Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વીઆપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળયાં અને આપણે હળયાં
પણ આખા આ આયખાનું શું ?

જગદીશ જોષી – અમે

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કુવો ભરીને અમે રોઇ પડયાં.

ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઇ અમને નડયાં.

કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ !
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.

– જગદીશ જોષી

આ ગીત અહીં સાંભળો :
http://tahuko.com/?p=417

જગદીશ જોષી – અરે કોઈ તો

હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયુબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ…..
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
“કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
કો’ઈ તો
ઈલેકિટ્રશિયને બોલાવો ! ”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
“અરે ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ……
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે……

– જગદીશ જોષી

જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.

હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો
આ ભરી મ્હેફિલ : મને ઊઠી જતાં ના આવડયું.

લ્યો, સુરાલય પણ કરી છે બંધ દરવાજા હવે
ના નશો, ના ભાન છે : ઊઠી જતાં ના આવડયું.

આ તરંગો, વાયરો, આંધી, વમળ, વર્ષા, પ્રલય :
સાગર સમાવી નાવને ઊઠી જતાં ના આવડયું.

રાત ને વગડો : કસુંબો ઘૂંટતા’તા પાળિયા
રંગ દઇને એમને, ઊઠી જતાં ના આવડયું.

ગેલમાં આવીને ભીની ફૂંક મારી, એ છતાં
દીપને અમળાઇને ઊઠી જતાં ના આવડયું.

પ્રેમની શરમિંદગીની વાત ચર્ચાઇ ચૂકી
ગૈ સભા ઊઠી, ને લે, ઊઠી જતાં ના આવડયું.

– જગદીશ જોષી (૧૭-૬-૧૯૭૪)

જગદીશ જોષી – કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા
હવે પાસે આવો તો મારી આણ છે
તમને તો ઠીક જાણે છબછબીયા વ્હેણમાં
પણ ઊંડા વમળાય એ આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણના કપાય
નહીં માપ્યા મપાય વ્હેણ પ્યારના
દરિયાને નાથવાની લ્હાયમાં ને લ્હાયમાં
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢ નાલી રાખી હવે બાંધી છે નાવ
એની વાયરાને થોડી તો જાણ છે.

લીલીછમ વાડીમાં ગોફણના ઘાવ
હવે ઠાલા હોંકારા હવે ઠાલા
પંખી તો ટાઢકથી ચુગે છે આમ તેમ
ઉડે છે ચાડીયાના માળા
વેલને તાણો તો સમજીને તાણજો
આસપાસ થડનીયે તાણ છે.

– જગદીશ જોષી

જગદીશ જોષી – ખટકો

એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

– જગદીશ જોષી

જગદીશ જોષી – ડંખ

વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?

સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.
ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?

બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.
રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !

– જગદીશ જોષી

જગદીશ જોષી – મને આપો ઉછીનું સુખ થોડું

મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

– જગદીશ જોષી

જગદીશ જોષી – મને એકલા મળો

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

જગદીશ જોષી – મળશે ત્યારે

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.
અને …. જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે –
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

– જગદીશ જોષી

જગદીશ જોષી – વાતોની કુંજગલી

વાતોની કુંજગલી

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

– જગદીશ જોષી

આ ગીત અહીં સાંભળો.
http://tahuko.com//?p=494

જગદીશ જોષી – હવે

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

– જગદીશ જોષી

જગદીશ ત્રિવેદી – ઊડતી સ્મશાનની ધૂળ

વંટોળિયામાં ઊડતી સ્મશાનની ધૂળ ગઇ કાલની
આજે ઝૂલે છે ખેતરમાં ધાન્યકણસલું થઇને!

– જગદીશ ત્રિવેદી

જગદીશ ત્રિવેદી – કયાં મોદી? કયાં મમતા?

(via દિવ્ય ભાસ્કર)
માણસ નામનું પ્રાણી બીજા સજીવ કરતાં ઘણી બાબતોમાં અલગ પડે છે. દાખલા તરીકે માણસ અને હાથી વચ્ચે ઘણાં તફાવત છે. જેમાં એક તફાવત એવો છે કે હાથીને મહાવતના અંકુશનો ડર હોય છે અને માણસ હંમેશાં નિરંકુશ હોય છે. માણસ અને રીંછ વચ્ચે એક તફાવત ઉડીને આંખે વળગે એવો એ છે કે માણસની હજામત થાય છે જયારે જંગલમાં હેર કટિંગ સલૂન તથા બ્યૂટીપાર્લરનાં અભાવે રીંછ અનિલ કપૂર જેવા થઇને રહી જાય છે. માણસ અને ઘોડા વચ્ચે એક તફાવત એવો છે કે ઘોડા દોડે ત્યારે પુષ્કળ માણસો ઠેકડાં મારવા નવરાં થઇ જાય છે અને જો માણસો દોડે તો જોવા માટે એક પણ ઘોડો ફરકતો નથી. માણસ અને નાગ વચ્ચે એક તફાવત એવો છે કે નાગ પહેલાં ભાગે છે અને નાછૂટકે જ કરડે છે, જયારે માણસ પહેલાં તો કરડવા મથે છે અને નાછૂટકે જ ભાગે છે.

માણસ અને સજીવ અમાણસ વચ્ચે જુદા-જુદા તફાવત છે પણ એક કોમન તફાવત એવો છે કે માણસ હસી શકે છે જયારે બીજો એક પણ જીવ હસી શકતો નથી. આથી જો કોઇ ગધેડો હસવા માંડે તો માનવું એ માણસ થવા જઇ રહ્યો છે અને જો કોઇ માણસ કયારેય ન હસે તો એ શું થવા જઇ રહ્યો છે એ ફેંસલો વાચક ઉપર છોડું છું.

થોડા દિવસ પહેલાં રતન તાતાએ મોદીને ગુડ એમ અને મમતાને બેડ એમ કહ્યાં જેનો સીધો અર્થ એવો થાય કે ગુજરાતી ‘મ’ એટલે મસીહા અને બંગાળી ‘મ’ એટલે માથા ફોડ. અંબાલાલ કયાંકથી ઉડતા સમાચાર લાવ્યો છે કે રતનભાઇ પોતાની નાજુક નમણી નૂતન કારનું નામ નેનોને બદલે નમો કરવાનું વિચારી રહ્યા છે. નેનોનો સીધો ઉચ્ચાર નાનો થાય છે. નાનામાં નાનો માણસ પણ ખરીદી શકે એ નેનો છે. નાના માણસની નેનોનાં સર્જનમાં માત્ર ઓગણત્રીસ વરસનાં ગિરીશ વાઘનો સિંહફાળો છે અને નેનોને ગુજરાત સુધી લઇ આવવામાં વડોદરાનાં પૂર્વ કલેકટર રાજીવ ટોપનોએ ટોપ લેવલની ભૂમિકા ભજવી છે.

સ્ત્રીની બુદ્ધિ કયારેય પગની પાનીએ હોતી નથી પરંતુ મગજમાં જ હોય છે પણ સ્ત્રીનો સ્વભાવ છે કે બુદ્ધિ અને પૈસા જયાં સુધી પતિના વપરાય ત્યાં સુધી પોતાના વાપરવા નહીં જો મમતા બેનરજીએ પોતાની અક્કલ અમુક વરસે ડબલ થાય તે માટે ફિકસ ડિપોઝિટમાં ન મૂકી હોત તો અત્યારે સમય આવ્યો હતો ત્યારે વાપરી શકયાં હોત. પ્રગતિબહેન સામે ચાલીને નેનોમાં બેસીને બંગાળને મળવા ગયાં ત્યારે બેનરજીબહેન બાથ લેવા જતાં રહ્યાં તેથી પ્રગતિબહેનને બથ ભરી શકયાં નહીં. વિકાસભાઇ ખુદ હાથમાં કંકાવટી લઇને ચાંદલો કરવા આવ્યા ત્યારે બેનબા ફેસીયલ કરાવવા જતાં રહ્યાં ત્યારે બરાબર લાગ જોઇને નરમાં ઇન્દ્ર જેવા આપણા મુખ્યમંત્રીએ પોતાની ડોક જિરાફની માફક લાંબી કરીને ચાંદલો પોતાના કપાળે કરાવી લીધો. ગુજરાતના સી.એમ.ના ભાલ ઉપર થયેલું તાતાનું કુમકુમ તિલક આખા રાજયની શોભા વધારશે.

– જગદીશ ત્રિવેદી

જગદીશ ત્રિવેદી – જનતાથી મોટો કોઇ જજ નથી

જે લોકો સારું સાહિત્ય લખી શકતા નથી તથા સુંદર મૌલિક લખાણને વાંચીને વધાવી શકતા નથી તે લોકો વિવેચક બનીને સરળ ભાષામાં સર્જાયેલી સાહિત્યકૃતિનું અઘરામાં અઘરા શબ્દો વડે મૂલ્યાંકન કરી શકતા હોય છે.

મને કોઇ નિણાર્યક કે વિવેચક સાથે વાંધો નથી પણ આ વાત એટલા માટે લખું છું, કારણ કે થોડા દિવસો પહેલાં હું એક ગુજરાતી ટી.વી. ચેનલની નવોદિત હાસ્ય કલાકરો માટેની સ્પાર્ધામાં નિણાર્યક તરીકે જઇ આવ્યો છું અને હાસ્યના ક્ષેત્રમાં હું પોતે નવોદિત હોવા છતાં જૂનોદિત હોવાનો સફળતાથી ડોળ કરીને સુખરૂપ ઘરે પહોંચી ગયો છું.

ત્રીજી ઓગસ્ટથી દર અઠવાડિયે એક કલાક સુધી રજૂ થનારા આ કાર્યક્રમમાં તદ્દન નવા કલાકારો, બ્રાન્ડ ન્યુ જૉકસનો ખજાનો લઇને રજૂ થવાના છે. આશરે પાંચસો નવા ચહેરાઓને સાંભળીને પચાસને પસંદ કરવાના હતાં. આ પ્રસંગે થયેલી સાવ સાચી રમૂજૉમાંથી થોડી અહીં ઉતારું છું.

એક કલાકારને રજૂઆત માટે અંદર બોલાવ્યો તો અમારા સૌના આશ્ચર્ય વરચે એ તાજી ખરીદેલી સૂટકેસ ઉઘાડી, મદારી જેમ કરંડિયામાંથી નાગ કાઢે એમ એણે લેંઘો બહાર કાઢયો. ત્યાર પછી ચટ્ટાપટ્ટાવાળી ચડ્ટીનું વિમોચન કર્યું, એ પણ કયારેય પહેરાઇ ન હોય એવી કોરી કટ્ટ હતી.

એવું જ અબોટ ગંજીફરાક, તદ્દન નવો હાથરૂમાલ, આ બધું જૉઇને મારાથી પુછાઇ ગયું કે ભાઇ તમે જૉકસ કહેવા આવ્યા છો કે કપડાં વેચવા આવ્યા છો? ત્યારે એ અખંડ બુદ્ધિશાળી બોલ્યો કે ગયા મહિને ઓડિશન માટે આવ્યો ત્યારે પ્રોડયુસર કહેતા હતા કે કુછ નઇ ચીજે લેકર આઓ.

વડોદરા શહેરના હાથીસાહેબ પાંસઠ વર્ષે હિંમત કરીને નવોદિત હાસ્ય કલાકાર તરીકે રજૂ થયા, તેમણે કહ્યું કે મારાં પત્નીની પિયરની અટક માંકડ છે. મદનિયામાંથી હાથી બનતાં હાથીના બરચાને પણ વરસો લાગે છે જયારે મારી પત્ની એક જ દિવસમાં માંકડમાંથી હાથી બની ગઇ.

એક સ્પર્ધકને મેં કહ્યું કે એક મહિના અગાઉથી ફોન કરીને જણાવ્યું હતું કે તમે તદ્દન નવા ટૂચકાઓ તૈયાર કરીને લાવજૉ છતાં તમે ચવાઇને ચૂંથો થઇ ગયેલી રમૂજૉ અમારા માથામાં શા માટે મારી છે? ત્યારે એ બોલ્યો કે મારા ઉપર ફોન આવ્યા પછી પચીસ દિવસ સુધી મેં એમ જ માન્યું કે કોઇ મિત્રએ મારી મશ્કરી કરી લાગે છે, મારામાં એવું શું છે કે મને ટી.વી.વાળા ફોન કરે? પાંચ દિવસ પહેલાં અજયભાઇનો ફરીથી ફોન આવ્યો ત્યારે લાગ્યું કે એ લોકોએ મારામાં વિશ્વાસ મૂકવાની ખરેખર ભૂલ કરી લાગે છે, પાંચ દિવસમાં નવા જૉકસ તૈયાર થાય નહીં એટલે તમે જાણીતા કલાકારો વરસોથી જે એકના એક વાસી જૉક ફટકારો છો એ ગોખીને લાવ્યો છું. એક કલાકારે કહ્યું કે હું ઓડિશન માટે નીકળતો હતો અને મારી પત્ની ઇન્સ્યુરન્સની ફાઇલો ખોલીને પોલિસીઓ જૉતી હતી, મેં કહ્યું કે મને શુભેરછા આપવાને બદલે પોલિસીઓ શા માટે ઉથલાવે છે? ત્યારે બોલી કે તમે રથયાત્રાના દિવસે અમદાવાદ જાવ છો એટલે.

એક એપિસોડના અંતમાં નિણાર્યક તરીકે પ્રતિભાવ આપતા મેં રમૂજ કરી કે મારા દીકરાએ મને પૂછ્યું કે પપ્પા, કળિયુગ આવી ગયો છે એનું પ્રમાણ શું? ત્યારે મેં જવાબ આપ્યો કે હાસ્ય કલાકારોની સ્પર્ધામાં જગદીશ ત્રિવેદી નિણાર્યક હોય એનાથી મોટં પ્રમાણ કયું હોઇ શકે? કોઇ પણ ક્ષેત્રમાં જનતાથી મોટો કોઇ જજ નથી, જનતાથી મોટો જજ પણ છે, પરંતુ એ ત્રિવેદી જગદીશ નથી પણ ભગવાન જગદીશ છે.

– જગદીશ ત્રિવેદી

જગદીશ વ્યાસ – હોય

ગાર-લીંપ્યું આંગણું વરસો સુધી અકબંધ હોય
નીકળે છે એમ એ પગલાં કે જાણે અંધ હોય.

ચક્રવાતી હોય તું ને જિંદગી આ રાત હોય,
હોય સૂરજ ત્યાં સુધીનો આપણે સંબંધ હોય.

સાત સમદર પાર એની શોધ માટે મેં કર્યા,
ને સમય-રાક્ષસના કિલ્લામાં પરી એ બંધ હોય.

એ ભલે છાંયો ન દે પણ એ ના ખસે,
એટલો તો ભીંતની સાથે ઋણાનુબંધ હોય.

એટલે હું ફૂલને જોતો નહીં હોઉં કદાચ,
હું સતત ઝંખ્યા કરૂં છું એ ફક્ત સુગંધ હોય.

– જગદીશ વ્યાસ

વિવેક says:

સુંદર ગઝલ…. માત્ર 47 વર્ષની નાની ઉંમરે કેન્સરની બિમારી એમને આપણી વચ્ચેથી ગયા વરસે છીનવી ગઈ…. એમની એક સુંદર રચના અને ચુનંદા શેર અહીં માણીએ:

http://layastaro.com/?p=630

જનક મ દેસાઈ – મેં ના જાણ્યું હતું

મારું આગમન થશે એ મેં ક્યાં જાણ્યું હતું ?
મારી આંખો ખુલી અને કશુંયે મેં ના જાણ્યું હતું

મેળામાં મુક્યો પગ અને હું ખોવાઈ ગયો
છુટો પડીને શું થવાનું એ મેં ક્યા જાણ્યું હતું?

ના હતું કાબુમાં મારું આગમન કે પ્રસ્થાન
મધ્યાંતર જે કાબુમાં હતું એ મેં ના જાણ્યું હતું

બંધ આંખે હું આવ્યો અને આંખો રહી બંધ
જાગૃતિના દ્વાર ખોલવાનું એ મેં ના જાણ્યું હતું

થઇ ઈચ્છાઓ, અને ભરપુર લાગણીઓ
ગાડાને કેમ હંકારવું એ મેં ના જાણ્યું હતું

ગજવા ભર્યાં અને હાથ પણ ઘણા ધર્યા
ખાલી હાથે જવાનું તો મેં હા જાણ્યું હતું

છતાં ય … કર્યું નહિ કંઈ આત્માના ઉધ્દ્ધારે ..
નિશ્ચિત હતું મૃત્યુ.. એ ય ક્યાં અજાણ્યું હતું ?

– જનક મ દેસાઈ

જનક મ દેસાઈ – હવે, મારું મન ગાતું નથી

હરખાતું નથી,
હવે, મારું મન ગાતું નથી;
વડવાઈઓ ય રડી હશે,
પણ, વગડેથી કૈં સંભળાતું નથી.
હવે, મારું મન હરખાતું નથી

બધી સીમાઓ મેં કરી પાર,
‘ને કર્યું બધું જ નજર બહાર;
પાછું વળીને ય જોયું વારંવાર,
પણ, સીમાડેથી કૈં સંભળાતું નથી.
હવે, પાદર સુધી કોઈ ગાડું જાતું નથી.

હું, ગગન ચૂમવાને આતુર,
ને, મેં વિરહને કર્યો મંજૂર;
ન જાણ્યું આવતાં દર્દનું પૂર,
હવે કાંઈ સહન થાતું નથી, પણ
મારા દર્દનું કોઈ દવાખાનું નથી.

સીમાડે જરુર કર્યો હશે ઉદ્ઘોષ
જાણું છું, મારા કાને કર્યો હશે દોષ
મેં સાંભળ્યું તે સમઝાયું નહીં,
‘ને સમઝાયું તે ગણકાર્યું નહીં.
સમયનું પૈડું ઉંધું વળાતું નથી.

ના કોઈ પડકાર, ના કર્યો મેં પોકાર,
હું તો બસ, કરતો રહ્યો તને યાદ;
મારે હૈયે વસ્યો છે અખંડ પ્યાર.
સરળ થોડા આ શબ્દોને આધારે,
ગીત તો લખ્યું,
પણ પુસ્તક લખાતું નથી.

– જનક મ દેસાઈ

જમન કુંડારિયા – સિતારા

ગગનમાંથી
સિતારાઓ ક્યારેય ખરતા નથી.
માત્ર,
સ્થિર થવા
જગ્યા જ બદલે છે.

– જમન કુંડારિયા

જમિયત પંડયા – હસતો રહ્યો

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

-જમિયત પંડયા

જય ભટ્ટ – કાવ્યભાવ

કવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે. જે કવિતા લખી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે, અને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે તેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ, સુંદરતા, દર્દ, કે ગમ જેવા ભાવો હમેશા સાચા જ હોય છે. એમાં કૃત્રિમતા હોતી જ નથી. કલ્પના ઘણી વખત માનવીને નહી કલ્પેલા સુખનો અનુભવ કરાવી શકે છે. તેથી જ કાવ્યરસિકો કે લેખકોને સુખ શોધવા માટે આંધળી દોટ મુકવી પડતી નથી.

– જય ભટ્ટ

જય વસાવડા તથા ગૌરવ જસાણી – “ચન્દ્રકાંત બક્ષીના અવતરણો”

જય વસાવડા તથા ગૌરવ જસાણી સંપાદિત “ચન્દ્રકાંત બક્ષીના અવતરણો” માંથી –

– સ્ત્રી જમાનાને અને જમાનો સ્ત્રીને બદલે છે.

– સ્ત્રીને માટે સ્વીકાર્ય થવું એ પણ એક સંઘર્ષ છે.

– સ્ત્રીની પ્રગતિ સૂક્ષ્મ હોય છે.

– સ્ત્રીઓની આંખો જિંદગીભર બુઢ્ઢી થતી નથી.

– સ્ત્રીની પ્રગતિ અને વિગતિ બંનેના છેડા આત્યંતિક છે !

– સ્ત્રી બૉસ હોય તો બહુ લોહી પીએ… બૉસ તરીકે પુરુષ સારો !

– સ્ત્રીઓનું ભેગું થવું એ આંસુઓનું ભગિનિત્વ છે.

– સ્ત્રીઓ વિશે કેટલા અભિપ્રાયો હોઇ શકે ? જેટલા પુરુષો છે એટલા અભિપ્રાયો.

– સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે, માટે એમાં સત્ત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે.

– જય વસાવડા તથા ગૌરવ જસાણી સંપાદિત “ચન્દ્રકાંત બક્ષીના અવતરણો” માંથી

જયંત વ્યાસનું અવસાન

Image file missing

જયંતી પટેલ – વિચારો
  • દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
    જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
  • આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
    હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.
  • અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
    થઈ કટારી હૈયે વાગ્યાં, કેવી તમારી આ રીસ?

– જયંતી પટેલ

જયન્ત પાઠક – ચિતારો

અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઅો ભરી !
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતી પરથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ !
જલરંગે જલપરી !

લૂછતાં વાદળ પોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ,
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !

– જયન્ત પાઠક

જયન્ત પાઠક – જૂના પત્રોનો નાશ કરતાં

પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ઘડીઓ !
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.

કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં :
આખાં હૈયાં પરબીડિયું થઇ કાળ ને સ્થાન કેરાં,
વીંધીને અંતર અહીં સુધી લાવતા લોકછાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યા !

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે ;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઇ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી, આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો !

જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઇ રહેતો
થોડું કંપે કર, હ્રદય થોડું દ્રવે
થોડું … થોડું જ એ તો !

– જયન્ત પાઠક

જયન્ત પાઠક – પતંગિયું

ઓચિંતું
ક્યાંકથી આવીને બેસી ગયું છે
આ રંગબેરંગી પતંગિયું
મારી આંખ ઉપર
આંખ રંગબેરંગી ફૂલ થઇ જાય તે પહેલાં
મારે એને બંધ કરી લેવી જોઇએ;
અથવા તો
પતંગિયાને ઉડાડી મૂકવું જોઇએ.
પણ …
મારાથી એવું તો ક્યારે કશુંય થાય છે !
એટલે જોયા કરું છું.
પતંગિયું – ફૂલ ઉપર.

– જયન્ત પાઠક

જયન્ત પાઠક – પહાડ અને નદી વિશે

ઉપરથી ભીંજાયો અને ભીતરથી પીગળ્યો
પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો

તરવું ને તણાવુંના હવે ભેદ કયાં રહ્યાં:
ખુદ વ્હેણમાં જ વ્હેણ થઈ આપુડો ભળ્યો !

રેતીમાં રમો કે રમો જલના તરંગમાં
બે તટ વચાળ છો હજી, દરિયો નથી મળ્યો

મળશે જ એ તને જરૂર- શી રીતે કહું?
કયારેક નદીનેય સમુંદર નથી મળ્યો

તપમાં ખડો રહું કે વહું એની શોધમાં‍
ઉભેલ એક પ્હાડ વિમાસે બળ્યોઝળ્યો

મારી તરસ પીને નદી છલકાઈ છલોછલ
કોઈ વિરહનો શાપ યે આવો નથી ફળ્યો!

– જયન્ત પાઠક

જયન્ત પાઠક – રણ

સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ
આભનો તડકો ચરે.
પગલાંમાં પડછાયા તફડે
પેટ ભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરળ
પવનની ચપટીમાં ચોળાઇ
મેંશ થૈ આભ
આંખથી દદડે.
રણદ્વીપોનાં લીલાં છોગા6
મૃગજળ ઉપર તરે.
ક્યાં છે હરણ ?
ક્યાં છે પેલું બદામરંગી ચરણ ?
ઊંચીનીચી ઊંટ ગતિનાં
મોજાં ઉપર મોજાં
ઊછળે ઢળે.

– જયન્ત પાઠક

જયન્ત પાઠક – રોકો વસંતને

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફૂલડાંના ફાલ
લાવતી રોકો વસંતને

એ તો આંગણને આંબલિયે ટહૂકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે!
મારા ઝૂરતાં જીવન સાથ રંગે ચડે!
એની વેણુમાં વેદનાનું વહાલ
વહાવતી રોકો વસંતને.

– જયન્ત પાઠક

જયન્ત પાઠક – વર્ષાગમન

(૧)
ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
તે બધું અંદર ખસેડો:
સૂક્વવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
આ કોલસાની ડોલ, સાવરણી વળી
– સળગે નહીં બળતણ, સડી જાશે સળી –
લીધું બધું ?
હાશ, હવે ભલે થાય
પ્રલે !

(૨)

આ વાદળાં આવી રહ્યાં ઓરાં
ટપ ટપ
સૂણો ફોરાં.
અગાશીમાં ચાલો
વાયરો કેવો લાગે છે
વ્હાલો !
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!
હાશ, હવે ભલે થાય
પ્રલે !

– જયન્ત પાઠક

જયન્ત પાઠક -પ્રીત

એક એવી તે પ્રીત અમે કીધી
કે ઘૂંટમાં આખી પિયાલી પીધી !

– જયન્ત પાઠક

જયવતી કાજી – સુખનું સ્ટેશન

(via રીડગુજરાતી.કોમ )

મધુર રહીએ એટલું સુ:ખ,
માનવી રહીએ એટલું દુ:ખ,
સુખી રહીએ એટલી આશાઓ,
જરૂરિયાત સંતોષે એટલી સમૃધ્ધિ,
હૂંફ આપે એટલા મિત્રો, અને
આજને ગઈ કાલ કરતાં વધુ સુખદ્
બનાવે એટલી નિશ્ચયશક્તિ.

જન્મદિને લગ્નપ્રસંગે, લગ્નતિથિએ, નૂતનવર્ષે કે પછી જીવનનો કોઈ પણ મહત્વનો અને શુભ પ્રસંગ હોય ત્યારે લોકો આશીર્વાદ આપતાં કહે છે : ‘સુખી થજો’. માણસની ઈચ્છા સુખી થવાની હોય છે. એને સુખી થવું હોય છે. એને સુખ અને શાંતિ જોઈતાં હોય છે. સુખી થવા માટે એ મથામણ કરે છે, છતાં કોણ જાણે કેમ સુખ અને શાંતિ ચંચલ પતંગિયાની માફક એને પકડવા જઈએ, એની પાછળ દોડીએ તેમ દૂર ને દૂર ઊડી જાય છે ! સુખ અને શાંતિને બદલે આજના આપણાં જીવનમાં અશાંતિ, અજંપો અને ઉદ્વેગ ખૂબ વધી ગયાં છે.

અમેરિકા તો વિશ્વનો ઘણો સમૃધ્ધ દેશ છે. જીવનમાં ઘણી સગવડ છે, છતાં લોકોના મનને શાંતિ નથી. ‘ટેન્શન’ને લીધે ઊંઘવા માટે ગોળીઓ લેતા હોય છે. વધુ ને વધુ લોકો માનસિક ‘ડીપ્રેશન’ નો ભોગ બનતાં જાય છે. સમજ નથી પડતી કે આવું કેમ બને છે ? આપણી જીવનશૈલી ખોટી છે ? આપણી વિચારધારામાં ક્ષતિ છે ? પ્રગતિની એ કિંમત છે ? કે પછી માનવીની એ નિયતિ જ છે ? સુખ એ શું મૃગજળ છે ? સુખ માટેની માનવીની ઝંખના એ શું માત્ર ઝંખના રહેવા જ સર્જાઈ છે કે પછી માનવીને સુખ શું છે એની જ ખબર નથી ?

આદિ કાળથી માણસ સુખની શોધમાં જ રહ્યો છે. પ્રશ્ન એ જ છે કે એને સુખ કેવી રીતે સાંપડે ? સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ અલગ હોય છે અને એ બદલાતી રહે છે, પરંતુ મોટા ભાગના માણસો માટે તો સુખ એટલે પ્રાપ્તિ – મેળવવું – પુષ્કળ મેળવવું અને ભોગવવું. જે મળ્યું તેનાથી વધારે ને વધારે મેળવતાં જ જવું, જે કાંઈ મેળવ્યું હોય તેનું પ્રદર્શન કરવું અને એ માટે લોકોની પ્રશંસા પ્રાપ્ત કરવી. માણસનું મન તૃપ્ત થતું નથી. એને હંમેશા એમ થાય છે કે ‘હજી વધારે હોય તો સારું.’ સાથે સાથે એને એમ પણ થાય છે કે આટલું મળશે એટલે બસ! પછી હું સુખી થઈશ. પછી બસ, સુખ ને સુખ જ હશે.

આપણાં પોતાના અંતરના ઊંડાણમાં એક કાલ્પનિક સ્વપ્નું હોય છે. વિઝન હોય છે. આપણને થાય છે કે આપણે એક લાંબી સફરે નીકળ્યા છીએ. ચાલતી ટ્રેઈનની બારીમાંથી આપણે બહારનું દશ્ય જોઈએ છીએ. બાજુના ‘હાઈ-વે’ પરથી વાહનો પસાર થઈ રહ્યાં છે. દૂરની ટેકરીઓ પર ગાય, ભેંશ, ઘેટાં અને બકરાંઓને ચરતાં જોઈએ છીએ. લીલાંછમ ખેતરો જોઈએ છીએ. ઝૂંપડાં જોઈએ છીએ. અને નાના-નાનાં માટીનાં ઘરનાં આંગણામાં ખેલતાં બાળકો જોઈએ છીએ. મોટાંમોટાં વૃક્ષોને પસાર થતાં જોઈએ છીએ. આ બધું આપણે જોઈએ છીએ. ટ્રેઈન આગળ ને આગળ જઈ રહી છે. પરંતુ આપણા મનમાં તો આપણું પહોંચવાનું સ્થળ – ડેસ્ટીનેશન છે ! આટલે વાગે આપણે એ સ્ટેશને પહોંચી જઈશું અને બસ ! ત્યાં પહોંચીશું એટલે ખુશી જ ખુશી જ ! ત્યાં પહોંચીશું એટલે આપણાં સુંદર મોહક સ્વપ્નાં સાચાં પડશે. આપણે ઉત્સુકતાથી આપણા પહોંચવાન સ્ટેશનની રાહ જોતાં રહીએ છીએ, અને માનીએ છીએ કે ત્યાં પહોંચ્યાં એટલે ‘સુખ, સુખ અને નિરાંત !’

એમ થાય છે કે કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે બસ ! પછી થાય છે કે સરસ નોકરી મળી જાય એટલે થયું ! નોકરીના-વ્યવસાયમાં સ્થિર થઈએ એટલે નિરાંત ! પછી એક સુંદર, ‘સ્માર્ટ’ મનગમતી યુવતી સાથે લગ્ન થાય એટલે સુખી ! પણ વાત ત્યાં અટકતી નથી. પછી જોઈએ છીએ એક ઘર, મોટર અને વધુ પૈસા. બાળકો મોટાં થઈ જાય અને ભણી રહે એટલે જવાબદારી પૂરી ! પછી નિવૃત્ત થઈ જઈશું અને શાંતિથી સુખચેનમાં જીવન પૂરું કરીશું ! આપણી પાસે દશ હજાર રૂપિયા એકઠા થાય છે, ત્યારે આપણને થાય છે એક લાખ હોય તો સારું ! નાની મારૂતિ ગાડી આવે છે ત્યારે મર્સિડીઝ હોય તો કેટલું સારું એમ થાય છે. આમ, આપણી અપેક્ષાઓ વધતી જાય છે. લાલસા વધતી જાય છે. મનમાં અસંતોષનો અગ્નિ જલતો રહે છે, અને એની સાથે સુખ-શાંતિ-નિરાંત આઘાં ને આઘાં ઠેલાતાં જાય છે.

ધન-સંપત્તિ, દોલત અને ચીજવસ્તુઓ મેળવવા માટે પ્રયાસ માણસના ગજા અને શકિત ઉપરાંતનો ઘણી વખત હોય છે. પોતાના શક્તિ બહારના આ પ્રયાસથી એ માણસને અને એની આજુબાજુના કુટુંબીજનોને એ કારણે સતત માનસિક દબાણ રહે છે. કેમ કરીને વધારે અને વધારે મેળવીએ ? એ માટે શું કરી નાંખીએ ? એ અજંપો માણસના મનની શાંતિ અને સ્વસ્થતાને હણી નાખે છે.

તમે કહેશો : દુનિયા એમ જ ચાલે છે ને ? એમાં આપણે શું કરી શકીએ ? દુનિયાની એ તો રીતરસમ છે. જેટલું વધુ તેટલું વધુ સારું. જેની પાસે જેટલું વધારે તેટલો તે વધુ સફળ ! જેની પાસે ત્રણ મોટર હોય તે એક મોટર હોય તેનાં કરતાં વધુ સફળ. એક ઘર નહિ પણ બે-ત્રણ બંગલાઓ હોય તે વધુ ફત્તેહમંદ. જેટલાં સાધનો વધારે એટલી વધુ સફળતા. આપણે આર્થિક અને સામાજિક સફળતાને ‘acquisition’ સાથે સાંકળી દીધી છે અને સફળતાને સુખનો પર્યાય માની લીધો છે. આપણે ભૂલી જઈએ છીએ કે સુખ કોઈ સાધનમાં નથી, પરંતુ એ સાધન વડે સુખ નિષ્પન્ન કરવાની આપણી પોતાની ક્ષમતામાં છે.

આપણે મેળવીને કે મેળવતાં જઈને અટકી જતાં નથી, પણ સતત બીજાંને જોતાં રહીએ છીએ. બીજા લોકો સાથે સરખામણી કરતાં રહીએ છીએ. તમે કહેશો કે એ તો સ્વાભાવિક છે. બીજાનું જોઈને આપણે શીખતાં અને સુધરતાં જવું જોઈએ. એમ ન કરીએ તો આપણો વિકાસ કેવી રીતે થાય ? કબૂલ ! બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા અમુક હદ સુધી ઠીક છે, પણ જ્યારે એ સમગ્ર જીવનમાં અને વ્યવહારમાં ઈર્ષ્યાનું કીટાણું બનીને પ્રસરી જાય, ત્યારે એનું પરિણામ ભયંકર આવે છે.

પાડોશી રાહુલભાઈએ મહાબળેશ્વરમાં બંગલો ખરીદ્યો અને અજિતભાઈએ નવી ‘હોન્ડા’ ગાડી ખરીદી. પ્રશાંતભાઈનો છોકરો મેડિકલ કૉલેજમાં દાખલ થયો અને અમારો મુદિત કોમર્સમાં ગયો ! બધાં ક્યાં ને કયાં પહોંચી ગયાં અને આપણે ? આપણે રહી ગયાં ! એટલે મન ખિન્ન થવાનું. અફસોસ થવાનો અને આપણે દુ:ખી થવાનાં. આપણી પાસે શું છે, એનો આપણને વિચાર નથી આવતો. એ તરફ આપણી દષ્ટિ જતી જ નથી. આપણી નજર તો બીજા તરફ હોય છે. મન જે નથી એ જ શોધ્યાં કરે છે. એને માટે એ તલસે છે. જે નથી તેજ તેને જોઈએ છે ! એની આ ઝંખના એને જંપવા દેતી નથી. એની પાસે જે છે એનો એને આનંદ માણવા દેતી નથી. આપણે સતત આપણું દુ:ખ જોતાં રહીએ છીએ અને બીજાનું સુખ જોતાં રહીએ છીએ !

આપણી જિંદગી સાથે, આપણા સંજોગો કે જીવનદષ્ટિ સાથે કશો જ સંબંધ ન હોય તો પણ આપણે બીજાંને જોવાના ! બીજાની સરખામણી કરવાનાં અને આપણે માની લીધેલાં એમના સુખ અને સફળતાથી આપણે દુ:ખી થવાનાં આપણે સુખી થવું છે, પણ આપણે ઈચ્છીએ છીએ કે સુખ આપણાં પુરતું જ મર્યાદિત રહે. એવા કેટલાય માણસો હોય છે, જેમને કોઈ વાતે સુખ લાગે નહિ ! નાની સરખી વાતમાં પણ દુ:ખી થઈ જાય !

અરે ! બીજો કોઈ સુખી થાય એમનું પણ તેમને દુ:ખ !
એક સાંભળેલો પ્રસંગ મને યાદ આવે છે. એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરે. એક દિવસ પ્રભુ સાક્ષાત્ પ્રગટ થયા અને એને કહ્યું, ‘વત્સ ! હું તારા પર પ્રસન્ન થયો છું. માગ, તું માગે તે તને આપીશ.’ પેલો માણસ તો ખુશખુશ થઈ ગયો અને કહ્યું, ‘પ્રભુ ! મારે ઘરે રૂપિયાનો વરસાદ થાય એવું કરો.’ ‘તથાસ્તુ’ કહી દેવ તો અદ્રશ્ય થઈ ગયા. સાથે જ એનું ઘેર રૂપિયાના વરસાદથી ભરાઈ ગયું. પેલો માણસ તો રાજીના રેડ થઈ ગયો. સીધો બહાર દોડી ગયો – પાડોશીને આ સારા સમાચાર આપવા માટે ! જુએ છે તો પાડોશીના ઘરના પણ બહાર દોડી આવ્યા હતાં. એમને ત્યાં પણ રૂપિયા વરસ્યા હતા, પરંતુ એ જોતાં જ આ માણસનો આનંદ કયાંય ઊડી ગયો. એ તો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. એણે છેવટે પ્રભુને પૂછી જ નાખ્યું, ‘જો પાડોશીને ત્યાં પણ રૂપિયા વરસાવવા હતા તો મને શું કામ વરદાન આપ્યું ? માણસને સુખ જોઈએ છીએ પણ પોતાના પુરતું જ !

ઘણાં વિચારે છે કે યુવાનીનાં થોડાં વર્ષો મહેનત કરી લઈએ – સંઘર્ષ વેઠી લઈએ અને અમુક સ્થિતિએ પહોંચ્યા પછી આ ધાંધલ-ધમાલ અને હાયવરાળ છોડી આરામથી જીવનનો આનંદ માણીશું. પરંતુ આ ખ્યાલ ભૂલભરેલો છે. સુખ તો મૃગજળ જેવું લોભામણું છે. દૂર ને દૂર તમને એ ઘસડતું જાય છે, કારણકે આપણને સુખ શું છે ? સુખ શેમાં રહેલું છે ? સુખ ક્યાંથી મળી શકે એની ખબર નથી !

ખરે જ ! સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ એ બદલાતી હોય છે. સુખ તો માનસિક અવસ્થા છે. સુખ બહારથી નથી મળતું, એ તો આપણાં અંતરમાં વસે છે. એની અનુભૂતિ કરવાની હોય છે અને માણસ જ્યાં સુધી પોતે સુખી થવા ન માંગે, ત્યાં સુધી એ સુખી નહિ થઈ શકે ! બાળપણમાં સાંભળેલી સુખી કાગડાની વાર્તાની માફક માણસ પોતે ગમે તે સંજોગોમાં સુખી રહેવાનો સંકલ્પ કરે, તેને કોણ દુ:ખી કરી શકે !

આપણે જો આપણા જીવનની શુભ વસ્તુઓને જોઈશું, આપણને પ્રભુએ બક્ષેલા સુખનો વિચાર કરીશું તો આપણને કોઈ અફસોસ નહિ રહે.

સુખ તો આપણી આજુબાજુ બધે ફેલાયેલું છે. ફકત આપણને એનું દ્વાર ખોલવાની ચાવી મળવી જોઈએ ! ‘ખુલજા સિમસિમ’ની માફક સુખના ખજાનાનાં દ્વાર ખૂલી જાય એટલે બસ ! સુખ તો અહીંયા છે – ત્યાં છે- બધે જ પડેલું છે, પરંતુ એને જોતાં-શોધતાં શીખવાનું છે. સુખ તો પ્રિય પુસ્તકમાં છુપાઈને પડયું છે. કોઈની મૈત્રીભરી દષ્ટિમાં એ રહેલું છે; તો કોઈક ના મોહક સ્મિતમાં સંતાયેલું છે ! કોઈક પ્રિય વ્યકિતના ઉષ્માભર્યા સ્પર્શમાં, તો કોઈક અપરિચિતના મૃદુ સ્વરમાં એ રહેલું છે ! સુખ ! સુખ તો આપણા સમગ્ર વિચારમાં વ્યાપી રહેલું છે. આપણી પ્રત્યેક પ્રાર્થનામાં સુખનું સ્વરૂપ રહેલું છે. સુખને દૂર શોધવા જવાની જરૂર નથી. સુખ સર્વત્ર છે ! સુખનો વાસ છે પ્રેમભર્યાં હૈયામાં. આપણે એને પુષ્યની મધુર સુવાસની માફક શ્વાસમાં ભરવાનું હોય છે.

આજે જ્યારે જીવનસંધ્યાના સાગરતટે અમે બંને ઊભાં છીએ, ત્યારે ચોથી પેઢીના શિશુના આગમનથી અનેરું સુખ અનુભવીએ છીએ.

આપણે પોતે સુખી થઈશું તો જ બીજાંને સુખી કરી શકીશું. સુખી થવાનું આપણું કર્તવ્ય છે, છતાં કોને ખબર, આપણે એને મહત્વ જ નથી આપતા ! સુખી થઈને આપણે અજ્ઞાત રીતે દુનિયાનું ભલું જ કરતાં હોઈએ છીએ.

સુખનાં પણ કેટલાંક ધારા ધોરણો હોય છે. કેટલીક વિલક્ષણતા હોય છે. સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ બદલાતી જાય છે. બાળપણમાં રમતગમતમાં સુખ લાગે. કિશોરાવસ્થામાં મિત્રો સાથે આનંદપ્રમોદમાં સુખ લાગે. યુવાવસ્થામાં ધન-સંપત્તિ-પ્રેમ અને સફળતા મેળવવામાં સુખ લાગે. પરિવારને સુખી કરવામાં આનંદ આવે, અને ઢળતી ઉમ્મરે થાય, ‘બસ ! તબિયત સારી રહે. કોઈના ઓશિયાળા થવું ન પડે અને આમ ને આમ ઊકલી જઈએ તો થયું.’ સુખનું કોઈ એક સ્ટેશન કે ડેસ્ટીનેશન નથી. આટલું મળે – આટલું થાય એટલે નિરાંત….સુખ પણ આપણું એ સુખનું સ્ટેશન દૂર ને દૂર જ ઠેલાતું જાય છે.

જિંદગી કેવી જશે, કેમ જશે એ આપણાં હાથમાં નથી. જિંદગી મનસ્વિની છે. એ પોતાની રીતે જ વહેતી, ગતિ કરતી રહે છે. એના પર – જિંદગીના તમામ સંજોગો પર આપણો અંકુશ બહુ ઓછો હોય છે, પરંતુ એના પ્રત્યે કેવો પ્રતિભાવ રાખવો- સંજોગોને કેવો પ્રતિસાદ આપવો એ જ આપણા હાથની વાત છે. ટૂંકમાં કહું તો સુખ સમાયું છે દષ્ટિમાં. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. સુખી થવા માટે પણ મનને તાલીમ આપવી પડે છે. સંગીત શીખવા રિયાઝ કરવો પડે છે, નૃત્ય શીખવા માટે તાલીમ લેવી પડે છે, તેવી જ રીતે સુખી થવા સભાન રીતે પ્રયત્નશીલ રહેવું પડે છે. નૃત્ય અને સંગીતની જેમ સુખપ્રાપ્તિ એ પણ એક કળા છે. કળા સતત અને સખત તાલીમ માંગી લે છે. સુખનું પણ એવું જ છે.

કચ્છી કહેવત છે તેમ, આપણે ‘નીચાં નેણ રાખીએ.’ એનો અર્થ એ જ કે દુનિયામાં આપણાં કરતાં તો અનેક માણસો દુ:ખી હોય છે. એમની પાસે તો ધન-દોલત-સગવડ જેવું કશું નથી હોતું. આપણે તો એમનાં કરતાં ઘણાં વધારે સુખી છીએ ! એમના તરફ જોઈએ તો આપણને થશે કે આપણને જિંદગી સામે- ઈશ્વર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. દુનિયાના કયા દેશના લોકો સુખી છે એવું એક સર્વેક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તમે કહેશો અમેરિકા અને સ્વીટ્ઝરલૈંડના લોકો સૌથી સુખી હશે ! ના રે ના ! દુનિયાના સુખી દેશોમાં નંબર છે બાંગલાદેશ, ભારત, પોલેંડ અને માલદિવનો ! કારણ કે સુખનું સ્થળ છે માનવનું મન.

સુખી થવું હોય તો ભૂતકાળને ભૂલી જવો પડે. ભવિષ્યની ચિંતા સતત ન કરો. કારણકે જિંદગી એટલે આજ – વર્તમાન. ભૂતકાળ વીતી ગયો છે. એ પાછો નથી આવવાનો. ભવિષ્યની કશી જ ખબર નથી. ભાવિ રહસ્યમય છે. જ્યારે વર્તમાન એ જ પરમાત્માની પરમ બક્ષિસ છે.ગઈકાલના ખેદમાં અને આવતીકાલની ચિંતામાં આજને શા માટે રગદોળવી ?

આપણે એટલું જ યાદ રાખીએ કે સુખ અને દુ:ખ એક જ સિક્કાની બે બાજૂ છે. બંન્ને જોડિયા છે. સુખની પાછળ દુ:ખ હોવાનું જ. દિવસ પછી રાત અને વસંત પછી શિશિરની માફક, એ કુદરતનો ક્રમ છે. કારણકે જીવનમાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ નથી રહેતું. બધું જ બદલાતું જાય છે. યાદ રાખવા જેવું એક જ સુત્ર છે : ‘આ પણ પસાર થઈ જશે’. ‘સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ જે મળ્યું તેમાં સંતોષ માનીએ. પુરુષાર્થ ઉચ્ચ ધ્યેય માટે સતત કરતાં રહેવાનો. સફળતા-નિષ્ફળતા હરિને હાથ. મનમાં એક જ વિશ્વાસ રાખવાનો – જે થશે તે સારા માટે થશે. જીવન માટેનો વિદ્યેયક, પોઝીટીવ દષ્ટિ, આત્મશ્રધ્ધા અને પરમાત્મામાં શ્રધ્ધા. ‘ચિત્ત, તું શીદને ચિંતા કરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.’

જીવનના પ્રત્યેક સૂર્યોદયને આશા અને આનંદથી વધાવીએ. પ્રત્યેક દિનને- પ્રત્યેક ઘડીને પૂરા દિલથી જીવીએ. જિંદગી જેમ આવે તેમ ઝીલતાં જઈએ. અને એ માટે પરમાત્મા પાસે બળ માંગીએ. કુંતામાતાની માફક આપણે ભગવાન પાસે દુ:ખ નથી માંગવાનું, એટલું જ માંગીશું – અમને શકિત આપજો, સુખ અને દુ:ખ બંને અમે જીરવી શકીએ એટલાં જ આપજો, અમને આપજો…

મધુર રહીએ એટલું સુ:ખ,
માનવી રહીએ એટલું દુ:ખ,
સુખી રહીએ એટલી આશાઓ,
જરૂરિયાત સંતોષે એટલી સમૃધ્ધિ,
હૂંફ આપે એટલા મિત્રો, અને
આજને ગઈ કાલ કરતાં વધુ સુખદ્
બનાવે એટલી નિશ્ચયશક્તિ.

-જયવતી કાજી

જયા મહેતા – એક જળનું ટીપું

એક જળનું ટીપું
આંખેથી સર્યું
ને
આસું થયું

એક જળનું ટીપું
ગુલાબ પાંખડી પર ઠર્યું
ને
ઝાકાળ થયું

એક જળનું ટીપું
સરિતમાં ભળ્યું
ને
કાંઠે બંધાયું

એક જળનું ટીપું
સાગરમાં ભળ્યું
ને
અનહદ થયું

– જયા મહેતા

જયા મહેતા – કવિતા

કવિતા તો રમત છે
શબ્દોની
પણ શબ્દો કોની જોડે રમે ?
એકલા એકલા રમે ?
એ જ તો ખૂબી છે કવિતાની
શબ્દો કોની જોડે રમે છે એ
પકડી શકો નહીં
કવિતા તો બાળક જેવી
બાળક એકલું એકલું રમતું હોય છે
પણ રમતને તો નિયમો હોય
કવિતાની રમતનેય નિયમો તો હોય,
પણ કવિતા તો બાળક જેવી
બધા નિયમો ફગાવી દઇને
બાળક પોતાની રીતે રમતું હોય છે.

૨૭-૮-૦૫
– જયા મહેતા

જયા મહેતા – ક્યાં સુધી

ક્યાં સુધી આવ્યા કરશે
મારી પાછળ
આ મારાં પગલાં ?

ક્યાં સુધી ખૂટશે નહીં
સામે દેખાયા કરતો
આ રસ્તો ?

ઘડીયાળના બે કાંટા જો
ક્ષણ એક થઇ જાય સ્થિર, તો
હું ખસી જાઉં દૂર
આ મારો પીછો કરતાં
પગલાંથી
નીકળી જાઉં બહાર
આ રસ્તાના બે છેડાની

ન પગલાં ન રસ્તો
પછી તો …

– જયા મહેતા

જયા મહેતા – ગાયમાતા

લાલચટ્ટાક કંકુના ચાંદલા પર
ચોખા ચોડાયા કપાળમાં
લીલુંછમ્મ ઘાસ નિરાયું
ધન્ય ધન્ય ગાયમાતા
શેઢકડાં દૂધ આપ્યાં
સવારસાંજ વર્ષોનાં વર્ષો
ગાય હવે બેઠી છે
પાંજરાપોળમાં
સુક્કુંભઠ્ઠ ખડ વાગોળતી.

– જયા મહેતા

જયા મહેતા – શું જુદાં છે ?

દીવો પ્રગટે
પછી
તેલ અને વાટ અને જ્યોત
શું જુદાં છે ?

માણસ અવતરે
પછી
કાયા અને જીવ અને શિવ
શું જુદાં છે ?

– જયા મહેતા

જયેશ ભોગાયતા – ફળ

મારા દાદાએ
એક થેલીમાં પડેલાં બે ફળ વિશે કહેલું :
‘એક કાચું છે,
ને બીજું કદાચ બગડી ગયું છે,
તો એકને સાચવી લે !’
મેં થેલી ઊંધી વાળેલી તો અંદરથી
ત્રણ ફળ નીકળ્યાં.
આ ત્રીજું ક્યાંથી ? દાદા પણ મૂંઝાયેલા.
મેં કહેલું: એ તમારું આંસુ છે
ને એ જ ફળને હું પકવ્યા કરીશ.

– જયેશ ભોગાયતા

જયોતિ ગાંઘી – ગમતાનું ગામ ગઇ

મને ગમતાનું ગામ જરા ગોતી ધો કોઇ,
હું તો શમણાના વનમાં ખોવાણી.

મારો ચાંદલો ચાંદલિયાને ચોડી ધો કોઇ,
રાત કુમકુમના ઘોળમાં ઘેરાણી.

ઓલ્યા તારલાનાં તેજ જરા ચૂંટી લ્યો કોઇ,
ભીનું આભલું ને વાત આ વંકાણી.

ઓલ્યા કોકિલનો કંઠ જરા લૂંટી લ્યો કોઇ,
પ્રીત ગીત્યુંની ભાત્યમાં ગૂંથાણી.

મને મોરલાને પીંછે મઢી ધો રે કોઇ,
હું તો અષાઢી ઓરતે બંધાણી.

મને ગમતાંનું નામ જરા ગોતી ધો કોઇ,
પીટૂયા ગારૂડીની ગાંઠે ગંઠાણી.

– જયોતિ ગાંઘી

જલન માતરી – પ્રથમથી જ રિવાજ છે.

સુખ જેવું જગમાં કંઇ નથી જો છે તો આ જ છે,
સુખએ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે?

દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખ આ ‘જલન’ની ન અમાઝ છે.

– જલન માતરી

જલન માતરી – ખુદા પણ હશે

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે.

અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી,
સુરા પણ હશે, અપ્સરા પણ હશે.

કયામતમાં ઈન્સાફ થાશે પછી,
હશે ક્રૂરતા પણ, દયા પણ હશે.

મટે કેમ ના રોગ, શોધો ભલા,
જો પીડા હશે તો દવા પણ હશે.

કયામતની રાહ એટલે જોઉં છું,
કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.

– જલન માતરી

જલન માતરી – મૃત્યુ મારું પોતાનું હતું

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

– જલન માતરી

જવાહર બક્ષી – ચાલે છે

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.
અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

જવાહર બક્ષી – ટોળાંની શૂન્યતા છું

ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

– જવાહર બક્ષી

જવાહર બક્ષી – ન કર

ભર વસંતે આમ ઉનાળો ન કર
હિમકણચ છું ઝાઝો હૂંફાળો ન કર

જે બધું છૂંટયું એ ભૂલી જા હવે
બાદબાકીઓનો સરવાળો ન કર

માત્ર પડછાયા જ ફેલાશે અહીં
ગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર

માનસરનાં મોતી બોલાવે તને
હંસ થઇને વ્રુક્ષ પર માળો ન કર

શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં
આમ એ લખ કરી કાળો ન કર

-જવાહર બક્ષી

જવાહર બક્ષી – ફરી ન છૂટવાનું બળ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

સાંભળો (click to listen)

– જવાહર બક્ષી

જવાહર બક્ષી – સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો

લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો

પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો

અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો

સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો

– જવાહર બક્ષી

જવાહર બક્ષી – એક અણસારનો પડદો છે

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

સાંભળો (click to listen)

– જવાહર બક્ષી

જવાહર બક્ષી – તારા વિરહના શહેરનો

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

– જવાહર બક્ષી

જાગૃતિ ત્રિવેદી – ક્યાં

ક્યાં

મૈત્રિણી મારી
દીસે અદૃશ્ય, વસે
મુજ મનમાં.

– જાગૃતિ ત્રિવેદી

જાગૃતિ ત્રિવેદી – દાયણ

હું એટલે –
તારા મન-હૃદયમાંની
ઘમરોળતી પ્રસવ પીડા પછી,
નવજાત શિશુ સમાન જન્મી,
મારા હૃદયના ખોળે અવતરેલી,
તારી તાજી કવિતામાંથી,
ક્ષુલ્લક ક્ષતિઓ સાફ કરી
હરખાતી દાયણ.

– જાગૃતિ ત્રિવેદી

જાગૃતિ ત્રિવેદી – શંકર

શિવરાત્રિ નિમિત્તે શિવ-ભક્ત તરીકે મહાદેવ સાથેની અંતરંગ વાત એક કવિતા રૂપે તેના ચરણોમાં પ્રસ્તુત છે. – જાગૃતિ

પોતે પહેર્યાં ભભૂતિ વાઘાં,
અમને પહેરાવે નવીન મ્હોરાં !!
શંકર, તું આવો કેવો ?

પોતે શિર ધરી ગંગજટા,
અમને ભાલે સદા અંગારા,
શંકર, તું આવો કેવો ?

પોતે ભટકે થઇને જોગી,
અમને ભટકાવે બનાવી ભોગી,
શંકર, તું આવો કેવો ?

પોતે હલાહલ અટકાવ્યું કંઠે,
અમને ઘૂંટ ગળાવે પરાણે,
શંકર, તું આવો કેવો ?

– જાગૃતિ ત્રિવેદી

જાગૃતિ ત્રિવેદી – સખ્ય

સખ્ય

સ્નેહની વર્ષા
નિરંતર ભીંજવે,
દુકાળ ? એ શું ?

હાઇકુ વિશે થોડું

જાપાનીઝ કાવ્ય પ્રકાર હાઇકુ ઘણાં લાંબાં સમયથી ગુજરાતી સાહિત્યમાં અપનાવાયું છે.

છતાં ઘણાં ઓછાં લોકો એ લખવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ઘણાં ઓછાં લોકો તેને પૂરેપૂરું માણી શકે છે.

હાઇકુની સુંદરતા એની લાઘવતામાં છે. (5-7-5 નું અક્ષર બંધારણ – એટલે કે પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, દ્વિતીયમાં 7 અને તૃતીયમાં 5 અક્ષર. જોડાક્ષરને એક અક્ષર ગણવામાં આવે છે.)

ગણેલાં શબ્દોમાં અનેક વિચારો તથા ભાવો વર્ણવવામાં આવે છે. તેથી, જે શબ્દો પસંદ કરવામાં આવે, તે ખૂબ ખૂબ સમજી વિચારીને પસંદ કરવામાં આવતાં હોય છે. એક શબ્દ અથવા શબ્દ-સમૂહની પસંદગી માટે અનેક ભાવો ગોઠવાતાં હોય છે. જો વિરામચિહ્નોનો પ્રયોગ થયો હોય તો તેની પાછળ પણ ભાવની યોગ્ય (પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ) અભિવ્યક્તિ તથા અર્થ હોય છે.

તેથી, ઓછા શબ્દોમાં લખાયેલા હાઇકુને બરાબર સમજવા માટે તેને ઝડપથી એક વારમાં વાંચવાને બદલે ધીમે-ધીમે વાંચીને તેનો અર્થ સમજવાનો હોય છે, અને શબ્દો દ્વારા જે કહેવાયું છે તે ઉપરાંત જે ભાવોને શબ્દો નથી મળ્યા પરંતુ અધ્યાહાર છે, તે સમજવાના હોય છે. જેને અંગ્રેજીમાં આપણે ‘reading between the lines’ કહીએ છીએ, તેના જેવી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.

આમ, હાઇકુ એ તેના રચયિતા તથા વાચક, બંને માટે પડકારરૂપ છે. અને જો યોગ્ય રીતે લખાય અને સમજાય તો અદ્વિતીય રૂપ છે.

– જાગૃતિ ત્રિવેદી

1. pragnaju says:

જાગૃતિ ત્રિવેદીનૂ રસદર્શન ન હોત તો આટલું સુક્ષ્મ રીતે રચના માણી ન શકાત
સ્નેહની વર્ષા
નિરંતર ભીંજવે,
દુકાળ ? એ શું ?
કદાચ આ રીતે મુલવ્યું હોત
વર્ષા ! તારું સ્વાગત હો !
તારા શુભાગમન સમયે સ્નેહની સુમનાંજલિ ધરું છું.
તું ના હોત તો ધરતીને ધાન્યવતી કોણ કરત ?

2. Jagruti says:

Pragnaju, શીર્ષક પણ હાઇકુનું અભિન્ન અંગ છે. ‘સખ્ય’ શીર્ષક હોય તો રચના મૈત્રી-સંબંધી હોય તે શક્યતા વધુ છે તેમ માનું છું.

આપના પ્રતિભાવ માટે હાર્દિક આભાર.

3. વિવેક ટેલર says:

સુંદર હાઈકુ…

હાઈકુની આટલી બધી સમજણ આપી પણ એનું અક્ષર બંધારણ 5-7-5 જ ભૂલી ગયા?

4. jagruti trivedi says:

હાઇકુ વિશેની સમજૂતી લખ્યા પછી મનમાં થયાં કરતું હતું કે હજુ કંઇક ખૂટે છે, કંઇક રહી જાય છે.
વિ.ટે., આપે આંગળી ચીંધી તે માટે આભાર (પુણ્ય તો મળશે જ ! ).

5. Pancham Shukla says:

Very true- Haiku is a challenging type. Short and sweet introduction for all- good work J. T.

જાગૃતિ ત્રિવેદી – સાથ

સાથ

કંકર માર્ગે,
શંકર સદા સાથે,
જીવાડે મને.

– જાગૃતિ ત્રિવેદી

જાતુષ જોશી – આંખ

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઇ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઇને મોજથી ચાલ્યા કરે,
કાંઇ એ લેતી નથી ને કાંઇ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર ર’તી નથી.

– જાતુષ જોશી

જીદગી

અમારી જીદગીથી એ રમત કેવી રમી બેઠા
અમે પણ એ રમતમાં કેટલાં ઘાવો ખમી બેઠા.

જૈન મુનિ લિખિત મૈત્રી ગીત

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે,
દીન દુ:ખિયાં ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો સુખ સ્રોત વહે.

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,
કરું ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરું,
માનવતાની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાયે.

– એક જૈન મુનિ લિખિત આ મૈત્રી ગીત બહુ લોકપ્રિય છે.

Ramesh Shah says:

Name of the Jain muni is (was) Muni Shree Chitrabhanu. He is not muni but Sansari now but yet very active spreading jainiesm in NY.

જ્યોતિ હિરાણી – સંબંધ

કદી ચાહી શકાય નહિ જેને
ને માત્ર જોડાયેલાં રહેવું પડે જેની સાથે વર્ષો લગી,
એ બાબત
જૂની જર્જરિત દીવાલથી ખરતા જતા રંગના પોપડા જેવી
બનતી જાય છે.
એક પછી એક ખરતા જાય એ થોડા થોડા વખતે
ને અંદરનાં ધાબાં સ્પષ્ટ થતાં જાય વરવી રીતે…
ફરી નવા રંગનો કોન્ટ્રેક્ટ , ફરી દિવાલો સોહામણી…

પણ નિર્વસ્ત્ર સંબંધને પછી કોઇ નવો રંગ
ઢાંકી શકતો નથી.
માત્ર કોટિંગ થયા કરે
ફરી ઊખડવા માટે…

– જ્યોતિ હિરાણી

વિવેક says:

આ કવિતા વાંચીને મને લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ મૂકેલી વિપિન પરીખની કવિતા યાદ આવી ગઈ:

http://layastaro.com/?p=717For queries email at need.more.intel@gmail.com