Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

ઝવેરચંદ મેઘાણી – કેવી હશે ને કેવી નૈ

કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શ્બ્દ સંભળાય –
મા જાણે હીંચ્કોરતી વઇ ગઇ
હાલાંના સૂર થોડા વેરતી ગઇ… કોઇ દી સાંભરે નૈ

– ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી – કોઇ નો લાડકવાયો

‘સમબડિઝ ડાર્લિંગ’નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સ્ત્રી જેવું છે. સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે ;
ઘાયલ મરતાં મરતાં રે ! માતની આઝાદી ગાવે .

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી
(click here for the original poem by Marie La Coste – Somebody’s Darling )

September 28, 2005

Marie La Coste: Somebody's Darling

MARIE LA COSTE
1845 - 1935

After the death of Marie's unnamed fiancée, a captain in the Confederate Army, apparently in 1862, the young French teacher became nurse and visitor at local hospitals for wounded Confederate soldiers. Her poem, which is sung at historical events today, is a distinctive memorial to those soldiers.

SOMEBODY’S DARLING

Into a ward of the white washed walls,
Where the dead and dying lay,
Wounded by bayonets, shells and balls,
Somebody’s darling was borne one day.

Somebody’s darling so young and brave
Wearing yet on his pale sweet face,
Soon to be hid by the dust of the grave,
The lingering light of his boyhood’s grace.

Matted and damp are the curls of gold
Kissing the snow of that fair young brow;
Pale are the lips of delicate mold -
Somebody’s darling is dying now.

Back from the beautiful blue-veined brow
Brushed all the wandering waves of gold;
Cross his hands on his bosom now;
Somebody’s darling is still and cold.

Kiss him once for somebody’s sake,
Murmur a prayer soft and low;
One bright curl from it’s fair mates take;
They were somebody’s pride you know.

Somebody’s hand has rested there;
Was it a mother’s soft and white?
And have the lips of a sister fair
Been baptized in the waves of light?

God knows best! He was somebody’s love,
Somebody’s heart enshrined him there.
Somebody wafted his name above,
Night and morn on the wings of prayer.

Somebody wept when he marched away,
Looking so handsome brave and grand;
Somebody’s kiss on his forehead lay;
Somebody clung to his parting hand.

Somebody’s watching and waiting for him,
Yearning to hold him again to her heart;
And there he lies with his blue eyes dim,
And the smiling child-like lips apart.

Tenderly bury the fair young dead,
Pausing to drop on his grave a tear;
Carve on the wooden slab at his head,
“Somebody’s darling slumbers here.”

Written by Marie La Coste
and subsequently published by
J .C. Schreiner & Son of Augusta, Georgia in 1864

(click here for Gujarati translation by Jhaverchand Meghani )

ઝવેરચંદ મેઘાણી – તલવારનો વારસદાર

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂએ છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપુને, બે’ન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડયા છે ભાગ:
હાં રે બે’ની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
મોટે માગી છે મો’લ મે’લાતો વાડીઓ
નાને માંગી છે તલવાર – વીરાજી.
મોટો મા’લે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજી.
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ
નાનેરો ઘોડો અસવાર – વીરાજી.
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર – વીરાજી
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજી.
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરજી
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા
નાનેરો ઝીંકે છે ઘાવ – વીરાજી.
મોટે રે માડી, તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી.
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી.
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

– ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી – ફાગણનો ફાગ

– ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી – ભાઇ

…હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુવા ;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક ;

લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર ;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર ;
પોરનાં ટાણાં વયાં જાય –
ત્યાં તો ભાઇ રે મોટો થાય !…

ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે ;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઇને ઘેર હાથીની રે જોડ !…

ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંસે ભૂલી ફરું ;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડમાં જઇ પેઠો ;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો !…

– ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી – વર્ષા

ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી,
બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.

ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.

રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !

કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!
ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !

સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડમ ચડી, ક્યાં ચાલી એકલી, ચોળી તું તેજની પીઠી ?

નિર્જન ગગનના સીમાડા લોપતી, આવ રે આવ અહીં ચાલી;
સૂતી વસુંધરાને વીજળ સનકાર કરી, પાતી જા ચેતનાની પ્યાલી.

– ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી – શિવાજીનું હાલરડું

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….

પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….

ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….

પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને ….

ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી તો હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની …. શિવાજીને ….

લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને ….

આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે
ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને ….

આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને ….

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી
પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….

આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર બંધૂકા …. શિવાજીને ….

સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા
માને હાથ ભેટ બાંધવા …. શિવાજીને ….

જાગી વે’લો આવજે વીરા
ટીલું માના લોહીનું લેવા.
શિવાજીને નીંદરૂ ના’વે
માતા જીજીબાઇ ઝૂલાવે.
બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !

– ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી – સૂરજ ! ધીમા તપો !

મારી મેંદીનો રંગ ઊડી જાય રે,

સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારો કંકુનો ચાંદલો ચોળાય રે, સૂરજ …
મારી વેણી લાખેણી કરનાય રે, સૂરજ …
મારાં કાજળ નેણેથી ઝરી જાય રે, સૂરજ …
મારી ચૂડી અણમોલી તરડાય રે, સૂરજ …
મારે સેંથેથી હીંગળો રેળાય રે, સૂરજ …
મારી પાની સુંવાળી બળી જાય રે, સૂરજ …
મારા કેમે નો પંથે પૂરા થાય રે, સૂરજ …
જેને શોધું તે દૂર સરી જાય રે, સૂરજ …

– ઝવેરચંદ મેઘાણી

ડિમ્પલ આનંદપરા – ચહેરો

અરીસો ફૂટયો
ચોતરફ વેરાયેલા ટુકડામાં
મારા હજારો ચહેરા દેખાયા
પણ
મારો ચહેરો ખોવાઇ ગયો
બેબાકળી બની હું મને જ ગોતવા લાગી
સ્મૃતિપટ પરથી પસાર થયાં
એક પછી એક ચિત્રો
હાંસિયામાં ધકેલાતા
સંબંધોમાં
ઓગળતો ગયો
ચહેરો
ને
ઓગળતા ચહેરાને
પકડવાની
મથામણમાં
હું મને જ ખોઇ બેઠી.

– ડિમ્પલ આનંદપરા

વિવેક ટેલર says:

સુંદર રચના.

એક ટૂંકી રચના યાદ આવી ગઈ:

અરીસો ફૂટે,
કણ-કણ થઈ જાઉં,

છાયા ન મીટે !

ડી. એચ. લૉરેન્સ (અનુ. મહેશ દવે) – રાતે આવ્યો ચોર

આવી ચડ્યો કાલે રાતે મારે ત્યાં ચોર
ફટકાર્યું મારા માથામાં એણે અજાણ્યું ઓજાર.
મેં રાડ પાડી, પણ નો’તું કો’ સુણનાર
પડ્યો રહ્યો ચૂપચાપ અક્કડ ને ટટ્ટાર.

ઊઠયો આજ સવાર
ના કાંઇ મળે અણસાર.
કદાચ હતું એ સપનું દઇ જતું ભાવિનો ભણકાર,
કેમ કે હવે પડે નહીં ચેન જરાયે વાર.

– ડી. એચ. લૉરેન્સ (અનુ. મહેશ દવે)

ડૉ. નીલેશ રાણા – આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર

આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
તોય મને દેખાતું બધું આરપાર.

સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર.

વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઈએ નહીં કોઈનો આધાર.

– ડૉ. નીલેશ રાણા

ડૉ. નીલેશ રાણા – આમ જુઓ તો વાણી

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં
શાને જાય સમાઇ ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી
પ્રકટે એ જ નવાઇ ?

નદી,સરોવર,સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું
રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો
તરંગમાં લહેરાય

રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

– ડૉ. નીલેશ રાણા

ડૉ. નીલેશ રાણા – ચાલો, ઘર ઘર રમીએ

ચાલો, ઘર ઘર રમીએ
એકબીજાથી થઇ અજાણ્યા : એકમેકને ગમીએ

હું લાવીશ ચોખાનો દાણો, તું દાળનો દાણો
સોનલવરણી રેતી ઉપર સરતાં રહે વહાણો
અહીંયા આપણે રહીએ તોયે જગ આખામાં ભમીએ
ચાલો, ઘર ઘર રમીએ

વયના વસ્ત્રો સરી પદશે ને થઇશું નાના અમથા
આપણને પણ ખબર પડે નહીં, કેમ એકમેકને ગમતાં
રમતા રમતાં, એકમેકમાં એવા તો વિરમીએ
ચાલો, ઘર ઘર રમીએ

આપણા ઘરની આસપાસ એક સાવ નિરાળો બાગ
એમાં એક જ મોસમ કેવળ, ફાગ ફાગ ને ફાગ
વારે વારે વર-વહુ થઇને પળ પળ અહો પરણીએ
ચાલો, ઘર ઘર રમીએ

-ડૉ. નીલેશ રાણા

ડૉ. મહેશ રાવલ – બ્હાર આવો

ઓળખીતા ખ્યાલમાંથી બ્હાર આવો!
સાવ, બરછટ છાલમાંથી બ્હાર આવો!

એટલું અઘરું નથી – જીતી જવાનું
છે શરત, કે ઢાલમાંથી બ્હાર આવો!

એક, બીજું વિશ્વ પણ અસ્તિત્ત્વમાં છે
કૂપનાં કંકાલમાંથી, બ્હાર આવો!

છેતરી બહુ જાતને જાતે જ દોસ્તો!
ગોઠવેલાં વ્હાલમાંથી બ્હાર આવો!

કાં કહી દો કંઇ નથી, ને કાં બધું છે
કાં, નપુંસક ખાલમાંથી બ્હાર આવો!

એકપણ ખિસ્સું નથી હોતું કફનમાં
જીવ! માલામાલમાંથી બ્હાર આવો!

શક્ય છે, તમનેય મળશે માર્ગમાં એ
ઝટ કરો, ગઇ કાલમાંથી બ્હાર આવો!!!

– ડૉ. મહેશ રાવલ

ડૉ. માલા કાપડિયા

કદાચ તારી ઇચ્છા
મને અફાટ આકાશ આપવાની છે
નાની નાની આકાંક્ષાઓમાં
હું અટવાઇ જાઉ એ તને ન ગમે
પણ પ્રિય,
પંખીને આકશ કરતાં
નીડ વધુ ગમે
એ તું જાણે છે?

– ડૉ. માલા કાપડિયા

ડૉ. માલા કાપડિયા – તારા માટે

થોડાક દિવસ
સંગોપી રાખવી છે મારે
મને પોતાને
તારા વિરહના કોશેટામાં
તને મળ્યા પછી
વસંતપંચમી જેવી આ આંખો
ટહુક્યા જ કરે છે.
મારે એમાં આંજવું છે
આષાઢનું આકાશ !
કિલકિલતા હોઠને
મૌનના દોરાથી થોડા ટાંકા મારવા છે
આંગળીઓને ટેરવે ખીલેલી
તારી ચૂમીઓને
મારા એકાંતમાં રોપવી છે.
સાચું કહું,
મને પોતાને જ લાગ્યો છે મારો થાક.
મારી એકલતાનો
તારી એકલતાથી ભાગાકાર કર્યા પછી
ક્યાં રહ્યું છે કશુંયે શેષ ?
એટલે જ
આ થોડાક દિવસમાં
મારે કરવો છે મારો કાયાકલ્પ
તારા વિરહથી
મારા નિ:શેષને માંજીને
પ્રગટાવવો છે નવો સૂર્ય:
તારા માટે

– ડૉ. માલા કાપડિયા

ડૉ. માલા કાપડિયા – સંવેદના

સંવેદનાનું પણ એક વિશ્વ હોય છે,
તું જાણે છે મિત્ર?
સંવેદના એટલે –
તારી આંખોમાં પ્રતિબિમ્બાતી મારી ઉદાસી
સંવેદના એટલે –
તારા હોઠ પર છલકાતી મારી ખુશી.
મારી પ્રતીક્ષાની ક્ષણ,
તારા આગમનની અટકળ બની
મેઘધનુષ બની જાય છે.
પરંતુ સપ્તરંગી બનતાં પહેલાં
એ ક્ષણને
કેટલાયે ભૂખરા આકાશને
ભેદવું પડે છે, તે તું જાણે છે?
વેદના વિસ્તરે છે –
એક ક્ષણથી બીજી ક્ષણ સુધી
એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી
અને વિસ્તરતી વેદનાનું વર્તુળ
એકાએક સંવેદના બની જાય છે.
સંવેદના એટલે
‘ आषाढस्य प्रथम दिवसे ‘
યક્ષની આંખમાં અટકેલું આંસુ,
જે
કાલિદાસની કલમમાંથી શાહી બની ટપક્યું !

– ડૉ. માલા કાપડિયા

1. મિત્ર says:

વાહ! વાહ!

પરંતુ સપ્તરંગી બનતાં પહેલાં
એ ક્ષણને
કેટલાયે ભૂખરા આકાશને
ભેદવું પડે છે, તે તું જાણે છે?

જાણે શબ્દો હ્રદયની આરપાર ઉતરી ગયા.

2. Chandrakant Shah says:

Mala; Waah Waah ! Gamyun;
Chandrakant
Boston; USA

3. Dhaval Shah says:

Wonderfully expressed. Each word in its perfect place. Love this poem.

4. nandini says:

each and every word was from within. a thinker in true sense. keep it up

5. crazy chameleons says:

I happened to come across this lovely poem on a valentines day. What a coincidence. Seems right from the bottom of the heart. jane ke “urmio ni abhivyakti”.

6. Mala says:

Thanks, I’m happy to note the Kaviyatri Mala is still alive. Otherwise life’s journey puts one through so many different roles, that I’d forgotten my inner self. Only spelling error from the original reprint- Yaksh ni ankho, paksh ni nahi.
Thanks Sonbai

ડૉ. માલા કાપડિયા – હૃદય

તારા હૃદય પર બરફની પરત તો નથી ?
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય.

– ડૉ. માલા કાપડિયા

ડૉ. મુકુલ ચોકસી – નથી

સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી.


– ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોકસી – એમ કોઇ બહાર રહીને આપણી ભીતર રહે

એમ કોઇ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

એમ આ સૌંદર્ય કોઇ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.

આમ અંદર બ્હાર એકાકાર થઇ જાશે પછી,
શો ફરક કે કોઇ મારી બ્હાર કે ભીતર રહે.

– ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોકસી – ભલે આજે નહીં સમજે કોઇ ‘ઉન્માદ’નો મહિમા

ભલે આજે નહીં સમજે કોઇ ‘ઉન્માદ’નો મહિમા,
ઉનાળામાં જ સમજાઇ શકે વરસાદનો મહિમા.

અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનો ય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુ:ખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

‘મુકુલ’ એવી જગાએ જઇ ગઝલ ના વાંચશો હરગિઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

– ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોકસી – માટે

કે શંકાઓ કરી બેસું છું હું પણ એક ક્ષણ માટે,
કોઈ એવા ઉમળકાથી કરે છે વાત રણ માટે.

ભલે એણે રચ્યું આકાશ જગના આવરણ માટે,
અમારે કામ લાગે છે અમારા જાગરણ માટે.

એ નક્કી કરવું આજે બહુ જરૂરી છે ઝરણ માટે,
કે કોણ આવ્યું છે જળ માટે ને કોણ આવ્યું તરણ માટે.

કરી દો માફ એને જાય એ જ્યાં પણ શરણ માટે,
કે જેને થોડું પણ દુઃખ હોય પોતાના વલણ માટે.

ખબર પડતી નથી કે કેમ અન્યોને ગમે છે એ,
લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે.

– ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોકસી – પૂછ્યું મેં કોણ છે

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

– ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોક્સી – મુક્તકો

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ મુક્તકો મોકલવા બદલ)

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે.

ભૂલી જવાય એવું સ્વજન થઈને રહી ગયો,
બનવા ગયો હવા ને પવન થઈને રહી ગયો
કોઈને માટે કેવી સરળતાથી તું ‘મુકુલ’
ત્રીજો પુરુષ એકવચન થઈને રહી ગયો.

જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.

ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ
ધારો કે જે બન્યું હતું તે પણ વિચારીએ
પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?


– ડૉ. મુકુલ ચોકસી

ડૉ. રઇશ મનીયાર – જા

જીવવાનો છે એ જ રસ્તો, જા!
હો તરસતો છતાં વરસતો જા.

મોટો થઇ આખરે તું શું કરશે?
નાનો થઇ એના દિલમાં વસતો જા.

ભીંસ ઓછી કરી લે જીવનની,
મધ્યમાંથી ધીમેથી ખસતો જા.

હાથ લાંબા કરી ન જા કાયમ !
કોઇ વેળા તો ત્યાં અમસ્તો જા !

છૂટતા શ્વાસને શું જકડે છે ?
છે જવાનો અહીં શિરસ્તો, જા !

– ડૉ. રઇશ મનીયાર

ડૉ. રઇશ મનીયાર – તૂટે

સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે,
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે.

રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે,
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે.

ચાલ એવી કોઇ સરહદમાં પ્રવેશી જઇએ,
જ્યાં પ્રકાશો ન તૂટે જ્યાં ન અવાજો તૂટે.

શબ્દ બસ લાકડાની જેમ તણાઇ આવ્યા,
લોહીમાં દર્દ ભર્યાં રોજ જહાજો તૂટે.

એક માણસથી ‘રઇશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઇશ’ કેટલી સાંજો તૂટે?

– ડૉ. રઇશ મનીયાર

ડૉ. રઇશ મનીયાર – દૂરદૂર

દૅશ્યોથી દૂરદૂર અવાજોથી દૂરદૂર,
ચાલો નીકળીએ આજે સમાજોથી દૂરદૂર.

દિલમાં પ્રથમ ઉતારીએ એક દર્દ કાયમી,
વસીએ પછીથી ક્યાંક ઇલાજોથી દૂરદૂર.

એક ચંદ્ર ઝાંખોપાંખો નિહાળી લીધો છે મેં,
લોહી નીતરતા સૂર્યથી, સાંજોથી દૂરદૂર.

દરિયાનું માપ કાઢવા નીકળી પડી ‘રઇશ’,
નાનકડી એક નાવ જહાજોથી દૂરદૂર.

– ડૉ. રઇશ મનીયાર

ડૉ. રઇશ મનીયાર – શમણું ભલે

શમણું ભલે ને નભમા વિહરવાનું હોય છે
આંધી બનેલ ધૂળને ઠરવાનું હોય છે

હો પુષ્પ કે મનુષ્ય બસ અવધિનો છે ફરક
ખરતાં પહેલા સ્હેજ નિખરવાનું હોય છે

કયારેક હાથપગને પછાડો એ વ્યર્થ હો
કયારેક બસ પ્રવાહમાં તરવાનું હોય છે

ચઢતા ચઢી જવાય છે ઊંચાઇઓ ઉપર
ભૂલી જવાય છે કે ઊતરવાનું હોય છે

જીવનમાં યાદ રાખવા જેવું ઘણું હશે
એથી વધુ ઘણુંય વીસરવાનું હોય છે

સાગર અફાટ સામે નથી હોતો હરવખત
કયારેક અશ્રુબિંદુમાં તરવાનું હોય છે

જીવી જવાય કાવ્યને કેવી રીતે ? કહું ?
છે શર્ત, પંકિતપંકિતએ મરવાનું હોય છે

– ડૉ. રઇશ મનીયાર

ડૉ. વિવેક મનહર ટેલર – એવો પત્થર વિશ્વમાં મળશે નહીં

(છેલ્લા બે દિવસથી સંસ્કારનગરી વડોદરામાં રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.)

રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – છૂટ છે તને

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – કુંવારી નદીની તરસ

તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

(જુલાઈ-92) – ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – ગઝલ

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – છૂટી શકું તો બસ

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – મને આ સફર મળે

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – મળતી રહે

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં મોતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – રોજ

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ� આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – જમુનાનાં જળ

ગીત

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જઈ રંગાયું એક મોરપીંછ,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા તંઈ સર્જાઈ
ક્હાનાની વાંસળી અધીર.
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – નહિ રૂઠું

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રુસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – મારી જ જાત ફૂલો પર

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. વિવેક મનહર ટેલર – શબ્દ

જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે !

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો’ અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.

– ડૉ. વિવેક મનહર ટેલર

ડૉ. હર્ષદેવ માધવ – શબ્દથી દૂર વાચા ફળી હોય છે

શબ્દથી દૂર વાચા ફળી હોય છે
માંહ્ય સુરતા જ સામી મળી હોય છે.

કોડિયામા બળે છે તિમિર ઘી બની
જ્યોત આઠે પ્રહર પ્રજ્વળી હોય છે.

કાળ ભંડાર ખાલી કરી નીકળ્યા
ક્ષણ મહારત્નથી ઝળહળી હોય છે.

‘દૂર’ને શોધીએ, ‘પાસ’ આવી મળે
એમ શ્રદ્ધા જ કોને ફળી હોય છે.

‘જાણ’નો આ મલક આપણો સાંપડે
સરહદો આપણી આંગળી હોય છે.

– ડૉ. હર્ષદેવ માધવ

ડો. મહેશ રાવલ – નીકળું !

શક્ય છે, હું કાલ આગળ નીકળું
આંસુઓ પીધેલ કાજળ નીકળું !

હોય દસ્તાવેજ દરિયાનો, તમે
હું,તરસનો મૂળ કાગળ નીકળું !

ક્યાંક ચમકે વીજ-શા હસ્તાક્ષરો
હું કલમના ઝાડનું ફળ નીકળું !

શું થયું જો સ્પર્શને ભાષા નથી?
હું ત્વચાના મૌન પાછળ નીકળું !!!

– ડો.મહેશ રાવલ

ડોશી અને જુવાન નર

પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલીયા.

આ પંક્તિનું સંપૂર્ણ કાવ્ય જે કોઇ વાચક ભાઇબેન પાસે હોય તો ‘અભિપ્રાય’ માં મોકલવા વિનંતી છે.

ધન્યવાદ – એસ વી

વિવેક says:

પ્રિય મિત્ર,

‘ડોશી અને જુવાન નર’ કવિતા જો તમારા કહેવા પ્રમાણે કવિ દલપતરામની જ હોય તો મને એક કવિતા યાદ આવે છે.

કેડેથી નમેલી ડોશી

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

દલપતરામ કવિ

તમારી ઉડતી જુલફો

તમારી ઉડતી જુલફોને જરા કાબુ માં રાખો,
હજારોના દિલ ઘાયલ થયા છે, હવે તો માથામાં તેલ નાખો!

તમે ચતુર કરો વિચાર

ચાર ખૂણાનું ચોખંડુ
અધ્ધર ઉડે જાય
રાજા પૂછે રાણીને
આ ક્યુ જનાવર જાય
(પતંગ)

પડી પડી પણ
ભાંગી નહી
કટકા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઇ
તમે ચતુર કરો વિચાર
(રાત) (



For queries email at need.more.intel@gmail.com