપણે એમણે ચીંધેલા માર્ગે આગળ વધીને કહેવાનું, ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત છે. હવે ભ્રષ્ટાચારને સ્વીકૃતિ મળી છે.’ ગોપાલે ભરડી નાખ્યું.

`એ વાત ખોટી છે.’ આંખો બંધ કરીને સાંભળી રહેલા વડીલ વિષ્ણુભાઇએ વિરોધ જાહેર કર્યો. ટીવી ઉપર `બ્રેકિંગ ન્યૂઝ’ શબ્દો ચમકે અને દર્શકો ઉત્સુકતાથી પડદા ભણી તાકી રહે તેમ અમે એમને તાકી રહ્યા. ચર્ચામાં નાટકીય એન્ટ્રી મારતા હોય તેમ એ બોલ્યા, શ્નતમે બધા અજ્ઞાની છો.’

લાંબુ બોલવાની તૈયારી કરતા હોય એમ તેમણે ઊંડો શ્વાસ લીધો અને વાંદરાઓ પણ ધ્રૂજી જાય તેવો ખોંખારો ખાધો. `પુરાણકાળથી ઈશ્વરને નામે બ્રાહ્મણો દક્ષણિ લેતા આવ્યા છે. ઈશ્વરને ફકત આ પૃથ્વી સંભાળવાની નથી, આખું બ્રહ્માંડ સંભાળવાનું છે. એમને તમારા ચલણ અને બીજી-તીજી સામગ્રી શા ખપનાં, મૂર્તિઓને ઘી-તેલ ચોળો એ ઈશ્વરને ચઢે છે? અમારો ગોર તો શ્રાદ્ધ વખતે દક્ષણિમાં રંગીન ટીવીનો સેટ પણ લઈ ગયો હતો. એ બેઠાં બેઠાં આપણી સિરિયલો કે ટેસ્ટમેચો જૉતા હશે?

પણ આપણને ઠસી ગયું છે કે ઈશ્વરે બ્રાહ્મણોને ખાસ પ્રતિનિધિઓ નીમ્યા છે અને એમના થકી બધું ઈશ્વરને પહોંચે છે. આ મેન્ટાલિટી પ્રાચીન છે. એક સર્વમાન્ય વ્યવહાર છે એટલે આપણે ત્યાં મોગલો, વલંદાઓ, ફિરંગીઓ, અંગ્રેજૉ સહેલાઈથી રાજ કરી શકયા. અંગ્રેજૉ બક્ષસિ લઇને આપણા દેશીઓને ખિતાબો વહેંચતાં.

રાવ બહાદુર, દીવાન બહાદુર, જંગ બહાદુર. અમારી પોળમાં એક ફાલતુ કારકુન એના ઉપરી સાહેબોને ઘરે બોલાવી બધી રીતે એન્ટરટેઇન કરતો. ગોરા સાહેબોએ રાજી થઇને એને રાવસાહેબનો ખિતાબ આપેલો. એ રાવસાહેબ કટકી લઇને લોકોનાં કામ કરાવી આપતો.

પેલા સલમાન રશદીએ ઇસ્લામની કુથલી કરી તો ઇંગ્લેન્ડની મહારાણીએ એને શ્નસર’નો ખિતાબ આપી દીધો. આપણે ત્યાંયે ખિતાબોનું ડીંડવાણું ચાલે જ છે ને. અરે નહેરુજીના ટાઇમમાં બનેલો કિસ્સો કહું. આમ તો સત્યકથા તરીકે સાંભળેલી પણ કદાચ જૉક પણ હોય. અમે જયારે નાના હતા ત્યારે મારા બાપાના એક ઓળખીતા વેપારી લાલજીભાઈની માધુપુરામાં કરિયાણાની દુકાન હતી. એ વખતે આઝાદીની લડતનો પવન ફૂંકાયેલો. બ્રિટિશ સરકારે સપાટો બોલાવી નાના-મોટા નેતાઓને જેલમાં ખોસી દીધેલા, તેમાં લાલજીભાઈ પણ હતા. જેલમાં એમણે નહેરુજીની બહુ સેવા કરેલી. જેલમાંથી છૂટયા પછી લાલજીભાઈ ધંધામાં ઘ્યાન આપવાને બદલે આખો દિવસ પોતાના જેલના અનુભવો ગ્રાહકોને સંભળાવ્યા કરતા.

એમના બંને દીકરાઓ રોજેરોજ આપવીતી સાંભળી સાંભળી કંટાળવા લાગ્યા ત્યારે મોટા દીકરાએ એક દિવસ લાલજીભાઈને સંભળાવ્યું, શ્નબાપા, તમે રોજ નહેરુજીના નામના મંજિરાં વગાડો છો તેમાં આપણું શું રંધાયું.

તમારી જૉડે જે બધા જેલમાં હતા એ બધા આઝાદી પછી બહાર બંગલાઓ બંધાઈને બેસી ગયા છે ને આપણે અહીં ગોલકામાં ગોળ જૉખતા બેસી રહ્યા છીએ. તમારે નેહરુજી જૉડે દોસ્તી થઈ ગઈ’તી તો એમને મળીને એકાદ ભલામણ ચિઠ્ઠી લઈ આવો તો અમારું કંઈ ભલું થાય.’

ધેર લાલજીભાઈનાં વાઇફ પણ દીકરાઓ સાથે જૉડાઈ ગયાં. થોડા દિવસ ટિટિયારો ચાલ્યો ત્યારે ડંખતા આત્મા સાથે એ સુદામા જેમ કૃષ્ણને મળવા ગયેલા તેમ નહેરુજીને મળવા દિલ્હી પહોંરયા. નહેરુજીએ ઉમળકાથી આવકાર્યા. લાલજીએ અચકાતા અચકાતા પોતાનો પ્રોબ્લેમ કહ્યો.

નહેરુજીએ પોતાના સેક્રેટરીને બોલાવી ગુજરાત સરકાર ઉપર કાગળ ડિકટેટ કરાવ્યો. લાલજીભાઈ હરખાતા હરખાતા અમદાવાદ આવ્યા. દીકરાઓ હરખાતા હરખાતા જૂના સચિવાલય પર પહોંરયા. કોઈ કારખાનું ખોલવાનો પ્લાન કહ્યો. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના અમલદારે ખાનગીમાં દીકરાઓ પાસે પચીસ હજાર માગ્યા.

દીકરાઓ વીલે મોંઢે પાછા ફર્યા. વાત સાંભળી ઉશ્કેરાયેલા લાલજી દિલ્હી પહોંરયા. એમને મનમાં એમ કે જવાહરલાલ ગુજરાત સરકારને ધધડાવી નાખશે. તેને બદલે જવાહરલાલે ઠંડે કલેજે કહ્યું, `લાલજી, તારે પૈસા તો આપવા જ પડશે.’

`તમારી ચિઠ્ઠી છે તો પણ?’ `જૉ લાલજી, ચિઠ્ઠી છે તો તારું કામ નક્કી થશે. બાકી તો વર્ષોસુધી તને ધક્કા ખવડાવશે ને તારા પૈસા ચાંઉ થઈ જશે. સરકારો બધી આમ જ ચાલે છે, સમજયો?’

વડીલ વિષ્ણુભાઇએ વાત પૂરી કરતાં ઉમેર્યું, શ્નનહેરુના ટાઇમમાં પણ કૌભાંડો થયેલાં પણ ત્યારે મીડિયા આજના જેટલું સજાગ નહોતું. નહેરુ આંખ આડા કાન કરતા. ઇન્દિરાજીએ ખુલ્લે છોગે ડીંડવાણું ચલાવેલું અને એ બાબતમાં બધી સરકારો સરખી છે. હવે રબરસ્ટેમ્પ હાથમાં આવી ગયો છે. દે દામોદર, દાળમાં પાણી. જૉયા કરો.’ ઇતિ શ્રી ભ્રષ્ટાચાર કથા સમાપ્ત.

– તારક મહેતા

તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન સળગાવવા ભાજપવાળાએ કેરોસીનની પરબ ખોલી હતી અને છેક નરોડા સુધી કોમવાદી કેરોસીનના રેલા આવ્યા હતા એવું પુરવાર કરવાનો પ્રયત્ન થયો હતો.

થોડા દિવસ પહેલાં સોનિયાજી ગુજરાતીઓને સમજાવતાં હતાં, ગુજરાતનાં રમખાણો અને નંદીગ્રામનાં તોફાનો સરકાર પ્રેરિત હતાં. સેકયુલર સોનિયાજીએ એકવીસમી સદીની મહાન શોધ કરી છે, કે કોમી રમખાણો નરેન્દ્ર મોદીની મૌલિક શોધ છે. મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે? એમના ચમચાઓ તો એવો જ ઇતિહાસ ઠસાવે કે આ દેશમાં જે કંઇ સર્વશ્રેષ્ઠ છે તે ઇંદિરાજી અને રાજીવજીના પ્રતાપે છે અને એમનાં અધૂરાં મહાન કાર્યોપરિપૂર્ણ કરવા રાહુલબાબા નિર્માયા છે.

મેડમને કોણ ભણાવે કે કોમી રમખાણો મોગલો, અંગ્રેજૉ અને કોંગ્રેસ કાળમાં થતાં હતાં. કોમવાદી પક્ષોને કારણે કોમી રમખાણો નથી થતાં બલકે રમખાણોને કારણે કોમીવાદી પક્ષોને પ્રોત્સાહન મળ્યું છે. ૧૯૪૮માં હું કોલેજના ફસ્ર્ટ યરમાં હતો ત્યારે અમદાવાદના રમખાણમાં અમારું ખાડિયા ચારે બાજુથી ધેરાઇ ગયું હતું. રાત્રે ગોલવાડ અને રાયપુર દરવાજા તરફથી ‘અલ્લાહુ અકબર’ના પોકારો સંભળાતા ત્યારે આખા ખાડિયાની ઘ ડી જતી. અમારાં એક દાદી દરેક પોકારે જાજરૂમાં ભરાઇ જતાં. અફવાખોરાના રાફડા ફાટયા હતા. ફલાણી પોળ પાસે લાશો પડી છે. ફલાણા દરવાજે બે ટોળાં વરચે ધિંગાણું ચાલી રહ્યું છે. મુંબઇથી રોજ સો મવાલીઓ છરીછાકાં સાથે આવે છે.

રમખાણોનો સિલસિલો ચાલતો જ રહ્યો છે અને ચાલ્યા કરશે કારણ કે આપણા રાજકારણીઓ લોકોને સેકયુલર રમકડાંથી રમાડે છે. હવે લઘુમતીઓ પણ એ જૂનાં રમકડાંથી છેતરાતી નથી. આ વખતે માયાવતીએ એવાં રમકડાં કાઢયાં જે બધી વરણના લોકોને લપેટમાં લઇ લે.

લાલીઆઓએ નંદીગ્રામમાં લાલ વાવટા ફરકાવ્યા તો સરકારની તાનાશાહીથી ત્રાસેલી પ્રજાએ કોલકાતાની સડકો સળગાવી. સોનિયામાતાજી ત્યાંનાં તોફાનોને સરકાર પ્રેરિત કહે છે. પ્રેરિત બેરિત જેવું કંઇ છે નહીં. સરકાર પોતે જ પોતાના ગુંડાઓને પોલીસના યુનિફોર્મ પહેરાવી પ્રજા ઉપર છોડી મૂકે છે. પછી લાશો પડે, આગ, લૂંટફાટ, અત્યાચાર-બળાત્કારના આંકડા કોણ નોંધે? સરકાર પોતે જ આવી લાલીલીલા કરે પછી મમતાદીદી ઝાંસીની રાણી પેઠે તલવાર વીંઝ્યાં કરે તો એ બચારી બાઇને કોણ સાંભળે છે? મીડિયાવાળાની ઐસીતૈસી. જૉસેફ સ્ટેલીને રશિયામાં અને માઓએ ચીનમાં લાખ્ખો માણસોની કત્લેઆમ કરી હતી. નથી સ્ટેલીન રહ્યો, નથી સામ્યવાદ. ચીનમાં સરકારે સામ્યવાદનાં વરખ ચોંટાડી રાખ્યાં છે અને પોતે જ મૂડીવાદી થઇ ગઇ છે.હરિ હરિ!

હવે રહી રહીને પિશ્ચમ બંગાળ સરકારને ઔધોગિકિકરણનું ફેફરું પડયું છે. પોતે કમાવા માગે છે પણ ગરીબ પ્રજા પોતાના માનવ હક્કોની માગણી કરે છે તો દે ધનાધન. સાલા, મારવાના થયા છો, તો લેતા જાવ. ગુજરાતમાં બંગાળ થાય તો સોનિયામાતાજી પ્રતિભા પાટીલજીને સોંપી દે પણ લાલ વાવટાને ફરકવા દેવા જ પડે. ગરીબોની લાશો કરતાં અમેરિકા સાથે પરમાણુ કરાર અગત્યના છે અને નંદીગ્રામ પછી કોલકાતામાં દાઝેલા લાલભાઇઓ કુણા પડયા છે. રહી રહીને લાલીઆઓને કોંગ્રેસની ગરજ પડી છે. આવ ભાઇ હરખા, આપણે બે સરખા.

નવેમ્બર મહિનો આવ્યો એટલે દિલ્હીના શીખોના હત્યાકાંડની સંવત્સરી તાજી થઇ. અંગ્રેજીમાં લખતા નામાંકિત લેખક સરદાર ખુશવંતસિંહે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં બળાપો કાઢયો. ૧૯૮૪ના નવેમ્બર ૨૩(કે ૨૪)ના ધોળે દહાડે હજારો શીખોને રહેંસી નખાયા હતા. એમનાં ઘરબાર લૂંટાયાં અને બાળવામાં આવ્યાં હતાં કારણ કે વડાપ્રધાન ઇંદિરાજીની શીખ ચોકીદારોએ હત્યા કરી. તે વખતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ પોતે શીખ હતા અને આ હિંસાનો વિરોધ કરવાને બદલે રાષ્ટ્ર્પતિ ભવનમાં ભરાઇ રહ્યા હતા, ખુશવંતસિંહ ટેલિફોન પણ રિસીવ કરતા નહોતા.એચ.કે.એલ ભગત, જગદીશ ટાઇટલર, સજજનસિંહ જેવા કોંગ્રેસના મોટાં માથાં આ હિંસક આક્રમણના ઉધાડેછોગ સેનાપતિ થયા હતા. નજરે જૉનાર સાક્ષીઓની હજારો ફરિયાદો થઇ હતી, પણ વાઘને કેમ કહેવાય-તારું મોં લાલ છે? તહેલકાવાળા ત્યારે ઘતા હતા.

જ્ઞાનપીઠ ઉપરાંત અન્ય કેટલાક પુરસ્કારોના વિજેતા, નકસલવાદી, બંગાળના આદિવાસી સમાજના પ્રખર સુધારક, બંગાળી સાહિત્યસર્જનમાં અમૂલ્ય પ્રદાન દ્વારા દેશભરમાં નામાંકિત થયેલાં વયોવૃદ્ધ પદ્મશ્રી શ્રીમતી મહાશ્વેતાદેવીએ તાજેતરમાં જ ટકોર કરી હતી: બંગાળે ગુજરાત પાસેથી ઘણું શીખવા જેવું છે.

પણ સામ્યવાદીઓ મનમોહનસિંહ અને સોનિયાજીને શીખવામાં પડયા છે. બંગાળના અગ્રણ્ય સાહિત્યકારો, કલાકારો અને બૌદ્ધિકોએ ઠેરઠેર લાલીઆઓનાં દમનનો વિરોધ કર્યોપણ એ કોઇને ગાંઠતા નથી. ચૂંટણીને માથે રાખી મારે કબૂલવું પડશે, મારા શાળાકાળથી પીઢ સરકારી અમલદાર થયો ત્યાં સુધી હું કટ્ટર કોંગ્રેસી હતો. પણ ઇન્દિરાજીએ ઇમરજન્સીનો દંડુકો વીંઝ્યો તેમાં રાજકારણ અને લોકશાહીનાં ચીંથરાં થઇ ગયાં. કોંગ્રેસ સિવાયના પક્ષો જૉરમાં આવતા ગયા.

હું તો હવે એકેય પક્ષમાં રહ્યો નથી કારણ કે મને ચારે બાજુ કોંગ્રેસનાં કાટૂર્ન દેખાય છે. નવાં ટાઇટલ સાથે જૂનાં નાટકો ભજવાતાં દેખાય છે. ઇતિહાસમાંથી માણસ એટલું જ શીખ્યો, કે ઇતિહાસમાંથી કંઇ શીખવા જેવું નથી.

– તારક મહેતા

તારાપદ રાય (અનુ. નલિની માડગાંવકર) – ઈશ્વર અને મારી કવિતા

જયદેવની વાત યાદ રાખી
તારે માટે ઘર બહાર દરવાન રાખીશ
તારે જે કરવું હોય તે કર, ઈશ્વર,
મારી ગેરહાજરીનો લાભ લઇ
મારી જ છદ્મવેશમાં
મારી કવિતા પૂરી કરવા નહીં આવતો.

– તારાપદ રાય (અનુ. નલિની માડગાંવકર)

તાહા મન્સૂરી – અમનકે ફરિશ્તેં

કલ રાત
અમનકા પૈગામ દેનેવાલી
એક ફિલ્મ દેખી
હિરોકી જગહ ખુદકો રખકર
ખુલી આંખસે ખ્વાબ દેખને લગા
જબ આંખ લગી તો
ખ્વાબમેં ગાંધીબાપુ આયેં ઔર
કેહને લગેઃ “બેટા,
તુમ્હારા ઝમાના અક્લમંદોકા હૈ
તુમ અમનકે નામ પર
બેહતરિન ફિલ્મેં બનાકર
લોગોંકો અચ્છા બેવકુફ બના લેતે હો.
ફિર કહાઃ હમારે ઝમાનેમેં
વસંત-રજબ નામકે
દો નૌજવાન થે જિન્હોંને
અમનકે લિયે અપની જાનેં કુર્બાન કી
ક્યા તુમ્હારે ઝમાનેમેં ઐસા કોઈ
અસલી હિરો નહી?”
બાપુકી બાત સુનકર મેરી તો
હંસી હી નિકલ ગઈ
મૈંને કહાઃ “બાપુ
વસંત-રજબ તો છોડિયેં અબ તો
અમન કે વો સફેદ કબૂતર ભી મુશ્કિલસે મિલતે હૈં
જિન્હેં ઉડાકર અમનકા પૈગામ દિયા જાતા હૈં
જબ કોઈ ખાસ મૌકે પર
ઉન્હેં ઉડાના હો તો
૨-૩ દિન પેહલેં તો આદમી લગાને પડતે હૈં
ઉન્હેં પકડનેકે લિયે”
મૈંને કહાઃ “બાપુ, ઈસ મુલ્કકી તો
વાટ લગી હુઈ હૈં
ક્યા આપ ફિરસે પૈદા નહીં હો સકતે?
ઈસ મુલ્કકી બિગડીકો ફિર બનાનેકે લિયે.
બાપુ મુસ્કુરાયેં ઔર કેહનેં લગેઃ “બેટા,
અબ સિર્ફ મેં હી નહીં,
૧૦-૨૦ ગાંધી ઔર ભી પૈદા હો જાયે
તબ ભી ઈસ મુલ્કકી કિસ્મત નહીં બદલ સકતે
ક્યુંકિ હમારે દુશ્મન અંગ્રેજ થે
જબકિ તુમ તો
અપને હિંદુસ્તાની ભાઈકે હી
દુશ્મન બનેં બૈઠેં હો
અબ ઈસ મુલ્કકો સિર્ફ ભગવાન હી બચા સકતા હૈં
સિર્ફ ભગવાન . . . સિર્ફ ભગવાન
અચાનક કુછ કુત્તોંકે ભોકનેંકી
આવાઝ સુનકર મેરી આંખ ખુલ ગઈ,
દિલમેં હુઆ, આજ
અમનકા ઝંડા પકડનેવાલોંકી
હાલતભી ઇન કુત્તો જૈસી હી હૈં ના !
કે યે લોગ ઝોર ઝોરસે ચિલ્લાતે હૈં
મગર કૌમકો ઇનકા ચિલ્લાના અસર નહીં કરતા હૈ
ક્યુંકી યે કુત્તોંકી તરહ અપને હી ભાઈકો
અપને ઘરમેં પસંદ નહીં કરતે . . .
ઈતનેમેં એક ફકીર આયા ઔર ઉસને ઉન કુત્તોંકો ભગા દિયા
ઉસ ફકીરકો દેખકર લગા કે
ઈન અંધેરોમેં ભી રોશનીકી એક ઉમ્મીદ ઝિંદા હૈ અભી . . .

– તાહા મન્સૂરી

તું હસે છે જ્યારે જ્યારે,

તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે.
હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાઇ આ ખાડામાં કેટલા પડે છે!

તમે ફૂલ નહીં પન જમીન પર ઉગ્તા ઘાસ છો,
સાચ્ચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.

તુષાર શુક્લ – એમ પૂછીને થાય નહીં પ્રેમ

(ખાસ જયશ્રી બહેન ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ?’ ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ, અંતે તો હેમ નું હેમ….
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ…
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

તુષાર શુક્લ – ચોમાસું ક્યાંક આસપાસ છે

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલ ઉપર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

– તુષાર શુક્લ

તુષાર શુક્લ – સરનામું

આપણું જ સરનામું હોય તોય
ઇ હાથમાંથી કાગળ લઇ જાય પાછો
વરસ્યા વિના જ આજે પાછું વળ્યું છે
અષાઢી આભલેથી વાદળુ
અક્ષર જાણીતા… સરનામુ’ય પુરૂ
ગૂલમહોર બંગલો ‘ય સાચો
મારા આંગણીયામાં આવીને
મને જ પૂછે … માલિકનું નામ વાંચો તો

– તુષાર શુક્લ

તેજસ જોષી – મે તને જોઈ છે

મે તને જોઈ છે
શિયાળાની સવારના તડકામાં
ઘાસની પર બાઝેલા ઝાંકળમાં
તાપણામાંથી ઉડતા તણખલામાં
મોંમાથી નીકળતી વરાળની કુમાશમાં
ફાટી ગયેલા હોઠની દઝાડતી ઝાંયમાં
ચાહમાંથી આવ્તી એલચીની સુગંધમાં
રસ્તા પર બેઠેલી સળેકડી નિર્જનતામાં
વ્રુક્ષમાંથી ચળાઈને આવતા સૂર્યકિરણોમાં
મંદિરમાં વાગતા નગારાનાં નાદમાં
પહાડ પરથી સરકી જતી વાદળીની ભીનાશમાં
પર્વતની ટોચ પર અને ખીણની કિનાર પર
ધુમ્મસમાં સરી જતી ઘટનાઓમાં
રણમાં ઊગતા મ્રુગજળના પાણીમાં
ધૂળની ડમરીમાં અને સૂરજની ગરમીમાં
પહેલા વરસાદની ભીની ખુશ્બુમાં
નળીયેથી ટપકતી ધારમાં
ટ્રેનની બારીમાંથી આવતી વાછ્ટમાં
સપ્તરંગી મેઘધનુષમાં
વરસાદ સાથે ‘બેલે’ કરતાં વ્રુક્ષોમાં
આખી રાત ટમટમતા આસમાની તારલાઓમાં
પૂનમની ચાંદનીમાં અને અમાસના અંધકારમાં
રોડ ઊપર ઢોળાઈ જતી નિયોન સાઈન લાઈટમાં
ઊગતા સૂરજનાં પહેલા કિરણમાં
વસંતના વ્રુક્ષોની લીલાશમાં
ફૂલોની મદહોશ સુવાસમાં
પતંગિયાની પાંખોથી વિંઝાતી હવામાં
ભમરા અને ફૂલોના સંભોગમાં
બાળકના બોખા હાસ્યમાં
પ્રેમી યુગલની આગોશમાં

-તેજસ જોષી

ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

– ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ

ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – બિલાડી

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપળી છે

તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે

તે દહીં ખાય – દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય

તે ઉંદરને જટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

– ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ

ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – વહાલી બા

બા લાગે વહાલી, મને તો
બા લાગે વહાલી;

વહાલામાં વહાલી, મને તો
બા લાગે વહાલી

હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી … મને તો

જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી … મને તો

હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી … મને તો

વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી … મને તો

– ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ

ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – વાજાં

વાગે વરઘોડાનાં વાજાં ચાલો જોવાને જઇએ !
સૂરીલી શરણાઇ બોલે જાણે કોયલ કૂકે,
ઢબક ધ્રિબાંગ ઢબક ધ્રિબાંગ ઢોલ જુઓ ઢૂબકે ! … ચાલો.
પડઘમ ને રમઢોલ સાથે કડકડ કડકડ ધોમ,
મીઠા મીઠા પાવા એના પી પી પી પી પોમ ! … ચાલો.
નગારચીની નોબત ગગડે કડાંગ ધિનકીટ ધા,
સૂર ઊંચા સંભળાયે એની પિપૂડીના તીખા … ચાલો.

– ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ

ત્રિલોક મહેતા – જો મને

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.

– ત્રિલોક મહેતા

દત્તાત્રય ભટ્ટ – થઇ નજર ફરતી

થઇ નજર ફરતી અને સઘળે થયો આ ઘાટ છે,
મોસમી વરસાદ હોવો જોઇએ, ઉકળાટ છે.

ફૂલ ફોર્યું એટલે કાંટા તરત ભેગા થયા,
કે પવનને બાંધવો પડશે હવે, ભુરરાટ છે.

ઘૂમટો પવને ઊડ્યો ને આંખમાં ઉચળાટ છે,
ગામ ઉજ્જ્વળ થઇ ગયું ને બાગ ફાટફાટ છે.

કસકસી ફફડાટ બાંધ્યો, મોર ટહુક્યા છાતીએ,
સૌ નજર બેબાક છે, ચોળી બની મ્હોંફાટ છે.

એક ઝાંઝરને થયા વીંટી થવાના કોડ જ્યાં,
ગામ, ચૉરે, મંદિરે વ્યાપી ગયો રઘવાટ છે.

– દત્તાત્રય ભટ્ટ

વિવેક ટેલર says:

સુંદર ગઝલ… મત્લાનો શેર વાંચી આ સદાબહાર શેર યાદ આવી ગયો:

અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બેફામ

દત્તાત્રય ભટ્ટ – રણ બનાવીએ

અર્થને શખ્દે મૂકી ગોફણ બનાવીએ,
ઝાંઝવાં ભેગાં કરીને રણ બનાવીએ.

દોટ, ચિંતા, વ્યસ્તતા, પાષાણતા વરચે,
કૈં કરીએ એવું, એને જણ બનાવીએ.

પાંદડાંને ડાળથી વિરછેદવા માટે,
આપણું તો એવું કે, ભૈ ! ઘણ બનાવીએ.

ચાડિયો દેખીને પથ્થર ચૂગવા માંડે,
છૂટતા ગોફણથી પથ્થર ચણ બનાવીએ.

ઝૂમતા રોકી શકે છે કોણ ? કઇ રીતે ?
આંસુનાં ઝાંઝર અને કંકણ બનાવીએ.

– દત્તાત્રય ભટ્ટ

દલપત પઢિયાર – પુણ્ય સ્મરણ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

અમને કોની રે સગાયું આજ સાંભરે ?
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે….
કોની રે સગાયું આજ સાંભરે ?

કોઇ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે……
કોની રે સગાયું આજ સાંભરે ?

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ,
અમને દાદા દેખાય પેલી ડેલીએ…..
કોની રે સગાયું આજ સાંભરે ?

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અદ્ધર ટોડલે,
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…..
કોની રે સગાયું આજ સાંભરે ?

કોઇ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખાજલિયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પીંખીએ….
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

– દલપત પઢિયાર

વિવેક says:

જૂના કવિઓની કવિતાઓ આજની પેઢી વાંચે અને આવા માધ્યમ દ્વારા અનેકને વંચાવવાનો નિયમિત પરિશ્રમ કરે એ વાત જે ગુજરાતમાં હું રહું છું ત્યાં તો આકાશકુસુમવત જ લાગે છે. પરંતુ માતૃભૂમિથી દૂર એક નાનેરૂં પણ સાચું ગુજરાત આત્મસાત કરનાર આ તમામ પરદેશવાસીઓ આ સ્વપ્નીલ વાસ્તવિક્તા જીવી રહ્યાં છે એ બદલ તેઓ સૌ ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે…!

દલપતરામ – અંધેરી નગરી

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

જહાં ભણેલ ન ભૂપતિ, નીપજે એવો ન્યાય;
દેશસુધારાની તહાં, આશા શી રખાય ?

– દલપતરામ

દલપતરામ – અરે, રુડો માનવ દેહ આવ્યો

અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. ૧

ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો,
ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ. ૨

સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો,
તો વાગશે નિર્ભયનું નગારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૩

હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યુ તે જ સદૈવ સાથે ;
બીજુ નહી એક મળે બુઝારું, કરો કરો કંઈક કામ સારુ, ૪

જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીન નહિ શ્રેષ્ઠ જાણો;
જરે કરીને ન રમો જુગારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૫

આયુષ્યમાંથી પળ ઓછી થાય, મહામુલી તે નહિ મેળવાય;
જરૂર આ જીવન છે જનારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૬

મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;
વિશેષ શુ વર્ણન હું વધારું, કરો કરો કાંઈક કામ સારુ. ૭

નથી નથી નિશ્વલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્વલ નરિનેહ;
અંતે થશે તે સઘળુ6 અકારુ, કરો કરો કાંઈક કામ સારુ.

મનુષ્યકાયા નથી મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષી ઘાટે;
અખંડ સ્વર્ગે સુખ આપનારુ, કરો કરો કાંઈક કામ સારુ.

– દલપતરામ

દલપતરામ – ઊંટ

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

– દલપતરામ

Pancham Shukla says:

Very nice old poem with a universal relevance till date.
It is in ‘Manahar Chhand’. Total 31 words in a couplet. 16 word in first line and 15 in the second. Though, it is a ‘chhand’ there is no fixed structure of ‘Laghu-la’ and ‘Guru-Ga’.
However, it requires a unique way of slow receitation such athat all words are pronounced as ‘Guru-Ga’.

દલપતરામ – એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

– દલપતરામ

દલપતરામ – ચોમાસું

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

– દલપતરામ

દલપતરામ – વાંઢાની પત્નીઝંખના

જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧

મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨

અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩

ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;
એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪

રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫

મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું, ૬

વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭

ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે, ૮

પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા, ૯

અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા;
મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં, ૧૦

મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી, ૧૧

અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી. ૧૨

– દલપતરામ

દામોદર ખુશાલદાસ બોટાદકર – આણાં

આવી આવી વગડા વીંધી વેલ્ય જો !
ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
આજ ફળી અંતરની એકલ આશ જો,
મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં.

મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો,
બાપુને અંતરથી છૂટી બેટડી;
ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો,
બંધવડે વિસારી એની બહેનડી.

શેરડીએ વીરાનો શીળો સાદ જો,
શીળા એને ઉર શોભે સંદેશડાં.
મીઠાં મીઠાં મહીયર કેરાં માન જો,
મહિયરનાં મારગડાં મનને મીઠડાં.

સાસુજી આપોને અમને શીખ જો,
ભાવભર્યા એ ભાંડરડાંને ભેટવાં.
જોશું જોશું વહાલેરી વનવાટ જો,
જોશું રે મહિયરનાં જૂનાં ઝાડવાં.

જોશું જોશું દાદાનો દરબાર જો,
કાળજડે રમતાં એ ગઢનાં કાંગરા.
મીઠો વરસે માવલડીનો મેહ જો,
નહાશું એના ઝરમર ઝરતાં નીરમાં.

સામો મળશે સાહેલીનો સાથ જો,
આંખલડીના આંસુ આદર આપતાં.
વાતલડીનો વધતો વેગ વિશાળ જો;
મીઠાં કૈક મનોરથ મનમાં મ્હાલતાં.

વસમી લાગે ભવની લાંબી વાટ જો,
મહીયરને મારગડે શીળી છાંયડી;
પળપળ પીવાં કૈંક જગતનાં ઝેર જો;
માડીનાં કરમાંય સજીવન સોગઠી.

– દામોદર ખુશાલદાસ બોટાદકર

દામોદર ખુશાલદાસ બોટાદકર – જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– દામોદર ખુશાલદાસ બોટાદકર

દામોદર ખુશાલદાસ બોટાદકર – પતંગ

કંઈક કરતાં તૂટે, તૂટો હવે દ્રઢ દોર આ!
હૃદય સહસા છૂટે, છૂટો કુસંગતિથી અહા!

પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે!
તન ભટકતાં સિંધુ કેરા ભલે હૃદયે ભળે…

ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,
ગિરિકુહુરની ઊંડી ઊંડી શિલા પર છો પડે…

મૃદુલ ઉરમાં ચીરા ઊંડાં ભલે પળમાં પડે,
જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને…

પણ અધમ આ વૃતિ કેરો વિનાશ અહા થશે,
પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે…

રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,
ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે…

– દામોદર ખુશાલદાસ બોટાદકર

દાસી જીવણ (જીવણ સાહેબ) – મોરલો મરતલોકમાં આવ્યો

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો- મોર, તું તો..

ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

– દાસી જીવણ (જીવણ સાહેબ)

વિવેક ટેલર says:

દાસી જીવણના ભક્તિપદ આપ અહીં પણ માણી શકો છો:

http://layastaro.com/?cat=268&submit=view

દિનેશ કોઠારી – ગૌરવ

ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમ તો વગડાઇ તોયે ફૂલ છું,
કાંટો નથી.

– દિનેશ કોઠારી

દિનેશ ડોંગરે – બેક-અપ

સ્ર્કીન-સેવરની જેમ લાગણીના દ્રશ્યો
એક પછી એક બદલી નાંખીએ,
ડિસ્કની ડિટૈલ્સ તો કરપ્ટ પણ થાય,
પ્રેમ બેક-અપમાં સાચવીને રાખીએ.

– દિનેશ ડોંગરે

દિલિપ રાવલ – હું સોળ વરસની થઇ

હું સોળ વરસની થઇ
કોડી છીપલાં સાથે આ રમવાની ઉમર ગઇ

હવે મને ગમવા લાગ્યો છે ધોધમાર વરસાદ
મીઠા આ મૂંઝારાની કોને કરવી ફરિયાદ
હવે પ્રેમના દસ્તાવેજે હું કરવાની સહી
હું સોળ વરસની થઇ

ઢીંગલીઓથી રમતા’તા એ દિવસો થયા કપૂર
લાગણીઓનું ઊછળે મારી અંદર ઘોડાપૂર
કોને કહીએ ‘ભાઇબંધ’ ને કોને કહીએ ‘ભઇ’
હું સોળ વરસની થઇ.

– દિલિપ રાવલ

દિલીપ મોદી – ચારેકોર

ફક્ત મનમાં લીલી કૂંપળ હોય છે
બાકી ચારેકોર બાવળ હોય છે.

– દિલીપ મોદી

દિલીપ વ્યાસ – આંસુ

આંસુ એથી જ દદડી પડે અવનવાં,
હા, મથું છું ભીતર સ્મિત કંડારવા.

એ ગયાં છે − છતાં યે હજી અહીં જ છે,
કોક તો આવે આ એને સમજાવવા !

યાદ ભાગ્યે જ આવે હવે આમ તો,
છે કપાળે લખ્યાં તો ય પણ, ભૂલવાં.

એને બનતાં સુધી ભૂલવામાં છીએ,
ક્યાંક ખુદ નહીં આવે ને રોકવા ?

આંગણામાં ફૂલોને ઊગાડો દિલીપ,
આવશે નહીં બીજું કોઈ મહેકાવવા.

સૌજન્ગય : “કવિલોક”, જુલાઈ-અૉગસ્ટ 2014

– દિલીપ વ્યાસ

દિવાબેન ભટ્ટ – લીલુંછમ

કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ …
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ …

– દિવાબેન ભટ્ટ

દીપક ત્રિવેદી – મનમાં જ હોય છે !

જટિલ કે સરલ મનમાં જ હોય છે !
ચલિત કે અચલ મનમાં જ હોય છે !

એનું સ્વરૂપ શું? જેનું નથી સ્વરૂપ –
સઘન કે તરલ મનમાં જ હોય છે !

વાંચી શકાય તો એ ખબર પડે-
શુષ્ક કે સજલ મનમાં જ હોય છે !

સરખું જ હોય છે ત્વચાનું આવરણ
શણ કે મલમલ મનમાં જ હોય છે !

યુગોથી એ ધખે ; ચાલે નદી થઇ;
સલિલ કે અનલ મનમાં જ હોય છે !

ચિત્રમાં બધા જ; રંગ મેં પૂર્યા ;
હરિત કે ધવલ મનમાં જ હોય છે !

ફકીરને તો શું, પામવું કહો?
મુકામ કે મજલ મનમાં જ હોય છે !

તર્કબદ્ધ હો બધું : દ્રશ્યદ્રશ્યમાં-
પૃથક કે સકલ મનમાં જ હોય છે !

– દીપક ત્રિવેદી

દીપક ત્રિવેદી – શું થવાનું ?

ઝીંકો જો ઘાવ જળમાં તો જળ ને શું થવાનું ?
તડકા ની આવ-જા થી વાદળને શું થવાનું ?

ભીના પતંગિયા કે ઈચ્છા નું હો સરોવર …
સઘળું લખી જવાથી કાગળને શું થવાનું ?

આંખો માં જઈ અચાનક પળ માં વળે જે પાછા..
સપના ઉગાડવાથી કાજળ ને શું થવાનું ?

કંઈ કેટલાં મુકામે પહાડ-ખીણ-કોતર..
નદીમાં આવવાથી ખળખળ ને શું થવાનું ?

વંટોળીયા સામે પડે કે તોફાન સૂસવે
સૂર્યના વલયને ઝળહળ ને શું થવાનું ?

– દીપક ત્રિવેદી

દુર્ગેશ ઉપાઘ્યાય – દરિયાનો ઘુઘવાટ

આજે તો આ દરિયાને ઉઠાવી જ જાવો છે!
હું એને લઇને આવું છું તારી પાસે,
અને તને આ દરિયો આપી દઇશ
ફરી એકવાર હું
ખાલીખમ્મ થઇ જઇશ..
પછી મારી ભીતર હશે,
નિરવ શાંતિ..
દરિયાનું મૌન…
અને તારામાં હશે, એનો ઘુઘવાટ…!!

– દુર્ગેશ ઉપાઘ્યાય

દેણદાર લેણદાર

હું તારા દિલ નો દેવાદાર, તું મારા દિલની લેણદાર
હજી હવાલા પાડવાના બાકી છે
અને તારો બાપ વારસીક હીસાબો માંગે છે …

દેવકૃષ્ણ પીતાંબર જોશી – એક સાક્ષરને એવી ટેવ

એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;
લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.

જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે.
કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.

સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય.
લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.

સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.
પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ.
નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે!

પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગતડા બોલ.
નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.
તુલસીદાસ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.

નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર!
દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર?
મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર!

કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
સર અવસર સંમેલન ભરે, નિજની શ્લાઘા સૌમાં કરે!
તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.

બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા!
બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા!

– દેવકૃષ્ણ પીતાંબર જોશી

દેવિકા રાહુલ ધ્રુવ – પૃથ્વી વતન કહેવાય છે

આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?
અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.

પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.

હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,
ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.

છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.

સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,
આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.
પૃથ્વી વતન કે’વાય છે…..

છંદવિધાનઃ રજઝ ૨૮- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

– દેવિકા રાહુલ ધ્રુવ

ધનસુખલાલ પારેખ – દિકરો

દિકરો એટલો ડાહ્યો કે
દર વર્ષે દિવાળીમાં
માબાપને પગે લાગવા
ઘરડાઘરમાં જાય.

– ધનસુખલાલ પારેખ

ધીરજ – ગાય

કાળી ધોળી રાતી ગાય.
પીએ પાણી ચરવા જાય,
ચાર પગ ને આંચળ ચાર,
વાછરડાં પર હેત અપાર.
પાછળ પૂંછડા પર છે વાળ,
તેથી કરે શરીરસંભાળ;
કાન શિંગ, બે મોટી આંખ,
પૂંછડાથી ઉડાડે માખ.
નરમ રુવાંટી લિસ્સું અંગ,
ગેલ કરે વાછરડાં સંગ.
દૂધ તેનું ધોળું દેખાય,
સાકર નાખી હોંશે ખાય,
દહીં માખણ ઘી તેનાં થાય,
તેથી બહુ ઉપયોગી ગાય.

– ધીરજ

ધીરુ મોદી – અક્ષત

ઘાયલ થઇને સૈનિક સૂતો છે,
એને વિસ્મય થાય છે :
– આસપાસ ગાઢ ફેલાયેલી આ બાવળિયાની ઝાડીમાંથી
વહી આવતો
પેલી પારનો કોયલનો ટહુકો
જરાય ઉઝરડા વગર
ને જરીકે લોહીલુહાણ થયા વગર
આ બાજુ
શી રીતે આવ્યા કરતો હશે ?

– ધીરુ મોદી

વિવેક says:

એકદમ સરળ શબ્દોમાં સચોટ વાત…

અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ-રેફ્યુજી-માં જાવેદ અખ્તર લિખિત ગીત યાદ આવી ગયું:

पँखी, नदियाँ, पवन के झोके, कोई सरहद ना ईन्हें रोके,

सरहद इंसानोंके लिये हैं, सोचो हमने क्या पाया इंसां होके ।

ધીરુ મોદી – અનુગામી

ચંદ્ર પોતે
ચાંદનીની પાછળ…પાછળ…નથી ચાલતો.
ચાંદની જ ખુદ
ચંદ્રની પાછળ…પાછળ…ચાલી આવે છે.
પણ કોઇકવાર
ચંદ્રનું નાજુક નમણું હરણું
કોમળ કોમળ ચાંદનીને ચરવા નીચે ઊતરી આવે છે.
ને પછી ખુદ ચંદ્ર જ દબાતે પગલે…
એની પાછળ…પાછળ…ચાલવા માંડે છે !

– ધીરુ મોદી

ધીરુભાઈ ઠાકર – મને શબ્દો મળે છે

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ મોકલવા બદલ)

મને શબ્દો મળે છે ફૂલની કટોરીમાંથી,
મને શબ્દો મળે છે ભોજનની થાળીમાંથી,
મને શબ્દો મળે છે વરસાદની હેલીમાંથી,
મને શબ્દો મળે છે રેતી અને પથ્થરમાંથી,
મને શબ્દો મળે છે લોહી અને આંસુમાથી,
મને શબ્દો મળે છે…. બધેથી….
પણ એ લોકો આવ્યા.
એમણે અમારા પ્રદેશ પર હુમલો કર્યો.
અમારું બધુંજ લૂંટી ગયા.
પણ…..
પણ એમેને ખબર નથી કે તેઓ એક મોટી દોલત પછળ મૂકતા ગયા છે.
એમનાં શીરસ્ત્રાણમાંથી,
એમના પગરખામાંથી,
એમની ફરફરતી દાઢીમાંથી,
એમના ઘોડાની ખરીઓમાંથી,
એમનાં હથિયારમાંથી,
એમનાં પ્રહારોમાંથી,
એમની ગાળોમાંથી,
એમનાં હોંકારા-પડકારામાંથી
અમને શબ્દો આવી મળ્યાં છે.
જે આક્રમણકારો આવ્યા એમનાં શબ્દો એટલી મોટી દોલત છે કે
એમાંથી બની અમારી ભાષા.

-ચીલી દેશનો કવિ અને નોબેલ-લૉરિયેટ પાબ્લો નેરુદા આ મતલબનું નિવેદન કરે છે એની આત્મકથામાં.

આજ રીતે આપણી ભાષા આપણા માટે કોઈ બંધીયાર વસ્તુ નથી. તે ખુલ્લી છે. અનેક નવા પ્રવાહો તેમાં રસકસ પૂરે છે-તેને સમૃધ્ધ કરે છે. (ધીરુભાઈ ઠાકરના પ્રવચનમાથી સભાર – ઑપિનિયન, લંડન ઓગસ્ટ ૨૦૦૬)

– ધીરુભાઈ ઠાકર

ધૈવત શુક્લ – ગમતાને ગમવાનું

ભમતા ને ભમવાનું,
રમતાને રમવાનું.

જમતાને જમવાનું,
વમતાને વમવાનું.

દમતાને દમવાનું,
નમતાને નમવાનું.

શમતાને શમવાનું ,
થમતા ને થમવાનું,

ખમતાને ખમવાનું.
ગમતાને ગમવાનું .

11.03.2009

-ધૈવત શુક્લ

નંદીની નરેન્દ્ર પારેખ – ફૂલદાની

Image file missing

નંદીની નરેન્દ્ર પારેખ – માયાની જાળ

નામ તારું હોઠનો શણગાર છે,
આ તો તારી ને મારી વચ્ચેની વાત છે.

કેવું છે આ મનડું જે માલિક થઇ બેઠું છે,
તારા નામ રૂપી નાવડીનું માલિક થઇ બેઠું છે.

દુનિયા છે મોટી ને શબ્દો છે ઝાઝા,
કેટકેટલા ભૂલ્યા તો કો’ક યાદ રાખ્યા.

જીવનો સંગાથ છે તું આશાની દોરી
તારાં વિના જીવનની પોથી છે કોરી.

સાઘુના સત્વની તું છે પહેલી
‘મમતા’ ની તું છે જીગરી સહેલી.

તું ન મળે તો થનગને છે કાયા,
જાનના જોખમે લોક પકડે તારી છાયા.

રજવાડા કંઇક તારા અત્તરોથી ન્હાયા,
ઘણાં સિકંદરો તને છોડી દટાયા.

“માયા ઓ માયા!” તું એવી કેવી માયા?
જો તો ખરી લોક તારી પાછળ રઘવાયા.

– નંદીની નરેન્દ્ર પારેખ

નંદીની નરેન્દ્ર પારેખ – હાશ, હું તો બચી

આજ અચાનક જીવનનું સરવૈયુ કાઢી બેઠી
શું મળ્યું? શું ખોયું? એ જાણવા બેઠી.
આ વેપારી હૈયુ જઇને બેઠું ભૂતકાણની ભેખડમાં
યાદ આવી એ બાપુની ઑફીસ
ટેબલની ઘંટી વગાડતી ત્યારે વિચારતી
હું પણ આવી ઘંટીઓ વગાડીશ,
અને આવશે દોડીને લોકો હાથ તળેના
સવાર પડીને બનાવીશ કામનું ‘લીસ્ટ’
કામ કરીને પછી આપીશ સ્ટાફને ફીસ્ટ
ખીલી ઉઠશે ઑફીસની રોનક કળાથી સોળ
અને મારી મેનેજરની ખૂરશી ફરશે ગોળ ગોળ

ત્યાંતો જીવનમા અતિ મુલ્યવાન પગલા ભરવા
ગયા જન્મના જમા ઉધારની પુરાંત પૂરી કરવા
મેં તો પહેરી લાલ જરીની કિનારવાળી
માખણ જેવી મુલાયમ શ્વેત રેશમી સાડી
ક્યાં યે આવીને પહોંચી હું કોઇક્ની લાડી

સંસારચક્ર શરૂ થયું રહી ન કોઇ ખામી
અહિંથી પામી તહીંથી પામી
વડિલોનો પ્રેમ પામી, સાસરીયાનો સ્નેહ પામી,
સરવૈયુ તો એવુ નીકળ્યું કે
જે મળ્યું તે ઘણું હતું
જે ખોયું તે શું હતું?
“મેડમ,મેડમ”, સાંભળવા લેવા દુનિયાના ઉછીના દુ:ખ
“House Wife” બનીને ભોગવવું પરમ સુખ !

– નંદીની નરેન્દ્ર પારેખ

નટવર મહેતા – આમ જુઓ તો

આમ જુઓ તો ઇશ્ક જાહોજલાલી છે;
ને તેમ જુઓ તો એક પાયમાલી છે.

હસતા રમતા એ જ દઈ જાય દગો;
વ્યક્તિ જે સહુથી વધારે વહાલી છે.

દીદાર હુસનના થાય તો ભટકી જાય;
નજર પણ સાલી, ભારે મવાલી છે.

તાળીઓ ન પાડશો તો ચાલશે યારો;
કવિતા છે મારી, એ ક્યાં કવાલી છે?

વટાવી ન શક્યો લાગણીઓને કદી;
સમજ્યા એઓ લાગણીઓ જાલી છે.

નથી જરૂર એમને શૃંગાર સાધનાની ;
બન્ને ગાલે એમનાં શરમની લાલી છે.

કેટકેટલાંને જવાબ આપતો રહું હવે?
સામે મળતો હરેક શખ્સ સવાલી છે.

હસુ છું મહેફિલમાં ગમ ગટગટાવીને;
સરોવર મારી આંખોના તો ખાલી છે.

કવિતા એટલે લખી શકે છે નટવર;
છે એ થોડો રંગીન, થોડો ખયાલી છે

– નટવર મહેતા

નટવર મહેતા – કવિતાઓ મારી એટલે જ અધૂરી છે

તારી અને મારી વચ્ચે થોડી દૂરી છે;
કવિતાઓ મારી એટલે જ અધૂરી છે.

સમજનારા સમજશે સાનમાં સનમ;
બધું જ હોઠોથી કહેવું ક્યાં જરૂરી છે?

પથ્થરને દેવ માની પૂજ્યા રાખે છે;
હજુ ય માનવમાં શ્રદ્ધા છે, સબૂરી છે.

સગા વહાલાં નથી,વહાલાં સગા નથી,
સગા સગપણ સંબંધ અહિં ફિતૂરી છે.

મૃગ જેવો હાંફળો ફાંફળો દોડતો રહ્યો;
કોઈક તો કહો મુજમાં ક્યાં કસ્તૂરી છે?

હસતા હસતા હરી ગઈ દિલ મારું એ;
દિલને ખોઈ નાંખવામાં ય ચતુરી છે.

આવતા પણ કાપે ને જતા પણ કાપે;
શક ઇશ્કમાં ઓ સનમ,બેધારી છૂરી છે.

નથી ટકતું યૌવન કોઈનું, ન ટકશે એ;
તો સનમ,તને શેની એની મગરૂરી છે?

કહેવાનું હતું એ કહી દીધું છે નટવરે.
આ કવિતા દોસ્ત,અહિં ખરેખર પૂરી છે.

– નટવર મહેતા

નયન દેસાઈ – આ રઝળતા શહેરમાં

સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?

સ્તબ્ધતા ટોળેવળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.

દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.

થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા.

હોથમાં મરું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું દરૂખેથી અતીતના જૉઉ જન્મો પાછલા.

– નયન દેસાઈ

નયન દેસાઈ – લંબચોરસ ઓરડામાં

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

– નયન દેસાઈ

નયના જાની – અનહદ અપાર વરસે

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં, ન્હાઉં, ડૂભું, આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે .

છલકી જવાય એવું કે છોળ થઇ જવાતું,
ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે.

– નયના જાની



For queries email at need.more.intel@gmail.com