કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી
આપ સહુ ના પ્રેમ, લાગણી, અને સહકાર માટે ખુબ આભારી છું. - એસ વી
આપના રેફરેન્સ માટે "પ્રભાતનાં પુષ્પો" પર મુકાયેલા પુષ્પો અને થોડી પસંદ કરેલી ટિપ્પણીઓ સાથે :
હવે એ દિવસો પાછા નહીં આવે !
વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?
હવે એ દિવસો પાછા નહીં આવે !
કાળચક્ર સનાતન ફરતું, ભાવિને ફેરવતું!
સંવિદ્-માં સ્મૃતિઓને સંચે, સુખદુઃ ખ ઉર ભેળવતું!
શાંત-ક્ષણોમાં સ્વપ્નો ઝબકે, સાંપ્રતને સણકાવે!
હવે એ દિવસો પાછા નહીં આવે !
ભવ્ય ભાવિનો સુરમો આંજી યૌવન તો અંગડાતું!
નભના તારક ગજવે ભરવા હૈયું થનગન થાતું;
આંબે ક્ષિતિજને શું નૈયા! નભનો વૈભવ પામે?
હવે એ દિવસો પાછા નહીં આવે !
દૃષ્ટિ વિહોણી દોડ આપણી, વિણ મંઝિલની ક્લાન્તિ!
મતિ વિહોણી ગતિની અગતિ, સ્વપ્ન-જીવન-ભ્રાન્તિ;
જલ પર અક્ષર પાડે નિયતિ, વેદના-માધુરી ભાવે;
હવે એ દિવસો પાછા નહીં આવે !
વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?
હવે એ દિવસો પાછા નહીં આવે !
– ‘અનામી’ રણજિત પટેલ
‘ આકાશદીપ’ રમેશ પટેલ – ધરા સ્વજનસી
છંદ…બસીત (ગઝલ
ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની
ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી
કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી
કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી
જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી
શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી
જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો
ફૂલો ધરી બનું હું પૂજારી ધરા સ્વજનસી
ઘૂમે નભે નજર તું બની વાદળી વિરહની
મ્હેંકે મમતથી ઉરે પ્યારી ધરા સ્વજનસી
મેઘલ જલ અમી ભરી હરખાવતા વતનને
કલરવ થકી ગાય એ ન્યારી ધરા સ્વજનસી
ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં
‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી
– ‘આકાશદીપ’
‘ ઇર્શાદ’ ચિનુ મોદી – આપણા સંબંધ
આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.
આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.
પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.
ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
– ચિનુ મોદી “ઇર્શાદ”
‘ ઇર્શાદ’ ચિનુ મોદી – ઇચ્છા
કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો.
એજ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
– ચિનુ મોદી “ઇર્શાદ”(
‘ ઇર્શાદ’ ચિનુ મોદી – તો ?(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?
– ચિનુ મોદી “ઇર્શાદ”
‘ ઇર્શાદ’ ચિનુ મોદી – પૂછે તો કહું
કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.
જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.
હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.
થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.
– ચિનુ મોદી “ઇર્શાદ”
‘ ઇર્શાદ’ ચિનુ મોદી – મુક્તક
જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે
કે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ધાર કે વેંચાય છે સામી દુકાને સ્વર્ગ
પણ કોણ ઓળંગે એ સડક ધારણાના નામ પર
– ચિનુ મોદી “ઇર્શાદ”(
‘ ઇર્શાદ’ ચિનુ મોદી – સચરાચર ન થા
જોતજોતાંમાં સમજથી પર ન થા.
ઘર ત્યજી આમ સચરાચર ન થા.
ઝાંઝવા કે આંસુથી છીપે તરસ?
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.
સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.
વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,
એક પંખી! આટલું સુંદર ન થા.
ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,
જાત જોવામાં મને નડતર ન થા.
– ચિનુ મોદી “ઇર્શાદ”
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – એક વૃક્ષનું હોવું એટલે શું?
કેમ્પસ ઉપર કોઈ વૃક્ષનું હોવું
એટલે તો સ્વયંસંપૂર્ણ
એક શિક્ષણ સંસ્થાનું ઊગી નીકળવું,
તેની હેઠળ કે સામે
ઘડીભર ઊભા રહેવું,
એટલે તો હંમેશ માટે કોઈ
લીલાછમ શિક્ષણે સુશિક્ષિત થવું:
નિઃશબ્દ વિશાળ શાંતિનું સત્ર
એ માત્ર શિક્ષણનું કરણ જ નથી :
સ્વયં એક દીક્ષા છે.
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – તારે લીધે જ(વસંતતિલકા – સૉનેટ)
તારે લીધે જ, તવ પ્રીત વડે જ હે પ્રિય !
આ અક્ષરો અઢી જ માત્ર થકી શકયો જઇ
ભાષાતણા જટિલ ઉચ્છલ સંકુલો મહીં !
તેનીય પાર લયની રવમાં અતીન્દ્રિય !
જન્માંતરોની લખ સીમ મને લઘુ પડી
તારે લીધે જ ; પરિપૂરણ પામવા તને
મેં શાશ્વતીની કરી માગણી ભાગ્યશ્રી કને ;
કાલાવધિ, કૃષ્ણકાળકથા મને નડી,
તારે લીધે જ પૃથિવી ખીણ આ હરીભરી,
તુંથી ઝરાચરણની રનકંત ઘૂઘરી,
તારે લીધે જ કુસુમોખચી ફુલ્લ વલ્લરી ,
તારે લીધે જ ગઇ ભૂમી ભુમાશી વિસ્તરી !
તારે લીધે જ સમજ્યો કંઇ હું વસંતને,
તારી પ્રીતે જ પ્રિય ! હું અડક્યો અનંતને !
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – જતાં પૂર્વે
જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એકવાર,
એકવાર ફરી મળી લેવું છે જૈ સામેથી ધરાર,
એકવાર કડકડતી ઠંડી રાતમહીં અંધારી
ધડધડ મેં કીધ બંધ બારણું, ધડાક વાસી બારી;
અંદર લઇ લેવાં છે સૌને, રહી ગયાં જે બ્હાર, જતાં …
તે તે ઘર સામેથી જઇને બોલવું છે બોલાવી.
ખોલી મૂકવું છે હૈયું મુજ, એમનું યે ખોલાવી;
ક્ષમા કૈંકની માગવી છે ને, માગવો છે આભાર, જતાં …
વણચાહ્યાંને એકવાર ફરી ગણીગણી લેવાં ચાહી,
સાથ રહ્યાંને હાથથી ખેંચી લેવા બાથની માંહી.
ઓછા પ્રેમનો હું અપરાધી, હાય રે કેવું આળ, જતાં …
વિદાયપળ ઢૂકડી, તો બ મણો ડૂમો કિય અબોલ,
વિદાય સૌને હે પાસેના ભૂગોળ ! દૂર ખગોળ !
વેગળું જતું તે થતું વધુ વ્હાલું, સાદ કરું “હે યાર !” જતાં …
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – તને ઘડતાં, હું જ ઊઘડયો(શિખરિણી)
શક્યો ક્યારે પૂરેપૂરો નિરખી હું તને સંમુખ ? કહે ;
ક્વચિત અર્ધીપર્ધી અલપઝલપે ઝાંખી કરી, તે ;
વધુ તો કલ્પી છે મનહિમન, જે જલ્પ કરી મેં
ગિરા કાલીઘેલી મહીં લીધ, વિમુખ હે !
તને વાણી પ્હોંચી પૂરણ ન શકે, ના મન શકે ;
તથાપિ-ગંડુનીધૂન-શબદનું ટાંકણું તીણું
કરી કંડારી છે, નકશી કરી છે, કોતરી ઝીણું ;
રહ્યો સંમાર્જી હું જીવનભર સ્થાપત્ય-ફલકે ;
હવે આયુષ્યાંતે પૃથુ કરી પથારો શબદનો
તને સંબોધેલાં સકલ ગીતનો, છંદ લયનો;
ચહેરો તારો ત્યાં અપરૂપ ઢૂંઢું નિર્વિષયનો ;
અને પામું છું તો ખુદ મુજ, અને તે દરદનો !
તું તો ક્યાંથી આવે શબદ મહીં હે શબ્દ-અતીતે ?
ઊઠયો ચ્હેરો તે તો નવાઈ ખુદ મારો જ !
તુજ ભણી ગવાયાં મુજ ગીતે !
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.
(જન્મ : 29 સપ્ટેમ્બર 1920 _ અવસાન : 21 એપ્રિલ 2012)
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – ધન્ય ભાગ્ય
બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન;
અમ્રતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન ! – બાઇ રે ૦
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આતો માગે દાણ. – બાઇ રે ૦
કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોત, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. – બાઇ રે ૦
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈ ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – બાઇ રે ૦
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – નેતિનેતિ
આ આવું છે, ને આટલું, એવું નહીં નહીં
બાકી રહે છે કેટલું, બીજું કંઇ કંઇ !
માણસમાં મૂક્યું મન; અરે, એ તો કમાલ છે:
મન ન માટી-માટલું, બીજું કંઇ કંઇ !
જોયા કરે શું શૂન્યની સામે ટગરટગર ?
ના પ્રશ્ર્નનું એ પોટલું, બીજું કંઇ કંઇ !
બ્રહ્માંડ જેવું અન્ય અંડ સેવી એ શકે,
સંઘરે આ કોચલું, બીજું કંઇ કંઇ !
દર્શન થશે તનેય તુંમાં એ અખિલનું,
તું માત્ર નથી ચાટલું, બીજું કંઇ કંઇ !
જરીક ચિત્ત-પાર જૈ તું, તે તરાજુ તોલ,
અહંનું મૂકી કાટલું, બીજું કંઇ કંઇ !
ઉશનસ્ ! તને જો આંખ, તો પર્દાની પાર જો,
દાખે એ વસ્ત્ર ફાટલું, બીજું કંઇ કંઇ !
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – પેઢીઓ પછી પુરખાના ચહેરાની શોધમાં (સૉનેટ)
પુરાણા એ આદિ જનક-જનની-માવતરનો
ચહેરો હું કલ્પ્યા કરું; અવર તો માર્ગ પણ શો ?
હું જાણું આવું કૈં; જનક જનની આરસ-નકશો
વહેંચાતો આવે નિજ પ્રસૂતિમાં મ્હોં ઉપરનો.
અહો, ક્યાં એ આદિ જનક જનની આદિની કથા ?
-પછી’તો પેઢીઓ વીતી ગઇ કંઇ પાર વણની !
ચહેરે ભૂંસાતી ઉપટી જતી રેખાની કવની !
હું તૂટી રેખાના શકલ કણ, ચ્હેરે ગ્રથું યથા;
વિચારો આવે છે ઘણી વખત આવા પણ સખી !
મને તારા પ્રત્યે ક્યમ નિતનું આ કર્ષણ કંઇ !
પુરાણો કો ચહેરો તું-હું બિચ પડ્યો છે વિખરઇ !
મને તે ખેંચે છે, છવિ વિરચું છેકું લખી લખી;
હું તારી ને મારી ત્રુટક યદિ રેખા સ્રજી શકું
બને, પેલો ચ્હેરો અસલ પુરખાનો ભજી શકું.
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – વિદાય વેળાએ વિસર્જન વિધિ
(શિખરિણી સૉનેટ)
વિદા લેવાની યે પળ પણ પૂગી અાવી; જવું છે
અજાણ્યા અાઘેના પરિચય વિનાના મુલકમાં;
ઉલ્લંઘાશે રેખા સરહદી અહીંની પલકમાં,
વિસર્જી અાંહીનું વજન અહીં, ખાલી જ થવું છે;
ઘણો લાંબો – જાણું છું હું પથ અને એકલ જવું;
ઉતારીને બોજો િશર, પીઠ અને કાંધ પરથી;
ચઢાણો યે હોંશે ગિરિસમ સીધાં કૈં શિખરથી,
ઉસૅટી ઇચ્છાઅો, સ્મૃિત પણ, થવું સાવ હળવું;
‘વિસર્જું, લ્યો, જાઅો ગગન મુજ, અાદિ ગગનમાં,
મહારી પૃથ્વી તે પૃથુલ પૃથિવીમાં ભળી જજો;
મહારા પાંચે ય ભૂત, અસલ પંચત્વ ભળજો,
રહેજો ના બાકી કંઈ જ હુતશેષે જગનમાં;
પરંતુ કેમે ના છૂટત હિય, જ્યાં પ્રીત ઊછરી;
જઉં કોને અાખી સમજ ન પડી;
અનહદ ! તને લે, દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી.’
– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
‘ કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક ઘાએક ઘા
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે
રે
!
કિન્તુ
ફરી
કદી
હવે
પાસ
મ્હારી
ન
આવે
,
આવે
ત્હોયે
ડરી
ડરી
અને
ઇચ્છતું
ઊડવાને
;
રે
રે
!
શ્રદ્ધા
ગત
થઇ
પછી
કોઇ
કાળે
ન
આવે
,
લાગ્યા
ઘાને
વીસરી
શકવા
કાંઇ
સામથ્યૅ
ના
છે
.
– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
‘ ખામોશ’ મૌન બલોલી ચંદુભાઈ પટેલ – મેળવણ ના પગને
મેળવણના પગને ક્યાં ઝાંઝર હતું,
શાંત રીતે સૌનું રૂપાંતર હતું.
જાય તો પણ ના કશું ઓછું થતું,
‘ચાહવું’ એ તો અખેપાતર હતું.
કેમ એ અસ્વસ્થ થઈ ભટકયા કરે?
સ્વસ્થતામાં માપસર જીવતર હતું.
જોઈ એને નડતરો આઘાં હટે,
પણ પડેલો પથ કહે, નીંભર હતું.
આમ ના આહ્લાદ પડખું ફેરવે,
કોઈ મારામાં અવર અકસર હતું.
લીન ગુપચુપ દૂર ઝગમગતી હતી,
કોક મંડલ નભનું ધરતી પર હતું.
રૂબરૂમાં આંખ ખૂલે ને મીંચે,
ભીતરે કેવળ બધું સુંદર હતું.
શી રીતે ‘ખામોશ’ની ઓળખ મળે,
એકલું અંધારું એના પર હતું !
– ‘ખામોશ’ મૌન બલોલી ચંદુભાઈ પટેલ
‘ દીપ’ દીપક પરમાર – હા! હું પતંગ છું
રંગબેરંગી ઉંચા આકાશમાં,
આમ-તેમ ઝોલા ખાતો,
હા! હું પતંગ છું.
એક હાથથી બીજા હાથમાં,
શુક્ક્લના નામે પીંખવાતો,
હા! હું પતંગ છું.
બીજાના પેંચની રમતમાં,
આખરે હુંજ કપાતો,
હા! હું પતંગ છું.
રોડમાં,મેદાનમાં,ધાબામાં,
બસ! હુંજ લુંટાતો,
હા! હું પતંગ છું.
જીવનના છેલ્લા દીવસોમાં,
કોઈ ઝાડ કે તારમાં અટવાતો,
હા! હું પતંગ છું.
ના મન હોય મારું ઉડવામાં,
કુંચો કરી ખુણામાં ફેકાતો,
હા! હું પતંગ છું.
“દીપ”ને આ જગતમાં,
બસ! હુંજ સમદુઃખી લાગતો,
હા! હું પતંગ છું.
– ‘દીપ’ દીપક પરમાર
‘ પ્રેમોર્મિ’ રમેશ પટેલ – આવીને દેતીતું સાદ
કેટલીએ વાર મારા અંતરના બારણાએ આવીને દેતીતું સાદ
સૂતાં કે જાગતાં સ્મરણોના ઓરડામાં આવે છે ગુંજતો એ નાદ
દૂરે અધિક મુજથી, અંગ અંગ તોયે તોયે જાણે કે મારી નજીક
પૂરે અજાણતામાં અંગ થાતાં થાતાં, જાણે કે આતમડો એક
મૌન મહીં મૌન રહીને, હ્રદય નીકુંજે પેલો કેકા કરે મનનો મોર
ત્યારે જાણે મારાં રોમ રોમ જાગી જાતાં, આનંદ આનંદ છોર
– રમેશ પટેલ (પ્રેમોર્મિ)
‘ પ્રેમોર્મિ’ રમેશ પટેલ – સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.
તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ
તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને
મારો રે રંગ છે અજોડ.
તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો “હું” અજોડ.
તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને
મારો એ “માંજો” અજોડ.
તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના “સંગ” તું અજોડ.
– રમેશ પટેલ (પ્રેમોર્મિ)
‘ પ્રેમોર્મિ’ રમેશ પટેલ – હું અકાશ અને તું ધરતી
હું અકાશ અને તું ધરતી
મને યુગ યુગથી તું ગમતી.
હું ઝૂરતો રહું વિરહમાં
ને રડતો રહું, તું ઝીલતી.
હું ગગન બન્યો તું રેતી
મને કણ કણથી તું ગમતી.
હું ઊંચે રહું અનંતે
તું ચરણો રહી પખાળી.
હું અનંત, તું અલબેલી
મને દૂર દૂરથી તું ગમતી.
હું હળવે રહી ઊતરતો
મને ક્ષિતિજ પર તું મળતી.
હું એકોહમ જ્યાં તુજમાં
તું ગંગા થઇને વહેતી.
– રમેશ પટેલ (પ્રેમોર્મિ)
‘ પ્રેમોર્મિ’ રમેશ પટેલ – હું તને ચાહી શકું છું
તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું છું.
પાંખ વીણ હું એ સપનમાં આનંદથી ઊડી શકું છું.
તું મને સમજે ન સમજે, હું તને સમજી શકું છું
કો પર્ણસૂકા વ્રુક્ષમાં યે, હું નઝારો માણી શકું છું.
તું મને તવ તત્વ માને ન માને,હું તને માને શકું છું.
આત્માના એકત્વમાંયે હું તને પામી શકું છું.
તું કદી બોલે ન બોલે, હું સહજ બોલી શકું છું.
કો ઝરણાનાં નીર જેમે, હું અમર ગુંજી શકું છું.
તું મન દેખે ન દેખે, હું બધે દેખી શકું છું.
આ અગમ અંધાર ને પેલે પણે ભાળી શકું છું.
તું મને કર યાદ ના પણ હું તને સમરી શકું છું.
હું એ બધા ભૂતકાળને ભેદી તને શોધી શકું છું.
– રમેશ પટેલ (પ્રેમોર્મિ)
‘ મંગલપંથી’ મગન મકવાણા – નોખો હોય છે
એ જ શબ્દો સાર નોખો હોય છે,
દિલથી જ્યારે તાર નોખો હોય છે.
ઝીણી ક્ષણ પણ કારમી લાગે કદી,
લાગણીનો ભાર નોખો હોય છે.
સોળ એની છે કળા, નિર્બળ છતાં,
આ સમયનો વાર નોખો હોય છે.
એક સરખો પ્રાસ મળતો કેમ ના.?
સૌને અહીં ઘડનાર નોખો હોય છે.
રામ-રાવણની થશે ક્યાંથી પરખ.?
એને ક્યાં આકાર નોખો હોય છે.
ક્યાંક તાડૂકે ને તડપે ક્યાંક એ,
વ્હાલનો વિસ્તાર નોખો હોય છે.
કામ લાગે ના પુરાણી ગોઠવણ,
નિત નવો પડકાર નોખો હોય છે.
– ‘મંગલપંથી’ મગન મકવાણા
‘ મંગલપંથી’ મગન મકવાણા – યાદ
ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી !
ક્યાંક નક્કી યાદની હેલી ચડી !
– મગન મકવાણા ‘મંગલપંથી’
– ‘મંગલપંથી’ મગન મકવાણા
‘ રુસ્વા મઝલૂમી / પાજોદ દરબાર’ ઇમામુદ્દીનખાન બાબી – કોણ માનશે ?
મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે ?
મારોય એક જમાનો હતો કોણ માનશે ?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે ?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?
માની ર્હ્યુ છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’નો હતો કોણ માનશે ?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે ?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે ?
રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે ?
– ‘રુસ્વા મઝલૂમી / પાજોદ દરબાર’ ઇમામુદ્દીનખાન બાબી
‘ વિનાયક’ અશ્વિન ચૌધરી – વાલ્મિકી બને જો કોઇ
વાલ્મિકી બને જો કોઇ,
દુનિયા આખી ને કેમ પેટમાં દુ:ખે છે ?
ને વાલિયાઓ કંઇ પણ કરે ,
કોણ અહી આજે પૂછે છે ?
કરીએ વાત સીધી, સરળ ને સત્ય તો,
સાલું એ જ બધા ને ખુંચે છે
સત્યને વળગી રહેનારાઓ નાં આંસુ
આજકાલ કોણ અહીં લૂછે છે ?
બનાવટી ચહેરાઓ લગાવી રામનાં,
રાવણો અહીં ખુન ચુસે છે
વિભિષણો દર દર ઠોકરો ખાઇ ને,
કુંભકર્ણ ને કેમ જગ આખું પૂજે છે ?
નિર્દોષને થાય ફાંસીની સજા,
તો કદાચ એટ્લું આકરું ના લાગે
પણ આજીવન કારાવાસ થાય વિનાવાંકે,
તો જખ્મો જીવતેજીવ ક્યાં કદી રૂઝે છે ?
દુનિયા આખાની પડી નથી મને પણ,
વેણ કડવાં “એનાં” હજી કાનમાં ગુંજે છે
સાલું, મગજ બહેર મારી ગયું
હવે મને ક્યાં કશું સુઝે છે ?
– અશ્વિન ચૌધરી ‘વિનાયક’ 15/03/2012
‘ શીલ’ કનુ સૂચક – એકડો ફરીથી ઘૂંટીએ
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ,
આડે મીંડા બધાંને કોરે મૂકીએ …….
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ
જાણી છે પાનખર, માણી વસંત કદી,
મોસમની બદલાતી પાળી,
આયખાની પાટીમાં આળખેલી રેખાઓ,
ચાલો તમામ ભૂંસી દઈએ …..
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ
આવે છે આલબેલ અણજાણી કોરથી,
હૈયે પડઘાતી સૂર વાણી,
અંતર અનંતમાં કેટલાયે દરિયાઓ,
શૂન્યને સુકાન સોંપી વહીએ ….
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ,
આડે મીંડા બધાંને કોરે મૂકીએ …….
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ
જાણી છે પાનખર, માણી વસંત કદી,
મોસમની બદલાતી પાળી,
આયખાની પાટીમાં આળખેલી રેખાઓ,
ચાલો તમામ ભૂંસી દઈએ …..
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ
આવે છે આલબેલ અણજાણી કોરથી,
હૈયે પડઘાતી સૂર વાણી,
અંતર અનંતમાં કેટલાયે દરિયાઓ,
શૂન્યને સુકાન સોંપી વહીએ ….
ચાલને સખી એકડો ફરીથી આમ ઘૂંટીએ
– કનુ સૂચક, ‘શીલ’
‘ શેષ’ રામનારાયણ પાઠક – છેલ્લું દર્શન
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
-‘શેષ’ રામનારાયણ પાઠક
‘ અક્ષિતારક’ સ્નેહા પટેલ – હાઉસવાઈફ
એલાર્મ વાગ્યું,
ઓહ..૫.૪૫ થઈ ગઈ,
બાપ રે, બહુ મોડું થઈ ગયુ આજે તો.
દીકરાને સ્કુલે મોડું ના થઈ જાય ક્યાંક.
હાશ…એ તો ટાઈમસર પરવારી ગયો,
હવે પતિદેવનો વારો.
ચાલો,ચા-નાસ્તો, ટીફીન. પતાવો ફટાફટ..
ઓહો…આજે આ માથું કેમ દુ:ખે છે?
અરે..મારી સવારની ચા તો ઠરી જ ગઈ,
ભૂલી જ ગઈ પીવાની..
હાશ…હવે શાંતીથી પેપર વાંચવા દે,
મારા મન-ગમતા ન્યુઝ જોવા દે,
આહ..એક કાંટો ફરી સળવળ્યો, શેનો?
છોડી દીધેલ મનગમતી કેરિયરને લગતા સમાચાર નજરે ચડી ગયા ને આજે ..
ચાલે રાખે એ તો..!!!!!!
આ ઘર .મારા પતિદેવ,મારો દીકરો, બધુ વધુ મહત્વનું,
આવી વાતો વાંચવી જ નહી
નકામી મારા અસ્તિત્વની શોધ-ખોળ ચાલુ થઈ જાય અંદરખાને.
દબાવી રાખેલ ચિનગારીઓ…!!!
ચાલો ચાલો..કામવાળી આવશે,
આજે તો બિલ ભરવાના છે..છેલ્લી તારીખ છે ને પાછી…
દુધવાળો પણ જપતો નથી.
આજે પેલી સાચવી રાખેલ ૧૦૦૦ની નોટ વટાવીને પણ પૈસા ચૂકવી જ દેવા દે.
મારી બ્લડ-પ્રેશરની અને વિટામીન્સની દવા તો પછી લેવાશે,
કંઈ ૪-૫ દિવસ ના લઉ તો મરી થોડી જઈશ.
ચાલે..તડજોડ તો કરવી જ પડે ને આજની મોંઘવારીમાં..!!!
આ ઘર ચલાવવું કંઈ સહેલું થોડું છે?
કેટ કેટલી ગણત્રી કરવી પડે એ તો.
આજે તો રેખાબેનને ત્યાં વ્યવહારમાં પણ જવાનું છે,
વ્યવ્હાર તો સાચવવા પડે ને.!!
સેવાપૂજા,જમવાનું રસોડું આટોપ્યું,,હાશ..
ચાલો,સોનાલીને ત્યાં કોઈ મિટીંગ જેવું છે તો જઈ આવું,બહુ કહે કહે કરે છે ને.
આવો આવો સ્નેહાબેન…કેમ છો.? આ મારી સખીઓ,,ચાલો ઓળખાણ કરાવું,
આ રીટા-ઈંટીરીઅર ડેકોરેશન કરે છે..બહુ કમાય છે.
આ સીમા-મેનેજરના પદ પર છે.
સીમબેન અને રીટાબેને મારી સામે જોઈ સોનાલીને પુછ્યું,
“આમનો પરિચય?”
“એ સ્નેહાબેન,હાઉસ વાઈફ..”
મને ગર્વ થઈ આવ્યો…હાસ્તો, હાઉસની મેનેજર…”
પેલા બે ય મારી સામે જાણે એક તુરછકારની ભાવનાથી જોતા હતા,
કે મારો દ્રષ્ટ્રીભ્રમ ?
ત્યાં તો સીમાબેન કહે..”બસ…ખાલી હાઉસવાઈફ…..!!!”
– ‘અક્ષિતારક’ સ્નેહા પટેલ
‘ અચલ’ મહેન્દ્ર વ્યાસ – કોઇ પ્રીત કરી તો જાણે !
કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે !
– મહેન્દ્ર વ્યાસ ‘અચલ’
‘ અદલ’ અરદેશર ફ. ખબરદાર – ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
. અમારી ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
. અમારી ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
. અમારી ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
. અમારી ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
. અમારી ગુણવંતી ગુજરાત !
હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
. અમારી ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
. અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
– ‘અદલ’ અરદેશર ફ.ખબરદાર
‘ અદલ’ અરદેશર ફ. ખબરદાર – ચાંદની રાત ને કેસરિયા તારા
ચાંદની રાત ને કેસરિયા તારલા,
રાસે રમવા આવજો જી રે !
સરખી સમાણી સૌ સહિયર સાહેલીઓ
સાથે તેડી લાવજો જી રે !
આણી મેર ગંગા ને પેલી મેર જમના,
વચ્ચે વૃંદાવન ચોક છે જી રે;
ગોકુળ ને મથુરા ને વ્રજ ને વૈકુંઠ,
આવ્યાં ચૌદે લોક છે જી રે.
પગલે-પગલે ઝબૂકજો વીજળી,
ફૂલડાં ફૂટજો હાથમાં જી રે;
રાસે રમતાં ને ઘૂમરી ઘૂમતાં
તાળી પૂરજો સાથમાં જી રે !
નંદનવનથી મોંઘી છે ગુર્જરી
ગરબા ગરબી રાસથી જી રે;
ગુર્જરી કુંજ છે દેવોને દોહ્યલી
ગુર્જરી રાસના ઉલ્લાસથી જી રે !
સારા સંસારના તાપથી તારવા
સૂરના ફૂવારા ઉડાડજો જી રે;
કંઠે કલ્લોલતાં, હૈયાં હીંચોળતાં,
રસની પરબ કંઈ માંડજો જી રે !
આભે લખ્યા કંઈ અક્ષર ઉકેલતાં
હાથમાં આવ્યા તારલા જી રે:
રસની રસીલી સૌ સજનીઓ ! આવજો,
કંઠે ઝુલાવજો એ હારલા જી રે !
ચાંદની રાત ને કેસરિયા તારલા;
રૂમઝૂમ રૂમઝૂમ ખેલજો જી રે :
ઉરને આંગણ ધમકે ધમકતાં
અદલ આનંદે રેલજો જી રે !
– ‘અદલ’ અરદેશર ફ.ખબરદાર
‘ અદલ’ અરદેશર ફ. ખબરદાર – સદાકાળ ગુજરાતજ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
ઉત્તર દક્ષિણ પૂર્વ કે, પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં,સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી,તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
ગુર્જર વાણી,ગુર્જર લહાણી,ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉઘમ પ્રીત.
જેને ઉર ગુજરાત હલાતી,તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જૈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર મ આત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
અણકીધાં કરવાના કોડે,અધૂરાં પૂરાં થાય;
સ્નેહ,શૌર્ય ને સત્ય તણા ઉર,વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી,જય જય ધન્ય અદલ ગુજરાત !
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
– ‘અદલ’ અરદેશર ફ.ખબરદા
‘ આદત’ વિજય મકવાણા – કવિતા એટલે
કવિતા
એટલે ફીફા ખાંડવા..
બે-ચાર
શબ્દોને જોડીને
ગલગલીયા ને ઝળઝળિયાં
પીડા થાય એવું લખવાનું..
જો એવુજ હોત તો..
વાલ્મીકી ફીફા ખંડતો હતો,
ને કાલિદાસ,ભવભૂતિ
ખેતમજૂર હતા,
પણ તને હું શા માટે સમજવું છું..આ બધું ?
તું તારે ટીપ્યા રાખને
બાજરી ના રોટલા..!!
મને તો તું જેવી દેખાય છે
તેવી ચીતરું છું ..
તું ઘર આખા નો એઠવાડ સાફ કરી ને
મારી પાસે આવ તોય હું
તને રાત રાણી કેહવાનો..
તારી હાથ ની રેખાઓ
માં પ્રસરી ગયેલી ચીકાશ .માય મને
મારું નસીબ રૂપાળું લાગે છે,
કારણ કે તું મને ગમે છે ..
હું અનંત
જન્મો સુથી તારા હોવાપણા નો લહાવોલૂટવા માંગું
છું ,
આવું બધું અઘરું અઘરું
ભલે તું કઈ ના સમજ
પણ હું સમજુ છું
કવિતા એટલે માત્ર ફીફા ખાંડવા એવું
નથી ..
કવિતા એટલે ‘તું’
અને ‘તું’ એટલે.?
મારા નિરંતર ચાલતા શ્વાસોશ્વાસ..
મારી છાતી માં ઉગેલું ઝાડ,
ને એથીય વધુ..
મૃત્યુપર્યંત નો સાથ..
તું નહિ સમજે.. જવા દે કારણ કે..
કવિતા એટલે માત્ર ફીફા ખાંડવા..
અને હું ખાંડીશ..!!
– ‘આદત’ વિજય મકવાણા(સુરેન્દ્રનગર)
‘ ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ – અલ્લા બેલી
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે.
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારે છાતીમાં, જુદેરું કો શૂર છે
છોને એ દૂર છે!
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ
‘ ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ – ન હું ઝાઝું માગું
ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું; ટેક.
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ તેની બળતરા,
વિના ચીસે,
વિના રીસે,
બસ સહનનું એવું બળ દે.
ન હું ઝાઝું …
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિ શત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ ન એવું કદી બને.
બસ સહનનું એવું બળ દે.
ન હું ઝાઝું …
મુજ જ જીવન છો ન એ વિફલ આ બને,
તોયે કો’નાં ઉ ર-ઉપવન ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે;
મુજ થકી કશુંયે નવ બને;
બસ સહનનું એવું બળ દે.
– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ
‘ ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ – પાંજે વતનજી ગાલ્યું
પાંજે વતનજી ગાલ્યું – સુંદરજી બેટાઇ
કચ્છી બોલીની છાંટ ધરાવતું આ કાવ્ય નિશાળમાં ભણ્યાં હતાં. વતનના બધા લોકોના
સ્મૃતિચિત્રો આપણી આંખ સામે તરવરી ઉઠે છે. આપણા બાળપણ અને વતનની યાદને જીવંત
કરતું આ કાવ્ય માણીયે.
કવિ – સુંદરજી બેટાઇ
પાંજે વતનજી ગાલ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
દુંદાળા દાદજી જેવા એ ડુંગરા
ઉજ્જડ છો દેખાવે ભૂંડાને ભૂખરાં.
બાળપણું ખુંદી ત્યાં ગાળ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું..
પાદરની દેરી પર ઝૂકેલા ઝૂંડમાં
ભર્યે તળાવ પેલા કૂવા ને કુંડમાં
છોટપણું છંદમાં ઉછાળ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
પેલી નિશાળ જ્યાં ખાધી’તી સોટીયું
પેલી શેરી જ્યાં હારી-ખાટી લખોટીયું
કેમે ના ભુલાય કાન ઝાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
બુઢ્ઢા મીઠીમા એની મીઠેરી બોરડી
ચોકી ખડી એની થડ માંહે ઓરડી
દીધાં શાં ખાવા અમે ઝંઝેરી બોરડી
બોર ભેગી ખાધી’તી ગાળ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
બાવા બજરંગીની ઘંટા ગજાવતી
ગોમી ગોરાણીની જીભને ચગાવતી
ગોવા નાઇની છટાને છકાવતી
રંગીલી રંજીલી ગાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
વ્હાલભર્યા વેલામાં ચંચી એ ચીકણી
તંતીલી અંબા ને ગંગુ એ બીકણી
શ્યામુકાકાની એ ધમકીલી છીંકણી
જેવું બધુંય ગયું હાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
છોટી નિશાળમાંથી મોટીમાં ચાલ્યા
પટ પટ અંગરેજી બોલ બે’ક ઝાલ્યા
ભાઇ ભાઇ કહેવાતાં અકડાતા હાલ્યાં
મોટપણું મ્હોરંતુ ચાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
(શબ્દાર્થ – પાંજે – આપણાં, ગાલ્યું – વાતો)
– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ
‘ ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ – બાની ચીમટી
‘હતો તું તોફાની,
અરે જિદ્દી માની,
કદિ કદિ મને ખૂબ પજવી,
અને મેં યે રીસે ઘણી ઘણી તને ચૂંટી ય ખણી,
સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી.
‘અરે, તું શું જાણે?
હતો તું એ ટાણે
કની ઠમકતો બાલ ભૂલણો;
ઘડી પહેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો,
ફરી મારો ખોળો ભરી હ્રદય મારું ભરી જતો.
***
“મીઠી માડી મારી,
ભરી દૂધે ઝારી
મુજ મુખ ધરીને ઊલટઠી
ન શું પાયાં મોંઘાં અમૃતઅધિકાં દૂધ દિલનાં?
ન શું છાનાં હેતે નયન-ઉર ઉદ્દીપિત કર્યા?
ન શું નીચોવીને મુજ જીવનમાં જીવન ભર્યા?
“તું તો મારી બા- એટલું બસ મને નિત્ય સ્મરવાઃ
નવ હું સ્મરતો લાત પ્રહરી,
અવ વિસરી જા, બા તું ચીમટી.
– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ
‘ ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ – મારી રે વાડીમાં ચંપો મહોરિયો
મેઘતણી વાડીમાં વીજલ-વેલ;
મારી રે વાડીમાં ચંપો મહોરિયો!
છલકાતી છંટાતી આભલ-હેલ;
છાંટે રે છંટાતો ચંપો મહોરિયો!
આ ભેરે અંકાઇ સોનલ-સેર
મારી રે વાડીમાં ચંપો મહોરિયો!
છે આભે સોનેરી ઝાકઝમેર;
મારી રે વાડીમાં ચંપો મહોરિયો!
આભતણા આઘેરા સોનલ-મેર;
મારે રે મંદિરિયે ચંપો મહોરિયો!
એ આઘા સોનામાં ગંઘ ન સેર;
મારો તો સોનેરી ચંપો મહોરિયો!
– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ