Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વીઆપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી

આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :

ઊર્મિ સાગર’ – એ મન હતું

શબ્દમાં રણક્યાં કર્યું એ મન હતું,
કાવ્યમાં ઝળક્યાં કર્યું એ મન હતું.

કાળજે સણક્યાં કર્યું એ મન હતું,
યાદમાં સળગ્યાં કર્યું એ મન હતું.

મનને માર્યું આપણે અળગાં થવાં,
ને છતાં વળગ્યા કર્યું એ મન હતું.

ના કદી ઠાર્યુ ઠરે- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યું એ મન હતું.

થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યું એ મન હતું.

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યું- એ મન હતું.

સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – ઠોકર સુહાની દે

તારી હયાતીની મને કોઈ નિશાની દે,
ઈશ્વર મને જ શોધે તું, એ જીન્દગાની દે.

ખીલીને જો હું પણ ખરું, એમાં નવું છે શું?
ઉજડીને પણ ખીલી શકું, નોખી કહાની દે.

સીધા હશે જો રસ્તા તો શક છે ભૂલી જઈશ,
વિસરું કદી ન હું તને, ઠોકર સુહાની દે.

મથુરા બન્યું છે જોઈ લે, આ મારું ધૃષ્ટ મન,
ગોકુળ બનાવી તું મને રાધા દિવાની દે.

કાયમ રહે જો ચુસ્ત, શું એ કાફિયા ગમે?
થોડાં કરી દે મોકળાં, એને રવાની દે.

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – બોલો પ્રભુ !

લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલી અને મારા અંતરને સ્પર્શી ગયેલી બે વર્ષની એક અજાણી નાનકડી બાળકી ‘નિરાલી’ નો પ્રભુને સવાલ…

બોલો પ્રભુ !

તારા મંદિરની હતી, નાનકડી-શી જ્યોત હું,
શું કર્યો અપરાધ મેં કે મારે બુઝાવું પડ્યું?

તારા આંગણની હતી, નાજુક-શી કોમળ કળી,
ડાળથી મુજ નાથ મારે કેમ અલગ થાવું પડ્યું?

તારા નભમાં હું હતી, નિર્ભય વિહરતી પંખીણી,
હે પ્રભુ! બોલો પ્રભુ! શીદને મુને જાવું પડ્યું?

નિરાલીનાં પ્રશ્નનો પ્રભુએ આપેલો ઉત્તર…

શાશ્વત પરમ સંબંધ

હે સુકોમળ-શી કળી, ના તેં કર્યા કોઈ પાપ છે,
આવિયા’તા સંગ તારી, ગત જનમનાં કર્મ છે.

હું જગતનો નાથ છું પણ મારું ક્યાં કોઈ છે ચલણ?
હું યે આવું છું ધરા પર, પણ વિધિનું જોર છે.

હું કરું જો પાપ તો મારે જ ભોગવવા રહ્યા,
ને કરું જો પુણ્ય હું, જલસા કરું એ નિશંક છે.

હા, હતી મુજ અંશ તું ને હું જ તારામાં હતો,
આજ લાગે છો લઘુ પણ… હા, સફળ તુજ જન્મ છે.

તારી સ્મૃતિઓ જ બનશે પ્રેરણા કાલે પ્રચંડ,
આજ કકળે

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – ભૂલી શકું તો

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
વિતેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ પગરણને ઠેલી શકું તો.

નથી ખપનું મારે જીવન આખું તારું,
સભર એક પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કોઈ શમણું પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનો સામાન,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – મજબૂર છું

હાલાતથી મજબૂર છું,
કાંટો સમયનો ક્રૂર છું.

મળવા ભલે આતૂર છું,
તારાથી ક્યાં પણ દૂર છું!

ક્યાં છે મને મારી ખબર!
નહીંતર ઘણી મશહૂર છું.

રચતી રહું છું ભૂતકાળ,
ઘડિયાળની મજદૂર છું.

છું સ્વાભિમાની આમ તો-
દુનિયા કહે મગરૂર છું.

જાણું છું મારો અંત હું,
મારીચ છું, મકદૂર છું.

* મકદૂર = હિંમતવાન

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – યાદમાં અટવાય છે કારણ વગર

*

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – લાગણીનું વાંઝિયું ઝાડ

બાષ્પ થઈ જો આભમાં ભળતાં નથી,
જળ સરિતાને મધુર મળતાં નથી.

લાગણીનું વાંઝિયું હું ઝાડ છું,
કોઈ સંબંધો મને ફળતા નથી.

ઊભી છું હું પાંપણોનાં દ્વાર પર,
કોઈ શમણાઓ મને મળતાં નથી.

ચાલુ છું હું લઈને જલતી પ્રેમ-અગન,
કિંતુ તારા હિમપથ ઓગળતા નથી.

ચાહું જો હું, તો કરું ઝાંખો રવિ,
ક્યાંયે કિંતુ આગિયા મળતા નથી.

મોકલું છું રોજ હું પૂનમ તને,
તારા સાગર કેમ ખળભળતા નથી?

– ‘ઊર્મિ સાગર’

ઊર્મિ સાગર’ – સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

(સળંગ… એકસૂત્રી… મુશલસલ)

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

એ હતો ડાળે બટકણી ઊર્મિની,
એષણાના ભારે ઝુક્યો, શું કરું?

અંતરે ભોંકાયો મારા મીતનાં,
એક કાંટા સમ હું ખૂંચ્યો, શું કરું?

લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
તાર આ જન્મે એ તૂટ્યો, શું કરું?

ઉર-વૈભવ દઇને કીધો માલદાર,
પણ પછી એણે જ લૂટ્યો, શું કરું?

– ‘ઊર્મિ સાગર’

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

જ્યાં જ્યાં નજર મારી ઠરે છે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીયે આંખ થી યાદી ઝરે છે આપની

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – અમે જોગી બધા વરવા

અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ
જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી
અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ
જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ
જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં
બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ
અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી
ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ
ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો
બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ
જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ
ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે
અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ
સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં
અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ
જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા
અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ
બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા
મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ
અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી
પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – આપની યાદી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની ;
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી ;
જોયું જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી ;
છે આખરે તો એકલી ને યાદી આપની !

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ઇશ્કનો બંદો

જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી તોયે ભલે,
જો ઇશ્ક ના શું જહાં? એને ખુદાયે શું કરે?

આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઇશ્ક છે!

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?
જ્યાં લઐલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!

ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે!

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે?

જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!

ગુલામ થઈ રહેશું કદા પણ બાદશાહી મ્હાલશું,
માલિકના બિલનું કરીને તખ્ત સૂનારા હમે!

હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે,
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે!

આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને!

ી તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ…જ છે!

એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક આગિયાને

(હરિગીત)
તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી
બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી

અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં

તું જાગજે તું ખેલજે ને પત્રે પત્રે મ્હાલજે
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે
તું કેમ એ માની શકે આધાર તારો એજ છે
એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોઉં અરે

રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એજ ચળકાટે પડે
સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે
દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી
અમ એજ જીવિત એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદર

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક ઈચ્છા

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક યાદી આપની

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી :
જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની !

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – પશ્ચાતાપ

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો ‘તો !
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો ‘તો !

એ ના રોયું, તડફડ થયું કાંઇ ના કષ્ટથી એ !
મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે !

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી ?
રોતું મ્હારૂં હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઇ !
રે રે ! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઇ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઇ જાતો !

કેવો પાટો મલમ લઇને બાંધવા હું ગયો ‘તો!
તે જોઇને જખમી નયને ધોધ કેવો વહ્યો ‘તો !
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠયાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે : –

“વ્હાલા ! વ્હાલા ! નવ કરીશ રે ! કાંઇ મ્હારી દવા તું !
“ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું !
“ઘા દે બીજો ! અગર મરજી હોય તેવું કરી લે !
“ત્હારૂં તેનો જરૂર જ, સખે ! પૂર્ણ માલીક તું છે. ”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથસાથે દબાઇ !
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઇ !
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે !

હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ,
પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે ;
ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે.

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે !
હું પસ્તાયો, પ્રભુ ! પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – સ્મૃતિ

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ – ઉદગાર

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો !
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નિરખે માત્ર તુજને :
હરે દ્રષ્ટિ, વ્હાલી ! સદાય મૃદુ તારી જ રુજને
સદા રહેશે એવી :
સુધા વર્ષા જેવી :
કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણી:
પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી !

– ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ

કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ – સાગર અને શશિ

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઇને
ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ

કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – એ નહીં મળે

રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.

અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.

પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.

મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.

જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.

કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.


‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)(મે 20,1921-જાન્યુઆરી 8,1995)

કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – ગર્વ હું કરતો નથી

ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું;
જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છું.

તારી પાસે પ્ હોંચવાની વાત કોરાણે પડી,
હું જ મારાથી હજી તો કેટલોયે દૂર છું!

આંખડીનાં તેજ મારાં સાવ છીનવાઈ ગયાં,
અંધ થઈને આથડું છું તોય તારું નૂર છું.

કાં તો હું તારી દઈશ, ને કાં તો હું તાણી જઈશ,
દર્દનો દરિયો છું ને હું પ્રીત કેરું પૂર છું.

સાંભળી તું ના શકે તો વાંક છે તુજ કાનનો,
બંધ હોઠે રાતદિન ગુંજી રહેલો સૂર છું.

હું જ સૂફી-સંત છું, જલ્લાદ કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળુ,એટલો હું ક્રૂર છું.

હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો મજબૂત છું હું એટલો મજબૂર છું.


‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)(મે 20,1921-જાન્યુઆરી 8,1995)

કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – જીવન મારું મહેકેં

જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,
નિહાળી મારું મન મોટું મને સાગર ન માની લે.

હંમેશા ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં,
સખત બનવું પડે છે મારે તો તું પથ્થર ન માની લે.

તમારી પારખું દ્રષ્ટીનું પણ છે પારખું આજે,
હું પાણીદાર મોતી છું, મને કંકર ન માની લે.

કર્યુ છે ડોકીયું તેં કયાં કદી મુજ શ્યામ ભીતરમાં?
હું જો દેખાવું સુંદર તો મને સુંદર ન માની લે.

જે હૈયે હોય છે તેને ન હોઠે આવવા દઉં છું,
મધુર મારા વચનને, તારો તું આદર ન માની લે.

કહ્યું માનું છું ડાહ્યાનું – વખત વરતીને ચાલું છું,
જો બેસું સમસમીને તો મને કાયર ન માની લે.

જનમ સાથે જ જગને કાજ હું પેગામ લાવ્યો છું,
છતાં એ વાત પરથી મુજને પેગમ્બર ન માની લે.

કૃપાથી એની, ધારું તો હું જ ‘કિસ્મત’ ને વાંચી દઉં,
પરંતુ ડર છે મુજને ક્યાંક તું ઈશ્વર ન માની લે.


‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)(મે 20,1921-જાન્યુઆરી 8,1995)

કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – સંબંધની ગાંઠો

કેટલી સંબંધની ગાંઠો જીવનના દોર પર
બાંધતાં બાંધી પછી છોડ્યા કરે, છોડ્યા કરે.

– ‘કિસ્મત’કુરેશી

કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – હૃદય

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.

– ‘કિસ્મત’કુરેશી

ખ્વાબ’ મદનકુમાર અંજારિયા – તથાસ્તુ

વાસ્તવમાં
કૈકેયીએ માગ્યાં હતાં
આ બે વરદાન:
રામનું વિશ્વ
અને વિશ્વના રામ.

-‘ખ્વાબ’ મદનકુમાર અંજારિયા

ચમન’ ચીમન પટેલ – બેસતા કરી દીધા

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

– ચીમન પટેલ ‘ચમન’

ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર – ચાંદ બનીને નીકળું છું

ભર બપ્પોરે તડકો ઓઢી ચાંદ બનીને નીકળું છું,
ભીતરમાં કોલાહલ પણ સૂમસામ બનીને નીકળું છું.

સાકી, મદિરા કે મયખાનું ? નામ નથી કોઈ મારું,
પ્યાસા તન-મન માટે કેવળ જામ બનીને નીકળું છું.

यत्र नार्यस्तु पूज्यन्ते-ની વાત કરી જે ધરતીએ,
એ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું.

યુગ બદલાતાં સૌ બદલાયું, એ જ રહ્યો વૃત્તિ-વ્યાપાર,
વર્તમાનકાળે પણ વીતી કાલ બનીને નીકળું છું.

અરમાનોનાં મેલ, હૃદયમાં ગોપિત ભાવોનાં જાળાં,
ધોવા પાપ અમાપ, સરિતા શાંત બનીને નીકળું છું.

‘ચાતક’ નજરે લોક નિહાળે સઘળી મારી લીલાઓ,
હું પણ તેઓ જેમ કદી તો આમ બનીને નીકળું છું !

– ‘ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર

ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર – જાતને ખોયા પછીથી

જાતને ખોયા પછીથી કૈંક જડવું જોઈએ,
શબ્દની સાથે રહો તો કૈંક અડવું જોઈએ.

દુશ્મનો સાથે લડીને એટલું સાબિત થયું,
જીતવા માટે અરીસા સાથ લડવું જોઈએ.

પ્રેમ એ કોઈ પ્રયત્નોથી થતી ઘટના નથી,
પ્રેમમાં બાળક બનીને સાવ પડવું જોઈએ.

દ્વારની સંવેદનાઓ સ્પર્શતે કેવી રીતે,
લાગણી દર્શાવવા એણે ખખડવું જોઈએ.

હોય શી પીડા પતનની દોસ્ત, એને જાણવા,
આદમીએ ટોચ પર ક્યારેક ચડવું જોઈએ.

સ્મિતની પ્રસ્તાવનામાં ઈશ્વરે એવું લખ્યું,
માનવીએ મન મૂકીને ક્યાંક રડવું જોઈએ.

જિંદગી ‘ચાતક’ પ્રતીક્ષાનું સુંવાળું નામ છે,
રોજ મુઠ્ઠી ક્ષણ લઈ થોડું ભરડવું જોઈએ.

– ‘ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટરમા

ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર – સપનાં તણાય છે

પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે,
પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે.

સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું,
ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ?

આંખોને બોલવા વિશે સમજાવવું પડે,
હૈયાને હાથમાં લઈ થોડું અપાય છે ?

પાછાં જવાનું થાય તો ગમશે તને, નદી,
સાગરથી એટલુંય ક્યાં પૂછી શકાય છે !

સંવેદનાની દોરથી બાંધીને રાખજો,
સંબંધની કિતાબનાં પાનાં છપાય છે.

વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો,
ઈચ્છાઓ શ્વાસના ખૂણે એવી લપાય છે.

જીવનનો દાખલો હશે સીધો સરળ, કબૂલ,
‘ચાતક’થી એ હજીય ક્યાં પૂરો ગણાય છે !

– ‘ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર

ઝાઝી’ ચિરાગ ઝા – કાગળ

એક ગીત

સાવ કોરો છે કાગળ,
કાગળની ધારે ઝાકળ,

ખળખળ કરતું વહિ ગયું એ,
જીવન ઝરણું બની ગયું એ,
પછી ખાલી ખાલી વાદળ.
સાવ કોરો છે કાગળ, કાગળની ધારે ઝાકળ,

સાંજ પડીને થયું અંધારું,
ગીત લખી હું કરું અજવાળું,
જે રંગ ઉડ્યો એ કાજળ.
સાવ કોરો છે કાગળ, કાગળની ધારે ઝાકળ,

– ‘ઝાઝી’ ચિરાગ ઝા

ઝાઝી’ ચિરાગ ઝા – ગઝલ તો દ્રૌપદીની વેદનામાં

હતી મશગૂલ એની અવસ્થામાં,
તમે આફતને ઘસડી ભર સભામાં.

પછી જાહેરમાં હું પણ શું બોલું,
તમે તો ભાગ માંગ્યો છે સજામાં.

મને મારી હયાતીમાં મળીલો,
ફરી પાછી નહિં આવું જહાંમાં.

તમારો હાથ બરડા પર ફરે તો,
મને સારું થસે ઓછી દવામાં.

બધી રીતે હતી જાહોજલાલી,
હતી ક્ષણ આખરી મારા જવામાં.

તને રડવું નથી ગમતું!, ખબર છે!,
છતાં રડશું ફરી પાછા મઝામાં.

તખલ્લુસ માત્ર પૂરે ચીર ઝાઝી,
ગઝલ તો દ્રૌપદીની વેદનામાં.

(છંદ: લગાગાગા લગાગાગા લગાગા)

– ‘ઝાઝી’ ચિરાગ ઝા

ઝાઝી’ ચિરાગ ઝા – ગઝલ લાગતી રહે

ઈચ્છાઓ ધારદાર નવી આવતી રહે,
સામે છે મોત, તોય સતત ચાલતી રહે.

જાહેરમાં સવાલ મને જે કરે સતત,
અંદર રહી જવાબ નવા આપતી રહે.

એના વિષે વિચાર ઘણા આવશે મને,
હું એકલો છું, એવું છતાં ધારતી રહે.

આ બાજુ એક વાર તમે જોઈ લો સખી,
અથવા તો?, અન્ય કોઈ પછી ચાહતી રહે?.

લય, તાલ, છંદ, રાગ, વિષે જાણતી નથી,
ને તોય રાત રોજ ગઝલ ઢાળતી રહે.

ચાદર સફેદ પાથરી સૂઈ ગઈ સખી,
ગુલઝારની મને એ ગઝલ લાગતી રહે.

(છંદ: ગાગાલ ગાલ ગાલ લગા ગાલગા લગા)

– ‘ઝાઝી’ ચિરાગ ઝા

ઝાઝી’ ચિરાગ ઝા – તમારા વિચારો બરાબર નથી

તમારા વિચારો બરાબર નથી,
મગજના વિભાગો બરાબર નથી.

તમે રાજધાની લૈ દોડી ગયા,
હતા જે વિવાદો બરાબર નથી.

ઘરોને હટાવી દુકાનો કરી!,
નફાનો વિસામો બરાબર નથી.

નવો છે જમાનો નવી છે હવા,
જુના આ વિમાનો બરાબર નથી.

પ્રયોગો થયા છે પ્રજાની ઉપર,
બધેથી વિતાડો બરાબર નથી.

શબદને તમેતો રખડતો કર્યો,
કુ-વાણી, વિલાસો બરબર નથી.

(છંદ : લગાગા લગાગા લગાગા લગા)

– ‘ઝાઝી’ ચિરાગ ઝા

ડી’ ધર્મેશ પટેલ – શોધ

નામે ધર્મેશ પટેલ, અને વ્યવસાયે એન્જીનીયર, પણ વ્યક્તિ તરીકે વિવિધ કલાઓના તલસ્પર્શી પ્રેમી.
વિશાળ વાંચન, અગાધ મનન, અને ઉચિત ચિંતન.
વિચારોમાં જવલ્લે જ જોવા મળે તેવું ઊંડાણ, ગાંભીર્ય અને સ્પષ્ટતા.
તેમાં ભળે સમયાંતરે કલમ સાથે થતાં નવીન પ્રયોગો …
તેનું પરિણામ એટલે – “Dee’s world! મારું ભાવ-વિશ્વ..મારું વિસ્તરણ… “

વરસાદમાં ઝબકોળાયેલા
શહેરની વચ્ચે ઊભો છું
હું–
કોરોકટ્….
મારા હિસ્સાનું આકાશ તો
પોતાની પાંખોમાં સમેટીને લઈ ગયું છે કોઈ
પંખી.
હથેળીમાં થીજેલું વાદળ લઈ
હું
ભટક્યા કરું છું
હવે
મારા હિસ્સાના સૂર્યને
શોધવા….

– ‘ડી’ ધર્મેશ પટેલ

તરલ’ ભરત ભટ્ટ – મને શોધતો હતો

મને શોધતો હતો
–ભરત ભટ્ટ “તરલ”

પ્રત્યેક શ્વાસો શ્વાસ મને શોધતો હતો,
હું મારી આસપાસ મને શોધતો હતો.
કેડીઓ કારણોની સમેટાઈ ગઈ પછી,
રસ્તાઓનો પ્રવાસ મને શોધતો હતો.
કંઈ કેટલાય શબ્દો ગળે બાંધવા પડ્યા,
પ્રત્યેક શબ્દ ખાસ મને શોધતો હતો.
મેં શોધ આદરી છે ફરી એક નાવની,
દરિયે પડેલ ચાસ મને શોધતો હતો.
ચપટીક અંધકાર ઉલેચી શક્યો નહીં,
જન્મોથી કૈંક ઉજાસ મને શોધતો હતો.

– ‘તરલ’ ભરત ભટ્ટ

ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી – પોસ્ટ ઑફિસ

( લેખક અને તેમની કૃતિનો સંક્ષિપ્ત પરિચય – અંગ્રેજીમાં )

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર: એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી, ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો; ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, તેની બંધ બારી તથા બારણામાથી દીવાનો ઊજાસ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : ‘પોસ્ટઑફિસ.’

ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

‘પોલિસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં.

અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઈબ્રેરિયન, એમ એક પછી અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા!’

વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.
‘ગોકળભાઈ!’
‘કોણ ?’
‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં?…હું આવ્યો છું.’
જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.

‘સાહેબ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’

કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.
અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દ્દષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય! એની તીક્ષ્ણ દ્દષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાગડા’ના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઈટાલીના ગરુડ જેવી અલીની દ્દષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતાં નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો–શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાંથી ઊતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દ્દષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર તરફ જોઈ રહેતો! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ્ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટઑફિસ આવીને બેસતો.

પોસ્ટઑફિસ-કદાચ જગતમાં સૌથી રસહીન મકાન-એનું ધર્મક્ષેત્ર-તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારે મજાકમાં એનું નામ દઈ, એને એ જગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોવા છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે; એટલે આખા શહેરના દરેકે દરેક ઑફિસરનો ખાનગી ઈતિહાસ અત્યારે વંચાતો.
કોઈના માથા પર સાફો, તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ્-એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા, કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંક તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કૂલ માસ્તર,’ આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે!
અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ.

‘પોલિસ કમિશનર!’ કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો.
‘સુપરિન્ટેન્ડન્ટ’!

બીજો એક પટાવાળો આગળ આવ્યો-અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો.

અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો! અરે! સૈકાઓ પહેલાંનો ગામડિયો!

‘આ માણસ ગાંડો છે?’ પોસ્ટમાસ્તરે પૂછ્યું.

‘હા-કોણ? અલી નાં? હા સાહેબ; પાંચ વારસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે! એનો કાગળ ભાગ્યે જ હોય છે!’ કારકુને જવાબ આપ્યો.

‘કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય?’

‘અરે! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે! તે પહેલાં બહુ પાપ કરતો; એમાં કોઈ થાનકમાં દોષ કર્યો! ભાઈ, કર્યાં ભોગવવાં છે!’ પોસ્ટમેને ટેકો આપ્યો.

‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’

‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલાં જ કરતો: બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી!’
‘અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો!’
આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બેચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટમાસ્તર છેવટે ઊઠ્યા ને જતાં જતાં કહ્યું:

‘માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!’

છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા, એક કારકુન વખત મળ્યે જરા ગાંડાઘેલાં જોડી કાઢતો. ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક વખત અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્દષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો’ એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસ એ હાંફતો હતો. ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.
આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું: ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે?’

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા. તેમનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.

‘ભાઈ, તમે કેવા છો?’

‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

‘હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’

‘નોંધી રાખોને, ભાઈ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે!’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે?

પોસ્ટમાસ્તર તપી ગયા: ‘ગાંડો છે શું? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય!’

પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો! અરે! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે?
એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો: ‘ભાઈ!’
કારકુન ચમક્યો; પણ તે સારો હતો.

‘કેમ?’

‘જુઓ, આ મારી પાસે છે.’ એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો.
‘ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો?’
‘શું’?
‘આ ઉપર શું દેખાય છે?’ અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી.
‘આકાશ’.
‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરીયમનો કાગળ આવે તો પહોંચાડવો.’
કારકુન આશ્ચ્રર્યમાં સ્થિર ઊભો: ‘ક્યાંથી ક્યાં પહોંચાડવો?’
‘મારી કબર ઉપર!’
‘હેં?’
‘સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ ન મળી-કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો, તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું!

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈ ને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા.

ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, ‘કોચમેન અલી ડોસા!’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પહેલા ડોસાનું જ કવર—અને કદાચ એની દીકરી મરિયમનું.
‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી.
લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.
‘કેમ સાહેબ?’
‘આ તમારા કોચમેન અલી ડોસા….આજે હવે ક્યાં છે એ?’
‘તપાસ કરશું.’

તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી.
વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હ્રદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમૅન હજી આવ્યા ન હતા; પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હ્રદય પિતાના હ્રદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

‘આવો અલીભાઈ! આ તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન લાકડીના ટેકાથી નમી ગયેલો ઊંભો હતો. છેલ્લા આંસુની ધાર તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.

તેણે પોસ્ટમાસ્તર સામે જોયું. ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું!

‘કોણ સાહેબ? અલી ડોસા…!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ને આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો:
‘હા અલી ડોસા કોણ? તમે છો નાં?’
‘જી, અલી ડોસો તો મરી ગયેલ છે! પણ એનો કાગળ લાવો મારી પાસે!’
હેં કે દી? લક્ષ્મીદાસ!’
‘જી, એને તો ત્રણેક મહીના થઈ ગયા!’ સામેથી એક પોસ્ટમૅન આવતો હતો તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિઙમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો! અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડ્યું: મેં અલીને જોયો, કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો?–

પાછી રોજનીશી ચાલી : ‘પોલિસ કમીશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઈબ્રેરિયન’- કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.

પણ દરેક કાગળમાં ધડકતું હ્રદય હોય તેમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્દષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દ્દષ્ટિ છોડી બીજાની દ્દષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કાં?’
’જી, હા.’
‘—અને તમે કીધું, અલી ડોસા…’
‘જી હા,’
‘પણ –ત્યારે… ત્યારે, સમજાયું નહિ કે…’
‘શું ?’

‘હાં ઠીક. કાંઈ નહિ!’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હ્રદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા ને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

– ‘ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી

નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – મર્દ તેહનું નામ

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.

મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.

મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.

મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

–‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે

નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – જય જય ગરવી ગુજરાત!

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-નર્મદ

નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – નવ કરશો કોઇ શોક. રસિકડાં, નવ કરશો કોઇ શોક

નવ કરશો કોઇ શોક – રસિકડાં, નવ કરશો કોઇ શોક – ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી – રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી – રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી – રસિકડાં
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી – રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી – રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી – રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી – રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી – રસિકડાં
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી – રસિકડાં
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી – રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી – રસિકડાં
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી – રસિકડાં

–‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે

નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે – યા હોમ કરીને પડો ફતેહ છે આગે

(લાવણી) (મૂળની જોડણી મુજબ)

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજિ સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

સાહસે કર્યો પર્શુએ પુરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલ્યન ભિડ્યો યુરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે શિકંદર નામ અમર સહુ જાગે,
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

સાહસે જ્ઞાતિનાં બંધ, કાપિ ઝટ નાખો,
સાહસે જાઅો પરદેશ, બ્હીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જમે બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદાદેશ, દુ:ખ સહુ ભાગે.
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

જન્મ : 24 અૉગસ્ટ 1833 – મરણ : 25 ફેબ્રુઅારી 1886

–‘નર્મદ’ નર્મદાશંકર લાલશંકર દવે

નારાજ’ ચંદ્રેશ મકવાણા – આપણે

શ્વાસને સદરાની માફક વેતરીશું આપણે,
મોત કેવું હોય છે જોવા મરીશું આપણે.

કોઇ ઠંડી આગનો માંગે પરિચય તો તરત,
આપણો તાજો જ આ ફોટો ધરીશું આપણે.

ખીણમાં જન્મ્યા છીએ તો ખીણને અજવાળશું,
આમ પણ શું ટોચને બચકા ભરીશું આપણે.

સૂર્યને એનાં જ કિરણોની સજા ફટકારવા,
આંગણા વચ્ચે અરીસો પાથરીશું આપણે.

શું થયું જો ચાલવામાં સહેજ આગળ થઇ ગયા,
એમની સાથે થવા પાછા ફરીશું આપણે.

જિંદગી જો જેલ છે તો જેલમાં જીવી જશું,
આમ પણ બીજે કશે તો કયાં ઠરીશું આપણે ?

વ્યાજ માફક એય બસ વધતી જ વધતી જાય છે,
આપણી નારાજગીનું શું કરીશું આપણે ?

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

નારાજ’ ચંદ્રેશ મકવાણા – આપણે તો નિભાવવાની છે

છોડ, તારે જ ઓઢવાની છે,
રાત ભાગીને ક્યાં જવાની છે.

આગને દોષ ના લગારે દો
મૂળમાં ભૂલ આ હવાની છે.

લાખ રસ્તા વિચારવા પડશે,
એક બાબત છુપાવવાની છે.

એમણે તો ફરજ કહી નાખી,
આપણે તો નિભાવવાની છે.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

નારાજ’ ચંદ્રેશ મકવાણા – ઈશ્વર

ચાલ માન્યું એકલો પથ્થર નથી
તોય તું કંઈ એટલો સધ્ધર નથી

લોક લૂંટી જાય છે મંદિર પણ-
અર્થ એનો એ જ તું અંદર નથી

આભમાં પણ આદમી ફરક્યો જ છે
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.

તોય શાને ઉઠતા વિખવાદ જ્યાં
તું જ એકે પક્ષમાં હાજર નથી.

એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
કેમ તારા કંઈ ખબર અંતર નથી.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

નારાજ’ ચંદ્રેશ મકવાણા – ઉકળી ઊઠે તું

ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.

મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.

એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

નારાજ’ ચંદ્રેશ મકવાણા – મારી સમજણના છેડા પર

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.

‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

નિરંકુશ’ કરસનદાસ લુહાર – આપણી વચ્ચે રહે છે

એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.

તેજ જેવા તેજનો પર્યાય પોતે –
થઇ તમસમય આપણી વચ્ચે રહે છે.

ઉષ્ણ શ્વાસોથી ઊભય સંલગ્ન તેથી –
આર્દ્ર વિસ્મય આપણી વચ્ચે રહે છે.

ગીત બેઉ કંઠથી શેં એક ફૂટે ?
કોઇ ક્યાં લય આપણી વચ્ચે રહે છે !

જે વિજયને બાનમાં રાખી ઊભો છે,
એ પરાજય આપણી વચ્ચે રહે છે.

આથમી ચૂકેલ વચ્ચોવચ્ચતાનો,
કોઇ આશય આપણી વચ્ચે રહે છે.

આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે.

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – એક ચોમાસું

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર!
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – એક ટેકરી

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ!

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ!
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ!

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ!

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – એક લીલા પાંદ

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે!
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે!
આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે!
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે!
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે!
મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે!
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે!

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – એવું એકાદ કોઈ ગામ હોય!

એવું એકાદ કોઈ ગામ હોય!
ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
અને નક્શામાં જેનું ના નામ હોય!

સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
હાજરાહજૂર આપોઆપ!
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
સૂરજની ખોજ અવિરામ હોય!
એવું એકાદ કોઈ ગામ હોય!

ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
ત્રાટકતું હોય કોઈ હેલીએ!
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
એવું એકાદ કોઈ ગામ હોય!

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – કબર જેવું

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

જન્મનું ઝભલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું.

ઘરતણો પાયો જ્યહીં ખોધ્યો હતો,
ત્યાં કબર જેવું ચણાતું જોઉં છું.

ઝંખનાની આ નદીના પૂરમાં,
લાશ જેવું શું તણાતું જોઉં છું.

સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા,
સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું !

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – તરસ

લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં ચાલશે.
– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – ભૂલી ગયો છું?

મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું,
મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું.

છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં;
પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું.

કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે –
ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું.

છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું.

પથરાળ થૈ ત્વચા કે તારા પ્રથમ પરસનો –
લાગ્યો’તો લોહીમાં એ ઝટકો ભૂલી ગયો છું.

આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું.

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – મૃગજળની છાલકો

આંખમાં વ્હેતી નદી રીસાઇને ભાગી હતી,
સ્વપ્નમાં મૃગજળની જ્યારે છાલકો વાગી હતી.

વિસ્તરણ ને ઉડ્ડયનના અર્થને અળગા કરી
આભ તેં માગ્યું હતું; પાંખ મેં માગી હતી.

ઘેન ને ઘારણથી ઘેર્યા ગામની ચિંતા મહીં –
છેક છેવાડાની શેરી રાતભર જાગી હતી.

થૈ ગયા નિર્મૂળ કોઇ વૃક્ષ પેઠે જે શમી,
એ જ વૃત્તિ મૂળમાં પૂરેપૂરી બાગી હતી.

અંગુલિને તુજ ત્વચાનું જે રીતે રેશમ અડે;
એ રીતે ખૂશ્બો જ મારા શ્વાસને વાગી હતી !

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

નિરંકુશ’ કરસનદાસ લુહાર – હું?

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !

છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !

કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !

મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !

સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!

ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !

– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર

પથિક’ દિનકર પરમાર – તેં

ગુપ્ત રાખ્યું પત્રમાં તુજ નામ તેં
ને મને અટકળમાં રાખ્યો આમ તેં

એક ટીપું શાહીનું ઢોળ્યું અને
કેટલા અક્ષર કર્યા બદનામ તેં

જિંદગી આખીય રાખ્યો દોડતો
ને દિધા રસ્તા બધા સૂમસામ તેં

એક કરતા બે ભલા માની ‘પથિક’
નામ સાથે આપ્યું આ ઉપનામ તેં

– ‘પથિક’ દિનકર પરમાર

પ્રણય’ જામનગરી – કેમ ?

હું નથી – એ વાતને અપનાવવા દેતા નથી
કેમ મારી લાશને દફનાવવા દેતા નથી ?

કેમ મારા મનને ભ્રમની જાળમાં રાખો સતત,
કેમ સાચી વાતને સમજાવવા દેતા નથી ?

નાના-નાના માણસોના મન બહુ પ્રેમાળ છે,
મોટા-મોટા માણસો, પણ ફાવવા દેતા નથી.

સોળ આની પાક ઊતરે, શક નથી એમાં મને,
કેમ લોકો પ્રેમને અહીં વાવવા દેતા નથી ?

એક તો પોતે જ આઘા થઈ ગયા મુજથી ‘પ્રણય’,
કોઈને મારી નજીક પણ આવવા દેતા નથી.

– ‘પ્રણય’ જામનગરી

ફક્ત’ તરુન – એક ટૂકડો ચાંદનો

ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ,
થોડો થોડો એકબીજા પર અહેસાન કરી લઈએ.

રહે યાદ એવું કૈં દરમિયાન કરી લઈએ,
ભૂલોનું એક અલગ જ જહાન કરી લઈએ.

હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું,
પણ સામે છો તો ચાલો પહેચાન કરી લઈએ.

એક ટૂકડો ચાંદનો, બે સિતારા એક હું એક તું,
ધરાના અમુક હિસ્સાને આસમાન કરી લઈએ.

આંધળો ય છે, ગુંગો ય છે, બહેરો ય છે, છતાં,
દુઆ માંગી ખુદાને થોડો પરેશાન કરી લઈએ.

બુદ્ધિને લાગણી સાથે લેવા દેવા છે કે નહી,
ફક્ત થોડી અંધ-શ્રદ્ધાને વિજ્ઞાન કરી લઈએ.

– ‘ફક્ત’ તરુન

ફક્ત’ તરુન – થઇ ગયો

(ખાસ ‘ફક્ત’ તરુનભાઇના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

Image file missing

– ‘ફક્ત’ તરુન (

ફક્ત’ તરુન – શબ્દોને દફનાવું

ભ્રમર એક કમળમાં,
વિચારના વમળમાં.

ઊભો છે દર્પણ સમીપે,
તારી જાતને તુ છળમાં.

યુગોનો હિસાબ પત્યો,
એક જ ક્ષણમાં, પળમાં.

અવઢવ ના ઘટી તમારી,
અમે રહી ગયા અટકળમાં.

દૂધ થૈ ગયું ને‍ –
અન્તે જળ ગયું જળમાં.

હું ડેલીની આરપાર છું,
મૌન ટકોરાં સાંકળમાં.

એકાદ ફૂલનું નામ લો ફકત,
શખ્દોને દફનાવું છું કાગળમાં.

– ‘ફક્ત’ તરુન

બેજાન’ બહાદરપુરી – કરો અંત

મને સાથ એનો મળ્યો છે સદાનો
કહો કેટલો પાડ માનું વ્યથાનો !

કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તું
પછી હોય શો ડર ગમે તે સજાનો !

કબૂલીશ એ વાત ક્યારેક તું પણ
નથી માનવી હું ય નાના ગજાનો

પછી શું થયું એ ન પૂછે તો સારું
નથી અંત હોતો સદા હર કથાનો

સતત કોઈ દોરે અને દોરવાવું !
કરો અંત ‘બેજાન’ એવી પ્રથાનો.

– ‘બેજાન’ બહાદરપુરી

બેદિલ’ અશોક ચાવડા – જરૂરિયાત મુજબ

કબૂલ થાય દુઆઓ જરૂરિયાત મુજબ;
મળે કદાચ વ્યથાઓ જરૂરિયાત મુજબ.

કદાચ હોય નહીં આંખમાં ખરા સમયે,
આ આંસુઓને વહાવો જરૂરિયાત મુજબ.

કરી ગયો છે બધું રાખ એકલો તણખો,
ફકત વહી’તી હવાઓ જરૂરિયાત મુજબ.

ઉદાસી, દર્દ અને આંસુઓ કદીક દગો,
બધાંને કામ હું આવ્યો જરૂરિયાત મુજબ.

દફન કરી ન શક્યું કોઈ લાશ ‘બેદિલ’ની,
એ રોજ રોજ મરાયો જરૂરિયાત મુજબ.

(પગલાં તળાવમાં, પૃષ્ઠ-3, 2003)
(દ્વિતીય આવૃત્તિ 2012)

– અશોક ચાવડા ‘બેદિલ’

બેદિલ’ અશોક ચાવડા – લઇને ચાલ્યાં

મારા ઘરનાં શુભ ચોઘડિયાં લઇને ચાલ્યાં,
એ ચાલ્યાં તો સાથે ફળિયાં લઇને ચાલ્યાં.

રોકાયા’તા વાદળ ખાલી બે પળ માટે,
આ વખતે પણ છતનાં નળિયાં લઇને ચાલ્યાં.

ક્યાં રોકાશું? રસ્તો ક્યાંનો? કંઇ ખબર ના,
ક્યાંક કલમ, કાગળ ને ખડિયાં લઇને ચાલ્યા.

આજ નહીં તો કાલે સૌ જખમો રૂઝાશે,
તારાં સ્મરણોનાં ઓસડિયાં લઇને ચાલ્યા.

એણે હાથેથી ગંગાજળ મોંમાં મૂક્યું,
‘બેદિલ’ આંખોમાં ઝળઝળિયાં લઇને ચાલ્યા.

– અશોક ચાવડા ‘બેદિલ’

બેદિલ’ અશોક ચાવડા – હવેલીને

જનારાં એ રીતે ચાલ્યાં ગયાં છે સૂની મેલીને;
હજારો કોશિશોથી ના સજાવાઈ હવેલીને.

હવે આથી વધારે ભાગ્યનું શું હોય પલટાવું?
નજૂમીઓ જુએ છે એકબીજાની હથેલીને.

ફરીથી પાંગર્યું છે ફૂલીફાલીને ખખડધજ વૃક્ષ,
તમે બેઠાં હતાં બસ જ્યારથી એને અઢેલીને.

નથી હારી શકાતું કે નથી જીતી શકાતું પણ,
સમય ચાલ્યો ગયો મારો અધૂરો ખેલ ખેલીને.

ફકત એ કારણે હું આંસુઓ સારું નહીં ‘બેદિલ’,
ઝરણ આગળ જતાં થૈ જાય છે દરિયોય રેલીને.

– અશોક ચાવડા ‘બેદિલ’For queries email at need.more.intel@gmail.com