Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

કૃષ્ણલાલ શ્રીધરાણી – કૂકડો

અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે

સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

– કૃષ્ણલાલ શ્રીધરાણી

કૃષ્ણલાલ શ્રીધરાણી – પૂજારી પાછો જા!

(ખાસ નીલમ દોશીના આભારી છીએ આ વાતચીતમાં મોકલવા બદલ)

ઘંટના નાદે કાન ફૂટે મારા,
ધૂપથી શ્વાસ રૂંધાય,
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
અંગ મારું અભડાય
ન નૈવૈધ્ય તારુ આ!
પૂજારી પાછો જા!

મંદિરના આ ભવ્ય મહાલયો
બંધન થાય મને,
ઓ રે,પૂજારી તોડ દીવાલો,
પાષાણ કેમ ગમે?
ન પ્રેમ નું ચિન્હ આ!
પૂજારી પાછો જા!

એરણ સાથે અફાળે હથોડા
ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો:
( ને)નૈવૈધ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા!
પૂજારી તું પાછો જા!

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે?
બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યુ,
પ્રેમ નહીં પથરા.
ઓ તું જો ને જરા!
પૂજારી પાછો જા!

માળી કરે ફૂલ મહેકતી વાડી,
ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે,
ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા,
પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે,
મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય
એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા,
પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી,
અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી,
ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ,
પૂજારી પાછો જા

-કૃષ્ણલાલ શ્રીધરાણી

કૃષ્ણલાલ શ્રીધરાણી – મુક્તપ્રાણ

મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! બંદીવાન હું નહિ :
મુક્તધ્યાન ! જંજીરો ન બાંધવા ધરા મહીં.
બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચી ઊંચી :
તારલા હસે – વદે, નભે : હસંત આંખડી.

મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! એકલો કદી નહિ :
માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી :
સૂર્ય, ચંદ્ર – પ્રાણ, ઊર્મિ – તારલા રહ્યા લસી.

એકલો નથી ભલે ન હોય પ્રમીઓ સખા :
અનંત હું અબંધ પ્રાણ ! સાથી આત્મ સર્વદા !

-કૃષ્ણલાલ શ્રીધરાણી

કેવો મારો વટ પડે છે.

બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.
નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.

સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.
પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.

એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.
ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.

કેશવલાલ હરગોવિંદદાસ શેઠ – અમથાં

નિર્જન વનવગડે અલી વાદળી !
જળ શાં ઢોળવાં અમથાં?
રણે રગદોળવાં અમથાં?
એવા હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
હ્રદય શીદ ખોલવાં અમથાં ?

– કેશવલાલ હરગોવિંદદાસ શેઠ

કેશવલાલ હરગોવિંદદાસ શેઠ – ભૂલી પંથ ભમું દિનરાત

ભૂલી પંથ ભમું દિનરાત રે,
કોઇ સંત! બતાવો જી વાટ.

ઊગે સૂરજ વળી આથમે એવી ન્હોતી મારી મૂળ ભોમ;
જ્યોતિ અખંડ ઝગે જહીં જેનાં તેજ ઢળે વીંધી વ્યોમ :
કોઇ સંત બતાવો એ વાટ : ભૂલી…

સંસારને ઊને વાયરે થાયે ઘરઘરના દીપ ગૂલ :
જીવન એવાં અહીંનાં વ્હેંતિયાં, મારે મુલક અમરોનાં કુળ :
કોઇ સંત બતાવો એ વાટ: ભૂલી…

ઉષાને અધરે ખીલતો ને સંધ્યાને કાંઠે વિલાય, :
એવા રે સ્નેહને સોણલે મારું જીવતર ઝોલાં ખાય :
કોઇ સંત બતાવો દિવ્યવાટ : ભૂલી…

પગલેપગલે પાવક પ્રજળે; ને આંખે ઠર્યો અંધકાર;
પામર દેહની પીઠ રહી વહી ભવરણકેરો ભાર:
હવે સંત! દોરો સુરવાટ : ભૂલી…

– કેશવલાલ હરગોવિંદદાસ શેઠ

કૈલાસ પંડિત – દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

– કૈલાસ પંડિત

કોઈ ગોતી દેજો રે

લોકગીત

કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !
— મ્હારા.
શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !;
— મ્હારા.
માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,
— મ્હારા.

ક્રાન્તિબીજ – પોતાની રીતે જીવવું એ એક સાધના છે

ઘણીવાર હું પોતે જ મને સમજી શકતો નથી. ક્યારેક તો હું પોતેય મારી સામે મોટા એક પ્રશ્નચિહ્ન જેવો લાગું છું. મારી બાબતમાં હું કશું જ જાણતો નથી કોઈ બીજાએ મારા વિશે જે ધારણાઓ કરી છે કે પરિસ્થિતિએ મારી જે ઓળખ ઊભી કરી છે તે શું મારો ખરો પરિચય બની શકે ? સાવ પ્રામાણિક રીતે કહેવું હોય તો મારે સ્વીકારવું જોઈએ કે બીજાઓ મારા વિશે જે માને છે તે પણ હું નથી. એ એમની ધારણા છે. મારા કરતાં એ એમનો પોતાનો પરિચય ગણી શકાય.

કોઇ મને સારો માણસ માને છે. અને હું જાણું છું કે એમની એ માન્યતા પણ એકદમ સાચી નથી. કેમ કે મારી અંદર કેટલુંક એવું પણ છે જે એમના ઘ્યાનમાં આવ્યું ન હોય. જ્યાં સુધી એમની દ્રષ્ટિ જાય ત્યાં સુધી તો પ્રકાશ ફેલાયેલો લાગે પણ જ્યાં એમની નજર નથી પહોંચતી એવા અંધકારભર્યા ખૂણા અને ભંડકિયા પણ મારી અંદર મોજૂદ હોઇ શકે છે. કેટલાકને હું સારો લાગું છું, તે મારી પોતાની સારપના કારણે નહીં પણ એ પોતે જ સારા હોવાથી ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ’ મુજબ, મારામાં સારૂં જોવા માટે જાત સાથે પ્રતિબદ્ધ છે.

કોઈ મારી ટીકા કરે કે નિંદાની નજરે જુએ તો એ એમની પોતાની સમસ્યા હોઈ શકે. એમની પાસે સારું જોવાની દ્રષ્ટિ જ ન હોય તો એ બિચારા કરે પણ શું ? કોઇ માણસ પૂરેપૂરો સારો કે સદંતર ખરાબ હોતો જ નથી. માણસની અંદર આ બંને બાબતનું સંમિશ્રણ હોય છે. કોઇનામાં સારપ વઘુ તો નઠારા ભાવોનું પ્રમાણ થોડુંક ઓછું હોઇ શકે છે. ક્યારેક તો સારપ ઉપર અને દુષ્ટતા નીચે દબાઇને રહેતી હોય છે. એકદમ ખરાબ અને દુષ્ટ લાગતા માણસોની અંદર પણ સારપ છૂપાઇને પડી હોય છે.

ક્યારેક લાગે છે કે હું સ્વાર્થી છું. મને જે ગમે છે તે મેળવવા હું બીજાની લાગણીઓને નજર અંદાજ કરી રહ્યો છું. તો ક્યારેક એવું પણ લાગે કે બીજા સાથેના સંબંધોને સાચવવા, બીજાની ભાવનાઓને ઠેસ ન પહોંચે એ માટે સમજપૂર્વક કે માત્ર ભીરુતાના કારણે હું મને પોતાને જ અન્યાય કરી રહ્યો છું.

મારી અંદર ઘણું બઘું એવું છે જે બીજાની નજરમાં આવ્યું નથી. એને મારું ‘અંગત’ કહું કે માનવસહજ નબળાઇ ગણીને આંખ આડા કાન કરી જીવનભર એને એક રહસ્યની જેમજ જાળવી રાખું ? ગાંધીજી બનવું સહેલું નથી. સત્યના પ્રયોગો લખવા હોય તો ઘણું બઘું બહાર લાવીને જાહેરમાં મૂકવું પડે. પણ એ રીતે જે અંદર છે તેને બહાર લાવીને સાર્વજનિક બનાવવાનો અર્થ શો ? દરેક માણસ પોતે કેવા છે તે તો અંદરથી જાણતા જ હોય છે. એમના પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ બીજાની સામે પ્રગટ થઇ જાય તો બીજાને એનાથી લાભ થાય ખરો ? પોતાની સામે તો એ પ્રગટ છે જ. જો એ અંગત વાત સર્વજનિક બને તો વ્યકિતને પોતાને એનાથી લાભ થાય ખરો ?

સાચી વાત તો એ છ ેકે સોએ સો ટકા કોઇ ક્યારેય પોતાને બહાર પ્રગટ કરી ન શકે. સત્યના ગમે તેટલા પ્રયોગો કરો પણ કેટલીક વાત પોતાની અંદર ધરબાયેલી અને ‘અંગત’ જ રહી જાય છે. કેમ કે પોતાની અંદર ચાલતા વિચારો, ભાવો, ગમા-અણગમા, ગુસ્સો, વિદ્રોહ, માન્યતા કશું જ પૂરેપૂરૂં પ્રગટ કરી શકાતું નથી. આવું પ્રગટ કરવા જાય તો માણસ સાવ ઉઘાડો પડી જાય. અને પ્રત્યેક માણસ અંદરથી ઉઘાડો હોવા છતાં બીજાની સામે ઢંકાયેલ રહેવામાં રસ દાખવે છે. બીજાને ખુલ્લા પડેલા જોવાની માણસની વૃત્તિ હોવા છતાં, ચારેકોર સૌ કોઇને ખુલ્લા પડેલા જોઇને એ ત્રાસી જાય અથવા તો પાગલ પણ બની જાય.

માણસ પોતાને જે ગમે છે કે પોતે જે કરવા ઇચ્છે છે તે ભાગ્યે જ કરી શકતો હોય છે. પોતાના માટે, પોતાને ગમે તેમ પોતાની રીતે જીવવું એ એક સાધના છે. માણસ મોટા ભાગનો સમય બીજાની સાથે અને બીજાના અનુસંધાનમાં જ વિતાવે છે, પોતાની સામે જતાંય ઘણીવાર, ઘણા માણસો ડરતા હોય છે. કેમ કે પોતાના વિશે બીજા જે કહે કે જાણે છે તેનાથી એ ટેવાઇ ગયો છે. પોતાનો એ પરિચય સાચો લાગે છે. કેમ કે અંદર તો બઘું અસ્ત- વ્યસ્ત અને ખુલ્લું છે. વસ્ત્રો પહેર્યા વિનાનો માણસ ભાગ્યે જ સુંદર લાગતો હોય છે. મહાવીર જેવી કોઇ વિરલ વ્યકિત જ નગ્ન હોવા છતાં સ્વસ્થ અને સુંદર લાગી શકે. બાકીના લોકો જો નિર્વસ્ત્ર બને તો બિહામણા જ લાગે ને !

માણસની આખી જિંદગી એક યા બીજા સાથેના એડજેસ્ટમેન્ટમાં જ વીતી જાય છે. એક માટીનો પિંડો લઈ કોઈ વિશેષ આકાર આપવા ઇચ્છતા હોઈએ અને કશુંક બીજું જ બનીને ઊભું રહે તો જે દુખ અને આશ્ચર્ય થાય એવું જ માણસ- માત્રને જીવનના અંતિમ વર્ષોમાં લાગતું હશે ને ?

પોતે જે સ્વપ્ન લઇને ચાલેલા, જે મંજિલને નજર સમક્ષ રાખીને યાત્રા શરૂ કરેલી અથવા તો પોતે જેમ જીવવા માગતા હતા અને એ રીતે જીવવા જિંદગીભર જે પ્રયત્ન કરતા રહ્યા તેમાં સફળ થયા કે કેમ ?… એમ જો પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો નિસાસો નાખીને નકારમાં જ માથું ઘુણાવતા જોવા મળશે. કેટલાક એવા પણ હશે જેની દિશા જ લગભગ બદલાઇ ગઇ હોય. જ્યાં જવા માગતા હતા તેનાથી વિપરીત દિશામાં અને સ્વપ્નેય જેની ચાહના ન કરી હોય એવી જગ્યા પર પહોંચી જતા હોય છે. આવા લોકો પોતાની નિષ્ફળતાના કારણે ક્યારેક હતાશ પણ થઇ જતા હોય છે.

નિશ્ચિત કોઇ ઘ્યેય લઇને ચાલનારા લોકો જો પ્રતિપળ સજાગ ન રહે અને પરિસ્થિતિ કે સમાજ સાથે કોઇ ને કોઇ સમાધાન કરતા રહે તો ક્યાંય પહોંચી શકતા નથી. એમના હિસ્સામાં પીડા અને હતાશા સિવાય કશું આવી શકતું નથી.

સુખી અને સફળ થવું હોય તો કોઇ પણ દિશા, કોઇ પણ ઘ્યેય રાખ્યા વિના આનંદ અને સજગતાના બે પગ પર ચાલવાનું શરૂ કરવામાં આવે તો જે કંઇ પણ મળશે, જ્યાં કયાંય પણ જવાશે તે જગા સુખદ, શાંતિ આપનારી અને હાશકારાના અનુભવ જેવી હશે.

જીવનનું કોઇ ઘ્યેય નથી. તમામે તમામ દિશા આનંદ અને સુખથી ભરેલી છે, જો મનમાં ક્યાંય પહોંચવાની પીડા કે દોડ ન હોય. જ્યાં અને જેવા છીએ તે પણ શું સુખદ નથી ? સુખ ક્યાંય બીજે અને આપણાથી દૂર છે, એવું માનવામાં જ દુખ અને વિષાદનાં મૂળિયાં પડેલાં છે. ઉખેડી નાખો એ મૂળિયાને અને હળવા ફૂલ થઇ આજે અને અત્યારે જ સુખી થવાની તક ઝડપી લો. સુખી થવા માટે કશુંક કરવાની નહીં પણ કશુંક સમજી લેવાની જરૂર છે.

– ક્રાન્તિબીજ

ખલીલ ધનતેજવી – આપણને નહીં ફાવે

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી – જવાય છે

ગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

– ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી – તને મળવા નહિ આવું

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી – નથી ગમતું મને

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડુ છું હું પરાઇ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઇ પણ કહેવું નથી ગમતું મને.

– ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી – નહિ આવું

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી – મેળવી લઇએ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ મોકલવા બદલ)

અતિ-લોકપ્રિય શાયર-કવિ શ્રી ખલીલ ધનતેજવી સાથે એક વ્યાવસાયિક મુલાકાત દરમિયાન થયેલી વાતચીતના અંતે તેમણે સંભારણા રૂપે આપેલી કેટલીક પંક્તિઓ અત્રે રજૂ કરું છું. – જાગૃતિ ત્રિવેદી

· સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ,
તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ.

તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે,
છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઇએ.

  • કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે,
    મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.

જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.

સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ,
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.

– ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી -ઊઘડે

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.

– ખલીલ ધનતેજવી

ગણપત પરમાર – છે

નરી ઝંખનાથી સભર આ નગર છે
રહો છો તમે તે જગા કાચઘર છે

મહોબત કરી લો તમે આજ મનથી
અહીં કોઇને કાલની ક્યાં ખબર છે

નહીંતર મહેકે નહીં આ હથેળી
મળેલા નવા સ્પર્શની આ અસર છે

પ્રસંગો નવા છે અનુભવ નવા છે
થશે રાહમાં શું? અજાણી સફર છે

નથી કોઇ કારણ હવે દૂરતાનું
વિહગ પાંખશી વિસ્તરેલી નજર છે.

– ગણપત પરમાર

ગણપતરામ – ન જાણી રે

અમ્રત મળ્યું પણ અમર થયો નહિં,
પીવાની જુક્તિ ન જાણી રે;
કાં તો ઘટમાં ગયું ના એના,
કાં પીવામાં આવ્યું પાણી.

– ગણપતરામ

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – મૃત્યુ પછી

સન્માન કેવું પામશો, મૃત્યુ પછી ‘ગની’ ,
જોવા તમાશો કદી, ગુજરી જવું પડે

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

Dr Jagdip R. Upadhyaya says:

આ સાથે મારા પિતાશ્રીની આ ખૂબજ જાણીતી આ આખી ગઝલ પોસ્ટ કરું છું.
Please remove Gani Dahiwala’s name as author for this with immediate effect. I have great respect for him but he has not written this ‘share’ . Please correct the mistake.

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,
અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.

બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,
પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.

પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે

– રવિ ઉપાધ્યાય ‘રવિ’

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – બોજ

… ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે…

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – ખોવાણું રે સપનું

મારું ખોવણું રે સપનું,
ક્યાંક જડે તો દઇ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્રિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
નીંદરના પગથારે કોઇ આવ્યું છાનુંછપનું,
મારું ખોવણું રે સપનું.

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – દિવસો જુદાઈના જાય છે

(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

ગાંધીવાદી સુમતિબેન વૈદ્યની ચિરવિદાય

Image file missing

ગીતા પરીખ – રેખ

અસ્તિત્વની કોમલ રેખ સુંદર
આંકી દીધી પીંછી તણે લહેકે,
એ રેખના રેલમછેલ છાંટા-
મહીં ઝિલાયા સ્વર પંખીઓના.

ને મોગરાની ખીલતી સુગંધી
એના વળાંકે હસતી મહોરી,
કલ્લોલતો લોલ વિભોર એના
રંગો મહીં તરવરતો પ્રકાશે.

અસ્તિત્વની કોમલ રેખ વિસ્તરે
વિશ્વે…
અને સૌ નિજમાં સમાવી
લાડીલી થૈ શી
મારી અહો ! કૂખ મહીં લપાયે !

-ગીતા પરીખ

ગુંજન ગાંધી – અવાજો પણ કદી દેખાય તો…

સ્વપ્ન છે એ રાતથી લંબાય તો,
ધારણાનું આ જગત બદલાય તો?

તું ‘સફર’, ‘રસ્તા’ વગર પહોંચી શકે,
જો વિચારોની ગતિ સંધાય તો!

સહુ સનાતન સત્યનું આવી બને,
એક દિવાથી સૂરજ ઢંકાય તો?

નામ એનું ગણગણું, ને થાય કે,
આ અવાજો પણ કદી દેખાય તો?

તું સમયસર આવે તો એવું બને?
‘રાહ જોવાનો’ સમય અકળાય તો?

– ગુંજન ગાંધી

ગુજરાતીમાં ટાઇપ કરવાની એકદમ સરળ રીત.

આ વેબપેજ ઉપર એક ટાઇપપેડ આપેલું છે. કે જેમાં કોઇ પણ વ્યક્તિ સરળતાથી ગુજરાતીમાં ટાઇપ કરી શકે છે. આ ટાઇપપેડ વાપરવા માટે ગુજરાતી ટાઇપ આવડવું જરૂરી નથી. આપણે સહું ગુજરાતી અંગ્રેજીમાં લખવા માટે ટેવાયેલા છીએ. જેમ કે આપણે ગુજરાતીમાં “કેમ છો?” એમ લખવું હોય તો આપણે “kem chho?” લખવા ટેવાયેલા છીએ. પરંતુ આ ટાઇપ પેડમાં જો તમે “kem Cho?” લખવાની કોશીશ કરશો તો તમને “કેમ છો?” લખેલું દેખાશે. જેમ જેમ તમે એક એક શબ્દ લખતા જાઓ છો તેમ તેમ દરેક અંગ્રેજી શબ્દને આ પ્રોગ્રામ ગુજરાતી યુનિકોડમાં પરિવર્તિત કરે છે. અહીં અંગ્રેજી < -> ગુજરાતી શબ્દોના જોડકા આપેલા છે જેથી ટાઇપ કરતી વ્યક્તિ ફટાફટ અંગ્રેજી શબ્દ જોઇ, ટાઇપ કરીને તરત જ ગુજરાતી શબ્દ મેળવી શકે છે. જોડીયા શબ્દો લખવા માટે કોઇ પણ જાતની મહેનત કરવી પડતી નથી. જેમ કે “બ્લોગ” લખવું હોય તો “bloga” લખવું પડે છે. “કર્મ” લખવું હોય તો “karma” લખવું પડે છે. જો આપને ટાઇપીંગ માટે વધારે માહિતી જોઇતી હોય તો આપ આ વેબપેજ ઉપર જઇ શકો છો.

આપ જો પ્રોગ્રામર હો તો આપ આ ટાઇપપેડ તમને મન પડે એ રીતે વાપરી શકો છો, માત્ર આપને કોપીરાઇટ નોટીસ જેમ છે તેમ જ જાળવવી પડશે. જો આપને આ ટાઇપ પેડ તમારી વેબસાઇટ પર વાપરવું હોય તો તેની માહિતી આ વેબપેજ પરથી મળી શકશે.

આ ટાઇપપેડ વાપરતી વેબસાઇટ:

http://www.forsv.com/guju/ (ગુજરાતીમાં કોમેન્ટ લખવા માટે)

http://www.readgujarati.com (“શોધ કરો” વિભાગમાં “ગુજરાતી ટાઇપ” બટન),

http://poem.vishalon.net/ (ગુજરાતીમાં સરળતાથી કોમેન્ટ લખવા માટે),

http://deegujju.blogspot.com/ (ગુજરાતીમાં કોમેન્ટ લખવા તેમ જ ઇમેઇલ લખવા માટે)

ગુજરાતીમાં લખવા માટે વર્ડપ્રેસનું પ્લગ-ઇન

હવે આપણી પાસે ગુજરાતીમાં લખવા/ટાઇપ કરવા માટે વર્ડપ્રેસનું પ્લગ-ઇન હાજર છે. તેને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. આ પ્લગ-ઇનની ખાસીયત એ છે કે (તે મફત છે અને) કોઇ વ્યક્તિને જો ગુજરાતીમાં કોમેન્ટ લખવી હોય તો તેણે કોઇ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડતો નથી. સાદા કી-બોર્ડથી ગુજરાતીમાં ખુબ જ આસાનીથી લખી શકાય છે. વળી જો કોઇને ગુજરાતીની સાથે અંગ્રેજીમાં પણ લખવું હોય તો તેણે કી-બોર્ડની F12 ચાપ દબાવવી. તેથી હવે તે અંગ્રેજીમાં લખી શકશે.(ઇ-મેઇલ એડ્રેસ તથા વેબસાઇટની લીંક કોમેન્ટમાં લખવા માટે અંગ્રેજીની જરુર પડવાની હોવાથી આ અનિવાર્ય છે.) ફરી F12 દબાવવાથી ગુજરાતીમાં લખી શકાય છે.

વળી જો બ્લોગમાં કોઇ પોસ્ટમાં કે પેજમાં કંઇક ટાઇપ કરવું કે ફેરફાર કરવો હોય તો ત્યાં પણ આ પ્લગ-ઇન ખુબ જ મદદરૂપ થાય છે કારણ કે હવે તમે કોઇ પણ IME સોફ્ટવેરની મદદ વિના જ સીધું ગુજરાતીમાં લખી શકો છો. તેથી ગુજરાતીમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં લખી તેને વર્ડપ્રેસમાં કોપી/પેસ્ટ કરવાની કોઇ જ કડાકૂટ રહેતી નથી.

ગુજરાતી બ્લોગના માલિક માટે આ પ્લગ-ઇન એક આશિર્વાદ સમાન સાબિત થાય કારણ કે હવે તમે વિશ્વના કોઇ પણ કોમ્પ્યુટર પરથી કોઇ પણ સોફ્ટવેરની મદદ વિના આસાનીથી ગુજરાતીમાં લખી શકો છો. વળી જો કોઇ વ્યક્તિને ગુજરાતીમાં કોમેન્ટ લખવી હોય તો તે પણ વિશ્વના કોઇ પણ કોમ્પ્યુટર પરથી કોઇ પણ સોફ્ટવેરની મદદ વિના આસાનીથી લખી શકે છે.

ખાસ નોંધઃ આ પ્લગ-ઇન અન્ય ૭ ભારતીય ભાષાઓ (બંગાળી, હિન્દી, કન્નડા, મલયાલમ, પંજાબી તેલુગુ, તમીલ)માં પણ ઉપલબ્ધ છે.

ગુણવંત શાહ – નિર્વેદ

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું!

કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.

સમદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.

હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

– ગુણવંત શાહ

ગુલામ અબ્બાસ ‘નાશાદ’ – શરમ આવી

હક હતો, માંગતા શરમ આવી,
હાથ ફેલાવતાં શરમ આવી.

ઘરથી મસ્જિદ છે બે કદમ છેટે,
એટલું ચાલતાં શરમ આવી.

મારી પાસે હજાર અનુભવ,
પણ દાખલો આપતાં શરમ આવી.

ડોળ કરવો પડ્યો, અજાણ્યા છે,
નામ ઉચ્ચારતાં શરમ આવી.

આયના રૂબરૂ નજર કરતાં,
સામસામે થતાં શરમ આવી.

પારકાનો તમાશો જોયો,
પણ- ખુદનું ઘર બાળતાં શરમ આવી.

આંખ ‘નાશાદ’ પાણી પાણી છે,
અંતરે ઝાંખતાં શરમ આવી.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

ગુલામ મોહમ્મદ શેખ – ગીત રમે ગરવું

ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું :
તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.

– ગુલામ મોહમ્મદ શેખ

ગુલામ મોહમ્મદ શેખ – હું

ઊંઘને ઓંલવીને જો થાય તો તાપણું કરું.
આખી દુનિયાની આંખો ઠરી જાય,
આકાશના જીવ કબર પરનાં નિશાનો જેવા જીવે,
આવી ધૂળ પર.
જાતને ખંજવાળતો પવન ઘસાતો જાય,
બધાં − બધાં ય રૂપ.
કાદવના અદ્દભુત છંદમાં એક રૂપ થઈ જાય.
હું ઘાસમાં મસ્તકોની છાપ પાડતો ફરું.
ફિરસ્તાઅોના ભેજામાં.
ભેદી મધપૂડા જામે,
આસમાની ફૂલનાં પીળાં ટપકાં
જીવડા કોચી ને ખાય,
માછલાં મીઠા પાણીમાં
ચત્તી છાતીએ અાપઘાત કરે,
રણનાં ઊંટ સમુદ્રનાં પાણી પી જાય,
કડવા લીમડાના કરવતી પાંદડે.
હું કમાતો ફરું.

– ગુલામ મોહમ્મદ શેખ

ગોપાલ શાસ્ત્રી – યુદ્ધનો પ્રારંભ

મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો,
યુદ્ધનો પ્રારંભ એ ક્ષણથી મંડાયો હતો.

ભાગ્યવશ સંજોગવશ જે કંઇ થયું ત્યાં દોષ ક્યાં?
તે છતાં સુગ્રીવ ક્યાં ક્યાં જઇને સંતાયો હતો.

‘આંધળાના આંધળા’ એ વૅણ બહુ ભારે પડ્યું,
ભરસભામાં દ્રૌપદીનો પ્રાણ ખેંચાયો હતો.

એ અયોધ્યા મ્હેલમાં વનવાસ જેને સાંપડ્યો
ઊર્મિલાનો ત્યાગ પણ કવિઓથી વીસરાયો હતો.

એ સતીના એક દ્રષ્ટિપાતની તું જો અસર,
ભીમથી પણ ક્યાં સુયોધન સહજ જિતાયો હતો.

જાનકી સમજીને રાવણ લઇ ગયો લંકા વિષે,
એ સતી સીતાનો કેવળ એક પડછાયો હતો.

દ્વૈતથી અદ્વૈત ને અદ્વૈતથી પણ પાર થઇ
કૃષ્ણ-રાધાનો સકળ અવતાર ખર્ચાયો હતો.

– ગોપાલ શાસ્ત્રી

ગૌરાંગ ઠાકર – એક જણ

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

– ગૌરાંગ ઠાકર (

વિવેક ટેલર says:

આખી ગઝલ: (‘પાંદડું’ની જગ્યાએ ‘પર્ણ’ હોવું જોઈએ)

ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં પણ ઉજાસ લાગે છે

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ એથી સુવાસ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર – પ્રેમનો રંગ નિરાળો

ગીત

પ્રેમનો રંગ નિરાળો,
એકબીજાની પડખે રહીને મેળવી લઈએ તાળો
પ્રેમનો રંગ નિરાળો,

ભીંત વગરનું મનડું મૂકતું, આખા ઘરમાં બારી,
વાટ નિરખતા દ્વાર ઉભા‘તાં, ટહુકાઓ શણગારી,
વહાલ ભરેલું વાદળ પૂછે: કોનો છે આ માળો?
પ્રેમનો રંગ નિરાળો,

સ્મરણોને સંગાથે તેડી, દોડી આવે શમણાં,
દર્પણથી એ વાત કરાવે, જીવતી રાખે ભ્રમણાં,
બીજ અમે તો ઘરમાં વાવી, પૂનમ થઇ ગઈ ડાળો.
પ્રેમનો રંગ નિરાળો,

તમ તમારે ચિઠ્ઠી લખજો, નામ લખી ને મારું,
પતંગિયાને સોંપી દેજો, કરશો ના સરનામું,
સાત સૂરો ને સાત રંગનો, સપ્તપદી સરવાળો.
પ્રેમનો રંગ નિરાળો,
એકબીજાની પડખે રહીને મેળવી લઈએ તાળો
પ્રેમનો રંગ નિરાળો,

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર – ભૂખનો આકાર ખોબો હોય છે

હાથ એમાં ફક્ત હાથો હોય છે,
ભૂખનો આકાર ખોબો હોય છે.

બે જણાંનાં મૌનની સાથે સતત,
એમનો વાંધો બબડતો હોય છે.

પુખ્તવયનાં કાનથી સાંભળ નહીં,
શેર મારી મુગ્ધતાનો હોય છે.

બે લગોલગ ગોઠવેલી ઈંટથી,
કેટલી ઘરમાં દીવાલો હોય છે?

માછલી તો તરફડીને શાંત થઇ,
જાળમાં જળનો નિસાસો હોય છે.

જે ઇરાદાથી થવાયું પર નહીં,
એ ઇરાદાનો ઇરાદો હોય છે.

તું ય અંધારાની છોડી દે ફિકર,
રાતનો બસ રાતવાસો હોય છે.

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર – લાવને તારી આંખમા

લાવને તારી આંખમાં મારી આંખ મૂકીને જોઉં,
એમ કરીને આજ હું તારા શમણાં જાણી લઉં.

એમ તને કે સુખની બારી આભના જેવડી ખૂલે,
ઝાડને બદલે ટહુકા તારે ટોડલે આવી ઝુલે.
વાયરાને હું વાત કરૂં ને ઘટતું કરવા કહું…
લાવને તારી આંખમાં…

યાદના ટોળાં આંખમાં તારી કરતાં રાતની પાળી,
આવતો સાયબો શમણે ત્યાં તો પાંપણ પાડતી તાળી.
ચાલને મારા ભાગની નીંદર તુજને આપી દઉં
લાવને તારી આંખમાં…

– ગૌરાંગ ઠાકર

ચંદ્રકાંત શાહ – કાગળનું કોરાપણું

કાગળનું કોરાપણું
મળવાનું સ્થળ આપણું.

કાગળ પર અક્ષરનું જંગલ
હરતાંફરતાં કાનોમાતર નડે,

પડે કોરા કાગળ પર તણખા તડતડ
જ્યારે જ્યારે શરીર શબ્દને અડે,

કાગળ વચ્ચે ગાઢ સ્પર્શનો ભડકો
એટલે શબ્દો માટે તાપણું,

કાગળ સુધી જાવા ઉત્સુક – આંખોનું રસ્તાપણું.

હતો આ કાગળ પહેલાં
તાજોમાજો પીળો સૂરજ, ડૂચો બ્લૂ આકાશ
હું જાંબલિયું પતંગિયું, તું લીલું કૂણું ઘાસ.

સફેદ કોરા કાગળ ઉપર મળવું રંગબિરંગી
વચ્ચે શોભે શ્બ્દોનું કાળાપણું

કાગળ પર મળવા વિશે નહિ બીજું કંઇ લખવાપણું.

– ચંદ્રકાંત શાહ

1. Chandrakant Shah says:

June 26, 2007 at 11:05 am

SV;
Thank you for the honor;
I am a big fan of your blog; and was pleasantly surprised reading my own poem;
It reads well here;
Congratulations; Plz keepup the good work;
Chandrakant

2. Mala Kapadia says:

June 27, 2007 at 4:57 am

Congrats SV, lovely poem. Chandrakant, ghana vakhate thayu ke kavita thi bahu door rahevu saru nahi…. SV: thodi panktio-shabdo ne vaheva nu vatavaran che tu, raat nani pade avu ramya sapanu che tu, bhaav to che pun nishabd che, ankho hryaday bane avo prakamp che tu…

ચંદ્રકાંત શાહ – દુ:ખમાં સીવ્યા હોઠ

સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ
કિનારાને કાંઇ કશું નહીં: દરિયે ભરતી-ઓટ.

શિખર હોય કે હોય તળેટી:
કાંઇ કશો નહીં ફેર.
અંધારામાં પ્રકાશ જોયો
પ્રકાશમાં અંધેર.
બોલ્યા વિના પણ થઇ શકે છે મનની ગુપ્ત-ગોઠ
સુખને આવ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

રણ હોય કે વૃંદાવન
પણ આવનજાવન ચાલે
હવા સદાયે મીરાં જેવી
નાચે ઘૂંઘરૂં-તાલે.
વનમાં મન આ રાસ રમ ને રણમાં વહેતી પોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ

– ચંદ્રકાંત શાહ

ચંદ્રકાંત શેઠ – પ્રભાત

ખુલ્લી હોય હથેલી,
ખુલ્લો ચારેગમ અવકાશ,
ખુલ્લા મનને ખૂણેખૂણે ઢગ પંખીનો વાસ!
પંખીડાં આ ફરફર કરતાં જાય ઊડયાં…ઓ જાય!
પાછળ કસબી કોર કશી, તડકાની તગતગ થાય!
વાટ મૂકી જ્યાં ચરણ ચાલ્યાં,પગલાંએ ઠેકી વાડ!
આ ગમથી જો ઝરણ મલ્યાં,
ને ઓલી ગમથી પ્હાડ!
ઝરણાંને હું પગમાં બાંધી નાચું,
માથે મેલી પ્હાડ છમકછમ્ નાચું,
અને ગુંજીને એવી ફૂલના મનમાં મૂકું વાત,
રાત પડે તે પ્હેલાં રમવા લાગી જાય
પ્રભાત!

– ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાંત શેઠ – શોધતાં

શોધતો જેની પગલી, એનો મારગ શોધે મને;
એક્બેજાંને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
– ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાન્ત દત્તાણી – અમને અભાવજો

કાળઝાળ એકાન્તે ખોબલે અમારી
યાદ પીજો ને તરસું છીપાવજો;
કોરાં આકાશથી ખરતાં પીછાંને જોઇ
રોમરોમ અમને અભાવજો.

– ચંદ્રકાન્ત દત્તાણી

ચંદ્રેશ ઠાકોર – કારણ

તારાથી વિખૂટો પડું છું ત્યારે
હું
આંખ બંધ કરું,
તું આંખ સામે તાદ્રશ્ય થાય
અને, એમ
તારો વિયોગ સહ્ય બને.

મૃત્યુના આગમન સમયે
હું આંખ મીંચીશ, તો
બસ,
માત્ર એ એક જ કારણે !

– ચંદ્રેશ ઠાકોર

ચંદ્રેશ ઠાકોર – તસવીર

કેમેરામાં ફિલ્મ ગોઠવી
પ્રકાશ છિદ્ર અને
પડદાની ગતિની
વ્યવસ્થા કરી ચાંપ દબાય
એટલે તસવીર ઝડપાઈ જાય
એ તસ્વીર જોઈ આનંદ થાય
એ આલબમમાં ગોઠવાઈ જાય
અને ક્યારેક રંગે પીળી પડે
ક્યારેક ચૂંથાઈ પણ જાય

– ચન્દ્રેશ ઠાકોર

ચંપકલાલ વ્યાસ – પિતાની ઝૂંપડી મધ્યે

પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મ્હેલોમાં પિતા એક સમાય કે?

– ચંપકલાલ વ્યાસ

ચન્દ્રવદન મહેતા – સૂકી પાંદડી

સ્મરે છે પ્રિય બે’નડી! સમય, ફૂલવાડી થકી,
લઇ કલમ પાટી, બે રસળતાં નિશાળે જતાં.

ગુલાબ બટમોગરો બકુલ માલતી મ્હેકતાં,
ચૂંટી ફૂલકળી, નમાવી મૃદુ ડાળખીઓ બધી,
કદીક તુજ પાલવે, મુજ રૂમાલમાંયે કદી,
ગ્રહી સકળ ગુચ્છ એ પ્રભુપદે ધરાવી બધાં.

સૂંઘી ઊલટભેર સૌ, પઠનપુસ્તકે દાબતાં !
નિહાળ ભગિની! પવિત્ર ફૂલપાંદડી એ સૂકી.

કિશોરવયની અમૂલ્ય એ રસલ્હાણ સાથે લઇ
હવે થઇ ફીકી વળી સહુ સુગંધ ઊડી ગઇ;
જલે, અનલમાં, કહીંક પધરાવવી એ ઘટે !
ન શીદ અમ જિંદગી? – જીવનનીય ચિંતા મટે!

કિશોરવય ને કિશોરવય સોણલાયે ગયાં,
જૂનાં સ્મરણ મીઠડાં અરર ઘોળવાનાં રહ્યાં !

– ચન્દ્રવદન મહેતા

ચિંતન શેલત – કટકે કટકે જાય

ચાર પ્રહરની રાતડી, કટકે કટકે જાય,
કોંચી કોંચી ખાય, આંખ મહીનાં માંસને,
ખટકાયો એ ચાંદલો, ચહુ દિશ લાગે અંધ,
તેજ ભર્યાં દુર્ગંધ, રેલાં દડતાં આભથી,
ખાટ પડી ત્યાં એકલી, પાયા કાચા ભંગ,
સૂક્કાં પડતાં અંગ, માંકડ ચાંચડ ફોડતાં,
ધક ધક છાતી ફાટતી, પો’ર ચડે નહીં એક,
પરોઢ આઘું છેક, ચૈન ન પડતો દેહકો,

કોળ્યું આખું દ્રશ્ય ત્યાં, સબ કુછ થયું અલોપ,
સૂર ભરેલી તોપ, ચારે બાજુ ફૂટતી,
પડછયો જ્યાં આવતો, આઘે દીઠો એક,
તોડી ઉંબર છેક, ઝનનન ઝાંઝર દોડિયું,
પરસન સૂરજ બાપલાં, બાળ્યાં ધુમ્મસ ગાઢ,
ધારી ધારી આંખ, દેખે સાંવર આવતો,
સરકું સરકું બાંહમાં, એકજ ડગલું શેષ,
ગાલ ભરેલાં મેશ, રાતાં ફૂટે ટીશિયા,

અડકું અડકું સાયબા, આંખ વસ્યું રે જાગ,
ફૂટ્યું રે મુજ ભાગ, ખાટ હજીયે એકલી,
હાય અભાગણ જીવ હું, આ તે વેરી રાત,
સપને હતી નિરાંત, અબ ત્યાં નોખાં ઢોલિયા,
રાત હજુયે એવડી, ખાવા સામે ધાય,
કટકે કટકે જાય, ચાર પહરની રાતડી.

– ચિંતન શેલત

ચિનુ મોદી – ઇશ્વર સામે પડદો રાખવો એટલે આતમને ઓઝલમાં રાખવો

આગળ વાંચો …

ચુનીલાલ મડિયા – ખીજડિયે ટેકરે

( લેખકનો સંક્ષિપ્તમાં પરિચય )

હિરણના હેઠવાસના પટમાં ખીજડિયાની નજીક ભોજા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુમ્બ નદીના ખુલ્લા પટમાં પડયું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાનાં પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણચાર તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો કરીકરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી; ચાર દિવસમાં તો ધણીધણીયાણીએ મળીને ચાર છોકરાં ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો.

છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હીરણની પાટનાં ટાઢાંબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડિલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. વરસોજૂની ચોરણી હતી એના ઉપર ગોદડાં જેટલાં ઉપરાઉપરી થીગડાં ચોંટી ચૂક્યાં હતાં, અને હવે તો એ થીગડાંઓ પણ ઘસાતાં ઘસાતાં ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો.

ટાઢ જીરવવી એ ભોજાને માટે નવીનવાઈ નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓ ને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળીડિબાંગ રાતે એ કાજળ-રંગ જોડે, પોતાના સીસમવરણા શરીરનો સુમેળ સાધવા આ કોળી કડકડતી ટાઢમાં પણ લગભગ નવસ્ત્રો થઈને ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી, તેથી હીરણના ઉપરવાસથી સૂસવતા વીંછીના ડંખ જેવા વાયરા કવચિત્ ભોજાનાં જડબાંની ડાકલી બજાવી જતા ખરા; પણ પોતાની બત્રીશી દાંતિયાં કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો, જેટલો રંજ એને ટાઢમાં કપડાંને અભાવે ઠૂંઠવાતાં નાગાંપૂગાં બાળકોનો હતો.

ટોયામણ કરતો ભોજો કવચિત્ ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાનાં મન:ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોરનજરે નોંધી લેતો. ‘માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારુ કટકી લૂગડું પણ ફાડે નહિ!’ ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિસાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડપાડુ સળવળી ઊઠતો. ‘માધિયાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું ઇ ભેગાં જ એનાં ખોખરાં કમાડ ભટાક કરતાંક ઊઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેળું કરી દઉં….’

… પણ આ ચિત્રની સાથોસાથ જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું : ગામના ‘શકમંદ શખસો’ની યાદી ઉપરથી કૂબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે…. ગુનાની પરાણે કબૂલાત કરાવવા, પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે: મુદ્દામાલનો પત્તો મેળવવા, કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા, પૂંઠમાં લાલ મરચાનું ભરણ ભર્યું છે… હાથપગ બાંધી, રણગોવાળિયો બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે….

‘ના, ના, હવે આ ઊતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહિ વેઠાય.’ ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું.

આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો.

ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાનાં મ્રુત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઇ શકતું.

ગામના પોસ્ટ-માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરાઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ-માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેરે અવતરીને કશું સુખ ન પામનાર એ બાલૂડા પાછળ માસ્તરે સારું દાનપુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હેડેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મ્રુત બાળકને સારી પેઠે વીંટાળ્યું.

અને અધમણ મીઠાનો ગાંસડો બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડિયે ટેકરે ચાલ્યા.

ઉઘાડે ડિલે ઠંડીમાં થરથરતો, માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઇ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચોની વચ્ચે ચાડીકાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ-માસ્તર પુત્રના દફન માટે ખીજડિયે ટેકરે આવી પહોંચ્યા.

બાળકના મ્રુતદેહ પર સાત-આઠ પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા નવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું.

બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત્ પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઊઠ્યો : ‘અરે, લૂગડાં તો ગાંસડામોઢે આ ટેકરાના પેટમાં દટાણાં છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર… હાથફેરો જ કરવાનો….

હાથફેરો કરવો કે ન કરવો એના સરવાળા-બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેન્માર્કના રાજકુંવર જેવી દ્વિધાવ્રુત્તિ આ કોળીએ કદી કેળવી નહોતી. એક ઘા ને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું.

રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા પર ચડી ગયો.

ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યાતૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી, પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી.

ખતરીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લૂગડેવીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું.

પણ ઊંચકતાં જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડમાંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સળવળ્યો. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચીનીચી થતી લાગી.

ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઊઠ્યો. મરેલ છોકરાંઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું…? આ કોઇ ખવીસની રમત તો નહિ હોય…? પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવ્રુત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું.

પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? સો ટકા સલામત માર્ગ તો એ જ હતો. પણ તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જાય. અંગ-ઢાંકણ કપડાનું શું?

‘લૂગડું ઉતારીને, છોકરું પાછું હતું એમ ધરબી દઉં?’ આ વિચાર આવતાં તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે જ ધ્રુજી ઊઠ્યો. ‘મારે કેટલા ભવ કાઢવા છે તી આવી બાળહત્યાનું પાતક માથે લઉં…!’

હીરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતાં શિયાળિયાંની લાળી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું.

કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઇને સડસડાટ ટેકરો ઊતરી ગયો અને કૂબામાં આવી ઊભો.

ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતાજાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઇ ગઈ. ખીજડિયે ટેકરે અનેક જાતનાં ચળીતરો થતાં જીવલીએ જાણ્યાં હતાં અને જીરવ્યાં પણ હતાં. આજનો બનાવ કોઈ ચળીતર નહિ પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું.

ટેકરાની પોચી માટી-મટોડીનાં આવરણમાંનાં છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માત્રુગોદની ઉષ્મા મળતાં એનો અવાજ પણ ઊઘડ્યો.

*
તે મધરાતે જ ભોજાએ પોસ્ટ-માસ્તારની ડેલીની સાંકળ ખખડાવી.

પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ-માસ્તરની સમક્ષ ઊભો રહ્યો.

મૂઠી ભરેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ-માસ્તર તેમ જ પત્ની આનંદભેર જોઈ રહ્યાં હતાં.

હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો.

‘હું તો તમને પહેલેથી જ કેતી’તી કે દાટવા જવાની ઉતાવળ કરો મા, દાક્તરને તેડાવીને પાકી ખાતરી કરાવો; પણ તમે માન્યા નહિ….’ પુત્રપ્રાપ્તિથી અર્ધી અર્ધી થઈ જતાં પત્ની પતિને મીઠો ઠપકો આપવા લાગી.

‘આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પુગ્યો ને?’ પોસ્ટ-માસ્તરે કહ્યું, અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા : ‘ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે.’

કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો – પોતે કરેલા ગુનાહિત ક્રુત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે.

‘અમારે તો આ ઊતરતી અવસ્થાએ દીકરાના નામની દ્દશ્ય દેવાઈ ગઈ’તી’ પોસ્ટ-માસ્તરનાં પત્ની બોલતાં હતાં : ‘છતે છોકરે વાંઝિયા જેવું થઈ પડ્યું’તું. તેં અમારું નામલેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર! જલમભર તારાં ઓશિયાળાં રહેશું. અમારાં ચામડાં ઉતારીને તારાં પગરખાં સિવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી-‘

‘ઝટ ઇનામ માગી લે, ભોજા !’ પોસ્ટ-માસ્તરે ફરી કહ્યું.

‘મોટા સા’બ, ઇનામ લેવા સારુ ટેકરે નો’તો ચડ્યો. પણ બાયડીની આબરૂ ઢાંકવા લૂગડાનો લીરોય નથી જડતો ; ને પહુ જેવાં નાનકડાં બળચાં આ હિમમાં હિજરાય છે; એકેકી જોડ્ય લૂગડાં અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું…’ ભોજાએ માગણી કરી.

‘બસ? માગીમાગીને આટલું જ માગ્યું?’

‘માગું તમારી મોટા માણહની મહેરબાની….’

‘અબઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું ;’ પોસ્ટ-માસ્તરે ઊભા થતાં કહ્યું. અને પછી ખભે ડગલો ભરાવતાં બોલ્યા : ‘એક શું, બબ્બે જોડ્ય લૂગડાં વેતરાવી લે….’

– ચુનીલાલ મડિયા

ચુનીલાલ મડિયા – ઘૂઘવતાં પૂર

( લેખકનો સંક્ષિપ્તમાં પરિચય )

ઉબેણના લીસાલપટા, ચકચકતા વેકરાથી ભરેલ બે ખેતરવ પહોળા પટમાં ગોકળઆઠમનો મેળો ભરાયો હતો.

જેઠ-અષાઢનાં નખતર ઓણ સાલ સારાં વરસ્યાં હતાં. હાથિયો પણ જાણે પેટ ભરીને ગાજ્યો હતો, અને લોકોક્તિ પ્રમાણે મઘા વરસવાથી ધાનના ઢગા થયા હતા એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો આઠ-આઠ દીની વરસાદની હેલી પડવાથી ઊભા મોલ બિયારણસોતા જડમૂળથી ધોવાઈ ગયા હતા ; પણ એકંદરે છેલ્લાં નપાણિયાં વર્ષો કરતાં આ વર્ષ લગભગ પંદર આના જેવું પાકવાની ધારણા હતી તેથી ખેડૂતનાં અને વેપારીઓનાં મન ભર્યાં ભર્યાં હતાં.

નદીનાળાં, પાણીપિયાવા અને ખાડાખાબોચિયાં નવાં પાણીએ ભરાઈ ગયાં હતાં. વૈશાખની બળબળતી વેલુમાં ખાલીખમ્મ પડેલા વીરડાઓની સુક્કી વેકૂરમાં ભીનાશ આવી હતી. વાવ-કૂવાઓમાં પાણી ઊંચાં ચડી જવાથી પનિહારીઓને સિંચણ-દોરડાં અને કોશિયાઓને કોશ-રાંઢવા લાંબા લાંબા પડવા લાગ્યાં. આ સૌની સાથે જુવાન હૃદયોમાં પણ અષાઢ માંહનો જવાથી નવરસની સરવાણીઓ ફૂટતાં નવા નવાણે છલકી ઊઠ્યાં હતાં.

ઉબેણ ગાંડી નદી કહેવાતી. એના પાણીનો કે પૂરનો કાંઈ નેઠો નહિ. માથે તડકો ધોમધખતો હોય અને ઓચિન્તું ઉપરવાસથી ઘોડાપૂર આવી ચડે. એનાં આડેધડ વહેતાં વહેણમાં એટલો તો વેગ હતો કે ગોઠણપૂર પાણીમાં ઊભેલાં માણસો પણ એમાં તણાઈ જાય.

આવી ગાંડી નદીના બેય કાંઠે અત્યારે માનવસાગર હિલોળા લેતો હતો. ધરતીએ પેટભરપૂર વર્ષા પી રહ્યા પછી પોતાની સમૃદ્ધિની લીલીછમ બિછાત અંગ ઉપર બિછાવી હતી. એ હરિયાળી બિછાત ઉપર શ્રાવણમહિનાનાં સરવડાંનો આછો ઝારી-છંટકાવ થતાં ધરતી મહેક મહેક થઈ રહી હતી. નવાં ધાન્યે પલ્લવિત બનેલી વસુંધરાના નવજીવનનો મહોત્સવ ઊજવવા અડખેપડખેના સૌ પંથકનાં લોક અહીં ઊમટ્યાં હતાં.

આખા ઉબેણપટમાં આ સ્થળ અત્યંત મનોહર હતું, બન્ને કાંઠા તેમ જ ઉપરવાસ-હેઠવાસ વહેણનાં ઢોળાવો અને ચઢાણોની વચ્ચે મહાદેવનું મંદિર એવી રીતે ગોઠવાઈ ગયું હતું કે ગમે તેટલે અંતરે ઊભેલો માણસ પણ પદ્મશિખરના દર્શન કરી શકે. મંદિરના નિજમંડપની બહાર વ્યાસપીઠવાળા સભાસ્થાન જેવો વિશાળ ઓટો હતો, જેના ઉપર અત્યારે ભજનમંડળીઓએ ભજનોની રમઝટ જમાવી હતી. ઊંચાણમાં આવેલા કાચા સોના જેવા ફ્ળદ્રુપ ભાઠામાં આડે દિવસે વાઘરી લોકો વાડા બાંધીને મીઠાં સાકર જેવાં તડબૂચ પકવતાં. દિવસ-રાતનાં રખોપાં અને સતત જળસિંચનને પરિણામે, ઘી પીધેલ લાપશી જેવી બનેલી એ ગાંગડિયાળી ભોંય ઉપર આજે એનાં છોરુ મોકળે મને નાચી રહ્યાં હતાં.

પટની એક કોર ઉપર વહેતો ખળખળિયો બાદ કરતાં આખાય વિસ્તાર ઉપર અત્યારે ઠાંસોઠાંસ હીરાકશીના છોગાળા ફેંટા અને લાલપીળાં ઓઢણાંની અડોઅડ ગોઠવાઈ ગયેલી મથરાવટીઓ જોતાં, સ્વપ્નમાં કોઈ પરીઓએ આવીને આવળ અને કેસુડાનાં રંગબેરંગી ઝુંડ ઉગાડી મૂક્યાં હોય એવો આભાસ આવતો હતો. ભેગા થયેલ બહોળા માનવમનખાનું હલનચલન પણ જાણે કે એટલું તો સુસંબદ્ધ અને સુમેળવાળું હતું કે દૂરથી જોતાં, વિરાટના રંગમંચ ઉપર ક્ષણે ક્ષણે બદલતી જતી રંગોળીનો ખ્યાલ આવે.

વહેણની ઉપરવાસમાં ફજરફાળકાની ચકરડીઓ અને ઊંચક-નીચક ફરતાં ચગડોળ ખોડવામાં આવ્યાં હતાં, છોકરાછોકરીનો અને રસિયાં જુવાનજુવતીઓ ત્યાં હકડેઠઠ્ઠ ભેગાં થયાં હતાં. જુવાનોએ ઝુલાળાં કડિયાં અને માથે વીશ વીશ આંટાળા લાલ હીરાકશીના ફેંટા વીંટ્યા હતાં. માથામાં ધૂપેલ નાખીને ઓડિયાં ઓળ્યાં હતાં. અણિયાળી આંખોને ખૂબીપૂર્વક આંજીને સોનાનાં ઠોળિયાંએ શોભતી કાન-બૂટો ઉપર પણ આંજણનાં ટપકાં કર્યાં હતાં. કેટલાંકના મોં ઉપર ફૂટતી મૂછના દોરાનો જાંબલો ભૂરો લિસોટો તો જાણે કે સમસ્ત યૌવનસૌંદર્યને ત્યાં કેન્દ્રિત કરી, એની માધુરીંના રહસ્યની જીભ બની બેઠો હતો. છોકરીઓએ પણ આંખમાં આંજણના લપેડા તાણ્યા હતા, ખોરા ધૂપેલે રસબસતા માથાના વાળને ઝીણી કાંસગી અને ધારદાર ખંપારા વડે તાણીતાણીને તંગ મીંડલામાં ગૂંથ્યા હતા. લાલ-લીલી અતલસના હીરભર્યા કમખા પહેર્યા હતા અને જાડાં બુંસ જેવાં પહેરણાઓમાં મેના-પોપટ, વનજાત્રા વગેરે ભરતકામનાં ગોળ નાનાં આભલાં એમને પહેરનારાનાં પારદર્શક અણબોટ્યાં હૈયાનાં પ્રતિબિંબ પાડતાં ચકચક ચમકી રહ્યાં હતાં….

આ સૌને ઠાંસોઠાંસ ભરીને ચગડોળ પૂરવેગે ફરતાં હતાં.

બાજુમાં ગોળ-બજાણિયા, નટડા વગેરેના ખેલ ખેલાતા હતા. તેમને શૂર ચઢાવવા સારુ બેવડી વળી ગયેલી દાંડીએ પણ આંખ મીંચીને ઢોલી લોકો ઢોલ પીટ્યે જતા હતા. એના અવાજના સુમેળમાં જ રાસમંડળીઓમાં અઠંગા અને ત્રણ તાલના દાંડિયારાસની હીંચ જામી હતી. ભજનમંડળીઓમાં બોદાં થયેલાં તબલાં ઉપરેય જોરશોરથી થાપીઓ પડ્યે જતી હતી ; અને એ તાનમાં જ ભજનિકો મંજીરાં, કરતાલ અને કાંસીજોડીઓ વગાડ્યે જતા હતા, દૂર મંદિરમાં દર્શનાર્થીઓના હાથે ઉપરાઉપર થતો ઘંટારવ પણ આ સમષ્ટિ-ગાનમાં જ સૂર પુરાવતો હતો. આવડા બહોળા માનવસમૂહનો ચિત્રવિચિત્ર બેસૂરો કલબલાટ પણ મેળાનાં વાદ્યમાં ગળાઈને એમાંથી પંચમ સૂરોની મિલાવટવાળું કોઈ નિરાળું જ માનવજીવનનું સનાતન છતાં નિઃશબ્દ એવું અનંતગાન સંભળાવતો હતો. કારણ આ કોઈ મુઠ્ઠીભર માનવીઓનું નહિ પણ સમસ્ત જીવિતોનું સંમેલન હતું. નવા વર્ષાજળે નવપલ્લવિત બનેલ માનવજીવનનો આ મહોત્સવ હતો. ધરતીના રસકસની ઊજાણી ઊજવવા આખેઆખા માનવપૂર ઊમટ્યાં હતાં. અને તેથી જ, એમાં છૂટાછવાયા વોકળા કે ખળખળડીના ખડખડ કર્કશ અવાજ નહિ પણ રમણે ચડેલા મહાનંદનાં મદમત્ત ઘૂઘવતાં પૂરનાં ધીરગંભીર તાલબદ્ધ ઘુઘવાટા સંભળાતા હતા.
ઓચિન્તા જ, ખળખળિયાનાં પાણી ડહોળાવા લાગ્યાં, તેલ જેવાં નીતર્યાં પાણી વહેતાં વહેતાં જે ડહોળાં રાબ જેવાં થવા મંડ્યાં.

તુરત પારખુએ પારખી કાઢ્યું કે નદીમાં ઉપરવાસથી પૂર આવી રહ્યું છે !
પાપણના પલકારા જેટલી વારમાં તો આખા મેળામાં રાડ પડી ગઈ કે ઉપરવાસના વરસાદનાં પૂર આવી રહ્યાં છે.

મહાપ્રયત્ને મિલાવેલા વાદ્ય તારો ઉપર બજવૈયો પોતાની જાતને ભૂલી જઈને હૃદય ઠાલવી રહ્યો હોય અને સરોદાવલિ પરાકાષ્ઠાએ પહોચું પહોચું કરતી હોય ત્યારે જ વાદ્યનો મુખ્ય તાર તૂટે અને અસહ્ય રીતે બસૂરું વાતાવરણ ઊભું થાય, જામેલા રંગમાં ઓચિંતો ભંગ પડે અને એનો પ્રત્યાઘાતી ઘોંઘાટ શરૂ થાય એવી જ સ્થિતિ અત્યારે મેળામાં થવા લાગી. કોટિક કંઠે ઘૂઘવતા માનવમેળાના જીવનગાનમાં ભંગ પડ્યો.

મેળામાં ભંગાણ પડ્યું.

રસઘેલા યુવકયુવતિઓને લઈને પુરજોશમાં ચગ્યે જતાં ચગડોળો થંભી ગયાં. બે વાંસ વચ્ચે બાંધેલી દોરી ઉપર અધ્ધર ચાલતા નટડાઓ નીચે કૂદી પડ્યાં. ભજન-ધૂન અટકી ગઈ. દાંડિયારાસની હીંચ બંધ થઈ ગઈ. મંદિરમાં થતો ઘંટારવ પણ નીઃશબ્દ બન્યો.
નદીનાં પાણી વધારે ડહોળાયાં.

માણસો જીવ લઈને ભાગવા માંડ્યા. આખા મેળામાં નાસ-ભાગની હડિયાપટ્ટી અને હો’ગોકીરો થઈ રહ્યાં.

નદીના ડહોળા વહેણમાં હવે ઉપરવાસથી ઝાડઝાંખરાં પણ તણાઈને આવવા લાગ્યાં.
અને આખા મેળામાં ‘ભાગજો! ભાગજો!’ ની રીડિયારમણ બોલી રહી. રમકડાંની દુકાનો, મેવામીઠાઈના માંડવાઓ, રમતગમતના તંબુઓ, બધું પોતપોતાને ઠેકાણે રહ્યું અને માણસોએ પહેર્યા લૂગડે જ ચપટીમાં જીવ લઈને ભાગવા માંડ્યું.

પણ આજે જાણે કે કુદરત કોપી હતી, હાંફળાફાંફળા ભાગતા જીવોનેય હડફટમાં લેવા, ક્યાંય નહોતાં ત્યાંથી આભમાં ઘટાટોપ વાદળાં ચડી આવ્યાં, અને ઓચિન્તી જ સૂરજ આડી કોઈએ થાળી ઢાંકી દીધી હોય એવું અંધારું ઘોર થઈ ગયું અને ઈશાન દિશાએ કાન ફાડી નાખે તેવા ગાજવીજના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

એટલી વારમાં તો નદીનાં પાણી ઊંચાં ચડી ગયાં હતાં. તાણ અનેક ગણું વધી પડ્યું હતું.
ઊંચાણવાળી ભેખડોનેય પૂર આંબવા માંડ્યું.

ચગડોળ તણાયાં, માંડવા-તંબુઓ તણાયાં, માણસો તણાયાં, મેળો તણાયો.
પલકવારમાં જ પૂરની એકસામટી છાલક આવી અને ભાખોડિયાં ભરીને ભેખડે આંબવા જતા માણસોનેય પ્રવાહમાં ખેંચી લીધાં.

માનવમાત્રમાં રહેલી પ્રબળ જિજીવિષા અને કુદરતને સર્જન જેટલી જ પ્રિય એવી સંહારક પ્રકૃતિ વચ્ચે ઘર્ષણ જામ્યું હતું. બન્ને એકબીજાને માત કરવા મથતા હતા. કુદરતનાં સંહારક બળો સામે માનવો કેવાં કેવાં મામૂલી આયુધો શોધતાં હતાં! રમકડાંથી ભરેલ પેટીપટારાઓનાં કડાં પકડીને તેના માલિકો પૂરમાં તરવા મથતા હતા, પણ પાછળ મારમાર ધસ્યે આવતાં રાક્ષસી મોજાંની એક જ ઝાપટ એ માનવ-તણખલાંઓને ક્યાંના ક્યાં ફંગોળી દેતી હતી. તંબુઓની વાંસવળી અને બીજા કાટમાળખાંઓને પણ અનેક માણસો બળપૂર્વક બાથ ભીડીને વળગ્યાં હતાં ; પણ પૂરનાં પાણીનો હર ક્ષણે વધતો જતો માર એ સૌને શેકેલ ઝીંઝરાંની જેમ ઝંઝેણી કાઢતો હતો.

જુવાન આદમીઓએ ઝાડનો આશરો લીધો હતો. પણ એ ઝળઝાંખરાનેય ઉબેણે મૂળિયાંસોતાં ઉખેડી નાખ્યાં. બીજાં કેટલાંકોએ મહાદેવના મંદિર ઉપર સલામતી શોધવા પ્રયત્ન કર્યો પણ એમનેય ઉબેણનાં ચડતાં પૂરે આંબી લીધાં.

વરસાદ અનરાધાર વરસતો હતો. દખણાદી પવનથી ખેંચાઈને આવેલાં વાદળાંઓએ હવે તો આખું આકાશ ઘેરી લીધું હતું. દિશાઓમાં ક્યાંય નાખી નજર નહોતી પૂગતી. ચારેકોર જામી પડેલ અંધારામાં ઉબેણ બે-કાંઠે દોડતી હતી. ઉપરગામોમાં થયેલી અતિવૃષ્ટિનાં ધોધમાર ધસ્યે આવતાં પૂરે ઉબેણના પહોળા પટનેય છલકાવી દીધા હતા. આખી ધરતી ઉપર જળબંબાકાર થઈ રહ્યો. ઘડી વાર પહેલાં રમણે ચઢેલો હૈયેહૈયું-દળતો માનવમનખો નિમિષમાત્રમાં આ જળબંબાકારનાં બબ્બે મોજાંની મોં ફાડમાં ગરક થઈ ગયો…

ઉબેણ ગાંડીતૂર બનીને વહેતી હતી. એનાં વેગે ઘસતાં ઘોડાપૂરમાં ઊઠતાં માથોડું માથોડું ઊંચાં મોજાં, મરુભૂમિમાં આળોટતા મહાકાય રાક્ષસોની યાદ આપે તેવાં બિહામણાં લાગતાં હતાં. તેમાંય જ્યારે જ્યારે ઈશાન ખૂણે વીજળીના ઝીણાઝીણા ઝબકારા થઈ જતા, ત્યારે તો એ મત્ત મોજાંઓની ભયાનકતા અનેક ગણી વધી જતી…

હવે તો અંકલાશે ચડેલી ઉબેણે મન મોકળું મૂકીને ઘેરે રાગે ઘૂઘવવા માંડ્યું હતું. પૂર્ણચંદ્ર જોઈને ઘેલો બની ધૂણવા માંડતા સિંધુનું ગર્જન આજે ઉબેણનાં ઘૂઘવતાં પૂરમાં સંભળાતું હતું. થોડી વાર પહેલાં કિલ્લોલી રહેલાં મબલખ માનવીના કલબલાટનો ઘૂઘવાટ આ ગાંડા પૂરના ઘૂઘવાટમાં શમી ગયો. અને હેલીના વરસાદ સાથે ઊતરેલી વા’ઝડીના દશે દિશાએથી ઊઠતા હીબકતા વાયરાઓમાં તડિતનું મૃત્યુ મીઢું, નિઃશબ્દ છતાં સાંભળ્યું ન જાય એવું દર્દભરપૂર પ્રલયગાન ગાજી રહ્યું.

*
વળતે દિવસે આ પ્રલયલીલા શમી ગઈ અને ઉબેણનાં ઘોડાંપૂર ઓસરી ગયાં ત્યારે હેઠવાસ પટમાં એકાદ ગાઉ દૂર એક તોતિંગ બાવળના ઊખડી ગયેલ થડિયામાં એક યુગલનાં મૃતદેહો અટવાઈ ગયેલા દેખાયા.

ઉત્સવના રંગબેરંગી પોશાક પહેરેલા આ લગ્નોમુખ ખેડુ જુવાનજુવતીને ગામલોકોએ ઓળખી કાઢ્યાં. મેળામાંથી ચાલતે ચગડોળે તેઓ તણાઈ ગયાં હતાં, અને અત્યારે મૃત અવસ્થામાં પણ બંને જણાં એકબીજાને ગાઢ આલિંગનથી વળગી રહ્યાં હતાં.

– ચુનીલાલ મડિયા

ચેતન ફ્રેમવાલા – જોબન ટહુકે રે !

સોળમા આ સાલે જોબન ટહુકે રે !
જો ગુલાબી ગાલે જોબન ટહુકે રે !

આંખમાં છે સોણલા સો છુપાયા,
પાપણોની ઢાળે જોબન ટહુકે રે !

કેટલી અચરજ હશે એના હૈયે?
ઊર્મિના ઊછાળે જોબન ટહુકે રે !

રંગબે રંગી છે એના ઑરતા.
ફાગણીયા ફાલે જોબન ટહુકે રે !

લપસણી છે વાટ એને શૅ ટાળું?
દોડતી આ ચાલે જોબન ટહુકે રે !

કે સતત પડઘા પડે છે શા ચેતન?
કો અજાણ્યા તાલે જોબન ટહુકે રે !

– ચેતન ફ્રેમવાલા

ચેતન ફ્રેમવાલા – ચાંદની

કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.

દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;…….ચાંદની !

હો જખમ તો તું તરત મરહમ થતી,
મુજને તો, પાડોશ લાગે ચાંદની.

હું સફરમાં કોક દી’ થાકી જતો,
તું નવો કો’ જોશ લાગે ચાંદની.

કો’ અષાઢી સાંજે તું દીશે નહીં,
તારો મુજને સોસ લાગે ચાંદની.

સીરમીટી જંગલે હું રીબતો!
લીલા પાને ઓશ લાગે ચાંદની..

– ચેતન ફ્રેમવાલા

જગદીપ વિરાણી – આજ ચાંદલિયો

(ખાસ અનુજાબહેનને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આજ ચાંદલિયો વાદળિયે ક્યાં છુપાયો,
બોલી દે (3) ઓ રજની રાણી …

વર્ષો વિયોગના વિત્યા પછી આજ
પ્રભુજીનો સંદેશો આવ્યો,
આજ તે આવે પૂનમ રાતે, હૈયે ઉમંગ છવાયો છવાયો …

યાદ આવે છે તેની વાંસલડી નિશ-દિન
ભણકારા સુર તણા વાગે,
આજ તે વાંસલડી ફરી સુણાવશે, ઉરમાં આનંદ મચાવ્યો મચાવ્યો …

મોર મુગટને પિતાંબર ધારી, હૈયે વસ્યો છે એ ગીરધારી,
જો સામેથી રથ સોનાનો, આવે આવે દોડ્યો દોડ્યો …

– જગદીપ વિરાણી



For queries email at need.more.intel@gmail.com