Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

– ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી – દેખતા દીકરાનો જવાબ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

– ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી – પ્રભુજીને પડદામાં રાખ મા

પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં રાખ મા.

– ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી – મેંદી તે વાવી માળવે

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …

લાખ ટકા આલું રોકડા
કોઇ જાજો દરિયા પાર રે … મેંદી …

નણદીના વીરને જઇને એટલું કહેજો કે
તારી બેની પરણે ઘેર આવરે
મેંદી રંગ લાગ્યો ર,

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.

– ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી – રાતને આરે

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે
આવી આવીને આળોટતા હેઠા –
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.

એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણી કોર મહા નદી હાંફતી –
ડાબી કોરે હતું તુલસીનું વન;
ઘેઘૂર વડલાની વડવાઈએ
હીંચકતા કદીએ ન ધરાતાં;
પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ:
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ,
ખાતાં ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઈ રાતાં
પંખીઓએ કર્યા હોય જે એઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ટોળે ટોળાં ભમતાં હરણાંનાં,
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીતલલિત નદી-ઝરણાંનાં;
હસી હસી વનનેય હસાવતાં
એવાં આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
આજે અમે બધું ભૂલવા બેઠાં.

– ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી – સ્વપ્નનગરની શેરીમાં

મારા સ્વપ્નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી
ના ગીત હતું, નહોતી બંસી,
તોય ઘરઘર ભમવા આવી’તી … મારા …

હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
ત્યાં તારક દીપક થૈ ટમક્યા
એક એક હૃદયમાં માધવનું
મંદિર સરજવા આવી’તી … મારા …

જ્યાં પડી પાનીઓ મસ્તાની
ત્યાં હસી ધૂળ રસ્તાની.
ઉજ્જડ રણમાં એ પીયૂષ વાદળી
થઈ વરસવા આવી’તી … મારા …

– ઇન્દુલાલ ગાંધી

ઇલિયાસ શેખ – મારો

જે જુએ એ બોલે ’મારો’,
છે અજબનો ફોટો તારો.

માછલી મધ મીઠી સાકર,
ને સમન્દર ખારો ખારો.

ચોતરફ છે પાણી પાણી,
ક્યાં છૂપાયો છે કિનારો.

ઘર મહેકતું ખુશ્બુ ખુશ્બુ,
શું હશે ત્યાં ધારો ધારો.

જો નથી ત્યાં કાગળ લેખણ,
તો ગઝલ મનમાં ઉતારો.

– ઇલિયાસ શેખ

ઈન્દુકુમાર ત્રિવેદી – ફફડાટ

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં શેજ અડી જતામાં
ઇંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યૂં :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

– ઈન્દુકુમાર ત્રિવેદી

ઉદયન ઠક્કર – અય ચંચલનયને

નિશ્વાસથી બંધાતાં હોતે વાદળાં
તો હું યે રચતે પ્રેમકાવ્યો
કે અય ચંચલનયને!
મારા સ્વપ્નમાં નથી હોતી એ રાતે
તું ક્યાં હોય છે?

તારી તસવીર તો નથી મારી પાસે
પણ રૂપાળા ચહેરે
અજવાળાની છેકભૂંસ કરતી સાંજ મેં જોઈ છે

ક્યારેક ટહુકી ઊઠે રાત
ઝૂલતું ઝૂલતું આવે શીમળાનું ફૂલ

જાણે છે?
વિશ્વામિત્રના શિષ્યે સ્વર્ગે જવું હતું,સદેહે
મોકલ્યો
ઇન્દ્રના વજ્રપ્રહારે પડ્યો પાછો
કુપિત વિશ્વામિત્રે સરજ્યાં
યક્ષ કિન્નર ગંધર્વ અપ્સરા
સરજ્યું વૈકલ્પિક સ્વર્ગ

આવ તું પણ આવ
મારા વૈકલ્પિક સ્વર્ગમાં
સદેહે

કહે છે કે પૃથ્વી પર ડોડો પંખી હતાં
લાખો-પછી હજારો
ના,ના, સો- બસો
જઈ ચડે તું સોળસો નેવુની સાલમાં
તો મોરિશિયસની પાળે
પાનખરની ડાળે
બેઠું હશે છેલ્લું ડોડો પંખી
સાવ છેલ્લું
જે કહેશે તને
એકલતા એટલે શું

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર – દુહા

લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ

સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય

ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ?

કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ

સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય

રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ!

જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ

સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જોકે, થડકો હોય

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર – પ્રેમ અમારો મહાદેવ

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.

ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.

મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.

દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર – મારે ગામડે આવો ભેરુ

ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં હતો
ત્યારે તમે મારે ગામડે આવેલા

આવતાં આવતાં ભૂલા પડી ગયેલા-યાદ છે?
વાંક બધો તમારો
મેં તો સરનામું પાકું આપેલું
કે ભળભાંખળું થાય
ત્યારે ગાડામાંથી ઊતરી પડજો
પચાસ-પંચાવનમે ટહુકે મારું ગામ
પણ તમે પિનકોડ પૂછતાં આવ્યા
એમાં પડ્યા ભૂલા
સીમનાં કૂતરાં
અરધી રાતે તમને વળાવવા આવેલાં

સાંભરે છે સતીમાનું થાનક?
બળતરા કેવી હશે કે માડી
આજે ય બોરસલીને છાંયેથી ઊઠવાનું નામ નથી લેતાં

આપણે નદીએ સહેલવા જતા
તમે વહાણવટી પાસે ગીતો ગવરાવતા
તમે ને હું શું સમજીએ ખારવાઓની બોલી
પંખીઓ સમજતાં
કૂવાથંભ પર ઠાવકાં થઈ બેસતાં
વાયરામાં ફડફડતા સઢને
હલ્લેસાં હોંકારો ભણતાં
છપાક છબ્બ છપાક છબ્બ

એક ‘દિ આપણે નવો ઘાટ જોવા ગયેલા
જળ પર ડીઝલનાં ડપકાં તરતાં હતાં
માણસો મોં ખોલે તો ઘરઘરાટી સંભળાતી હતી
નદી વલોવાતી જતી હતી
દુકાને દુકાને પાટિયાં મારેલાં
‘કામ સિવાય બેસવું નહિ’
લોંચવાળાએ પૂછ્યું હતું
‘તમે જૂના ઘાટ પર જાઓ છો શું કામ?
એ હોડકાં તો કેટલી વાર લગાડે…’
આપણે હસી પડેલા

તમારો જવાનો ‘દિ આવ્યો
જૂના ઘાટના માણસોને
તમે છેલવેલું ભેટ્યા
* * *
હવે તો તમારા સાતે ય સઢ તંગ રહેતા હશે
નવ બંદરોના વાવટા ફરકતા હશે કૂવાથંભ પર
ભેરુ,સઢ સંકેલો
હલેસાં વહેતાં મૂકો
ધીરે ધીરે જળ પારદર્શક થતું જશે
છીપલીઓ ઊંડે ઊંડે છુપાઈને બેઠી હશે
માછલીઓ પીળજામલી લસરકા લેતી હશે
બોરસલીની છાંયડી તરતી હશે
બસ, ત્યાં લાંગરજો
એ જ આપણું ગામ, ભેરુ

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર – રાતદિવસ

રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
બે જ પળ મૂકી દીધાં તડકે, ટપોટપ ઊઘડ્યાં!

બાવડું ચલવે હથેળી? કે હથેળી બાવડું?
કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આવડ્યા…

મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા….

જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા

કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યા

હું હજીયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું
આપને તેંત્રીસ કોટી કેવી રીતે આવડ્યા?

સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતાં હતાં
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

– ઉદયન ઠક્કર

ઉધ્ધવગીતા – ભગવાન શ્રી કૃષ્ણ

(via રીડગુજરાતી)

[ ભગવાન શ્રી વેદ વ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના એકાદશ સ્કંધના કેટલાક અધ્યાયો ‘શ્રી ઉધ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આ પ્રકરણોમાં ભગવાને શ્રી ઉધ્ધવજીને ભાગવતધર્મનો ઉપદેશ કર્યો છે. એમાં 14મો અધ્યાય ભકિતયોગ છે, જેમાં ભગવાને ભક્તના લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. આ ભકિતયોગ પ્રકરણના કેટલાક શ્લોકો અનુવાદ કરીને અહીં આપ્યા છે. ]

શ્રી ઉધ્ધવજી એ પૂછયું : “શ્રી કૃષ્ણ ! બ્રહ્મવાદી મહાત્માઓ આત્મકલ્યાણ ના અનેક સાધનો બતાવે છે. એ બધા સાધનો પોત-પોતાની રીતે શ્રેષ્ઠ છે કે કોઈ એકની પ્રધાનતા છે ? આપે હમણાં ભકિતયોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધન બતાવ્યો છે કારણકે એનાથી આસકિત છોડીને મન આપનામાં જ સ્થિર થઈ જાય છે.”

ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યાં : “પ્રિય ઉધ્ધવ ! આ વેદવાણી છે જે સમયના બદલાવને કારણે ઘણા સમયથી લુપ્ત થઈ ગઈ હતી. પછી જ્યારે સૃષ્ટિની રચનાનો સમય આવ્યો ત્યારે તે મેં બ્રહ્માજીને કહી. આ વેદવાણીમાં મારા ભાગવતધર્મોનું વર્ણન છે. બ્રહ્માથી આ વેદવાણી ઋષિઓ, પ્રજાપતિઓ, બ્રહ્મઋષિઓ અને અંતે દેવો અને મનુષ્યો સુધી તે પહોંચી. જે હું આજે તને કહું છું.

બધા જ પ્રકારના લોકોનો સ્વભાવ તેમની સત્વ, રજ અને તમોગુણની ઈચ્છા પ્રમાણે ભિન્ન છે. આ ગુણોને લીધે જ લોકોના વિચારો જુદા-જુદા હોય છે અને તેમની બુધ્ધિમાં વિવિધતા હોય છે. આ કારણને લીધે લોકો પોતપોતાની બુધ્ધિ પ્રમાણે આ સનાતન વેદવાણીનો જુદો-જુદો અર્થ કરતા હોય છે. અને આ વાણી જ એવી અલૌકિક છે કે તેના જુદા-જુદા અર્થો નીકળવા સ્વાભાવિક છે. કેટલાક લોકો વળી તેનો ખોટો અર્થ કરીને પાખંડનું આચરણ પણ કરતા હોય છે.

પ્રિય ઉધ્ધવ ! બધા જ પ્રકારની બુધ્ધિ મારી માયાથી મોહિત થઈ રહી છે. એના લીધે જ લોકોના પોતપોતાના કર્મ-સંસ્કાર અને પોત પોતાની રુચિ અનુસાર આત્મકલ્યાણના સાધનો એક નહીં પણ અનેક બતાવે છે. ભોગી ભોગની વાતો કરે છે, ત્યાગી ત્યાગની વાતો કરે છે, યોગવેત્તા પુરુષ સત્યની વાતો કરે છે, કર્મયોગી વળી યજ્ઞ-તપ-દાન અને વ્રતને જ શ્રેષ્ઠ ગણે છે. પરંતુ ઉધ્ધવ મારું કહેવું એ છે કે, આ બધા જ જુદા-જુદા પ્રકારના કર્મો છે. અને આ કર્મો કરવાથી જે જે લોકની (જેમ કે સ્વર્ગલોક આદિ ) પ્રાપ્તિ થાય છે તે બધા જ લોક ઉત્ત્પત્તિ અને નાશવાળા છે. કર્મોના ફળ સમાપ્ત થઈ જાય એટલે દુ:ખ જ દુ:ખ પ્રાપ્ત થાય છે. સાચું કહું તો આ બધા લોકની અંતિમ ગતિ ઘોર અજ્ઞાન છે. એ બધાથી જે સુખ મળે છે એ તો એકદમ તુચ્છ છે, નગણ્ય છે. એ લોકમાં ભોગો ભોગવતા જીવો પણ અસૂર્યા આદિ દોષોને કારણ શોકથી પરિપૂર્ણ છે.

પ્રિય ઉધ્ધવ ! જે વ્યકિત બધી જ બાજુથી નિરપેક્ષ, બેપરવાહ થઈ ગયા છે, જેને કોઈ પણ કર્મ તથા ફળ આદિની આવશ્યકતા નથી અને પોતાનું અંત:કરણ બધા જ પ્રકારથી મને સમર્પિત કરી દીધું છે, પરમાનંદસ્વરૂપ હું તેના આત્માના રૂપમાં સ્ફુરિત થવા માંડુ છું. આને લીધે નિષ્કામ વ્યકિત પોતાનામાં જે સુખ અને આનંદનો અનુભવ કરે છે તે વિષયી અને ભોગી લોકોને સ્વપ્નમાં પણ નથી દેખાતું. જે બધા જ પ્રકારના સંગ્રહ અને પરિગ્રહથી રહિત – અકિંચન છે, જે પોતાની ઈન્દ્રિયોને વશમાં કરીને શાંત અને સમદર્શી થઈ ગયા છે, જે મારી પ્રાપ્તિથી મારા સાન્નિધ્યનો અનુભવ કરીને સદા-સર્વદા પૂર્ણ સંતોષનો અનુભવ કરે છે, એની માટે તો આકાશનો એક-એક ખૂણો આનંદથી ભરેલો છે. જેણે પોતાને મને સમર્પિત કરી દીધો છે, તેને તો મને છોડીને બ્રહ્માનું કે દેવરાજ ઈન્દ્રનું પદ પણ નથી જોઈતું, ન તો એના મનમાં મોટા સમ્રાટ બનવાની ઈચ્છા છે, ન તો સ્વર્ગથી પણ શ્રેષ્ઠ રસાતાળના માલિક બનવાની ઈચ્છા છે, ન તો એને યોગની મોટી-મોટી સિધ્ધિઓ જોઈએ છે, ન તો એને મોક્ષ જોઈએ છે. ઉધ્ધવ ! મને તારા જેવા પ્રેમી ભક્તો જેટલા વહાલાં છે એટલા તો મારા પુત્ર બ્રહ્મા, આત્મા શંકર, સગા ભાઈ બલરામજી, સ્વયં લક્ષ્મીજી અને મને મારો પોતાનો આત્મા પણ એટલો વહાલો નથી. જેને કોઈ અપેક્ષા જ નથી, જે જગતના ચિંતનથી સર્વથા ઉપર થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે, કોઈના તરફ રાગ-દ્વેષ ન રાખતાં બધા જ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે, એવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એ વિચારીને ફર્યા કરું છું કે એમના ચરણોની ધૂળ ઉડીને મારી ઉપર પડી જાય અને હું પવિત્ર થઈ જાઉં. જે બધા જ પ્રકારના સંગ્રહ અને પરિગ્રહથી રહિત છે – ત્યાં સુધી કે શરિર આદિમાં પણ અહંતા-મમતા નથી રાખતા, જેનું ચિત્ત મારા પ્રેમના રંગમાં રંગાઈ ગયું છે, જે સંસારની વાસનાઓથી શાંત અને ઉપરત થઈ ચૂક્યા છે અને જે પોતાની મહત્તા-ઉદારતાને કારણ સ્વભાવથી જ સમસ્ત પ્રાણિયો માટે દયા અને પ્રેમનો ભાવ રાખે છે, જેની બુધ્ધિને કોઈપણ પ્રકારની કામનાઓનો સ્પર્શ નથી થતો – એવા લોકોને મારા એવા પરમાનંદસ્વરૂપનો અનુભવ થાય છે કે જે સ્વરૂપને કોઈ નથી જાણતું, કારણકે પરમાનંદતો કેવળ નિરપેક્ષતાથી જ પ્રાપ્ત થાય છે.

ઉધ્ધવજી ! મારો જે ભક્ત હમણાં જિતેન્દ્રિય નથી થઈ શક્યો અને સંસારના વિષયો જેને વારે ઘડીએ પરેશાન કર્યા કરે છે એને પોતાની પાસે ખેંચ્યા કરે છે, એવો ભક્ત પણ ક્ષણ-ક્ષણમાં વધતી રહેતી મારી પ્રગલ્ભ ભકિતના પ્રભાવથી ધીમે-ધીમે વિષયોથી પરાજીત નથી થતો. ઉધ્ધવ ! જેમ આગ લાકડીઓના ઢગલાને બાળીને ભસ્મ કરી દે છે એવી જ રીતે મારી ભકિતથી સમસ્ત પાપના સમુહો પૂરેપૂરા બળી જાય છે. ઉધ્ધવ ! યોગ-સાધન, જ્ઞાન-વિજ્ઞાન, ધર્માનુષ્ઠાન, જપ-પાઠ અને તપ-ત્યાગ મને પ્રાપ્ત કરવામાં એટલા સમર્થ નથી, જેટલી મારી દિવસે-દિવસે વધતી જતી ભકિત. હું સંતોનો પ્રિયતમ આત્મા છું, હું અનન્ય શ્રધ્ધા અને અન્નય ભકિતથી પકડમાં આવું છું. મને પ્રાપ્ત કરવાનો આ એક જ ઉપાય છે. મારી અનન્ય ભકિત એ લોકોને પણ પવિત્ર કરી દે છે અને જાતિદોષથી મુકત કરી દે છે જે જન્મથી જ ચાંડાલ હોય. આનાથી ઊલટું, જે મારી ભકિતથી વંચિત છે, એમના ચિત્તને સત્ય અને દયાથી યુક્ત ધર્મ અને તપસ્યાથી યુકત વિદ્યા પણ પૂરેપૂરું પવિત્ર કરવામાં અસમર્થ છે. જ્યાં સુધી આખું શરિર પુલકિત ન થઈ જાય, ચિત્ત પીગળીને ગદ્ગદ્ ના થઈ જાય, આનંદથી આંખોમાં આંસુ છલકાઈ ના જાય, તથા અંતરંગ અને બહિરંગ ભકિતના પૂરમાં ચિત્ત પૂરેપૂરું ડૂબી ના જાય…. ત્યાં લગી ચિત્તની શુધ્ધ થવાની કોઈ સંભાવના નથી. જેની વાણી પ્રેમથી ગદ્ગદ્ થઈ રહી છે, ચિત્ત પીગળીને એક બાજુ વહેવા માંડે છે, જેને એક ક્ષણ માટે પણ રડવાનું નથી રોકાતું, પરંતુ કયારેક તે ખડખડાટ હસી પણ પડે છે, ક્યારેક લાજ છોડીને ઉચ્ચ સ્વરે ગાવા લાગે છે, તો કયારેક નૃત્ય કરવા લાગે છે, ભૈયા ઉધ્ધવ ! એવો મારો ભક્ત કેવળ પોતાને જ પવિત્ર નથી કરતો પણ સમગ્ર સંસારને પવિત્ર કરી દે છે. ઉધ્ધવજી ! મારી પરમપાવન લીલાકથાના શ્રવણ-કીર્તનથી જેમ-જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે તેમ તેમ તેને સુક્ષ્મવસ્તુના અને વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે. જેમ અંજન આંજવાથી આંખોની તકલીફ દૂર થઈને નાની-નાની વસ્તુઓ પણ સરળતાથી જોઈ શકાય છે.

જે વ્યકિત નિરંતર વિષયો અને ભોગો નો જ વિચાર કર્યા કરે છે એનું ચિત્ત વિષયો અને ભોગોમાં જ ફસાઈ જાય છે. અને જે મારું સ્મરણ કરે છે, એનું ચિત્ત મારામાં જ તલ્લીન થઈ જાય છે. એટલે કહું છું કે બીજા સાધનો અને ફળોનું ચિંતન છોડી દો. અરે ભાઈ ! મારાથી અલગ તો કશું છે જ નહીં, જે બધું દેખાય છે એ તો બધુ સ્વપ્ન અથવા મનનો ખેલ છે. માટે જ મારા ચિંતનથી તમે પોતાનું ચિત્ત શુધ્ધ કરી લો અને એને પૂરેપૂરું એકાગ્રતાથી મારામાં જ લગાડી દો. સંયમી વ્યકિતએ ખરાબ સ્ત્રીઓ અને એમના પ્રેમીઓનો સંગ છોડીને પવિત્ર એકાંત સ્થાનમાં બેસીને બહુ જ સાવધાની થી મારું ચિંતન કરવું. વહાલા ઉધ્ધવ ! સ્ત્રીઓના સંગ (એટલે કે ખરાબ સ્ત્રીઓનો કુસંગ) અને સ્ત્રીસંગીઓ અને લંપટ ના સંગથી વ્યકિતને જે કલેશ અને બંધનમાં પડવું પડે છે, એવા કલેશ અને બંધનો તો કોઈના સંગથી નથી થતાં. બુધ્ધિમાન વ્યકિતએ આ બધાથી બચીને મારામાં જ મન લગાવવું જોઈએ અને ભકિતયોગને પ્રાપ્ત કરવો જોઈએ.

ઉમાશંકર જોશી – ફાગ ખેલો ઉમાશંકર જોશી – ભોમિયા વિના

(ખાસ દર્શનાબહેનની ફરમાઇશ પર)


ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – આજ મારું મન માને ના

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – ગયાં વર્ષો

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – ગાણું અધૂરું

ગાણું અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – ગીત અમે ગોત્યું

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે …
અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે, કે ગીત અમે …
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે, કે ગીત અમે …
અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે, કે ગીત અમે …
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે, કે ગીત અમે …
અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – જો

કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – દૂધમાં સાકર

સૌ પારસી પૂજક અગિનના જે,
ઇરાન છોડે, નિજ ધર્મ કાજે;
સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે,
સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે.
સંજાણનો જેહ સુજાણ રાણો
તેની કને દૂત વદંત શાણો;
છીએ વિદેશી, વસવાટ આપો.

ધર્મી જનોનું, ન્રુપ, દુ:ખ કાપો !
રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.
કહ્યું દઇ દૂધ-ભરેલ પ્યાલો :
કહેજે ગુરુને અમ ભેટ આ લો!

દૂતે જઇ પાત્ર દીધું છલોછલ,
જોઇ વિમાસે ગુરુ શાંત નિશ્ર્ચલ.
ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી, ઉમેરી દીધી.
ને પાત્ર એ દૂધનું દૂત સાથે
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ-હાથે.
જોયું ન્રુપે બિંદુ તૃણેથી ચાખી :
રે દૂધમાં સાકર છે શું નાખી ?
જા દૂત, તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સહેજે.

છે દૂધમાં સાકર આ સમાઇ,
એવા જ રહેજો બની ભાઇ ભાઇ.
છો ગૌર, છો ધીર, ગભીર, વીર,
મા-ભૂમિનું નીવડશો જ હીર.
વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી-હીર થૈ રહ્યા.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – ધોળાં રે વાદળ

ધોળાં રે વાદળ કાળી છાંયડી,
લાગે ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગર મરમે બોલિયા:
” હૈયું શ્વેત અથાગ! ” – ધોળાં રે …

વાદળ ડોલે ને બોલે: “લાજ તું !
કોણે દીધા શણગાર ?
તને રે પલ્લવતાં હૈયું ગળ્યું,
કાળપ રહી ના લગાર – ધોળાં રે …

આજે રે પડછાયો અડતાં જરી
હૈયું તુજ અભડાય !
એટલડી કાળપ મારી ના જશો –
થાક્યા પંથીની છાંય” – ધોળાં રે …

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – નવા વર્ષે

નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – મારું જીવન એ જ સંદેશ

મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી – રહ્યાં વર્ષો

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા ! શે સમજવી ?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી –

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે–હ્રાસે પરમ ૠતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું –
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

– ઉમાશંકર જોશી (Umashankar Joshi. Rahiya varsho. Kavita in Gujarati. Literature and art site)

ઉમાશંકર જોશી – શ્રાવણ હો !

શ્રાવણ હો !
અરધી વાટે તું રેલીશ મા !
મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
અરધી વાટે…

આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.
અરધી વાટે…

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
અરધી વાટે તું રેલીશ મા,
શ્રાવણ હો !

– ઉમાશંકર જોશી

ઉષા ઉપાધ્યાય – ફૉન

ગઈ કાલે ફોન હતો લંડનથી
મારા પિતરાઈનો-
ઘરનાં સહુના સમાચાર
એ હોંશથી આપતો હતો-
આપણી મૉટેલ તો ધમધોકાર ચાલે છે હોં !”
આ વખતે વૅકેશનમાં
મોન્ટુ જવાનો છે
અમેરિકા
ને પિંકી એની બહેનપણીઓ સાથે
સ્વીટ્.ઝર્લેન્ડ
તારાં ભાભી પણ લ્હેર કરે છે,
લેસ્ટરના મૂર્તિમહોત્સવમાં
સૌથી વધારે ડોનેશન આપીને એણે
પહેલી આરતી ઉતારી હતી,
અને હું – ?
ઑહ ! હું કેમ છું એમ પૂછે છે ?
ફાઈન ! વેરીફાઈન !!
પણ, તમે બધાં કેમ છો?..” – ને પછી ચાલી લાં…બી વાત
ઘરની, શેરીની, ગામની,
ને ખેતરની,
છેલ્લે હું કહેવા જતો હતો “આવજો”
ત્યાં એકાએક એણે મને પૂછ્યું-
” આપણી વાડીમાં હજુ કોસ ચાલે છે?
ને…રામજી મંદિરની આરતીમાં
ઝાલર કોણ વગાડે છે ?”
એનો ઉત્કંઠાભર્યો – આદ્ર અવાજ
ખારાં પાણીમાં ઝબકોળાઈને આવતો હોય
એવું કેમ લાગ્યું ?
એના આગળના શબ્દો હવામાં ઉડતા રહ્યાં
મને લાગ્યું, જાણે એના હાથમાં
ફૉનનું રિસિવર નહીં
ઝાલર વગાડવાની દાંડી
અટકી ગઈ છે…

– ઉષા ઉપાધ્યાય

ઉષા ઉપાધ્યાય – મુક્તિ

નળ કરે છળ
તો ત્યજી શકે, દમયંતી.
રામ કહે ‘બળ’
તો છોડી શકે સીતા.
રચાશે પૃથ્વી પર જ્યારે
એવી સંહિતા
ત્યારે
આકાશ્ગંગાની નક્ષત્રમાલામાં શોભતા
સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે
રવજીની પાછલી રવેશ જેવો
ઝાંખું ઝાંખું પ્રકાશતો
અરુંધતીનો તારો
ખીલી ઊઠશે બટમોગરાની જેમ
તેજ છલકાતો …

– ઉષા ઉપાધ્યાય

ઊજમશી પરમાર – દિશાઓ

તમારી દિશામાં વળે સૌ દિશાઓ,
તમે સાંભળો,સાંભળે સૌ દિશાઓ.

તમારી નજરની પડી જ્યાં ટશર ત્યાં,
પડે વીજ શી,ઝળહળે સૌ દિશાઓ.

ચરણને તમારા નડે ક્યાં દ્ધિધાઓ?
ધરો સ્હેજ પગલું,મળે સૌ દિશાઓ.

સરે ગીત હોઠેથી કલકલ અનોખાં,
વહે ધાર શી,ખળખળે સૌ દિશાઓ.

હવે શોધવાનુંય કારણ રહ્યું ક્યાં?
તમારા સગડમાં ઢળે સૌ દિશાઓ.

– ઊજમશી પરમા

એન. ર. આઇ. ફાધર્સ ડે

Image file missing

એષા દાદાવાલા – પગફેરો..!!

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

(અછાંદસ)

– એષા દાદાવાલા

એષા દાદાવાલા – સમજણ

સતોડિયું રમતાં રમતાં કુંડાળામાં મુકેલી ઠીકરીઓને ધારી ધારીને જોતી આંખો
અચાનક ક્યારે મોટી થઈ ગઈ એ સમજાયું નહીં.
એ અસમજણને કારણે જ મારામાં રહેલી બાળકવૃત્તિને મારી અંદર જ સાચવી રાખી વર્ષો સુધી…!
મારી આંખો હવે, સામેવાળાની આંખોને બહુ સરળતાથી પારખી શકે છે એવો અહમ્ આવ્યો અને
અંદર જ સાચવી રાખેલી બાળક વૃત્તિમારી અંદર જ ખોવાતી ગઈ ક્યાંક…!
જોકે,
આંખોની નાની અમથી ગોખલીમાં દિવસનાં અજવાળામાં જ્યાં સપનાંઓ છુપાઈને રહેતાં’તાં,
ત્યાં જ આંસુઓ છુપાઈને રહેવા માંડ્યાં
ત્યારે જ મારે સમજી જવું જોઈતું’તું કે હું મોટી થઈ ગઈ છું…!

– એષા દાદાવાલા

કરસનદાસ માણેક – એવું જ માગું મોત

એવું જ માગું મોત,
હરિ, હું એવું જ માગું મોત !
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત …
અન્ત સમે એવા ઓરતડાની
હોય ન ગોતાગોત ! – હરિ, હું

કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાન્ત સરોદ:
જો જે રખે પાતળું કદી યે
આતમ કેરું પોત ! – હરિ, હું

અન્તિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત:
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણ-કપોત ! હરિ, હું

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
તરતાં સરિતા-સ્નોત.
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માગું મોત !

– કરસનદાસ માણેક

કરસનદાસ માણેક – ગમે છે

હજુ વરસાદભીની ધરતીની ખુશ્‍બૂ ગમે છે,
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !

ગમે બુઢ્ઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો,
શરદની ચાંદની, ને દિલતણું ઝુરવું ગમે છે !

હિમાચ્છાદિત શિખર-સંઘોનો સંગાથી બનીને
ધરાતલ પર ઉતરવા વાયુનું વે’વું ગમે છે !

અને મૃતઃપાય – સર્જનમાં નવા ચેતન કણોને
સ્ફુરાવન્તી એ વાસંતી તણું ગાણું ગમે છે !

અનાદિ કાળથી વરસ્યાં રણોના અંતરંગે,
મને ગ્રિષ્મો તણી બજરંગ-હસતી લૂ ગમે છે !

ચહું નવ મુકિત, ઓ માલિક, મને તો તારી સંગ
ગમે છે જન્મ ને જીવન, અને મૃત્યુ ગમે છે !

નથી ગમતું ઘણું પણ કૈંક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે !

છે ચારેકોર માનવસરજી નકરી મુશ્કિલાતો
પરંતુ કૈંક છે જેથી, એ સૌ સહેવું ગમે છે !

છે મેલાં મહાજનો ને મોવડીઓ છે સડેલા
હું જાણું છું છતાં સંસારમાં રે’વું ગમે છે !

છે એક એક કદમે મોત મારગમાં ઊભેલું,
અને તોયે સદાયે ચાલતા રહેવું ગમે છે !

છે બંધનો કાનૂનોના અંધ અન્યાયી ઘણાયે
છતાં આઝાદ વાયુ છે, અને વહેવું ગમે છે !

આ કિશ્તી ઔર છે, જેની તુફાની પ્રેરણા છે
ખરાબા ને ખડક વચ્ચે થઈને વહેવું ગમે છે !

ક્ષિ‍તિજ પર છે અણુંબોંબો ને માથે મુફલીસી છે
છતાં ઇન્સાનના ચહેરા ઉપરનું રૂ ગમે છે.

હું જેવું માગું છું તેવું કશુયે છે નહિ ત્યાં
પરંતુ તેથી તો જીવવું જ ઉલ્ટાનું ગમે છે !

ખુદાતાલાની ખલ્ક્ત છે કે છે કોઈ બીજાની
એ જોવા કાજ પણ આખર સુધી રહેવું ગમે છે !

ઘડીક વરસાદ ભીની ને ઘડીક સોણીવભીની
મને હર હાલમાં ધરતી તણી ખુશ્બુ ગમે છે !

(જીવનકાળ : 28 નવેમ્બર 1901 – 18 જાન્યુઅારી 1978)

– કરસનદાસ માણેક

કરસનદાસ માણેક – જીવન અંજલિ થાજો

(રાગ – ભૈરવી, તાલ – કેરવા)

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન …
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન …
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો ! મારું જીવન …
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો ! મારું જીવન …

– કરસનદાસ માણેક

કરસનદાસ માણેક – સમજાતું નથી

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

– કરસનદાસ માણેક

કરસનદાસ માણેક – સમજાતું નથી

(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ કવિતા અભિપ્રાયમાં મોકલવા બદલ)

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

કલ્પના મોહન બારોટ – જોજે

બધા રંગ પહેલાં તું જાગીને જોજે,
પછી એ બધા યે તું ત્યાગીને જોજે …

જડી જાય એક જ જો રંગ આત્માનો,
તો બાકીના બીજા ફગાવીને જોજે …

અહીં મોહ-માયાના રંગો છે ઘેરા,
તું સમજણથી આછા બનાવીને જોજે …

પછી પામશે તું નવલ રંગ-છોળો,
કે ભગવો ભભક્તો તું માગીને જોજે …

તું પહોંચીશ બ્રહ્માંડની પાર પળમાં,
જરા આંખ મીંચી ને જાગીને જોજે …

કે રંગોભર્યા રાગ આલાપતો ના,
નિરાકારનો રાગ રાગીને જોજે …

તને લાગશે શુષ્ક રંગો ધનુના,
બધા રંગ-રાગો તું ત્યાગીને જોજે …

-કલ્પના મોહન બારોટ

કલ્પેન્દુ – કેવો છુટી ગયો

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,
માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો.

એટલા તો બરડ હશે નસીબ અમારા,
વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો.

વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને,
મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો.

આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને,
જતી વેળા મારા નામની છાતી કુટી ગયો.

જુઓ રડે છે સમય ચોધાર આંસુએ ખૂણામાં,
લાગે છે કે એ મારો ખજાનો લૂંટી ગયો.

સમજદારીના પ્રવાહે ધોઈ નાખ્યા કિનારાઓ,
સુખ-દુ:ખ વચ્ચેનો સેતુ જે હતો તૂટી ગયો.

થઈ આંખ બંધ અને દિશાઓ ખુલી ગઈ,
શ્વાસ જ્યારે છેલ્લો મુજથી વિખુટો ગયો.

કેવો સંગીન ભાસતો આપણો આ સંગાથ,
જુઓ પળવારમાં કેવો છુટી ગયો.

– કલ્પેન્દુ

કલ્યાણી દેશમુખ – ક્યાં છે કોયલ ?

ઠંડીના સંકજામાંથી નીકળી હવે
કોયલની મીઠી તાનની વાટ જોવાઈ રહી છે

કોયલ ટહુકે તો સમજો કે
વસંતનુ આગમન થઈ ગયુ છે

કોયલ અને વસંતનો સબંધ તો
સદીઓ પહેલાનો છે

પણ હવે તો નથી સંભળાતો એ મીઠો અવાજ
ક્યાં ગઈ કોયલ, ખબર નહી તમને ખબર છે ?

નથી હવે એ ઠંડક આપતો ઝાડનો આશરો
જ્યાં બેસીને કોયલ ગાઈ શકે

નથી દેખાતા અહીં કેરીના મોર
જેને કોયલ માણી શકે

જાગો હવે તો શહેરના ઘેલા સાથીઓ
વાવો વૃક્ષ વધુ જેથી
બાળકો તમારા કુદરતને જાણી શકે

કરો કેટલી પણ પ્રગતિ પણ
લીલોતરી રહેશે તો જીવન આપણુ છે

ખુદને વસાવવા હટાવીશુ જો વૃક્ષોને
તો કેવી રીતે ટકાવશો આ જીવનને ?

-કલ્યાણી દેશમુખ

કહે નેપોલિયન દેશને

કહે નેપોલિયન દેશને
કરવા આબાદાન
ભલું ભણાવો પુત્રીને
તો શાણી થાનાર.

કહેવતો

અનેક પ્રસંગો બની ગયા પછી તેમાંથી સારરૂપ જે શિક્ષણ ઊભું થાય છે તે કહેવતનું રૂપ લે છે . કહેવત ઉપરથી એક પ્રજાની ડહાપણનું માપ નીકળી શકે છે .

– વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
– સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.

-લોક સાહિત્ય

કાણાને

કાણાને કાણો નવ કહીએ
કડવા લાગે વેણ
હળવે રહીને પૂછીએ
શેણે ખોયા નેણ?

કાનજી પટેલ – ડચૂરો

સાંજના ગાડામાં.
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું.
સૂરજ કાળા ઘડામાં પુરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.

– કાનજી પટેલ

કાશ્મિરા પરમાર – લીલી લાગણી

લીલી લાગણી તારી ને ભૂરી મારી,
એક કૂંપળ મારી ને આખી ડાળ તારી,

એક મુઠ્ઠી ધૂળ મારી ને આખી વાડી તારી,
એક પાંખડી તારી ને સુગંધ એની મારી,

એક ઝાકળ તારી ને આખી સરિતા મારી,
એક સાંજ મારી ને એક સવાર તારી,

પૂનમની રાત તારી ને અમાસની મારી,
લીલી છાંયડી મારી ને એક વાદળી તારી,

તારી મારી ને મારી તારી – નહીં,
એ સઘળી ઘટનાઓ આપણી!

-કાશ્મિરા પરમાર

કિશોર મોદી – કળણ

બંધ લિફાફા સમું છે આવરણ,
એમ કોઇ સાચવે શ્વાસોનું ધણ.

હું વિચારોમાં ય ખૂંચી જાઉં છું,
થાય છે કે આ તો મન છે કે કળણ ?

જે યુધિષ્ટિરો ય પાળી ના શકે,
મેં લીધું એવું મહાભારત — શું પણ.

સાંજના એવા સમયની વાત છે,
વાટ જોતું હોય છે ભીનું સ્મરણ.

હું મને ઊર્ફે તને પૂછું કિશોર,
તું કયી રીતે પ્હોંચ્યો તું લગણ?

– કિશોર મોદી

કીરીટ ગોસ્વામી – પોથી

મૂકો મૂકો પંડિતજી ! પોથી
કે પોથીને ચકલીયે ચાંચ ના અડાડે!

તમને જે ઝાઝેરા વ્હેમ
એ જ વ્હેમ કદી તમને સમૂળગા ડુબાડે !

દુનિયાના રંગ તમે જોયા નહીં સાવ
અને કહી દીધા કેમ એને કાચા ?

માણસ તો માણસ; જો પાંદડાને પરખો
તો સંભળાશે એનીયે વાચા !

પોથી કરતાં તો એક ટહુકો સારો
જે મારાં ભીતરી કમાડ સૌ ઉઘાડે !

કેવાં છે ફૂલ અને શું છે સુગંધ –
એની વારતાઓ ફરસો મા કહેતા,

ચીતરેલા ઝરણાને શિખવાડી શકશો નહીં
પંડિતજી ! આપ કદી વ્હેતાં !

પોથી કરતાં તો એક સપનું સારું
જે મને જીવવાની લગની લગાડે !

– કીરીટ ગોસ્વામી

કુમુદ પટવા – ક્યાં છે?

આંસુઓનાં પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિનાયે સધળું સમજે
એવાં સગપણ ક્યાં છે ?

– કુમુદ પટવા

કુસુમાગ્રજ ( અનુ. જયા મહેતા) – આખરની કમાઇ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

મધરાત વિત્યા પછી, શહેરનાં પાંચ પૂતળાં
એક ચોતરા પર બેઠાં, અને આંસુ સારવા લાગ્યાં.
જ્યોતિબા બોલ્યા, છેવટે હું થયો ફક્ત માળીનો,
શિવાજીરાવ બોલ્યા, હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા, હું ફક્ત બૌદ્ધોનો,
ટિળક ઉદ્ગાર્યા, હું તો ફક્ત
ચિત્તપાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો, સંભાળી લીધો
અને તે બોલ્યા, તો ય તમે નસીબદાર
એક એક જાતજમાત તો, તમારી પાછળ છે
મારી પાછળ તો, ફક્ત સરકારી કચેરીની દિવાલો.

– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)

કૃષ્ણ દવે – ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – એક ચકી ને ચકો

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – એને પેલ્લેથી ફાવે છે દેશી

એને પેલ્લેથી ફાવે છે દેશી
ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી

મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય

તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી…

એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા, ને હમ ખાવા દહ દિએ ન્હાતા…

મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય

તો કે આખી ગુજરાત તને વેશી.
એને પેલ્લેથી ફાવે છે દેશી….

એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી..

આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પેલ્લેથી ફાવે છે દેશી….

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – છેવટે કંટાળી

છેવટે કંટાળી મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાના શું જાવ છો ?
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
છત્રી ઉઘાડવાનો વેંત ?

વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉગાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયા ને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?

મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ ?

વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળના ગીતો શું ગાવ છો ?

મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ધોધમાર વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – માઈક મળે તો કોઈ છોડે

પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લી બે વાત, એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – લીમડાને આવી ગ્યો તાવ

લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડીપડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – વહીવટ

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે નવાઇ ?
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

કોયલના ટહુકાના ટેન્ડરનું પૂછો છો ? એ લટકે અધ્ધર આ ડાળે,
‘કા-કા’ કરીને જે આપે સપોર્ટ એવા કાગડાની વાત કોણ ટાળે ?
જાવ જઇ સમજાવો સુરીલા કંઠને કે મૂંગા રહેવામાં મલાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ તમ્મારું સાંભળે છે કોણ ?
દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ગિફ્ટમાં મળે છે પાછા ઢ્રોણ !
ઊધઇની સામે કાંઇ લાકડાની તલવારે લડવાની હોઇ ના લડાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

રેશનની લાઇનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દીવાસળી , ને ચાંપો.
ઇ બહાને તો ઇ બહાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – શિક્ષણ ???

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – શું ગાવું?

ખળખળ વ્હેતા જળની વરચે ના સ્હેજેય ભીંજાવું? કહે પછી શું ગાવું?
ભીતર છળે સાત સમંદર ને પથ્થર થઇ જાવું? કહે પછી શું ગાવું?

આ ફૂલોના દેશ વચાળે ઓછું એમ જવાશે? આ મ્હેકનાં મોજાંઓમાં ઓછું એમ તરાશે?
પતંગિયાંનો વેશ હોય ને રંગે ના રંગાવું? કહે પછી શું ગાવું?

જીવનનું અણમોલ ગીત કંઇ ઓછું એમ ગૂંથાશે? ઝબકારા યે ફરી ફરી કંઇ ઓછા એમ જ થાશે?
મોતીનો અવતાર હોય ને ડરી ડરી વીંધાવું? કહે પછી શું ગાવું?

રહેરો દે પણ સ્મિત
વિના કંઇ ઓછું એમ જ ચાલે?

હોઠ હોય ને ગીત વિના કંઇ
ઓછું એમ જ ચાલે?

આંખ હોઇએ અને કહે તું સ્હેજે ના છલકાવું? કહે પછી શું ગાવું?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે – હા અથવા ના…

‘હા અથવા ના’ માં જ જીવે છે ,
એ ક્યાં એનામાં જ જીવે છે ?

હતો , હશે ને છે ની વચ્ચે
કેવળ અફવામાં જ જીવે છે.

સાદ પડે કે હાજર તુર્ત જ
જોયું ? પડઘામાં જ જીવે છે.

કાંઠા સાથે માથા ફોડે-
એતો મોજામાં જ જીવે છે,.

પડછાયો પણ ના અડવા દે,
એવા તડકામાં જ જીવે છે,.

હોવાનો છે આ હોબાળો,
ને એ હોવામાં જ જીવે છે.

– કૃષ્ણ દવે



For queries email at need.more.intel@gmail.com