Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

અનામી – ભુલ

અમારાથી આજ સુધી
“ભુલ” થી કઇ
“ભુલ” થઇ હોય
ભુલ સમજીને ભુલ ને
ભુલી જજો ભુલ નેજ
ભુલજો અમને નહીં

– અનામી

અનામી – ‘ હા’ ‘ના’

Image file missing

અનામી – लम्हा

गुज़रता ही नहीं वह एक लम्हा
एक मैं हूँ कि बीता जा रहा हूँ …

– અનામી

અનામી – આમંત્રણ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ આમંત્રણ મોકલવા બદલ)

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. ૧૪ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.

– અનામી

અનામી – કોઇ આવી ચડે છે

ચોતરફ ઘુઘવતા દરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે
ને ધોધમાર ઝળઝળિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

એકલતાનો અંધકાર એને ચોતરફ ઘેરી વળે પછી
સુમસામ, નિશબ્દ ફળિયા વચ્ચે કોઇ આવી ચડે છે

સંવેદનાના સો સો સુરજ પણ આથમી ગયા પછી
લઈ મુઠ્ઠી ઉજાસ, નળિયા વચ્ચે કોઇ આવી ચડે છે

અષાઢી નભશૃંગારે જીવલેણ ઝંખ્યા હો એવું બને
શ્રાવણ મધ્યે ઝરમરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

ના શ્વાસ હો, ના શબ્દ, હો કેવળ શુન્યતા ભરપુર
એકાકી એવા તરફડિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

– અનામી

અનામી – ગુજરાતી

સફળતાનો પીનકોડ ગુજરાતી ,
સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .

કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,
એકડાનો કરે બગડો ગુજરાતી .

નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,
સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .

લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,
વખત પડે ત્યાં ખડો ગુજરાતી .

દુશ્મનને પડે ભારે ગુજરાતી ,
ડૂબતાને બેશક તારે ગુજરાતી .

એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,
ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .

દેશમાં ABC ની હવા ગુજરાતી ,
પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .

પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,
કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .

ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,
પાનની સાયબા પિચકારી ગુજરાતી .

એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,
હર કદમ પર વેલકમ ગુજરાતી .

મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,
છેલ્લે અપનું વાળું ગુજરાતી .

ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,
ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .

– અનામી

અનામી – ચાલ ઊઠીએ

Sun-tanned થયેલી બપોર
હવે સવારની મુગ્ધા રહી નથી.
વૃક્ષોનાં પર્ણોમાંથી આપણને જોતો
સૂર્ય પણ હવે કંટાળીને
વાદળાં પાછળ વિસામો લે છે.
આમ તેમ ઊડતાં થાકેલા પર્ણોને
સમીરે થાબડીને સુવાડી દીધાં છે.
પવનથી શ્વાસ લેતાં વૃક્ષો
હવે તૃપ્તિના ઓડકાર ખાય છે.
થોડો ઘણો અવાજ સંભળાય છે એ તો છે
છબછબિયાં કરતા સૂર્યપ્રકાશનો ને
પડછાયાના આડા પડવાનો.

ચાલ ઊઠીએ
કપડાં પર ચોંટેલું ઘાસ ખંખેરીને.

– અનામી

અનામી – દર્દ નામ કદી ન લે

ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

– અનામી

અનામી – દિલ પૂછે છે મારું , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડે માં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

– અનામી

અનામી – પૈસાનું ગ્રુપ

Image file missing

અનામી – બગ

ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો બગ ને પણ આકર્ષતાં લાગે છે !

ભલે પધાર્યા.

Image file missing

અનામી – મા નવ

યેષાં ન વિદ્યા, ન તપો ન દાનં,
ન જ્ઞાનં, ન શિલં, ન ગુણો ન ધર્મં ।
તે મૃત્યુલોકે ભૂવિભારભૂતા,
મનુષ્યરૂપેણ મૃગાસ્ચરન્તિ ॥

માનવી માનવ બને તો ઘણું!

– અનામી

અનામી – મા-બાપને ભૂલશો નહીં

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

દેવો પૂજ્યાં પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઇ મોટાં કર્યાં,
અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરાં કર્યાં,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં.

લાખો કમાતાં હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યાં,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં,
સંતાન સૌ એના ચરણની, કદી ચાહના ભૂલશો નહીં.

– અનામી

અનામી – શાળા

Image file missing

અનામી – સમય નથી

Image file missing

અનામી - કવિ

(ખાસ નીતા કોટેચાને આભારી છીએ આ મોકલવા બદલ)

કવિ એક ઢોંગી માણસ છે તે પોતાના અભિનયમાં એટલો પાવરધો છે કે તે પોતાની વેદનાને પણ બનાવટનાં વાઘાં પહેરાવે છે અને એ વેદનામાંથી વાસ્તવિક પીડા અનુભવે છે.

– અનામી

અનામી – વાહ જનાબ, વાહ જનાબ

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

– અનામી

અનિલ ચાવડા – અધીરો

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

– અનિલ ચાવડા

અનિલ ચાવડા – જીવન ચણવા બેઠા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂંપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં `કશું નથી`ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા

– અનિલ ચાવડા

અનિલ ચાવડા – પ્રેમનું પીછું

લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો,
એ ન ફાવે તો કશું બીજું કહી દો.

ફેરવો નહિ આમ અમને ગોળગોળ,
જે કહેવું હોય તે સીધું કહી દો.

પ્રેમ, નફરત, ધૂળ, ધાણી કે કશું પણ,
શું અમારી આંખમાં દીઠું ? કહી દો.

આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો,
કાનમાં આવી ધીમું ધીમું કહી દો.

સાચવે છે આપનાં સઘળાં સ્મરણને,
આ હૃદયને લ્યો હવે ખિસું કહી દો.

શક્ય છે હું વૃક્ષ માફક જાઉં ખીલી,
જો તમે કાંઈક લીલું લીલું કહી દો.

– અનિલ ચાવડા

અનિલ જોશી – અમે બરફના પંખી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

– અનિલ જોશી

અનિલ જોશી – એ અચરજને હું તાકું

સોય સમી હું પડી હતી ને કીડી જેટ્લુંક નાકું
હવા પરોવી કોઈ ગયું એ અચરજને હું તાકું

સોય પરોવે દરજીડા ને ફૂલ પરોવે માળી
વેણ પરોવે કવિતડા ને રાસ પરોવે તાલી
ઝાકળટીપા કોણ પરોવે?નજર પરોવી થાકું

પવનપુત્રી કહેવાઉં છતાં હું હવા વિનાની હોઉં
વાંસની મૂંગી ભૂંગળી જેવી મને પડેલી જોઉં
ફૂંક પરોવી કોઈ ગયું ને હવે એકલી વાગું

સોય સમી હું પડી હતી ને કીડી જેટલું નાકું
હવા પરોવી કોઈ ગયું એ અચરજને હું તાકું

(નવા કાવ્યસંગ્રહ “પાણીમાં ગાંઠ પડી જોઈ “માંથી )
સદ્ભાવ: કવિ શ્રી Anil Joshi ના ફેસબુક પેજ પરથી સાભાર

– અનિલ જોશી

અનિલ જોશી – ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં

ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
હવે ફળિયે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

રણની રેતીમાં જો મોતી ખોવાય તો
રણને હું આંક લઇ ચાળું
ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ
ઘેટાંને ક્યાંય નહીં ભાળું.
નેજવું કરીને આખો વગડો જોયો ને
હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

ઊનના દોરાની એક કેડી પકડીને
હું ધેટાં ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
કેટલીયે ગૂંચ મેં તો વેઠી.
ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

ઊનને મેં ઘેંટાની ચામડી માની, પણ
ઘેંટાને ઊન થકી છેટુ
મારું કોઇ ઠેકાણું રહ્યું નથી ક્યાંય
મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
નીકળી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

– અનિલ જોશી

અનિલ જોશી – ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઈને ઊડી, માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયા કેમ નથી આવતાં?
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી રે બાંધતાં!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઈને કાગડો જાણીને ના ઉડાડજો!
કાયાની પુણીમાંથી નીકળે જે તાર ઈને ખાંપણ લગી રે કોઈ પુગાડજો!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

એકલી સળીને કોયલ માળો માનીને જીવતર જીવી ગઈ હવે થાય શું?
ઈ રે માળામાં કોઈ ઈંડુ ના મૂકજો મૂકશો તો હાલરડાં ગાય શું!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા

– અનિલ જોશી

અનિલ જોશી – વરસાદ

આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

– અનિલ જોશી

અનિલા જોશી – સૈયર, શું કરીએ?

કોયલ ટહુકે સવારના, ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો, ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?

ઉંઘમાં જાગે ઉજાગરો, ને સમણાંની સોગાત
સૈયર, શું કરીએ?

મૂગામંતર હોઠ તો મારા, ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું, કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરીએ?

પગમાં હીરનો દોર વીંટાયો, ને ઝરણાનો કલનાદ
સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો, ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?

– અનિલા જોશી

અબ્દુલ ગફાર કાઝી – સ્મિત – આસું

(૧)
સામે સ્મિતનું
ફાનસ સળગી રહ્યું છે
ને
હું અંધારું ઓઢીને –
પડયો છું.
આંસુની ઝૂંપડીમાં …

(૨)
સ્મિતની તલવાર
ફરતી રહી.
આંસુના
મસ્તક વચ્ચે …

– અબ્દુલ ગફાર કાઝી

અમર પાલનપુરી – અમર હમણાં જ સૂતો છે

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

– અમર પાલનપુરી

અમર પાલનપુરી – એક ઉઝરડે

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે!

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે!

કહેશે કોણ ઝવેરી તમને?
ફેંકી દીધાં રત્ન ઉકરડે!

રાખ્યું નામ અમર એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે?

– અમર પાલનપુરી

અમિત વ્યાસ – આંખ મીચી જે સતત વંદન કરે

આંખ મીચી જે સતત વંદન કરે
કોણ તેને જ્ઞાનનું અંજન કરે

એમની ક્ષણ – ક્ષણ સુવાસિત હોય છે
જે ઘસીને જાતને ચંદન કરે

અને તે સ્વયં ડૂબી ગયો છે શોકમાં
આપણું કેવી રીતે રંજન કરે

ગ્રંથના કીટક બનીને રહી ગયા
શબ્દ હવે શું સ્પંદન કરે

સ્થિર તું ક્યાં થઇ શક્યો
કોણ તારી ભીડનું ભંજન કરે

– અમિત વ્યાસ

અમીત પટેલ – પાનખર

ઠંડો
સુકો
ઓતરાદો
વાયરો.

રતુંમડો
પીળો
કે
કેસરી
ને
છેવટે
ભૂખરો
થઈ
ખરી
પડતો
લીલો રંગ.

ઝાડની
આકૃતિ
થઈ
ઉપસતી
નગ્ન
થતી
જતી
ડાળ.

યાયાવર
પંખીના
પાછું
ન ફર્યાની
ઉદાસી
ઓઢી
વહેલી
ઢળેલી
સાંજ.

બીજી ય
ઘણી છે
ફરિયાદ
તારે માટે
હે પાનખર,
પણ આવ!

તું

બધું
લઈને

આવી
હોત તો
આખો
શિયાળો
હું વસંતની
રાહ તો
જુઅત જ શાને?

– અમીત પટેલ

અમૃત ઘાયલ – અમે ધારી નહોતી

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

-અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલ – આરપાર જીવ્યો છું

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહું ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઇન મારી ગતિ,
આમ બસ મારમાર જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું.

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ધાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

-અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલ – મને ગમે છે

(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલની સંપુર્ણ રચના અભિપ્રાયમાં મોકલવા બદલ)

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

-અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલ – રડી લઉં છું

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન
જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું

હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું

કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી ખાલી
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું

-અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલ – વગર

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

-અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલ – હું ય પાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઇમારતનો હું ય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું ?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા પણ બધેય છાયો છે !
હું અજબ રીતથી ઘવાયો છું !

આમ તો એક બિંદુ છું કિન્તુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું !

વઢ નથી વિપ્ર,આ જનોઇનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું !

-અમૃત ‘ઘાયલ’

અવિનાશ વ્યાસ – કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – ચરર ચરર

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – છુક છુક ગાડી

પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.

જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી –
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.

મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – તાલીઓના તાલે ગોરી

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો
પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – માડી તારું કંકુ ખર્યુ

માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો,
નભમાંથી જાણે પ્રભુતાએ પગ મુક્યો
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો …. માડી તારું કંકુ

મંદિર સરજાવ્યું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો …. માડી તારું કંકુ

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ કુમકુમ વેર્યા,
ગગનનો ગરબો માના ચરણોમાં જુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો …. માડી તારું કંકુ

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – રાખનાં રમકડાં

રાખનાં રમકડાં,
મારા રામે રમતાં રાખ્યાં રે;
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે. … રાખનાં રમકડાં.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. … રાખનાં રમકડાં.

હે…કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા.
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે ! … રાખનાં રમકડાં.

અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ ! … રાખનાં રમકડાં.

-અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – રામ તમે સીતાજીની તોલે ન આવો

રામ રામ રામ …

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને

છોને ભગવાન કહેવડાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે

ફૂલ ને ચંદનથી છો પૂજાઓ

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે

અગ્નિ પરીક્ષા કોની કીધી

તમારો પડછાયો થઇ ને

વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી

છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો

દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે

દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ

અમથો વિજયનો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ – હે તને જાતાં જોઇ પનઘટની વાટે

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..

બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..

રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

– અવિનાશ વ્યાસ

અશરફ ડબાવાલા – આવજે

આ ગઝલ ને ગેબની જાદુગરીમાં આવજે
શબ્દના પ્રાગટ્યની દીપાવલીમાં આવજે

તું ભલે હો વિશ્વવ્યાપક ને બહુભાષી છતાં ;
મારી પાસે ગુર્જરી બારખડીમાં આવજે

થાક જો લાગે કદી અખબારના પાના ઉપર ;
સાવ અંગત કોઇની નામાવલીમાં આવજે

એક પળ એવી વિરલ આપીશ તને કે તું તરત ;
પુણ્યની છોડી તમા પયંગબરીમાં આવજે

જે તને ગમતા હો એવા વેશ તું લેજે બધે ;
પણ ફકત અશરફરૂપે એની ગલીમાં આવજે

– અશરફ ડબાવાલા

અશરફ ડબાવાલા – તે શું હતું?

– અશરફ ડબાવાલા

અશરફ ડબાવાલા – વાંચો જલ્દી જલ્દી વાંચો

વાંચો જલ્દી જલ્દી વાંચો અંદરથી એક કાગળ આવ્યો,
નહિ પરબીડિયું, નહિ સરનામું, તોય ટપાલી ફળિયે લાવ્યો.

અંતરજી કાગળમાં લખતા હશો, મજામાં અશરફજી;
દુ;ખી હોવ તો સમરી લેજો રામ, ભરત ને દશરથજી;
પોતપોતાની રીતે સૌએ જન્મારાને જળમાં વાવ્યો.
…… વાંચો ૦

સંપેતરું મોકલશું તમને મળે જો સારો સથવારો;
કાં શબ્દોના આંગડિયાથી પૂગતો કરશું અણસારો;
ભલે સ્મરણનો પોપટ આપે ઉજાગરાને પીંજર પાળ્યો.
…… વાંચો ૦

અહીં બધાંને ચિંતા થાતી વ્હાલ થયું કાં વેરણછેરણ?
વળતી ટપાલે ઝટ લખજો કે લેખ ભૂંસ્યા કે ભાંગી લેખણ?
હિંમત થોડી રાખો છોને રાગ નહિ ને રણકો ફાવ્યો.
…… વાંચો ૦

– અશરફ ડબાવાલા

અશોક વાજપેયી (અનુ. નલિની માડગાંવકર) – વિદાય

તું ચાલી જશે
તોય થોડીક અહીં પણ રહી જશે
જેમ રહી જાય છે
પહેલા વરસાદ પછી
હવામાં ભીની માટીની સોડમ
પરોઢના આછા ઉજાસમાં
થોડોક ચંદ્રમા
ખંડેર બની રહેલા મંદિરમાં
પ્રાચીન નૂપુરોનો વણસુણ્યુ ઝંકાર.

તું ચાલી જશે
પણ થોડુંક સ્મિત
થોડીક આંખોની ચમક
અને તારી બનાવેલી થોડીક કૉફી
અહીં જ રહી જશે
પ્રમના આ સૂના આવાસમાં

તું ચાલી જશે
પણ મારી પાસે
રહી જશે
પ્રાર્થના જેવી પવિત્ર
અને અદમ્ય
તારી ઉપસ્થિતિ
છંદની જેમ ગૂંજતી
તારી નિકટતાની પ્રતીતિ

તું ચાલી જશે
અને થોડીક અહીં પણ રહી જશે.

– અશોક વાજપેયી (અનુ. નલિની માડગાંવકર)

અશોકપુરી ગોસ્વામી – કેટલો ભયભીત જણાય છે

માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.

અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.

આ કાન પણ થાકયા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.

માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે,
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.

ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !

– અશોકપુરી ગોસ્વામી

અશ્વિની બાપટ – તારા ગયા પછી

તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોંપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઇમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ.

સમુદ્ર ઊછળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
એને જ્યાં આપણે બેસતાં
એ કાઢમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતું નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો

મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ
તારી સાથે ચાલતી
એ રસ્તાને
મેં કદી મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો …

– અશ્વિની બાપટ

અહેમદ ગુલ – મૌન પડઘાયા કરે

(ખાસ દિપિકાબહેનને આભારી છીએ આ ગઝલ અંગ્રેજીમાં અભિપ્રાયમાં મોકલવા બદલ)

મૌન પડઘાયા કરે

મૌન પડઘાયા કરે
શબ્દ સંતાયા કરે

માનવી એવા મળે
કે ન સમજાયા કરે

ભુલવા જેને મથુ
એજ દેખાયા કરે

ઉત્તરો છે લાખ
પ્રશ્નો પુછાયા કરે

“આપણા” ની કરવતે
લોક વેહરાયા કરે

કેમ ખીલીને પાછું
પુષ્પ કરમાયા કરે

“ગુલ” દિવસ તો જાય પણ
રાત ગભરાયા કરે

આતિશ પાલનપુરી – તો જુઓ

જે મળે એને ગમાડી તો જુઓ,
આપદા વસમી રમાડી તો જુઓ.

આગમન એનું થશે આજે જરૂર,
બૂમ એવી એક પાડી તો જુઓ.

જો, તરત ખીલી જશે એનુંય મન,
લાગણી થોડી અડાડી તો જુઓ.

કંટકો કાયમ ઘરે છે સર્વને,
એમની આ ફૂલવાડી તો જુઓ.

પીંગળે પાષાણ પણ ‘આતિશ’ અહીં,
કોઇને હૈયે લગાડી તો જુઓ.

– આતિશ પાલનપુરી

આદમ ટંકારવી – વાંસળી

ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,
નહીતર એકસરખી જ વાંસળી છે.

-આદમ ટંકારવી

આદિલ મન્સૂરી – અમર હોય જાણે

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.

– આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરી – નદી મળશે

તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

– આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરી – પડે

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરી – પળ આવી

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.

પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.

ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.

આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.

મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.

જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.

દરિયા તો સૂકાઈ ચાલ્ત્યા,
મૃગજળ તરવાની પળ આવી.

છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.

– આદિલ મનસૂરી

આદિલ મન્સૂરી – મળે ના મળે

(ખાસ જયશ્રી બહેન ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે.

પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઇ અહીં,
પછી કોઇને કોઇની કબર મળે ના મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ના મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે.

– આદિલ મન્સૂરી

આપણાનો કરીએ ગુલાલ

Image file missing

આબિદ ભટ્ટ – શોધું છું

એક સુખની લકીર શોધું છું.
ના વધારે, લગીર શોધું છું.

દાનમાં સ્વર્ણ પણ ન સ્વીકારે,
ધનિક એવો ફકીર શોધું છું.

મૌનમાં આરપાર થઇ જાયે,
શબ્દનું સરસ તીર શોધું છું.

હુંય રણમાં જઇ રહ્યો ઊભો,
ઝાંઝવાનું ખમીર શોધું છું.

હોય તારી સુગંધ જેનામાં,
એ તરબતર સમીર શોધું છું.

આગને પણ કરી શકે વશમાં,
હર ગલીમાં કબીર શોધું છું!

– આબિદ ભટ્ટ

આરતી – શંભુ ચરણે પડી,

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

આરતી – શ્રી અંબામાની આરતી

Image file missing

આરતી પટેલ શાહ – ચલ, હાથમાં હાથ પરોવી રખડીએ

ચલ, હાથમાં હાથ પરોવી રખડીએ,
સમય અને સ્થાનની છે કોને પરવા?
ક્યારેક જોયા હતા સ્વપ્ન જે આપણે,
ચલ, થીજેલ અતીતને “આજ”માં જડીએ.

ચલ, ઘૂઘવતા હાસ્ય ને ખુલ્લી પાંપણમાં ભરીએ,
જરૂરી નથી કે નીર વહે સરિતા કે નયન રંગે હંમેશા ,
થઇએ હવાથી પણ હળવા, ઉડીએ એકમેક સંગે,
ચલ, વાદળ-વાદળી ને મસ્તીભર્યું એક ચુંબન કરીએ.

તું શાંત સ્મિત અને હું હાસ્યભરી કવિતા,
તું ગહન સમુદ્ર, હું ખળખળ વહેતી સરિતા,
આપણાં પગલાંમાં એકમેકને સમાવી,
ચલ, મધ્યાહનને નવપ્રભાતમાં ફેરવીએ.

– આરતી પટેલ શાહ

આરતી પરીખ – તો શું કરું ?

નાનપ-મોટપની લપમાં વીતી જિંદગી, તો શું કરું ?
લપ્પન-છપ્પનની જ રહી દીવાનગી, તો શું કરું ?

પંચાતે શુરવીર, વખોડવામાં બન્યાં દાનવીર,
હોંઠનો ફફડાટ કશું ન રાખે ખાનગી, તો શું કરું ?

કાંટાની જાત શોધતાં, ચિંતા ચાદર પાથરી બાગમાં,
ફૂલોની મહેંકે કદી ન આપી તાજગી, તો શું કરું ?

કેલેરીના ચાર્ટ રાખ્યા, બીમારીના નામઠામ શોધ્યા,
‘ફિગર’ સાચવવા કદી ન બની વાનગી, તો શું કરું ?

ગોખલે મઢ્યો પથ્થર, દિમાગથી વિચારું ઈશ્વર ?!
‘આરતી’ ટાણે’ય યાદ ન આવી બંદગી, તો શું કરું ???

– આરતી પરીખ (૨૮.૧૧.૨૦૧૧)

આરતી પરીખ – મને જ પૂછવું છે

આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,

મનથી મનને મેળવવું છે,
પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે. _આરતી(૨૨.૧.૨૦૧૨)

– આરતી પરીખ

આરતી પરીખ – વેદના વાદળીઓ

વેદના વાદળીઓ ઘેરી કરી,
વ્યથા કથાએ થોડી ભારી કરી,
જગ આખું ભીંજાતું રહ્યું,
એમ ‘આરતી’એ આંખ કોરી કરી.

– આરતી પરીખ

આરતી પરીખ – હાઇકુ / શાયરી

સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?!
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?!
“હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું,
પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.

~~~~~

નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે,
કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે,
લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો
એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.

~~~~~

પગલી પ્રીત
યાદનું મોતી સર્જે
આંખને ખૂણે.

~~~~~

ખુલ્લી આંખોએ
સપ્તરંગી શમણાં,
આકરાં ઠરે.

~~~~~

વર્ષાને કહી દો, માપથી વરસે,
નયનને વહેવાની આદત નથી..

– આરતી પરીખ

આશા પુરોહીત – તું ગઇ

તું ગઇ, ને, એટલે વરસાદ પણ ગયો,
જૉ પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો એવો છે દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરૂં ?
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોઘ્યા કરૂં, ને, તું મળી નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહીત

આસાવરી કાકડે (અનુ. નલિની માડગાંવકર) – મૃત્યુ

પગલે પગલે
હારોહાર હોય છે તું
પડછાયાની જેમ
ક્ષણે ક્ષણે
પ્રતીતિ કરાવે છે તું
શ્વાસની જેમ
તોય,
વારંવાર નિતનવી રીતે ડરાવે છે
ભર બપોરની ભૂખની જેમ !

– આસાવરી કાકડે (અનુ. નલિની માડગાંવકર)

ઇન્તઝાર

જીદગી મારી આજ બની વિરાન છે ..
દિલમાં ઉઠયું આ તે કેવુ તુફાન છે ..
ઉજ્જડ રનમાં કાંટાલા ઠોરની માફક ઉભેલી હું ..
ખબર નથી ક્યાં સુધી ટકીશ?



For queries email at need.more.intel@gmail.com