Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી



આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

બેફામ’ બરકત વિરાણી – અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી

અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી
પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહી
હું જેને કાજ અંધ બન્યો રોઇ રોઇ ને
ઍ આવ્યા ત્યારે તેમને નીહાળી શક્યો નહી….
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો
તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
ઋતુ ઍક જ હતી પણ રંગ નહોતો આપણો ઍક જ
મને સહેરાઍ જોયો છે બહારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
પરંતુ અર્થ ઍનો ઍ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ….. રાત વીતી ગઈ..
પરંતુ અર્થ ઍનો ઍ નથી કે રાત વીતી ગઈ
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોય છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
હકીકત મા જુઓ તો ઍ ઍક સપનું હતુ
મારુસપનું હતુ મારુ…. સપનું હતુ મારુ…..
હકીકત મા જુઓ તો ઍ ઍક સપનું હતુ મારું
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
નહીતર આવીરીતે તો તરે હી લાશ દરિયા મા
નહીતર આવીરીતે તો તરે હી લાશ દરિયા મા
મને લાગે છે કે ઍણૅ કિનારે તમને જોય છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …..
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – અેક રાજા હતો એક રાણી હતી

અેક રાજા હતો એક રાણી હતી
એતો તારી ને મારી કહાણી હતી

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી વાટ આખી અજાણી હતી

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

જિંદગી ના મે દિવસો ખચ્યૉ કયૉ
જિંદગી મા બીજી કયાં કમાણી હતી

એક ચાદર હતી આભની ઓઢવા
રાત ના જોયું તો એ કાણી હતી

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદિ ને દુશ્મનો મા ઉજાણી હતી.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – એટલે તો કબર ફરતી વાડ છે

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.

અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.

લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.

આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – કવિ છું હું

કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે ;
બધાના દર્દ મારાં છે, ને મારું દિલ બધાનું છે.

તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે ?
કે એ જીવવાનું કારણ છે, એ મરવાનું બહાનું છે.

નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે, મગર મારા મુકદ્દરમાં હમેશાં જા છે;
નજૂમી, આવનારી કાલની ચર્ચા પણ મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે .

હું ધારું છું-સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી ,
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.

જગા એમાં મને મળતી નથી એમાં નવાઈ શી?
હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે .

હું નીકળી જાઉં છું જ્યાંથી, ફરીથી ત્યાં નથી જાતો;
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.

મળી છે લોકની કાંધે સવારી એટલે બેફામ,
ખુદાનું ઘરનું તેડું છે, ખુદને ત્યાં જવાનું છે.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – કેવો ફસાવ્યો છે મને

ઓ હૃદય, તેં પણ ભલા !કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની ,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છ મને.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – ગલતફહેમી ન કરજે

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે ?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી !
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈ કે;
નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની મિલનની ઝંખના તો જો !

કે તારી શોધ કરવામાં ;લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી !
વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું ? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું;
નિર્દોષતા તો જો! રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત,
પડદામાં મહોબ્બતનાં, હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા,
નહોતી ખબર એને, કે એક અલ્લાહ વિના મારે
જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – જીવનને સ્વપ્ન માનું છું

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂરના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બૂરાઓને અસર નથી કરતી સોબત
ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કડી કોઈ પથ્થર વાગી નથી શકતો.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – ત્યાગી નથી શકતો

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – નથી દેતાં

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – રહે છે

અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.

જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.

ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.

ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વિરાણી – સારો છું

છતાં ‘બેફામ’ સૌ મારા મરણટાણે જ કહેવાના
નહિ તો હું તો જીવનમાંય સાચેસાચ સારો છું !
~~~~~~
વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.
~~~~~~
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

– ‘બેફામ’ બરકત વિરાણી

બેફામ’ બરકત વીરાણી – આ પાર

આ પાર તરી આવ્યો છું, તો
સાગરને કહી દઉં ભેદ હવે :
તોફાન મહીં જે ડૂબી ગયો –
એ મારો તારણહાર હતો !

– ‘બેફામ’ બરકત વીરાણી

બેફામ’ બરકત વીરાણી – જિંદગી

જિંદગી તો એની એ જ રહેવાની છે,જાગો કે ઊંધો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે!

– ‘બેફામ’ બરકત વીરાણી

માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ – અંધારું ઓળખું છું

અંધારું ઓળખું છું સિતારા ગણી ગણી.
ને ત્યાં જ યાદ આવી મને તારી ઓઢણી.

સમણું તો ક્યારનુંય ગયું આંખથી સરી
મધરાતે કોણે પ્રેમથી ચૂંટી મને ખણી?

રસ્તો ગમે તે હોય ચાલ સીધી હોય તો;
સ્મરણો જ મને લઈ જવાનાં તારા ઘર ભણી.

સંબંધ નામે સૂર્ય ક્ષિતિજમાં સરી ગયો,
મારા તમારામાં જ રહી ભટકી લાગણી.

ઊગવાના ઓરતામાં રોપાઈ ગયો હું જ,
વણસેલો છે વરસાદ થઈ મારી વાવણી.

ભીંતો વગરનું સાવ ખુલ્લું ઘર છે મારું આ;
મારા તમારા વચ્ચે મેં દીવાલ ના ચણી.

– ‘માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ

માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ – આપણો સબંધ

ચાંદનીની છૉળો મહીં
ઉદધિના વિરહનું ગાન,
ભાન ભૂલી રાન મહીં ગૂંજ્યા કરે,
(દૂરતાનો ઉન્મેષ કે
સાયુજ્યના વાસુકિની
જીભકેરા લબકાર ?!!)

કિનારા છે સળવળ : ગતિશીલ
ગતિહીન મઝધાર…!!
દૂર…દૂર ક્ષિતિજના
તરંગ વલય ગ્રહી
પીગળતી લહેરના
ઉઘડતાં નેણ મહીં
પીળચટ્ટી ગંધ,

પીળચટ્ટી ગંધ,
નાખી સ્કંધ પરે
પાણી પર દોડ્યો આવે
આપણો સબંધ…!!!

– ‘માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ

માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ – કાંઇ ઝીણું ઝીણું ફરકે

(ગીત)

કાંઇ ઝીણું ઝીણું ફરકે,
ઊંડાણોના ગર્ભો છલછલ સ્વાતિ જલ શા છલકે.

હું મારામાં અરૂપ થઇને
આવી તમને મળું,
હર એક પળને અનુભૂત થઇ
મધુર સમણાં શું છળું,
વાસંતી ફરફર ઓઢીને મદન બેઠો પલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.

ઝીણું દુકૂલ ધરી દેહ પર
અત્તર શું,શું છરકે ?
અંગ – અલસમાં મધુ કેફ થઇ
લીલી સાપણ સરકે,
આશ્લેષે તો પ્હાડ પીગળે, ઝમતી ક્ષણની હલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.

તેજ – તિમિરનાં પૂર ચડયાં ને
ઘૂવડ થઇ ‘ગ્યું અંધ,
અસ્ત થતા અજવાળે ફેલી
અંધારાની ગંધ,
સમણાનું સુખ આંખ ઉઘાડે, અલોપ થઇને મલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.

ગામ ગોંદરે વડલો ઊભો
લીલી છાંયને ઢાળી,
ઊંચી ડાળે બેસી કોયલ
ગાતી કંઠ ઉલાળી,
વગડો આખો ફરી સીમમાં, ભીની આંખને તલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.

– ‘માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ

મિસ્કીન’ રાજેશ વ્યાસ – અહીં ધબકું છું

હોઉં છું ક્યારે વળી ઈતિહાસમાં ?
આ અહીં ધબકું છું રાજેશ વ્યાસમાં.

શું ય કહેવાનું હશે ? ખૂટતું નથી,
આમ કહેવાનું નથી કૈં ખાસમાં.

આ નથી એકલતા આ એકાંત છે
એટલે તો મ્હેકું છું ચોપાસમાં.

આંખ અંધારું ય જોવા જોઈએ,
આટલું સમજાયું છે અજવાસમાં.

એ પરમહંસોની પગદંડી અગમ,
જોઉં છું ઝળહળતી ઊંડે શ્વાસમાં.

– ‘મિસ્કીન’ રાજેશ વ્યાસ

મિસ્કીન’ રાજેશ વ્યાસ – જી

તું વગર ક્યાંથી ધબકતી જિંદગી દેખાય જી,
જળ વગરના પટને કઇ રીતે નદી કહેવાય જી.

વૃક્ષ-ફૂલો – પંખીઓ અથવા કશું પણ આંખને,
પત્રમાં ત્હારા હો અક્ષર એમ કૈં વંચાય જી.

કોઇના વિના કશું અટકી નથી જાતું મગર,
એકબીજાથી બનેલું આ જગત સમજાય જી.

જે કઇ બનતું અનુગામી નસીબનું હોય છે,
શ્વાસ કપરા કળમાં ચાબૂક થઇ વીંઝાય છે.

નમ્રતા- નિર્બળતા- સાક્ષીભાવ તું કૈં પણ કહે,
સાંભળી લઉં છું બધાનું, ક્યાં કશું બોલાય જી.

આ ઘડો કેવો અજબ ? મિસ્કીન ભીતર નામનો,
જેટલો હું થાઉં ખાલી એટલો છલકાય જી.

– ‘મિસ્કીન’ રાજેશ વ્યાસ

મિસ્કીન’ રાજેશ વ્યાસ – મળ્યું

એય કહેવાયું નહીં થોડું મળ્યું,
કટકે કટકે એમ કૈં મોડું મળ્યું.

સુખ મળે જે કાંઇ હોમાઇ જતું,
મન ગજાની બ્હારનું થોડું મળ્યું.

થઇ ગયું જે વ્હેણ છીછરું આંખમાં,
કાળજે ધસમસતું માથોડું મળ્યું.

રાહ જોતા હોય છે તકની ફકત,
સૌ ઝનૂની હાથમાં રોડું મળ્યું.

આગ નકરી આગના ભીતર ચરૂ,
બ્હારથી આ શ્હેર ટાઢોડું મળ્યું.

– ‘મિસ્કીન’ રાજેશ વ્યાસ

યોગ’ યોગેન્દુ જોષી – ઠરાવની વાતો

શાંત જળના પડાવની વાતો;
થાય છે રોજ વાવની વાતો.

ઝંખના લઇ સતત રડ્યું છે મન;
એમ ખૂટે અભાવની વાતો?

વાદ્યનો તાર સૂરમાં બોલ્યો;
દર્દ પીડા તણાવની વાતો.

શ્વાસ ઉછવાસ એટલે જીવન;
કે પછી આવ-જાવની વાતો?

પ્રેમ સંબંધ ત્યાંજ તૂટે છે;
જ્યાં બને છે ઠરાવની વાતો.

– યોગેન્દુ જોષી ‘યોગ’ : ૧૯/૦૨/૨૦૧૩

યોગ’ યોગેન્દુ જોષી – સસલી

આયનો જોઈને મલકાય સસલી;
ને પછી વાળમાં સંતાય સસલી.

સોળ શણગાર લઇ યૌવન વસ્યું છે;
તે છતાં સાદગીમાં ન્હાય સસલી.

જીન્સ ‘ને ટોપ પ્હેરી જાય કોલેજ;
તોય સંસ્કારમાં વખણાય સસલી.

કો’કના આગમનની રાહ જોતી;
ઉંબરે, બારણે ભટકાય સસલી.

ઝાડ પર વેલ જેવી લટકે, મ્હેકે;
એજ રીતે બધે વળખાય સસલી.

ધૂપ-દીવાની સસલાઓ લે બાધા;
સ્વપ્નમાં પણ જો આવી જાય સસલી.

એક સાથે ચમન ખીલી ઉઠે છે;
જ્યારે ગુન-ગુન સરીખું ગાય સસલી.

ચંદ્ર પણ શૂન્યવત જોતો રહે છે;
છાપરે બે ઘડી દેખાય સસલી.

બાપની પાઘડી, માનું હૃદય, તો;
ભાઈની રાખડી થઇ જાય સસલી.

ગીત, કાવ્યો, ગઝલ સ્હેજે બને છે;
જે દિવસ સ્મિત લઇ શરમાય સસલી.

યોગ ગઝલો બધી અર્પણ કરી દે;
ફક્ત ચાહતથી વાંચી જાય સસલી.

– યોગેન્દુ જોષી “યોગ” : ૦૯/૦૨/૨૦૧૩

શશી’ પ્રવીણ પટેલ – ઝબકાર

આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,
લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !

આ બરફ, આ ઠંડી, ઠુંઠવાઈને ઠરી ગયા,
વહ્યા વસંતી વાયરા ને ફુટતા ગુલાબો દેખાય !

ગયું તે ખોવાણું, એનો તો શો વસવસો કરવો ?
યાદે જે રહ્યું બાકી, અભરખો આશનો દેખાય !

છલકી છાલક ને તમે તો ભીંજાઈ ગયા,
આંખનાં અફીણી અમે, ઢગલો રૂપનો દેખાય !

નિત્ય-અનિત્યનાં ચક્કરમાં મન ચગડોળે ફરે,
બાજે બંસી, રાધા બાવરી, સ્થિર કાનુડો દેખાય !

કરશો ના વિચાર મારી વેદના-સંવેદનાનો,
મળ્યા મિત્રો, એક રૂચિના, કાવ્યનો કસબો દેખાય !

આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,
લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !

-પ્રવીણ પટેલ ‘શશી’

શિલ્પીન’ થાનકી – મતભેદ

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફક્ત પથ્થર નથી’.

સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યાં મૃગજળ નથી’.

સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી’.

સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી’.

સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી’.

-‘શિલ્પીન’ થાનકી

સહજ’ વિવેક કાણે – અસત્ય

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– ‘સહજ’ વિવેક કાણે

સહજ’ વિવેક કાણે – ઉંદરડા

દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

– ‘સહજ’ વિવેક કાણે

સહજ’ વિવેક કાણે – એકાંતનું પ્રાબલ્ય

ચોપાસ કોઈ છદ્મ પ્રકારે છે નિરંતર
એકાંતનું પ્રાબલ્ય વધારે છે નિરંતર

ઊગવાનું, અને રોજ વળી અસ્ત થવાનું
આ સૂર્ય ખરી વેઠ ઉતારે છે નિરંતર

હું અંત ને આરંભને જુદા નથી ગણતો
નવજાત શિશુ, મોતને આરે છે નિરંતર

ઉડનારની પાંખોનું કપાવું છે નિયત પણ,
ઊડવાને ‘સહજ’ પાંખ પ્રસારે છે નિરંતર

– ‘સહજ’ વિવેક કાણે

(સૌજન્ય : વિવેક)

સહજ’ વિવેક કાણે – તોરણ જે ઉતારો છો

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?

આ મોડસઑપરૅન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથીને ?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?

નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?

જન્મ્યા અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથીને ?

– ‘સહજ’ વિવેક કાણે

સહજ’ વિવેક કાણે – દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ, હું મારા સમાન છું.

ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

– ‘સહજ’ વિવેક કાણે

સહજ’ વિવેક કાણે – બેખુદી જે સભામાં લાવી છે

બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.

શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !

ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?

માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !

પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.

– ‘સહજ’ વિવેક કાણે

સહજ’ વિવેક કાણે – શબ્દના મંજુલ

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી

ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી

ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી

પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી.

– ‘સહજ’ વિવેક કાણે

સહજ’ વિવેક કાણે – ધીરે ધીરે

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે,
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે.

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની,
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે.

નામ લેશો નહીં મારું કે તમારું ને ‘સહજ’,
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે.

– ‘સહજ’ વિવેક કાણે

સાલસ’ સલીમ શેખ – વાત છે

બાઅદબ આ શબ્દને ઉગાડવાની વાત છે,
મૂળસોતી જાતને ઉખાડવાની વાત છે.

એટલે કે હૉ ! કલમ સંજીવની લખવી ગઝલ,
શિલ્પમાંના મોરને ઊડાડવાની વાત છે.

ભીતરે ચાલી રહેલા કો’ અકળ તોફાનમાં,
આ સમયની નાવને ડુબાડવાની વાત છે.

અર્થ સમજાયો ગઝલનો આખરે, ગાલિબજી!
ઘર જલાવીને હરફ ઉજાળવાની વાત છે.

ગાલગાગા, તૂકબંધી, ગાલગાગા, બંધ કર,
સિંહને હાથે કરી ઉઠાડવાની વાત છે.

– સલીમ શેખ ‘સાલસ’

સુન્દરમ્’ ત્રિભોવનદાસ લુહાર – કોણ

પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી-ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો ! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ-મોતીમાળ ?
તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિશે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ! ફલંગે કોણ અધીરાં વાદળ વાદળ માંડી ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન-રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર

સુન્દરમ્’ ત્રિભોવનદાસ લુહાર – ઝાંઝરણું

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું

એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું

ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું

– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર

સુન્દરમ્’ ત્રિભોવનદાસ લુહાર – ત્રણ પાડોશી

રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય,

મંદિરની આરતીટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઊભરાય.

એક ફળીનાં ત્રણ રહેવાસી, શેઠને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કને ના દામ,

લોકોનાં દળણાં દળતી રે,
પાણીડાં કો’કનાં ભરતી રે,
કાઢી ખાય રોટલો કરતી કામ.

શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય.
રામનું મંદિર આરસ બાંઘ્યું નિત ઝળાંઝળાં થાય,

ફળીના એક ખૂણામાં રહે,
ગંધાતા કો’ક ખૂણામાં રે,
માકોરનાં મહેલ ઉભેલા સુણાય.

છત્ર૫લંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
પાછલા ૫હોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લહેર,

૫હેલો જયાં કૂકડો બોલે રે,
જાગેલો કૂકડો બોલે રે,
તૂટે માકોરની નીંદર સેર.

માકોર ઊડી અંગ મરોડે, પેટાવે દી૫કજયોત,
ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,

ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દૂકાળિયાનું મોત.

*

ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉ૫વાસ,
માકોર ભૂખી રહી ન કારોડી, કાયામાં ના રહયો સાસ,

સીતાના રામ રિઝાવા રે,
મૂઠી’ર ધાન બચાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ.

શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પાણામાં કાલ કરવા ભજિયાં દળવા આપી દાળ,

દળાતી દાળ તે આજે રે,
હવાયેલ દાળ તે આજે રે,
ઉઠાડે માકોરપેટ વરાળ.

અંગ થાકયું એનું આંચકા લેતું, હૈડે હાંફના માય,
બે ૫ડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,

દળી જો દાળ ના આપે રે,
શેઠે દમડી ના આપે રે,
બીજો ઉ૫વાસ માકોરને થાય.

ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટઠી જાય,

ચણાની દાળ દળ’તી રે,
માકોરની દેહ દળ’તી રે,
ઘંટીનાં ઘોર તહીં ઘેરાય.

અન્ન ખાતી તો ય અન્નનો દાણો દેતી ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,

હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ.

શેઠ જાગે તે રામજી જાગે, જાગે સૌ સંસાર.
ભોમના ભાર ઉતારવા આજે જનમ્યા’તા કિરતાર,

૫રોઢના જાગતા સાદેરે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખપોકાર.

શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામે મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,

માકોરની મૂરછાટાણે રે,
ઘંટીનાં મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસાસ,

– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર

સુન્દરમ્’ ત્રિભોવનદાસ લુહાર – રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ગ્યાં’તાં, હો રંગના ઓવારે, કે તેજના ફુવારે
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં, હો મહેલના મિનારે,પંખીના ઉતારે
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે નાહ્યાં, હો રંગના ઓવારે,કે તેજના ફુવારે
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે પોઢ્યાં, છલકતી છોળે, દરિયાને હિંડોળે
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે જાગ્યાં, ગુલાલ ભરી ગાલે,ચંદન ધરી ભાલે
રંગાયાં ગુલાલે,કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે નાચ્યાં, તારાના તરંગે, રઢિયાળા રંગે
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા

હાં રે અમે આવ્યાં, હો રંગ રંગ અંગે,અનંત રૂપરંગે
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયાં

– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર

સુન્દરમ્’ ત્રિભોવનદાસ લુહાર – સૌંદર્ય

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર (

સુલેખા’ સાધના દવે – વિડંબણા

હું રે શોધું મારું પોતાનું ઘર, કયાં છે આ જગતમાં મારું પોતાનું ઘર ા

પ્રેમથી મહેકાવ્યું મેં આંગણું, પણ આ તો મારા પિતાનું ઘર ાા

પગલાં પનોતાં પાડયાં મેં સેવા કરી દીપાવ્યું મેં સાસરિયાનું ઘર ા

પતિ કહે મુજને, સુખશાંતિથી અજવાળ્યું તેં મારું આ ઘર ાા

જીવનની ફૂલવારીમાં બાળકોથી મહેકાવ્યું મેં મારા નાથનું ઘર ા

સીંચીને મોટાં કર્યા, પુત્ર કહે મા સંભાળજે તું આ મારું ઘર ાા

પિતા કહે મારું ઘર, પતિ કહે મારું ઘર, પુત્ર કહે આ મારું ઘર ા

હું તો ગઈ રે મૂંઝાઈ, આ રે સંસારમાં કયાં છે ભલા મારું ઘર? ાા

ચોપાસે ફેરવું નજર દૂર-દૂર સુધી ન જડે મુજને મારું ઘર ા

ચાર ભીંતો ચણી બનાવ્યું, શું ભીંતો થકી બની ગયું મારું ઘર? ાા

સ્ત્રીની વિડંબણા તો જુઓ શેને કહે કે આ મારું છે ઘર ા

પિતા, પતિ, પુત્ર સહુના ઘરમાં એ તો શોધે બસ પોતાનું ઘર ાાા

– ‘સુલેખા’ સાધના દવે

સાલિક’ પોપટિયા – જવાનીમાં તૂટી ગયો છું અકાળે

જવાનીમાં તૂટી ગયો છું અકાળે,
હું સંજોગોના કંઈ ઝીલી પ્રહારો;
છતાં સાંત્વન મેળવી હું લઉં છું,
છે મારી સમા આ જગતમાં હજારો.

યુવાનીની મારી વંસતો લૂંટીને,
ગયું કોઈ પીંખી જીવન-વાટિકાઓ;
ધરા પર સુમન થઈ પમરી શક્યો ના,
પછી થાઉં ક્યાંથી ગગનો સિતારો ?

નથી લભ્ય થાતું મને જે જીવનમાં,
મળી જાય છે એ મને કલ્પનામાં;
ધરા વાસ્તવિકતાની છોડી કરું છું
કદી કલ્પનાના ગગનમાં વિહારો.

જગત તો ખરું કિંતુ વેરાનમાં પણ
અમીરી-ગરીબીના ભેદો છે બાકી;
કબર કોઈની છેક તૂટી ગઈ છે,
કોઈની કબર પર ઊભા છે મજારો.

નિરાશા હૃદયને છો ડસી રહી છે,
ભલે ચાલ પલટે ગ્રહો ભાગ્ય કેરા;
મને એક શ્રધ્ધા છે કિન્તુ જીવનમાં;
નિશાઓની પાછળ ઊગે છે સવારો.

કે મંઝીલ ઘણી દૂર છે દૂર માનવ!
ન સમજે અનાદિ જીવનનાં તું ભેદો;
મરણ તું કહીને વગોવે છે એને,
જે થાકીને પંથી કરે છે ઉતારો.

સુમન જેમ સૌરભ પ્રસારીને ‘સાલિક’
ઘડીભર એ આકાશે વેરીને ઉલ્કા;
ગગનથી જે તૂટી રહ્યો છે ધરા પર,
રખે હોય એ મારા કિસ્મતનો તારો.

– ’સાલિક’ પોપટિયા

અંકિત ત્રિવેદી – ‘‘પારકી આશ સદા નિરાશ…’’

(via Gujarat Samachar )

‘‘પારકી આશ સદા નિરાશ…’’

જીવનના હકારની કવિતા – અંકિત ત્રિવેદી

તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

ઉછીના અજવાળા દિલસોજી આપતા મહેમાન જેવા છે, જે આપણને ન્યાલ કરી દે તેવા નથી હોતાં! અજવાળું તો આપણી અંદર પ્રગટવું જોઇએ. આ શરીર માટીનું કોડિયું જ છે. એને અજવાળાનું ખોળિયું બનાવતાં આવડવું જોઇએ. અજવાળું હાથઉછીનું નથી મળતું. વળી, એનો રંગ સુખમાં અને દુઃખમાં એક જ હોય છે! કવિ ભોગીલાલ ગાંધીનું આ કાવ્ય બાળપણમાં પ્રાર્થનામાં સમૂહમાં ગવાતું હતું ત્યારથી હાડકામાં કોતરાઈ ગયેલું છે. દીવો થવાનું તો કવિ કહે જ છે પણ દિલનો દીવો થઇને સમગ્ર ચેતનાને અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાને પણ અજવાળવાની વાત છે.
બીજાના અજવાળાથી આપણા તેજને કશો જ ફરક પડવાનો નથી. આપણે જાતને ઘસીને ચંદનની જેમ કે પછી ફૂલોને નીચોવીને અત્તરની જેમ અંતરને સુગંધથી તરબતર રાખવાનું છે. સંઘર્ષ કરીશું તો સફળતાને વરીશું. જાતમહેનત જેટલી વફાદાર એટલી જ આપણી પ્રતિભા વઘુ ચેતનવંતી બનશે. આ બઘું જ જીવનના સંદર્ભે પણ એટલું જ સાચું છે. ‘પારકી આશ સદા નિરાશ’ – વાળી કહેવત એમનેમ નથી આવી. આપણે જાતે જ પગભર થવાનું છે. આપણો પડછાયો જો આપણી પાસે અજવાળું હશે તો આપણાથી દૂર રહેવાનો છે. તપના તાપથી જીવનનો સંતાપ દૂર રહે છે. આપણામાં અપાર શક્યતાઓનો સમુદ્ર છે. આપણામાં જ તેલ અને દિવેલ, દિવેટ છુપાયા છે. માત્ર એક તણખાની જરૂર છે, જે આપણને પ્રગટાવતા આવડવો જોઇએ. આ તણખો ચન્દ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે. વધારે તેજસ્વી અને ઓજસ્વી છે. એ આતમનો દીવો છે. એ સફળતાનો મરજીવો છે.

ઓશિયાળા થઇને બીજાના સહારે જીવન જીવતા રહેવું એના કરતાં આપણી મર્યાદાઓમાંથી વિશેષતા શોધીને એને વળગીને જીવન વિતાવવું વધારે અગત્યનું છે. જીવનના હકારની આ કવિતા પાસે સ્વબળનું સરનામું છે. સાંત્વનાનું સફરનામું છે. જેને આંતરપ્રવાસ કરવો છે એવા યાત્રિકનો નકશો છે. કેટલીક કવિતાઓ કોઇપણ ઉંમરે, કોઇપણ સમયે આપણને નવા નવા અર્થો સાથે નવા વિસ્મયની ઓળખાણ કરાવે છે, જે આપણને ફરીથી જીવવાનું જોમ અને હતાશામાંથી મુક્તિ આપે છે. આપણે મોટેભાગે બીજાને કારણે જ દુઃખી થઇએ છીએ. અને સુખી આપણે કારણે જ થતાં હોઇએ છીએ. જેમાં ભાગ પાડવાના છે તેમાં આપણે ભાગ નથી પાડતાં! અને જેમાં નથી પાડવાના એમાં દુઃખી થઇને સામેવાળાનો દોષ કાઢીએ છીએ. આપણું અજવાળું આપણને શોધે છે. માત્ર આપણે નાનકડી સળીની જેમ પ્રગટતા શીખીને આપણી જાતને વફાદાર રહેવું પડશે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિતાને કવિ રણછોડની ઓળખાણ થાય છે. એમના પદનું જાણીતું મુખડું છે… એનાથી જીવનના હકારની કવિતાનો અંત કરું છું…

દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે…

–અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી – આંખોમાં

ક્યાં કશું છે સમાન આંખોમાં
છે ભૂલાયેલ ભાન આંખોમાં –

ર્દશ્યની જો ઘરાકી જામી છે
હોય જાણે દુકાન આંખોમાં –

ચોતરફ જોઇને હું મૂંઝાઉં છું
કોનું છે વૃંદગાન આંખોમાં – ?

સાવ પાસે અડીને ઊગેલો
ઊઘડે વર્તમાન આંખોમાં –

આપણાથી કશું ન બોલાયું
એમનું પણ સ્વમાન આંખોમાં – !

તુંય આવી ઊડી શકે છે અહીં
લે, ધર્યું આસમાન આંખોમાં

-અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી – તને કહેવું હતું

ખાસ લાગ્યું એ તને કહેવું હતું.
ભીની છત ને કોરું કટ નેવું હતું.

ઊડવા માટે જ જે બેઠું હતું – ;
આપણો સંબંધ પારેવું હતું.

જિંદગી આખી ચૂકવવાનું થશે,
શ્વાસનું માથા પર દેવું હતું.

કાનમાં ફૂલોના ભમરો જે કહે;
તથ્ય મારી વાતનું એવું હતું.

એ જ વાતે સ્વપ્ન મૂંઝાતું રહ્યું,
આંખથી છટકી જવા જેવું હતું.

-અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી – બ્હાર ઊભો છું

અજવાળાની, અંધારાની બ્હાર ઊભો છું
ઝાંખાપાંખા અણસારાને બ્હાર ઊભો છું

બંધ આંખમાં લિન થયો છું સપનું જોતાં
આખેઆખા જન્મારાની બ્હાર ઊભો છું

દ્રશ્યોના રંગોને ઊંચકી થાક્યો તેથી
પોચા પોચા પલકારાની બ્હાર ઊભો છું

મહેફિલમાં એ આવ્યા તો પણ રાહ જોઉં છું
કોણ કહે છે ભણકારાની બ્હાર ઊભો છું!

અંત સુધી હું મારી સાથે તોય એકલો
સાથ વગરના સથવારાની બ્હાર ઊભો છું

-અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી – વખત ક્યાં છે?

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

મને હારી જવાનો ડર નથી તોય -,
ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

તમારી આંખમાં ખોયું હતું મેં જે -,
મને પાછી જરૂરત એ જગત ક્યાં છે?

ખરેખર તો શરૂ તૂટયા પછી થાશે,
અરે!સંબંધ છે આ તો શરત ક્યાં છે?

-અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી – શોધ

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

-અંકિત ત્રિવેદી

અંજુમ ઉઝયાન્વી – નહીં ફાવે

ઉદય ને અસ્તના વનમાં મને ઊગવું નહીં ફાવે !
સમેટી લે વસંતોને મને ખીલવું નહીં ફાવે !

ફકીરોને ભલા ક્યાં હોય છે ઘરબાર કે દુનિયા ?
મને શમણાંના પિંજરમાં કદી વસવું નહીં ફાવે !

ભલે વરસે કૃપા તારી સદા ચાતકની તૃષા પર,
મને તુજ દ્વાર પે બેસીને કરગરવું નહીં ફાવે !

નહીં સમજાય કે જીતાય તારા હાથની બાજી,
મને ભવની લખોટીથી કદી રમવું નહીં ફાવે !

કરું છું બંદગી તારી પ્રતીક્ષાની પળોમાં હું,
તને સત્કારવા મુજ શીશને નમવું નહીં ફાવે !

બળીને ગંધ ફેલાવા બની છે ધુપની સળીઓ,
દયા મુજ પર જતાવો કાં મને ઠરવું નહીં ફાવે !

કમળના ફૂલ કાદવમાં ભલે ‘અંજુમ’ સદા ખીલે,
મને શોભા મલિનતાની કદી બનવું નહીં ફાવે !

-અંજુમ ઉઝયાન્વી

અંજુમ ઉઝયાન્વી – ફકીરા

ઘણીવાર એવું બને છે ફકીરા,
મને આરસી પણ છળે છે ફકીરા !

કદી શીત છાંયો, કદી ધોમ તડકો,
ઘણા વેશ તું પણ ધરે છે ફકીરા !

નહીં ચાતરે પંથ જળની તરંગો,
સદા પાઠ સાચો ભણે છે ફકીરા !

મળી જાય પીવા ફકીરોની તૃષા,
પછી રંગ પાકો ચડે છે ફકીરા !

સમય પી ગયો લીલી જાહોજલાલી,
બધા ઝાડ મનમાં રડે છે ફકીરા !

ઝગારો થયો છે ફરી પથ્થરોમાં,
હજી કોઈ આડો ફરે છે ફકીરા !

ગઝલ છેક ઊંચા ગગનથી પધારી,
બધા સૂફી, સંતો કહે છે ફકીરા !

લખો નામ અંજુમ એનું અદબથી,
હવા પર હકુમત કરે છે ફકીરા !

-અંજુમ ઉઝયાન્વી

અંજુમ ઉઝયાન્વી – માગી

અજાણા કેફમાં કાલે દુઆ થોડી ઘણી માગી,
કદી તારું ભવન માગ્યું, કદી તારી ગલી માગી !

તને તો ઓળખે છે મારી આંખો સાત જ્ન્મોથી,
મને થોડો પરખવા મેં હંમેશાં આરસી માગી !

નથી ખાલી જવા દેતો કદી તું કોઇ યાચકને,
કસોટી તારી કરવા આજ મેં પયગંબરી માગી !

સફળ ફેરો થયો તારા નગરમાં આજ ફાનસનો,
અજાણી ભીડમાં કોઇએ તો રોશની માગી !

કળશ કોના ઉપર ઢળશે સમય સમજી ગયો મનમાં
તમે આખું ચમન માગ્યું, ફકત મેં ગુલછડી માગી !

ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર
રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માગી !

સદા અર્પણ કરે પનઘટ બધાને પ્યાસનું ઓસડ
ફકત એ કારણે સાગર કને મારી નદી માગી !

ઉમળકો જાગશે અંજુમ કદી લીલા થવાનો ત્યાં,
ઘણું સારું થયું તેં કોઇની તો લાગણી માગી !

-અંજુમ ઉઝયાન્વી

અંજુમ ઉઝયાન્વી – વરસાદમાં

તેં હવા બાંધી હતી, વરસાદની વરસાદમાં;
મેં ઘટા વાંચી હતી વરસાદની વરસાદમાં !

યાદનો પગરવ થયો ને આંખ છલકાઈ ગઈ,
ભેટ તેં આપી હતી, વરસાદની વરસાદમાં !

ચાલતાં શીખી ગયા પનઘટ, નદી, ઝરણાં બધા,
આંગળી ઝાલી હતી, વરસાદની વરસાદમાં !

મેઘ તું પ્યાસો રહીને પ્યાસ ઠારે લોકની,
વાત મેં જાણી હતી, વરસાદની વરસાદમાં !

ખૂબ ભીંજાયા પછી તો માણસો ત્રાસી ગયા,
ધાક પણ લાગી હતી, વરસાદની વરસાદમાં !

વાદળાં પાગલ થઈને કેર વરસાવી ગયા,
નેમ તેં પાળી હતી, વરસાદની વરસાદમાં !

વૃદ્ધ આંખોમાં અજંપો ઘૂઘવે તો શું થયું ?
ભેર તેં તાણી હતી, વરસાદની વરસાદમાં !

રાવ હું કોને કહું અંજુમ ભીના કોપની ?
તેં સજા આપી હતી, વરસાદની વરસાદમાં !

-અંજુમ ઉઝયાન્વી

અંજુમ ઉઝયાન્વી – સમજી લે આજ તું

જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું,
એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું !

આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર,
બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું !

ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી,
મુફલિસ ખરો ધનિક છે, સમજી લે આજ તું !

આવે છે મનમાં દોડીને આવેગ હર ઘડી,
પરપોટા સૌ ક્ષણિક છે, સમજી લે આજ તું !

આંખોને છાંયે બેસવા આવી ચડે કદી,
શમણાં તો જગપથિક છે, સમજી લે આજ તું !

હૈયામાં ધરબી રાખજે ભીતરની ચીસને,
ચાહતની એ પ્રતીક છે, સમજી લે આજ તું !

‘અંજુમ’ ગઝલ તો બંદગીનું બીજું નામ છે,
શાયરથી રબ નજીક છે, સમજી લે આજ તું !

-અંજુમ ઉઝયાન્વી

અખો – છપ્પા (એક મૂરખને એવી ટેવ)

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

અખો – છપ્પા

અખો – છપ્પા (તિલક કરતાં ત્રેપન થયાં)

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

અખો – છપ્પા

અખો – છપ્પા (દેહાભિમાન હતું પાશેર)

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા અમે હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.

અખો – છપ્પા

અખો – છપ્પા (સૂતર આવે ત્યમ તું રહે)

સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,
વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;
અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.

અખો – છપ્પા

અખો – સમજણ વિના રે સુખ નહીં જંતને રે

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.. સમજણ..

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..

પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ..

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..

અખો – છપ્પા

અઝીઝ કાદરી – શહેરમાં

અવનવા દૃશ્યો હવે જોવા મળે છે શહેરમાં,
સૂની સૂની શેરીઓ ભડકે બળે છે શહેરમાં.

કાળજાં કંપે છે હૈયાં ટળવળે છે શહેરમાં,
લોકો ઘરમાંથી હવે ક્યાં નીકળે છે શહેરમાં ?

આશ્વાસન આપવાનો કોની પાસે છે સમય ?
ઠોકરો ખાનારને ક્યાં કળ વળે છે શહેરમાં ?

નૂર આંખોમાં નથી ને હાસ્ય હોઠો પર નથી,
હર્ષ ને ઉલ્લાસ ક્યાં જોવા મળે છે શહેરમાં ?

માનવીના મનમાં એની એક પણ રેખા નથી,
શાંતિની યોજના તો કાગળે છે શહેરમાં.

છોડ માથાકૂટ સીધો ઘેર ચાલ્યો જા “અઝીઝ”,
વાત તારી કોણ આજે સાંભળે છે શહેરમાં ?

અઝીઝ કાદરી

અટલ બિહારી વાજપેયી (અનુ. કલ્યાણી દેશમુખ) – આવો ફરી દીવા પ્રગટાવીએ

ભરી બપોરે અંધારુ,
સૂરજ પડછાયાથી હાર્યુ,
અંતરતમનો પ્રેમ નીચોડી
બુઝાયેલી વાટ સળગાવી
આવો ફરી દીવા પ્રગટાવીએ

અમે પડાવને સમજ્યા મંઝીલ
લક્ષ્ય થયુ આઁખોથી દૂર
વર્તમાનના મોહજાળમાં
આવનારી કાલ ન ભૂલાય
આવો ફરી દીવા પ્રગટાવીએ

આહુતિ બાકી, યશ અધૂરો,
સગાંઓના વિધ્નોએ ઘેર્યો
છેલ્લે જયનું હથિયાર બનાવા
નવ દધીચિંના હાંડકાં ગાળ્યા
આવો ફરી દીવા પ્રગટાવીએ

– અટલ બિહારી વાજપેયી (અનુ. કલ્યાણી દેશમુખ)

અદમ ટંકારવી – આખર

રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઇ લ્યો,
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં!

– આદમ ટંકારવી

અદમ ટંકારવી – એક ભવનું ભાથું આપું છું તને

એક ભવનું ભાથું આપું છું તને.
સંતનું સરનામું આપું છું તને.

માણસો મર્યાની એમાં છે ખબર,
એક જુનું છાપું આપું છું તંને.

એક નાનો ઘાવ ને તેનો મલમ ,
એ ય ભેગા ભેગા આપું છું તંને.

સારા માણસની તને ક્યાં છે કદર,
એક લલ્લુ પંજુ આપું છું તંને.

જો બને તો એક તું ઉમેરજે,
નવ્સો ને નવ્વાણું આપું છું તને.

નાચવું જો હોય તારે તો પછી,
આંગણું યે સીધું આપું છું તંને.

કાનમાં કહી દઉં તને એક નામ,
જીવવાનું બહાનું આપું છું તંને.

લે ચલમ ને ચિપિયો ચુંગી ચિરાગ,
લે, અલખ અણ દીઠું આપું છું તંને.

– અદમ ટંકારવી

અદમ ટંકારવી – ખયાલ ન કર

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.

– અદમ ટંકારવી

અદમ ટંકારવી – ગુર્જરી

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.

લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે ગુર્જરી.

બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,
બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,
ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.

કોક એને પણ વટાવી ખાય છે,
પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.

બોલ્ટનમાં જાણે બોમ્બે મીક્સ છે,
ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી.

હાળું ઐં હુરતનાં જેવું ની મળે,
બેટલીમાં ગાળ દે છે ગુર્જરી.

સાંધાવાળો સાડલો પહેરી ફરે,
કયાં હવે દીઠી ગમે છે ગુર્જરી.

આર્થરાઈટીસથી હવે પીડાય છે,
લાકડી લઈને ફરે છે ગુર્જરી.

લોક બર્ગર ખાય છે ગુજરાતમાં,
ને ઈંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુર્જરી.

વાસી-કુસી થઈ ગઈ બારાખડી,
ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી.

સાંજ પડતા એને પીયર સાંભરે,
ખુણે બેસીને રડે છે ગુર્જરી.

જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.

– અદમ ટંકારવી

અદમ ટંકારવી – ગુર્જરી વ્યવહાર શોધું છું

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.

ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
પહેલાં ધાવણની ધાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

– અદમ ટંકારવી

અદમ ટંકારવી – ભાષાભવન

એનાં પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દની ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોયતળીયે પાથર્યા વિરામચિહ્ન
ને અનુસ્વારોના નળિયાં છાપરે.
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઊમ્બરે..

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ “તું”
ટોડલે નામોના દીવા ઝળહળ્યા.
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

અદમ ટંકારવી – સંકટભરી છતાંય મને એ ગમી હતી

સંકટભરી છતાંય મને એ ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.

બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા ક્યાં કમી હતી.

બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.

અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.

દર્શન થયાનહીં એ મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.

– અદમ ટંકારવી

અદી મિરઝાં – તારું ઠેકાણું

તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !

મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !

આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !

તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !

જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !

સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !

જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી

– અદી મિરઝાં

અદી મિરઝાં – શું છે ?

જીવનનું સત્ય શું છે, આંખોના ખ્વાબ શું છે?
બોલો આ જિંદગીનો સાચો જવાબ શું છે ?

દુ:ખની ગનતરીમાં તો દિવસો વહી જવાના
પૂછો તો હમણાં કહી દઉં સુખનો હિસાબ શું છે ?

બસ દૂરથી જ જોઇ એના વિશે ન બોલો
વાંચીને અમને કહેજો દિલની કિતાબ શું છે ?

દુ:ખના તો ચાર દિવસો પી પીને મેં વીતાવ્યા
કોઇ મને બતાવે એમાં ખરાબ શું છે ?

વર્ષોથી આપણે તો જોઇ નથી બહારો
ચાલ આવ જોઇ લઇએ ખીલતું ગુલાબ શું છે ?

જીવન ગયું છે એમાં, તો પણ ન જાણ્યું સાકી !
મયખાનું તારું શું છે, તારો શરાબ શું છે ?

છોડો અદી હવે તો એની ગલીના ફેરા
ઘડપણમાં આવી હરકત ? તોબા જનાબ શું છે ?

– અદી મિરઝાં

અદી મિરઝાં – શેર

તું અમારો છે તો ધરતીના ખુદા
તું અમારા જેવો ક્યારે લાગશે?

દોસ્તોએ, દુશ્મનોએ ભીંસી નાંખ્યો છે મને,
રામે રાખ્યો છે પરંતુ સૌએ ચાખ્યો છે મને.

સૂર્યને લલકારવા આવી હતી !
રાતને મેં ખૂબ સમજાવી હતી !

નજર ત્યારે જ એની રાહમાં પથરાઈ જાએ છે
કે જ્યારે એને જોવાની કોઈ ઈચ્છા નથી હોતી.

હું એક કોયડો નથી જેનો કોઈ ઉકેલ,
તું એક સવાલ જેના હજારો જવાબ છે !

સમયના ઘાવ ઝીલીને હું જ્યાં આજે દટાયો છું,
બને તો મારી ગઝલો એ મકાનોમાં લખી લેજો !

– અદી મિરઝાં



For queries email at need.more.intel@gmail.com