Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)

જયન્ત પાઠક - રોકો વસંતને

May 14th, 2008

જયન્ત પાઠક / Jayant Pathak

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફૂલડાંના ફાલ
લાવતી રોકો વસંતને

એ તો આંગણને આંબલિયે ટહૂકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે!
મારા ઝૂરતાં જીવન સાથ રંગે ચડે!
એની વેણુમાં વેદનાનું વહાલ
વહાવતી રોકો વસંતને.

          - જયન્ત પાઠક (Jayant Pathak. Roko vasant ne. Kavita / Poems in Gujarati. Literature and art site)

સાહિલ - જીવે છે

May 13th, 2008

વચ્ચે ભીની રઢ જીવે છે,
ફરતો વજ્જરગઢ જીવે છે.

ક્યાંક વમળના ચકરાવામાં,
લીરા લીરા સઢ જીવે છે.

વેરણ છેરણ જીવતર વચ્ચે,
બસ ઇચ્છા એક દૃઢ જીવે છે.

મૌન પળોને વાંચી લેતો,
છાતીમાં અનપઢ જીવે છે.

ફૂલોની સોંસરવા ‘સાહિલ’
ઘાવ જનોઇવઢ જીવે છે.

          - સાહિલ (Sahil. Jivae chhe. Ghazal in Gujarati. Literature and art site)

અંકિત ત્રિવેદી - વખત ક્યાં છે?

May 12th, 2008

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

મને હારી જવાનો ડર નથી તોય -,
ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

તમારી આંખમાં ખોયું હતું મેં જે -,
મને પાછી જરૂરત એ જગત ક્યાં છે?

ખરેખર તો શરૂ તૂટયા પછી થાશે,
અરે!સંબંધ છે આ તો શરત ક્યાં છે?

          -અંકિત ત્રિવેદી(Ankit Trivedi - Vakhat kya chhe. Ghazals in Gujarati. Literature and art site)

પ્રણવ પંડ્યા - હરિવર

May 11th, 2008

હરિવર આંખ ઉઘાડો થોડી
માંડ ઊભો છું ભાંગેલા આ બેઉ હાથને જોડી

બેક દિવસ હરિયાળા જોઇ ભૂલી ગયો હું ભાન
એમ તમે ઉથલ આવ્યા ગિવસો જેમ ખરેલાં પાન

બધા ગુનાને ગણકારીને તમે તારજો હોડી

હરિવર મારા શ્બ્દોનો પરસાદ ચલાવી લેજો
હરિવર મારા મેલા ઘેલા મનની માથે રેજો

એક તમે: હું દુ:ખમાં જેની પાસે આવું દોડી.

         - પ્રણવ પંડ્યા (Pranav Pandya - Harivar. Kaivta in Gujarati. Literature and art site)

‘ખ્વાબ’ મદનકુમાર અંજારિયા - તથાસ્તુ

May 10th, 2008

વાસ્તવમાં
કૈકેયીએ માગ્યાં હતાં
આ બે વરદાન:
રામનું વિશ્વ
અને વિશ્વના રામ.

       -‘ખ્વાબ’ મદનકુમાર અંજારિયા(’Khwab’ Mandankumar Anjaria. Tathastu.Kavita / Poems, Vicharo in Gujarati. Literature and art site)

સુધા ભટ્ટ - મૈત્રી

May 7th, 2008

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી
છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ
સૂર્ય, નહીં વિસારું - તારી છાયામાં ભમીશ.

         - સુધા ભટ્ટ (Sudha Bhatt. Maitri. Shayari, Vicharo in Gujarati. Literature and art site)

અનામી - પૈસાનું ગ્રુપ

May 6th, 2008

          - અનામી (Aanami - Paisa nu group. Poems in Gujarati. Literature and art site)

વિનોદ ભટ્ટ - દરેક સફળ પુરુષની પાછળ…

May 4th, 2008

એ વખતની કેટલીક સ્ત્રીઓ પણ એવું માનતી કે ઈશ્વરે તેને જવાહરલાલ માટે જ ઘડી છે, તે જવાહરનું પણ ઞવેરાત છે

એક અંગ્રેજી કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે ને એ સ્ત્રીની પાછળ તેની પત્ની હોય છે. નસીબદાર સફળ પુરુષોની પાછળ એક નહીં, અનેક સ્ત્રીઓ હોય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ કિલન્ટનની પાછળ એક ડઞન કરતાં વધારે સ્ત્રીઓ હતી. આની જાણ થતાં અમેરિકન પ્રજાને કિલન્ટનની ઇષાર્ થવાને બદલે તીવ્ર આઘાત લાગ્યો હતો. અમેરિકન પ્રજા આવી બધી નાજુક બાબતોમાં અત્યંત સંવેદનશીલ છે. પ્રમુખના ચારિત્ર્યના મુદ્દે તે જરાય બાંધછોડ નથી કરતી. પ્રજા પોતે ભલે ગમે તેમ વર્તે, કયારેક છાનગપતિયાં કરી લે પણ તેમનો પ્રમુખ તો સ્ત્રી અને શ્રી (પૈસા)ની બાબતમાં મુઠ્ઠીઊંચેરો જ હોવો જૉઇએ. યથા પ્રજા તથા રાજા જેવું તે હરગીઞ ચલાવી ન લે. પોતાના પ્રમુખ વિશેની અપ્રિય, ગંદી-ગોબરી વાતો જાણીને પ્રજા બેચેન થઈ જાય છે.
Read the rest of this entry »

‘નિરંકુશ’ કરસનદાસ લુહાર - તરસ

May 3rd, 2008

લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં ચાલશે.
         - ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (’Nirankush’ Karsandas Luhar - Taras. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

સરોજબહેન અડાવતકર - જીવન કિતાબનાં પાનાં ફેરવતાં

May 2nd, 2008

       જીવન કિતાબનાં પાનાં ફેરવતાં,
       જોયાં જિંદગીના વિધવિધ રૂપ
       કોઈ સોનેરી કોઈ રૂપેરી કોઈ રંગબેરંગી
       રંગોની મહેફિલમાં ખોવાયું મન.

પહેલું પાનું હાથ આવતાં
જોયું રમત રમતું, નિખાલસ બાળપણ
ઢીંગલા ઢીંગલીની રમત
આંધળો-પાટો અને સંતાકૂકડી
બાળમિત્રો સાથેની ઝગડા ઝગડી
મન ફરી બની ગયું, બાળક.

       બીજા પાનામાં જોઈ અલ્લડ મસ્તી
       યૌવનની ખુમારી નખરાળી વેશભુષા
       બેફિકરી ચાલ સ્વપ્નોના ઉત્તુંગ શિખરો
       ફરી મન બની ગયુ એવું જ અલ્લડ.

ત્રીજું પાન ઉઘાડતાં
ઓહ ! દેખી સંસારની માયાજાળ
હડીયાપટ્ટી, ન ઘડીની ફૂરસદ
દોડાદોડીમાં વીતી ગયાં વરસો
ન દેખાયું કશું પથ પર …….

       ચોથું પાનું …. બસ નિરાંત જ નિરાંત
       મન દોડતું રહ્યું તન થાકેલું રહ્યું
       સવાર સાંજ નિત ઊગતાં આથમતાં રહ્યાં
       છતાં સમય જાણે થંભી ગયો
       થયું, કરવાના કામો તો અનેક બાકી રહ્યાં
       ઊઠી એક જ આશ
       સમયને થોભવા દે
       કરી લઉં અધૂરાં કામ.

       - સરોજબહેન અડાવતકર (SarojBen Adavatkar - Jeevan ni kitaab na paana feravta. Kavita / Poems in Gujarati. Literature and art site)

રશીદ મીર - સીધું કિરણ

April 29th, 2008

સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો,
પડછાયો જોતજોતામાં તડકો બની ગયો.
પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’
ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.

         - રશીદ મીર(Rashid Mir. Sidhu kiran. Shayari, Vicharo in Gujarati. Literature and art site)

નૂર પોરબંદરી - મારા ઘરમાં

April 28th, 2008

હું મારા ઘરમાં રહીને ખુદ મને મળી ન શકું,
ખુદા કોઇને કદી એમ લા-પતા ન કરે !

         - નૂર પોરબંદરી (Noor Porbandari- Mara Ghar ma. Vicharo in Gujarati. Literature and art site)

હરીન્દ્ર દવે - ઉખાણું

April 16th, 2008

         દૂધે ધોઇ ચાંદની
                  ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
         વાત સમજ તો વ્હાલમ
         ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
         ભેદ સમજ તો તને વસાવું
         કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;
         દાખવ તો ઓ પિયુ !
         તને દઉં હૈયાની ઠકરાત.

          -હરીન્દ્ર દવે (Harindra Dave - Ukhanu. Kavita, Poems in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા - ઘડપણ કેણે મોકલ્યું

April 15th, 2008

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.

      -નરસિંહ મહેતા (Narsi Mehta - Dhadapan kone mokaliyu. Kavita /Poems, Lok Sahitya, in Gujarati. Literature and art site)

અનિલા જોશી - સૈયર, શું કરીએ?

April 14th, 2008

કોયલ ટહુકે સવારના, ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો, ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?

ઉંઘમાં જાગે ઉજાગરો, ને સમણાંની સોગાત
સૈયર, શું કરીએ?

મૂગામંતર હોઠ તો મારા, ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું, કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરીએ?

પગમાં હીરનો દોર વીંટાયો, ને ઝરણાનો કલનાદ
સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો, ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?

       - અનિલા જોશી(Anila Joshi - Saiyar shu kariyae. Kavita / Poems in Gujarati. Literature and art site)